ભગતસિંહના બદલે ચંદ્રશેખર આઝાદ કેમ સંસદમાં બૉમ્બ ફેંકવા માગતા હતા?

ઇમેજ સ્રોત, RAJ KAMAL
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
ચંદ્રશેખર આઝાદ 1922માં એચઆરએ (હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી)ના સદસ્ય બની ગયા હતા. એ પહેલાં ઈ.સ. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેમને પકડી લેવામાં આવ્યા હતા.
મેજિસ્ટ્રેટે 15 વર્ષના બાળકને પૂછ્યું હતું - તમારું નામ?
એમનો જવાબ હતો - 'આઝાદ.'
'તમારા પિતાનું નામ? - 'આઝાદી.'
'તમારું સરનામું?' - 'જેલ.'
આ જવાબોથી ખિજાઈને એ અંગ્રેજ મેજિસ્ટ્રેટે ચંદ્રશેખર આઝાદને લાકડીના 15 ફટકા મારવાની સજા આપી હતી.
જ્યારે આઝાદને એક થાંભલા સાથે બાંધીને લાકડીઓ ફટકારવામાં આવી ત્યારે તેઓ દરેક ફટકા સાથે બૂમ પાડીને કહેતા હતા, "ભારત માતા કી જય".
લાકડીના ફટકા ખાવાની સજા બાદ આઝાદને જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા. જતા સમયે એમને 3 આના (પૈસા) આપવામાં આવ્યા, જેને તેમણે ખૂબ ગુસ્સામાં જેલરના મોં પર ફેંક્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈ.સ. 1925ના અંત પહેલાં કાકોરીકાંડના કુંદનલાલ અને ચંદ્રશેખર આઝાદ સિવાયના લગભગ બધા આરોપીને પકડી લેવાયા હતા.
એ દિવસોમાં એમના સાથી એમને નામના બદલે નંબર 1 અને નંબર 2 કહીને બોલાવતા હતા. એ જમાનામાં આઝાદ ખૂબ ગર્વથી કહેતા હતા, "કોઈ મને જીવતો નહીં પકડી શકે."
તેઓ કહ્યા કરતા હતા - "દુશ્મનો કી ગોલીઓં કા સામના કરેંગે, આઝાદ હી રહે હૈં, આઝાદ હી રહેંગે."

કાકોરી ટ્રેન લૂંટમાં સામેલ હતા ચંદ્રશેખર આઝાદ

ઇમેજ સ્રોત, UNISTAR
કાકોરી ટ્રેન લૂંટવા બિસ્મિલે પોતાની મદદ માટે 9 ક્રાંતિકારીઓને પસંદ કર્યા હતાઃ રાજેન્દ્ર લાહિરી, ઠાકુર રોશનસિંહ, સચીન્દ્ર બક્ષી, અશફાકઉલ્લાખાં, મુકુન્દી લાલ, મન્મથનાથ ગુપ્ત, મુરારી શર્મા, બનવારી લાલ અને ચંદ્રશેખર આઝાદ.
લૂંટ પછી પોટલામાં બાંધેલી લૂંટની રકમ લખનૌ પહોંચાડવા માટેની જવાબદારી આઝાદને સોંપવામાં આવી હતી.
એ દિવસને યાદ કરતાં મન્મથનાથ ગુપ્તે પોતાના પુસ્તક 'આધી રાત કે અતિથિ'માં લખ્યું છે, "ગોમતી નદીના કિનારે કલાકો ચાલીને અમે લખનૌ શહેરમાં પ્રવેશ્યા હતા. સૌથી પહેલાં અમે ચોક પહોંચ્યા હતા, જ્યાં કુખ્યાત રેડ લાઇટ એરિયામાં કેટલાક લોકો હજુ પણ જાગતા હતા, બાકી આખું શહેર સૂતું હતું."
"ચોક પહોંચ્યા પહેલાં આઝાદે રૂપિયાનું પોટલું રામપ્રસાદ બિસ્મિલના હવાલે કરી દીધું હતું. મને અને આઝાદને લખનૌ શહેરની ખાસ કશી જાણકારી નહોતી. અમને એવો પણ અંદાજ નહોતો કે અમારે ક્યાં જવું જોઈએ."

ઇમેજ સ્રોત, TWITTER
"આઝાદે અમને સલાહ આપી કે આપણે એક પાર્કમાં સૂઈ જઈએ. એ જમાનામાં બેઘર લોકો ઘણી વાર પાર્કમાં જ સૂઈ જતા હતા. અમે એક ઝાડ નીચે થોડીઘણી ઊંઘ લેવાની કોશિશ કરી."
"ઠંડીના લીધે અમે થથરી રહ્યા હતા. જેવી સવાર પડી કે ચકલીઓ ચીં ચીં કરવા લાગી અને લોકો મંદિરોમાં જવા લાગ્યા. જેવા અમે પાર્કમાંથી બહાર નીકળ્યા કે અમને એક અખબાર વેચનારાનો અવાજ સંભળાયો, 'કાકોરીમાં ટ્રેન લૂંટ'. અમે એકબીજા સામે જાયું."
"અમે પાર્કમાં સૂતા હતા તે દરમિયાન કાકોરીમાં થયેલી ટ્રેનની લૂંટના સમાચાર ચારેબાજુ પ્રસરી ગયા હતા."

લાલા લજપતરાયની હત્યાનો બદલો લેવાની યોજના

ઇમેજ સ્રોત, RAJKAMAL PRAKASHAN
કાનપુરમાંથી છપાતા અખબાર 'પ્રતાપ', જેનું સંપાદન ગણેશ શંકર વિદ્યાર્થી કરતા હતા તેમાં ક્રાંતિકારીઓનાં વખાણ કરતી હેડલાઇન છપાઈ હતી - "ભારતના નવરત્ન ગિરફ્તાર".
પરંતુ ધરપકડ કરાયેલા લોકોમાં ચંદ્રશેખર આઝાદ નહોતા. પોલીસની નજરથી બચતા રહીને આઝાદ બનારસ પહોંચી ગયા હતા. તેઓ પોલીસ સાથે સંતાકૂકડી રમતા હતા.
પોલીસ હાથ ધોઈને એમની પાછળ પડી હતી, પરંતુ તેઓ દરેક વખતે પોલીસને થાપ આપવામાં સફળ થતા હતા.
કાકોરી કેસમાં મોટા ક્રાંતિકારીઓની ધરપકડ બાદ સંગઠન ચલાવવાની જવાબદારી આઝાદ જેવા જુનિયર ક્રાંતિકારીના શિરે આવી ગઈ હતી.

ઇમેજ સ્રોત, SHYAM SUNDAR LAL
જ્યારે સાઇમન કમિશનનો વિરોધ કરી રહેલા લાલા લજપતરાય પોલીસની લાઠીથી મૃત્યુ પામ્યા ત્યારે ક્રાંતિકારીઓએ એમના મૃત્યુનો બદલો લેવાની યોજના ઘડી.
નારાજ ભગતસિંહે કહ્યું, "પોલીસની લાઠીથી આપણા આદરણીય નેતા લાલાજીનું મૃત્યુ થયું, એ દેશનું અપમાન છે. આપણે આ અપમાનનો બદલો લેવો પડશે. આપણે આખી દુનિયાને બતાવી દેવું પડશે કે આપણું, ભારતીય ક્રાંતિકારીઓનું અસ્તિત્વ છે અને અમે આ અમાનવીય કૃત્યનો બદલો લઈશું."
યોજના એવી ઘડાઈ કે ભગતસિંહ લાલા લજપતરાય પર લાઠી ચલાવનાર સાઉન્ડર્સને ગોળી મારશે. રાજગુરુ સ્ટૅન્ડ-બાય રહીને ભગતસિંહને કવર કરશે. જો હુમલા પછી કોઈ એમનો પીછો કરે તો પંડિતજી ઉર્ફે ચંદ્રશેખર આઝાદ એનાથી પીછો છોડાવશે.

ચંદ્રશેખર આઝાદે ચાનનસિંહ પર ગોળી છોડી

ઇમેજ સ્રોત, PUNJAB STATE ARCHIVE
સાઉન્ડર્સ જેવા પોતાના હેડ કૉન્સ્ટેબલ ચાનનસિંહની સાથે પોતાની મોટરસાઇકલ પાસે પહોંચ્યા કે તરત જ રાજગુરુએ ચિત્તાની જેમ ઊછળીને એમની છાતીમાં ગોળી ધરબી દીધી.
બીજી જ ક્ષણે ભગતસિંહ એક ઝાડ પાછળથી કૂદ્યા અને એમણે એક પછી એક છ ગોળીઓ સાઉન્ડર્સના શરીરમાં ધરબી દીધી. તત્કાળ સાઉન્ડર્સનું મૃત્યુ થઈ ગયું.
ભગતસિંહ અને રાજગુરુ દોડવા લાગ્યા. એમને પકડવા માટે ઇન્સ્પેક્ટર ફર્ન દોડ્યા. રાજગુરુએ એમના પર ફાયર કરવાની કોશિશ કરી પરંતુ એમની પિસ્તોલનો ઘોડો જામ થઈ ગયો.
ફર્ને જેવી એમને પકડવાની કોશિશ કરી તો રાજગુરુએ એમને એટલા જોરથી લાત મારી કે તેઓ દૂર જઈને પડ્યા.
રાજગુરુ અને ભગતસિંહ કૉલેજ તરફ દોડી રહ્યા હતા. એમની પાછળ હેડ કૉન્સ્ટેબલ ચાનનસિંહ દોડી રહ્યા હતા.

ઇમેજ સ્રોત, INDIAN POSTAL DEPARTMENT
લગભગ 50 ગજના અંતરેથી આઝાદ આ બધું જોઈ રહ્યા હતા. ચાનનસિંહ ભગતસિંહને પકડવાના જ હતા.
બાબુ કૃષ્ણમૂર્તિએ ચંદ્રશેખર આઝાદના જીવનચરિત્ર 'આઝાદ ધ ઇન્વિઝિબલ'માં લખ્યું છે, "એ જ સમયે પાછળથી આઝાદનો અવાજ પડઘાયો, 'ઊભા રહો.' દોડતા ચાનનસિંહે પાછળ ફરીને જોયું. આઝાદે બૂમ પાડીને કહ્યું, 'ઊભા રહો, એમનો પીછો કરવાનું છોડી દો."
ચાનનસિંહે આઝાદની વાત ન માની અને ભગતસિંહનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. જ્યારે ચાનનસિંહે આઝાદની ત્રીજી ચેતવણી પર પણ ધ્યાન ન આપ્યું ત્યારે આઝાદે ફાયર કર્યો. ગોળી વાગતાં જ ચાનનસિંહ નીચે પડી ગયા.

ઇમેજ સ્રોત, CHAMAN LAL
આઝાદ પણ ત્યાંથી ઊભા થયા અને ગાયબ થઈ ગયા. થોડેક દૂર સાઇકલો એમની રાહ જોતી હતી. ભગતસિંહે સાઇકલ ચલાવી. રાજગુરુ આગળ, એ સાઇકલના દંડા પર બેઠા.
તેઓ ઝડપથી નાભા હાઉસ બાજુ પહોંચ્યા. ત્યાં એમણે પોતાની સાઇકલ ફેંકી અને ત્રણે, ત્યાં એમની રાહ જોઈને ઊભેલી કારમાં બેસી ગયા.
બીજા દિવસે લાહોરની દીવાલો પર હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન આર્મીનાં પોસ્ટરો જોવા મળ્યાં, જેમાં લખેલું હતું, "સાઉન્ડર્સને મારી નાખીને અમે આપણા પ્યારા નેતા લાલા લજપતરાયના મૃત્યુનો બદલો લઈ લીધો."

ભગતસિંહના બદલે પોતે સેન્ટ્રલ અસેમ્બ્લીમાં બૉમ્બ ફેંકવા માગતા હતા આઝાદ

ઇમેજ સ્રોત, CHAMAN LAL
ત્યાર બાદ ક્રાંતિકારીઓએ નક્કી કર્યું કે તેઓ સેન્ટ્રલ અસેમ્બ્લીમાં બૉમ્બ ફેંકશે. આઝાદ આ કામ જાતે-પોતે કરવા માગતા હતા પરંતુ એ માટે એમના કોઈ સાથી તૈયાર ના થયા.
ત્યાર બાદ ભગતસિંહે પોતે આ જવાબદારી ઉપાડવાની રજૂઆત કરી. ચંદ્રશેખર આઝાદ એના સખત વિરોધી હતા.
પછીથી સેન્ટ્રલ કમિટીની બેઠકમાં ભગતસિંહે પોતે આ કામ કરવા માટે બધાને મનાવી લીધા. આ કામમાં એમને સાથ આપવા માટે બટુકેશ્વર દત્તની પસંદગી કરવામાં આવી.
બાબુ કૃષ્ણમૂર્તિએ લખ્યું છે, "જે દિવસે ભગતસિંહે અસેમ્બ્લીમાં બૉમ્બ ફેંકવાનો હતો, આઝાદ, ભગવતીચરણ, સુખદેવ અને વૈશમ્પાયન પણ અસેમ્બ્લીની અંદર પહોંચી ગયા હતા. જેવો પ્રશ્નકાળ શરૂ થયો એવા જ આઝાદ ઊભા થઈ ગયા. ભગતસિંહ અને દત્તે એમની તરફ જોયું."
આઝાદે હાથનો ઇશારો કરીને એમની વિદાય લીધી અને સંકેત આપ્યો કે તેઓ પોતાનું કામ આગળ વધારે. જેવું જૉર્જ શૂસ્ટરે ઊભા થઈને બિલ વિશે બોલવાનું શરૂ કર્યું કે ભગતસિંહે બૉમ્બ ફેંક્યો.
બૉમ્બના જોરદાર ધડાકા અને અતિશય ધુમાડા વચ્ચે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે સૂત્ર પોકાર્યા, 'ઇન્કિલાબ ઝિન્દાબાદ, એચએસઆરએ ઝિન્દાબાદ.' એમણે પત્રિકાઓ ઉછાળી ફેંકવાનું શરૂ કરી દીધું. સમગ્ર અસેમ્બ્લીમાં ભાગદોડ મચી ગઈ.
"માત્ર ત્રણ લોકો પોતાની જગ્યાએ શાંત બેઠા હતા, વિઠ્ઠલભાઈ પટેલ, મોતીલાલ નેહરુ અને મહમદઅલી ઝીણા. ચંદ્રશેખર એ જ દિવસે દિલ્હીથી ઝાંસી જવા રવાના થઈ ગયા."

વેશપલટો કરવામાં એક્કા આઝાદ

ઇમેજ સ્રોત, UNISTAR
ચંદ્રશેખર આઝાદનું બીજું નામ તિવારી ચંદ્રશેખર શર્મા પણ હતું. એમના શરીરનો બાંધો મજબૂત હતો, જેના કારણે ભીડમાં પણ એમને ઓળખી શકાય એમ હતા. એમના ગોળ ચહેરા પર શીતળાનાં ચાઠાં હતાં.
એમની આંખો મોટી અને ભાવપૂર્ણ હતી, જેને જોઈને કોઈ એમ ના કહી શકે કે એ કોઈ ક્રાંતિકારીની આંખો છે. એમની આંખો કોઈ કવિ અને સંતની જેમ શાંત અને સાંત્વના આપે એવી હતી.
બળવાન શરીર ધરાવતા ચંદ્રશેખર આઝાદના શરીરની માંસપેશીઓ ખૂબ મજબૂત હતી. એમના હાથ લોખંડ જેવા મજબૂત હતા. આખા દિવસમાં તેઓ સેંકડો દંડબેઠક કરતા હતા. એમનું કદ 5 ફૂટ 6 ઇંચ હતું. એમની મૂછો બંને બાજુ ઉપરની તરફ વાંકડી રહેતી હતી.
શિવ વર્માએ પોતાના પુસ્તક 'રેમિનિસેન્સેઝ ઑફ ધ ફેલો રિવોલ્યૂશનરીઝ'માં લખ્યું છે, "ચંદ્રશેખર સમય અનુસાર ઘણા પ્રકારનાં કપડાં પહેરતા હતા. ક્યારેક ક્યારેક તેઓ ધોતી, શર્ટ અને બંડી પહેરતા હતા, ત્યારે લોકો એમને ઉત્તર ભારતના અમીર વેપારી સમજતા હતા."
"ક્યારેક તેઓ કુલીનો વેશ ધારણ કરતા હતા. ત્યારે તેઓ પોતાના માથે લાલ કપડું બાંધતા હતા અને જૂનાં ફાટેલાં કપડાં પહેરતા હતા, જેમાંથી પરસેવાની ગંધ આવતી હતી. એમના જમણા બાવડે પિત્તળનો બિલ્લો એટલો સાચો લાગતો હતો કે ઘણી વાર લોકો એમને પોતાનો સામાન ઊંચકવા કહેતા હતા."
"ક્યારેક ક્યારેક તેઓ આર કરેલા શર્ટ, શૉર્ટ્સ, ફેલ્ટ હૅટ અને બૂટ પહેરતા હતા. એ વખતે ઘણા પોલીસવાળા એમને પોલીસ અફસર સમજીને સેલ્યૂટ કરતા હતા. જ્યારે તેઓ કેસરી વસ્ત્ર પહેરીને પોતાના માથે ભભૂત ચોળતા હતા ત્યારે લોકો એમને સંન્યાસી સમજીને એમને પગે લાગતા હતા."

હમેશાં જમીન પર છાપું પાથરીને એના પર સૂતા હતા આઝાદ

ઇમેજ સ્રોત, AMRIT MAHOTSAV
પરંતુ પોતાના જીવનના અંતિમ દિવસોમાં આઝાદ મોટા ભાગે ધોતી અને ઝભ્ભો પહેરતા હતા, પરંતુ ઝભ્ભા પર તેઓ જૅકેટ (કોટી) અચૂક પહેરતા, જેથી તેની અંદર તેઓ પોતાની પિસ્તોલ આસાનીથી સંતાડી શકે.
પ્રખ્યાત ક્રાંતિકારી દુર્ગાદેવીએ લખ્યું છે, "આઝાદ ક્યારેય પથારી પર નહોતા સૂતા. સામાન્ય રીતે તેઓ જમીન પર જૂનું છાપું પાથરીને એના પર જ સૂઈ જતા હતા. તેઓ ખૂબ ઓછું જમતા હતા. એમનો રોજનો ખોરાક હતો બે ફૂલકા અને ગોળના બે કટકા. જો તે પણ નસીબમાં ના હોય તો તેઓ એક આનાના શેકેલા ચણા ખરીદીને ખાઈ લેતા હતા."
"પરંતુ જ્યારે એમને શાંતિથી જમવાની તક મળતી ત્યારે તેઓ સારા ભોજનનો આનંદ પણ માણતા હતા. એમને ખીચડી વધારે પસંદ હતી. આઝાદનો નિર્દેશ હતો કે બધા ક્રાંતિકારી પોતાનું ભોજન જાતે બનાવે, તે માટે એમને ચાર આનાનું દૈનિક ભથ્થું મળતું હતું."
"આઝાદ ઝાડ પર ચઢવામાં નિપુણ હતા. એમને પોતાના શરીર પર તેલની માલિશ કરાવવી ખૂબ ગમતી હતી. તેઓ પોતે પણ સારી માલિશ કરતા હતા. નહાતાં પહેલાં તેઓ પોતાના માથાની જાતે માલિશ કરતા હતા."

જબરજસ્ત નિશાનેબાજ હતા આઝાદ

ઇમેજ સ્રોત, SUNIL RAI/BBC
ચંદ્રશેખર આઝાદનું નિશાન જબરજસ્ત હતું. પોતાના બાળપણમાં તેમણે ભીલ બાળકો સાથે તીર છોડવાનો ઘણો અભ્યાસ કર્યો હતો.
પરંતુ ક્રાંતિકારી બન્યા પછી એમણે તીર-કમાનની જગ્યાએ પિસ્તોલ અને ગોળીઓ રાખવાનું શરૂ કર્યું હતું.
ચંદ્રશેખરની નિશાનેબાજીનાં વખાણ એમના વિરોધીઓએ પણ કર્યાં હતાં.
એમના સમયમાં ઉત્તર પ્રદેશના આઇજી રહેલા હૉલિન્સે 'મેન ઓન્લી' પત્રિકાના ઑક્ટોબર, 1958ના અંકમાં લખેલું, "આઝાદની પહેલી જ ગોળી નૉટ બાવરના ખભામાં વાગી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વિશેશ્વરસિંહ આઝાદપર ગોળી છોડવાની તક માટે એક ઝાડની પાછળ છુપાયેલા હતા."
"ત્યાં સુધીમાં આઝાદને બે કે ત્રણ ગોળી વાગી ચૂકી હતી તોપણ તેમણે વિશેશ્વરસિંહના માથાનું નિશાન તાક્યું અને એ ગોળી નિશાન પર વાગી. એ ગોળીએ વિશેશ્વરનું જડબું તોડી નાખ્યું. આ આઝાદના જીવનની છેલ્લી પરંતુ સૌથી મોટી લડાઈ હતી."
હૉલિન્સે આગળ લખ્યું છે, "આઝાદ એટલા સારા નિશાનેબાજ હતા કે એમણે છોડેલી દરેક ગોળી સામેના ઝાડ પર એક માણસની સામાન્ય ઊંચાઈએ વાગી હતી. બીજી તરફ નૉટ બાવર અને વિશેશ્વરસિંહની ગોળીઓ 10¬-12 ફૂટની ઊંચાઈએ વાગી હતી. મેં મારા જીવનમાં આઝાદ કરતાં સારો નિશાનેબાજ નથી જોયો."
એનાથી પ્રતીત થાય છે કે અંતિમ સમય સુધી આઝાદનું મનસિક સંતુલન કેટલું બધું સારું હતું, સામે પક્ષે પોલીસ અંધાધૂંધ ગોળી છોડતા હતા.

પોલીસે પુરુષોત્તમદાસ ટંડનને મૃતદેહ સોંપવાનો ઇન્કાર કર્યો

ઇમેજ સ્રોત, SUNIL RAI/BBC
આઝાદના મૃત્યુ પછી પણ નૉટ બાવરની હિંમત ના થઈ કે તેઓ એમની પાસે જાય.
એમણે પોતાના એક સિપાઈને એ જોવા માટે આદેશ કર્યો કે આઝાદ જીવિત તો નથી ને. એમના પગ પર ફાયર કરો. ત્યાં સુધીમાં અલાહાબાદ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ આલ્ફ્રેડ પાર્કની આસપાસ એકઠા થવા લાગ્યા હતા.
બે મેજિસ્ટ્રેટ ખાસસાહેબ રહમાન બક્ષ અને ઠાકુર મહેન્દ્રપાલસિંહની સમક્ષ ચંદ્રશેખર આઝાદના પાર્થિવ શરીરનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
આઠ લોકોએ એમના પાર્થિવ શરીરને ઉપાડીને ગાડીમાં મૂક્યું.
લેફ્ટનન્ટ કર્નલ ટાઉનસેન્ડ અને એમના બે સાથી ડૉક્ટર ગેડ અને ડૉક્ટર રાધેમોહન લાલે આઝાદના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કર્યું.

ઇમેજ સ્રોત, RAJKAMAL PRAKASHAN
આઝાદના ગજવામાંથી 448 રૂપિયા મળ્યા. રાજર્ષિ પુરુષોત્તમદાસ ટંડનને આ બાબતની જેવી ખબર પડી તે તરત જ એમણે પોલીસને વિનંતી કરી કે એમના મૃતદેહને એમને સોંપી દેવામાં આવે, પરંતુ પોલીસે એમની વિનંતીને માન્ય ન રાખી.
બનારસથી આવતા આઝાદના સંબંધી શિવ વિનાયક મિશ્ર રસૂલાબાદ ઘાટ પહોંચે ત્યાં સુધીમાં તો ચંદ્રશેખર આઝાદનું અડધું શરીર બળી ચૂક્યું હતું. એમણે આઝાદની ચિતાને ફરીથી મુખાગ્નિ આપ્યો.
દરમિયાનમાં કમલા નેહરુ પોતાની 13 વર્ષની પુત્રી ઇન્દિરા ગાંધી અને પુરુષોત્તમદાસ ટંડનની સાથે ત્યાં પહોંચી ગયાં.
વિશ્વનાથ વૈશમ્પાયને પોતાના પુસ્તક 'અમર શહીદ ચંદ્રશેખર આઝાદ'માં લખ્યું છે, "આઝાદનાં અસ્થિઓની દર્શનયાત્રા ખદ્રર ભંડારથી કાઢવામાં આવી. લાકડાની બેઠક પર એક કાળી ચાદર પાથરવામાં આવી. યાત્રા શહેરમાં ફરીને પુરુષોત્તમદાસ પાર્ક પહોંચી."
"શહેરમાં અનેક સ્થળે અસ્થિઓ પર ફૂલો વરસાવવામાં આવ્યાં. એ દિવસે આખા શહેરમાં હડતાળ રહી. ટંડન પાર્કની સભાને અન્ય લોકો ઉપરાંત શચીન્દ્રનાથ સાન્યાલનાં પત્નીએ સંબોધિત કરી. આઝાદનાં અસ્થિઓમાંથી એક આચાર્ય નરેન્દ્ર દેવ પોતાની સાથે લઈ ગયા."

ઝાડને રાતોરાત મૂળમાંથી કાપી નંખાવાયું

ઇમેજ સ્રોત, RAJKAMAL PRAKASHAN
આલ્ફ્રેડ પાર્કમાં જે ઝાડની પાછળ આઝાદનું મૃત્યુ થયું હતું, ત્યાં ઘણી જગ્યાએ સામાન્ય લોકોએ આઝાદ લખી નાખ્યું હતું.
ત્યાંની માટીને પણ લોકો લઈ ગયા હતા. એ સ્થળે રોજ લોકોની ભીડ એકઠી થવા લાગી. લોકો ત્યાં ફૂલ ચઢાવવા લાગ્યા અને દીવો પ્રગટાવી આરતી કરવા લાગ્યા.
તેથી, એક દિવસ અંગ્રેજોએ રાતોરાત એ ઝાડને મૂળમાંથી કાપી નાખીને એનું નામોનિશાન મિટાવી દીધું અને જમીન સમતળ કરી દીધી હતી. કાપેલા ઝાડને એક સૈનિક ટ્રકમાં નાખીને બીજા સ્થળે ફેંકી દેવાયું.
ઑક્ટોબર, 1939માં એ જ જગ્યાએ બાબા રાઘવદાસે બીજું એક જાંબુનું ઝાડ રોપ્યું.
એ ઝાડ આજે પણ ત્યાં છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













