અફઘાનિસ્તાન : પહેલાં મોઢું છુપાવતા તાલિબાન નેતાઓ હવે કેમ ફોટો પડાવવા લાગ્યા છે?

    • લેેખક, ફરહત જાવેદ
    • પદ, બીબીસી ઉર્દૂ, ઇસ્લામાબાદ

વાત, 1996ની છે, જ્યારે જૉન સિમ્પસન બીબીસી માટે રિપૉર્ટિંગ કરવા પોતાના એક સહયોગી સાથે અફઘાનિસ્તાનમાં જલાલાબાદ જતા હતા.

તેઓ કંદહારમાંથી પસાર થતા હતા, એવામાં કેટલાક લોકોએ તેમને જણાવ્યું કે આજે ત્યાં બહુ મોટો મેળાવડો છે.

શહેરમાં તેમણે હજારો લોકોની ભીડ જોઈ. ભીડની વચ્ચે કદાચ ટ્રક અથવા સ્ટેજ પર એક માણસ ઊભો હતો.

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર રચાઈ પછી ફોટો કે વીડિયો ઉતારવાની મનાઈના વલણમાં પણ બાંધછોડ જોવા મળે છે.

તેઓ તાલિબાનના પ્રમુખ મોહમ્મદ ઉમર હતા. એમના હાથમાં કથિત રીતે ઇસ્લામના પયગંબરનો ઝભ્ભો હતો. ત્યાં ઉપસ્થિત મેદની ખૂબ જોરથી સૂત્રોચ્ચાર કરી રહી હતી.

એમણે માથે બાંધેલી પાઘડીઓ મુલ્લા ઉમર તરફ ઉછાળવા માંડી જેથી તેમની પાઘડી પેલા ઝભ્ભાનો સ્પર્શ કરી લે.

એ દિવસે ત્યાં હાજર લોકોએ મુલ્લા ઉમરને 'અમીર અલ-મોમિનીન' એટલે કે મુસલમાનોના સરદારની ઉપાધિ આપી હતી.

જૉન સિમ્પસન પહેલાં તો છૂપી રીતે વીડિયો બનાવી રહ્યા હતા, પણ જ્યારે એમણે જોયું કે સૌ કોઈની નજર પેલા ઝભ્ભા પર ચોંટેલી છે, તો એમણે પોતાની સાથેના કૅમેરામૅનને કૅમેરા બહાર કાઢીને રેકૉર્ડિંગ કરવા કહ્યું.

ભીડમાંથી કોઈએ એમની તરફ ધ્યાન ન આપ્યું. અને આ રીતે મુલ્લા ઉમરનો પહેલો જ, એકમાત્ર વીડિયો જોવા મળ્યો.

line

કારણ ધાર્મિક છે કે બીજું કંઈ?

ઇસ્લામમાં માનનારા કેટલાક લોકો જીવંત વસ્તુનું ચિત્ર કે મૂર્તિ બનાવવી તેને બિન-ઇસ્લામિક માને છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ઇસ્લામમાં માનનારા કેટલાક લોકો જીવંત વસ્તુનું ચિત્ર કે મૂર્તિ બનાવવી તેને બિન-ઇસ્લામિક માને છે

ભલે મુલ્લા ઉમર હોય કે એમના ઉત્તરાધિકારી અથવા તાલિબાનના બીજા કોઈ નેતા, બધા જ ફોટો પડાવવાથી કે વીડિયો ઉતારવા-ઊતરાવવાથી બચતા રહ્યા છે. એની પાછળ ધાર્મિક માન્યતા છે, એવું કારણ જણાવાય છે.

જૉન સિમ્પસને જણાવ્યું કે, 1994માં જ્યારે આ જૂથની ઔપચારિક જાહેરાત થઈ હતી ત્યારે તાલિબાન નેતાઓના વીડિયો ઇન્ટરવ્યૂ લેવા લગભગ અશક્ય હતું.

તેમણે જણાવ્યું કે, "એક વાર એક નેતાએ મને કહેલું કે હું માત્ર તેમના હાથનો વીડિયો બનાવી શકું છું, અને એ પણ ત્યારે, જ્યારે તેઓ ચાનો કપ પકડી રહ્યા હોય. તેમણે ચોખ્ખું કહેલું કે વીડિયોમાં એમનું બાવડું કે શરીરનો અન્ય કોઈ ભાગ આવવો ના જોઈએ."

જૉન સિમ્પસને બીજું એક ઉદાહરણ આપતાં જણાવ્યું કે, "આ જ રીતે બીજા એક નેતાએ એમને કહેલું કે, તમે માત્ર મારી કમરથી નીચેના શરીરનો વીડિયો બનાવી શકો છો, પરંતુ એથી ઉપરનો હિસ્સો વીડિયોમાં આવવો ન જોઈએ. તેઓ માનતા હતા કે ધર્મમાં આટલી જ છૂટ આપવામાં આવી છે."

જોકે, ઑગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર રચાઈ પછી આ વલણમાં પણ બાંધછોડ જોવા મળે છે. અને હવે, અફઘાનિસ્તાનમાંની તાલિબાનની વચગાળાની કૅબિનેટના ઘણા સદસ્યોના ફોટો અને વીડિયો જોવા મળે છે.

તાલિબાનના હાલના પ્રમુખ મુલ્લા હસન અખુંદની તસવીર ખુદ તાલિબાને ઈ.સ. 2016માં ત્યારે જાહેર કરી હતી જ્યારે મુલ્લા મોહમ્મદ મંસૂરના મૃત્યુ પછી તેમને નેતા બનાવ્યાની ઘોષણા કરવામાં આવી હતી.

જૉન સિમ્પસન માને છે કે, "એનું કારણ ઘણા પ્રકારની ધાર્મિક માન્યતાઓ છે. વીસ-પચીસ વર્ષ પહેલાં પણ ફોટો નહીં પાડવાનો તાલિબાનનો ઔપચારિક અને લિખિત નિયમ હતો."

"એ સમયે ઓછા તો ઓછા પણ એવા લોકો પણ હતા જેમનો અમે ઇન્ટરવ્યૂ લેતા હતા અને તેમને એ ટીવી પર દેખાડવાથી કોઈ ફરક નહોતો પડતો."

line

અલ-કાયદા પાસેથી શીખીને બદલાયું તાલિબાન

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાલિબાનના કેટલાક મોટા નેતાઓના ફોટા નથી મળતા

ઇસ્લામમાં માનનારાઓમાં કેટલાંક સમૂહ એવાં પણ છે, જે કોઈ પણ જીવંત વસ્તુનું ચિત્ર કે મૂર્તિ બનાવવાને બિન-ઇસ્લામિક ગણે છે.

તાલિબાનના કેટલાક મોટા નેતાઓના ફોટા નથી મળતા તેની પાછળનું કારણ પણ આ જ જણાવાય છે.

ઈ.સ. 2000માં લખાયેલા પુસ્તક 'તાલિબાનઃ મિલિટેંટ ઇસ્લામ, ઑયલ ઍન્ડ ફંડામેન્ટલિઝમ ઇન સેન્ટ્રલ એશિયા'ના લેખક અહમદ રશીદ જણાવે છે કે આનું મુખ્ય કારણ એ હતું કે એવું કરવું ધાર્મિક માન્યતાઓ વિરોધી મનાતું હતું.

અહમદ રશીદે જણાવ્યું કે, "તેમનો તર્ક છે કે, જો તમે ઇસ્લામના પયગંબરનું ચિત્ર નથી બનાવી શકતા તો તમારે માણસોના ફોટા પણ ન જ પાડવા જોઈએ. આ એક વાત છે. પરંતુ તેમણે મીડિયા સામે કોઈ સ્પષ્ટતા નથી કરી કે હમણાંથી તેઓ જાતે શા માટે મીડિયામાં દેખાઈ રહ્યા છે અને ટીવી-ઇન્ટરનેટને સ્વીકારી રહ્યા છે. આવું શા માટે?"

"પણ મને લાગે છે કે આ બાબતમાં તેઓ અલ-કાયદાથી પ્રભાવિત થયા છે. અલ-કાયદાએ પ્રચાર માટે મીડિયોનો મોટા પાયે ઉપયોગ કર્યો છે."

તાલિબાન

ઇમેજ સ્રોત, EPA

અહમદ રશીદે જણાવ્યું કે, "જ્યારે ઓસામા બિન લાદેન કંદહારમાં હતા ત્યારે તાલિબાન પર એમનો ઘણો પ્રભાવ હતો. એ વખતે થોડોઘણો બદલાવ આવેલો."

"અને જ્યારે તેઓ સમજી ગયા કે આંતરરાષ્ટ્રીય સ્તરે એમણે દેખાવાનું છે, ત્યારે તેમણે એ વાતને સ્વીકારી લીધી કે તેઓ હવે ફોટા પણ પડાવશે. હવે તો હક્કાની નેટવર્ક સિવાયના બધા લોકો મીડિયામાં આવે છે."

નોંધી લેવું જોઈએ કે, હક્કાની નેટવર્કના વર્તમાન પ્રમુખ અને અફઘાનિસ્તાનમાં તાલિબાનની વચગાળાની સરકારના ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાનીની અત્યાર સુધીમાં એક પણ એવી તસવીર જોવા નથી મળી જેમાં તેમનો ચહેરો સ્પષ્ટ દેખાતો હોય.

2010માં સેના કમાન્ડરના રૂપે અલ-જઝીરા ટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂનો તેમનો એકમાત્ર વીડિયો ઉપલબ્ધ છે. તેમાં તેઓ ચાદરથી ઢંકાયેલા છે અને તેમના ચહેરાનો માત્ર થોડો ભાગ જ દેખાય છે.

એમના આ ફોટોના આધારે તેમના ઘણા સ્કૅચ તૈયાર કરાયા છે. અમેરિકાની એજન્સીઓએ તેમને પકડવા અથવા તેમના વિશેની માહિતી મેળવવા માટે પ્રકાશિત કરેલી જાહેરાતોમાં આ સ્કૅચિઝનો ઉપયોગ કરાયો છે.

line

'મુખ્ય કારણ સલામતી માટેની સાવચેતી છે'

મુલ્લા ઉમર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુલ્લા ઉમરનો આ એકમાત્ર વીડિયો હોવાનું જણાવાય છે

રસપ્રદ વાત એ છે કે એમના પિતા અને હક્કાની નેટવર્કના સંસ્થાપક જલાલુદ્દીન હક્કાનીની ઘણી તસવીર ઉપલબ્ધ છે.

એટલા માટે અહમદ રશીદ માને છે કે હક્કાની નેટવર્કમાં ફોટો પાડવા-પડાવવાથી દૂર રહેવાનું મુખ્ય કારણ ધર્મને બદલે સુરક્ષા છે.

અહમદ રશીદના જણાવ્યા અનુસાર, "સિરાજુદ્દીન હક્કાની પૂર્ણરૂપે દેખાવા નથી ઇચ્છતા. અમેરિકાએ તેમના માથા સાટે એક કરોડ ડૉલરનું ઇનામ રાખ્યું છે."

તો, અગ્રણી પત્રકાર હારુન રશીદે જણાવ્યું કે, "જ્યારે મુલ્લા ઉમરની સરકાર હતી, ત્યારે તસવીર પર સંપૂર્ણ પ્રતિબંધ હતો. એટલે સુધી કે કોઈ છાપામાં એક પણ ફોટો નહોતો છપાતો. પરંતુ હવે સોશિયલ મીડિયા આવ્યું છે, તો મને લાગે છે કે તાલિબાને સેનાના ઉદ્દેશો પાર પાડવા માટે એનો ઉપયોગ કરવા માંડ્યો."

સિરાજુદ્દીન હક્કાની

ઇમેજ સ્રોત, COURTESY ALJAZEERA

ઇમેજ કૅપ્શન, સિરાજુદ્દીન હક્કાની

હારુન રશીદ એમ જણાવે છે કે, તાલિબાને પોતાના અગ્રીમ નેતાઓ, જે હવે દુનિયામાં નથી ત્યારે એમની તસવીરોનો એમની 'ઇમેજ બિલ્ડિંગ' માટે અથવા પ્રચાર માટે ઉપયોગ કર્યો છે.

તેમણે જણાવ્યું કે, "મુલ્લા ઉમરના મૃત્યુ પછી એમની તસવીર પ્રગટ કરવામાં આવી. કદાચ હવે એમને લાગતું હશે કે માત્ર બંદૂકના જોરે યુદ્ધ નથી જીતી શકાતું; એના માટે ઇમેજ પણ જરૂરી હોય છે. પણ તેઓ એવું પણ વિચારતા હતા કે તસવીર સંકટમાં પણ મૂકી શકે છે."

"ખાસ કરીને ચહેરો ઓળખી કાઢતી અને ડ્રોન જેવી ટૅક્નોલોજી આવી ગયા પછી. બીજી બાજુ, તેઓ જે ગોરીલાયુદ્ધ લડતા હતા એમાં સૌથી સારો વિકલ્પ એ જ હતો કે મીડિયામાં એમની હાજરી જેટલી ઓછી એટલી લાભદાયી."

હારુન રશીદે જણાવ્યા અનુસાર, "એમની ઓળખ છૂપી રહે તે એમને સુરક્ષિત રાખતી હતી. એટલા માટે એમણે પોતાને છૂપા રાખ્યા હતા. એમની આવી રણનીતિનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હતું."

"એટલે તેઓ સમગ્ર આંદોલન દરમિયાન ફોટા પડાવવાથી બચતા રહ્યા. ઘણી વાર એવું બન્યું કે તાલિબાનના લોકો પકડાઈ ગયા અને પાછળથી એમને છોડી દેવાયા, કેમ કે કોઈ એમની ઓળખ ન કરી શક્યું."

line

આજે, ફોટો પડાવવો તાલિબાનની મજબૂરી

અખુંદજાદા

ઇમેજ સ્રોત, AFGHAN ISLAMIC PRESS

ઇમેજ કૅપ્શન, હિબતુલ્લાહ અખુંદજાદાની તસવીર અફઘાન તાલિબાને 2016માં એ સમયે પ્રગટ કરી હતી જ્યારે એમને તાલિબાનની કમાન સોંપાઈ હતી

જોકે તેઓ જણાવે છે કે, "હવે ઇચ્છા ન હોવા છતાં પણ તાલિબાને જાહેરમાં આવવું પડ્યું છે. તાલિબાનના વર્તમાન પ્રમુખ હસન અખુંદજાદા અને પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદના ફોટો મળી ગયા છે."

"પણ તાલિબાનના હાલના પ્રમુખ જીવતા છે કે નહીં એ ચર્ચાથી અલગ, તાલિબાન એમની તસવીરને મુદ્દે ખૂબ જ સતર્ક છે. એમને લાગે છે કે જોખમ હજુ પણ છે."

ધ્યાનમાં રાખીએ કે હિબતુલ્લાહ અખુંદજાદાની તસવીર 2016માં અફઘાન તાલિબાને ત્યારે પ્રગટ કરી હતી જ્યારે તેમને તાલિબાનનું નેતૃત્વ સોંપાયું હતું.

હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બની ગયા પછી તેમને સરકારના માર્ગદર્શક ગણાવાઈ રહ્યા છે. આ સિવાયની તેમની બીજી કોઈ તસવીર જોવા નથી મળી.

હારુન રશીદ એ વાતે સંમત નથી કે તસવીરો ન પાડવા-પડાવવાના મુદ્દે પ્રવાસ કરવા પર પ્રતિબંધ મુકાયો હતો.

તેઓ જણાવે છે કે, "પ્રવાસને માટે તો જ્યાં જરૂર પડતી ત્યાં ફોટો પડાવાતો હતો. એ માટે મુલ્લા મુહમ્મદ મંસૂરનું ઉદાહરણ આપણી સામે છે. એમની પાસે પાસપૉર્ટ હતો, તેમ છતાં પ્રચારને માટે ફોટાનો ઉપયોગ નહોતો થતો."

બીબીસીએ તાલિબાનના પ્રવક્તા અને એમની અફઘાન સરકારના ઉપ-ગૃહમંત્રી જબીહુલ્લાહ મુજાહિદ સાથે આ મુદ્દે તાલિબાનનું વલણ જાણવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ આ લખાયું ત્યાં સુધીમાં તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.

અફઘાન તાલિબાનથી સાવ ઊલટું, ફોટો ન પડાવવાનું ચલણ સીમા-પારના પાકિસ્તાની તાલિબાનમાં પણ છે.

હારુન રશીદ એમ જણાવે છે કે, "પાકિસ્તાની તાલિબાનોમાં પણ આવું જ ચલણ રહ્યું છે. બૈતુલ્લાહ મહસૂદ ફોટા નહોતા પડાવતા, પરંતુ હકીમુલ્લાહ મહસૂદને ફોટા પડાવવાનું ગમતું હતું."

તાલિબાન

ઇમેજ સ્રોત, WAKIL KOHSAR

હારુન રશીદના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની તાલિબાનો એમ કહેતા કે "ફોટા પડાવવાથી અમને શો ફાયદો થશે?"

એમણે જણાવ્યા અનુસાર, "પાકિસ્તાનની વિરુદ્ધ લડનારા તાલિબાનના પ્રમુખ બૈતુલ્લાહ મહસૂદે એક વાર, 2008માં દક્ષિણ વજીરીસ્તાનમાં પત્રકારોને બોલાવેલા. ત્યારે ત્યાં ટીવી પત્રકારો આવેલા અને તેમના માટે ફોટો કઈ રીતે પાડવો એ એક સમસ્યા હતી."

"એ પ્રસંગે લોકો એમને સલાહ આપતા હતા. કોઈ કહેતા હતા કે સામે ચાદર પકડી રાખીશું, તો કોઈ કહેતા કે કૅમેરાને એવી જગ્યાએ રાખીશું જ્યાંથી એમનો ચહેરો ફ્રેમમાં ન આવે. એક વાર તો એમણે એમ પણ કહેલું કે કાલે જો કોઈ છાપા કે ટીવી પર મારી કોઈ તસવીર આવી છે તો, એ પત્રકાર માટે એ સારું નહીં હોય.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો