બ્રહ્માસ્ત્ર : શસ્ત્રોનું શસ્ત્ર ગણાતું બ્રહ્માસ્ત્ર શું છે અને તેનો કોની-કોની સામે ઉપયોગ કરાયો છે?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
કરણ જોહરનિર્મિત ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના ટ્રેલર બાદ તેનું બહુચર્ચિત ગીત કેસરિયા પણ રિલીઝ થઈ ગયું છે, જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ઑનસ્ક્રિન કૅમિસ્ટ્રી જોવા મળે છે. વીએફએક્સથી ભરપૂર આ ફિલ્મ સપ્ટેમ્બર મહિનામાં રજૂ થવાની છે.
ફિલ્મના ટ્રેલરની સાથે પગમાં બૂટ પહેરીને રણબીર કપૂરના મંદિરમાં પ્રવેશ તથા હિંદુ પૌરાણિક માન્યતાઆધારિત ફિલ્મમાં ઉર્દૂમિશ્રિત ભાષા પ્રયોગ સામે સોશિયલ મીડિયા ઉપર વિરોધ ઊઠ્યો છે, સાથે જ બ્રહ્માસ્ત્ર વિશે પણ ચર્ચા થઈ રહી છે.

ઇમેજ સ્રોત, Twitter
હિંદુધર્મની પૌરાણિક માન્યતા અનુસાર, 'બ્રહ્માસ્ત્ર' એ સર્જનના દેવતા બ્રહ્મા દ્વારા નિર્મિત હથિયાર છે, જે ખૂબ જ ભયંકર છે. તેની સરખામણી આજના સમયમાં અણુહથિયારો સાથે કરવામાં આવે છે.

રામાયાણમાં બ્રહ્માસ્ત્ર

ઇમેજ સ્રોત, Ramanand Sagar Productions
હિંદુઓના પવિત્રગ્રંથ 'રામાયણ' અને 'મહાભારત'માં 'બ્રહ્માસ્ત્ર' આયુધના ઉપયોગના પ્રસંગ ટાંકવામાં આવ્યા છે તથા સંદર્ભ આપવામાં આવ્યા છે.
'વાલ્મીકિ રામાયણ'માં મળતા સંદર્ભ પ્રમાણે, ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર મનાતા રામને તેમના ગુરુ વિશ્વામિત્રે દંડચક્ર, બ્રહ્મશિરા વરુણપાશ, નારાયણાસ્ત્ર, પ્રસ્વાપનાસ્ત્ર, મોહનાસ્ત્ર, અગ્નેયાસ્ત્ર, જેવાં અનેક દિવ્યાસ્ત્ર આપ્યાં હતાં અને તેનું પ્રયોગવિજ્ઞાન પણ શીખવ્યું હતું.
અખંડ આંધ્રપ્રદેશના રાજા ગૌનબુદ્ધરચિત મૂળ તેલુગુ 'રંગનાથ રામાયણ'ના બાલખંડમાં જોવા મળતા ઉલ્લેખ પ્રમાણે (પૃષ્ઠક્રમાંક 46-47), 'વિશ્વામિત્રે ગુરુ વશિષ્ઠના આશ્રમ પર અગ્નેય બાણ છોડ્યા, જેના કારણે આશ્રમ સળગવા લાગ્યો. ગુરુ વશિષ્ઠ યમ (હિંદુ માન્યતા પ્રમાણે, મૃત્યુના દેવતા) જેવા ક્રોધ સાથે બહાર આવ્યા અને કહ્યું, "હે પાપી, હે વિશ્વામિત્ર, શું આવી રીતે પુણ્યભૂમિ તપોવનને સળગાવાય? તારી શક્તિ કેટલી અને મારી શક્તિ કેટલી છે (તેનું તને ભાન પણ છે.)"
'આથી ઉશ્કેરાયેલા વિશ્વામિત્રે રૌદ્રાસ્ત્ર, બ્રહ્મપાશ, કાલપાશ, વિષ્ણુચક્ર, કાલચક્ર, વાયવાસ્ત્ર વગેરે અનેક શક્તિશાળી અસ્ત્રોનો પ્રયોગ કર્યો. પરંતુ ગુરુ વશિષ્ઠે તેમના બ્રહ્મદંડની મદદથી એ બધાને વ્યર્થ કરી દીધાં, તે અગ્નિકળની જેમ વિખેરાઈ જતાં.'
'વધુ ક્રુદ્ધ થયેલા વિશ્વામિત્રે ગુરુ વશિષ્ઠ પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. જેનાથી બધા દેવતા, સંયમી, ભૂત, ગંધર્વ, દિગ્પાલ, નક્ષત્ર, ગ્રહ, સૂર્ય અને ચંદ્ર સહિત બધા લોકો ક્ષુબ્ધ થઈ ગયા. તમામ દિશાઓ પ્રજ્વલિત થઈ ગઈ. દેવતાઓ માટે પણ જેનો સામનો કરવો દુષ્કર હોય તેવા આ હથિયારને બ્રહ્મદંડની મદદથી નિષ્ક્રિય કરીને વશિષ્ટ તેને ખૂબ જ સહજ રીતે ગળી ગયા. તેઓ બ્રહ્મતેજથી દીપી ઊઠ્યા.તેમના રોમ-રોમમાંથી અનેક બાણ છૂટવા લાગ્યા, જે જ્વાળાઓ ઓકી રહ્યા હતા. વિશ્વામિત્ર સળગવા લાગ્યા. હારીને તેઓ પોતાનાં ધર્મપત્ની સાથે દક્ષિણ તરફ તપ કરવા માટે જતા રહ્યા.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક માન્યતા પ્રમાણે, બ્રહ્મશિરાએ 'બ્રહ્માસ્ત્ર'નું ઉન્નત સ્વરૂપ છે, જ્યારે અન્ય કેટલાક સંદર્ભમાં બંનેનો સમાનાર્થી શબ્દ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
'વાલ્મીકિ રામાયણ'માં જોવા મળતા ઉલ્લેખ પ્રમાણે, 'રામનો સંદેશ લઈને હનુમાન લંકામાં 'અશોક વાટિકા' પહોંચ્યા. આના વિશે માહિતી મળતા રાવણના પુત્ર ઇંદ્રજિત પણ ત્યાં પહોંચ્યા. તેમણે હનુમાન તરફ અનેક તીર છોડ્યા. હનુમાને ઝાડ તોડીને તેનો સામનો કર્યો. બંને વચ્ચે ભીષણ મુકાબલો થયો, જ્યારે ઇંદ્રજીતનાં તમામ અસ્ત્ર-શસ્ત્ર નિષ્ફળ ગયાં, ત્યારે તેમણે હનુમાન પર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો, જેના પ્રહારથી હનુમાન જમીન પર ફસડાઈ પડ્યા. ત્યારે મેઘનાદની આજ્ઞાથી રાક્ષસગણ તેમને બંધકબનાવી રાવણની સભામાં લઈ ગયો.'
મહર્ષિ વાલ્મીકિ દ્વારા રચિત આ ગ્રંથમાં જોવા મળતા અન્ય એક ઉલ્લેખ પ્રમાણે, 'વાનરસેના સામે લંકા સુધી પહોંચવા માટેના સેતુનું નિર્માણ કરવાની મુશ્કેલી હતી. ત્રણ દિવસ સુધી સમુદ્રકિનારે રહીને રામે આગામી યોજના વિશે વિચાર કર્યો. અંતે તેમણે સમુદ્રને સૂકવી નાખવાના ઇરાદાથી ધનુષ્ય પર અમોઘ બ્રહ્માસ્ત્ર ચઢાવ્યું. જેના કારણે દરિયામાં ભીષણ હલચલ થવા લાગી. આનાથી ધરતી ફાટી ગઈ. પાણી પાછું હઠી ગયું અને ત્યાં જાણે મરુસ્થળ બની ગયું. અફાટ દરિયો ક્ષુબ્ધ થઈ ગયો અને શાંત દેખાવા લાગ્યો. જાણે કે સમુદ્રે પાર જવાનો રસ્તો કરી દીધો હતો. એ પછી રામની મંજૂરી લઈને નીલે લાખો વાનરો સાથે સેતુનું નિર્માણકામ શરૂ કર્યું.'
રામ અને રાવણના યુદ્ધ સમયે પણ તેનો ઉપયોગ થયો હોવાનો ઉલ્લેખ મહર્ષિ વાલ્મીકિરચિત 'રામાયણ'માં જોવા મળે છે. ઇંદ્રના સારથિ માતલિ આ યુદ્ધ દરમિયાન રામનો રથ ચલાવતા હતા. જ્યારે રાવણે ગદા, મૂસળ, શૂળ, ચક્ર, વૃક્ષ અને શીલાખંડ દ્વારા પ્રહાર કરવાનું ચાલુ રાખ્યું ત્યારે મતાલિએ તેમને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું.
ધાર્મિકગ્રંથના વર્ણન પ્રમાણે, "સૂર્ય જેવું જાજ્વલ્યમાન, વજ્રથી પણ તીક્ષણ, વિષધારી સાપ જેવા ભયંકર બ્રહ્માસ્ત્રને અભિમંત્રિત કરીને ધનુષ્ય પર ચઢાવીને, રાવણ તરફ તાકીને તેને છોડી દીધું. રાવણે તેને અટકાવવાના અનેક પ્રયાસ કર્યા, પરંતુ તે અટક્યું નહીં અને હૃદય સોંસરવું ઊતરીને ધરતીમાં સમાઈ ગયું."
લોકવાયકા પ્રમાણે, ઇંદ્રજિતે લક્ષ્મણની ઉપર પણ બ્રહ્માસ્ત્રનો ઉપોગ કર્યો હતો, જેના કારણે તેઓ મૂર્છિત થઈ ગયા હતા. હનુમાન સંજિવની બૂટી લાવ્યા હતા, જે પછી તેઓ ભાનમાં આવ્યા હતા. અન્ય એક માન્યતા પ્રમાણે, રાવણની નાભિમાં તીર માર્યું હતું, કારણ કે તેમનાં અન્ય અંગો ઉપર પ્રહારથી મૃત્યુ નહીં પામે એવું તેમને વરદાન હતું.

'બ્રહ્માસ્ત્ર' એટલે....

ઇમેજ સ્રોત, Ramanand Sagar Productions
ગુજરાતી શબ્દકોશની વ્યાખ્યા પ્રમાણે, 'બ્રહ્માસ્ત્ર'નો એક અર્થ 'સચોટ ઘા' એવો પણ થાય છે, એટલે જ બોલચાલની ભાષામાં 'બ્રહ્માસ્ત્ર છોડ્યું' જેવો શબ્દપ્રયોગ થાય છે. વાસ્તવમાં તેનો સંદર્ભ પૌરાણિક માન્યતા સાથે જોડાયેલો છે, જે અણુહથિયાર જેવું ખતરનાક હોવાની માન્યતા છે.
આ ક્ષેત્રના વિશેષજ્ઞ દેવદત્ત પટનાયક તેમના પુસ્તક 'દેવલોક'માં તેનો ઉલ્લેખ કરતાં લખે છે, "બ્રહ્મા દ્વારા નિર્મિત 'બ્રહ્માસ્ત્ર'ને પ્રાચીન સમયના ભારતીય અણુહથિયાર ગણવામાં આવે છે, શું તે એટલા શક્તિશાળી હતા કે કેમ, તે અંગે નક્કરપણે કંઈ પણ કહેવું મુશ્કેલ છે, કારણ કે તે વિશે હજારો વર્ષ પહેલાં લખાયું હતું. છતાં એવું કહેવાય છે કે મંત્ર દ્વારા દેવી-દેવતાની શક્તિઓને આયુધ કે અસ્ત્રમાં પ્રસ્થાપિત કરી શકાતી. રામે તેમનાં હથિયારોમાં જળ, અગ્નિ અને વાયુ તત્ત્વોને સ્થાપિત કર્યાં હતાં. આ સિવાય નારાયણાસ્ત્ર, શૈવાસ્ત્ર, પશુપતાસ્ત્ર વગેરે, મહાભારતમાં તેનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ જોવા મળે છે."

'મહાભારતમાં બ્રહ્માસ્ત્ર'
'મહાભારત'માં જોવા મળતાં વિવરણોના આધારે અર્જુન, ગુરુ દ્રોણાચાર્ય, તેમના પુત્ર અશ્વત્થામા, કર્ણ તથા પરશુરામ બ્રહ્માસ્ત્ર ચલાવવાનું જાણતા હતા.
અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર ચલાવવાનું જાણતા હતા, પરંતુ તેને પાછું ખેંચવાનું નહોતા જાણતા. જ્યારે અર્જુન તેને ચલાવવાની તથા પાછું ખેંચવાની વિદ્યા જાણતા હતા અને આ બાબતે જ મહાભારતના અંત સમયે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
કમલા સુબ્રમણ્યમે 'રામાયણ', 'મહાભારત' અને 'શ્રીમદ્ ભાગવત' જેવા ધર્મગ્રંથોને અંગ્રેજીમાં સુલભ બનાવ્યા છે. તેઓ 'શ્રીમદ્ ભાગવતમ્'ના પ્રકરણ THE END- WHICH WAS THE BEGINNING માં એ ઘટનાનું વર્ણન કરતાં લખે છે :
ભીમે છળપૂર્વક કરેલા પ્રહારને કારણે દુર્યોધન ઘાયલ હતા અને મરણશૈય્યા પર હતા, ત્યારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા તેમની પાસે પહોંચ્યા. દુર્યોધન સાથે થયેલા વ્યવહાર વિશે જાણીને તેમના ગુસ્સાની કોઈ સીમા ન રહી. તેમણે તમામ પાંડવોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. ગુસ્સામાં અશ્વત્થામા રાત્રે પાંડવોની છાવણીમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમને પાંડવો તો ન મળ્યા,પરંતુ દ્રૌપદીના પાંચ પુત્ર તથા ભાઈઓ જોવા મળ્યા. તેમને મોતને ઘાટ ઉતારી દીધા અને છાવણીને આગ લગાડી દીધી.
સવારે દ્રૌપદીએ પુત્રો અને ભાઈઓના મૃતદેહોને જોઈને વિલાપ કરવા લાગ્યાં. તેમને આ અવસ્થામાં જોઈને અર્જુને તેમનું માથું ચરણોમાં મૂકવાના શપથ લીધા. ભયભીત અશ્વત્થામાએ પોતાનો જીવ બચાવવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. જેનો પ્રભાવ અર્જુન ઉપર દેખાવા લાગ્યો. એ સમયે તેમના સારથિ ભગવાન કૃષ્ણે તેમને ગભરાઈ ન જવાની સલાહ આપી અને તેમને બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર છોડવાની સલાહ આપી અને અર્જુને એમ જ કર્યું.
જ્યારે બે અગ્નિ એકબીજા તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે એવું લાગી રહ્યું હતું કે સમગ્ર વિશ્વનો અંત નજીક છે. સ્વર્ગલોકમાં ઋષિગણ ત્યાં ધસી ગયા અને તેમણે બંનેને વિનંતી કરી કે તેઓ પોત-પોતાનાં અસ્ત્ર પાછાં ખેંચી લે. અન્યથા વિશ્વનો વિનાશ થઈ જશે. બંને અગ્નિઓ પરસ્પર ન ટકરાવી જોઈએ. જલદી કરો અને મોટી હોનારતને ટાળો. આ સાંભળીને અર્જુને પોતાનું અસ્ત્ર પાછું ખેંચી લીધું.

ઇમેજ સ્રોત, Getty Images
પૃથ્વીને પાંડવવિહીન કરવાના ક્રોધાવેશમાં અશ્વસ્થામાએ અર્જુનનાં પુત્રવધુ ઉત્તરાનાં (કૌરવોના ચક્રવ્યૂહમાં મૃત્યુ પામેલા અભિમન્યુનાં પત્ની) ગર્ભસ્થ શિશુ પર પણ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો હતો. જેના કારણે તેઓ પોતાનાં જ અસ્ત્ર સામે શક્તિહીન થઈ ગયા હતા. અર્જુને અશ્વસ્થામાને બંધક બનાવ્યા, પરંતુ તેઓ બ્રાહ્મણ અને ગુરુપુત્ર હોવાને કારણે ભાઈ સમાન હોવાથી તેમની હત્યા ન કરી શક્યા.
કૃષ્ણે તેમની હત્યા કરવાનું દ્રૌપદીને આપેલું વચન યાદ કરાવ્યું, પરંતુ અર્જુન એમ ન કરી શક્યા. અંતે તેમને દ્રૌપદી સમક્ષ રજૂ કરવામાં આવ્યા. ભાઈઓ અને સંતાનોનાં મૃત્યુનો દ્રૌપદીનો આઘાત હજુ તાજો જ હતો. તેમણે અશ્વત્થામાને છોડી દેવા માટે અર્જુનને આગ્રહ કર્યો. જોકે, ક્રોધથી સળગતા ભીમ તેમના ગુરુપુત્રની હત્યા કરવા માટે પણ તત્પર હતા.
અંતે અર્જુને અશ્વસ્થામાના માથા પરનો મણિ ઉતારી લીધો અને તેનું કેશકર્તન કરી નાખ્યું, જે તેમના માટે અપમાનજનક સ્થિતિ હતી. આ સિવાય કૃષ્ણે તેમને ક્યારેય મૃત્યુ નહીં પામે અને અપમાન તથા ઘા સાથે જીવિત રહેશે, તેવો શ્રાપ આપ્યો.
અન્ય એક પ્રકરણ 'ઉત્તરાયન'માં સુબ્રમણ્યમ લખે છે કે કૃષ્ણે ગર્ભસ્થ શિશુની રક્ષા કરી, જે આગળ જતાં પરીક્ષિત તરીકે ઓળખાયા.

ઇમેજ સ્રોત, Getty Images
કહેવાય છે કે, 'ક્ષત્રિયો પ્રત્યેની નફરતને કારણે પરશુરામ અસ્ત્ર-શસ્ત્ર ચલાવવાની વિદ્યા માત્ર બ્રાહ્મણોને જ શીખવી રહ્યા હતા, જ્યારે કર્ણને આ વાતની ખબર પડી, ત્યારે તેઓ પણ વેશ બદલીને પરશુરામ પાસે પહોંચી ગયા અને શસ્ત્રવિદ્યા તથા કૌશલ્યો શીખવા લાગ્યા.'
'એક વખત ગુરુશિષ્ય જંગલમાં પસાર થઈ રહ્યા હતા, ત્યારે થાક લાગવાને કારણે ગુરુ પરશુરામે આરામ કરવાની ઇચ્છા થઈ. એક ઝાડની નીચે કર્ણના ખોળામાં માથું ઢાળીને આરામ કરવા લાગ્યા. એવામાં એક કીડો આવ્યો અને કર્ણને ડંખ દીધો. ગુરુની ઊંઘમાં ખલેલ ન પહોંચે તે માટે તેમણે હુંકારો સુધ્ધાં ન કર્યો. જ્યારે કીડાએ કરેલા ઘાવને કારણે વહેતું લોહી પરશુરામ સુધી પહોંચ્યું, ત્યારે તેમની તંદ્રા ખૂલી.'
'તેમણે આ બધું જોયું અને સમજી ગયા કે કર્ણ બ્રાહ્મણ નહીં, પરંતુ ક્ષત્રિય છે, કારણ કે બ્રાહ્મણમાં આટલી સહનશીલતા ન હોય. કર્ણે પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી. પરશુરામે કર્ણને શ્રાપ આપ્યો કે અણિના સમયે જ્યારે તને જરૂર હશે, ત્યારે જ તું શસ્ત્રવિદ્યા ભૂલી જઈશ.'
એટલે જ કુરુક્ષેત્રમાં કર્ણ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરી શક્યા ન હતા.

અલગ-અલગ દેવતાનાં અસ્ત્ર-શસ્ત્ર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
શિવજીના ધનુષ્યનું નામ 'પિનાક' છે, આથી જ તેમનું એક નામ 'પિનાકી' છે, જેનો મતલબ પિનાકને ધારણ કરનાર એવો થાય છે.
આ સિવાય વિષ્ણુના ચક્રનું નામ 'સુદર્શન ચક્ર' છે. પટ્ટનાયકના કહેવા પ્રમાણે ('દેવલોક', સિઝન-1, ઍપિસેડ 11), દેવોના સ્થાપત્યકલાના દેવો વિશ્વકર્માએ સૂર્યનો અંશ લઈને તેનું સર્જન કર્યું હતું, જેના 108 દાંતા છે. જ્યારે તેમની ગદાનું નામ કૌમોદકી, તલવારનું નામ નંદક તથા ધનુષ્યનું નામ સારંગ છે. આવી જ રીતે અગ્નિદેવતાએ અર્જુનને તેમનું વિખ્યાત 'ગાંડિવ' ધનુષ્ય આપ્યું હતું, જેથી તેમને ગાંડિવધન્વા, ગાંડિવધારી કે ગાંડિવધર જેવાં નામ મળ્યાં.
'ભગવદ્ ગૌમંડળ'માં આપવામાં આવેલા વિવરણ પ્રમાણે, 'કાર્તક સુદ 14ના દિવસે શિવે આ અસ્ત્ર ભગવાન વિષ્ણુને આપ્યું હતું. માન્યતા પ્રમાણે, એક હજાર કમળ લઈને પાલનહાર દેવ વિષ્ણુએ સંહારના દેવ મહાદેવની પૂજા કરી, પરંતુ કસોટી કરવા માટે ભગવના શિવે એક કમળ છુપાવી દીધું. પૂજાને ચાલુ રાખવા વિષ્ણુએ પોતાનું 'નેત્રકમળ' અર્પણ કરી દીધું, એટલે પ્રસન્ન થઈને શિવજીએ આ ચક્ર આપ્યું હતું. જ્યારે ખાંડકવન બળ્યું, ત્યારે અગ્નિદેવતાએ વરુણ (જળના દેવતા) પાસેથી આ ગદા લઈને કૃષ્ણને આપી હતી.'
'આવી જ રીતે ઇંદ્રના હથિયાર 'વજ્ર' માટે વિવરણ આપવામાં આવ્યું છે કે વૃત્રાસુરની પીડાથી ત્રાસ પામી તેનો નાશ કરવાના ઉપાયની યાચના માટે દેવતાગણ બ્રહ્માજી પાસે પહોંચ્યો. તેમણે દધિચિ ઋષિ પાસે જઈને તેમના અસ્થિ માટે માગણી કરવા તથા તેનું વજ્ર બનાવીને વૃત્રને મારવા કહ્યું. દેવોની વિનંતીને ગ્રાહ્ય રાખીને દધિચિ ઋષિએ પોતાના અસ્થિ આપ્યા, જેમાંથી વિશ્વકર્માએ છ બાજુઓ અને ખૂણાવાળું મોટું વજ્ર બનાવી આપ્યું.'
પરશુરામ અવતારમાં તેમનું હથિયાર 'પરશુ' હતું, જેથી તેઓ 'પરશુધર' કે 'પરશુધારી' તરીકે પણ ઓળખાયા.
ભારતીય સેનાએ તેના રૉકેટ લૉન્ચરને 'પિનાકા', જ્યારે આર્ટિલરી ગનને 'સારંગ' એવાં નામ આપ્યા છે. એટલું જ નહીં શ્રૃંગારના દેવ મનાતા કામદેવ પાસે પણ તીર-કમાન છે, પણછ પતંગિયાં અને મધમાખીની બનેલી છે, જ્યારે ધનુષ્ય શેરડીનું બનેલું છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2












