આઈન્સ્ટાઇનનું મગજ અને નેપોલિયનનું લિંગ કેમ સાચવી રાખવામાં આવ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કેલી ગ્રોવિયર
- પદ, બીબીસી કલ્ચર
મૃત્યુ પછી જિંદગીનું રૂપ કેવું હોય છે એ વિશે બધા પ્રકારની વાતો થાય છે, પણ એક વાતની તમને ખાતરી હશે કે મૃત્યુ પછી તમારા શરીરનાં અંગોની હરાજી તો નહીં જ થાય.
થોડા સમય પહેલાં એક વેબસાઇટે મૃત્યુ પામેલા લોકોનાં અંગોની ઓનલાઇન હરાજી કરાઈ હતી. એ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી.
દુનિયાના ઘણા દેશોમાં મૃત્યુ પામેલા લોકોનાં અંગો સાચવી રાખવાનું ચલણ છે. ઘણી જગ્યાએ તેની પૂજા પણ કરવામાં આવે છે. ઘણી વાર વિખ્યાત લોકોના શરીરનાં અંગોના નામે છેતરપિંડી પણ કરવામાં આવતી હોય છે.
શ્રીલંકાના કૅન્ડી શહેરના એક મંદિરમાં ભગવાન ગૌતમ બુદ્ધનો દાંત રાખવામાં આવ્યો હોવાનો દાવો આજે પણ કરવામાં આવે છે.
એવી જ રીતે તુર્કીના ઇસ્તંબૂલમાં મોહંમદ સાહેબની દાઢી, જ્યારે રોમની સેન્ટ જૉન્સ બૅસિલિકામાં ઈસુ ખ્રિસ્તની ગર્ભનાળ સાચવી રાખવામાં આવી હોવાનો દાવો પણ કરવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ તો એમની વાત થઈ જેમને ભગવાન સમાન દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ એવા અન્ય ઘણા લોકો છે જેમનાં અંગો સાચવી રાખવામાં આવ્યાં છે.
વિખ્યાત લોકોનાં શરીરનાં જાળવી રાખવામાં આવેલાં અંગો વિશેની જાણકારી રસપ્રદ છે.
ઇટાલીના વિખ્યાત વૈજ્ઞાનિક ગેલીલિયો ગેલીલીની એક આંગળી અને અંગૂઠો ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં પ્રદર્શનાર્થે રાખવામાં આવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગેલીલિયોના મૃતદેહને 1737માં એક કબરમાંથી બીજી કબરમાં લઈ જવામાં આવી રહ્યો હતું ત્યારે આ અંગો કાઢી લેવામાં આવ્યાં હતાં.
ગેલીલિયોએ બનાવેલા દૂરબીનની સાથે તેમની આંગળીઓ અને કરોડરજ્જુના એક હાડકાને પણ ફ્લોરેન્સના સંગ્રહાલયમાં રાખવામાં આવ્યાં છે. ગેલીલિયોના અનુયાયીઓ આ સંગ્રહાલયને એક તીર્થસ્વરૂપે નિહાળવા આવે છે.
ફ્રાન્સના મશહૂર રાજા નેપોલિયન બોનાપાર્ટે તેમના જીવનના અંતિમ દિવસો અંગ્રેજોની કેદમાં પસાર કર્યા હતા. સેન્ટ હેલેના દ્વીપ પર 1821માં નેપોલિયનનું મોત થયું ત્યારે જે અંગ્રેજ સર્જને તેમનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. તેમણે નેપોલિયનનું લિંગ કાપી લીધું હતું.

ઇમેજ સ્રોત, Alamy
પછી ડૉકટરે તેની મોંઘી કિંમતે હરાજી કરી નાખી હતી. તેને ઇટાલીના એક પાદરીએ ખરીદ્યું હતું. વીસમી સદીમાં લંડનના એક બુકસેલરે એ લિંગ મોંઘા ભાવે ખરીદ્યું હતું. પછી એક અમેરિકન વૈજ્ઞાનિકે તેને લગભગ 3,000 ડૉલરમાં ખરીદ્યું હતું.
એ વૈજ્ઞાનિકનું 2007માં અવસાન થયું પછી 2016માં તેમના સંગ્રહની ચીજોની હરાજી કરવામાં આવી હતી. તેમાં સાયનાઇડની એ શીશી પણ હતી, જેમાંથી સાયનાઇડ ખાઈને જર્મન કમાન્ડર હર્મન ગોરિંગે આપઘાત કર્યો હતો.
જર્મન મૂળના વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન જીનિયસ એટલે કે પ્રતિભાશાળી વ્યક્તિ હતા. તેમના મૃત્યુ બાદ 1955માં તેમની આંખો કાઢીને ન્યૂયૉર્કના એક સેફ ડિપૉઝિટ વોલ્ટમાં રાખવામાં આવી હતી.
એવી જ રીતે તેમનું દિમાગ પણ તપાસ માટે કાઢી લેવામાં આવ્યું હતું. તેના પર વર્ષો સુધી સંશોધન થતું રહ્યું હતું.
એ પછી એમના દિમાગના ટુકડા એમની આંખોના ડૉક્ટર હેનરી અબ્રામ્સને સોંપી દેવામાં આવ્યા હતા. આઇન્સ્ટાઇનના દિમાગના ટુકડાઓ તો દુનિયાએ જોઈ લીધા છે, પણ તેમની આંખો આજે પણ અંધારિયા ડબ્બામાં કેદ છે.
અમેરિકન વૈજ્ઞાનિક થૉમસ આલ્વા એડિસનની એક ટેસ્ટટ્યૂબ અમેરિકાના મિશિગન શહેરના સંગ્રહાલયમાં રાખવામાં આવી છે.
એ ટેસ્ટ ટ્યૂબમાં થોમસ આલ્વા એડિશનનો છેલ્લો શ્વાસ કેદ હોવાનું કહેવાય છે. જે ટેસ્ટટ્યૂબમાં તેમણે અંતિમ શ્વાસ છોડ્યો હતો તેના પર બૂચ લગાવીને તેમના ડોક્ટરે બંધ કરી દીધી હતી. તેને મિશિગનના સંગ્રહાલયમાં જાળવી રાખવામાં આવી છે.
લાઇટ બલ્બ, ફોનોગ્રાફ અને કૅમેરાના સંશોધક એડિસન 1931માં મૃત્યુ પામ્યા હતા.
એ પછી તેમના પુત્ર ચાર્લ્સે તેમના પિતાના દોસ્ત હેનરી ફોર્ડને એ ટેસ્ટટ્યૂબ આપી દીધી હતી. હેનરી ફોર્ડે તેમના નામે બનેલા સંગ્રહાલયમાં એ ટેસ્ટટ્યૂબને સાચવી રાખી હતી.

અમેરિકાના અલ પાસો શહેરના એક દુકાનદારે 2011માં દાવો કર્યો હતો કે તેમની પાસે કુખ્યાત બળવાખોર જનરલ પૅંચો વિલાના હાથની એ આંગળી છે, જેનાથી તેઓ બંદૂકનું ટ્રિગર દબાવતા હતા.
પૅંચો વિલાની 1926માં હત્યા કરવામાં આવી હતી. તેમના મૃતદેહને ડાકુઓએ ત્રણ વર્ષ પછી કબ્રસ્તાનમાંથી ખોદીને બહાર કાઢી લીધો હતો. એ પછી પૅંચોના શબના ટુકડા અલગ-અલગ લોકો પાસે હોવાના દાવા થતા રહ્યા છે.
પૅંચો વિલાની આંગળી પોતાની પાસે હોવાનો દાવો જે દુકાનદારે કર્યો હતો એ સચ્ચાઈ સાબિત કરવા તૈયાર ન હતા.
એ વિશે વર્ષો સુધી ચર્ચા ચાલતી રહી હતી. ડેવ નામના એક દુકાનદાર આજ સુધી પૅંચોની એ આંગળી વેચી શક્યા નથી.

ઇમેજ સ્રોત, HENRY FORD MUSEUM/CREATIVE COMMONS
મૃત્યુ પામેલા લોકોનાં અંગોમાં જીવંત લોકોને આટલી દિલચસ્પી કેમ હોય છે? કદાચ એવું હશે કે મોટા અને વિખ્યાત માણસની જિંદગી એટલી રહસ્યસભરપૂર હોય છે કે તેમની સાથે જોડાયેલી દરેક વસ્તુ માટે એક વાર્તા ઘડી કાઢવામાં આવે છે.
એ જ અંગો મૃત્યુ પામેલી વ્યક્તિ આપણી આસપાસ હોવાનો અહેવાસ કરાવે છે. જેમ કે આઇન્સ્ટાઇનના ડૉક્ટર અબ્રામ્સે કહ્યું હતું કે એ મહાન વૈજ્ઞાનિકની આંખ તેમની પાસે હોવાનો અર્થ એ છે કે આઇન્સ્ટાઇન આજે પણ જીવંત છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












