ગાંધીનગર : કોરોનામાં 26 વર્ષના એકમાત્ર પુત્રને ગુમાવનાર દંપતીને ત્યાં ફરી પુત્રનો જન્મ, આઈવીએફથી બન્યાં માતાપિતા

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કોરોના મહામારીમાં સ્વજનો ગુમાવનારા ગુજરાતના હજારો પરિવારોની જેમ ગાંધીનગરના મગનભાઈ ભગોરાના પરિવારે પણ પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો હતો.

પરંતુ 58 વર્ષના મગનભાઈના પરિવારમાં ફરી એક વાર નવજાત પુત્રની કિલકાર ગુંજી ઊઠ્યો છે.

મગનભાઈ તેમનાં પત્ની અને બાળક સાથે

ઇમેજ સ્રોત, laxmi patel

ઇમેજ કૅપ્શન, મગનભાઈ તેમનાં પત્ની અને બાળક સાથે

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રહેતા એક 58 વર્ષીય પિતા અને 50 વર્ષીય માતાએ કોરોનાની મહામારીમાં પોતાનો એકનો એક 26 વર્ષીય દીકરો ગુમાવ્યો હતો.

લોકસેવામાં કાર્યરત્ એવા પુત્રને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું, પછી તે સંક્રમણની અસર ફેફસાં સુધી પહોંચી હતી. આખરે ગંભીર ઇન્ફેક્શનથી પીડાતા એ પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું.

26 વર્ષના પુત્રના અચાનક અવસાનથી માતા-પિતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને દંપતી માનસિક તણાવમાં સરી પડ્યું હતું.

ડિપ્રેશનની સ્થિતિમાંથી બહાર આવવા અને પરિવારમાં ફરી ખુશીઓ આવે તે માટે તેમણે આઈવીએફ ટ્રીટમેન્ટથી ફરી માતા-પિતા બનવાનું નક્કી કર્યું હતું.

પરિવારમાં ફરી ખુશીઓ આવે તે માટેની ઇચ્છા અને મેડિકલ ટેકનૉલૉજીની મદદથી 26 વર્ષનો પુત્ર ગુમાવનારાં માતા-પિતાએ આઈવીએફ ટ્રીટમેન્ટનો સહારો લીધો અને આઈવીએફ ટ્રીટમેન્ટની પ્રથમ સાઇકલમાં ગર્ભાધાન થયું હતું, અને રથયાત્રાના દિવસે સિઝેરિયનથી માતાએ પોણા ત્રણ કિલોના તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો.

line

'અમારો દીકરો ગણતરીના કલાકોમાં મૃત્યુ પામ્યો'

કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા હતા

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, કોરોનાની બીજી લહેરમાં અનેક લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા હતા

ગાંધીનગર આરોગ્ય વિભાગના કર્મચારી મગનભાઈ ભગોરા હાલમાં જ નિવૃત્ત થયા છે.

પુત્રના અવસાન બાદ ફરી પિતા બનવાના અનુભવ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, "કોરોના મહામારીની બીજી લહેરમાં કોરોનાના દર્દીઓની મદદ કરતા મારા 26 વર્ષીય પુત્રે જીવ ગુમાવ્યો હતો. અમે અમારા પુત્રનાં લગ્ન માટે છોકરી શોધતા હતા."

"ત્યારે જ અમારા પુત્રને કોરોના સંક્રમણ થયું હતું અને ગણતરીના કલાકોમાં જ તે મૃત્યુ પામ્યો હતો."

"અમારું જીવન અંધકારમય બની ગયું હતું. હું અને મારાં પત્ની પુત્રવિયોગથી આઘાતમાં સરી પડ્યાં હતાં."

તેઓ કહે છે, "અમારી તકલીફ જોઈને એક મિત્રની સલાહથી આઈવીએફ ટ્રીટમેન્ટ માટે અમદાવાદના આંબાવાડીમાં 'પ્લૅનેટ વુમન' હૉસ્પિટલના ડૉ. મેહુલ દામાણી અને ડૉ. સોનલ દામાણીને મળ્યા હતા."

"ડૉ. દામાણીએ અમારી સ્થિતિ જાણીને તપાસ બાદ આઈવીએફ ટ્રીટમેન્ટ શરૂ કરી હતી."

"અને જાણે ભગવાન પણ અમારો ગુમાવેલો પુત્ર પરત કરવા માગતો હોય એમ 50 વર્ષની વયે રથયાત્રાને દિવસે જ મારાં પત્નીએ પોણા ત્રણ કિલોના તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. હું ખૂબ ખુશ છું."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

પ્લૅનેટ વુમન હૉસ્પિટલના ડૉ. મેહુલ દામાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે 40 કે 45 વર્ષની ઉંમરમાં મહિલાઓને ગર્ભવતી બનવામાં શારીરિક તકલીફ પડતી હોય છે."

"મહિલાઓનાં સ્ત્રીબીજ શૂન્ય થઈ જાય છે, તેમજ મૅનોપૉઝ કે પ્રિ-મૅનોપૉઝની તકલીફ થાય છે. મહિલાઓની વધુ ઉંમર થવાને કારણે શારીરિક ક્ષમતા પણ ઘટી જાય છે."

"જેને કારણે ક્યારેક મોટી ઉંમરે ગર્ભવતી બનતી મહિલાઓમાં બ્લડપ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી બીમારી પણ જોવા મળતી હોય છે."

"આ કેસમાં મગનભાઈનો યુવાન દીકરો કોરોનામાં મૃત્યુ પામ્યો હતો, જેથી તેમણે ફરીથી બાળક લાવવાનું વિચાર કર્યો હતો. મગનભાઈ અને તેમનાં પત્ની અમારી હૉસ્પિટલમાં આવ્યાં હતાં. ત્યાર બાદ અમે તેમના યુટ્રેસ અને હોર્મોન્સ અંગેના ટેસ્ટ કર્યા હતા."

ડૉ. મેહુલ કહે છે કે તેમનાં પત્નીનું યુટ્રેસ સારું હતું. હોર્મોન્સ થોડાક ડાઉન હતા. અમે હોર્મોન્સની દવા આપીને ઍક્ટિવ કર્યા હતા. બહેનને આઈવીએફ ટ્રીટમેન્ટની પ્રથમ સાઇકલમાં જ હકારાત્મક પરિણામ મળ્યું હતું અને તેઓ ગર્ભવતી બન્યાં હતાં.

"મોટી ઉંમરની પ્રેગનન્સી હોવાથી અમે તેમનું બ્લડપ્રેશર અને ડાયાબિટીસ વધે નહીં તે અંગે રેગ્યુલર ચેકઅપ કરતા હતા, તેમજ ધ્યાન રાખતા હતા. તેમને હોર્મોનલ સપોર્ટ માટેની દવા આપવામાં આવતી હતી. આ સિવાય તેમને કોઈ પણ પ્રકારની મોટી તકલીફ પડી ન હતી."

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "તેઓને ડિલિવરી નવ મહિના બાદ થઈ હતી. સંપૂર્ણ સમય બાદ તેમને સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હતી."

"તેમણે સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો હતો. માતા તેમજ બાળક બંને સ્વસ્થ છે. બંનેને હૉસ્પિટલમાંથી ત્રણ દિવસમાં રજા આપી દેવામાં આવી હતી."

line

હવે મોટી ઉંમરે આવીએફથી માતા-પિતા બની શકાશે?

ડૉ. મેહુલ દામાણી

ઇમેજ સ્રોત, laxmi patel

ઇમેજ કૅપ્શન, ડૉ. મેહુલ દામાણી

મોટી ઉંમરે ડિલિવરી અંગે વાત કરતા ડૉ. દામાણી જણાવે છે કે, "મારાં 27 વર્ષની પ્રેક્ટિસ દરમિયાનમાં અમારી હૉસ્પિટલમાં 50 જેટલાં મોટી ઉંમરનાં દંપતી માતા-પિતા બન્યાં છે."

"સામાન્ય રીતે કેટલાક કિસ્સામાં બાળકનું કોઈ રીતે આકસ્મિક મૃત્યુ થયું હોય ત્યારે મોટી ઉંમરે માતા-પિતા બનવા માગતા હોય છે."

"ગામડાંઓમાં આઈવીએફ અંગે જાણકારી ન હોવાના કારણે પણ ક્યારેક પ્રથમ વાર જ મોટી ઉંમરે માતા-પિતા બનતાં હોય છે."

"ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં એક મહિલા 60 વર્ષે આઈવીએફ ટ્રીટમેન્ટથી પ્રથમ વાર માતા બન્યાં હતાં. અમારી હૉસ્પિટલમાં મોટી ઉંમરે માતા-પિતા બનવાના દર વર્ષે એક કે બે કેસ બનતા હોય છે."

ડૉ. દામાણીએ વધુમાં જણાવ્યું હતું કે, "જાન્યુઆરી મહિનામાં નવો કાયદો અમલમાં આવ્યો છે, જેને લઈને એપ્રિલ મહિનામાં જે અંગે ગૅઝેટ બહાર પાડવામાં આવ્યું છે જેમાં 50 વર્ષથી વધુ ઉંમરની મહિલા અને 55 વર્ષથી વધુ ઉંમરના પુરુષ હોય તો તેઓ આઈવીએફ ટ્રીટમેન્ટથી માતા-પિતા બની શકશે નહીં."

આ અંગે ડૉ. દામાણીએ વધુમાં જણાવ્યું હતું કે "મગનભાઈ અને તેમની પત્ની એપ્રિલ મહિના બાદ જો બાળક લાવવા ઇચ્છતા હોત તો કાયદાથી પ્રતિબંધ હોવાથી તેઓ આઈવીએફ ટ્રીટમેન્ટથી માતા-પિતા ન બની શક્યાં હોત."

ઉલ્લેખનીય છે કે, આ કાયદો અમલી બન્યાના ગણતરીના મહિનાઓ પહેલાં આ દંપતીની આઈવીએફ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી.

જોકે, હવે આ પ્રકારે મોટી ઉંમરે આઈવીએફ ટ્રીટમેન્ટથી માતા-પિતા બની શકાશે નહીં, કેમ કે સરકારે હવે આ પ્રકારે મોટી ઉંમરે આઈવીએફ ટ્રીટમેન્ટથી ગર્ભાધાન ઉપર પ્રતિબંધ લગાડી દીધો છે.

line

શું છે IVF પદ્ધતિ?

આઈવીએફ

ઇમેજ સ્રોત, Science Photo Library

ઇમેજ કૅપ્શન, અમુક સંજોગોમાં લેવાયેલા વીર્યના સૅમ્પલની મદદથી એક કરતાં વધુ વખત માતા બની શકે છે.

IVF એ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનનું ટૂંકું સ્વરૂપ છે, જે ART (આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનૉલૉજી)નો એક ભાગ છે. નિઃસંતાન દંપતીઓ સંતતિ મેળવવા માટે તેની મદદ લેતા હોય છે.

કોઈ દંપતીને સંતાનપ્રાપ્તિમાં મુશ્કેલી આવતી હોય, ત્યારે આઈવીએફનો ઉપયોગ કરી શકાય છે. IVF ગર્ભધારણની એક કૃત્રિમ પદ્ધતિ છે. આ પ્રક્રિયાથી જન્મેલા બાળકને ટેસ્ટટ્યૂબ-બેબી કહેવાય છે.

આ પદ્ધતિમાં સ્ત્રીનાં અંડબીજ અને પુરુષના શુક્રાણુને લૅબોરેટરીમાં એકસાથે રાખીને ફળદ્રુપ કરવામાં આવે છે. એ પછી ગર્ભને મહિલાના ગર્ભાશયમાં ખસેડવામાં આવે છે.

સ્ત્રીનાં અંડબીજ તથા પુરુષનાં શુક્રાણુઓનું લૅબોરેટરીમાં કસનળીમાં મિલન કરાવવામાં આવે છે. ત્યારબાદ તૈયાર થતાં ભ્રૂણને મહિલા (અને કેટલાક કિસ્સામાં સરોગેટ મધર)ના ગર્ભમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે.

એક જ વખતમાં મહિલા માતૃત્વ ધારણ કરી લે તેવું નથી હોતું અને સામાન્યતઃ બેથી ચાર પિરિયડ સાઇકલમાં ગર્ભધારણ થતું હોય છે.

અમુક સંજોગોમાં લેવાયેલા વીર્યના સૅમ્પલની મદદથી એક કરતાં વધુ વખત માતા બની શકે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન