બ્રિટનમાં ઋષિ સુનકે બોરિસ જોન્સનની માફી છતાં રાજીનામું કેમ આપ્યું?

બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્યમંત્રી સાજિદ જાવિદે રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું છે કે વડા પ્રધાન બૉરિસ જોનસનના નેતૃત્વ પર તેમને ભરોસો નથી.

ઋષિ સુનકે બૉરિસ જોનસનની માફી બાદ પણ રાજીનામું કેમ આપ્યું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સાજિદ જાવિદ, ઋષિ સુનક અને બૉરિસ જોનસન

બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્યમંત્રી સાજિદ જાવિદે સરકારમાંથી રાજીનામાં આપી દીધાં છે. વડા પ્રધાન બોરિસ જૉન્સનના નેતૃત્વમાં હવે વિશ્વાસ ન હોવાની તેમણે વાત કરી છે.

ઋષિ સુનકે કહ્યું છે કે લોકો સરકાર પાસેથી આશા રાખે કે તે ગંભીરતાથી કામ કરે. બીજી તરફ સાજિદ જાવિદે રાજીનામામાં જણાવ્યું છે કે સરકાર રાષ્ટ્રહિતમાં કામ નથી કરી રહી.

બોરિસ જૉન્સનની માફીના થોડા કલાકોમાં જ બન્નેએ રાજીનામાં આપી દીધાં હતાં.

વડા પ્રધાન બોરિસ જૉન્સસને સાંસદ ક્રિસ પિંચરને સરકારી જવાબદારી આપવા બદલ માફી માગી છે.

બ્રિટનના શિક્ષણમંત્રી નાદિમ ઝહાવીને નાણામંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ડાઉનિંગ સ્ટ્રીટના ચીફ ઑફ સ્ટાફ સ્ટીવ બાર્સલી સાજિદ જાવિદની જગ્યા લેશે. તો ઉચ્ચ શિક્ષણમંત્રી મિશેલ ડોનેલનને પ્રમોટ કરીને શિક્ષણમંત્રી બનાવી દેવાયા છે.

જોન્સને બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભૂલ થઈ છે. આ સાથે તેમણે પોતાના નિર્ણયથી પ્રભાવિત થયેલા તમામ લોકોની માફી પણ માગી છે.

બોરિસ જોનસનના આ નિર્ણયની વિપક્ષ સહિત તેમની પાર્ટીના સાંસદો પણ વિરોધ કરી રહ્યા હતા.

ઋષિ સુનક, સાજિદ જાવિદની સાથે બિમ અફોલામીએ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉપાધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે. આ સિવાય ઍન્ડ્ર્યુ મૉરિસને ટ્રેડ રાજદૂતપદેથી રાજીનામું આપી દીધું છે.

મંત્રાલયના સહયોગી જોનાથન ગુલિસ અને સાકિબ ભાટીએ પણ પોતાનું પદ ત્યજી દીધું છે પરંતુ બીબીસીને મળેલી માહિતી અનુસાર, વિદેશમંત્રી લિઝ ટ્રસ, મંત્રી માઇકલ ગવ અને અન્ય કૅબિનેટ મંત્રીઓએ બોરિસ જોનસનને સમર્થન આપ્યું છે.

સંસ્કૃતિમંત્રી નૅડિન ડૉરિસ સિવાય બ્રેક્સિટ મંત્રી જૅકબ રીસ-મોગને બોરિસ જોનસનના વફાદાર માનવામાં આવે છે અને તેમણે સાર્વજનિક રીતે વડા પ્રધાનને સમર્થન આપ્યું હતું.

બે સીનિયર મંત્રીઓનાં રાજીનામાંથી જોનસનના નેતૃત્વ પર ફરી વખત પ્રશ્નો ઊભા થયા છે. તાજેતરમાં જ તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ જીત્યો હતો. પાર્ટીના નિયમ અનુસાર, આવતા વર્ષે જૂન મહિના સુધી તેમના વિરુદ્ધ પ્રસ્તાવ લાવી શકાશે નહીં.

line

વિપક્ષ ચૂંટણી માટે તૈયાર

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

બોરિસ જોન્સન સરકારમાંથી આ રાજીનામાને લઇને લેબર પાર્ટીના નેતા કીર સ્ટર્મરે કહ્યું કે તેઓ ચૂંટણીને આવકારશે કારણ કે દેશમાં સરકાર બદલવાની જરૂરત છે.

તેમણે કહ્યું, "હાલની પરિસ્થિતિ પરથી પ્રતિત થાય છે કે કન્ઝર્વેટિવ સરકાર પડી રહી છે." આગામી ચૂંટણી 2024માં છે પરંતુ બોરિસ જોન્સન ઇચ્છે તો તેનાથી પહેલાં પણ યોજાઈ શકે છે.

લિબરલ ડૅમોક્રેટ્સના નેતા સર ઍડ ડેવેયે કહ્યું કે આ સરકાર ખરાબ રીતે નિષ્ફળ રહી છે. તેમણે બોરિસ જોન્સનને પદ છોડવા પણ કહ્યું છે.

સ્કૉટિશ ફર્સ્ટ મિનિસ્ટર અને એસએનપી નેતા નિકોલા સ્ટર્જને કહ્યું કે બોરિસ જોન્સને હવે જવું જોઇએ. નિકોલાએ કહ્યું છે કે મંત્રી ખુલ્લેઆમ જૂઠ્ઠું બોલી રહ્યા છે.

line

ઋષિ સુનક અને સાજિદ જાવિદનું રાજીનામું કેમ?

ઋષિ સુનક

ઇમેજ સ્રોત, UK PARLIAMENT

ઇમેજ કૅપ્શન, ઋષિ સુનકે પોતાના રાજીનામામાં કહ્યું છે કે કદાચ આ તેમનું અંતિમ મંત્રીપદ હશે.

ક્રિસ પિંચરને યૌનશોષણ મામલે ગયા અઠવાડિયે કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદપદેથી નિલંબિત કરવામાં આવ્યા હતા.

જોકે, પિંચરે પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા હતા. બીબીસીએ તેમની 2019માં આ આરોપોને લઇને સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.

પિંચરની નિયુક્તિ બોરિસ જોન્સને કરી હતી અને તેમને આ આરોપો વિશે ખ્યાલ હતો. આ નિયુક્તિની વિપક્ષ સહિત જોન્સનની પાર્ટીના સાંસદો સતત ટીકા કરતા આવતા હતા.

ઋષિ સુનકે પોતાના રાજીનામામાં કહ્યું છે કે કદાચ આ તેમનું અંતિમ મંત્રીપદ હશે. જે થયું છે, તેના વિરુદ્ધ આ જરૂરી હતું અને આ કારણથી તેઓ રાજીનામું આપી રહ્યા છે.

જ્યારે સાજિદ જાવિદે પોતાના રાજીનામામાં કહ્યું છે કે વડા પ્રધાન તરીકે બોરિસ જોન્સન ભરોસો ગુમાવી ચૂક્યા છે.

બોરિસ જોન્સને બીબીસીના રાજનૈતિક સંપાદક ક્રિસ મેસનને કહ્યું કે 2019માં તેઓ પિંચર પર લાગેલા આરોપો વિશે જાણતા હતા અને તેમના પર લાગેલા કેટલાક આરોપોમાં સમાધાન પણ થઈ ગયું હતું, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં પિંચરને ડૅપ્યુટી ચીફ વ્હિપ બનાવવાનો નિર્ણય ખોટો હતો.

જોન્સને કહ્યું, "મારા લીધે જે વાતો કહેવાઈ રહી છે, તેનાંથી હું થાકી ગયો છું. હવે સ્પષ્ટ અને સીધી રીતે તેનો સામનો કરવા માગું છું."

તેમણે વધુમાં કહ્યું, "આ સરકારમાં શક્તિનો દુરુપયોગ કરનારાઓ માટે કોઈ સ્થાન નથી. હું તેને લઇને ઘણો દુખી છું અને મને આ નિયુક્તિને લઇને દુખ છે કે મેં હસ્તક્ષેપ ન કર્યો."

line

કોણ છે સ્વાસ્થ્યમંત્રી સાજિદ જાવિદ?

સાજિદ જાવિદ

49 વર્ષીય સાજિદ જાવિદ પાકિસ્તાની મૂળના છે અને તેમનો જન્મ બ્રિટનમાં જ થયો છે.

2018માં થેરેસા મે સરકારમાં તેમને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. બ્રિટનમાં વંશીય લઘુમતી સમુદાયની કોઈ વ્યક્તિ ગૃહમંત્રી બની હોય એવી એ પ્રથમ ઘટના હતી.

તેઓ 2010થી બ્રૂમ્સગ્રોવ બેઠકથી સાંસદ છે. એમનો જન્મ રૉકડેલમાં એક પાકિસ્તાની પરિવારમાં થયો હતો.

પોતાના પરિવાર વિશે એમણે ઇરવનિંગ સ્ટાન્ડર્ડને કહ્યું કે મારા પિતા પાકિસ્તાનના એક નાનકડા ગામથી છે અને ફક્ત 17 વર્ષની ઉંમરે રોજગારી માટે બ્રિટન આવી ગયા હતા.

એમણે કહ્યું, "મારા પિતા રૉકડેલમાં સ્થાયી થયા અને અહીં તેમણે કાપડની મિલમાં કામ કર્યું, પરંતુ તેઓ મહત્ત્વાકાંક્ષી હતા."

"તેમને લાગ્યું કે બસ ડ્રાઇવરોનો પગાર સારો છે એટલે તેઓ બસ ડ્રાઇવર બન્યા. તેઓ દિવસ હોય કે રાત સતત કામ કરતા હતા. એટલે જ તેમને મિસ્ટર ડે ઍન્ડ નાઇટ તરીકે ઓળખવામાં આવતા હતા."

સાજિદે શાળાકીય શિક્ષણ બ્રિસ્ટલમાં લીધું. અહીં એમના પરિવારે મહિલાઓનાં કપડાંની એક દુકાન ખરીદી હતી. આ દુકાનની ઉપર જ બે ઓરડાના એક ફલેટમાં એમનો પરિવાર રહેતો હતો.

શાળાકીય અભ્યાસ દરમિયાન જ એમને બૅન્ક અને રોકાણમાં રસ હતો. એમણે 14 વર્ષની ઉંમરે એમના પિતાની બૅન્કના મૅનેજર સાથે મુલાકાત કરી અને 500 પાઉન્ડ ઉધાર લીધા. આ રકમ એમણે શૅરબજારમાં રોકી.

સાજિદે આગળ જતા ખૂબ નાની વયે બૅન્કિંગ ક્ષેત્રમાં મોટી સફળતા હાંસલ કરી હતી.

line

બીબીસીના રાજનૈતિક સંવાદદાતા ઇયન વૉટસનનું વિશ્લેષણ

શું આ બોરિસ જોન્સનના અંતની શરૂઆત છે? મંત્રીઓના રાજીનામા બાદ સરકારના ટીકાકારોએ વડા પ્રધાન જોન્સન પર રાજીનામાનું દબાણ વધાર્યું છે. નાણામંત્રી ઋષિ સુનક અને પૂર્વ નાણામંત્રી સાજિદ જાવિદે એમ કરી દીધું છે.

જો વડા પ્રધાનને હઠાવવા હોય તો બંને પોતાનાં રાજીનામાંને જરૂરી માને છે. બંને ભવિષ્યમાં નેતૃત્વ માટે કદાચ પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યા છે.

પરંતુ હાલમાં વડા પ્રધાનકાર્યાલયને આશા છે કે બધું સરખુ થઈ જશે. બોરિસ જોન્સનની સાથે અત્યારે પણ વિદેશ, ગૃહ, સંરક્ષણ અને વ્યાપારમંત્રી છે.

ઉલ્લેખનીય છે કે ગૉર્ડન બ્રાઉન પણ મંત્રીઓના રાજીનામા બાદ બચી ગયા હતા કારણ કે અન્ય મંત્રીઓ તેમની સાથે હતા.

પણ બોરિસ જોન્સનની કૅબિનેટમાં જૂનિયર મંત્રીઓ તેમના વિરુદ્ધ છે અને તેઓ સુનકનો રસ્તો અપનાવી શકે છે. આ પહેલા થૅરેસા મેને પણ પાર્ટીમાં વોટિંગનો સામનો કરવો પડ્યો હતો. તેઓ જીતી ગયાં હતાં પરંતુ છ મહિનામાં જ બ્રેક્સિટના કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

જોન્સનની સરકાર હાલના મહિનામાં નવા વિવાદોમાં ઘેરાયેલી રહી છે. તેનું પરિણામ એ આવ્યું કે ઘણા સાંસદોએ બોરિસ જોન્સનના રાજીનામાની માગ કરી.

ડાઉનિંગ સ્ટ્રીટમાં કોવિડ લૉકડાઉન સમયે પાર્ટીને લઈને બોરિસ જોન્સન પ્રત્યે અસંતોષ વધ્યો હતો. કહેવામાં આવ્યું કે વડા પ્રધાનકાર્યાલય જ કોરોના સંબંધિત નિયમોને તોડી રહ્યું છે.

તેમની પાર્ટીના કેટલાક સભ્યો ટૅક્સ વધારવાને લઇને નારાજ છે. જૂન મહિનામાં યોજાયેલી પેટાચૂંટણીમાં હાર બાદ બોરિસ જોન્સન પર દબાણ વધ્યું છે.

આ હારના કારણે કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રમુખ ઓલિવર ડૉડેને રાજીનામું આપવું પડ્યું હતું.

મંગળવારની સાંજે શરૂ થયેલ નાટકીય સંજોગોમાં વડા પ્રધાને પત્રકારો સાથે વાતચીત કર્યાની ગણતરીની મીનિટોમાં સાજિદ જાવિદે ટ્વિટર પર પોતાનું રાજીનામું પોસ્ટ કર્યું હતું.

સાજિદ જાવિદના રાજીનામા બાદ ગણતરીની મિનિટોમાં જ ઋષિ સુનકે રાજીનામું આપ્યું હતું.

આમ ગણતરીની મિનિટોમાં જ બોરિસ જોન્સનની કૅબિનેટમાંથી બે મહત્ત્વનાં પદો ખાલી થઈ ગયાં હતાં.

ઋષિ સુનકને કન્ઝર્વેટિવ પાર્ટીમાં ભવિષ્યના નેતા તરીકે જોવામાં આવે છે. સુનકે કહ્યું કે વડા પ્રધાનનું જે વલણ છે, તે વિરોધ માટે પૂરતું છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન