જ્યારે કાશ્મીરમાં હિંદુઓનું રાજ હતું અને ગઝનવીનો અપમાનજક પરાજયો થયો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અવ્યક્ત
- પદ, ગાંધી દર્શન અને ઇતિહાસના અધ્યેતા
આપણે ત્યાં સામાન્ય રીતે બનતું આવ્યું છે તેમ કાશ્મીરમાં પણ મુસલમાન શાસકોના પ્રવેશની શરૂઆત સત્તાવાર ઇતિહાસને બદલે દંતકથાથી થાય છે.
ઈ.સ 1747માં ખ્વાજા મોહમ્મદ આઝમ દીદામરી નામના સૂફી લેખકે ફારસીમાં 'વાક્યાત-એ-કશ્મીર' નામનું પુસ્તક લખ્યું હતું, જે પ્રાચીન દંતકથાઓને આધારે લખવામાં આવ્યું હતું.
દંતકથાને આધારે લખાયેલા આ પુસ્તકમાં ઉલ્લેખ છે કે, જળદેવ નામનો રાક્ષસ એક આખા વિસ્તારને પાણીમાં ડૂબાડી રાખે છે.
આ વાર્તાના નાયક 'કાશેફ' છે, જેમના પિતાનું નામ મરિચી છે.
કાશેફ ભગવાન શિવની આરાધના કરે છે અને શિવજીના સેવક બ્રહ્મા અને વિષ્ણુ જળદેવને પરાજિત કરીને કાશેફ-સિર નામના વિસ્તારને લોકો માટે વસવાટલાયક બનાવે છે.
કેટલાંક વિદ્વાનોનું માનવું છે કે આ કાશેફ એ હકીકતમાં કશ્યપ ઋષિ છે, જેમાં જાણે-અજાણે ફેરફાર કરીને મુસ્લિમ વ્યક્તિની વાત હોવાનું ઠસાવવાનો પ્રયત્ન થયો છે.
'વાક્યાત-એ-કશ્મીર' પુસ્તક લખનાર આઝમના પુત્ર બેદિયા-ઉદ-દીને વળી આ દંતકથાને અલગ સ્વરૂપ આપી દીધું.
તેમણે આ વાર્તાને આદમ (બાઇબલમાં દર્શાવેલા પહેલા પુરુષ)ની વાત સાથે જોડી દીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેદિયા-ઉદ-દીનના મંતવ્ય મુજબ કાશ્મીરમાં પહેલેથી મુસ્લિમોનું શાસન હતું. 1100 વર્ષના એ મુસ્લિમ શાસનકાળનો અંત હરિનંદ નામના રાજાએ આણ્યો હતો.
કાશ્મીરની જનતાને આરાધના કરતા હઝરત મૂસાએ શીખવ્યું હતું. હઝરત મૂસાનું મૃત્યુ કાશ્મીરમાં જ થયું હતું અને તેમનો મકબરો પણ ત્યાં છે.
શેખ નૂરુદ્દીન વલીના (જેમને નંદઋષિ પણ કહેવામાં આવે છે) કાશ્મીરી ભાષામાં લખેલા પુસ્તક 'નૂરનામા'નો આધાર લઈને બેદિયા-ઉદ-દીને આમ લખ્યું હોવાની શક્યતા છે.
એટલે જ ઇતિહાસકારો આ વાર્તાઓને વિશ્વાસપાત્ર ગણતા નથી. પૃથ્વીનાથ કૌલ બામઝઈ એક ખ્યાતનામ ઇતિહાસકાર થઈ ગયા.
કહેવાય છે કે તેમની પ્રતિભાથી પ્રભાવિત થઈને કાશ્મીરના તત્કાલીન મુખ્ય મંત્રી શેખ અબ્દુલ્લાહે તેમને કાશ્મીરનો વિસ્તૃત ઇતિહાસ લખવાનો આગ્રહ કર્યો હતો.
ઈ.સ.1962માં પ્રકાશિત તેમના પુસ્તક 'અ હિસ્ટ્રી ઑફ કાશ્મીર'ની પ્રસ્તાવના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લખી હતી.
પૃથ્વીનાથ કૌલ બામઝઈએ કાશ્મીરના ઇતિહાસ વિશે 'કલ્ચર ઍન્ડ પૉલિટિકલ હિસ્ટ્રી ઑફ કાશ્મીર' નામનું પુસ્તક લખ્યું હતું.
આ પુસ્તકના ત્રણ ભાગ છે અને કાશ્મીરના ઇતિહાસનો વિશ્વાસપાત્ર અને મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ ગણવામાં આવે છે.

ઇસ્લામ સાથે કાશ્મીરનો પહેલો પરિચય

ઇમેજ સ્રોત, Getty Images
બામઝઈની નોંધ મુજબ મહમ્મદ બિન કાસિમે સિંધને જીતી લીધા બાદ કાશ્મીર તરફ પ્રયાણ આદર્યું હતું પણ તેમને સફળતા નહોતી મળી.
તેમનું અકાળે મૃત્યુ થતાં તેમનું શાસન લાંબો સમય ટક્યું નહોતું. કાશ્મીર સુધી પહોંચવા માટેનો માર્ગ દુર્ગમ હોવાના કારણે આરબો પણ ત્યાં સુધી પહોંચવામાં સફળ થયા નહોતા.
આરબોનો સૌપ્રથમ વખત સામનો કાશ્મીરના કાર્કોટવંશી હિંદુ રાજવીઓ (ઈ.સ 625થી 885) સાથે થયો હતો.
મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન પરના આક્રમણ વખતે કાર્કોટવંશી રાજાઓ ચંદ્રપીડ અને લલિતાદિત્ય સાથે આરબોને સંઘર્ષ થયો હતો.
આ એ ઘટના હતી જ્યારે કાશ્મીરીઓની જાણમાં ઇસ્લામ ધર્મ આવ્યો હતો.
આરબો સામેના સંઘર્ષને ધ્યાનમાં લેતા લલિતાદિત્યે ચીનના સમ્રાટ પાસે રાજદૂત મોકલીને આરબો સાથે લડવા માટે સૈન્ય ગઠબંધન કરવાની વિનંતી કરી હતી.

મહમુદ ગઝનવી પણ નિષ્ફળ

ઇમેજ સ્રોત, Getty Images
કાશ્મીરની દુર્ગમ ભૌગૌલિક પરિસ્થિતિ તેના માટે આશીર્વાદરૂપ હતી કારણ કે તેને કારણે બાહ્ય આક્રમણો સફળ થતાં નહોતાં.
ઉપરાંત કાશ્મીરની સરહદો બહારના લોકો માટે બંધ હતી. સુરક્ષાના કારણોસર કાશ્મીરના રાજવીઓ બહારના લોકો તેમના રાજ્યમાં પ્રવેશે નહીં તેની તકેદારી રાખતા.
ઈ.સ. 1017માં ભારતની યાત્રા કરનાર અલ બરુની આ અંગે ફરિયાદના સૂરમાં લખે છે કે, 'કાશ્મીરી શાસકો તેમના રાજ્યની કુદરતી સંપત્તિની બહુ ચિંતા કરતા. પરિણામે કાશ્મીર તરફના પ્રત્યેક માર્ગ પર ચાંપતો બંદોબસ્ત રહેતો.'
'તેથી તેમની સાથે વેપાર કરવો ખૂબ મુશ્કેલ હતો. કાશ્મીરના રાજવીઓ જેમની સાથે વ્યક્તિગત પરિચય ન ધરાવતા હોય તેવા અન્ય રાજ્યના હિંદુને પણ પોતાના રાજ્યમાં પ્રવેશવા નહોતા દેતા.'
ઉલ્લેખનીય છે કે અલ બરુની અને મહમુદ ગઝનવી એક જ કાળમાં થઈ ગયા. ભારત પર ગઝનવીએ કરેલા આક્રમણોથી આપણે સૌ સુપેરે પરિચિત છીએ.
ગઝનવીના આક્રમણનાં સો વર્ષ પહેલાં લલ્લિયા નામના એક બ્રાહ્મણ મંત્રીએ કાબુલમાં પોતાના શાસનની સ્થાપના કરી હતી, જેને ઈતિહાસકારો 'હિંદુશાહી' કહે છે.
તેમના કાશ્મીરના હિંદુ રાજાઓ સાથે ગાઢ રાજકીય અને સાંસ્કૃતિક સંબંધો હતા. ગઝનવીએ જ્યારે ઉત્તર ભારત પર હુમલો કરવાનું નક્કી કર્યું ત્યારે તેનો પહેલો ભોગ કાબુલ બન્યું.
તે વખતે કાબુલના રાજા જયપાલ હતા. ગઝનવીનું આક્રમણ ખાળવા માટે જયપાલને કાશ્મીરના રાજાઓએ મદદ કરી હતી. તેમ છતાં જયપાલ હારી ગયા હતા.
પરાજિત થયા બાદ પણ જયપાલના પુત્રો આનંદપાલ અને ત્રિલોચનપાલે ગઝનવી સામે લડવાનું ચાલુ રાખ્યું હતું.
ત્રિલોચનપાલને તે સમયે કાશ્મીરના શાસક સંગ્રામરાજાએ (ઈ.સ. 1003-1028) મદદ કરી હતી તેમ છતાં તેઓ ગઝનવી સામે ટકી શક્યા નહોતા.
12મી સદીમાં 'રાજતરંગિણી' નામના પુસ્તકમાં કાશ્મીરનો ઇતિહાસ લખનાર કલ્હણે પણ આ મહાન સામ્રાજ્યના પતનને પીડાજનક ગણાવ્યું છે.
ત્યારબાદ ગઝનવીએ હિમાચલપ્રદેશનું કાંગડા જીતી લીધું હતું. તેમ છતાં કાશ્મીરનું સામ્રાજ્ય ગઝનવીની આંખમાં કણાની માફક ખટકતું હતું.
ઈ.સ. 1015માં મહમુદ ગઝનવીએ પહેલી વખત તોસા-મૈદાન દર્રેના માર્ગે કાશ્મીર પર હુમલો કર્યો, પરંતુ વિષમ ભૌગોલિક પરિસ્થિતિ અને કાશ્મીરીઓના જબરદસ્ત પ્રતિરોધને કારણે ગઝનવીએ વીલે મોંએ પાછું વળવું પડ્યું હતું.
ગઝનવીને ભારતમાં અપમાનજનક હારનો સામનો કરવો પડ્યો હોય તેવી આ પ્રથમ ઘટના હતી.
હાર્યા બાદ પાછા ફરતી વખતે તેમની સેના માર્ગ ભૂલી ગઈ અને કાશ્મીરની ખીણમાં આવેલા પૂરમાં ફસાઈ ગઈ.
આમ ગઝનવીને ભયંકર નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. છ વર્ષ બાદ ઈ.સ.1021માં વળી મહમુદ ગઝનવીએ કાશ્મીર પર ફરી હુમલો કર્યો.
સતત એક મહિનાના પ્રયત્નો છતાં લોહકોટની કિલ્લેબંધી ભેદવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. ખીણમાં બરફવર્ષા શરૂ થવાની તૈયારી હતી એટલે ગઝનવીને લાગ્યું કે અગાઉ થયા હતા તેવા હાલ ફરી થવાના છે.
કાશ્મીરની અજેય સ્થિતિનો ખ્યાલ તેમને આવી ગયો હતો. ફરી એમને વીલા મોંએ પરત ફરવું પડ્યું અને એ બાદ તેમણે કાશ્મીર અંગે વિચારવાનું જ બંધ કરી દીધું.

કાશ્મીરના હિંદુ રાજા હર્ષદેવ પર ઇસ્લામનો પ્રભાવ

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્પાલ વંશના રાજા હર્ષદેવે (ઘણા લોકો તેમને હર્ષ પણ કહે છે) ઈ.સ. 1089થી લઈને ઈ.સ.1111 (કેટલાક વિદ્વાનોના મતે ઈ.સ.1038-1089) સુધી કાશ્મીર પર રાજ કર્યું હતું.
કહેવાય છે કે હર્ષ ઇસ્લામી ચિંતનથી પ્રભાવિત હતા. આ અસરને કારણે તેમણે મૂર્તિપૂજા છોડી દીધી અને કાશ્મીરમાં રહેલી મૂર્તિઓ, હિંદુ અને બૌદ્ધ મંદિરોનો નાશ કર્યો હતો.
આ વિધ્વંસક કાર્ય કરવા તેમણે 'દેવોત્પતન નાયક' નામના હોદ્દાની રચના કરી હતી.
હર્ષે તુરષ્ક (તુર્ક) સેનાનાયકોની નિમણૂક કરવાની શરૂઆત કરી હતી. 'રાજતરંગિણી'ના લેખક કલ્હણ તેમના સમકાલીન હતા.
કલ્હણના પિતા ચંપક હર્ષના મહામંત્રી હતા. મૂર્તિભંજક હર્ષની ટીકા કરતાં કલ્હણે 'તુરષ્ક' એટલે કે 'તુર્ક'ની ઉપાધિ આપી છે.
ઈ.સ.1277ની આસપાસ વેનિસના યાત્રિક માર્કો પોલોએ કાશ્મીરમાં મુસલમાનની હાજરી હોવાનું નોંધ્યું છે.
ઇતિહાસકારોનો મત છે કે કાશ્મીરની આસપાસના ભાગમાં અને સિંધુ નદીની આસપાસ વસતી જનજાતિઓના લોકોએ મોટી સંખ્યામાં ધર્મ પરિવર્તન કરીને ઇસ્લામ અંગીકાર કર્યો હતો.
કાશ્મીરમાં ઇસ્લામનો પ્રચાર ઝડપી હતો અને મોટી સંખ્યામાં લોકો ઇસ્લામ અંગીકાર કરી રહ્યા હતા.
આમ થવાનું કારણ એ હતું કે ત્યાંના રાજાઓ અને સામંતો વચ્ચેના ઝઘડામાં સામાન્ય પ્રજા કચડાઈ રહી હતી. ખાસ કરીને ખેડૂતો પર તેનો બેવડો માર પડતો.
એક તો ખેડૂતોને તેમની જમીનમાંથી જોઈએ તેવી નીપજ મળતી નહોતી અને બીજી બાજુ દુષ્કાળ, ભૂકંપ અને પૂર જેવી કુદરતી આફતોને કારણે તેમનું જીવવું દોહ્યલું બની ગયું હતું.
બરાબર એ જ ગાળામાં તેઓ મુસ્લિમ સૈનિકો અને સૂફી ધર્મ-પ્રચારકોના સંપર્કમાં આવ્યા.
તેમને લાગ્યું કે ઇસ્લામ તેમના જીવનમાં વિશ્વાસ અને આશાનો સંચાર કરી શકે તેમ છે, સદીઓથી ચાલી આવતા શોષણકારી કર્મકાંડોથી મુક્તિ મેળવવાનો માર્ગ ઇસ્લામ છે.
પરિણામે તેમણે ઇસ્લામ ધર્મનો અંગીકાર કર્યો.

કાશ્મીરના પહેલા મુસ્લિમ શાસક : એક તિબેટીયન બૌદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images
કાશ્મીરમાં ઇસ્લામ પ્રસારના ગાળા દરમિયાન સૌથી રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેને પ્રથમ મુસ્લિમ શાસક મળ્યા.
આ મુસ્લિમ શાસક મૂળે તિબેટીયન બૌદ્ધ હતા અને તેમનાં રાણી હિંદુ હતાં.
ઈ.સ.1318થી ઈ.સ.1338 વચ્ચેનાં વીસ વર્ષ દરમિયાન કાશ્મીરમાં બહુ ઊથલપાથલ જોવા મળી.
આ વર્ષો યુદ્ધો, કાવતરાં અને આંતરિક વિદ્રોહનાં હતાં. આ સમયગાળાની અગાઉનાં વર્ષો એટલે કે ઈ.સ.1301થી ઈ.સ. 1320 દરમિયાન રાજા સહદેવના શાસનકાળ દરમિયાન કાશ્મીરની જનતા સૂફી ધર્મપ્રચારકોના પ્રભાવ હેઠળ ઇસ્લામ અંગીકાર કરી ચૂકી હતી.
બામઝઈ સહિત કેટલાય ઇતિહાસકારોએ કાશ્મીરના પ્રથમ મુસ્લિમ શાસક વિશે વિસ્તૃત વર્ણન કર્યું છે.
આ પ્રકરણના કેન્દ્રમાં તુર્કીસ્તાનથી આવેલા એક સૂફી ધર્મપ્રચારક છે. તેઓનું સૌથી પ્રચલિત નામ બુલબુલ શાહ હતું. જો કે ઇતિહાસકારોમાં આ નામ અંગે મતભેદ છે.
અલગઅલગ ઇતિહાસકારોએ તેમનો અલગઅલગ નામે ઉલ્લેખ કર્યો છે, જેમાં સૈયદ શરફ અલ દીન, સૈયદ સરફુદ્દીન અબ્દુર્રહમાન જેવા નામનો ઉલ્લેખ છે.
બામઝઈએ એક જગ્યાએ તેમનો ઉલ્લેખ બિલાલ શાહ તરીકે પણ કર્યો છે. બુલબુલ શાહે કેટલાય દેશોની યાત્રા કરી હતી અને બગદાદમાં ઘણો સમય વિતાવ્યો હતો.
તેમના સદાચાર અને સંવાદની રીતથી કાશ્મીરી જનતા પ્રભાવિત હતી. કાશ્મીરનો પ્રથમ પ્રવાસ તેમણે રાજા સહદેવના સમયમાં કર્યો હતો.
સહદેવ એક નબળા શાસક હતા અને તેમના નામે ખરું શાસન તો તેમના વડા પ્રધાન અને સેનાપતિ રામચંદ્ર જ ચલાવતા હતા.
રામચંદ્રના સુંદર અને મેધાવી દીકરી કોટા પણ તેમને આ કાર્યમાં મદદ કરતા હતા.
તે દરમિયાન તિબેટથી ભાગી આવેલા રાજકુમાર રિંચન કે રિનચેન (આખું નામ લાચેન રિગ્યાલ બૂ રિનચેન) અમુક સો સશસ્ત્ર સૈનિકો સાથે કાશ્મીર પહોંચ્યા.
રિંચનના પિતા તિબેટના રાજપરિવાર અને કાલમાન્ય ભૂટિયાઓ વચ્ચે ચાલતા ગૃહયુદ્ધમાં માર્યા ગયા હતા.
રિંચન જીવ બચાવીને ઝોજિલા દર્રેના માર્ગે કાશ્મીર પહોંચવામાં સફળ થયા હતા. રામચંદ્રે રિંચનને શરણું આપ્યું હતું. આ ગાળા દરમિયાન સ્વાત ખીણમાંથી શાહ મીર નામના એક મુસ્લિમ સેનાનાયકે પણ કુટુંબીજનો અને સગાવહાલા સાથે કાશ્મીરમાં આશ્રય લીધો હતો.
તેમને એક ફકીરે કહ્યું હતું કે, તેઓ એક દિવસ કાશ્મીર પર રાજ કરશે. આ ભવિષ્યવાણીને સાકાર કરવા શાહ મીર કાશ્મીર આવ્યા હતા.
રામચંદ્ર અને સહદેવનો વિશ્વાસ સંપાદન કરવામાં રિંચન અને શાહ મીર સફળ થયાં.

ઇમેજ સ્રોત, Getty Images
તે ગાળા દરમિયાન મધ્ય એશિયાના તાતાર શાસક દુલચુએ ઝેલમ ખીણના માર્ગે કાશ્મીર પર આક્રમણ કર્યુ.
આક્રમણનો સામનો કરવાના બદલે રાજા સહદેવ ભાગીને કિશ્તવાડ ચાલ્યા ગયા.
દુલચુએ આઠ મહિના સુધી કાશ્મીરમાં ખૂનામરકી અને લૂંટફાટ કરી. પછી દર્રોના માર્ગે ભારતના મેદાની પ્રદેશો તરફ તેઓ ચાલી નીકળ્યા પરંતુ બરફના તોફાનમાં ફસાઈ ગયા, જેમાં તેમનાં હજારો સૈનિકો મોતને ભેટ્યાં.
હવે શાસનની લગામ રામચંદ્રે સંભાળી લીધી હતી. દુલચુએ કાશ્મીરને બરબાદ કરી દીધું હતું. રામચંદ્રને રાજા બનતા જોઈને રિંચનમાં પણ મહત્ત્વકાંક્ષા જાગી ઊઠી.
રિંચનના માણસોએ લાગ જોઈને દગાથી રામચંદ્રની હત્યા કરી નાખી. હવે રિંચન કાશ્મીરની ગાદી પર આરુઢ થયા. રામચંદ્રનાં દીકરી કોટાએ નછૂટકે રિંચન સાથે લગ્ન કરવા પડ્યા.
રિંચને કોટાના ભાઈ અને રામચંદ્રના દીકરા રાવણચંદ્રને સેનાપતિનું પદ આપ્યું હોવાનું કહેવાય છે.
રિંચન લામા હતા પરંતુ કોટારાણીની ઇચ્છા હતી કે તેઓ હિંદુ બને. રિંચન હિંદુ બનવા તૈયાર પણ થઈ ગયા હતા.
કહેવાય છે કે તે સમયના કાશ્મીરી શૈવ ગુરુ બ્રાહ્મણ દેવસ્વામીએ રિંચનનો હિન્દુ ધર્મમાં સમાવેશ કરવાનો ઇનકાર કરી દીધો. જેની પાછળ ત્રણ કારણો આપ્યાં.
- પહેલું કારણ રિંચન બૌદ્ધ હતા.
- બીજું કે તેમણે પોતાના સસરા અને હિંદુ શાસક રામચંદ્રની હત્યા કરી હતી.
- ત્રીજું કે જો તેમનો હિંદુ ધર્મમાં સમાવેશ કરવામાં આવે તો ઊંચી જાતિમાં સામેલ કરવા પડે.

ઇમેજ સ્રોત, Getty Images
તેમના ઇનકાર બાદ રિંચને ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો.
કેટલાક વિદ્વાનોના મતે આમ કરવા પાછળનું કારણ કાશ્મીરની મુસ્લિમ ધર્મ પાળતી બહુમતી પ્રજાનો વિશ્વાસ સંપાદન કરવાનો હતો અને તેમ કરીને તેઓ રાજકીય મહત્ત્વાકાંક્ષા સંતોષવા માંગતા હતા.
હકીકત જે પણ હોય પરંતુ મુસલમાન બન્યા બાદ રિંચનને બુલબુલ શાહે 'સદર અલ દીન'નું નામ આપ્યું.
આમ તેઓ કાશ્મીરના પ્રથમ મુસ્લિમ શાસક બન્યા. સદર-અલ-દીનનો અર્થ થાય છે- ધર્મ (ઇસ્લામ)ના વડા.
બુલબુલ શાહે પછી ટૂંક સમયમાં જ રાવણચંદ્રને પણ ઇસ્લામની દીક્ષા આપી. આ ઉપરાંત કેટલાય ઉચ્ચાધિકારીઓએ પણ બુલબુલ શાહના પ્રભાવ હેઠળ ઇસ્લામ અંગીકાર કર્યો.
રિંચનની સાથે આવેલા તિબેટીયનો પણ મુસલમાન બની ગયા.
આ રીતે ઇસ્લામને કાશ્મીરનો રાજધર્મ બનાવવામાં બુલબુલ શાહનો સિંહફાળો છે. શ્રીનગરના પાંચમાં પુલ નીચે કાશ્મીરની પહેલી મસ્જિદ રિંચને બનાવડાવી હતી.
તે સ્થાનને આજે પણ બુલબુલ લાંકર તરીકે ઓળખવામાં આવે છે. ઈ.સ.1327માં જ્યારે બુલબુલ શાહનું મૃત્યુ થયું ત્યારે તેમને આ મસ્જિદની બાજુમાં દફનાવવામાં આવ્યા.
બુલબુલ શાહને 'બુલબુલ-એ-કાશ્મીર' પણ કહેવાય છે. શાસનની ધુરા સંભાળ્યાના થોડા જ સમયમાં રિંચનનું મૃત્યુ થઈ ગયું પરંતુ તેના પછી પણ કાશ્મીરમાં ઇસ્લામી શાસન જોવા મળ્યું.
ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યા બાદ પણ કાશ્મીરની આમ જનતા ઇસ્લામિક કટ્ટરવાદથી દૂર હતી.
જે રીતે ભારતીય ઇતિહાસને હિન્દુ વિરુદ્ધ મુસ્લિમ દૃષ્ટિકોણથી જોવાની પદ્ધતિ ખોટી છે, એ જ રીતે જેઓ ઇસ્લામિક કટ્ટરવાદને કાશ્મીરીયતનું અનિવાર્ય અને ઍક્સક્લુઝિવ ઘટક ગણે છે, તે હકીકતથી દૂર છે.
કાશ્મીર સિવાયના ભારતમાં કાશ્મીરીઓને જોવાનો જે ધર્મોન્માદી પૂર્વગ્રહ છે તે પાયાવિહોણો છે.
તાજેતરમાં લેખક અશોકકુમાર પાંડેયે કાશ્મીર પર લખેલા પુસ્તક 'કાશ્મીરનામા'માં એક અગત્યની બાબત નોંધી છે.
તેઓ લખે છે કે, 'કાશ્મીરના માનસનું નિર્માણ બૌદ્ધ, શૈવ તથા ઇસ્લામની સૂફી પરંપરાઓના સમન્વયથી થયું છે. જેનો પ્રભાવ કાશ્મીરના સામાજિક- રાજકીય જીવન પર સ્પષ્ટ જોવા મળે છે.'
સાથે તેઓ સ્વીકારે છે કે એક તરફ કાશ્મીરમાં પ્રવર્તી રહેલા બન્ને સમુદાયો વચ્ચેના અંતર્વિરોધોને અવગણીને કાશ્મીરિયતની આભાસી દુનિયા રચવી કે પછી કાશ્મીરને માત્ર હિંદુ- મુસ્લિમ કોમી સંઘર્ષના એકમાત્ર એન્ગલથી જોવી, આ બન્ને દૃષ્ટિકોણો અંતિમવાદી અને ઘાતક છે.
પાંડેય લખે છે કે, 'બૌદ્ધ, શૈવ અને સૂફી ઇસ્લામના મિશ્રણથી જે એક વિશિષ્ટ કાશ્મીરી સંસ્કૃતિ રચાઈ છે તેને સમજવા માટે ઉદાર અને ગહન દૃષ્ટિકોણની જરૂર છે.'
અફસોસ કે દેશભરના લોકોને આ ઉદાર અને ગહન દૃષ્ટિકોણ પૂરો પાડવામાં આપણે નિષ્ફળ નીવડ્યાં છીએ.
એટલે જ ઐતિહાસિક અને વિશ્વસનીય પુસ્તકોના પેજ ઉથલાવવા, વાંચવા અને સમજવા અત્યંત આવશ્યક છે, અને આજની પરિસ્થિતિમાં તો તે અનિવાર્ય બની જાય છે.
(આ લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે, બીબીસીના નથી. આ લેખ સૌપ્રથમ સપ્ટેમ્બર 2019માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













