આરબી શ્રીકુમાર : એ પોલીસ અધિકારી જેમની સરકારને બદનામ કરવાના આરોપમાં ધરપકડ કરાઈ
- લેેખક, રૉકસી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા
ધરપકડ બાદ પોતાના વકીલ સાથે સતત ચર્ચામાં રહેલા ગુજરાત પોલીસના પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમાર કદાચ એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હશે કે તેમની ધરપકડ પાછળ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો શું ઇરાદો છે.
એક સમયે તેમની સામે આવતા ફફડતા પોલીસ કર્મચારીઓ હવે એ ધ્યાન રાખી રહ્યા હતા કે આ રિટાયર્ડ ડીજીપી કોઈ પત્રકાર સાથે વાત ન કરી લે.
શ્રીકુમારની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શનિવારના રોજ કરી હતી.
શુ્ક્રવારે 2002ના રમખાણોના મામલે નરેન્દ્ર મોદી તથા અન્યોને મળેલી ક્લીનચિટને પડકારતી ઝકિયા જાફરીની અરજી પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શનિવારે ક્રાઇમ બ્રાન્ચે તેમને સમન્સ પાઠવ્યા હતા અને જ્યારે તેઓ ક્રાઇમ બ્રાન્ચમાં આવ્યા ત્યારે તેમની ધરપકડ કરી લેવાઈ હતી.
પોતાની ઇમાનદારી માટે ઓળખાતા આ પોલીસ અધિકારીની આ ધરપકડ વિશે સાંભળીને અનેક લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.

ઇમેજ સ્રોત, AFP/Getty
1971માં ગુજરાત કેડરમાં આઈપીએસ તરીકે નોકરી પામેલા શ્રીકુમાર ઇતિહાસ વિષયમાં અનુસ્નાતક છે. તેમણે ક્રિમિનોલૉજીમાં એલએલએમનો અભ્યાસ પણ કરેલો છે.
તેઓ સંસ્કૃત ભાષામાં પણ પારંગત છે. રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોનો તેમણે ઊંડો અભ્યાસ કરેલો છે.
આશરે 34 વર્ષની પોતાની પોલીસ કારકિર્દી દરમિયાન તેઓ અનેક જિલ્લાના વડા રહી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેની સાથે-સાથે તેમણે ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં પણ લાંબા સમય સુધી કામગીરી કરી છે. કચ્છમાં આંતરરાષ્ટ્રીય સ્તરે દાણચોરીની તપાસ કરવા માટે તેમને ગુજરાતના લોકો યાદ કરે છે.
જોકે, સામાન્ય રીતે બેદાગ રેહલી તેમની કારકિર્દીમાં ઇસરોના એક વૈજ્ઞાનિક પર કરેલા તેમના કેસ માટે તેમની ટીકા થઈ હતી.
તેઓ કેરળના થિરુવનંતપુરતમાં સબસિડિયરી ઇન્ટલિજન્સ બ્યૂરોમાં હતા ત્યારે ઇસરના વૈજ્ઞાનિક નમ્બી નારાયણન સામે દેશ વિરુદ્ધ કથિત કામગીરી કરવા બદલ કેસ કરવામાં આવ્યો હતો.
જોકે તે કેસ કોર્ટમાં સાબિત ન થતાં કેરળ સરકારે નારાયણનને આશરે 50 લાખ રૂપિયાની રકમ ચુકવવી પડી હતી અને ત્યારબાદ 2001માં શ્રીકુમારને પાછા ગુજરાત મોકલી દેવામાં આવ્યા હતા.
જોકે શ્રીકુમાર વિશે લોકોમાં અને સરકારમાં ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે તેઓ નાણાવટી મહેતા કમિશનમાં સૌપ્રથમ વખત આવ્યા હતા, અને પોતાની ઍફિડેવિટ કરી હતી જેમાં તેમણે ઘણી માહિતિનો ઘટસ્ફોટ કર્યો હતો જે પહેલાં કોઈ પણ પોલીસ અધિકારીએ કરી નહોતી.
તેમણે એક પછી એક નવ ઍફિડેવિટ નાણાવટી કમિશનમાં કરી હતી, જેમાં મુખ્યત્વે તેમણે પોલીસની કામગીરી, પોલીસ અને સરકારની કામગીરી, સરકાર તરફથી મળતી મૌખિક સૂચનાઓ, હિન્દુ-મુસ્લિમ સમાજ વચ્ચે વધી રહેલા સંઘર્ષ, તેમજ ગુજરાતના તોફાનો બાદ ગુજરાતની રાજકીય અને સામાજિક પરિસ્થિતિનો ચિતાર આપતી માહિતી કમિશનમાં રજૂ કરી હતી.
શ્રીકુમાર વિરુદ્ધ પોલીસ તપાસ કરનારા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ચૈતન્ય માંડલિકને જ્યારે બીબીસી ગુજરાતીએ સવાલ કર્યો હતો, કે શ્રીકુમાર પર ફરિયાદ કરવા માટે પોલીસ પાસે શું પુરાવા છે તો તેમણે કહ્યું હતું કે, "શ્રીકુમારની ઍફિડેવિટ જ તેમની સામે પુરાવા તરીકે ઉપયોગમાં કરવામાં આવશે."
તેમની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા વરિષ્ઠ ઍડવોકેટ આનંદ યાજ્ઞિક કહે છે કે, "કમિશન ઑફ ઇન્કવાયરીઝના કાયદા પ્રમાણે તેમણે જે માહિતી આપી છે, તે માહિતી ન્યાયની પ્રક્રિયાને સાહયરૂપ થવા માટે આપી છે, અને તેમને આ માહિતી આપવા બદલ પૂરતું રક્ષણ મળવું જોઈએ, તેની જગ્યાએ પોલીસ જ તેમની વિરુદ્ધ ફરિયાદ કરીને તેમને રિમાન્ડ પર લઈ લીધા છે."
"આ પગલું ગેરવ્યાજબી, ગેરકાયદેસર તેમજ બંધારણની વિરુદ્ધ છે. તેમણે એ પણ કહ્યું કે શ્રીકુમાર પોતે પોતાની રીતે કમિશનની સામે નહોતા ગયા, પરંતુ કમિશને જ્યારે અખબારમાં જાહેરાત આપી કે જે કોઈની પાસે તોફાનની માહિતી હોય તો ન્યાયની પ્રક્રિયામાં સાથ આપવા માટે સામે આવે અને કમિશનને માહિતી આપે, ત્યારબાદ શ્રીકુમારે પોતાની પ્રથમ ઍફિડેવિટ રજૂ કરી હતી."
હાલમાં, તેમની ઉપર આરોપ છે કે "તેમણે પોતાની નોકરી દરમિયાન મળેલી સરકારી માહિતી બહાર પાડી હતી, તેની સાથે-સાથે પોલીસની નોકરી થકી મળેલી સત્તાનો દુરુપયોગ કર્યો હતો અને તિસ્તા સેતલવાડ તેમજ સંજીવ ભટ્ટ સાથે મળીને તેમણે સરકારને બદનામ કરવા માટે એક કાવતરું રચ્યું હતું."
હાલમાં તેઓ તારીખ પહેલી જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર છે.

ગુજરાતના તોફાનો અને શ્રીકુમારની ઍફિડેવિટ

ઇમેજ સ્રોત, AFP/Getty
શ્રીકુમારે પોતાની પ્રથમ ઍફિડેવિટ છ જુલાઈ 2002ના રોજ કમિશનની સામે રજૂ કરી હતી. તે દરમિયાન તેઓ સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં એડીજીપી તરીકે ફરજ બજાવતા હતા. તેમણે પોતાની બીજી ઍફિડેવિટ, બે વર્ષ બાદ છ ઑક્ટોબર 2004ના દિવસે રજૂ કરી હતી.
જોકે આ પ્રથમ બે ઍફિડેવિટમાં તેમણે કોઈ પણ સ્થળે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી કે કોઈ પણ ઉચ્ચ અધિકારીઓની સંડોવણી વગેરેની માહિતી ન આપી હતી. ત્યારબાદ તેમની ત્રીજી ઍફિડેવિટમાં તેમણે રમખાણો પાછળ એક મોટા ચિત્રની વાત કરી હતી જેમાં નરેન્દ્ર મોદી અને બીજા નેતાઓની સંડોવણી હોઈ શકે તેવી વાત કરી હતી.
જોકે તેમની આ ઍફિડેવિટ પછી ઝકિયા જાફરીએ 63 લોકોની વિરુદ્ધ ફરિયાદ કરી જેમાં તે સમયના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ કર્યો હતો.
ત્યારબાદ એસઆઈટીની કામગીરી વધી ગઈ હતી તથા ગોધરાકાંડ અને ત્યારબાદના રમખાણોની તપાસ ઝકિયા જાફરીની આ ફરિયાદની આસપાસ જ ફરી હતી.
ઝકિયાએ એસઆઈટી સામે પોતાની રજૂઆતોમાં અનેક વખત કહ્યું છે કે, "શ્રીકુમારની ઍફિડેવિટમાં આપેલી માહિતી પ્રમાણે તપાસ થઈ નથી. શ્રીકુમારે એ માહિતી આપી હતી કે તેમણે તારીખ 24 ફેબ્રુઆરી 2002, 20 ઑગસ્ટ 2002, 28 ઑગસ્ટ 2002, તેમજ 15 જૂન 2022ના રોજ ઇન્ટેલિજન્સના ફૅક્સ મૅસેજ મોકલ્યા હતા, જેમાં હિન્દુ-મુસ્લિમ હુલ્લડો બાદ રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે કડક પગલાંની જરૂરિયાત વગેરેની માહિતી ડીજીપીને આપી હતી. આ મૅસેજ ત્યારબાદ તેમની ઍફિડેવિટનો એક ભાગ બન્યો હતો. "
તેમની તમામ ઍફિડેવિટની માહિતીનો સારાંશ કાઢવામાં આવે તો કહી શકાય કે 2002નાં હુલ્લડો પહેલાંથી જ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે નફરતનો ફેલાવવાનો માહોલ છે અને તે માટે પગલાં લેવાની જરૂર છે. પરંતુ આઈબીના એડીજીપી તરીકેના તેમના મૅસેજ પર કોઈ કામ કરવામાં આવ્યું ન હતું, તેવી માહિતી તેમણે એસઆઈટીને આપી હતી.
જોકે હાલમાં તો પોલીસનો આરોપ છે કે "શ્રીકુમાર, તિસ્તા સેતલવાડ અને સંજીવ ભટ્ટ ત્રણેય સાથે મળીને સરકારની સામે અને સરકારને બદનામ કરવાનું કામ કરી રહ્યાં હતાં."
સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચુકાદામાં નોધ્યું છે કે, એસઆઈટી સમક્ષ તારીખ 20 ઑક્ટોરબ 2010ના રોજ પોતાનો જવાબ લખાવતી વખતે તેમણે કહ્યું હતું કે શ્રીકુમાર જે સંસ્થા સાથે કામ કરે છે તેની સાથે તિસ્તા સેતલવાડ પર જોડાયેલાં હતાં. ઝકિયા જાફરીએ એસઆઈટી સમક્ષની ઊલટતપાસ વખતે એ પણ કહ્યું છે કે શ્રીકુમાર સરકારથી નારાજ હતા.
ઉપરની તમામ માહિતી હાલમાં શ્રીકુમારની વિરુદ્ધમાં કેસ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે.
ઇલેક્શન કમિશનને વહેલી ચૂંટણી યોજવાની ના કેમ પાડી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીકુમારે નવમી એપ્રિલ 2005ના રોજ નાણાવટી કમિશનમાં રજૂ કરેલી પોતાની ત્રીજી ઍફિડેવિટમાં નોંધ્યુ હતું કે તે સમયના એસીએસ હોમ જી.સી. મુર્મૂએ તેમને સૂચના આપી હતી કે તે સમયના ચૂંટણીપંચના વડા જે.એમ. લિન્ગદોહને એવો રિપોર્ટ આપવો પડશે જે બાદ રાજ્યમાં પહેલી ચૂંટણી યોજવામાં કોઈ તકલીફ ન પડે.
જોકે શ્રીકુમારે આવો રિપોર્ટ આપ્યો ન હતો.
જોકે ત્યારબાદ તેમની ટ્રાન્સફર પોલીસ રિફોર્મસમાં થઈ ગઈ હતી અને રિટાયરમેન્ટ સુધી તેઓ ત્યાં જ રહ્યા હતા. પોતાના રિટાયરમેન્ટના છેલ્લા દિવસે તેમને ડીજીપી તરીકેની બઢતી, એક લાંબી કાયદાકીય લડાઈ બાદ મળી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













