IVF : કચ્છનાં દાદી 70 વર્ષની ઉંમરે જેનાથી માતા બન્યાં, એ પદ્ધતિ શું છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કચ્છમાં 70 વર્ષનાં મહિલાએ લગ્નનાં 45 વર્ષ બાદ બાળકને જન્મ આપ્યો છે. કચ્છના રાપર તાલુકાના મોરા ગામનાં 70 વર્ષીય જીવુબહેન રબારીએ લગ્નનાં 45 વર્ષ બાદ ટેસ્ટટ્યૂબની મદદથી બાળકને જન્મ આપ્યો છે.
જીવુબહેન અને તેમના 75 વર્ષીય પતિ વાલજીભાઈ રબારી છેલ્લા ચાર દાયકા કરતાં વધુ સમયથી સંતાન માટે ઝંખતાં હતાં અને હવે તેમની ઇચ્છા પૂરી થઈ છે.

ઇમેજ સ્રોત, Prashant Gupta
તેમણે ભુજની ખાનગી હૉસ્પિટલમાં ડૉ. નરેશ ભાનુશાળીની મદદ લીધી હતી.
શરૂઆતમાં કેટલાક તબીબોએ આ વાતને અશક્ય ગણાવી દીધી હતી, પરંતુ બાદમાં ડૉ. ભાનુશાળીએ આ કિસ્સામાં પ્રયાસો કરવાનું વિચાર્યું અને જીવુબહેનની આઈવીએફ ટ્રીટમૅન્ટ શરૂ કરાઈ હતી.
જે IVF પદ્ધતિની મદદથી જીવુબહેન માતા બની શક્યાં, એ પદ્ધતિ શું છે?

શું છે IVF પદ્ધતિ?

ઇમેજ સ્રોત, SPL
IVF એ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનનું ટૂંકું સ્વરૂપ છે, જે ART (આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનૉલૉજી)નો એક ભાગ છે. નિઃસંતાન દંપતીઓ સંતતિ મેળવવા માટે તેની મદદ લેતા હોય છે.
કોઈ દંપતીને સંતાનપ્રાપ્તિમાં મુશ્કેલી આવતી હોય, ત્યારે આઈવીએફનો ઉપયોગ કરી શકાય છે. IVF ગર્ભધારણની એક કૃત્રિમ પદ્ધતિ છે. આ પ્રક્રિયાથી જન્મેલા બાળકને ટેસ્ટટ્યૂબ-બેબી કહેવાય છે.
આ પદ્ધતિમાં સ્ત્રીનાં અંડબીજ અને પુરુષના શુક્રાણુને લૅબોરેટરીમાં એકસાથે રાખીને ફળદ્રુપ કરવામાં આવે છે. એ પછી ગર્ભને મહિલાના ગર્ભાશયમાં ખસેડવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્ત્રીનાં અંડબીજ તથા પુરુષનાં શુક્રાણુઓનું લૅબોરેટરીમાં કસનળીમાં મિલન કરાવવામાં આવે છે. ત્યારબાદ તૈયાર થતાં ભ્રૂણને મહિલા (અને કેટલાક કિસ્સામાં સરોગેટ મધર)ના ગર્ભમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે.
એક જ વખતમાં મહિલા માતૃત્વ ધારણ કરી લે તેવું નથી હોતું અને સામાન્યતઃ બેથી ચાર પિરિયડ સાઇકલમાં ગર્ભધારણ થતું હોય છે.
અમુક સંજોગોમાં લેવાયેલા વીર્યના સૅમ્પલની મદદથી એક કરતાં વધુ વખત માતા બની શકે છે.

IVFના ફાયદા
જે લોકો વિવિધ કારણોસર સંતાન પ્રાપ્ત ન કરી શકતા હોય, તેવા લોકો માટે આઈવીએફ બાળકને જન્મ આપવામાં મદદરૂપ થતી પદ્ધતિ છે. આ પદ્ધતિનો ઉપયોગ 1978થી થઈ રહ્યો છે.
આ પદ્ધતિમાં નહીં વપરાયેલાં ઈંડાંનો ઉપયોગ સંશોધન માટે થાય છે અથવા તે ઈંડાં અન્ય યુગલોને દાનમાં આપી શકાય છે.

IVFના ગેરફાયદા

ઇમેજ સ્રોત, Science Photo Library
આ દરમિયાન ઉપયોગમાં લેવાતી દવાઓની આડઅસર થઈ શકે છે, જેમ કે તીવ્ર માથાનો દુખાવો થતો હોય છે.
આમાં એક કરતાં વધારે બાળક જન્મે તેવી શક્યતા પણ હોય છે, જે માતા અને બાળકો માટે જોખમી છે.
ઓવરિયન હાઇપર-સ્ટીમ્યુલેશન સિન્ડ્રોમ એટલે કે, જ્યારે અંડાશયમાં ઘણાં બધાં ઇંડા વિકસે છે. તે તણાવપૂર્ણ હોય છે અને સાથે જ તેની સફળતાનો દર વધારે નથી.

સારવાર કરનાર ડૉક્ટર શું કહે છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
સારવાર કરનાર તબીબ ડૉ. નરેશ ભાનુશાળી કહે છે કે, "આ દંપતીની ઉંમર ઘણી વધારે છે, એટલે એમને ગર્ભ રહેવાની આશા નહોતી."
ડૉક્ટર દ્વારા પહેલાં આ દંપતીને આઈવીએફ પદ્ધતિ ન અપનાવવાની સલાહ આપવામાં આવી હતી, કેમ કે મોટી ઉંમરે બાળક રહેવાની શક્યતા નહોતી.
ડૉક્ટરનું કહેવું છે કે, "દંપતીએ તેમને કહ્યું કે તમે તમારા પ્રયત્નો કરો, પછી અમારું નસીબ હશે તે થશે."
ડૉક્ટર કહે છે, "એટલે અમે ટેસ્ટટ્યૂબ પદ્ધતિનો ઉપયોગ કર્યો અને આખરે બાળકનો જન્મ થયો, ઉંમર મોટી હોવા છતાં દંપતીને સંતાનપ્રાપ્તિ થઈ છે."
તેમણે કહ્યું કે, "તેમનું બાળક તંદુરસ્ત છે, દંપતી ખૂબ ખુશ છે અને અમે પણ ખુશ છીએ."



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












