Onoda: 30 વર્ષ સુધી જંગલમાં છુપાઈને રહેલા માણસની રસપ્રદ અને વિવાદાસ્પદ કહાણી
- લેેખક, જેમ્સ બેલ્મોં
- પદ, .
ઓનોડા: 10,000 નાઈટ્સ ઈન ધ જંગલ નામની નવી ફિલ્મ જાપાનના બીજા વિશ્વયુદ્ધના વિવાદાસ્પદ યુદ્ધ હીરોની વિચિત્ર કહાની જણાવે છે. જેમ્સ બેલ્મોં આ લેખમાં જણાવે છે કે ફિલ્મની રાષ્ટ્રવાદ અને ફેક ન્યૂઝની વાતો આજના સમયમાં વધારે પ્રસ્તુત જણાય છે.

ઇમેજ સ્રોત, bathysphere
ડિસેમ્બર 1944: બીજા વિશ્વયુદ્ધના અંત ભાગમાં જાપાની લેફ્ટનન્ટ હિરૂ ઓનોડા લ્બુબાંગ નામના ફિલિપાઇન્સના ટાપુ પર હતા. ટાપુ પર તેઓ પહોંચ્યા તેના થોડાં જ અઠવાડિયાંમાં અમેરિકાએ હુમલો કર્યો અને ઓનોડા અને તેના સાથીઓએ જંગલમાં છુપાઈ જવું પડ્યું. બીજા સાથીઓ તો ધીમે ધીમે બહાર નીકળ્યા પણ ઓનોડા 30 વર્ષ સુધી જંગલમાં જ છુપાયેલા રહ્યા. જાપાન સરકારે 1959માં તેમને મૃત ઘોષિત કર્યા હતા, પણ તે તો જંગલમાં છુપાઈને પોતાને સોંપાયેલી ગુપ્ત કામગીરી પ્રમાણે શાહી લશ્કર આવે ત્યાં સુધી ટાપુને સાચવીને બેસી રહ્યા હતા. તેમને ખબર જ નહોતી કે યુદ્ધનો અંત આવી ગયો છે.
1974માં તેઓ જાપાન પરત ફર્યા ત્યારે વીર યોદ્ધા તરીકે તેમનું સ્વાગત થયું હતું. યુદ્ધમાંથી પરત ફરેલા છેલ્લા અફસર તરીકે તેમણે જીવનકથા લખી તે પુસ્તક બેસ્ટસેલર સાબિત થયું હતું.
તેમની આ ગાથા પરથી જ આર્થર હેરારીએ ફિલ્મ બનાવી છે 'ઓનોડા: જંગલમાં 10,000 રાત'. ફિલ્મનાં વખાણ થયાં છે, પણ વિવાદોય જાગ્યા, કેમ કે તેની થીમમાં યુદ્ધ, રાષ્ટ્રવાદ, ફેક ન્યૂઝ વગેરે વણી લેવાયાં છે.
ઓનોડા જાપાની સેનામાં 1942માં જોડાયા હતા અને તેમને ગોરીલા યુદ્ધની તાલીમમાં મોકલાયા. આ તાલીમમાં યોદ્ધાને જણાવાય છે કે કોઈ પણ સંજોગોમાં પકડાઈ જવું નહીં. આ વાત તેમણે પોતાની જીવનકથા 'નો સરન્ડરઃ માય થર્ટી-યર વૉર'માં પણ લખી હતી કે "તમારે જાતે ક્યારેય તમારો જીવ લેવો નહીં."
ઓનોડાને લ્યુબાંગની હવાઈ પટ્ટીનો નાશ કરવાનું અને દુશ્મનનું વિમાન આવે તો તેને પણ તોડી પાડવાનું કામ સોંપાયું હતું. જોકે તેમની ટુકડીને નિષ્ફળતા મળી અને દુશ્મનોએ ટાપુ પર કબજો કરી લીધો હતો.
થોડા વખત બાદ યુદ્ધ સમાપ્ત થઈ ગયું અને તેની જાહેરાત માટેનાં ચોપાનિયાં જંગલોમાં ઉપરથી ફેંકવામાં આવ્યાં હતાં, પણ ઓનોડા અને તેમના ત્રણ સાથીઓને લાગ્યું આ નકલી છે. તે લોકો જંગલમાં જ છુપાયેલા રહ્યા અને જંગલમાંથી કેળાં, નાળિયેર જેવું જે મળે તે ખાઈને ચલાવતા રહ્યા.
આ લોકોને શોધવા માટે સર્ચ પાર્ટી જંગલમાં ગઈ હતી, પણ ઓનોડાને લાગ્યું કે આ જાપાની કેદીઓને દુશ્મનો ફરજ પાડીને લઈ આવ્યા છે. 1950-53ના કોરિયા યુદ્ધ દરમિયાન ઉપરથી વિમાનો ઊડતાં હતાં તે જાપાન તરફથી વળતા હુમલા માટેનો પ્રયાસ છે એમ તેઓ માનતા રહ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટાપુ પર અખબારો પણ ફેંકવામાં આવ્યા હતા, પણ આ તો "યાન્કી (અમેરિકન)નો પ્રોપેગેન્ડા" છે એવું તેમણે ધારી લીધું. ઓનોડાએ લખ્યું છે કે 1959 સુધીમાં તેમણે અને સાથી કિન્શિચી કોઝુકાએ "એવું ઘણું બધું ધારી લીધું હતું એટલે તેની સાથે મેળ ના પડતો હોય તેવી કોઈ વાત તેઓ સમજી શકતા નહોતા."
ઑક્ટોબર 1072માં સ્થાનિક પોલીસ ગોળીબારમાં કોઝુકા માર્યા ગયા તે પછીય ઓનોડા બીજા 18 મહિના સુધી એકલા જ જંગલમાં છુપાયેલા રહ્યા.
તે પછી એક ખોપડીબાજ જાપાની સાહસિક નોરિયો સુઝુકી જંગલમાં પહોંચ્યા અને તેમને મનાવી શક્યા હતા. ઓનાડાએ કહ્યું કે મારા કમાન્ડિંગ ઑફિસરને લઈ આવો અને તે હુકમ કરે તો જ હું શરણે આવું. આ રીતે આખરે 9 માર્ચ, 1974ના રોજ ઓનોડા શરણે આવ્યા.

સહનશીલતા અને ભ્રમણા

ઇમેજ સ્રોત, Getty Images
ફિલ્મના ફ્રેન્ચ ડિરેક્ટર આર્થર હેરારી કોઈ સાહસકથા પરથી ફિલ્મ બનાવવા માગતા હતા. દરમિયાન તેમને ઓનોડા વિશે જાણવા મળ્યું અને તેમને લાગ્યું કે આના પરથી ફિલ્મ બની શકે છે.
હેરારીએ બીબીસીને જણાવ્યું કે "સમગ્ર કથા બહુ જ આશ્ચર્યજનક હતી કે તમને સ્પર્શ્યા વિના જ રહે જ નહીં."
ફિલ્મમાં જંગલમાં તેઓ કેવી રીતે રહ્યા તેની વાત ઉપરાંત મિલિટરી સ્કૂલમાં કેવી રીતે તાલીમ અપાઈ હતી તેને પણ વણી લેવાઈ છે. ઘનઘોર જંગલ સાથેના ટાપુ પરનાં દૃશ્યો પણ ફિલ્મમાં આકર્ષક બન્યાં છે.
આવા ગાઢ જંગલમાં રહેવાની, ટકી જવાની અને ભ્રમણા ઉત્પન્ન થવાની સમગ્ર વાતને સુપેરે વણી લેવાઈ છે. ફેબ્રુઆરી 2022માં આ ફિલ્મને બેસ્ટ ઓરિજિનલ સ્ક્રિનપ્લે માટેનો સિઝર ઍવૉર્ડ પણ મળ્યો હતો અને ફ્રેન્ચ ઍસોસિયેશન ઑફ ફિલ્મ ક્રિટિક્સ તરફથી બેસ્ટ ફિલ્મ તરીકે પસંદ થઈ હતી.
જોકે આ ફિલ્મની ટીકા પણ થઈ હતી કે ઓનોડાની વાત આવી છે, પણ ફિલ્મમાં ફિલિપિનો લોકોના દૃષ્ટિબિંદુને યોગ્ય રીતે લેવાયું નથી. જેમ્સ લેટ્ટીમેરે ટીકા કરી હતી કે "જાપાનમાં રાષ્ટ્રવાદી ભાવના જાગી રહી છે ત્યારે સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાને પ્રાધાન્ય આપીને ફિલિપિનો નગણ્ય હોય તેવી વાત યોગ્ય નથી."
સમયના પ્રવાહમાં તણાઈ ગયેલા સમુરાઇ જેવા યોદ્ધાના જોશની વાતને રોમેન્ટિક સ્પર્શ આપવો સહેલો છે - મીઆ સ્ટુઅર્ટ
ઓનોડાની ટુકડીએ યુદ્ધ પછીય હિંસા આચરી હતી તે વાતને વિસારે પાડી દેવાઈ છે. ટાપુના 30 જેટલા રહેવાસીઓને હત્યા કરી દેવાઈ હતી. કેટલીક વાર બહુ ક્રૂર રીતે ટાપુવાસીની હત્યા થઈ હતી તેના પ્રસંગો ચર્ચાયા છે, પણ ફિલ્મમાં તે લેવાયા નથી.

ઇમેજ સ્રોત, bathysphere
હેરારી કહે છે કે તેમની ફિલ્મને કારણે વિવાદો થશે તેવી અપેક્ષા હતી, પણ પોતે ઓનોડાનાં કૃત્યોનો કોઈ રીતે બચાવ કરતા નથી અને કલાત્મક રીતે જ પોતે નિર્ણયો લીધા હતા તેમ ઉમેરે છે.
એક સૈનિક પોતાની ધારી લીધેલી સ્થિતિને કારણે શરણે ના આવે અને જંગલમાં છુપાઈને રહે તે વાત પોતે જણાવવા માગતા હતા એવી તેમની દલીલ છે.
તેઓ કહે છે કે આવો દૃષ્ટિકોણ દર્શાવવાનો અર્થ એ નથી કે પોતે ઓનોડા સાથે સહમત હોય. તેમણે ધ્યાન દોર્યું કે ફિલ્મમાં ટાપુ પરના લોકોની ઠંડે કલેજે હત્યાની વાતને પણ દર્શાવી છે.
ટોક્યો યુનિવર્સિટીના ફોરેન સ્ટડીઝના પ્રોફેસર નાઓકો સેરિયૂ આવાં દૃશ્યો સમાવાયાં છે તેની સરાહના કરીને કહે છે કે આ રીતે પાત્રને નાયકથી ઓછો દર્શાવાયો છે. "ફિલ્મ દર્શાવે છે કે ઓનોડાથી સ્થાનિક લોકો ફફડતા હતા અને તેમને ધિક્કારતા હતા."
હેરારીની ફિલ્માં દર્શાવાયું છે તે રીતે તે વખતે ઓનોડાની ઉંમર માત્ર 23 વર્ષની હતી અને જાપાનમાં યુદ્ધ વખતે જે વિચારધારા મગજમાં ધરબી દેવાઈ હતી તેનાથી પ્રેરિત હતા. ઓનોડાએ પોતાની જીવનકથામાં લખ્યું છે કે "સૈનિકોએ સિદ્ધાંત ખાતર જીવ આપી દેવાનો હોય છે. (બીજા વિશ્વ યુદ્ધમાં 5000 કામીકાઢી સૈનિકો ખુવાર થયા હતા તે આ વાત પુરવાર કરે છે.)
સૈનિક પરંપરાનું પાલન ના કરે ત્યારે તેમનો બહિષ્કાર થતો અને તેમના માટે મરી જવા જેવું થતું હતું." બીજું કે ઓનોડાને ગુપ્ત હુકમ અપાયો હતો કે ગમે તેમ કરીને બચી જવું અને શાહી સેના આવી પહોંચે ત્યાં સુધી ટાપુને જાળવી રાખવો. તેના કારણે તેમણે બીજા સાથીઓથી જુદું વર્તન કર્યું હતું.
માત્ર ઓનોડા એકલા એવા સૈનિક નહોતા કે જેઓ યુદ્ધ સમાપ્ત થયું છે તેવું માનવા તૈયાર ના હોય. ઘણી બધી ટુકડીઓ જાપાન શરણે આવી ગયું તે પછીય લડતી રહી હતી. 1951માં એનાટહાન ટાપુ પરથી 21 જાપાની સૈનિકોને પકડી લેવાયા હતા.
તાઇવાની-જાપાની સૈનિક તેરુઓ નાકામુરા પણ 29 વર્ષ સુધી હાલના ઇન્ડોનેશિયામાં આવેલા મોરોતાઇ જંગલમાં 29 વર્ષ સુધી છુપાઈ રહ્યા હતા. એવી જ રીતે શોઇચી યોકોઇ પણ ગુઆમના જંગલમાં 1972 સુધી છુપાઈને રહ્યા હતા. બાદમાં એવું જણાયું હતું કે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે તેની જાણ યોકોઇને થઈ હતી, પણ શરણે આવવાની તેમની હિંમત જ થઈ નહોતી.
આવા જાપાની સૈનિકોના કિસ્સામાં એવું બન્યું હતું કે ઘણા સ્થાનિક લોકો સાથે ભળી ગયા હતા અને લગ્ન કરીને ઠરીઠામ પણ થયા હતા. તેની સામે ઓનોડા લ્યૂબાંગના સ્થાનિક લોકો સાથે સંપર્ક કરવા તૈયાર જ નહોતા અને એકલા જ લડતા રહ્યા હતા.

વીર યોદ્ધા તરીકે સ્વાગત?

ઇમેજ સ્રોત, bathysphere
ઓનોડા 1974માં જાપાન પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે 8,000 લોકો ઊમટી પડ્યા હતા અને ટીવી પર તેને લાઇવ દેખાડાયું હતું. તે વખતે બે દાયકાથી જાપાન આર્થિક તંગીમાં હતો અને લોકો યુદ્ધને ભૂલવા માગતા હતા ત્યારે ઓનોડાના આગમનથી લોકોને જૂની પરંપરાની યાદો તાજી થઈ હતી.
દેશના રૂઢિચુસ્ત લોકો માટે તેમનું ઉદાહરણ પરંપરાનું પ્રચાર કરવા માટે ઉપયોગી થયું હતું. ઓનોડા પણ તેવા લોકો સાથે જોડાઈ ગયા હતા અને તેમને મીડિયામાં પ્રચાર મળ્યો તેમાંથી પૈસા પણ બહુ મળ્યા.
ઓનોડાનું સ્વાગત વીર યોદ્ધા તરીકે થયું, અને સાથે જ ભોગ બનેલી વ્યક્તિ તરીકે પણ જોવામાં આવી, પરંતુ બાદમાં ટીકા થઈ કે તે લશ્કરવાદનું પ્રતીક બની ગયો છે - નાઓકો સેરિયૂ
ઓનોડાએ પોતાની જીવનકથા લખી તેનો પણ વિવાદ થયો. એક જગ્યાએ પુસ્તકના પ્રચારનો કાર્યક્રમ હતો ત્યારે જૂના સૈનિકોએ તેમની સામે સવાલો ઉઠાવ્યા હતા.
તેમના પર ખોટી વાતો ચગાવવાનો આરોપ મૂકાયો હતો. બે વર્ષ પછી આ પુસ્તકનું ઘોસ્ટ રાઇટિંગ (ઓનોડા માટે લખાણ તૈયાર) કરનારા ઇકેડા શીને ફેન્ટેસી હીરો તરીકે પુસ્તક લખ્યું. તેમણે લખ્યું કે ઓનોડા વીર નથી, સૈનિક નથી કે બહાદુર પણ નથી.

ઇમેજ સ્રોત, bathysphere
હેરારીએ ઓનોડાની કથા પરથી ફિલ્મ બનાવી તેને રોમેન્ટિક બનાવવાની કોશિશ કરી હોય તો તેઓ એકલા નથી.
બાદમાં ઓનોડાની મુલાકાત લઈને હરઝોગ નામના લેખકે તેના આધારે નવલકથા લખી તેનું વર્ણન રતી વખતે પેંગ્વીન રેન્ડમ હાઉસે લખ્યું હતું કે આ "થોડી ડૉક્યુમેન્ટ્રી, થોડી કવિતા અને થોડું સપનું છે... આધુનિક સમયના રોબિન્સન ક્રૂઝોની કથા જેવું".
ઓનોડાની દંતકથામાં કલ્પનાનું તત્ત્વ પણ એટલું જોરદાર છે અને તેની વાસ્તવિકતાના વિવાદો પણ એટલા જ જોરદાર છે.
આ સમગ્ર ઘટનાક્રમ ફિલિપિનો લોકોની દૃષ્ટિથી જોવા માટે મીઆ સ્ટુઅર્ટ ડૉક્યુમેન્ટ્રી તૈયાર કરી રહ્યા છે.
સ્ટુઅર્ટ કહે છે કે તેમની માતા લ્યૂબાંગ ટાપુ પર રહેતા હતા અને તેમણે ગામના સીમાડામાં એક "રહસ્યમય સૈનિક" રહે છે એમ જણાવ્યું હતું. કોઈ તેની નજીક જવા કોશિશ કરે ત્યારે તે હુમલો કરી દેતો હતો.
સ્ટુઅર્ટ બીબીસી કલ્ચરને જણાવે છે કે "શરણે આવવા તૈયાર ના હોય તેવા સૈનિકની, સમુરાઈની વાતો આકર્ષક લાગે છે. પહેલી વાર મેં ઓનોડા વિશે સાંભળેલું ત્યારે હું પણ આભો બની ગયો હતો."

ઇમેજ સ્રોત, Getty Images
જોકે આ કથાનાં બીજાં પાસાંને ઓછાં દર્શાવાયાં છે તે બાબતને સ્ટુઅર્ટે આવરી લીધી છે, જે તેમના ટ્રેલરમાં દર્શાવાઈ છે.
ઓનોડા માટે 1945માં યુદ્ધ પત્યું નહોતું તે રીતે લ્યુબાંગના રહેવાસીઓ માટે પણ યુદ્ધ પૂર્ણ થઈ ગયું નહોતું. ફિલિપિનોની વાત પણ જાણવી જરૂરી છે અને તેથી જ પોતે ઓનોડાના વીર યોદ્ધાની વાત સામે તેનો ભોગ બનેલા લોકોની વાત મૂકવા માગે છે એમ તેઓ કહે છે.
સ્ટુઅર્ટ કહે છે કે હેરારીની ફિલ્મ જોનારા કે હરઝોગની નવલકથા વાંચનારાએ પોતાની ડૉક્યુમેન્ટરી પણ જોઈ લેવી જોઈએ. ઓનોડાની કથા રોમાંચક અને વિવાદમય છે તે રીતે આ બીજી બાજુ જોવાની વાત પણ સમજી શકાય તેવી છે. દરેક કથાની અનેક બાજુ હોય છે - સત્ય ગમે તેટલું વિચિત્ર, તરંગી કે ખતરનાક લાગતું હોય તે બધાની બધી બાજુ આપણે જોવી જોઈએ.
ઓનોડા: 10,000 નાઇટ્સ ઇન ધ જંગલ યુકે અને આયરલેન્ડમાં 15 એપ્રિલે રિલીઝ થઈ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













