સિરાજુદ્દોલા : એ નવાબ જેની હત્યા બાદ ભારતમાં અંગ્રેજોનું એકહથ્થુ રાજ સ્થપાયું

સિરાજુદ્દોલા

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, સિરાજુદ્દોલા
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

પ્લાસીનું યુદ્ધ 1757ની 23 જૂને હાર્યા બાદ એક ઊંટ પર સવાર થઈને સિરાજુદ્દોલા નાસી છૂટ્યા હતા અને સવારના પહોરમાં મુર્શિદાબાદ પહોંચી ગયા હતા.

એ પછીના દિવસે રૉબર્ટ ક્લાઇવે મીર જાફરને લેખિત સંદેશો મોકલાવ્યો હતો કે “આ જીત માટે હું આપને અભિનંદન આપું છું. આ મારો નહીં, તમારો વિજય છે. તમને નવાબ જાહેર કરવાનું સન્માન મળવાની મને આશા છે.”

એ અગાઉની સવારે ભયભીત અને થાકેલા દેખાતા મીર જાફર અંગ્રેજોની છાવણીમાં હાજર થયા ત્યારે અંગ્રેજ સૈનિકો તેમને કર્નલ ક્લાઇવના તંબુમાં લઈ ગયા હતા.

ક્લાઇવે મીર જાફરને સલાહ આપી હતી કે તેમણે રાજધાની મુર્શિદાબાદ ભણી તત્કાળ કૂચ કરવી જોઈએ અને તેને પોતાના નિયંત્રણમાં લેવું જોઈએ.

મીર જાફર સાથે કર્નલ વૉટ્સ પણ મુર્શિદાબાદ જશે એવું પણ તેમણે જણાવ્યું હતું.

ક્લાઇવ મુખ્ય સૈન્ય સાથે તેમની પાછળ આવ્યા હતા અને તેમને મુર્શિદાબાદ સુધીનું 50 માઈલનું અંતર કાપતાં ત્રણ દિવસ થયા હતા.

રસ્તામાં ત્યજી દેવાયેલી તોપો, ભાંગેલાં વાહનો અને સિરાજુદ્દોલાના સૈનિકો તથા ઘોડાઓના મૃતદેહો પડ્યા હતા.

સર પેંડેરલ મૂને તેમના પુસ્તક ‘ધ બ્રિટિશ કૉન્ક્વેસ્ટ ઍન્ડ ડૉમીનિયન ઇન ઇન્ડિયા’માં લખ્યું છે કે “રૉબર્ટ ક્લાઇવે ખરેખર તો 27 જુને મુર્શિદાબાદ પહોંચી જવાનું હતું, પરંતુ જગત શેઠે તેમને ચેતવણી આપી હતી કે તેમની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું છે.

તેથી ક્લાઇવ 29 જુને શહેરમાં દાખલ થયા હતા. મીર જાફરે શહેરના મુખ્ય દરવાજે તેમનું સ્વાગત કર્યું હતું અને તેમની સાથે ક્લાઇવ પણ શહેરમાં પ્રવેશ્યા હતા. તેમણે મીર જાફરને સિંહાસન જેવી ખુરશી પર બેસાડ્યા હતા અને તેમને સલામ કરી હતી.

એ પછી તેમણે જાહેરાત કરી હતી કે ઇસ્ટ ઇન્ડિયા કંપની મીર જાફરના શાસનમાં કોઈ પ્રકારની દખલગીરી નહીં કરે અને માત્ર વ્યાપારી બાબતો પર નજર રાખશે.” 

bbc line

રાતોરાત યુરોપની સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા ક્લાઈવ

ક્લાઈવ

રૉબર્ટ ક્લાઇવને સિરાજુદ્દોલાના ખજાનામાંથી પાંચ કરોડ રૂપિયા મળ્યા હતા, જે તેમની અપેક્ષા કરતાં ઓછા હતા.

વિખ્યાત ઇતિહાસકાર વિલિયમ ડેલિરિમ્પિલે તેમના પુસ્તક ‘ધ ઍનાર્કી’માં લખ્યું છે કે “આ વિજય માટે ક્લાઇવને અંગત રીતે 2,34,000 પાઉન્ડ જેટલું ધન મળવાનું હતું.

એ ઉપરાંત તેઓ દર વર્ષે 27,000 પાઉન્ડની કમાણી કરી આપનાર જાગીરના માલિક પણ બનવાના હતા. એ બધું ધન મળ્યું હોત તો રૉબર્ટ ક્લાઇવ માત્ર 33 વર્ષની વયે યુરોપના સૌથી શ્રીમંત લોકો પૈકીના એક બની ગયા હોત.

એ પછીના થોડા દિવસે માનસિક તાણમાં પસાર થયા હતા. મીર જાફર તેનું વચન નહીં પાળે એવો ડર ક્લાઇવને હતો.

બન્ને એકમેકને એવી રીતે જોતા હતા કે જાણે બે મોટા બદમાશો, મોટી લૂંટ પછી પોતપોતાના હિસ્સાની વહેંચણી કરવા બેઠા હોય.”

ગ્રે લાઇન

મળસ્કે ત્રણ વાગ્યે ગુપચૂપ ભાગ્યા સિરાજુદ્દોલા

પ્લાસીનું યુદ્ધ

ઇમેજ સ્રોત, FRANCIS HAYMAN

રૉબર્ટ ક્લાઇવ લૂંટમાંથી પોતાનો હિસ્સો મળવાની રાહ જોતા હતા ત્યારે મીર જાફરનો દીકરો મીરાન, રાજધાની છોડીને નાસી ગયેલા સિરાજુદ્દોલાને શોધી કાઢવા માટે સમગ્ર બંગાળને ફેંદી વળ્યો હતો.

વિખ્યાત ઇતિહાસકાર સૈયદ ગુલામ હુસેનખાંએ તેમના ફારસી ભાષામાં લખેલા પુસ્તક ‘સિયારુલ મુતાખિરી’માં લખ્યું છે કે “સિરાજુદ્દોલા સામાન્ય માણસ જેવાં કપડાં પહેરીને નાસી ગયા હતા.

તેમની સાથે તેમની નજીકના સગાં અને કેટલાક કિન્નર હતાં. તેમણે મળસ્કે ત્રણ વાગ્યે તેમનાં પત્ની લુત્ફ-ઉન-નિશા અને કેટલાક નજીકના લોકોને ઢાંકેલાં વાહનોમાં બેસાડ્યાં હતાં. સાથે લઈ જઈ શકાય તેટલું સોનું-ઝવેરાત તેમણે પોતાની સાથે લીધું હતું અને રાજમહેલ છોડીને નાસી છૂટ્યા હતા.”

સિરાજુદ્દોલા પહેલાં ભગવાનગોલા ગયા હતા અને ત્યાંથી બે દિવસ બાદ અનેક હોડી બદલીને રાજમહેલના કિનારે પહોંચ્યા હતા. ત્યાં તેઓ જમવા માટે થોડો સમય રોકાયા હતા. તેમણે ખીચડી બનાવડાવી હતી, કારણ કે તેમની સાથેના લોકોએ ત્રણ દિવસથી ભૂખ્યા હતા.

ગ્રે લાઇન

ફકીરે આપેલી બાતમીને લીધે પકડાઈ ગયા

પ્લાસીનું યુદ્ધ

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન, પ્લાસીનું યુદ્ધ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એ વિસ્તારમાં શાહ દાના નામનો એક ફકીર રહેતો હતો. સિરાજુદ્દોલા ત્યાં હોવાના સમાચાર ફકીર શાહ દાનાએ તેમના દુશ્મનોને આપ્યા હતા. દુશ્મનો તેમને સતત શોધી રહ્યા હતા. મીર જાફરના જમાઈ મીર કાસિમ, આ સમાચાર મળતાંની સાથે જ તેમના હથિયારધારી સિપાહીઓ સાથે નદી પાર પહોંચી ગયા હતા અને તેમણે સિરાજુદ્દોલાને ઘેરી લીધા હતા.

સિરાજુદ્દોલાની ધરપકડ કરીને 1757ની બીજી જુલાઈએ મુર્શિદાબાદ લાવવામાં આવ્યા હતા. એ સમયે રૉબર્ટ ક્લાઇવ મુર્શિદાબાદમાં જ હતા.

અહીં પહોંચતાં પહેલાં જ તેઓ ફૉર્ટ વિલિયમમાંના તેમના સાથીઓને પત્ર લખી ચૂક્યા હતા. તેમણે પત્રમાં લખ્યું હતું કે “મીર જાફર પદભ્રષ્ટ કરવામાં આવેલા નવાબ પ્રત્યે, આવી પરિસ્થિતિમાં જરૂરી હોય છે એવો, શિષ્ટાચાર કરશે એવી મને આશા છે.”

આ પત્રના બે દિવસ બાદ તેમણે વધુ પત્ર લખ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે “સિરાજુદ્દોલા હવે આ દુનિયામાં રહ્યા નથી. નવાબ મીર જાફરે સિરાજુદ્દોલાને કદાચ માફી આપી હોત, પરંતુ તેમના પુત્ર મીરાને એવું વિચાર્યું હતું કે દેશમાં શાંતિ માટે સિરાજુદ્દોલાનું મરવું જરૂરી છે. તેમને ગઈ કાલે સવારે ખોશબાગમાં દફન કરવામાં આવ્યા હતા.”

આ વાતને સમર્થન આપતાં રૉબર્ટ ઓર્મે તેમના પુસ્તક ‘અ હિસ્ટ્રી ઑફ ધ મિલિટરી ટ્રાન્સેક્શન ઑફ ધ બ્રિટિશ નેશનલ ઈન ઇન્ડોસ્તાન’માં લખ્યું છે કે “પદભ્રષ્ટ નવાબને, તેઓ થોડા દિવસ જે મહેલમાં રહેતા હતા એ જ મહેલમાં અડધી રાતે મીર જાફર સામે રજૂ કરવામાં આવ્યા હતા. સિરાજુદ્દોલાએ મીર જાફરને દંડવત પ્રણામ કરીને કાંપતા અવાજે પોતાના પ્રાણની ભીખ માગી હતી. એ પછી સિપાહીઓ તેમને મહેલના બીજા ખૂણામાં લઈ ગયા હતા. એ દરમિયાન મીર જાફરે તેમના દરબારીઓ અને અધિકારીઓ સાથે સિરાજુદ્દોલા સાથે કેવું વર્તન કરવું જોઈએ એ વિશે મસલત કરી હતી. તેમની પાસે ત્રણ વિકલ્પ હતાઃ સિરાજુદ્દોલાને મુર્શિદાબાદમાં કેદ રાખવામાં આવે અથવા તેમને દેશની બહાર કેદમાં રાખવામાં આવે કે પછી તેમને મોતની સજા આપવામાં આવે. કેટલાક લોકોએ સલાહ આપી હતી કે સિરાજુદ્દોલાને જેલમાં જીવતા રાખવા જોઈએ, પરંતુ મીર જાફરનો 17 વર્ષનો દીકરો મીરાન તેની સખત વિરુદ્ધમાં હતો. આ મામલે મીર જાફરનો પોતાનો કોઈ મત ન હતો.”

સુદીપ ચક્રવર્તીએ તેમના તાજેતરમાં જ પ્રકાશિત પુસ્તક ‘પ્લાસી – ધ ઍટલ ધેટ ચેન્જ્ડ ધ કૉર્સ ઑફ ઇન્ડિયન હિસ્ટ્રી’માં લખ્યું છે કે “મીરાને પિતાના આ વલણને પોતાના નિર્ણય માટેની સહમતી ગણ્યું હતું. તેમણે તેમના પિતાને કહ્યું હતું કે તમે આરામ કરો. સિરાજુદ્દોલાને હું સંભાળી લઈશ. મીર જાફર એવું સમજ્યા કે કોઈ હિંસા નહીં થાય. તેમણે મોડી રાત સુધી ચાલેલા તેમના દરબારને બરખાસ્ત કર્યો હતો અને ઊંઘવા માટે શયનકક્ષમાં ગયા હતા.”

bbc line

તલવાર અને કટારના ઘા ઝીંકીને કરાઈ હત્યા

સિરાજુદ્દોલા

ઇમેજ સ્રોત, BATTLE THAT CHANGED THE COURSE OF INDIAN HISTORY

સૈયદ ગુલામ હુસેન ખાંએ લખ્યું છે કે “મીરાને તેમના મોહમ્મદી બેગ ઉર્ફે લાલ મોહમ્મદને સિરાજુદ્દોલાને ખતમ કરવાનો આદેશ આપ્યો હતો. મીરાન તેમના સાથીઓ સાથે સિરાજુદ્દોલા પાસે પહોંચ્યા ત્યારે સિરાજુદ્દોલાને ખબર પડી ગઈ હતી કે તેમને યોગ્ય રીતે પ્રાર્થના કરવા દેવામાં આવશે નહીં. તેથી તેમણે તરસ છિપાવવા પાણી માગ્યું હતું.”

રૉબર્ટ ઓર્મેએ લખ્યું છે કે “એ જ વખતે મોહમ્મદી બેગે સિરાજુદ્દોલા પર કટાર વડે હુમલો કર્યો હતો. એ પછી બીજા લોકો તલવારો લઈને સિરાજુદ્દોલા પર તૂટી પડ્યા હતા અને થોડી મિનિટોમાં તેઓ ખતમ થઈ ગયા હતા. તેઓ મોઢાભેર જમીન પર પટકાયા હતા.”

bbc line

હાથીની પીઠ પર મૃતદેહ લાદીને આખી શહેરમાં ફેરવ્યો

એક પેન્ટિંગમાં પ્લાસીના યુદ્ધ બાદ મીરજાફર અને રૉહર્ટ ક્લાઈવની મુલાકાત બતાવવામાં આવી છે. (1870)

ઇમેજ સ્રોત, WIKIMEDIA COMMONS

ઇમેજ કૅપ્શન, એક પેન્ટિંગમાં પ્લાસીના યુદ્ધ બાદ મીરજાફર અને રૉહર્ટ ક્લાઈવની મુલાકાત બતાવવામાં આવી છે. (1870)

સિરાજુદ્દોલાના વિકૃત કરાયેલા મૃતદેહને બીજા દિવસે હાથીની પીઠ પર લાદીને મુર્શિદાબાદની શેરીઓ તથા બજારોમાં ફેરવવામાં આવ્યો હતો. એ તેમના પરાજયનો સૌથી મોટો પુરાવો હતો.

આ બર્બરતાનું વર્ણન કરતાં સૈયદ ગુલામ હુસેનખાંએ લખ્યું છે કે “આ બિભત્સ યાત્રા દરમિયાન મહાવતે હાથીને જાણી જોઈને હુસેન કુલીખાંના ઘર સામે રોક્યો હતો. બે વર્ષ પહેલાં સિરાજુદ્દીને એ જ હુસેન કુલીખાંની હત્યા કરાવી હતી. હુસેન કુલીખાંની હત્યા કરવામાં આવી હતી એ સ્થળે સિરાજુદ્દોલાના મૃત શરીરમાંથી લોહીના કેટલાંક ટીપાં પડ્યાં હતાં.”

એ સમયે સિરાજુદ્દોલાની વય માત્ર 25 વર્ષ હતી. મીરાનની ક્રૂરતાનો ત્યાં અંત આવ્યો ન હતો. થોડા દિવસ પછી તેમણે અલીવર્દીખાંના પરિવારની તમામ સ્ત્રીઓની પણ હત્યા કરાવી હતી.

bbc line

લુત્ફ-ઉન-નિસાએ મીર જાફર સાથે લગ્નનો કર્યો ઇનકાર

પ્લાસી મેમોરિયલ કંપાઉન્ડ અને મોતીઝીલ કૉમ્પ્લેક્સમાં સિરાજુદ્દોલાની મૂર્તિઓ

ઇમેજ સ્રોત, SUDEEP CHAKRVARTI

ઇમેજ કૅપ્શન, પ્લાસી મેમોરિયલ કંપાઉન્ડ અને મોતીઝીલ કૉમ્પ્લેક્સમાં સિરાજુદ્દોલાની મૂર્તિઓ

આ ઘટનાનું વર્ણન કરતાં ‘ધ મુઝફ્ફરનામા ઑફ કરમ અલી’ પુસ્તકમાં કરમ અલીએ લખ્યું છે કે “લગભગ 70 નિર્દોષ બેગમોને હોડીમાં બેસાડીને હુગલી નદીની વચ્ચોવચ લઈ જવામાં આવી હતી અને હોડીને ડૂબાડી દેવામાં આવી હતી. સિરાજુદ્દોલાની બાકીની સ્ત્રીઓને ઝેર આપીને મારી નાખવામાં આવી હતી. એ બધાને ડુબાડી દેવામાં આવેલી મહિલાઓ સાથે હુગલી નદીની બાજુમાં આવેલા ખુશબાગમાં એકસાથે દફનાવવામાં આવી હતી.”

એક મહિલાને જીવંત રાખવામાં આવી હતી અને એ હતાં સિરાજુદ્દોલાનાં બહુ જ સુંદર પત્ની લુત્ફ-ઉન-નિસા. મીરાન તથા તેના પિતા મીર જાફર બન્નેએ લુત્ફ-ઉન-નિસાને લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો હતો.

bbc line

મીર જાફરનું પતન

મુર્શિદાબાદ પાસે ખોશબાગમાં સિરાજુદ્દોલાની કબર, જ્યાં તેમને 3 જુલાઈ 1757માં દફનાવવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, SUDEEP CHAKRAVARTI

ઇમેજ કૅપ્શન, મુર્શિદાબાદ પાસે ખોશબાગમાં સિરાજુદ્દોલાની કબર, જ્યાં તેમને 3 જુલાઈ 1757માં દફનાવવામાં આવ્યા હતા.

પ્લાસીનું યુદ્ધ જીત્યાના એક જ વર્ષમાં મીર જાફરની ચમક ઝંખવાવા લાગી હતી. થોડા સમય પહેલાં જ મીર જાફરની જોરદાર તરફેણ કરતા રૉબર્ટ ક્લાઇવ તેમને તેમને ‘ઑલ્ડ ફૂલ’ એટલે કે બેવકૂફ બુઢ્ઢો અને તેમના પુત્ર મીરાનને ‘વર્થલેસ યંગ ડૉગ’ એટલે કે બેકાર કુતરો કહેવા લાગ્યા હતા.

આળસ, અક્ષમતા અને અફીણે મીર જાફરને સંપૂર્ણપણે બદલી નાખ્યા હતા. જૉન પેનને 1758ની 11 નવેમ્બરે લખેલા પત્રમાં રૉબર્ટ ક્લાઇવે લખ્યું હતું કે “જે માણસને આપણે ગાદીએ પર બેસાડ્યો છે એ અહંકારી અને લાલચુ બની ગયો છે તથા વાતેવાતે ગાળો આપે છે. તે તેના વર્તનને કારણે તેના નાગરિકોથી દૂર થઈ રહ્યો છે.”

રૉબર્ટ ક્લાઈવ ઇંગ્લૅન્ડ પાછા ફર્યા તે પહેલાં સુધી તેમને મીર જાફર તેમના સૈન્યને 13 મહિનાના બાકી પગારની સામે માત્ર ત્રણ પગાર જ આપી શક્યા હતા. પગાર ન મળવાને કારણે તેમના સૈનિકો બળવો કરવાના મૂડમાં આવી ગયા હતા.

સર પેંડેરલ મૂને તેમના પુસ્તક ‘વૉરન હેસ્ટિંગ્ઝ ઍન્ડ બ્રિટિશ ઇન્ડિયા’માં લખ્યું છે કે “મીર જાફરના સૈનિકોના ઘોડાનાં હાડકાંનો ઢાંચો જ બાકી રહ્યો હતો. તેમના પર સવારી કરતા લોકોની હાલત તેમના કરતાં થોડીક જ સારી હતી. જમાદાર પણ મોટા ભાગે ફાટેલાં કપડાં જ પહેરતાં હતાં.”

પ્લાસીના યુદ્ધનાં ત્રણ જ વર્ષમાં ભારતના સૌથી શ્રીમંત શહેરો પૈકીનું એક મુર્શિદાબાદ ગરીબીની ગર્તામાં ધકેલાવાની અણી પર પહોંચી ગયું હતું.

bbc line

મીર જાફરે બંગાળને બરબાદ કર્યું

વર્તમાનમાં પ્લાસીનું મેદાન જ્યાં યુદ્ધ થયું હતું

ઇમેજ સ્રોત, SUDEEP CHAKRVARTY

ઇમેજ કૅપ્શન, વર્તમાનમાં પ્લાસીનું મેદાન જ્યાં યુદ્ધ થયું હતું

આ બરબાદી માટે મહદઅંશે મીર જાફર જવાબદાર હતા.

ગુલામ હુસેન ખાંએ લખ્યું છે કે “મીર જાફરને મોંઘાં ઘરેણાં પહેરવાનો શોખ હતો, પરંતુ નવાબ બનવાની સાથે જ તેઓ એક જ હાથમાં અલગ-અલગ રત્નો જડેલા છ-સાત બ્રેસલેટ પહેરવા લાગ્યા હતા. તેમના ગળામાં ત્રણ-ચાર સેરવાળી મોતીની માળાઓ લટકતી રહેતી હતી. તેમનો મોટા ભાગનો સમય સંગીત સાંભળવામાં અને નૃત્ય નિહાળવામાં પસાર થતો હતો.”

મીર જાફરમાં બંગાળ પર રાજ કરવાની ક્ષમતા નથી, એ થોડા દિવસોમાં જ સ્પષ્ટ થઈ ગયું હતું. તેઓ એક અભણ આરબ સિપાહી જેવા હતા. તેમને રાજપાટ સાથે દૂર-દૂર સુધી કોઈ સંબંધ ન હતો.

સર પેડેંરલ મૂને તેમના પુસ્તક ‘ધ બ્રિટિશ કૉન્ક્વેસ્ટ ઍન્ડ ડૉમીનિયન ઇન ઇન્ડિયા’માં લખ્યું છે કે “ક્લાઇવે, તેઓ જહાજમાં બેસીને ઇંગ્લૅન્ડ રવાના થયા તે પહેલાં કહ્યું હતું કે મીર જાફરમાં શાસન કરવાની ક્ષમતા નથી. પોતાના લોકોનો પ્રેમ તથા વિશ્વાસ સંપાદન કરવાની ક્ષમતા પણ તેમનામાં નથી. તેમના કુશાસને બંગાળને અરાજકતામાં ધકેલી દીધું છે.”

bbc line

મીરાને 300થી વધુ લોકોનો જીવ લીધો

મીરજાફરના ઘરે 'નમક હરામ ડ્યોઢી'નું પ્રવેશદ્વાર

ઇમેજ સ્રોત, SUDEEP CHAKRVARTI

ઇમેજ કૅપ્શન, મીરજાફરના ઘરે 'નમક હરામ ડ્યોઢી'નું પ્રવેશદ્વાર

મીર જાફરના દીકરા મીરાન માટે દયા અને ઉદારતાનો કોઈ અર્થ જ ન હતો. તેમને સૌથી વધુ ચિંતા અલીવર્દીખાંના બચેલા પરિવારને ખતમ કરવાની હતી, જેથી ભાવિ બળવાની શક્યતાને પણ ખતમ કરી શકાય.

ગુલામ હુસૈનખાંએ લખ્યું છે કે “અલીવર્દીખાંની તમામ સ્ત્રીઓને નદીમાં ડૂબાડી દીધા બાદ તેમનું ધ્યાન સિરાદુદ્દોલાના નજીકનાં પાંચ સગાં પર પડ્યું હતું. તેમણે સિરાજુદ્દોલાના નાના ભાઈ મિર્ઝા મેંહદીને લાકડાના બે તખ્ત વચ્ચે રાખીને કચડાવી નાખ્યો હતો. આ હત્યાને વાજબી ઠરાવવા મીરાને એક કહેવતનો ઉપયોગ કર્યો હતો અને જણાવ્યું હતું કે સાપને માર્યા પછી સાપોલિયાંને જીવતાં છોડી દેવા એ બુદ્ધિયુક્ત કામ નથી.”

સિરાજુદ્દોલા

ઇમેજ સ્રોત, SUDEEP CHAKRAVARTI

બીજા પ્રતિસ્પર્ધીઓ અને અગાઉના શાસનના કેટલાક મહત્ત્વના લોકોને મીરાને દરબાર કે રાજમહેલના મુખ્ય દરવાજા પર પોતાના હાથે છરો ભોંક્યો હતો અથવા તેમને ચૂપચાપ ઝેર પીવડાવ્યું હતું.

ગુલામ હુસેનખાંએ લખ્યું છે કે સિરાજુદ્દોલા પરિવારના જે સભ્યોની પોતે હત્યા કરાવી હતી તેની એક યાદી બનાવીને મીરાન પોતાની પાસે ખિસ્સામાં રાખતો હતો. એ યાદીમાં મૃતકોની સંખ્યા ઝડપથી 300ના આંકને પાર કરી ગઈ હતી. વૉરન હેસ્ટિંગ્ઝે સિરાજુદ્દીનના પરિવારના લોકોની સામૂહિક હત્યાની વાત સાંભળી પછી તેમણે કોલકાતા મોકલેલા રિપોર્ટમાં જણાવ્યુ હતું કે “આ પાશવી ખલનાયકના કારનામાઓને કોઈ દલીલ કે બહાનું વાજબી ઠરાવી શકે તેમ નથી. મને માફ કરજો, પરંતુ આ પ્રકારની વ્યક્તિને આપણે આપેલા ટેકાને કોઈ પણ રીતે વાજબી ઠરાવી શકાય નહીં.”

રેડ લાઇન
રેડ લાઇન