જીવનદોરીની ગૂંચ ઉકેલવા ભારત આવેલા અફઘાનોની જિંદગી કેમ વધુ ગૂંચવાઈ?
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
દિલ્હીના લાજપતનગરમાં બધી તરફ ઝગમગાટ છે. કૉવિડનાં લૉકડાઉનની વિટંબણામાંથી બહાર આવેલા આ બજારમાં પાછી રોનક દેખાય છે.
અહીંના જે-બ્લૉકમાં મોંઘીમોંઘી ગાડીઓમાંથી નીકળીને લોકો અફઘાન હોટેલોમાં ખાવા પહોંચી જાય છે. દિલ્હીના સંપન્ન લોકો માટે આ વિસ્તારમાંની અફઘાન હોટેલોમાં ભોજન કરવું એ 'ફૅશન સ્ટેટમેન્ટ' જેવું છે.

ઇમેજ સ્રોત, Salman Ravi/BBC
પરંતુ, અફઘાન વ્યંજનોની સોડમ ફેલાવતી આ હોટેલોથી માત્ર 300 મીટર દૂર 50 વર્ષના રહમતુલ્લાહ પણ રહે છે, અને, તેમને એ ચિંતા સતાવે છે કે તે અને તેમનો જુવાન દીકરો રાત્રે શું ખાશે.
હમણાં બે મહિના પહેલાં જ તેઓ પોતાના દીકરાની સારવાર કરાવવા ભારત આવેલા ત્યારે તેમની પાસે પૈસા સિલકમાં હતા.
સારવાર પછી તેમણે અફઘાનિસ્તાન પાછા જવાનું હતું. પરંતુ આ દરમિયાન તાલિબાને સત્તા કબજે કરી લીધી અને અફઘાનિસ્તાનમાંની બદલાતી રહેતી પરિસ્થિતિઓના કારણે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની વિમાનસેવા અટકાવી દેવાઈ છે.

ના બચ્યા પૈસા કે ના પાછા જવાનું કોઈ માધ્યમ

ઇમેજ સ્રોત, Salman Ravi/BBC
બે-ત્રણ મહિના પહેલાં જ ભારતમાં સારવાર કરાવવા આવેલા અફઘાન નાગરિકો પાસે હવે પૈસા બચ્યા નથી અને વતનમાં પાછા જવાનો કોઈ બીજો માર્ગ પણ ખુલ્લો નથી. આવી હાલતમાં તેઓ બીજાઓની મદદ માગી-માગીને જીવી રહ્યા છે.
દિલ્હીમાંના અફઘાન સમાજના અહમદ જિયા ગની જણાવે છે કે સારવાર માટે ભારતમાં આવેલા આ અફઘાન નાગરિકોની પરેશાની દૂર કરવા માટે કોઈ વિકલ્પ પણ નથી.
તેઓ જણાવે છે કે લોકો ફંડફાળો એકઠો કરીને તેમના માટે ભોજન અને દવાઓની વ્યવસ્થા કરે છે. પણ આ લાંબું ચાલી શકે એમ નથી લાગતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સારવાર માટે ભારત આવેલા રહમતુલ્લાહ અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતના અજાર્જાઓ ગારામસીલ વિસ્તારના સાપાર ગામના વતની છે. તેઓ ખેડૂત છે પણ તેમની પોતાની જમીન નથી. તેઓ બીજાની જમીન ભાડે લઈને (ભાગિયા ખેતી) જુવાર અને ઘઉં વાવે છે.
18 મહિના પહેલાં એમની દુનિયા સાવ બદલાઈ ગઈ એમના દીકરા અમાનુલ્લાહ રોજગારની શોધમાં ઇરાન જતા રહ્યા.
ત્યાં જ અમાનુલ્લાહ એક કારમી દુર્ઘટનાનો ભોગ બન્યા, જેના કારણે એમના બંને હાથ અને જમણા પગને કાપવા પડ્યા. આ અકસ્માતમાં થયેલી ગંભીર ઈજાઓમાં તેમની જમણી આંખ પણ ફૂટી ગઈ અને બચેલા ડાબા પગની બધી આંગળીઓ કાપી નાખવી પડી.
જખમ જ્યારે થોડા રુઝાયા ત્યારે રહમતુલ્લાહ પોતાના દીકરાને મેડિકલ વિઝા પર દિલ્હી લઈ આવ્યા, જ્યાં અમાનુલ્લાહને કૃત્રિમ પગ બેસાડાયા અને એમના નાકની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી.
તેઓ લાજપતનગરમાં વર્ષોથી રહેતાં બીજા અફઘાન નાગરિકોની જેમ હિન્દી બોલી શકતા નથી, કેમ કે તેઓ હંમેશાં પોતાના ગામમાં જ રહ્યા છે. એ કારણે જ તેઓ શિક્ષણથી વંચિત રહ્યા અને તેઓ લખી-વાંચી શકતા નથી.
બીબીસી સાથેની વાતચીતમાં રહમતુલ્લાહે જણાવ્યું કે, "જ્યારે મારો દીકરો ઇરાન ગયો ત્યારે અમે ખુશ થઈ ગયેલાં કે ચાલો, હવે એ કંઈક કમાણી કરશે અને અમને પણ મોકલશે; અને પોતાના લગ્નની વ્યવસ્થા પણ કરી લેશે. અમાનુલ્લાહને એક પ્લાસ્ટિકની ફૅક્ટરીમાં કામ મળી ગયું હતું. પણ એક દિવસ લપસીને તે મોટા મશીનમાં પડી ગયો. અમે તો આશા જ છોડી દીધી હતી પણ ખુદાએ બચાવી લીધો."
આ અકસ્માતમાં અમાનુલ્લાહને ગંભીર ઈજાઓ થઈ હતી અને ઇરાનમાં જ 15 મહિના સુધી તેમની સારવાર થઈ હતી.

ગામડે પરિવાર રાહ જુએ છે

ઇમેજ સ્રોત, Salman Ravi/BBC
રહમતુલ્લાહ જણાવે છે કે, "મેં 18 મહિનાઓથી કશું જ કામ નથી કર્યું. મારા દીકરા સાથે જ છું. જે પૈસા અમારી બચતના હતા તેનાથી અને કેટલાક ઉધારના પૈસાથી દીકરાનો ઇલાજ કરાવ્યો."
" થોડાઘણા વધેલા પૈસા લઈને દિલ્હી આવ્યા જેથી કૃત્રિમ પગ લગાડી શકાય. કામ તો થઈ ગયું પણ અમે ફસાઈ ગયા છીએ."
અમાનુલ્લાહ પોતે તો કોઈ કામ કરવાની સ્થિતિમાં નથી, એટલે એમના પિતા જ એમને નવડાવવા, કપડાં પહેરાવવાં, ખવડાવવું જેવાં કામ કરે છે. હવે એમની સમસ્યા એ છે કે, એમના પરિવારનાં બાકીનાં લોકો ગામડે એમના પાછા આવવાની રાહ જોઈ રહ્યાં છે.
રહમતુલ્લાહએ જણાવ્યું કે, ઘરે પણ, એમની પત્ની અને બાળકો પાસે પૈસા નથી.
તેઓ જણાવે છે કે, બસ, જવાની તૈયારી કરતાં જ હતા કે અફઘાનિસ્તાનમાં અચાનક બધું બદલાઈ ગયું. તેઓ દુઆ કરે છે કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હવાઈસેવા જલદી શરૂ થઈ જાય જેથી તેઓ ઘરે જઈ શકે.
તાલિબાનની સરકારે વિમાનસેવા શરૂ કરવા માટે ભારતને આગ્રહ કર્યો છે પરંતુ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઔપચારિક 'પ્રેસ બ્રીફિંગ'માં સ્પષ્ટ કર્યું છે કે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ હજી પણ ચિંતાજનક છે એટલે, હાલના સંજોગોમાં બંને દેશ વચ્ચે વિમાનસેવા શરૂ કરી શકાય એમ નથી.
ભારત પણ અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજર રાખે છે, કેમ કે હજુ પણ કેટલાય દેશ એવા છે જેણે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને માન્યતા નથી આપી.
ગયા મહિને તાલિબાન સરકારમાં નાગરિક ઉડ્ડયન અને વાહનવ્યવહારમંત્રી હમીદુલ્લાહ અખુંદજાદાએ ભારતના સિવિલ એવિએશન મહાનિર્દેશક અરુણકુમારને એક પત્ર લખેલો અને કાબુલથી વિમાનસેવા પુનઃ શરૂ કરવા માટેની વિનંતી કરેલી.
પરંતુ, ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયનાં સૂત્રો એમ કહે છે કે આ નીતિગત નિર્ણય છે, જેમાં ઘણાં પાસાં જોવાની જરૂર છે.

આના જેવી જ છે મોહિઉદ્દીનની કહાણી

ઇમેજ સ્રોત, Salman Ravi/BBC
મોહિઉદ્દીન પણ અફઘાનિસ્તાનથી પોતાનાં પત્નીને લઈને દિલ્હી ઇલાજ કરાવવા આવ્યા છે.
તેઓ પણ કાખઘોડીના સહારે છે, કેમ કે બૉમ્બ-ઘડાકામાં ઈજા થતાં તેમના જમણા પગને કાપવો પડ્યો છે.
મોહિઉદ્દીન જણાવે છે કે તેમની પત્નીનું હૃદયનું ઑપરેશન થઈ ગયું છે અને તેઓ પાછા જવાનાં જ હતાં.
તેઓ જણાવે છે કે, "મારાં બાળકો ત્યાં હેરાન-પરેશાન છે. તેઓ પૂછે છે, અમ્મી, અબ્બુ, તમે લોકો ક્યારે આવશો? તેઓ ત્યાં ચિંતામાં છે અને અમે અહીં લાચાર છીએ. કઈ રીતે અમારા ઘરે જઈએ? કંઈ સમજાતું નથી."
દિલ્હીમાં સારવાર કરાવવા આવેલા અફઘાન નાગરિકોની સંખ્યા 675ની આસપાસ છે.
આ આંકડા એટલા માટે જાહેર થયા કેમ કે આ બધા લોકોએ અફઘાનિસ્તાન એલચી કચેરી પાસે મદદની માગણી કરી હતી, તો ત્યાંથી એક યાદી આપવામાં આવી જેમાં આટલા લોકોનાં નામ છે.
આમાંના મોટા ભાગના લોકો લગભગ દરરોજ અફઘાનિસ્તાન ઍમ્બેસીનો ધક્કો ખાય છે; પણ તેમના જણાવ્યા અનુસાર, ઍમ્બેસી તરફથી તેમને કોઈ નક્કર આશ્વાસન નથી મળતું.
જલાલખાન સિનુજાદા એમાંના એક છે જેઓ અફઘાનિસ્તાનમાં પાછા જવા માટે ભારતીય વિદેશ મંત્રાલય અને અફઘાનિસ્તાન દૂતાવાસ વચ્ચે ચક્કર માર્યા કરે છે.

ઉડ્ડયનો બંધ હોવાથી સમસ્યાઓ

ઇમેજ સ્રોત, Salman Ravi/BBC
બીબીસી સાથે વાત કરતાં જલાલખાને જણાવ્યું કે, એલચી કચેરીએ બધાની પાસે ઇલાજના કાગળો માગ્યા છે. તેઓ જણાવે છે કે, એક મહિના પહેલાં જ અમે બધા કાગળો જમા કરાવી દીધા છે, પણ કોઈ કશું નથી કરતું.
તેઓએ કહ્યું કે, "જો ભારતથી કાબુલની ફ્લાઇટ્સ બંધ છે તો અમને ઇરાનના રસ્તે કે પછી પાકિસ્તાનના રસ્તે પાછા પોતાના વતનમાં જવાની મદદ મળવી જોઈએ. અમે ભારતના વિદેશ મંત્રાલય અને અમારા રાજદૂત, બંનેને મદદ માટે વિનંતી કરીએ છીએ.
"અમારા રાજદૂતે જ પહેલ કરવી જોઈએ. તેઓ ભારતના વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરીને અમને ઇરાન મોકલી આપે અથવા રોડ-માર્ગે પાકિસ્તાન મોકલે. ત્યાંથી અમે અમારા વતન જઈ શકીશું."
કૈસ યુસુફજઈને બ્રેઇન ટ્યુમર છે.
સારવાર માટે તેઓ એકલા જ દિલ્હી આવ્યા છે. તેમની કીમોથૅરપી થઈ ગઈ છે અને તેઓ પણ પોતાના પરિવાર પાસે પાછા પહોંચી જવા બેચેન છે. તેઓ એમ કહે છે કે અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એમને એમના પરિવારની પહેલાં કરતાં વધુ ચિંતા થાય છે.
સારવાર માટે આવેલા આ બધા 675 અફઘાન નાગરિકોની હાલત પરેશાનીભરી એટલા માટે છે કેમ કે એમની પાસેના પૈસા ખલાસ થઈ ગયા છે અને એમનો પરિવાર ત્યાંથી એમને પૈસા મોકલે એવી સગવડ હવે નથી.
એટલા ખાતર આ બધા લોકો દિલ્હીમાં પહેલેથી રહેતા અફઘાન નાગરિકો પાસે મદદ માગી રહ્યા છે.

યુએન તરફથી પણ કોઈ મદદ નહીં
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
દિલ્હીમાંના અફઘાન સમાજના પ્રમુખ અહમદ જિયા ગની એમ કહે છે કે જે અફઘાનો પહેલેથી જ અહીં રહે છે તેમની હાલત પણ દયનીય છે. કેમ કે શરણાર્થીઓ માટે નિમણૂક કરાયેલા સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્ત એટલે કે 'યુનાઇટેડ નૅશન્સ હાઈ કમિશનર ફૉર રેફ્યુઝિસ'ના કાર્યાલયમાંથી કોઈને મદદ નથી મળતી.
દિલ્હીસ્થિત અફઘાનિસ્તાનની એલચી કચેરીમાં પહેલાંની જેમ કામગીરી શરૂ થઈ ગઈ છે. તાલિબાનની સરકારે પાસપૉર્ટ આપવાની પ્રક્રિયા પુનઃ શરૂ કરી છે.
પણ હજી સુધી ભારતે નવી સરકારને માન્યતા નથી આપી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એ સ્પષ્ટ કર્યું છે કે આ કામમાં ઉતાવળ ના થવી જોઈએ.
આ વાત પણ એટલી જ સાચી છે કે, જો ભારતમાં અફઘાન નાગરિકો ફસાયા છે તો ત્યાં પણ બહુ બધા ભારતીય નાગરિકો ફસાયેલા છે, જે બંને દેશ વચ્ચે વિમાનસેવા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.
ભારતમાં રહેતા અફઘાન નાગરિકો પાસે એક વિકલ્પ એ પણ છે કે તેઓ પાકિસ્તાનના માર્ગે પોતાના દેશમાં પાછા જઈ શકે છે.
પણ, ભારતના જે નાગરિકો અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે તેમની પાસે તો પાકિસ્તાનના માર્ગે સ્વદેશ પાછા ફરવાનો વિકલ્પ પણ નથી; અને, ઇરાન પણ, હાલના સંજોગોમાં ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને વિઝા નથી આપતું.



તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












