તાલિબાને કહ્યું, કાશ્મીરના મુસલમાનો માટે અવાજ ઉઠાવવાનો 'અમને અધિકાર' - BBC Exclusive
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીનનું કહેવું છે કે તેમની પાસે જમ્મુ-કાશ્મીરના મુસ્લિમો માટે અવાજ ઉઠાવવાનો અધિકાર છે. બીબીસી સાથે ઝૂમ પર વીડિયો ઇન્ટરવ્યૂમાં સુહૈલ શાહીને અમેરિકા સાથેના દોહા કરાર બાદ વાત કરતાં કહ્યું કે કોઈ પણ દેશની સામે સશસ્ત્ર અભિયાન ચલાવવું એ તેમની નીતિ નથી.
બીબીસી સંવાદદાતા વિનીત ખરે સાથે દોહાથી વાત કરતાં શાહીને કહ્યું, "એક મુસલમાન તરીકે, ભારતના કાશ્મીર કે કોઈ અન્ય દેશના મુસ્લિમ માટે અવાજ ઉઠાવવાનો અમને અધિકાર છે. અમે અવાજ ઉઠાવીશું."

ઇમેજ સ્રોત, SERGEI SAVOSTYANOV\TASS VIA GETTY IMAGES
છેલ્લાં કેટલાંક વર્ષથી ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં રહ્યું છે. એવા આરોપ લાગે છે કે 2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બની તે પછી મુસ્લિમો વિરુદ્ધની નફરત વધી છે, જોકે ભાજપ આ આરોપોને નકારે છે.
બીબીસી સાથેના ઇન્ટરવ્યૂમાં તાલિબાનના પ્રવક્તાએ આગામી સરકાર, પંજશીરમાં સંઘર્ષ, ભારતીય પત્રકારની હત્યા સહિત અનેક મુદ્દે વાત કરી હતી અને પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.

કાશ્મીર અંગે શું કહ્યું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જમ્મુ-કાશ્મીરની સ્વાયત્તતા ખતમ કરવાના ભારતનો નિર્ણય અને તેને લાગુ કરવાની રીતને લીધે ત્યાં રહેનારા કેટલાય લોકો નારાજ છે.
કાશ્મીર ગત ચાર દાયકાથી ભારત-પાકિસ્તાન વચ્ચે વિવાદનું કેન્દ્ર રહ્યું છે.
હવે પાકિસ્તાન સમર્થિત તાલિબાનનો અફઘાનિસ્તાન પર કબજો થઈ ગયો છે અને ભારતમાં કેટલાય લોકોને આશંકા છે કે તાલિબાનનાં કેટલાંક જૂથોની નજર જમ્મુ-કાશ્મીર પર હોઈ શકે છે; તેને પાકિસ્તાનની ભારતવિરોધી શક્તિઓનું સમર્થન મળી શકે છે.
પાકિસ્તાની ટીવીની એક ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શૅર કરવામાં આવી રહ્યો છે, જેમાં પાકિસ્તાનના શાસક પક્ષ પીટીઆઈનાં પ્રવક્તા નીલમ ઇર્શાદ શેખ કહે છે, "તાલિબાને કહ્યું છે કે તે આપણી સાથે છે અને તે કાશ્મીર(ને આઝાદ કરાવવા)માં આપણી મદદ કરશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને કહ્યું, "બે ચીજ છે. અમે અમેરિકા સાથે દોહા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એ મુજબ અમે કોઈ જૂથ કે સંસ્થાને અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ બીજા દેશ વિરુદ્ધ કરવાની પરવાનગી આપીશું નહીં."
"પાછલા દિવસોમાં, અઠવાડિયા-દસ દિવસ પહેલાં એક ઘટના ઘટી હતી. એક તાલિબાનીએ એક ગુરુદ્વારાનો ધાર્મિક ધ્વજ ઉતારી લીધો છે. અમે લઘુમતીઓના વિરોધમાં નથી." તાલિબાને લઘુમતીઓને એની પરંપરાનું પાલન કરવાની આઝાદી આપી હોવાની તેમણે વાત કરી.
એ સાથે જ તેમણે કહ્યું, "એ રીતે એક મુસલમાન તરીકે અમને પણ હક છે કે કાશ્મીરમાં, ભારતમાં કે વિશ્વના બીજા દેશમાં મુસલમાનો પર અત્યાચાર થતા હોય તો અમે તેની સામે અવાજ ઉઠાવીશું. જુઓ, એ મુસલમાનો તમારા લોકો છે, તમારા નાગરિકો છે. તમારા કાયદા મુજબ એ બધા સમાન છે તો તેનો અમલ કરો. તેમને અધિકાર આપો."
"આ અમે અગાઉ પણ કહ્યું હતું અને ભવિષ્યમાં પણ કહીશું, પરંતુ કોઈ દેશ વિરુદ્ધ કાર્યવાહી કરવાની, લશ્કરી અભિયાન હાથ ધરવાની અમારી નીતિ નથી."

હિંદુસ્તાન, પાકિસ્તાન અને તાલિબાન

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના નેતૃત્વમાં 2001માં તાલિબાનને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢી મુકાયું હતું. આ પહેલાં ભારતે નૉર્ધન ઍલાયન્સનું સમર્થન કર્યું હતું, જે તાલિબાન વિરુદ્ધ હતું.
20 વર્ષ બાદ પાકિસ્તાન સમર્થિત તાલિબાન ફરીથી સત્તામાં આવતાં ભારતની ચિંતા વધી ગઈ છે. વળી, અશરફ ઘનીની સરકાર સાથે પણ ભારતના સારા સંબંધો હતા.
ભારતે અફઘાનિસ્તાનમાં માળખાગત સુવિધાઓમાં કરોડોનું રોકાણ કરીને પોતાને એક સોફ્ટ પાવરની રીતે સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો, પણ હવે તાલિબાન પરત ફરતાં આ રોકાણ બેકાર જાય એવો ભય સેવાઈ રહ્યો છે.
31 ઑગસ્ટે તાલિબાન સાથેની પ્રથમ અધિકારિક વાતચીતમાં ભારતે પોતાની ચિંતા તાલિબાનની દોહા ઑફિસમાં શેર મહમદ અબ્બાસ સ્તનિકઝઈ સમક્ષ રજૂ કરી હતી.
એ બેઠકમાં ભારતે કહ્યું હતું, "અફઘાન માટીનો ઉપયોગ ભારતવિરોધી હિલચાલ કે કોઈ પણ પ્રકારના આતંકવાદ માટે ન થવો જોઈએ."
સુહૈલ શાહીને આ અંગે જણાવ્યું, "અમારા અંગેની હિન્દુસ્તાનની નીતિ દુષ્પ્રચાર પર આધારિત છે. ભારત તરફથી અમારા વિરુદ્ધ બહુ વધારે પ્રૉપેગૅન્ડા ચલાવવામાં આવી રહ્યો છે."
"અમે એક લિબરેશન ફૉર્સ છીએ, એવી લિબરેશન ફૉર્સ જે ભારતમાં બ્રિટિશ રાજ વિરુદ્ધ હતી, પાકિસ્તાનમાં હતી તેની આઝાદી માટે."
"પાકિસ્તાન અમારો પાડોશી દેશ છે, એ હકીકત છે. એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઇસ્લામિક સંબંધ છે, એ પણ હકીકત છે. અફઘાનિસ્તાનના અનેક શરર્ણાથીઓ ત્યાં છે એ પણ હકીકત છે. એ કોઈનાથી છૂપું નથી, પરંતુ અમારી નીતિ અલગ છે, પાકિસ્તાનની નીતિ અલગ છે."
"પાકિસ્તાન સાથે અમારા રાજકીય સંબંધ છે, પરંતુ તેઓ કહે છે કે અમે પાકિસ્તાન માટે લડીએ છીએ, જે ખોટું છે. એ હકીકત નથી."

ભારત માટે પસંદગી સરળ નથી

ઇમેજ સ્રોત, SAEED KHAN/AFP/GETTY IMAGES
અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશો જાહેરમાં તાલિબાન સાથે વાતચીત કરી રહ્યા છે, પણ ભારતીય અધિકારીઓ માટે આ આટલું સરળ નથી.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકા જતું રહ્યું એ બાદ શ્રેષ્ઠ તાલીમ અને હથિયારોથી સજ્જ તાલિબાનના હક્કાની ગ્રૂપે કથિત રીતે કાબુલમાં ભારતીય દૂતાવાસ સહિત ભારતીય સંપત્તિ પર હુમલો કર્યો હોવાનું ભારતીય નીતિ અંગેના કાર્નેગી ઇન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે.
રિપોર્ટ અનુસાર "આઈએસઆઈ અને હક્કાની નેતૃત્વ વચ્ચેના સંપર્કને જોતાં એવું જણાઈ રહ્યું છે કે ફરીથી એકજૂથ થયેલું હક્કાની ગ્રૂપ ભારતીવિરોધી ઍજેન્ડાને ચાલુ રાખશે."
આ અંગે વાત કરતાં તાલિબાનના પ્રવક્તાએ કહ્યું, "હક્કાની ગ્રૂપ જેવું કોઈ ગ્રૂપ નથી. એ 'ઇસ્લામિક અમીરાત ઑફ અફઘાનિસ્તાન'નો હિસ્સો છે, એ ઇસ્લામિક અમીરાત ઑફ અફઘાનિસ્તાન છે. હક્કાની સાહેબ તો ડેપ્યુટી અમીર છે."
"ઇસ્લામિક અમીરાતની જે નીતિ છે તેનું પાલન બધા લોકો કરે છે. હક્કાની સાહેબ અમારા નેતા છે. તેઓ નીતિ બનાવે છે અને તેમની નીતિ બધાને લાગુ પડે છે, એ સૈનિક હોય કે કમાન્ડર."
શાહીને અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ તથા અન્ય ઠેકાણાં ઉપર હુમલા માટે હક્કાની જૂથને જવાબદાર માનવાનો ઇન્કાર કર્યો હતો.
ભારતીયોનાં મનમાં દિલ્હીથી કાઠમંડુ જઈ રહેલા વિમાનના અપહરણમાં તાલિબાનની ભૂમિકા સંબંધિત યાદો હજુ પણ તાજી છે. એ વિમાનમાં 180 લોકો સવાર હતા.
કાર્નેગી રિપોર્ટ અનુસાર, "આ (તાલિબાન) એ જ સંગઠન, જેણે આતંકવાદીઓને 1999માં ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાનના અપહરણ બાદ પાકિસ્તાનમાં પહોંચવામાં મદદ કરી હતી."
આ અંગે સુહૈલ શાહીન જણાવ્યું, "1999માં ભારતીય વિમાનના લોકોને બંધક બનાવવાની ઘટનામાં અમે સામેલ ન હતા. વિમાન લાહોર ગયું હતું. પછી દુબઈ ગયું હતું, જ્યાં તેને ઉતરાણની પરવાનગી મળી ન હતી. તેથી હિન્દુસ્તાને અમને વિનંતી કરી હતી, કારણ કે વિમાનમાં ઈંધણ ખૂટી જવામાં હતું. તેથી ઉતરાણ કરવાની પરવાનગી આપવામાં આવે. પછી તેની મુક્તિમાં અમે મદદ કરી હતી."
"અમે તેમાં સામેલ નહોતા. અમારી કોઈ ભૂમિકા ન હતી અને અમે એવું ઇચ્છતા પણ નહોતા. અમે તો હકારાત્મક ભૂમિકા ભજવી હતી, જેથી તમામ બંધકોને મુક્ત કરાવી શકાય. ભારત સરકારે અમારો આભાર માનવા જોઈએ."

દાનિશ સિદ્દીકીની હત્યા વિશે

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY/GETTY
તાલિબાનના પ્રવક્તાએ ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા સંબંધિત કોઈ પણ જાણકારી હોવાનો ઇન્કાર કર્યો છે.
તેમણે કહ્યું, "તેઓ કોની ગોળીથી મર્યા એની અમને જાણ નથી. એ એક ઘર્ષણ હતું. ત્યાં ગોળીબાર થયો હતો."
પુલિત્ઝર વિજેતા દાનિશ સિદ્દીકી સમાચાર સંસ્થા રૉયટર્સ માટે કામ કરતા હતા. તેઓ અફઘાન સૈન્યની એ ટીમ સાથે હતા, જેના પર તાલિબાને હુમલો કર્યો હતો.
દાનિશની હત્યાના કેટલાક દિવસો બાદ એક નાગરિકે બીબીસીને કહ્યું હતું કે દાનિશના મૃતદેહને ઘેરીને તાલિબાનના લડવૈયાઓએ કહી રહ્યા હતા કે તેમણે "ભારતના એક જાસૂસને પકડીને મારી નાખ્યો."
સુહૈલ શાહીને પંજશીરની ખીણમાં સ્થિતિને 'તણાવપૂર્ણ' પણ ગણાવી છે.
તાલિબાનીઓ ઘરેઘરે જઈને લોકોને શોધી રહ્યા હોવાના સમાચારો પણ તેમણે પાયાવિહાણો ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે 'કોઈ પણ હિટ લિસ્ટ નથી બનાવાયું.'


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












