યાકુઝા : ટૅટુ ત્રોફાવેલા જાપાનના એ ખતરનાક ગૅંગસ્ટરો જેની વિશે જાહેરમાં વાત પણ કરી શકાતી નથી
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
જાપાનના વડા પ્રધાન શિન્ઝો એબેની હત્યાની ફરતે રહસ્યનું આવરણ હજુ હટ્યું નથી. પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જેણે અગાઉ ત્રણ વર્ષ માટે જાપાનીઝ નૌકાદળમાં સેવાઓ આપી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2007માં નાગાસાકીના મેયરની યાકુઝા ગૅંગના સભ્ય દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી, એટલે તપાસની શરૂઆતમાં આ ઍંગલ પણ વિચારવામાં આવ્યો હતો. જોકે એબેની છાપ જમણેરી વિચારસરણી ધરાવતા હોવાથી આ શક્યતાને નકારી કાઢવામાં આવી હતી.
આમ છતાં આ ચર્ચાને કારણે લોકોનું ધ્યાન યાકુઝા તરફ ખેંચાયું છે. ગુનાની આ દુનિયા વિશે જાપાનમાં જ નહીં હોલીવૂડમાં અને અમેરિકામાં અનેક ફિલ્મો, સિરિયલો અને વેબસિરીઝ બની છે અને નવલકથાઓ લખાઈ છે.
એટલે સુધી કે તેમના આધારે વીડિયો ગૅમ્સ પણ પ્રચલિત છે. તેઓ અમુક બાબતોમાં ઇટાલિયન 'માફિયા' જેવા છે, છતાં ઘણી બાબતોમાં તેમનાથી અલગ છે.
યાકુઝા સભ્યોના શરીર પરના ટૅટુ લોકોમાં આકર્ષણ અને કુતૂહલનો વિષય છે. 'યાકુઝા' શબ્દનો ઉપયોગ એક ગૅંગસ્ટર, તેની ગૅંગ કે સામાન્યતઃ અંડરવર્લ્ડ વિશે થતો હોય છે.
જાપાનમાં યાકુઝાનો ઇતિહાસ સદીઓ જૂનો છે, જેમાં કિવદંતી છે, આધુનિક તથા મધ્યયુગીન આદર્શો છે, અર્ધધાર્મિક વ્યવસ્થા છે. આ સિવાય રાજકીય વિચારો અને આર્થિક જરૂરિયાતો યાકુઝાના ઘડતરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

ટૂંકમાં: કેમ ચર્ચામાં આવી યાકુઝા ગૅંગ?

- જાપાનના પૂર્વ વડા પ્રધાન શિંઝે એબે જાહેરમાં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે તેમને ગોળી મારી દેવામાં આવી હતી, જે બાદ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.
- યાકુઝા ગૅંગ તરફ ધ્યાન ખેંચાયું હતું જોકે તેમની સંડોવણી વિશે હોવાની શક્યતાને નકારી કાઢવામાં આવી હતી.
- યાકુઝા ગૅંગને પોતાના વિસ્તારના રક્ષક તરીકે ઓળખવામાં આવતી હતી.
- યાકુઝા ગૅંગને સમાજના જરૂરી દૂષણ તરીકે પણ કેમ ઓળખવામાં આવે છે.
- જાપાનમાં યાકુઝા જૂથો હોટલ, ફિશિંગ, કન્સ્ટ્રક્શન, ટૅક્સી કંપની વગેરે જેવા ધંધાની આડમાં પોતાની પ્રવૃત્તિઓ ચલાવે છે.


8-9-3 એટલે યાકુઝા

ઇમેજ સ્રોત, AFP
યાકુઝાનો ઉદ્દભવ ચોક્કસપણે ક્યારે થયો તે અંગે કહેવું મુશ્કેલ છે, છતાં 17મી સદી દરમિયાન તેમની શરૂઆત થઈ હોવાનું માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નેતાવિહીન સમુરાઈઓ લૂંટફાટ તથા અકારણ હિંસા ઉપર ઊતરી આવ્યા ત્યારે ગામના કેટલાક 'કંઈ કામના નહીં'ની છાપ ધરાવતા યુવાનોએ તેમનો પ્રતિકાર કરવાનું નક્કી કર્યું.
ગામડે-ગામડે આવાં સમૂહ બન્યાં, જે યાકુઝા બન્યા. પત્તાની 8-9-3 (યા-કુ-સા, અંગ્રેજીમાં બ્લૅકજેક) ગૅમના જાપાનીઝ શબ્દ પરથી આ શબ્દ ઊતરી આવ્યો છે.
પોતાના પુસ્તક 'યાકુઝા મૂનઃ મેમરીઝ ઑફ અ ગૅંગસ્ટર્સ ડૉટર'માં શોકો ટેન્ડો લખે છે કે સામાન્ય રીતે યાકુઝાનો મતલબ ગૅંગસ્ટર એવો કરી દેવામાં આવ્યો છે. વાસ્તવમાં તેઓ 'પોતાના મૂળ સાથે જોડાયેલા અને પોતાના વિસ્તારના સંરક્ષક એવો થાય છે.' 1995માં જ્યારે જાપાનમાં ભૂકંપ આવ્યો, ત્યારે કોબે લોકો સુધી મદદ પહોંચાડવા માટે સરકાર કરતાં પહેલાં યાકુઝા સભ્યો આગળ આવ્યા હતા.
ઇટાલિયન માફિયાની જેમ સભ્યો ગૅંગના વડા (ઓયાબુન, પિતાતુલ્ય) પ્રત્યે વફાદારીના સૌગંધ લે છે, તેના સભ્યો (કોબૂન, સંતાન સમાન) તરીકે ઓળખાય છે.
ગૅંગનો સભ્ય પોતાના લોહીથી વફાદારી તથા નિયમોના પાલનના સૌગંધ લે છે અને તેનું પાલન કરે છે, ઐતિહાસિક રીતે જો તે નિયમોનું પાલન ન કરે તો સમુરાઈ તલવારથી પોતાની ટચલી આંગળી કાપી નાખતો, પરંતુ તાજેતરનાં વર્ષોમાં તેનું ચલણ ઘટ્યું છે.

યાકુઝાનું સમાજમાં સ્થાન

ઇમેજ સ્રોત, ANTON KUSTERS
બીજા વિશ્વયુદ્ધ પછી જાપાનીઝ સમાજમાં યાકુઝાને સ્વીકૃતિ મળી છે, એટલે સુધી કે તેમનાં મુખ્યાલયોના ફોન નંબર પણ ટેલિફોન ડિરેક્ટરીમાં નોંધાયેલા હોય છે. તેમની વેબસાઇટ તથા ઈમેલ ઍડ્રેસ પણ હોય છે. છતાં એક વખત યાકુઝા બનનાર માટે સમાજમાં પરત ફરવું અને સારી નોકરી મેળવવી મુશ્કેલ બની જાય છે.
12 વર્ષ સુધી જાપાનમાં ક્રાઇમ રિપોર્ટિંગ કરનારા મૂળ અમેરિકન જૅક ઍડલસ્ટિને 'ટોક્યો વાઇસ' નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે યાકુઝાની પ્રવૃત્તિઓ ઉપર પ્રકાશ પાડ્યો છે.
જૅક કહે છે, "યાકુઝા પાછળનો મૂળ વિચાર એવો છે કે અસંગઠિત ગૅંગો કરતાં સંગઠિત ગૅંગો સારી. તેઓ ગુનાખોરીને નિયંત્રણમાં રાખે છે."
"તેમને સમાજના અનિવાર્ય દૂષણ તરીકે જોવામાં આવે છે. પોલીસ પણ તેમની પ્રવૃત્તિઓ અને ઠેકાણાં વિશે વાકેફ હોય છે."
જૅક સ્વીકારે છે કે તેમણે આ પુસ્તકમાં તેમના સ્રોતો અને કેવી રીતે માહિતી મેળવી તેના વિશેની કેટલીક વિગતો છુપાવી છે. આ વિગતો કઢાવવા માટે યાકુઝા ગૅંગસ્ટરની મિસ્ટ્રેસ સાથે સહશયન કર્યું હોવાની વાત પણ તેઓ સ્વીકારે છે. જેના કારણે તેમના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હતું.

ઇમેજ સ્રોત, ANTON KUSTERS
જાપાનમાં યાકુઝા જૂથો હોટલ, ફિશિંગ, કન્સ્ટ્રક્શન, ટૅક્સી કંપની વગેરે જેવા ધંધાની આડમાં પોતાની પ્રવૃત્તિઓ ચલાવે છે.
જાણકારોના કહેવા પ્રમાણે, "તે જાપાનીઝ સમાજની દરેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રભુત્વ ધરાવે છે. તેઓ ડ્રગ્સ, જુગાર, વેશ્યાવૃત્તિથી લઈને સ્ટૉકમાર્કેટને મૅનિપ્યુલેટ કરવા જેવી પ્રવૃત્તિઓ આચરે છે."
સામાન્યતઃ ઇટાલિયન માફિયાઓને નશાકારક પદાર્થોના વેપારમાં કોઈ છોછ નથી હોતો, જ્યારે કેટલાક જૂની વિચારસરણી ધરાવતા યાકુઝા સમૂહો ડ્રગ્સના વેપારમાં હાથ નથી નાખતા. યાકુઝા ગૅંગો રાજનેતા, ઉદ્યોગપતિઓ અને કંપનીઓ ખંડણી પેઠે પૈસા ઉઘરાવે છે.
વિશ્વમાં સૌથી વધુ ફેલાવો ધરાવતા જાપાનીઝ અખબાર અસાહી શિનબૂનના અહેવાલ પ્રમાણે, "2010માં 78 હજાર 600 જેટલા યાકુઝા ગૅંગસ્ટર્સ હતા, આ સંખ્યા 2020માં ઘટીને 25 હજાર 900 પર આવી ગઈ છે."
જાપાનમાં બંદૂકને લગતાં નિયમો ખૂબ જ કડક છે અને તેનું ચુસ્તતાપૂર્વક અમલીકરણ થાય છે, એટલે જ તેઓ સમુરાઈ તલવાર, ચાકુ તથા અન્ય પરંપરાગત હથિયારો અને કૌશલ્ય ઉપર આધાર રાખે છે.
જાપાનમાં ગેરકાયદેસર બંદૂક રાખવાના જેટલા કેસ નોંધાય છે, તે મોટા ભાગે યાકુઝાને લગતા જ હોય છે. વિચારધારાના આધારે પોલીસ તથા સુરક્ષાબળના સભ્યો પણ યાકુઝાને મદદ કરતા હોવાના આરોપ લાગતા રહે છે.

યાકુઝા, મહિલા અને ટૅટુ

ઇમેજ સ્રોત, ANTON KUSTERS
મધ્ય તથા ઉત્તર અમેરિકામાં 'નિશાન' તરીકે ટૅટુનો ઉપયોગ થાય છે, જ્યારે યાકુઝામાં એવું નથી. અહીં તે "વ્યક્તિગત અભિવ્યક્તિ"નો મુદ્દો છે.
ઘણી વખત તેઓ ટૅટુ બનાવડાવવા માટે એક વર્ષ સુધી રાહ જોતા હોય છે, તેમના દર અઠવાડિયે સીટિંગ થાય છે તથા આને માટે તેઓ હજારો ડૉલરનો ખર્ચ કરવા તૈયાર રહે છે.
ફોટોગ્રાફર સોલે જાફેએ યાકુઝા પુરુષો સાથે લગ્ન કરનારાં મહિલાઓની સાથે કેટલોક સમય વિતાવ્યો છે. પોતાના અસાઇન્મૅન્ટને પાર પાડવા માટે જાફેએ ઍસ્કૉર્ટ તરીકે કામ કર્યું હતું, જે ગ્રાહકની સાથે હસે છે, બોલે છે, સમય વિતાવે છે, પરંતુ જાતીય સંબંધ નથી બાંધતી.
જાફે કહે છે કે પહેલાં તેમણે પુરુષ સભ્યનો વિશ્વાસ જીતવાનો હતો, પછી મહિલાઓનો કારણ કે મહિલાઓને સંશય હતો કે 'શું મને તેમના પતિમાં રસ છે કે તેના પતિની સંપત્તિમાં?'
'બીબીસી રીલ' સાથે વાત કરતા જાફે કહ્યું હતું, 'જાપાનમાં યાકુઝા વિશે સાર્વજનિક રીતે વાત નથી થઈ શકતી. તેની ચર્ચા થાય તો પણ ધીમા અને દબાયેલા સૂરે થાય છે. સાર્વજનિક સ્થળોએ તેમના વિશે ઇશારાથી જ વાત થાય છે. '
'યાકુઝાની પત્ની કોઈ સામાન્ય ગૃહિણી જેવી જ હોય છે, તે ગૅંગની પ્રવૃત્તિઓમાં તેની સંડોવણીનો આધાર ગૅંગમાં તેના પતિના દરજ્જા ઉપર આધાર રાખે છે.'
'વડાની પત્ની સલાહકાર તરીકે કામ કરે છે અને નાણાંનું ધ્યાન રાખે છે. આ સિવાય તે સેફની ભૂમિકા પણ ભજવે છે.'
'સામાન્ય મહિલાની જેમ પતિ રાત્રે ઘરે પરત ફરશે કે નહીં, તેની ચિંતા તેમને પણ સતાવતી હોય છે. તે એક વખત આ વર્તુળમાં પ્રવેશે, એટલે તેમના માટે તેમાંથી બહાર નીકળવું સરળ નથી હોતું. '
'શરીરના મોટા ભાગના હિસ્સા પર ટૅટુ ત્રોફાવેલાં હોય છે. પીઠ પર, હાથ પર અને પગ પર. ટૅટુને તેઓ કવચની જેમ માને છે. આ ટૅટુ સુંદર અને કલાત્મક હોય છે, છતાં તેને દેખાડવાના નથી હોતાં.'
ઘણી વખત ટૅટુને કારણે હરીફ ગૅંગનું ધ્યાન ખેંચાય થાય છે અથવા તો હિંસા થઈ શકે છે એટલે તેને ઢાંકી રાખવામાં આવે છે, વિશેષ કરીને સુમો, રગ્બી તથા ફૂટબૉલના મૅચો દરમિયાન.
જાપાનીઝ સમાજમાં કદાચ યાકુઝાને કાળા કે સફેદ ચશ્માથી જોઈ શકાય તેમ નથી, તેઓ એ બંનેની વચ્ચે ક્યાંક સ્થાન ધરાવે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













