હુમાયુ : જીવ બચાવવા યુદ્ધમાંથી ભાગી જનાર મુઘલ બાદશાહનું મોત પહેલાંનું જીવન કેવું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા

- હુમાયુનો જન્મ 1508ની છઠ્ઠી માર્ચે કાબુલમાં થયો હતો અને તેઓ ભારતની ગાદી પર બિરાજ્યા ત્યારે તેમની વય માત્ર 27 વર્ષ હતી
- 1530ની 30 ડિસેમ્બરે હુમાયુએ ભારતની ગાદીની સંભાળી હતી
- તેમને ક્યારેક સફળતા મળી હતી તો ક્યારેક ઘોર નિરાશા
- બાબરે બાર વર્ષના હુમાયુને બદકશાંના ગવર્નર બનાવ્યા હતા
- 17 વર્ષની વયે હુમાયુ પિતા સાથે ખભેખભા મિલાવીને લડ્યા હતા
- બાબરનામા અનુસાર, “પાણીપતમાં જીત બાદ મેં તેને આગ્રા કબજે કરવા મોકલ્યો હતો. ત્યાં ગ્વાલિયરના રાજાના પરિવારે તેને એક મોટો હીરો આપ્યો હતો
- તે હીરો એટલો મૂલ્યવાન હતો કે તેની કિંમતથી આખી દુનિયાના લોકોને અઢી દિવસ સુધી ભોજન કરાવી શકાય
- સમ્રાટ તરીકેના પોતાના પહેલા અભિયાનમાં હુમાયુએ 1531માં જોનપુર પાસે મહમૂદ લોદીને હરાવ્યા હતા
- 1539ની સાતમી જૂને ચૌસાની લડાઈમાં હુમાયુનો પરાજય થયો હતો તેમાં હુમાયુએ જાતે ભાગ લીધો હતો અને તેમના એક હાથમાં તીર પણ લાગ્યું હતું
- ગંગા પાર કરતી વખતે તેમનો ઘોડો નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો એક ભિસ્તીએ પોતાની મશક આપીને હુમાયુને ડૂબતા બચાવ્યા હતા
- એ પછી હુમાયુએ તે ભિસ્તીને અડધા દિવસ માટે પોતાની ગાદી પર બેસાડીને તેના અહેસાનનો બદલો વાળ્યો હતો

હુમાયુ વિશેની વિખ્યાત કથા એવી છે કે એક વાર તેઓ ગંભીર રીતે બીમાર પડી ગયા હતા. તેમની હાલત દિવસે-દિવસે કથળતી જતી હતી. એ વખતે તેમના પિતા બાબરે પુત્રના પલંગને ત્રણ ચક્કર લગાવ્યાં અને પ્રાર્થના કરી હતી કે “એ ખુદા, જિંદગીને બદલે જિંદગી દઈ શકાતી હોય તો હું બાબર, મારા પુત્ર હુમાયુની જિંદગી માટે મારી જિંદગી ન્યોચ્છાવર કરવા તૈયાર છું.”
હુમાયુની બહેન ગુલબદને હુમાયુની જીવનકથામાં લખ્યું છે કે “એ દિવસથી બાબરની તબિયત બગડવા લાગી હતી અને હુમાયુ સાજા થવા લાગ્યા હતા. બાબર પથારીવશ થઈ ગયા હતા. તેઓ નહીં બચે એવું લાગ્યું ત્યારે હુમાયુને સંભલથી બોલાવી લેવામાં આવ્યા હતા.”
“હુમાયુ તેમના પિતાના મોતના ચાર દિવસ પહેલાં આગ્રા પહોંચ્યા હતા. બાબરે તેના તમામ સૈનિકોને એકઠા કરીને જાહેર કર્યું હતું કે હુમાયુ મારો વારસદાર બનશે. તમે જે રીતે મારું ધ્યાન રાખ્યું હતું, એ જ રીતે હુમાયુનું ધ્યાન રાખવું પડશે. તેમણે હુમાયુને શિખામણ આપી હતી કે તેણે તેની પ્રજા તથા ભાઈઓનો ખ્યાલ રાખવાનો છે તેમજ તેમની સાથે દયાળુ વર્તન કરવાનું છે.”

ઈબ્રાહીમ લોદી વિરુદ્ધની લડાઈમાં ભાગ લીધો

ઇમેજ સ્રોત, ATLANTIC
હુમાયુનો જન્મ 1508ની છઠ્ઠી માર્ચે કાબુલમાં થયો હતો. તેઓ ભારતની ગાદી પર બિરાજ્યા ત્યારે તેમની વય માત્ર 27 વર્ષ હતી.
આટલી નાની વયમાં તેમણે એ બધા સારા-ખરાબ ગુણ પ્રદર્શિત કર્યા હતા, જે આજીવન તેમની સાથે રહ્યા હતા અને તેને કારણે તેમને ક્યારેક સફળતા મળી હતી તો ક્યારેક ઘોર નિરાશા.
બાબરે બાર વર્ષના હુમાયુને બદકશાંના ગવર્નર બનાવ્યા હતા. 17 વર્ષની વયે હુમાયુ પિતા સાથે ખભેખભા મિલાવીને લડ્યા હતા.
બાબરે તેની આત્મકથા ‘બાબરનામા’માં લખ્યું છે કે “મેં હુમાયુને હિસાર ફિરુઝાના ગવર્નરના નેતૃત્વ હેઠળ ઈબ્રાહીમ લોદીની અગ્રિમ ટુકડીનો સામનો કરવા માટે મોકલ્યો હતો. તેણે લોદીના સૈનિકોને હરાવ્યા ત્યારે મેં હુમાયુને હિસાર ફિરુઝા જાગીર તરીકે આપ્યું હતું.”
“પાણીપતમાં જીત બાદ મેં તેને આગ્રા કબજે કરવા મોકલ્યો હતો. ત્યાં ગ્વાલિયરના રાજાના પરિવારે તેને એક મોટો હીરો આપ્યો હતો. તે હીરો એટલો મૂલ્યવાન હતો કે તેની કિંમતથી આખી દુનિયાના લોકોને અઢી દિવસ સુધી ભોજન કરાવી શકાય. હું આગ્રા પહોંચ્યો ત્યારે મારા દીકરાએ તે હીરો મને ભેટ ધર્યો હતો, પરંતુ એ મેં તેને પાછો આપી દીધો હતો.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સામ્રાજ્ય મજબૂત બનાવવાની ઇચ્છાશક્તિ

ઇમેજ સ્રોત, RUPA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાબરના મોત વખતે મુઘલ શાસન એટલી અસલામતી અનુભવતું હતું કે તેણે બાદશાહના મોતના સમાચાર ત્રણ દિવસ સુધી છુપાવી રાખ્યા હતા. 1530ની 30 ડિસેમ્બરે હુમાયુએ ભારતની ગાદીની સંભાળી હતી.
એસ એમ બર્કે તેમના પુસ્તક ‘અકબર – ધ ગ્રેટેસ્ટ મુઘલ’માં લખ્યું છે કે “હુમાયુ ઘોડેસવારી અને તીરંદાજીમાં પ્રવીણ હતા, પરંતુ તેમનામાં જીતને વધુ મજબૂત બનાવવાની ઇચ્છાશક્તિનો અભાવ હતો. તેમના નેતૃત્વમાં કરિશ્માનો અભાવ હતો અને સાથીઓના સાથની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેમના સાથીઓએ તેમનો સાથ છોડી દીધો હતો, પરંતુ હુમાયુ પાસે મુશ્કેલી દરમિયાન હિંમત ન હારવાનો ગુણ પણ હતો. તેને લીધે તેઓ, પોતાનું ગુમાવેલું સામ્રાજ્ય પાછું મેળવવામાં આખરે સફળ થયા હતા.”
સમ્રાટ તરીકેના પોતાના પહેલા અભિયાનમાં હુમાયુએ 1531માં જોનપુર પાસે મહમૂદ લોદીને હરાવ્યા હતા.
શેરશાહની વધતી તાકાતને કચડવા માટે તેમણે 1534માં પૂર્વમાં જવું પડ્યું હતું, પરંતુ તેઓ ત્યાં પહોંચે તે પહેલાં બહાદુર શાહના ખતરાના સામના માટે પાછું ફરવું પડ્યું હતું.
તેનું પરિણામ એ આવ્યું હતું કે શેરશાહની તાકાત અગાઉ કરતાં અનેક ગણી વધી ગઈ હતી. 1534-35માં હુમાયુએ માળવા તથા ગુજરાત પર વિજય મેળવ્યો હતો.

ચૌસાની લડાઈમાં હુમાયુનો પરાજય

ઇમેજ સ્રોત, ATLANTIC
શેરશાહ પર નિયંત્રણ મેળવવા માટે હુમાયુએ માર્ચ, 1537માં ફરી એક વાર પૂર્વ તરફ કૂચ કરી હતી. તેમણે બંગાળની રાજધાની ગૌડ કબજે કરી હતી.
એ જમાનાના વિખ્યાત ઇતિહાસકાર જૌહર આફતાબચીએ તેમના પુસ્તક ‘તઝકિરાત-ઉલ-વકીયત’માં લખ્યું છે કે “ગૌડ કબજે કર્યા બાદ હુમાયુ પોતાના હરમમાં ગોંધાયેલા રહ્યા હતા અને લાંબા સમય સુધી બહાર આવ્યા ન હતા. ત્યાં સુધી શેરશાહે બનારસ તથા જૌનપુર કબજે કરી લીધાં હતાં અને રાજધાની પાછા ફરવાના હુમાયુના માર્ગ પર આડખિલી સર્જી હતી.”
તેમણે એમ પણ લખ્યું છે કે “1539ની સાતમી જૂને ચૌસાની લડાઈમાં હુમાયુનો પરાજય થયો હતો. તેમાં હુમાયુએ જાતે ભાગ લીધો હતો અને તેના એક હાથમાં તીર પણ લાગ્યું હતું. તેણે આપેલા આગળ વધવાના આદેશનું પાલન એકેય સૈનિકે કર્યું ન હતું. હુમાયુએ પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું. ગંગા પાર કરતી વખતે તેમનો ઘોડો નદીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. એક ભિસ્તીએ પોતાની મશક આપીને હુમાયુને ડૂબતા બચાવ્યા હતા. એ પછી હુમાયુએ તે ભિસ્તીને અડધા દિવસ માટે પોતાની ગાદી પર બેસાડીને તેના અહેસાનનો બદલો વાળ્યો હતો.”

કન્નોજમાં પણ ચાખ્યો પરાજયનો સ્વાદ

ઇમેજ સ્રોત, Getty Images
એ પછીના વર્ષે હુમાયુ પરાજયનો બદલો લેવા નીકળ્યા હતા, પરંતુ અનેક સાથીઓએ તેમને સાથ આપ્યો ન હતો અને હુમાયુના સૈનિકોની સંખ્યા શેરશાહના સૈનિકોની સંખ્યા કરતાં વધારે હોવા છતાં, 1540ની 17 મેના રોજ કન્નોજમાં શેરશાહ સૂરી સામે તેમનો વધુ એક વખત પરાજય થયો હતો.
જૌહર આફતાબચીએ લખ્યું છે કે “અફઘાન સૈનિકો, હુમાયુની નજર સામે તેમનું તોપખાનું લૂંટી રહ્યા હતા. એ વખતે હુમાયુની નજર એક હાથી પર પડી હતી. એ હાથીનો ઉપયોગ એક જમાનામાં તેમના પિતા કરતા હતા. હુમાયુ એ હાથી પર બેસી તો ગયા, પણ તેમને એવું લાગ્યું હતું કે મહાવત હાથીને દુશ્મનની છાવણી તરફ લઈ જઈ રહ્યો છે. એ વખતે છૂપાયેલા એક કિન્નરે હુમાયુના કાનમાં કહ્યું હતું કે તેમણે તલવાર વડે મહાવતનું માથું કાપી નાખવું જોઈએ, પરંતુ હુમાયુને હાથી પર સવારી કરવાનું આવડતું ન હતું અને તેઓ મહાવત વિના આગળ વધી શકે તેમ ન હતા. કિન્નરે તેમને કહ્યું હતું કે હું હાથી પર સવારી કરવાનું જાણું છું અને હું તમને સલામત સ્થળે લઈ જઈશ. એ પછી હુમાયુએ પોતાની તલવાર વડે મહાવતનું માથું કાપી નાખ્યું હતું.”
અકબરનામામાં અબુલ ફઝલે પણ આ ઘટનાની જાણકારી આપી છે, પરંતુ તેમના લખાણમાં કોઈ કિન્નરનો ઉલ્લેખ નથી.
હૈદર મિર્ઝા દોગલતે તેમના પુસ્તક ‘તારીખ-એ-રશ્બિદી’માં લખ્યું છે કે “એ દિવસે હુમાયુ સાથે 17 હજાર સૈનિકો લડી રહ્યા હતા, પરંતુ તેઓ ત્યાંથી ભાગ્યા ત્યારે એકલા હતા. તેમના માથા પર ટોપી કે પગમાં પગરખાં ન હતાં. તેમનો આત્મવિશ્વાસ પણ ઠંડો પડી ગયો હતો.”

ભાઈઓ સાથે મતભેદ

ઇમેજ સ્રોત, JUGGERNAUT
હુમાયુએ કન્નોજથી આગરા સુધીની સફર ઉધાર લીધેલા ઘોડા પર કરી હતી, પરંતુ પરાજયના સમાચાર તેમને મળે તે પહેલાં આગળ પહોંચી ગયા હતા.
જૌહર લખે છે કે “આગ્રાથી અડધે રસ્તે ભાનગાંવ પાસે લગભગ 3,000 ગામવાસીઓએ હુમાયુને રોક્યા હતા. એ ગામના લોકો પરાજિત સૈન્ય પાસેથી લૂંટફાટ કરવામાં કુશળ હતા. હુમાયુએ પોતાના ભાઈઓ હિંદાલ અને અસ્કરી પાસે એ ગામવાસીઓનો સામનો કરવા મદદ માગી હતી, પરંતુ એ લોકો અંદરોઅંદર લડવા લાગ્યા હતા. હુમાયુ કોઈ રીતે એ ગામલોકોથી પીછો છોડાવીને આગ્રા પહોંચવામાં સફળ થયા હતા.”
જોકે, જુલાઈ 1540માં પિતાના મોતના 10 વર્ષ પછી હુમાયુએ આગ્રા પણ છોડવું પડ્યું હતું.
હુમાયુ આગ્રાથી ભાગી રહ્યા હતા ત્યારે શેરશાહે તેમનો પીછો કરવાનું કામ પોતાના રાજપૂત સેનાપતિ બ્રહ્મદત્ત ગૌડને એક મોટી ટુકડી સાથે સોંપ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
અબ્બાસ સરવાનીએ લખ્યું છે કે હુમાયુ સામે લડવાને બદલે તેમનો પીછો કરવાનો આદેશ ગૌડને આપવામાં આવ્યો હતો.
હુમાયુનો પીછો કરવાનો હેતુ તેમને પકડવાનો ન હતો. તેમને હિન્દુસ્તાનમાંથી ભગાડી દેવાનો હતો.
હિંદાલ અને અસ્કરી બન્ને શેરશાહ સામેના પહેલા અભિયાનમાં હુમાયુ સાથે ગયા હતા, પરંતુ ગૌડમાં હિંદલે હુમાયુનો સાથ છોડીને આગ્રા પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો.
હુમાયુની ગેરહાજરીમાં તેણે આગ્રામાં સત્તા સંભાળી લીધી હતી અને ત્યાં તેના નામે ખુતબા પઢવામાં આવતા હતા.
હુમાયુએ શેરશાહ સામે લડવા માટે પોતાના ભાઈઓ સમક્ષ એકતાની દરખાસ્ત રજૂ કરી હતી, પરંતુ તેમનો ભાઈ કામરાન સહમત ન થયા ત્યારે તેઓ તેમના સૈનિકોને લઈને લાહોર જવા રવાના થઈ ગયા હતા.
ગુલબદન બેગમે લખ્યું છે કે “હુમાયુએ લાહોરથી શેરશાહને સંદેશો મોકલ્યો હતો કે મેં આખું હિન્દુસ્તાન તમારા માટે છોડી દીધું છે. મને કમસે કમ લાહોરમાં રહેવા દો. તેના જવાબમાં શેરશાહે જણાવ્યું હતું કે મેં તમારા માટે કાબુલ છોડી દીધું છે. તમે ત્યાં કેમ નથી જતા? એ પછીનાં 15 વર્ષ હુમાયુએ દિલ્હીની ગાદીથી દૂર ઈરાન, સિંધ અને અફઘાનિસ્તાનમાં પસાર કર્યાં હતાં.”

ભારત પર હુમલો

ઇમેજ સ્રોત, Getty Images
મે, 1545માં એક વિસ્ફોટમાં શેરશાહનું મોત થયું હતું. 1553માં તેના પુત્રનું પણ મોત થયા બાદ તેનું સામ્રાજ્ય વિખેરાવા લાગ્યું હતું.
1554માં કાબુલમાં સમાચાર ફેલાયા હતા કે સલીમ શાહ સૂરીનું મોત થયું છે અને તેમના દીકરાને તેના કાકાએ મારી નાખ્યો છે.
એ વખતે હુમાયુએ ભારત પર હુમલો કરીને ગુમાવેલું સામ્રાજ્ય પાછું મેળવવાનો નિર્ણય કર્યો હતો.
નવેમ્બરના મધ્યમાં હુમાયુએ કાબુલથી ભારત ભણી કૂચ શરૂ કરી ત્યારે તેની સાથે 3,000 સૈનિકો હતા.
ભારત પર ચડાઈ દરમિયાન હુમાયુએ ડિસેમ્બર, 1554માં સિંધુ નદી પાર કરી ત્યાં સુધીમાં સૂરી વંશના ત્રણ દાવેદાર બની ગયા હતા. તેમાં મોખરે સિકંદર શાહ હતા.
દિલ્હીથી માંડીને પંજાબના રોહતાસ સુધીનો વિસ્તાર તેમના નિયંત્રણમાં હતો.
એ અભિયાનમાં ભાગ લેવા માટે હુમાયુએ કંધારથી બૈરમ ખાનને આમંત્રણ મોકલ્યું હતું. તેની સાથે તેમનો બાર વર્ષનો પુત્ર અકબર પણ હતો.
1555ની 24 ફેબ્રુઆરીએ હુમાયુએ લાહોરમાં પ્રવેશ કર્યો ત્યારે તેનો કોઈ વિરોધ થયો ન હતો.
સરહિંદમાં થયેલી લડાઈમાં અકબરે એક ટુકડીનું નેતૃત્વ કર્યું હતું.
સિકંદર યુદ્ધના મેદાનમાંથી ભાગીને પંજાબના જંગલમાં છુપાઈ ગયો હતો.
1555ની 23 જુલાઈએ હુમાયુના સૈન્યએ દિલ્હીમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ નસીબે તેમને લાંબો સાથ આપ્યો ન હતો.

સીડી પરથી પગ લપસ્યો

ઇમેજ સ્રોત, Getty Images
1556ની 24 જાન્યુઆરીએ હુમાયુએ ગુલાબ જળ મંગાવીને છેલ્લી વખત અફીણનું સેવન કર્યું હતું.
એ બપોરે હજ યાત્રા કરીને પાછા આવેલા કેટલાક લોકોને તેઓ મળ્યા હતા. તેમણે એ લોકોને લાલ પથ્થર વડે, છત પર બનાવવામાં આવેલા પોતાના પુસ્તકાલયમાં એ લોકોને મળવા બોલાવ્યા હતા.
છત પર તેમને મળવાનું એક કારણ એ હતું કે બાજુમાં આવેલી મસ્જિદમાં જુમ્માની નમાઝ માટે એકઠા થયેલા લોકો તેમના બાદશાહની ઝલક મેળવી શકે.
હજયાત્રીઓ સાથેની મુલાકાત બાદ હુમાયુએ, આકાશમાં શુક્રનો તારો દેખાશે કે કેમ તે જાણવા માટે તેમના ગણિતજ્ઞને બોલાવ્યા હતા.
આકાશમાં શુક્રનો તારો દેખાય એ પવિત્ર દિવસે તેઓ તેમને કેટલાક લોકોની બઢતીનો આદેશ આપવા ઇચ્છતા હતા.
ગુલબદન બેગમે હુમાયુની જીવનકથામાં લખ્યું છે કે “એ દિવસે ઠંડી વધારે હતી અને જોરથી પવન પણ ફૂંકાતો હતો. હુમાયુએ સીડી પરથી ઊતરવાનું શરૂ કર્યું અને બીજા પગથિયે પહોંચ્યા હતા ત્યાં જ બાજુની મસ્જિદમાંથી અઝાનનો અવાજ સંભળાયો – અલ્લાહ ઓ અકબર. હુમાયુ ધાર્મિક વ્યક્તિ હતા.
અઝાનનો અવાજ સંભળાયો કે તરત તેમણે નમીને સજદામાં બેસવાનો પ્રયાસ કર્યો. એ વખતે તેમનો એક પગ તેમના જામાના ઘેરમાં ફસાઈ ગયો હતો. તેમનો પગ લપસ્યો અને સમ્રાટ માથાભેર સીડી પરથી ગબડવા લાગ્યા હતા.
સાથે ચાલી રહેલા સહાયકોએ તેમને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સફળ થયા ન હતા. તેઓ દોડીને નીચે પહોંચ્યા ત્યારે હુમાયુ જમીન પર પડ્યા હતા. તેમના માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેમના જમણા કાનમાંથી લોહીનો પ્રવાહ વહેતો હતો.”
એ પછી હુમાયુએ પોતાની આંખ ક્યારેય ખોલી ન હતી. સીડી પરથી પડ્યાના ત્રણ દિવસ પછી સુલતાનનું મોત થયું હતું.

પુસ્તકોના શોખીન હતા હુમાયુ

ઇમેજ સ્રોત, ATLANTIC
હુમાયુની નેતૃત્વ ક્ષમતા બાબતે હંમેશાં શંકા સેવાતી રહી છે, પરંતુ તેમનામાં બીજા કેટલાક સદ્ગુણ હતા. તેમને ભણેલા-ગણેલા લોકો તથા શાયરોનો સંગાથ બહુ ગમતો હતો. દક્ષિણમાંના પોતાના અભિયાન દરમિયાન તેઓ અનેક દુર્લભ પુસ્તકો તેમની સાથે લઈ ગયા હતા.
અબુલ ફઝલે લખ્યું છે કે “ઉશ્તર ગ્રામમાં જીત પછી તેમને કિપચક પાસેથી, હાર દરમિયાન ખોવાયેલાં કેટલાંક પુસ્તકો મળ્યાં ત્યારે હુમાયુ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. તેઓ ઈરાનમાં રહેતા હતા ત્યારે તેમના રસાલામાં એક ગ્રંથપાલ જરૂર હાજર રહેતા હતા. તમામ શાહી છાવણીમાં ગ્રંથપાલ જરૂર હાજર રહેતા હતા.”

ઇમેજ સ્રોત, Getty Images
હુમાયુને જ્યોતિષમાં બહુ વિશ્વાસ હતો. તેઓ ગ્રહોના રંગના હિસાબે રોજ વસ્ત્રો પહેરતા હતા.
અલ બદાઉનીએ તેમના પુસ્તક ‘મુંતખબુત તવારીખ’માં લખ્યું છે કે “ચાલવાનું શરૂ કરતા પહેલાં હુમાયુ કાયમ જમણા પગથી પહેલું ડગલું ભરતા હતા. કોઈ વ્યક્તિ તેમના ખંડમાં ડાબો પગ પહેલાં મૂકીને પ્રવેશ કરે ત્યારે તેને બહાર જઈને જમણા પગે ડગલું ભરીને અંદર આપવાનું કહેવામાં આવતું હતું.”
પ્રકૃતિ તથા કળામાં હુમાયુને એટલો રસ હતો કે એક વખત સિંધમાં એક સુંદર પક્ષી તેમના તંબુમાં ઘૂસી ગયું ત્યારે તેમણે તંબુનો દરવાજો બંધ કરાવી દીધો હતો અને એક ચિત્રકારને બોલાવીને તે પક્ષીનું ચિત્ર દોરાવ્યું હતું. ચિત્ર બની ગયા બાદ તેમણે એ પક્ષીને મુક્ત કર્યું હતું.














