બોરિસ જોન્સન: એક પત્રકારથી વડા પ્રધાન અને વિવાદાસ્પદ વિદાય સુધી
બ્રિટનમાં છેલ્લા ઘણા સમયથી ચાલતા રાજકીય ઘમસાણ બાદ આખરે બોરિસ જોન્સને કન્ઝર્વેટિવ પક્ષના નેતાના પદેથી રાજીનામું આપી દીધું છે. જોકે, તેઓ પાર્ટી નવા નેતાની નિમણૂક ન કરે ત્યાં સુધી બ્રિટનના વડા પ્રધાન તરીકે ચાલુ રહેશે.

આવનારા સમયમાં પાર્ટીમાં નેતાપદ માટે મુકાબલો થશે અને ઑક્ટોબરમાં પાર્ટી સંમેલનમાં નવા વડા પ્રધાનનું એલાન થશે.
નાણામંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્યમંત્રી સાજિદ જાવિદે રાજીનામાં આપ્યાં બાદ યુકેના રાજકારણમાં તેઓ ઘણા ચર્ચિત રહ્યા.
છેલ્લા ઘણા સમયથી વડા પ્રધાન બોરિસ જોન્સન પણ આરોપો લાગતા રહ્યા હતા અને તેમની પર રાજીનામું આપી દેવાનું ભારે દબાણ સર્જવામાં આવ્યું હતું.
એક પત્રકારથી વડા પ્રધાન સુધીની બોરિસ જોન્સનની કારકિર્દી ઘણી ઉતારચડાવવાળી અને વિવાદાસ્પદ રહી છે.

પત્રકારથી નેતા સુધી

ઇમેજ સ્રોત, Getty Images
બોરિસ જોન્સનનો જન્મ બ્રિટિશ માતા-પિતાને ત્યાં 19 જૂન, 1964માં ન્યૂયોર્કના મેનહટ્ટનમાં થયો હતો.
જોન્સન ઓક્સફૉર્ડમાંથી સ્નાતક થયા હતા અને પત્રકારત્વમાં કારકિર્દી શરૂ કરી હતી. ટાઇમ્સ અખબારમાં તાલીમાર્થી રિપોર્ટર બન્યા હતા. પરંતુ તેણે એક ખોટા ક્વોટને કારણે તેમણે નોકરી ગુમાવી હતી.
1999માં જૉન્સન જમણેરી સ્પેક્ટેટર મૅગેઝિનના સંપાદક બન્યા અને બે વર્ષ પછી તેમણે ઓક્સફોર્ડશાયરમાં હેન્લીની સુરક્ષિત કન્ઝર્વેટિવ બેઠક જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2001માં તેઓ હેન્લી-ઑન-થેમ્સની સુરક્ષિત કન્ઝર્વેટિવ સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.
હેન્લીથી તેઓ વર્ષ 2001-2008 સુધી એટલે કે સાત વર્ષ સુધી સાંસદ રહ્યા હતા. તો વર્ષ 2008થી 2016 સુધી તેઓ લંડનના મેયર રહ્યા.
મેયર તરીકે જોન્સને નિયમિત રીતે ભાડાની સાઇકલસવારી કરીને તેને પ્રોત્સાહન આપ્યું હતું. તેના લીધે સાઇકલ ભાડે આપવાની સંખ્યામાં વધારો થયો હતો.
બીબીસી ન્યૂઝના બ્રિયન વ્હિલર અનુસાર, જોન્સન ક્લાસિક્સનો અભ્યાસ કરવા માટે ઓક્સફૉર્ડ યુનિવર્સિટી ગયા. ત્યાં તેઓ યુનિયનના પ્રમુખ બન્યા. 1823ની પ્રતિષ્ઠિત ડિબેટિંગ સોસાયટી અને કુખ્યાત બુલિંગ્ડન ડ્રિંકિંગ ક્લબના સભ્ય પણ બન્યા.

સંક્ષેપમાં : બોરિસ જોન્સનનો પરિચય

- 23 જુલાઈ, 2019માં બ્રિટનના વડા પ્રધાન બન્યા
- થેરેસા મેનાં રાજીનામા બાદ બોરિસ વડા પ્રધાન બન્યા હતા
- થેરેસા મેનાં કાર્યકાળમાં બોરિસ જોન્સન વિદેશમંત્રી હતા
- બોરિસ બે વાર લંડનમાં મેયર રહી ચૂક્યા છે
- બોરિસ પત્રકાર, સાંસદ, મેયર અને વિદેશમંત્રીથી લઈને વડા પ્રધાન સુધીની સફર ખેડી ચૂક્યા છે
- તેમની ઓળખ એક એવા શખ્સની છે, જેમને 'ના' સાંભળવું પસંદ નથી
- બોરિસના ભારત સાથે રાજકીય અને વ્યક્તિગત સંબંધો પણ છે. તેમનાં પૂર્વ પત્ની મરીના વ્હીલર ક્સૂસીનું ભારત કનેક્શન છે
- બોરિસ જોન્સન તેમના મજાકિયા ભાષણો માટે જાણીતા છે
- તેમને દક્ષિણપંથી વિચારધારા તરફ ઝુકાવ માટે ઓળખવામાં આવે છે
- બોરિસને સાઇકલ ચલાવાનો શોખ છે. તેમણે લંડનમાં સાઇકલ ભાડે આપવાની સ્કીમ લૉન્ચ કરી હતી, જે જાણીતી થઈ હતી

ઑલિમ્પિકનું આયોજન અને વિદેશમંત્રી

ઇમેજ સ્રોત, PA Media
મેયરના રૂપમાં જોન્સન 2012માં ઑલિમ્પિકની વ્યવસ્થામાં સામેલ થયા હતા. ઑલિમ્પિકના પ્લાનિંગ માટે વર્ષ 2005માં લંડનમાં તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ઑલિમ્પિકને એક સફળ આયોજનના રૂપમાં માનવામાં આવ્યું હતું અને દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે એક મોટી આર્થિક વૃદ્ધિ પ્રદાન કરી હતી.
જોકે, ઓલિમ્પિકની વિરાસત પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જેમાં ઑલિમ્પિક સ્ટેડિયમને ફૂટબૉલ મેદાનના રૂપમાં પરિવર્તિત કરવાની બાબત પણ સામેલ હતી.
બોરિસ જોન્સન બે વર્ષ વિદેશમંત્રી પણ રહી ચૂક્યા છે.
બોરિસ જોન્સને નિર્ણય કર્યો હતો કે તેઓ વર્ષ 2016માં મેયર તરીકેનો પોતાનો કાર્યકાળ સમાપ્ત કરતાં પહેલાં સંસદમાં આવવા માગતા હતા.
એક સાંસદ તરીકે ફરી શરૂઆત કરનાર જોન્સને હીથ્રો હવાઈ અડ્ડાના વિસ્તરણનો વિરોધ કર્યો હતો.
જોકે, તેમની ગેરહાજરીમાં સાંસદોએ જૂન 2018માં હીથ્રો વિસ્તરણ પર મતદાન કર્યું, કેમ કે તેઓ અફઘાનિસ્તાનની સત્તાવાર યાત્રા પર હતા.

તાજેતરનો વિવાદ

ઇમેજ સ્રોત, UK PARLIAMENT/JESSICA TAYLOR
10 જૂનના બ્રિટનના સમાચારપત્ર 'ધ સન' દ્વારા પ્રકાશિત એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે સત્તાધારી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ક્રિસ પિંચરે યુકેની એક ખાનગી ક્લબમાં બે પુરુષોને આપત્તિજનક રીતે અડક્યા હતા.
આ વર્ષે ફેબ્રુઆરીમાં બોરિસ જોન્સને પિંચરને પાર્ટીના ડેપ્યુટી વ્હિપ બનાવ્યા હતા. 'ધ સન'નો રિપોર્ટ આવ્યા બાદ પિંચરે રાજીનામું આપવું પડ્યું હતું.
જોકે, કેટલાક દિવસોમાં જ બ્રિટનના મીડિયામાં આવા જ કેટલાક અહેવાલો આવ્યા. હાલનાં વર્ષોમાં પિંચર પર જાતીય સતામણી અંગેના ઓછામાં ઓછા છ વધુ કેસ સામે આવ્યા છે.
દેખીતી રીતે બોરિસ જોન્સન આ સેક્સ સ્કૅન્ડલ સાથે સીધી રીતે સંકળાયેલા નથી પરંતુ આ સ્કૅન્ડલને કારણે તેમની મુશ્કેલીઓ વધી ગઈ.
તેમની પસંદગી પર પણ પ્રશ્નો થઈ રહ્યા હતા અને આ મામલામાં સરકારના વલણની પણ ટીકા થઈ હતી.
એક જુલાઈએ બ્રિટિશ સરકારે પત્રકારોને કહ્યું કે વડા પ્રધાને પિંચરની નિમણૂક કરી તે પહેલાં તેમની પર લાગેલા "ખાસ આરોપો" વિશે તેમને કંઈ ખબર નહોતી.
તેમના અનેક મંત્રીઓએ પણ આવી જ વાત કરી હતી.
પરંતુ ચાર જુલાઈએ વડા પ્રધાનના પ્રવક્તાએ કહ્યું કે બોરિસ જોન્સનને એવા આરોપોની માહિતી હતી, જેનું નિરાકરણ નથી થયું કે જેના પર સત્તાવાર ફરિયાદ નથી કરાઈ.

કોરોનામાં 'પાર્ટી ગેટ'

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનમાં લાદવામાં આવેલા કોરોના સમયગાળાના પ્રથમ લૉકડાઉન વખતે એટલે કે મે, 2020માં ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને 'બ્રિંગ યોર ઑન બૂઝ' પાર્ટીમાં હાજરી આપવા બાબતે સિનિયર સનદી અધિકારી સ્યૂ ગ્રેની તપાસનો રિપોર્ટ જારી કરાયો હતો.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, "એ સમયે સરકારના ઉચ્ચતમ સ્તરે કામ કરી રહેલા લોકો પાસેથી અપેક્ષા રખાતા ઊંચા માપદંડોની જ નહીં પરંતુ એ સમયે બ્રિટિશરો પાસેથી અપેક્ષિત માપદંડોને જોતાં પણ આ એક ગંભીર નિષ્ફળતા છે."
મીડિયા અહેવાલો અનુસાર કોરોના મહામારી દરમિયાન વડા પ્રધાનના સત્તાવાર ડાઉનિંગ સ્ટ્રીટ નિવાસસ્થાને તથા અન્ય સરકારી જગ્યાઓમાં 17થી વધારે મેળાવડા અને પાર્ટીઓ થઈ હોવાના આક્ષેપો તેમની સામે થયા હતા.
આ સમગ્ર સમયગાળા દરમિયાન યુ.કે.માં વિવિધ સ્તરના પ્રતિબંધો લાગેલા હતા, હળવામળવા, ભેગા થવા કે પાર્ટી કરવા પર પ્રતિબંધો હતા.
નાગરિકોને બંધ રૂમમાં પણ ભેગા થવાની મનાઈ હતી અને બહાર ખુલ્લામાં પણ ઘણા પ્રતિબંધો મુકાયેલા હતા. આ રીતે નાગરિકો પર પ્રતિબંધો હતા, પરંતુ વડા પ્રધાન પાર્ટીઓ કરી રહ્યા હતા તેવા આક્ષેપો થયા હતા.
નોંધનીય છે કે મે, 2020માં લૉકડાઉનના સમયે વડા પ્રધાન આવાસમાં પાર્ટીમાં હાજરી આપવા બાબતે માફી પણ માગી ચૂક્યા હતા.
તેમણે એ સમયે કહ્યું હતું કે, "આ પાર્ટી ટેકનિકલી નિયમ મુજબ હતી પરંતુ તેમણે સામાન્ય જનતા તેને કેવી રીતે જોશે તે બાબતનું ધ્યાન રાખવું જોઈતું હતું."

ઇમેજ સ્રોત, Getty Images
મે 2020માં ડાઉનિંગ સ્ટ્રીટ ગાર્ડનમાં એકબીજાથી અંતર રાખીને રહી શકાય તે રીતે 100 જેટલા લોકોને ડ્રિન્ક્સ માટે આમંત્રણ અપાયું હતું.
એ મેળાવડાના સાક્ષી રહેલા લોકોએ બીબીસીને જણાવ્યું કે જૉન્સન અને કેરી સિમોન્ડ્સ (જેમની સાથે ત્યારે તેમની સગાઈ થઈ હતી) સહિત 30 જેટલા લોકો હાજર રહ્યા હતા.
વડા પ્રધાને એવું કબૂલ્યું છે કે પોતે ત્યાં 25 મિનિટ સુધી હાજર રહ્યા હતા, પણ એમ માનીને હાજર થયા હતા કે આ કામગીરીના ભાગરૂપે છે.
અખબારી અહેવાલો અનુસાર વડા પ્રધાનનો જન્મદિન સમારોહ એકાદ મહિના બાદ યોજાયો હતો અને તેના માટે ડાઉનિંગ સ્ટ્રીટના કૅબિનેટ રૂમમાં કેક પણ કાપવામાં આવી હતી.
નિવાસસ્થાનમાં રહીને કામ કરનારા સ્ટાફનું કહેવું હતું કે જન્મદિનની ઉજવણી "10 મિનિટથી ઓછા સમય" માટે ચાલી હતી.
ડિસેમ્બર 2020માં લંડનમાં કડક પ્રતિબંધો અમલી બનાવાયા હતા, ત્યારે પણ ઘણી પાર્ટીઓ યોજાઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તેમાં કન્ઝર્વેટિવ પાર્ટીના મુખ્યમથકે પણ બેઠકો થઈ હતી, જે 'ગેરકાયદે એકત્ર થવાની ઘટનાઓ' ગણાવાઈ હતી.

કોરોનાકાળ અને બ્રિટન

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ન્યૂઝના બ્રિયન વ્હિલર લખે છે કે 2020ની શરૂઆતમાં એવું લાગતું હતું કે યુરોપિયન યુનિયન સાથે વેપાર-સોદાની વાટાઘાટ એ તેમની સરકારનું મુખ્ય કાર્ય હશે અને બ્રેક્ઝિટ તેમનો કાયમી વારસો છે.
જોકે અઠવાડિયાની અંદર બાકીના વિશ્વનેતાઓની જેમ તેઓ પણ આરોગ્યની કટોકટીથી ઘેરાઈ ગયા હતા.
આરોગ્ય કર્મચારીઓને રક્ષણાત્મક ઉપકરણોની અછતનો સામનો કરવો પડ્યો હતો અને વૃદ્ધો માટેના કેર હોમ્સમાં કોરોના વાઇરસ ફાટી નીકળ્યો હતો. તો સરકાર રોગચાળા માટે ખૂબ જ ઓછી તૈયાર દેખાઈ હતી.
બોરિસ જોન્સનને અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો પણ કરવાનો આવ્યો હતો, જોકે તેઓ તેમની કન્ઝર્વેટિવ પક્ષની અંદર લવાયેલો અવિશ્વાસનો પ્રસ્તાવ જીતી ગયા હતા. જોન્સનના કન્ઝર્વેટિવ પક્ષમાં જ કેટલાય સાંસદોએ પત્ર લખીને કહ્યું હતું કે તેઓ પક્ષમાં જોન્સનનું નેતૃત્વ નથી ઇચ્છી રહ્યા.
પીએમ જોન્સનને 59 ટકા મતથી જીત્યા હતા. કન્ઝર્વેટિવ પાર્ટીના 211 સાંસદોએ પીએમ જોન્સનના પક્ષમાં મત નાખ્યા, જ્યારે 148એ તેમના વિરુદ્ધમાં મતદાન કર્યું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













