દાવત-એ-ઇસ્લામઃ ઉદયપુરની ઘટનામાં નામ સામે આવ્યું એ પાકિસ્તાનના સંગઠનનો ઇતિહાસ કેવો છે?

ઇમેજ સ્રોત, RAJSTHAN POLICE
- લેેખક, શુમાઈલા જાફરી
- પદ, બીબીસી સંવાદદાતા, ઇસ્લામાબાદ

- દાવત-એ-ઇસ્લામી એક સુન્ની ઇસ્લામિક સંગઠન છે. તેની સ્થાપના 1981માં પાકિસ્તાનમાં મહમદ ઇલ્યાસ અત્તાર કાદરીએ કરી હતી.
- આ સંસ્થાનું મુખ્યાલય કરાચીમાં છે. સંસ્થા અત્યાર સુધીમાં સુન્ની મુસ્લિમોના બરેલવી સમુદાયના હજારો લોકોને શિક્ષણ આપી ચૂકી છે.
- દાવત-એ-ઇસ્લામી પાકિસ્તાનની 820 શાળાઓમાં 55,000થી વધુ વિદ્યાર્થીઓને મફત ઇસ્લામિક કોર્સ દરસ-એ-નિઝામી ભણાવ્યું હોવાનો દાવો કરે છે.

રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્યામાં પાકિસ્તાનસ્થિત દાવત-એ-ઇસ્લામી સંગઠનનું નામ સામે આવ્યું છે. કનૈયાલાલની હત્યાના આરોપીઓનું પાકિસ્તાન કનેક્શન પણ સામે આવી રહ્યું છે.
રાજસ્થાનના અધિકારીઓએ કહ્યું છે કે કનૈયાલાલની હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી એક ગૌસ મહમદ આઠ વર્ષ પહેલાં પાકિસ્તાન ગયો હતો અને પાકિસ્તાન ફોન કરતો રહેતો હતો.
રાજસ્થાનના ડીજીપી એમએલ લાઠરે કહ્યું છે કે ગૌસ મહમદ કરાચીમાં દાવત-એ-ઇસ્લામીની ઑફિસમાં ગયો હતો.
દાવત-એ-ઇસ્લામી એક સુન્ની ઈસ્લામિક સંગઠન છે. તેની સ્થાપના 1981માં પાકિસ્તાનમાં મહમદ ઇલ્યાસ અત્તાર કાદરીએ કરી હતી.
કરાચીસ્થિત દાવત-એ-ઇસ્લામી પોતાને એક બિન-રાજકીય સંગઠન તરીકે ઓળખાવે છે. સંસ્થા અનુસાર, તે વિશ્વભરના મુસ્લિમોના ધાર્મિક ગ્રંથો, કુરાન અને પયગંબર મહમદના ઉપદેશોનો પ્રચાર કરે છે.
1981માં શરૂ થયેલી આ સંસ્થાનું મુખ્યાલય કરાચીમાં છે. દાવત-એ-ઇસ્લામી વેબસાઇટ અનુસાર, મહમદ ઇલ્યાસ અત્તાર કાદરીએ સંસ્થાની સ્થાપના લોકોને અલ્લાહ દ્વારા બતાવેલા માર્ગ પર ચાલવા, ઇસ્લામનું શિક્ષણ આપવા અને સમાજની ગંદકીને સાફ કરવાના ઉદ્દેશ્ય સાથે કરી હતી.
સંસ્થા અત્યાર સુધીમાં સુન્ની મુસ્લિમોના બરેલવી સમુદાયના હજારો લોકોને શિક્ષણ આપી ચૂકી છે. સંસ્થાના સ્થાપકો સંસ્થાની ટીવી ચેનલ અને મૅગેઝિન દ્વારા લોકોને નિયમિત રીતે ધાર્મિક શિક્ષણ આપે છે. આ ઉપરાંત સંસ્થા પોતાના સ્વયંસેવકોની મદદથી અન્ય સામાજિક કાર્યો પણ કરે છે.
દાવત-એ-ઇસ્લામી પાકિસ્તાનની 820 શાળાઓમાં 55,000થી વધુ વિદ્યાર્થીઓને મફત ઇસ્લામિક કોર્સ દરસ-એ-નિઝામી ભણાવ્યું હોવાનો દાવો કરે છે. તેમજ દાવા અનુસાર, દેશના 3500 મદરેસામાં 1.75 લાખ વિદ્યાર્થીઓને કુરાન ભણાવવામાં આવ્યું છે. યુકે, યુએસએ, કૅનેડા અને અન્ય દેશોમાં પણ આ સંસ્થાની શાખા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

બરેલવી સમાજની સંસ્થા

ઇમેજ સ્રોત, YT
વ્યૂહાત્મક અને રાજકીય વિશ્લેષક મોહમ્મદ અમીર રાણાના જણાવ્યા અનુસાર, વિશ્વવ્યાપી પહોંચ હોવા છતાં આ સંસ્થાનું નામ અગાઉ કોઈ પણ હિંસક પ્રવૃત્તિ સાથે સંકળાયેલું ન હતું, સંસ્થાના વડાએ ક્યારેય કોઈ જાહેર મંચ પરથી હિંસાને સમર્થન આપ્યું નથી.
મોહમ્મદ અમીર રાણાએ કહ્યું, "આ લોકોએ અત્યાર સુધી પોતાને હિંસા અને રાજકારણથી દૂર રાખ્યા છે. આ એક સંપૂર્ણ ધાર્મિક સંસ્થા છે જે ઇસ્લામ શીખવે છે અને લોકોના કલ્યાણ માટે કામ કરે છે."
મોહમ્મદ અમીરના કહેવા પ્રમાણે, "કોઈ પણ વ્યક્તિ સંગઠનનો સભ્ય બની શકે છે, પરંતુ અહીં જમાત-એ-ઇસ્લામી અને અન્ય ધાર્મિક સંગઠનોની જેમ સભ્યપદ આપવામાં આવતું નથી. કોઈ પણ આવીને સીધા જોડાઈ શકે છે.
આ સંસ્થા બરેલવી સમાજના લોકોની સંસ્થા છે અને આ સમાજની અન્ય સંસ્થા સાથે પણ સંકળાયેલી છે.
પરંપરાગત રીતે બરલેવી સમાજને શાંતિપ્રિય અને ઇસ્લામની આધ્યાત્મિકતામાં વિશ્વાસ ધરાવતો સમાજ માનવામાં આવે છે. પરંતુ એવા કટ્ટરપંથી બરલેવી જૂથો પણ છે જે હિંસક કૃત્યો કરી શકે છે, ખાસ કરીને જ્યારે પયંગબર મહમદના અપમાનની વાત આવે છે. આ સમાજ પોતાને આશિક-એ-રસૂલ એટલે કે પયગંબર મહમદનો પ્રેમી ગણાવે છે.

કટ્ટરપંથીમાં વધારો થયો છે

ઇમેજ સ્રોત, ANI
છેલ્લા બે દાયકાથી પાકિસ્તાનનાં ધાર્મિક સંગઠનોને કવર કરતા કરાચીસ્થિત પત્રકાર ઝિયાઉર રહેમાન પણ મોહમ્મદ અમીર રાણા સાથે સહમત છે.
ઝિયાઉર કહે છે, "મારું બાળપણ કરાચીમાં વીત્યું હતું, તેથી દાવત-એ-ઇસ્લામી મારા જીવનનો પણ એક ભાગ રહ્યો છે. આસપાસ તેમનાં કેન્દ્રો અને મદરેસાઓ છે. પરંતુ કોઈ વિવાદમાં તેમનું નામ સાંભળવામાં આવ્યું નથી."
ઝિયાઉરના મતે, બરેલવી સમાજ પરંપરાગત રીતે ભલે વધુ શાંતિપ્રિય ગણાતો હોય પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ સમુદાયમાં પયગંબર મહમદ વિશે કટ્ટરતા વધી છે.
ઝિયાઉર કહે છે, "પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગવર્નર સલમાન તાસીરની હત્યાના આરોપમાં મુમતાઝ કાદરીને ફાંસી આપ્યા બાદ બરેલવી સંગઠનોમાં કટ્ટરપંથીતા વધી છે. તેઓ પયગંબર મહમદ સાથે જોડાયેલા મામલાને લઈને વધુ હિંસક બની રહ્યા છે."
મુમતાઝ કાદરી સલમાન તાસીરના અંગરક્ષક હતા અને તેમની 2011માં હત્યા કરવામાં આવી હતી, કારણ કે તેમને લાગ્યું હતું કે પંજાબના ગવર્નરે પયંગબર મહમદનું અપમાન કર્યું છે. કાદરીને 2016માં ફાંસી આપવામાં આવી હતી ત્યારે બરલેવી સમુદાયના હજારો લોકો તેમના અંતિમસંસ્કારમાં જોડાયા હતા.
દાવત-એ-ઇસ્લામી સંગઠનના સભ્યોએ પણ કાદરી માટેની દુઆમાં ભાગ લીધો હતો.
ઝિયાઉરના કહેવા પ્રમાણે, સંગઠનના લોકો પર અત્યાર સુધી કોઈ આરોપો નથી લાગ્યા, પરંતુ સંભવ છે કે સંગઠનના કેટલાક સમર્થકોમાં કટ્ટરપંથમાં વધારો થયો હોઈ શકે.

પાકિસ્તાનનો જવાબ

ઇમેજ સ્રોત, REUTERS/AKHTAR SOOMRO
રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારે કનૈયાલાલ નામના દરજીનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આરોપી મહમદ રિયાઝ અને ગૌસ મહમદે હત્યાનો વીડિયો બનાવ્યો હતો અને કહ્યું હતું કે પયગંબરનું અપમાન કરનારાઓને આવી જ સજા મળશે.
બંનેએ હત્યાની કબૂલાત કરી છે. કનૈયાલાલ પર ભાજપનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં ફેસબુક પર પોસ્ટ કરવાનો આરોપ હતો.
નૂપુર શર્માએ મેના અંતમાં એક ટીવી ડિબેટમાં પયંગબર મહમદ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. બાદમાં ભાજપે નૂપુર શર્માને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધાં હતાં.
ભારતમાં ચાલી રહેલી તપાસ બાદ આરોપો અંગે પ્રતિક્રિયા મેળવવાના વારંવાર પ્રયાસો કરવા છતાં બીબીસી દાવત-એ-ઇસ્લામીના પ્રવક્તા સાથે સંપર્ક કરી શકી નથી.
અલબત્ત, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ આરોપોને નકારી કાઢ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે કહ્યું, "અમે ભારતીય મીડિયામાં એવા અહેવાલો જોયા છે, જેમાં ઉદયપુરની ઘટનાને પાકિસ્તાન સાથે જોડવામાં આવી રહી છે. અમે આ આરોપને નકારીએ છીએ."
"ભારતમાં ભાજપ-આરએસએસ સરકાર હંમેશાં તેના આંતરિક મુદ્દાઓને લઈને પણ પાકિસ્તાન પર આંગળી ચીંધતી રહી છે. આવું બદનામ કરનારું અભિયાન કામ નહીં આવે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો














