નાગના મોતનો બદલો નાગણ ખરેખર લે છે? સાપ અંગેની અજાણી વાતો

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, શૈલી ભટ્ટ
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
ભારતમાં હિંદુઓ સાપ પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે. વળી શ્રાવણ મહિનામાં હિંદુઓની ભક્તિમાં નાગને સ્થાન આપવામાં આવે છે.
કેટલાક સાપ બિનઝેરી હોય છે અને કેટલાક ઝેરીલા પણ હોય છે અને ઝેરીલા સાપ કેટલાકના મૃત્યુનું કારણ પણ બને છે.
વિશ્વમાં સર્પદંશથી થતાં કુલ મૃત્યુનાં અડધાં ભારતમાં થાય છે. વર્ષ 2017માં, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ સર્પદંશથી થતા પોઇઝનિંગના કિસ્સાઓનો તેવી ટ્રોપિકલ બીમારીઓની પ્રાથમિક યાદીમાં સમાવેશ કર્યો છે, જેમના તરફ બેદરકારીભર્યું વલણ છે.
મૃત્યુ બાબતે ડેટાનો અભાવ, ગેરમાન્યતાઓ અને ખોટી માહિતીના આધારે પીડિતોની સારવારના પ્રયાસ અને વિષપ્રતિરોધક દવાઓનો અભાવ આ બાબતે સર્જાયેલ આરોગ્યસંબંધિત સંકટમાં સૌથી મોટા પડકાર છે.

ભારતમાં સર્પદંશથી કેટલાં મૃત્યુ?
WHOના અંદાજ અનુસાર સમગ્ર વિશ્વમાં દર વર્ષે કુલ 50 લાખ જેટલા સર્પદંશના કિસ્સા બને છે, જેમાંથી 27 લાખ કિસ્સામાં પોઇઝનિંગની ફરિયાદો જોવા મળે છે. આ અંગેના જુદા જુદા રિપોર્ટ અનુસાર સર્પદંશના કારણે દર વર્ષે અંદાજે 81,000થી 1,38,000 મૃત્યુ થાય છે.
ઘણા સર્પદંશના કિસ્સા રિપોર્ટ થતા નથી, કારણ કે પીડિતો આરોગ્યતંત્ર સાથે સંબંધિત સ્રોતો સિવાય અન્ય રીતે સારવાર મેળવવાના પ્રયાસ કરે છે.
જુલાઈ 2020માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં રજૂ કરાયેલા અંદાજ અનુસાર, ભારતમાં વર્ષ 2000થી 2019 સુધીમાં 12 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે.

દરેક સાપ ખતરનાક હોય છે? સર્પદંશના કિસ્સામાં શું કરવું? સંક્ષિપ્તમાં જાણો

- 16 જુલાઈએ દર વર્ષે સર્પદિવસ ઊજવવામાં આવે છે.
- સમગ્ર વિશ્વમાં સર્પદંશના લાખો કિસ્સા નોંધાય છે, તેનાથી લાખો લોકોનાં મૃત્યુ પણ થાય છે.
- નિષ્ણાતોનું માનવું છે કે જો સર્પદંશ બાદ કેટલાંક સામાન્ય પગલાં લઈએ તો મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે.
- ભારતમાં સર્પદંશના કિસ્સામાં સૌથી મોટો ફાળો આપતાં સાપો કયાં છે? તે કેટલા ખતરનાક છે?
- સાપ સાથે સંકળાયેલ 'બદલાવાળી' વાતને ઘણા નિષ્ણાતો ગેરમાન્યતા ગણાવે છે.

સર્પદેવની પૂજા
બીબીસી સાથે વાત કરતાં ICMR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર રિસર્ચ ઍન્ડ રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ (NIRRCH), મુંબઈના ડૉ. રાહુ ગજભીયેએ જણાવ્યું કે, "સમાજમાં એવી માન્યતા હતી કે ખેતરોમાં જોવા મળતા સાપ ભગવાને મોકલેલા તેમના અને કૃષિક્ષેત્રના રક્ષકો છે. તેઓ સર્પદેવની પૂજા કરે છે, આ જ કારણે ખેતરમાં મળી આવેલ સાપને આદિવાસીઓ મારતા નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. ગજભીયે આદિવાસી સમાજમાં સર્પદંશ પ્રત્યેના દૃષ્ટિકોણ અંગે મહારાષ્ટ્રના દહાનુ ખાતે અભ્યાસ કરનાર દળના સભ્ય હતા.

નાગ/નાગણનો બદલો
ઘણી ભારતીય ફિલ્મોમાં નાગ કે નાગણ તેના સાથીના મોતનો બદલો લેવા માટે પાછાં ફરે છે, તેવું દર્શાવવામાં આવ્યું છે. પરંતુ વૈજ્ઞાનિકો આને ગેરમાન્યતા ગણાવે છે.
ડૉ. ગજભીયે સમજાવે છે કે, "સાપ બદલો લે છે, ખાસ કરીને કોબ્રા. જો કોઈ કોબ્રાને મારવાનો પ્રયત્ન કરે અને બચી જાય તો તે થોડા દિવસ પછી બદલો લેશે."
"આદિવાસીઓનું માનવું હતું કે નાગ અને નાગણ હંમેશાં એકબીજાની સાથે રહે છે (જીવનસાથી તરીકે). જો તે પૈકી કોઈ એકનું માણસ દ્વારા મોત નિપજાવવામાં આવે તો બચી ગયેલ સર્પ બદલો લેશે. આ એક ગેરમાન્યતા છે."
આવા અંધવિશ્વાસના કારણે, આજે પણ સર્પદંશના ઇલાજ તરીકે કેટલાક વૈકલ્પિક અને સાબિત ન થયેલ ઉપચારો કરવામાં આવે છે.

જાદૂ વડે ઠીક કરવાની અને ઝેર ચૂસવાની પ્રક્રિયા

ઇમેજ સ્રોત, Nature Picture Library/Alamy
સર્પદંશથી પીડાતા ઘણા લોકો ડૉક્ટર પાસે જવાને બદલે તાંત્રિક, જાદૂથી માંદગી ઠીક કરવાનો દાવો કરનારા લોકો પાસે, સર્પચિકિત્સક પાસે જાય છે.
પ્રાથમિક ઉપચાર તરીકે નુકસાનકારક રીતરિવાજો, મંત્રોચ્ચાર, સાબિતી વગરની હરિત દવાઓનો ઉપયોગ હજુ પણ ભારતમાં ઘણાં સ્થળે જોવા મળે છે.
ડૉ. ગજભીયે જણાવે છે કે, "સ્થાનિક સ્તરે ઉપલબ્ધ જંતુનાશક, ઘા ચૂસવાની પદ્ધતિ, ઘા પર દબાણ કરવાની પદ્ધતિ અને બ્લેડ વડે ઘાને કાપવા જેવી પદ્ધતિ ક્યારેય કામ લાગતી નથી. એવી માન્યતા છે કે આંબલીનાં બીજ કે ચુંબકમાં વિષની અસર ઘટાડવાની ક્ષમતા હોય છે."
આવી રીતોને અજમાવવામાં કિંમતી સમયનો વેડફાટ થાય છે અને ઘણી વાર પીડિતનું મૃત્યુ પણ થઈ શકે છે.

સર્પદંશ પછી શું કરવું?

ઇમેજ સ્રોત, ARUN SANKAR/Getty Images
ડૉ. ગજભીયે અનુસાર ભારતમાં સર્પદંશના 70 ટકા કિસ્સા બિનઝેરી સાપના હોય છે અને માત્ર 30 ટકા દંશ ઝેરી સાપના હોય છે.
સર્પદંશ બાદ, આસપાસની હૉસ્પિટલો સુધી પહોંચવું એ ટોચની પ્રાથમિકતા હોવી જોઈએ. દર્દીએ કોઈ પણ પ્રકારનાં ખોરાક, પાણી કે દવા હૉસ્પિટલ પહોંચે એ પહેલાં ન લેવાં જોઈએ.
દર્દીએ હૉસ્પિટલ જવા માટે જાતે ડ્રાઇવ કરવું કે દોડવું ન જોઈએ, આવી પરિસ્થિતિમાં તેમણે કોઈ વ્યક્તિ સાથે ઍમ્બુલન્સ કે અન્ય કોઈ વાહનમાં જવું જોઈએ. સર્પદંશવાળી જગ્યાથી જૂતાં, વીંટી, ઘડિયાળ, ઘરેણાં, ટાઇટ કપડાં વગેરે દૂર કરવાં જોઈએ.
ઘાને ધોવાની પ્રક્રિયા, ઘાને દબાવવાની પ્રક્રિયા, ઘા ચૂસવાની પ્રવૃત્તિ અને વનસ્પતિનો લેપ લગાડવો વગેરે સાબિત થયા વગરની રીતો છે, તે લાભ કરતાં વધુ નુકસાન કરાવે છે.
નિષ્ણાતો સલાહ આપે છે કે સર્પદંશથી પીડાતી વ્યક્તિએ પરંપરાગત રીતો અપનાવવાની ભાંજગડમાં પડ્યા વગર પોતાના સંબંધી/મિત્ર કે આસપાસ ઊભેલી વ્યક્તિઓની મદદથી હૉસ્પિટલ જવું જોઈએ.

સારવારમાં પડકાર

ઇમેજ સ્રોત, ARUN SANKAR/Getty Images
સરકારના વર્ષ 2016ના એક રિપોર્ટ અનુસાર, સર્પદંશનો ભોગ બનેલા માત્ર 22.19 ટકા લોકો જ હૉસ્પિટલ ગયા હતા.
કારણ કે તે પૈકી ઘણા પ્રાથમિક ઉપચાર માટે પરંપરાગત સારવાર આપનારા પાસે ગયા હતા.
દિલ્હી ખાતેના ડિપાર્ટમેન્ટ ઑફ ન્યૂરોફાર્મોકોલૉજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ રિસર્ચનાં વડાં ડૉ. સંગીતા શર્મા જણાવે છે કે, "ઘણા લોકોને એવું લાગે છે કે સર્પદંશના કિસ્સામાં તેમણે પહેલાં કયા સાપનો દંશ છે તે જાણવાનું રહે છે. આ પ્રક્રિયામાં ખૂબ જ કિંમતી સમય વેડફાય છે. અને તે ખતરનાક પણ છે. જે લોકો એ સાપને શોધવાના પ્રયાસ કરે છે તેમને પણ સર્પદંશનો ભય રહે છે. સારવારનો આધાર સર્પદંશ બાદનાં લક્ષણો પર છે."
દેશનાં ઘણાં ગ્રામીણ સ્થળોએ હજુ ઍમ્બુલન્સની સુવિધા ઉપલબ્ધ નથી. હૉસ્પિટલ માટે પહોંચવા ઘણી મુસાફરી કરવી પડે છે, આ સિવાય ઘણી વાર સર્પદંશની અસરો નિવારવા માટેની દવા ઉપલબ્ધ ન હોવાના કારણે પણ લોકોનાં મૃત્યુ થાય છે.
નિષ્ણાતોનું માનવું છે કે સર્પદંશના પીડિતોની સારવાર માટે મેડિકલ સ્ટાફને ટ્રેનિંગનો અભાવ પણ ઘણી વખત આવાં મૃત્યુનું પરિબળ બને છે.

શું ભારતમાં સર્પદંશ માટેની દવા પૂરતા પ્રમાણમાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 1895માં પ્રથમ સર્પદંશની અસરો નિવારવા માટેની દવા ફ્રેન્ચ ડૉક્ટર આલ્બર્ટ કાલ્મૅટે વિકસાવી હતી. આ દવા ભારતીય કોબ્રાના ઝેર સામે તૈયાર કરાઈ હતી. ભારતમાં દરેક પ્રકારના સર્પદંશ માટે માત્ર એક જ સર્પદંશની અસરો નિવારવા માટેની દવા ઉપલબ્ધ છે.
ડૉ. શર્માએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભારતમાં સર્પદંશની અસરો નિવારવા માટેની દવાઓ અંગે બે ગંભીર મુદ્દા છે.
તેમના મતાનુસાર, ઉપલબ્ધતા એ મુખ્ય મુદ્દો છે. ભારતમાં આપણી પાસે માત્ર પૉલિવેલેન્ટ સર્પદંશની અસરો નિવારવા માટેની દવા છે. આ દવા 'બિગ ફોર' નામે ઓળખાતા સાપોના જૂથના ઝેરમાંથી બનાવાય છે. ઘણી દવા તાપમાનને લઈને સંવેદનશીલ હોય છે, જ્યારે ઘણીને તાપમાનમાં ફેરફારનો ઝાઝો ફેર પડતો નથી. તાપમાનના ફેરફારથી સુરક્ષિત દવા સારી હોય છે કારણ કે તેના સંગ્રહ માટે કોલ્ડ ચેઇનની જરૂરિયાત નથી હોતી.
બીજો મોટો પડકાર છે દર્દીને આપવાની દવાના યોગ્ય પ્રમાણ અંગે જાગૃતિ. કેટલાક દવા લખી આપનારાઓ પણ ગેરમાન્યતા ધરાવે છે. એક દર્દી માટે દસ વાયલનો ડોઝ. જો જરૂરિયાત હોય તો ફરી વાર આટલા જ પ્રમાણમાં દવા આપી શકાય છે. આમ, એક દર્દીને 20થી 30 વાયલની જરૂર પડે છે. પરંતુ પછી ફરીથી ઉપલબ્ધતા એ મુદ્દો છે. ઘણી વખત સ્ટાફ યોગ્ય રીતે તાલીમબદ્ધ નથી, કારણ કે તેઓ દર્દીને માત્ર બે વાયલ આપે છે, જે દર્દી માટે પૂરતાં નથી.

ભારતમાં કયાં-કયાં સાપ છે?

તમને આસપાસ જોવા મળતા બધા સાપ ઝેરી નથી હોતા.
ભારતમાં સાપની 300 પ્રજાતિ છે, જે પૈકી 60 ઝેરી છે. પરંતુ નીચે દર્શાવેલ સાપને 'બિગ ફોર' સાપ કહેવાય છે. જેના દંશથી મોટા ભાગનાં મૃત્યુ નીપજે છે.
રસેલ્સ વાઇપર : ભારતમાં મળી આવતા સાપોમાં આ સૌથી વધુ ખતરનાક સાપો પૈકી એક ગણાય છે. રસેલ્સ વાઇપર ત્રિકોણ આકારનું માથું ધરાવે છે જેના પર V શૅપની સફેદ લાઇન હોય છે, જે નાક સુધી જાય છે. આ સાપ ખુલ્લા પ્રદેશમાં વધુ જોવા મળે છે. તે મેદાનો, દરિયાની ભરતીના વિસ્તારો અને ટેકરીઓ વગેરેમાં જોવા મળે છે. ભારતમાં તે પંજાબમાં ખૂબ જોવા મળે છે, આ સિવાય પૂર્વના દરિયાકિનારા વિસ્તારો અને ટેકરીઓ અને દક્ષિણ ભારતના કર્ણાટક અને બંગાળના ઉત્તરમાં તે જોવા મળે છે.
કૉમન ક્રેઇટ : કૉમન ક્રેઇટ એ રાતનો સાપ છે. તે તેના ત્રિકોણાકાર શરીરથી ઓળખાય છે. આ સાપનો રંગ કાળો અને વાદળી શેડવાળો કાળો હોઈ શકે છે. તેમજ તેના શરીરના વચ્ચેના ભાગમાં સફેદ પટ્ટા હોય છે. આ સાપ સિંધથી પશ્ચિમ બંગાળ અને દક્ષિણ ભારત અને શ્રીલંકા સુધી મળી આવે છે. તે ઊધઈના દર, ઈંટના ઢગલા, ઉંદરના દર અને ઘરોમાં પણ મળી આવે છે. તે મોટા ભાગે પાણી કે તેની આસપાસના વિસ્તારમાં જોવા મળે છે.
ભારતીય કોબ્રા : ભારતીય કોબ્રાનાં કલર અને પૅટર્ન અલગ અલગ છે. તે ભૂરા, બદામી, લાલ, પીળા કે કાળા રંગના હોઈ શકે છે. તે ગાઢ કે ખુલ્લા જંગલમાં, મેદાન, ચોખા-મકાઈ-ઘઉંનાં ખેતરમાં, પથરાળ વિસ્તાર અને જળપ્લાવિત ક્ષેત્રોમાં જોવા મળે છે. આ સિવાય તે ખૂબ જ વસતિવાળા શહેરી વિસ્તારો, શહેરના છેવાડાના વિસ્તારો અને ગામડાંમાં જોવા મળે છે. તે મોટા ભાગે પાણીવાળી જગ્યાઓએ મળી આવે છે.
સૉ-સ્કૅલ્ડ વાઇપર : સૉ-સ્કેલ્ડ વાઇપરનું શરીર ભરાવદાર હોય છે અને તેનું માથું ભાલાના આકારનું હોય છે. જે તેની ગરદન કરતાં એકદમ અલગ દેખાઈ આવે છે. સૉ-સ્કૅલ્ડ વાઇપર નાના હોય છે, પરંતુ તેમનું ચીડિયાપણું, આક્રમક સ્વભાવ, પ્રાણઘાતક ઝેર તેમને ખૂબ જ ખતરનાક બનાવે છે. તેઓ બદામી, નારંગી અને ભૂરા રંગના દેખાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












