કોલસાની કથાઃ ભારત પાસે 319 અબજ ટન કોલસાનો ભંડાર હોવા છતાં અછત કેમ ઊભી થઈ?
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1774માં પશ્ચિમ બંગાળના રાણીગંજના નારાયણકુડી વિસ્તારમાં પ્રથમ વાર ઔદ્યોગિક ધોરણે કોલસાનું ઉત્પાદન શરૂ કર્યું અને તે રીતે ભારતમાં કોલસાની ખાણની શરૂઆત થઈ.
જોકે હજી ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી નહોતી અને કોલસાની માગ બહુ ઓછી હતી. તેથી આ ખાણ ખોદાઈ તેની એક સદી સુધી ભારતમાં કોલસાનું ઉત્પાદન મોટા પાયે થયું નહોતું.
1853માં બ્રિટનમાં વરાળથી ચાલતા રેલ એન્જિન શોધાયા તે પછી કોલસાનું ઉત્પાદન અને ઉપયોગ વધવા લાગ્યા. વીસમી સદીની શરૂઆત સુધીમાં ભારતમાં કોલસાનું ઉત્પાદન વર્ષે 61 લાખ ટન સુધી પહોંચ્યું હતું.

ઇમેજ સ્રોત, PRALHAD JOSHI
આઝાદી પછી ભારતમાં આકાંક્ષાએ વધવા લાગી અને આ વધતી આકાંક્ષાઓ માટે જરૂરી વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસાની જરૂરિયાત પણ વધતી ગઈ.
આજે ભારત કોલસાનું ઉત્પાદન અને ઉપયોગ બંને બાબતમાં ચીન પછી વિશ્વમાં બીજા નંબરે આવે છે.
ભારત પોતાની વીજળીની જરૂરિયાતના 70 ટકાથી વધુ વીજળી કોલસા આધારિત વીજમથકોમાંથી પ્રાપ્ત કરે છે.
સાલ 1973માં કોલસાની ખાણોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ત્યારથી દેશમાં કોલસાનું ઉત્પાદન મોટા ભાગે સરકારી કંપનીઓ દ્વારા જ થઈ રહ્યું છે.
ભારતમાં 90 ટકાથી વધુ કોલસાનું ઉત્પાદન કોલ ઇન્ડિયા કરે છે. કેટલીક ખાણો ખાનગી મોટી કંપનીઓને સોંપવામાં આવી છે, જેને કૅપ્ટિવ માઇન્સ કહેવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કૅપ્ટિવ માઇન્સમાંથી કોલસો કાઢીને કંપનીઓ પોતાના વીજમથકો ચલાવવા માટે ઉપયોગ કરે છે.

ઇમેજ સ્રોત, Reuters
કોલસાનો સૌથી મોટો જથ્થો હોય તેવા વિશ્વના ટોચના પાંચ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. દુનિયામાં કોલસાનો સૌથી વધુ ભંડાર અમેરિકા, રશિયા, ઑસ્ટ્રેલિયા, ચીન અને ભારતમાં છે.
ભારતના કોલસા મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત પાસે 319 અબજ ટન કોલસાનો ભંડાર છે. ભારતમાં કોલસાનો સૌથી વધુ જથ્થો ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગળ, મધ્ય પ્રદેશ, તેલંગણા અને મહારાષ્ટ્રમાં આવેલો છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, મેઘાલય, આસામ, સિક્કિમ, નાગાલૅન્ડ અને અરૂણાચલ પ્રદેશમાં પણ કોલસો મળે છે.
દુનિયાના સૌથી મોટા કોલસા ઉત્પાદક દેશોમાં સ્થાન પામતા ભારતમાં આજે કોલસાની અછત ઊભી થઈ છે. એવી ચિંતા વ્યક્ત થઈ રહી છે કે જો સમયસર કોલસાનું આ સંકટ ટાળી દેવામાં નહીં આવે તો મોટા પાયે વીજ કાપ મૂકવો પડશે.

ભારતમાં હાલમાં કોલસાની સ્થિતિ શું છે?

ઇમેજ સ્રોત, PRALHAD JOSHI
ભારતમાં કોલસા આધારિત 135 વીજ મથકો છે, જેમાંથી બે તૃતિયાંશ એકમો અત્યારે કોલસાની તંગી અનુભવી રહ્યા છે.
સામાન્ય રીતે ભારતમાં કોલસા આધારિત વીજ મથકોમાં એક મહિનાની જરૂરિયાત જેટલો કોલસો સંગ્રહ કરીને રાખવામાં આવે છે, પરંતુ અત્યારે બે તૃતિયાંશ થર્મલ પાવર સ્ટેશનોમાં તેમની જરૂરિયાતના સરેરાશ ત્રણ દિવસ જેટલો જ કોલસાનો જથ્થો ઉપલબ્ધ છે.
ઇન્ડિયા રેટિંગ્સના એક અભ્યાસ અનુસાર જુલાઈ 2021માં ભારતમાં થર્મલ પાવર સ્ટેશનોમાં સરેરાશ 17 દિવસની જરૂરિયાત જેટલો જથ્થો ઉપલબ્ધ હતો. તે હવે ઘટીને સરેરાશ ચાર દિવસ માટેનો જ રહી ગયો છે.
પૂરતા પ્રમાણમાં કોલસો ઉપલબ્ધ ના હોવાના કારણે ઘણાં વીજમથકો બંધ પણ પડી ગયાં છે.
ઇન્ડિયા રેટિંગ્સ સાથે જોડાયેલા નિતિન બંસલના જણાવ્યા અનુસાર "31 ઑગસ્ટ સુધીમાં બંધ થયેલા વીજ ઉત્પાદન એકમોની કુલ ઉત્પાદન ક્ષમતા 3.9 ગીગાવૉટ હતી, જ્યારે 20 સપ્ટેમ્બર સુધીમાં 13.2 ગીગાવૉટની ક્ષમતાના પ્લાન્ટ બંધ પડી ગયા હતા. એ જ રીતે આઠ ઑક્ટોબર સુધીમાં 20.3 ગીગાવૉટની ક્ષમતા સાથેના પ્લાન્ટ બંધ પડી ગયા હતા."
31 જુલાઈ 2021 સુધીમાં દેશમાં ફક્ત બે જ કોલસા આધારિત વીજમથકો કોલસાની તંગીના કારણે બંધ પડ્યાં હતાં.
પરંતુ 10 ઑક્ટોબર સુધીમાં બંધ પડેલા પ્લાન્ટની સંખ્યા 16ની થઈ ગઈ. 10 ઑક્ટોબર દેશમાં 30 થર્મલ પાવર પ્લાન્ટ એવા હતા, જેની પાસે માત્ર એક જ દિવસનો કોલસો બચ્યો હતો.
ભારતમાં વીજળીની જરૂરિયાત પૂરી પાડવાની જવાબદારી રાજ્ય સરકારોની છે.
રાજ્ય સરકારોએ વીજ ઉત્પાદક કંપનીઓ અથવા વીજ વિતરણ કંપનીઓ સાથે કરાર કરીને વીજળી મેળવવાની હોય છે અને તેને ગ્રાહકો સુધી પહોંચાડવાની હોય છે.
ઘણા રાજ્યોમાં હવે વીજ વિતરણનું કામ ખાનગી કંપનીઓ પણ કરી રહી છે.
હાલની કોલસાની તંગીની કારણે ઘણા રાજ્યોમાં વીજ કાપ મૂકવાનું શરૂ થઈ ગયું છે.
રાજસ્થાનના 12 જિલ્લાઓમાં 1થી 4 કલાક માટેનો વીજ કાપ મૂકાયો છે.

સરકાર કહે છે કે કોઈ સમસ્યા નથી

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોલસાની અછતને કારણે ઊભી થયેલી સમસ્યામાં સહાયરૂપ થવા વિનંતી કરી હતી.
ભારતની આર્થિક રાજધાની મુંબઈની માથે પણ વીજળી સંકટ તોળાઈ રહ્યું છે.
મહારાષ્ટ્ર સરકારના વીજ વિભાગના જણાવ્યા અનુસાર વીજ ઉત્પાદનને જાળવી રાખવા માટે સરકારને તાત્કાલિક 730 કરોડ રૂપિયાના ફંડની જરૂર છે.
આ બાજુ ઉત્તર પ્રદેશ સરકારે નાગરિકોને જરૂર પ્રમાણે જ વીજળીનો ઉપયોગ કરીને વીજળી બચાવવા માટે અપીલ કરી છે.
રાજ્યના ઉર્જા પ્રધાન શ્રીકાંત સિંહે કહ્યું કે વીજળીનો પુરવઠો જાળવી રાખવા માટે સરકારે એક યુનીટના 17 રૂપિયાના ભાવે મોંઘી વીજળી ખરીદવી પડી રહી છે.
આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે દેશમાં કોઈ સમસ્યા નથી અને કોલસાની તંગીને બહુ ઝડપથી દૂર કરવામાં આવશે.
ભારતના કોલસા પ્રધાન પ્રહ્લાદ જોશીએ કહ્યું કે "વીજ ઉત્પાદનની બાબતમાં ચિંતા કરવા જેવું કશું નથી."
સરકારે કોલ ઇન્ડિયાને ઉત્પાદન વધારવા માટે જણાવ્યું છે. સાથે જ કૅપ્ટિવ કોલસાની ખાણોમાંથી પણ વીજમથકો માટે કોલસો મેળવવામાં આવી રહ્યો છે.
કેન્દ્રના કોલસા મંત્રાલયના પ્રધાન છેલ્લા કેટલાક દિવસોથી કોલસાની ખાણો આવેલી છે તે પ્રદેશોની મુલાકાત લઈ રહ્યા છે.
સરકારે ભારતીય રેલવેને પણ કોલસાના પરિવહનની ક્ષમતા વધારવા માટે અપીલ કરી છે.

કોલસાનો પુરતો ભંડાર હોવા છતાં સમસ્યા કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં 319 અબજ ટન જેટલો કોલસાનો ભંડાર છે. ભારતમાં 2019-20ના વર્ષમાં કુલ 73.08 કરોડ ટન કોલસાનું ઉત્પાદન થયું હતું, જ્યારે 2020-21ના વર્ષમાં તે ઘટીને 71.60 કરોડ ટન થયું હતું.
2020માં કોરોના મહામારીને કારણે વીજળી માગણી ઓછી થઈ હતી અને તેના કારણે વીજમથકોમાં કોલસાની માગ પણ ઓછી થઈ હતી. તેના પરિણામે કોલસાનું ઉત્પાદન પણ ઓછું થયું.
ભારતમાં દુનિયાનો પાંચમો સૌથી મોટો કોલસાનો ભંડાર છે. ભારતની પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતા પ્રમાણમાં કોલસો છે. ભારતમાં સામાન્ય રીતે ઑક્ટોબર મહિનામાં કોલસાની માગ વધે છે, પરંતુ આ વખતે ઑક્ટોબર મહિનામાં જ થર્મલ પાવર પ્લાન્ટમાં પૂરતા પ્રમાણમાં કોલસો ના પહોંચ્યો તેના કેટલાક કારણો છે.
ભારતમાં કોરોના મહામારીને કારણે કામકાજ ઠપ થયું હતું, તે હવે ફરીથી શરૂ થઈ રહ્યું છે.
કોરોનાની પ્રથમ લહેર પછી ભારતના અર્થતંત્રમાં 7.3 ટકાનો ઘટાડો થયો હતો. તે પછી ધીમેધીમે વેપાર ધંધા પાટે ચડી રહ્યા હતા ત્યાં કોરોનાની બીજી લહેર આવી.
એપ્રિલ-મે 2021માં આવેલા રોગચાળાના બીજા મોજાને કારણે ફરી સ્થિતિ ડામાડોળ બની. પરંતુ હવે બીજી લહેર શમી ગઈ છે તેથી વેપાર ધંધા ફરી વધવા લાગ્યા છે.
ઑગસ્ટ 2019ની સામે ઑગસ્ટ 2021માં વીજળીની માગ 16 ટકા વધી ગઈ હતી.
વિશ્લેષકોનું માનવું છે કે "ભારતમાં કોલસાના ઉત્પાદન માટે જવાબદારી કોલ ઇન્ડિયાની છે, પણ તે કોલસાની કેટલી માગ રહેશે તેનો અંદાજ લગાવવામાં નિષ્ફળ ગઈ છે."
"કોલ ઇન્ડિયાએ સમયસર ફરીથી કોલસો કાઢવાનું કામકાજ તેજ ગતિએ શરૂ કર્યું નહીં અને પૂરતા પ્રમાણમાં કોલસાનો જથ્થો સ્ટૉક પણ નહોતો કર્યો."
નિતિન બંસલ કહે છે કે "ચોમાસા દરમિયાન હવામાન બગડ્યું તેના કારણે પણ સમસ્યા વધી."
"ચોમાસુ મોડું બેઠું અને ભારે વરસાદ પડ્યો તેના કારણે કોલસાની ખાણોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તેના કારણે પણ કોલસાના ઉત્પાદન પર અસર પડી."

આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાના ભાવ કેમ વધ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની જેમ જ દુનિયામાં સૌથી વધુ કોલસાનું ઉત્પાદન કરતા ચીનમાં પણ વીજ સંકટહાલમાં ઊભું થયેલું છે.
ભારે વરસાદને કારણે ચીનની કોલસાની ખાણોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને તેના કારણે ત્યાં પણ પૂરતા પ્રમાણમાં કોલસો કાઢી શકાયો નહોતો.
ચીન પોતાની માગ પૂરી કરવા માટે જે પણ ભાવે કોલસો મળે તે વિશ્વભરમાંથી ખરીદી રહ્યું છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસાના ભાવો ઘણા વધી ગયા છે.
દાખલા તરીકે ઑસ્ટ્રેલિયાના ન્યૂ કૉસલ કોલસાનો ભાવ હાલમાં જ 250 ટકા વધી ગયો છે.
ભારત સૌથી વધુ કોલસો ઇન્ડોનેશિયામાંથી આયાત કરે છે. ઇન્ડોનેશિયાના કોલસાનો ભાવ પણ એક ટનના 60 ડૉલરથી વધીને પ્રતિ ટન 200 ડૉલરથી પણ વધી ગયો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ભારતમાં દરિયા કિનારે આવેલાં વીજમથકો આયાતી કોલસા પર આધારિત છે. કોલસાનો ભાવ વધવાને કારણે આમાંના ઘણા પ્લાન્ટ બંધ થઈ રહ્યા છે.
ભારતમાં આયાતી કોલસાથી ચાલતા થર્મલ પાવર પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા 16.2 ગીગાવૉટ છે. નાણાકીય વર્ષ 2020-21માં આ પ્લાન્ટમાં તેની ક્ષમતાની 54 ટકા જેટલી વીજળીનું ઉત્પાદન થયું હતું.
સપ્ટેમ્બર 2021 સુધીમાં તે ઘટીને 15 ટકા જેટલું જ રહી ગયું હતું. આંતરરાષ્ટ્રીય કોલસા બજારમાં ભાવો વધ્યા તેના કારણે આ પ્લાન્ટના સંચાલકોએ કોલસાની આયાત બંધ કરી છે.
નિતિન બંસલ કહે છે, "કોઈ પણ પ્લાન્ટ આટલા મોંઘા ભાવના કોલસાની આયાત કરીને વીજળી ઉત્પાદન કરવાનું પસંદ ના કરે. તેના કારણે વીજળી બહુ મોંઘી પડે અને તે ખરીદનાર કોઈ ગ્રાહક ના મળે."
દાખલા તરીકે ગુજરાતના દરિયાકિનારે અદાણી અને તાતાના પાવર પ્લાન્ટ્સ આવેલા છે.
આ બંને કંપનીના પાવર પ્લાન્ટ દેશની વીજળીના પાંચ ટકા જેટલું ઉત્પાદન કરી શકે છે. પરંતુ કોલસો મોંઘો થવાથી આ પાવર પ્લાન્ટ્સ બંધ પડ્યા છે.
વીજવિતરણ કંપનીઓ વીજળી ખરીદવા માટે પાવર પ્લાન્ટ સાથે કરાર કરતી હોય છે. ભારત સરકાર હવે વિચારી રહી છે કે વીજ ઉત્પાદક કંપનીઓને વધારે ખર્ચ કરવો પડે તેનો બોજ વિતરણ કંપનીઓ પર નાખવો.
નિતિન બંસલ કહે છે, "આ પ્લાન્ટને વીજળીના પૂરતા ભાવ આપવામાં આવે અને તાકિદે તેની પાસેથી મોંઘા ભાવે વીજળી ખરીદવામાં આવે તો જ વીજ સંકટ કંઈક અંશે ટાળી શકાય છે, પરંતુ તેનો નિર્ણય સરકારે કરવાનો હોય છે."

હાલની સમસ્યા માટે કોલ ઇન્ડિયા કેટલી જવાબદાર?

ઇમેજ સ્રોત, AFP
ભારત પાસે પૂરતા પ્રમાણમાં કુદરતી કોલસાનો ભંડાર છે અને પોતાની જરૂરિયાત પ્રમાણેના કોલસાનું ઉત્પાદન પણ ભારત કરે છે.
પરંતુ વિશ્લેષકો કહે છે કે કોલ ઇન્ડિયા કોલસાની કેટલી માગ રહેશે તે સમજવામાં નિષ્ફળ રહી છે. અત્યારે જે સમસ્યા ઊભી થઈ છે તે કુદરતી નથી, પણ બેદરકારીને કારણે ઊભી થઈ છે.
ધનબાદ કોલસા બેલ્ટમાં સક્રિય કાર્યકર્તા વિજય ઝા કહે છે, "હાલમાં કોલસાની તંગી ઊભી થઈ છે કુદરતી કારણોથી નથી, પરંતુ બેદરકારી અને અક્ષમતાને કારણે થઈ છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં કોલસાનો ભંડાર છે. સમસ્યા કોલસો કાઢવાની છે. કોલસાના ક્ષેત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે અને તેના કારણે સ્થિતિ જટિલ બની છે."
ઝા કહે છે, "કોલસાની ખાણના સંચાલકોએ કેટલીક માગ ઊભી થશે તેનો યોગ્ય અંદાજ લગાવ્યો નહીં. આ ઉપરાંત રંગદારી પણ એક મોટી સમસ્યા છે. કૃત્રિમ તંગી ઊભી કરીને વધુ પ્રમાણમાં રંગદારી વસૂલ કરવામાં આવી રહી છે."
ભારત સરકારના ભૂતપૂર્વ કોલસા સચિવ અનિલ સ્વરૂપ કહે છે કે કોલ ઇન્ડિયા લિમિટેડને આ સમસ્યા માટે જવાબદાર માનવામાં આવી રહ્યું છે તે કમનસીબી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
અનિલ સ્વરૂપ કહે છે, "કોલ ઇન્ડિયાએ વીજ ઉત્પાદન કંપનીઓ પાસેથી 20 હજાર કરોડ રૂપિયા લેવાના નીકળે છે. હાલમાં તંગી ઊભી થઈ છે તેનું કારણ એ પણ છે કે વીજ ઉત્પાદક કંપનીઓએ જરૂરી એવો 20 દિવસનો સ્ટોક જાળવી રાખ્યો નહોતો."
સ્વરૂપ કહે છે, "હાલમાં ઊભું થયેલું સંકટ કોરોના મહામારીને કારણે માગ અને પુરવઠા વચ્ચે થયેલા અસંતુલનને કારણે પણ છે. પણ નવાઈની વાત એ છે કે કોલ ઇન્ડિયાએ કોલસાનું ઉત્પાદન જાળવી રાખ્યું છે."
"2018માં તેનું કોલસા ઉત્પાદન 60.60 કરોડ ટન હતું, 2019-20માં 60.20 કરોડ ટન હતું અને 2020-21માં તે 59.60 કરોડ ટન હતું."

શું ભારત કોલસા પરનો આધાર ઓછો કરી શકશે?

ઇમેજ સ્રોત, ALOK PUTUL /BBC
છેલ્લા એક દાયકામાં જ ભારતમાં કોલસાનો ઉપયોગ બમણો થઈ ગયો છે.
સારી ગુણવત્તાના કોલસાની દેશે આયાત કરવી પડે છે. આગામી વર્ષોમાં નવી કેટલીય કોલસાની ખાણો ખોદવાની પણ યોજના છે.
આંતરરાષ્ટ્રીય ઉર્જા સમિતિના જણાવ્યા અનુસાર 130 અબજથી વધુની વસતિ ધરાવતા ભારતમાં આગામી 20 વર્ષો દરમિયાન ઉર્જાની જરૂરિયાત બીજા કોઈ પણ દેશો કરતાં વધારે રહેવાની છે.
પર્યવારણની કાળજી લેવાની પ્રતિબદ્ધતા હેઠળ ભારતે વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતોનો વિકાસ કરવાનું શરૂ કર્યું છે.
પરંતુ આજેય વીજળી માટે સૌથી મોટો આધાર કોલસો જ છે. કોલસાને કારણે સૌથી વધુ વાયુપ્રદૂષણ થાય છે અને તેના કારણે ભારત પર પોતાના પર્યાવરણની કાળજીના લક્ષ્યાંકને હાંસલ કરવાનું પણ દબાણ છે.
વિશ્લેષકો માને છે કે ભારત માટે કોલસા પર આધાર ઓછો કરવો સહેલો નથી.
નિતિન બંસલ કહે છે, "કોલસાને કારણે આપણી ઊર્જાની જરૂરિયાત પૂરી થાય છે. ભારતે વધી રહેલી માગને પૂરી કરવા માટે કોલસાનું ઉત્પાદન વધારવું પડશે, કેમ કે હજી વૈકલ્પિક સ્રોતોમાંથી પૂરતા પ્રમાણમાં વીજ ઉત્પાદન થઈ શકે તેમ નથી."

કોલસા ઉત્પાદન સામે શું પડકારો છે?

ઇમેજ સ્રોત, ALOK PUTUL /BBC
ભારતમાં 1200 મીટર ઊંડે સુધી કોલસાનો ભંડાર મળે છે.
ભારતમાં મોટા ભાગે ઓપન કાસ્ટ એટલે કે ખુલ્લી ખાણોમાંથી કોલસો મેળવવામાં આવી રહ્યો છે.
કોલસાની ખાણોની ઊંડાઈ વધતી જાય તે સાથે તેમાંથી કોલસા કાઢવાનો ખર્ચ પણ વધતો જાય છે.
રાણીગંજમાં લાંબા સમયથી પત્રકાર તરીકે કામ કરતા અને કોલસાની ખાણોમાં થતા અકસ્માતો વિશે પુસ્તક લખનારા બિમલ ગુપ્તા કહે છે, "રાણીગંજ કોયલાંચલની સૌથી મોટી સમસ્યા એ છે કે અહીંની મોટા ભાગની ખાણો વર્ષો જૂની છે. ખાણોમાં કોલસો છે, પણ ખાણો જૂની થઈ જવાથી પૂરતા પ્રમાણમાં કોલસો નીકળતો નથી."
"ટાર્ગેટ પૂરો કરવા માટે ખાણ કંપનીઓ કોલસો ગમે તેમ કરીને કાઢી લે છે, પણ ખાણોની સુરક્ષા માટે પૂરતા પ્રયાસો થતા નથી તેના કારણે પણ સમસ્યા થાય છે."
બિમલ ગુપ્તા કહે છે, "આના કારણે ખાણમાં અકસ્માત થાય ત્યારે ઉત્પાદન પણ અટકી પડે છે. ફરીથી કોલસો કાઢવાનું કામ શરૂ કરવામાં ઘણો સમય લાગી જાય છે. વરસાદને કારણે ભેખડો ધસી પડે તેના કારણે પણ ઉત્પાદન પર અસર પડતી હોય છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













