ગાંધીનગર પોલીસને ત્રણ ફૂટ ઊંચી બ્રેક લાઇટનું પગેરું મળ્યું અને મહેંદીની હત્યાનો ભેદ ઉકેલાયો
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં બિનવારસી બાળકના કેસમાં નવો વળાંક આવ્યો અને પોલીસને હત્યા કરી દેવાયેલી માતાની પણ ભાળ મળી. આ કેસ શરૂઆતમાં ફક્ત એક બિનવારસી બાળકનો હતો પણ હવે મર્ડર મિસ્ટરી બહાર આવી છે.
ગૌશાળા પાસે છોડનાર હત્યારા બાપને શોધનારી પોલીસ ટીમના અધિકારી અભય ચુડાસમા કહે છે કે "ગૌશાળાની બહાર બાળકને છોડી જનાર યુવાનને ઓળખવો મુશ્કેલ હતો."
"જેટલાં મોઢાં એટલી વાતો હતી, પણ અમે સીસીટીવીમાં જોયું કે જે બાળકને છોડીને જનાર વ્યક્તિ જે વાહનમાં પરત ગઈ એ વાહનની બ્રેક લાઇટ ઊંચી હતી એટલે બાળકને છોડવા આવનાર બાઇક નહીં પણ કારમાં આવ્યો હોવો જોઈએ. આ અમારા માટે પહેલી અને અગત્યની લીડ હતી જેના આધારે અમે ગણતરીના કલાકોમાં હિના પેથાણીના ખૂની સુધી પહોંચી શક્યા..."

ઇમેજ સ્રોત, GANDHINAGAR POLICE
ગાંધીનગરના પેથાપુરમાં એક ગૌશાળા પાસે એક બાળકને કોઈને મૂકીને જતું રહ્યું હતું, બાદમાં એ કિસ્સો ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
આ ઘટના બાદ ગુજરાતની પોલીસ બાળકને મૂકી જનારની શોધમાં લાગી હતી. સોશિયલ મીડિયામાં પણ એ બાળકના ફોટો અને વીડિયો ફરતા થયા હતા. જોકે એ પછી જિલ્લા બાળ સુરક્ષા એકમે તસવીરો જાહેર ન કરવા મીડિયાને પત્ર પણ લખ્યો.

ઇમેજ સ્રોત, DCPU

બાળકને તરછોડવાની એ ઘટના શું હતી?

ઇમેજ સ્રોત, GANDHINAGAR POLICE
આ કેસમાં સીસીટીવીના આધારે ગુનેગારનું પગેરું શોધવામાં ગાંધીનગર એલસીબીના ઇન્સ્પેક્ટર એચ.પી. ઝાલાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે પહેલાં એવી વાત આવી હતી કે કોઈ બાઇક પર આવીને આ બાળકને મૂકી ગયું છે, પણ અમે જોયું કે બાળકને તરછોડી જનાર જે વાહનમાં બેસી પરત ગયો હતો એ વાહન સ્પષ્ટ દેખાતું નહોતું. પણ એની બ્રેક લાઇટ ઊંચી હતી એટલે એક વાત તો નક્કી થઈ ગઈ હતી કે બાળકને તરછોડનાર કારમાં આવ્યો હતો.
"અમે ત્યારબાદ આજુબાજુની સોસાયટીના સીસીટીવી કૅમેરા ચેક કર્યા તો એક સફેદ સેન્ટ્રો કાર ત્રણ વાર ગૌશાળાની પાસેથી પસાર થઈ હતી. પણ હાઈ રિજોલ્યુએશનવાળા કૅમેરા ન હોવાથી અમે કારનો નંબર મેળવી શક્યા નહોતા. તરત જ અમે પેથાપુર ચાર રસ્તા પાસેના હાઈ રિજોલ્યુએશનવાળા કૅમેરાનાં ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ગૌશાળા તરફ જતી બધી કારમાંથી સફેદ કારને ડિટેકટ કરી, જેમાં કારચાલાકની બાજુમાં કંઈક દેખાયું. પણ અમને કારનો નંબર મળી ગયો. કાર જે ગતિથી ચાલી રહી હતી એના પરથી એક અંદાજ આવી ગયો હતો કે કાર ચલાવનાર ટ્રાફિક ના હોવા છતાં મધ્યમ ગતિથી કાર ચલાવતો હતો."
"અમે તાત્કાલિક ઉપરી અધિકારીને જાણ કરી, કારણ કે જે સમયે બાળક તરછોડાયું એ સમયે આ એક જ કારનાં ફૂટેજ મેચ થતાં હતાં."
ગાંધીનગરમાં ડીવાયએસપી એમ. કે. રાણાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અમે તાત્કાલિક કારના નંબર પરથી કારમાલિકનું એડ્રેસ શોધ્યું તો એ ગાંધીનગરના સેક્ટર 26નું હતું. કારના પરત જવાનો રસ્તો પણ એ જ હતો.
"અમે સીધા ત્યાં પહોંચ્યા તો એ એડ્રેસ પર કાર પડેલી હતી અને કાર જ્યાં પાર્ક થઈ હતી એ મકાન પર કારમાલિકનું નામ પણ હતું. આટલી કડી અમારા માટે પૂરતી હતી. અમે આસપાસ તપાસ કરી તો ખબર પડી કે કાર જે ઘરની બહાર હતી એ ઘરમાં કોઈ દસ કે અગિયાર મહિનાનું બાળક નહોતું, પણ અમે જે કાર સીઝ કરી એમાંથી અમને કેટલાક પુરાવા મળ્યા, જે એ સાબિત કરવા માટે પૂરતા હતા કે આ કારમાં બાળકને લેવાયું હતું."
"અમને ત્યારે જ ખબર પડી ગઈ હતી કે અગિયાર મહિનાના બાળકને તરછોડનાર વ્યક્તિની કાર હતી. આ લીડ અમારા માટે પૂરતી હતી."

બાળકને મૂકી જનાર કોણ હતું?

ઇમેજ સ્રોત, GANDHINAGAR POLICE
ગાંધીનગરના એસપી મયૂર ચાવડાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે તરત જ કારના માલિકને ફોન કર્યો તો એમને કહ્યું કે કાર એમનો દીકરો વાપરે છે. એનું નામ સચીન દીક્ષિત છે. અમે શાંતિપૂર્વક એના પિતાને સમજાવ્યા કે એમનો દીકરો કોઈ અગિયાર મહિનાનું બાળક ગૌશાળા સામે છોડીને જતો રહ્યો છે, જેના કારણે એમને અને એમના પરિવારને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે."
"એમના પિતા માટે આ મામલો આઘાતજનક હતો. એમને ફોન ચાલુ રાખી એમના દીકરા સાથે વાત કરી તો એ પોલીસનું નામ સાંભળી ભાંગી પડ્યો અને એમને પણ ત્યારે ખબર પડી કે વાસ્તવમાં એમનો દીકરો ગૌશાળા પાસે બાળક છોડી ગયો છે."
એસપી મયૂર ચાવડા કહે છે કે એના (સચીન દીક્ષિત) પિતાએ પોલીસને સહકાર આપ્યો. એમને કહ્યું કે એ લોકો સામાજિક પ્રસંગમાં કોટા આવ્યા છે પણ તરત ગાંધીનગર પરત ફરે છે.
"ફોન સર્વેલન્સમાં હતો. વાસ્તવમાં થોડી વાર એમની કાર ત્યાં ઊભી રહી અને પછી પરત ફરી ત્યાં સુધીમાં અમે અમારા રાજસ્થાનના સોર્સને ખાનગી ડ્રેસમાં એમની કારનો પીછો કરવા કહ્યું, કારણ કે સચીનના પિતા એ જે કારમાં કોટા ગયા હતા એની વિગતો અમને આપી હતી."
"અમારા રાજસ્થાનના માણસો એમનો પીછો કરતા હતા અને અમે અહીંથી કાર લઈને સામે પહોંચી રહ્યા હતા, પરંતુ સચીનના પિતા પોલીસને સહયોગ આપી રહ્યા હતા. એ લોકો રાજસ્થાનથી ગુજરાત પહોંચ્યા ત્યારે અમે એમને આંતર્યા, સચીનનો કબજો લઈ વહેલી સવારે અમે ગાંધીનગર પહોંચ્યા, પણ આખોય દીક્ષિત પરિવાર આઘાતમાં હતો."
મયૂર ચાવડા વધુમાં કહે છે કે સચીન માનસિક રીતે ભાંગી ગયો હતો, એ અસ્વસ્થ હતો. એને શનિવારે બપોર સુધીમાં કબૂલ કરી લીધું હતું કે એ બાળકનો પિતા છે અને બાળકનું નામ શિવ (બદલેલ નામ) છે.
"એના લગ્નેતર સંબંધથી બાળક થયું છે. એની બીજી પત્નીનું નામ હિના પેથાણી છે ઉર્ફે મહેંદી છે."
તેઓ કહે છે, "અમારા માટે તપાસમાં હજુ પણ ઘણી હર્ડલ હતી. અમે એની વધુ તપાસ કરી અને એની પત્નીનો ફોન નંબર એને અમને આપ્યો, પણ ફોન કોઈ ઉઠાવતું નહોતું. ફોનના ટાવરનું લોકેશન વડોદરાનું હતું, પણ અમે કોઈ જોખમ લેવા માગતા નહોતા. એની બીજી પત્ની સાથે એણે કંઈ કર્યું તો નહીં હોય એ ડર અમને હતો. એને સાયકોલૉજિકલ દબાણમાં લઈ એના વડોદરાના ઘરનું એડ્રેસ લીધું, પણ અમે કોઈ ઉતાવળ કરવા માગતા નહોતા."

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH
ગાંધીનગરના રેન્જ આઈજી અભય ચુડાસમાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અમે એનું સઘન ઇન્ટ્રોગેશન કર્યું ત્યારે એને કબૂલ કર્યું કે એને લગ્નેતર સંબંધ હતા.
"અમદાવાદના બોપલમાં પહેલાં રહેતી અને ઇવેન્ટ મૅનેજમૅન્ટનું કામ કરનારી હિના પેથાણી ઉર્ફે મહેંદી સાથે એને 2018માં પ્રેમ થયો હતો. બંને સાથે રહેતાં હતાં, એમાંથી એને એક બાળક થયું હતું. વડોદરામાં નોકરી મળતાં એ હિનાને લઈ વડોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો."
"એને સામાજિક પ્રસંગ માટે પોતાના પરિવાર સાથે બહારગામ જવાનું હતું એમાં હિના જોડે ઝઘડો થતા ઉશ્કેરાટમાં એનાથી ખૂન થયું છે. લાશને બેગમાં નાખી હતી. હિનાના ખૂન પછી બાળકના ભવિષ્યનું શું થશે એ બીકમાં એ એને પેથાપુર ગૌશાળાની બહાર મૂકી આવ્યો હતો, જેથી એને અનાથ સમજીને એને કોઈ અપનાવી લે."
પોલીસના જણાવ્યા અનુસાર, વડોદરામાં ઘરેથી લાશ લઈને પોસ્ટમૉર્ટમમાં મોકલી આપી છે અને એની વધુ તપાસ માટે રિમાન્ડ લીધા છે, જેમાં હત્યાનાં બીજાં કારણો પણ બહાર આવશે.

કોણ છે સચીન દીક્ષિત અને હિના?
એક ખાનગી કંપનીમાં નોકરી કરતો સચીન દીક્ષિત પહેલેથી ચાર વર્ષના બાળકનો પિતા છે. એના પિતા નિવૃત્ત સરકારી ઑફિસર છે.
એની પહેલી પત્ની ગાંધીનગરમાં પોતાનો બિઝનેસ કરે છે. સચીન દીક્ષિતના પરિવારને એના લગ્નેતર સંબંધોની ખબર નહોતી.
બીબીસીએ સચીનના પરિવારનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સચીનનાં પત્ની અનુરાધા દીક્ષિત અને એના પિતા નંદકુમાર દીક્ષિતનું મેન્ટલ ટ્રૉમામાં કાઉન્સિલિંગ ચાલતું હોવાને કારણે કોઈ પ્રતિક્રિયા લઈ શકાઈ નથી.
બીબીસીએ અમદાવાદના જુહાપુરામાં રહેતા એમના પિતા મહેબૂબ પેથાણીનો સંપર્ક કર્યો ત્યારે અચાનક દીકરીના મોતના સમાચાર સાંભળીને આઘાતમાં સરી ગયા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મહેબૂબભાઈને બ્લડપ્રેશર લો થતા ગ્લુકોઝના બાટલા ચઢાવવા પડ્યા હતા. દીકરીના પોસ્ટમૉર્ટમ બાદની વિધિ કરવા વડોદરા જતા પહેલાં એમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે મૂળ જૂનાગઢના કેશોદના છીએ. મારા પહેલા લગ્નથી મહેંદીનો જન્મ થયો હતો. મહેંદીની માસીએ મારા છૂટાછેડા કરાવ્યા અને મહેંદીને મારાથી દૂર કરી."
"દીકરી દૂર થાય પણ બાપ દીકરીથી દૂર ના થાય. મને એના મોતનો આઘાત લાગ્યો છે. એના સમાજના રીતરિવાજ મુજબ 2014માં આદિલ સાથે લગ્ન થયાં હતાં, પણ એ લગ્ન તૂટી ગયાં અને એની માસી સાથે એ રહેતી હતી, મારા સંપર્કમાં નહોતી. પણ જો એ અમારી સાથે હોત તો એનું આવું મૃત્યુ ના થયું હોત. હું મારા નવાસાને રાખવા તૈયાર છું, પણ કોઈ બેઔલાદ પરિવાર એને સ્વીકારતો હોય તો મને વાંધો નથી."
હિનાના પિતાના મિત્રે બીબીસીને હિનાના પૂર્વ પતિ આદિલ સાથે ફોન પર કરાવેલી વાતચીતમાં એણે કહ્યું કે એ હિનાને પ્રેમ કરતો હતો. 2014માં લગ્ન થયાં હતાં અને પછી છૂટાછેડા બાદ ફરી લગ્ન પણ કર્યાં હતાં. ફરી અલગ થઈ ગયાં. પછી હિના એની પાસે આવવા માગતી હતી, પણ સચીન સાથેના સંબંધો બાદ એની કોઈ ખબર નથી.

ઇમેજ સ્રોત, hiren dhakan
તો કેશોદમાં રહેતા હિનાના કાકા મુન્નાભાઈ પેથાણીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "હિના અહીં દસમા ધોરણ સુધી ભણી હતી. અહીં આગળ સ્કૂલ ન હોવાથી એ અમદાવાદ ગઈ હતી. અમદાવાદમાં ભણતી હતી અને એનાં લગ્ન પણ અમારી જ્ઞાતિના યુવાન સાથે થયાં હતાં. છૂટાછેડા બાદ એની માસી સાથે રહેતી હતી. એ સારું કમાતી હતી એની અમને ખબર હતી, પણ સચીન સાથેનાં લગ્ન અને બાળક વિશે અમને કોઈ જાણ નહોતી."
બીબીસીએ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા હિનાનાં માસીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ તેમની સાથે સંપર્ક થઈ શક્યો નહોતો.
પણ એના માસા જિતેન્દ્ર રાઠોડે વડોદરાના સ્થાનિક પત્રકારની મદદથી એમને બીબીસી સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે "એને સચીન સાથે લગ્ન કર્યાં પછી અમને જાણ કરી હતી. એ બાળકના જન્મ પછી છ મહિના સુધી અમારી સાથે રહી. અમે વડોદરા એના સંપર્કમાં હતા, પણ બે દિવસથી એનો સંપર્ક થઈ શક્યો નહોતો અને અમને બાદમાં ખબર પડી કે સચીને એની હત્યા કરી છે. એ ઇવેન્ટ મૅનેજમૅન્ટનું કામ કરતી હતી અને સચીન સાથે સુખી હતી. અમને ખબર નહોતી કે સચીન પરિણીત છે."
બીજી તરફ પોલીસે સચીન દીક્ષિતને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી 14 ઑક્ટોબર સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
ગાંધીનગર એસપી મયૂર ચાવડાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે સચીન દીક્ષિતનો પરિવાર મેન્ટલ ટ્રૉમામાં છે એટલે અમે સચીનનાં પત્ની અને એના પિતાને ખાસ કાઉન્સિલરની મદદથી ટ્રોમામાંથી બહાર લાવવા પ્રયાસ કરી રહ્યા છીએ.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














