ઉત્તર ગુજરાતની એ લેખણી પ્રથા જેમાં પતિ-પત્નીને ધરાર છૂટાછેડા આપી દેવાય છે
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"પોલીસ મારા ભત્રીજાના કેસમાં હત્યાનો ગુનો દાખલ નહોતી કરતી પણ લેખણીના પૈસાને લીધે મારા ભત્રીજાનું ખૂન થયું હોવાની વાત કરી એટલે કોર્ટે કેસની ફરીથી તપાસ કરવાના આદેશ આપ્યા. હવે અમને આશા છે કે આવનારા દિવસોમાં મારા ભત્રીજાના મૃત્યુના મામલે અમને ન્યાય મળશે."
બનાસકાંઠાના ધાનેરાના નાના એવા ગામ ભાતીદમાં રહેતા મંગળાભાઈ ખામભુના આ શબ્દો છે.
મંગળાભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે અને તેમનો પરિવાર સાટાપાટા પદ્ધતિને અનુસરે છે. પરિવારમાં બધા ખેતમજૂરી કરે છે અને મંગળાભાઈ ડ્રાઇવર તરીકે કામ કરે છે.

ઇમેજ સ્રોત, Bhargav Parikh
મંગળાભાઈની દીકરીનાં લગ્ન નજીક આવેલા જાડી ગામમાં એમની જ જ્ઞાતિના છોકરા સાથે થયાં હતાં. જે છોકરા સાથે એમની છોકરીનાં લગ્ન થયાં હતાં, એની બહેન સાથે એમના બીજા ભત્રીજાના સાટાપાટા પદ્ધતિ હેઠળ લગ્ન થયાં હતાં.
બીબીસી સાથેની વાતચીતમાં મંગળાભાઈએ કહ્યું, "મારો ભત્રીજો એની બહેનને મળવા માટે અવારનવાર જાગી ગામ જતો હતો. એ દરમિયાન ફળિયામાં રહેતી પીના નામની છોકરી સાથે એની આંખ મળી ગઈ."
"સાટાપાટા પ્રમાણે અમારી જ્ઞાતિમાં લગ્ન કરવા માટે મારા ભત્રીજાને કોઈ બહેન નહોતી. એટલે એ બન્ને જણાએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કરી લીધું."
"ગયા વર્ષે કોરોનાનું સંક્રમણ ઘટ્યું એટલે મારો ભત્રીજો ચંદુ ખામભુ અમદાવાદમાં હીરા ઘસવા માટે જતો રહ્યો. આ દરમિયાન એક દિવસ જાડી ગામથી છોકરીના પિતા પોતાના સગાઓને લઈને મારા ઘરે આવ્યા અને અમારો દીકરો અમની દીકરી પીનાને લઈને ભાગી ગયો હોવાનું કહીને ઝઘડો કર્યો."

સાટાપાટા પદ્ધતિ વગરનાં લગ્ન સામે સમાજ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, ANAND VAGHASIYA / EYEEM
મંગળાભાઈના ભત્રીજા પર સાટાપાટા પદ્ધતિ વગર લગ્ન કરવાનો આરોપ હતો.
મંગળાભાઈ આગળ જણાવે છે, "અમે અમારા ભત્રીજાને શોધતા હતા ત્યારે અમને ખબર પડી કે પીનાએ પંચમહાલના કાલોલના રાબોડ ગામમાં પ્રેમ લગ્ન કરી લીધાં હતાં અને પીનાએ કોર્ટમાં સોગંદનામું કર્યું હતું કે એની મરજીથી લગ્ન કર્યાં છે અને પિતાના ઘરેથી કંઈ લઈને નીકળી નહોતી."
બન્ને પ્રેમીજનોએ ભાગીને 3 ઑક્ટોબર 2020ના રોજ લગ્ન કરી લીધાં હતાં અને બન્ને પરિવારને દસ ઑક્ટોબરે આ અંગે જાણ કરવામાં આવી. જે બાદ 12 ઑક્ટોબરે નવદંપતીને જાડી ગામમાં લાવવામાં આવ્યું.
મંગળાભાઈના જણાવ્યા અનુસાર સાટાપાટા પદ્ધતિથી લગ્ન ન કર્યાં હોવાના લીધે જાડી ગામના લોકોએ બન્નેનાં લગ્ન રદ કર્યાં અને ચંદુને દંડપેટે 1 લાખ 80 હજાર રૂપિયા ચૂકવવા ફરમાન કરાયું.
14 ઑક્ટોબરે ચંદુને મુક્ત કરવામાં આવ્યા અને તે ભાતીદ ગામે પહોંચ્યા. મંગળાભાઈના જણાવ્યા અનુસાર એ વખતે એમના ભત્રીજાના શરીર પર ઘાનાં નિશાન હતાં.

સાટાપાટા વગર લગ્નનો કારણે હત્યા થઈ કે લેખણીની રકમને કારણે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મંગળાભાઈ અને તેમના પરિવારને દંડની રકમ ભરવાની હતી અને આ દરમિયાન 16 ઑક્ટોબરે તેમના ભત્રીજાને કોઈ ફોન આવ્યો અને તેઓ બહાર જતા રહ્યા. જે બાદ 18 ઑક્ટોબરે ભાતીબ ગામની સીમમાં ઝાડ પર લટકતો એમનો મૃતદેહ મળી આવ્યો.
ચંદુની હત્યા કરી દેવાઈ હોવાના આરોપસર મંગળાભાઈના પરિવાર પોલીસ સમક્ષ ધા નાખી.
મંગળાભાઈના જણાવ્યા અનુસાર પોલીસ તેમની વાત માનવા તૈયાર નહોતી અને આ મામલે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને કાર્યવાહી કરવાનો ઇન્કાર કરી રહી હતી. જે બાદ તેઓ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા.

મહિલા અને પુરુષ બેઉ માટે ખતરનાક રિવાજ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
ગુજરાત હાઈકોર્ટમાં મંગળાભાઈનો કેસ લડી રહેલા ઍડ્વોકેટ અંકિત બચાણીએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ પરિવાર અમારી પાસે આવ્યો ત્યારે મૃતદેહનો ફોટો જોયા બાદ અમને લાગ્યું કે આ અપમૃત્યુનો કેસ નથી. કારણ કે ઝાડ પર લટકતા મૃતદેહના શરીર પર શર્ટ નહોતું. જો કોઈ આત્મહત્યા કરે તે શર્ટ કેમ કાઢે?"
"આ ઉપરાંત ઝાડ પર લટકતા મૃતદેહના પગમાં સ્લીપર પહેરેલા હતા. સૅન્ડલ કે બૂટ હોય તો ના નીકળે પણ પગમાં સ્લીપર કેવી રીતે રહે?"
"પોલીસને જેના પર શંકા હતી એ વ્યક્તિ કે ચંદુના ફોનની ડિટેઇલ પણ ચકાસી નહોતી. જેના આધારે કોર્ટે પોલીસને નોટિસ ઇસ્યૂ કરીને રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે. જેમા લેખણીના પૈસાનો ઉલ્લેખ કરીને એફઆઈઆર નોંધી તાત્કાલિક તપાસ કરી રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો છે."
આ મામલે વાત કરતાં પૂર્વ જજ જ્યોત્સ્ના યાજ્ઞિકે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ગુજરાતમાં નીચલા વર્ગમાં ચાલતી લેખણી પ્રથા મહિલા અને પુરુષ બન્ને માટે અત્યંત જોખમી છે. નાનાં ગામડાંમાં રહેતા લોકો અને કેટલીક જ્ઞાતિમાં લગ્નના છૂટાછેડા માટે 'કસ્ટમરી ડિવૉર્સ'ના નામે લેખણીનો રિવાજ ચાલે છે, જેમાં સમાજના આગેવાનો એમની મરજી મુજબ દંડ જાહેર કરીને છૂટાછેડા આપી દે છે. આવા કિસ્સામાં છોકરીનાં લગ્ન બીજે થાય તો એ હિંદુ મૅરેજ ઍક્ટ પ્રમાણે ગેરકાયદે ગણાય છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
એક મહિના પહેલાં અવાજ એક કેસમાં 'કસ્ટમરી ડિવૉર્સ'ના નામે લેખણી કરી ચાલતા કુરિવાજ સામે ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હતો.
જેમાં જસ્ટિસ જે. બી. પારડીવાળા અને જસ્ટિસ નાણાવટીની બૅન્ચે આ રિવાજ ખોટો હોવાનો અને મહિલાઓનું શોષણ કરનારો હોવાનો આદેશ આપ્યો હતો.
જોકે, આજે પણ ' કસ્ટમરી ડિવૉર્સ'ના નામે લેખણીનો રિવાજ ચાલે છે, અને તેમાં ગરીબ પરિવારનું શોષણ થાય છે .
જાણીતા સમાજશાસ્ત્રી પ્રો.રાજેન્દ્ર જાની આ મામલે જણાવે છે કે ગુજરાતના કેટલાક વિસ્તારમાં સાટાપાટાનો રિવાજ ચાલે છે. જેમાં ભાઈનાં લગ્ન જે કુટુંબમાં થાય એ જ કુટુંબમાં બહેનનાં લગ્ન થાય છે.
"એક કુટુંબમાં ભાઈ-બહેનનાં લગ્ન સાટાપાટામાં થાય તો મિલકત કે પશુ દહેજ તરીકે આપવા ન પડે અને ઘરની સંપત્તિ જો દહેજમાં અપાઈ હોય તો એ કુટુંબમાં જળવાઈ રહે. આવા આશયથી પ્રથા શરૂ થઈ હતી."
"આ ઉપરાંત જો કોઈનું અવસાન થાય તો ભાઈ અથવા બહેન એમનાં બાળકોની કાળજી રાખે અને ભાઈબહેન એકજ કુટુંબમાં હોય તો છૂટાછેડા ના થાય. સાટાપાટા રિવાજમાં સમય જતાં નવી પદ્ધતિ ઉમેરાઈ અને એ લેખણી છે."

લેખણી : ઉત્તર ગુજરાતમાં પ્રચલિત પ્રથા
આ પ્રથા ખાસ કરીને ઉત્તર ગુજરાતનાં નાનાં ગામોમાં પ્રચલિત છે. સમય જતાં પ્રથાનો દુરોપયોગ થવા લાગ્યો અને 'કસ્ટમરી ડિવૉર્સ'ના નામે દંડ વસુલવાનું શરૂ થવા લાગ્યું, જેને ઉત્તર ગુજરાતમાં 'લેખણી' કહે છે.
લેખણી પ્રમાણે સાટાપાટા પદ્ધતિમાં લગ્ન ન કર્યાં હોય એમની પાસેથી લેખણી લેવામાં આવે છે અને આ દંડની રકમ સમાજના આગેવાનો નક્કી કરે છે. દંડ વસૂલને પતિ-પત્નીને છૂટાછેડા આપવામાં આવે છે.
દંડ નહીં ચુકવનારા પરિવારનો સામાજિક બહિષ્કાર પણ કરવામાં આવે છે. જેના ડરથી કેટલાક પરિવારો ઘરજમીન વેચીને કે દેવું કરીને પણ લેખણીની રકમ ભરી દે છે.
ચંદુ અને પીનાના કેસમાં લેખણીના પૈસાનો ઉલ્લેખ થતાં ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટિસ ગીતા ગોપીએ બનાસકાંઠાના એ.સી.પી.ને આ કેસની એફ.આઈ.આર. નોંધી યોગ્ય તપાસ શરુ કરવા તથા જવાબદારી પોલીસ અધિકારી સામે પગલા ભરી 15 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












