શિન્ઝો એબે: બુલેટ ટ્રેનથી ગંગા આરતી સુધી, તૂટી ગઈ ભારત-જાપાન મૈત્રીની મજબૂત ગાંઠ

બંને દેશો વચ્ચે રક્ષા, સુરક્ષા, મેરીટાઇમ સિક્યોરિટીથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રૉજેક્ટ સુધી દરેક ક્ષેત્રમાં વિકાસ પાછળ મોટા ભાગનો શ્રેય શિન્ઝો એબેને આપવામાં આવે છે

ઇમેજ સ્રોત, NARENDRA MODI/TWITTER

ઇમેજ કૅપ્શન, બંને દેશો વચ્ચે રક્ષા, સુરક્ષા, મેરીટાઇમ સિક્યોરિટીથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રૉજેક્ટ સુધી દરેક ક્ષેત્રમાં વિકાસ પાછળ મોટા ભાગનું શ્રેય જાપાન તરફથી શિન્ઝો એબેને આપવામાં આવે છે
    • લેેખક, સરોજસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત અને જાપાનની મૈત્રીનો જ્યારે પણ ઉલ્લેખ થાય ત્યારે ઈ.સ. 1998નો ઉલ્લેખ અચૂક થાય છે. એ બંને દેશ વચ્ચેની મૈત્રીનું એવું પ્રકરણ છે જેમાં દોસ્તીમાં થોડી તિરાડ પડી ગઈ હતી.

વાત ઈ.સ. 1998ની છે. ભારતે ફરીથી પરમાણુ પરીક્ષણ કરીને આખી દુનિયાને અચંબિત કરી દીધી હતી. ભારતે 11 મે, 1998એ રાજસ્થાનના પોખરણમાં ત્રણ પરીક્ષણ કર્યાં. બે દિવસ પછી 13 મેએ બીજાં બે પરીક્ષણ કર્યાં. એની જાણ સુધ્ધાં ઘણા દેશોને ના થઈ.

ત્યાર બાદ અમેરિકા, બ્રિટન સહિત દુનિયાના ઘણા દેશોએ ભારત પર પ્રતિબંધ મૂકી દીધા. એ દેશોમાં જાપાન પણ એક હતો.

જાપાનમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ હંમેશાં સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. કેમ કે, જાપાને એનાથી થતી ત્રાસદાયક પરિસ્થિતિને અત્યંત નજીકથી જોઈ છે.

આ પ્રતિબંધ બે વર્ષ સુધી જળવાયા, પછી ઈ.સ. 2000માં બંને દેશના સંબંધોમાં ફરી એક વાર ઊભરો આવ્યો.

બંને દેશની મૈત્રી 1998ના પ્રતિબંધોના સમયકાળ પછી આજે જે સ્થિતિએ પહોંચી છે તેમાં રક્ષા, સુરક્ષા, મેરિટાઇમ સિક્યૉરિટીથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રૉજેક્ટ સુધી દરેક ક્ષેત્રમાં વિકાસ પાછળ મોટા ભાગનું શ્રેય જાપાન તરફથી શિન્ઝો એબેને આપવામાં આવે છે.

આજે જ્યારે જાપાનના પૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબે નથી રહ્યા ત્યારે ભારતમાં પણ એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

લાઇન

ભારત-જાપાનના સંબંધના મહત્ત્વના પડાવ

લાઇન
  • બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનનાં બે શહેરો પર પરમાણુ બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા. એ ત્રાસદાયક પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં એમને ઘણો સમય લાગ્યો. એક રીતે જાપાન દુનિયાથી એકલો-અટૂલો પડી ગયો હતો.
  • ભારત ઈ.સ. 1951માં એશિયન ગેમ્સનું યજમાન બન્યો. એ રમતોમાં ભાગ લેવા માટે ભારતે જાપાનને આમંત્રણ આપ્યું.
  • પછી, ઈ.સ. 1952માં બંને દેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની શરૂઆત થઈ.
  • ઈ.સ. 1958માં જાપાને ભારતને પહેલી આર્થિક મદદ કરી, એ સિલસિલો ઈ.સ. 1991થી લઈને આજ સુધી ચાલુ છે.
  • વર્ષ 1998-2000નાં બે વર્ષના પ્રતિબંધ બાદ, 2001માં જાપાન-ભારત વચ્ચે ગ્લોબલ પાર્ટનરશિપની શરૂઆત થઈ, જેને શિન્ઝો એબે પોતાના કાર્યકાળ દરમિયાન નવી ઊંચાઈએ લઈ ગયા.
  • વર્ષ 2006-2007માં શિન્ઝો એબે પહેલી વાર જાપાનના વડા પ્રધાન બન્યા, ત્યારે 2007માં તેઓ ભારત આવ્યા અને સંસદને સંબોધી.
  • વર્ષ 2014ના પ્રજાસત્તાક દિવસના પ્રસંગે તેઓ મુખ્ય અતિથિ હતા.
  • પીએમ મોદી સત્તામાં આવ્યા પછી બંને દેશની મૈત્રીમાં ધરખમ વધારો થયો.
  • વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા ત્યારે ઉપમહાદ્વીપની બહાર દ્વિપક્ષીય પ્રવાસયાત્રા માટે એમણે જાપાનને જ પસંદ કર્યો. પોતાની બે ટર્મમાં પીએમ મોદી 6 વાર જાપાન જઈ આવ્યા છે.
  • એ જ રીતે, શિન્ઝો એબે પોતાના બીજા કાર્યકાળમાં 3 વાર (2014, 2015, 2017) ભારત આવ્યા. અન્ય કોઈ જાપાની વડા પ્રધાન પોતાના કાર્યકાળમાં આટલી વાર ભારતયાત્રાએ નથી આવ્યા.
line

ઇન્ડો-પૅસિફિક

ભારતમાં દિલ્હી મેટ્રો જાપાનની મદદથી જ બની છે. મોદી સરકારની મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પરિયોજનાનો પાયો પણ શિન્ઝો એબે સમક્ષ નંખાયો અને ભારતે તકનીક પણ જાપાન પાસેથી લીધી છે

ઇમેજ સ્રોત, NARENDRA MODI/TWITTER

ઇમેજ કૅપ્શન, ભારતમાં દિલ્હી મેટ્રો જાપાનની મદદથી જ બની છે. મોદી સરકારની મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પરિયોજનાનો પાયો પણ શિન્ઝો એબે સમક્ષ નંખાયો અને ભારતે તકનીક પણ જાપાન પાસેથી લીધી છે

બંને દેશના સંબંધોમાં આ મહત્ત્વના પડાવો સિવાય પણ લખવા માટે ઘણા કિસ્સા છે.

ભારતમાં દિલ્હી મેટ્રો જાપાનની મદદથી જ બની છે. મોદી સરકારની મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પરિયોજનાનો પાયો પણ શિન્ઝો એબે સમક્ષ નંખાયો અને ભારતે તકનીક પણ જાપાન પાસેથી લીધી છે.

જેએનયુમાં જાપાની સ્ટડીઝનાં પ્રોફેસર શ્રાવણી ચૌધરી ભારત-જાપાન સંબંધો અંગે સારું જ્ઞાન ધરાવે છે.

શિન્ઝો એબેની પ્રથમ ભારતયાત્રાને યાદ કરતાં તેમણે કહ્યું, ‌"એમના બે મહત્ત્વના પ્રવાસ ભારતમાં હંમેશા યાદ કરવામાં આવશે. 2007માં તેઓ જ્યારે ભારતની સંસદમાં બોલી રહ્યા હતા, એમણે Confluence of the Two Seas એટલે કે બે સમુદ્રોના સંગમનું સૂત્ર આપ્યું."

"વાસ્તવમાં અહીંથી ઇન્ડો-પૅસિફિક અર્થાત્ હિન્દ-પ્રશાંતના નૅરેટિવનો વિસ્તાર થયો. એક રીતે શિન્ઝો એબે ઇન્ડો-પૅસિફિક કન્સેપ્ટના જનક છે."

"વર્ષ 2014માં જ્યારે તેઓ ભારતના પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિરૂપે આવ્યા ત્યારે એમણે બંને દેશના સંબંધને 'આ સદીનો મહત્ત્વનો સંબંધ' ગણાવ્યો હતો."

પ્રોફેસર શ્રાવણી ચૌધરીએ જણાવ્યું કે, "ભારત-જાપાનના સંબંધોનો પાયો ભલે 1952માં નંખાયો હોય પરંતુ આ સંબંધનો નવો દોર શિન્ઝો એબે પીએમ બન્યા બાદ શરૂ થયો, જ્યારે બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક સહયોગ વધ્યો."

"પછી આગળ જતાં વિદેશ અને સુરક્ષા મંત્રીઓની 2+2 બેઠકો, મેરીટાઇમ સિક્યૉરિટી, ક્વાડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓમાં ભાગીદારી વધતી ગઈ."

ઘણા મહત્ત્વપૂર્ણ મંચોમાં આજે જાપાનની સાથે ભારતની ભાગીદારી છે, જેમાં સૌથી અગત્યનો ક્વાડ સમૂહ માનવામાં આવે છે.

line

ક્વાડ

ક્વાડને ચીન પોતાના વિરુદ્ધનો એક સમૂહ માને છે, ભારત અને જાપાન બંનેની સરહદો ચીનને અડે છે

ઇમેજ સ્રોત, AFP GETTY

ઇમેજ કૅપ્શન, ક્વાડને ચીન પોતાના વિરુદ્ધનો એક સમૂહ માને છે, ભારત અને જાપાન બંનેની સરહદો ચીનને અડે છે

વરિષ્ઠ પત્રકાર અને હવે અનંતા સેન્ટરનાં સીઇઓ ઇન્દ્રાણી બાગચીએ કહ્યું કે, "બુલેટ ટ્રેન પરિયોજના ઉપરાંત બીજી કોઈ બાબત માટે શિન્ઝો એબેને યાદ કરવામાં આવશે તો તે છે ક્વાડ સમૂહની રચના. અમેરિકા, જાપાન, ઑસ્ટ્રિલિયા અને ભારત આ સમૂહમાં સાથે જોડાયા."

"વર્ષ 2017માં જ્યારે ફરીથી એને રિવાઇવ કરવામાં આવ્યું એમાં શિન્ઝો એબેની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી. એમ તો ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક સહયોગ સૌથી વધારે છે, પરંતુ ક્વાડ સમૂહ થકી જ્યારે આ ચાર દેશ એક મંચ પર આવ્યા એ કારણે વૅક્સિનથી માંડીને સિક્યોરિટી સુધી દરેક સ્તરે સહયોગ વધ્યો છે."

ઇન્દ્રાણીએ જણાવ્યા અનુસાર, "શિન્ઝો એબે, ભારતના 'ઍક્ટ ઈસ્ટ' નીતિનો એક મહત્ત્વનો ભાગ પણ રહ્યા. ઍક્ટ ઈસ્ટ ભારત સરકારની વિદેશનીતિનો ભાગ છે, જેમાં દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો તરફ ભારત મહત્ત્વપૂર્ણ સહયોગ અને ભાગીદારીની પહેલ કરી રહ્યો છે."

"એ જ રીતે જાપાન અને ભારત પૂર્વોત્તરમાં પરિયોજનાઓમાં પણ સાથે મળીને કામ કરે છે."

આ કારણે ભારત-જાપાનના મીઠા સંબંધો પર ચીનની નજર રહે છે. ક્વાડને ચીન પોતાના વિરુદ્ધનો એક સમૂહ માને છે. ભારત અને જાપાન બંનેની સરહદો ચીનને અડે છે.

વીડિયો કૅપ્શન, RTI અંતર્ગત માહિતી કેવી રીતે મેળવી શકાય?

જાપાન બાબતોના જાણકાર પ્રોફેસર રાજારામ પાંડા અનુસાર, જાપાન તરફથી જુદી જુદી પરિયોજનાઓમાં અપાનારું 'ઑફિશિયલ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ' સૌથી પહેલાં ભારતને જ મળ્યું છે. આ વાતથી દેશોના સંબંધોની ઘનિષ્ઠતાની ખબર પડે છે.

જોકે, બંને દેશો વચ્ચે વેપાર બહુ વધારે નથી.

આ બાબતે પ્રોફેસર રાજારામ પાંડાએ કહ્યું કે, "બંને દેશ મૈત્રી જાળવતા રહીને પોતાપોતાનાં વ્યાપારી હિતોને પણ સુરક્ષિત રાખવા માગે છે. તેથી બંને દેશના નેતાઓનાં પોતપોતાનાં રાજકીય હિતો પણ સંકળાયેલાં છે. વેપાર ઓછો હોવા પાછળ આ પણ એક કારણ ગણાવાય છે."

વિદેશ મંત્રાલય અનુસાર જાપાનમાં લગભગ 40,000 ભારતીય રહે છે.

line

જાપાનમાં શિન્ઝો એબે

જાપાન-ભારતની મૈત્રી મજબૂત કરવાની જેટલી પહેલ એબેએ કરી એટલા જ પ્રયાસો જાપાનની અર્થવ્યવસ્થાને વ્યવસ્થિત કરવામાં કર્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાપાન-ભારતની મૈત્રી મજબૂત કરવાની જેટલી પહેલ એબેએ કરી એટલા જ પ્રયાસો જાપાનની અર્થવ્યવસ્થાને વ્યવસ્થિત કરવામાં કર્યા

જાપાન-ભારતની મૈત્રી મજબૂત કરવાની જેટલી પહેલ એમણે કરી એટલા જ પ્રયાસો જાપાનની અર્થવ્યવસ્થાને વ્યવસ્થિત કરવામાં કર્યા.

જાપાનના ઇતિહાસમાં શિન્ઝો એબે સૌથી વધારે સમય સુધી વડા પ્રધાન રહ્યા.

જાપાનમાં એમના યોગદાન વિશે પ્રોફેસર શ્રાવણી ચૌધરીએ કહ્યું કે, "એબેનૉમિક્સનું શ્રેય શિન્ઝો એબેને આપવામાં આવે છે. એમણે ઘણા પ્રકારના આર્થિક ઉપાયો સૂચવ્યા જેથી અર્થવ્યવસ્થા પાછી પાટે ચઢે."

"એમાં સૌથી મહત્ત્વનો હતો મહિલાઓની લેબર ફૉર્સમાં ભાગીદારી. પરંતુ સાચું તો એ પણ છે કે જાપાનને એનાથી વધારે ફાયદો ના થયો."

"સત્તાના છેલ્લા દિવસોમાં જાપાનમાં ઑલિમ્પિક ગેમ્સના યજમાન બનીને શિન્ઝો એબે ઇચ્છતા હતા કે જતાં જતાં દુનિયાને જાપાનની તાકાતનો ફરીથી પરિચય કરાવી શકે. પરંતુ કોવિડ મહામારીના કારણે એ સમયે એવું ના થઈ શક્યું. એમની તબિયત સારી નહોતી રહેતી અને એમણે પદ છોડવાનો નિર્ણય કર્યો."

પ્રોફેસર શ્રાવણી ચૌધરીનું કહેવું છે કે શિન્ઝો એબેને એનું દુઃખ હતું.

line

પીએમ મોદી અને શિન્ઝો એબેની પર્સનલ કેમિસ્ટ્રી

મોદી જાપાનના પ્રવાસે હતા ત્યારે રાત્રિભોજન માટે શિન્ઝો એબેએ એમને પોતાના પૈતૃક ઘરે ખાસ દાવત આપી હતી, અન્ય કોઈ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષને આ પહેલાં જાપાનમાં આવું સન્માન નથી મળ્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોદી જાપાનના પ્રવાસે હતા ત્યારે રાત્રિભોજન માટે શિન્ઝો એબેએ એમને પોતાના પૈતૃક ઘરે ખાસ દાવત આપી હતી, અન્ય કોઈ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષને આ પહેલાં જાપાનમાં આવું સન્માન નથી મળ્યું

એમ તો ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના પણ શિન્ઝો એબેની સાથે સારા સંબંધો હતા. પરંતુ એવું માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા પછી બંનેમાં જુદી જ કેમિસ્ટ્રી જોવા મળી.

ઈ.સ. 2018માં જ્યારે વડા પ્રધાન મોદી જાપાનના પ્રવાસે હતા ત્યારે રાત્રિભોજન માટે શિન્ઝો એબેએ એમને પોતાના પૈતૃક ઘરે ખાસ દાવત આપી હતી.

અન્ય કોઈ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષને આ પહેલાં જાપાનમાં આવું સન્માન નથી મળ્યું. આ કારણે મોદી અને શિન્ઝો એબેની મૈત્રીનો દાખલો અપાય છે. એવું માનવામાં આવે છે કે બંને નેતા વચ્ચે પર્સનલ બૉન્ડ પણ સારો હતો.

એની શરૂઆત પીએમ મોદીએ ઈ.સ. 2015માં કરી હતી જ્યારે તેઓ શિન્ઝો એબેને પોતાના સંસદીય ક્ષેત્રમાં લઈ ગયા હતા. ત્યાં બંનેએ એકસાથે ગંગાની આરતીનો આનંદ માણ્યો હતો.

કાશી શહેરને જાપાનના ક્યોટો શહેરની રૂપરેખાએ નવનિર્મિત કરવાનું સ્વપ્ન પીએમ મોદીએ જોયું હતું. ઈ.સ. 2014માં મોદી જ્યારે જાપાનના પ્રવાસે ગયા હતા ત્યારે આ મામલે એક સમજૂતી પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા.

ક્યોટો જાપાનનું ધાર્મિક, ઐતિહાસિક શહેર છે, જ્યાં ભારતના વારાણસીની જેમ મંદિર જ મંદિર છે. ક્યોટો જાપાનનું સ્માર્ટ સિટી મનાય છે અને એ કારણે જ ભારતમાં મોદી સરકારના સ્માર્ટ સિટી મૉડલનું રૉલ મૉડલ બની ગયું છે.

વારાણસી પછી શિન્ઝો જ્યારે ઈ.સ. 2017માં ભારત આવ્યા ત્યારે પીએમ મોદીની સાથે તેઓ અમદાવાદ ગયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વારાણસી પછી શિન્ઝો જ્યારે ઈ.સ. 2017માં ભારત આવ્યા ત્યારે પીએમ મોદીની સાથે તેઓ અમદાવાદ ગયા

વારાણસી પછી શિન્ઝો જ્યારે ઈ.સ. 2017માં ભારત આવ્યા ત્યારે પીએમ મોદીની સાથે તેઓ અમદાવાદ ગયા હતા. ત્યાં બુલેટ ટ્રેન પરિયોજનાનો પાયો નંખાયો.

જાપાનની મદદથી જ ભારત આ પરિયોજના પર કામ કરી રહ્યું છે. હાલ એનું કામ ચાલી રહ્યું છે.

ઈ.સ. 2020માં જ્યારે ખરાબ તબિયતના કારણે શિન્ઝો એબેએ પદ છોડવાની જાહેરાત કરી ત્યારે વડા પ્રધાન મોદીએ એક ટ્વીટમાં પોતાનું દુઃખ પ્રકટ કર્યું હતું.

જુલાઈ 2021માં વડા પ્રધાન મોદીએ જ્યારે વારાણસીમાં કન્વેન્શન સેન્ટરનું ઉદ્‌ઘાટન કર્યું હતું ત્યારે પણ તેઓ શિન્ઝો એબેનો આભાર માનવાનું નહોતા ભૂલ્યા.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ઇન્દ્રાણી બાગચીએ કહ્યું કે, "ઈ.સ. 1998ના દોરથી નીકળીને ભારત-જાપાનનો સંબંધ 2022માં જે સ્થિતિએ પહોંચ્યો છે એની એક મહત્ત્વપૂર્ણ કડી શિન્ઝો એબે રહ્યા છે. એમનું જવું બંને દેશના સંબંધો માટે ભારે મોટું નુકસાન છે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન