પતિ પર લાગેલા 'કલંક'ને દૂર કરવા 19 વર્ષ સંઘર્ષ કરનારાં વિધવાની કહાણી

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"તારીખ પહેલી ઑક્ટોબર 2002ના રોજ મારા પિતા સામે ફરિયાદ દાખલ થઈ હતી અને થોડા દિવસ પહેલાં તારીખ પહેલી ઑક્ટોબર 2021ના દિવસે હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા. આ ગાળામાં મારું અને પરિવારજનોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું."

આ શબ્દો છે વડોદરાના હિતેશ ગુપ્તાના, જેમણે પિતા સામે દાખલ કરવામાં આવેલા કેસને મૃત્યુ બાદ પાંચ વર્ષ સુધી આગળ વધાર્યો.

પતિ પર લાગેલા 'કલંક'ને સાફ કરવા માટે તેમનાં માતા આશાબહેને 19 વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને તેમાં ત્રણ પુત્રો તેમની પડખે રહ્યા.

લલિત ગુપ્તા

ઇમેજ સ્રોત, Gupta Family

ઇમેજ કૅપ્શન, 2002માં કૉંગ્રેસના નેતા લલિત ગુપ્તા તથા તેમના મિત્ર રત્નાકર રાહુરકરની સામે ખંડણી વસૂલાત અને ધમકી સહિતના આરોપો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી

2002માં હિતેશભાઈના પિતા તથા કૉંગ્રેસના નેતા લલિત ગુપ્તા તથા તેમના મિત્ર રત્નાકર રાહુરકરની સામે ખંડણી વસૂલાત અને ધમકી સહિતના આરોપો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

ઉચ્ચ અદાલતે જ્યારે સજાને રદ કરી ત્યારે નોંધ્યું, "અદાલતને લાગે છે કે મૂળમાં નીચેની અદાલતો દ્વારા થયેલી ભૂલો છે. આ તબક્કે રિટ્રાયલના આદેશ ન્યાયપૂર્ણ કે યોગ્ય નહીં."

અદાલતે પોતાના ચુકાદામાં ફરિયાદ સમયને મહત્ત્વપૂર્ણ માન્યો હતો. જે ગુજરાતના વર્ષ 2002 પછીનાં હુલ્લડોનો સમય હતો તથા લલિતભાઈ સત્તારૂઢ ન હોય તેવા પક્ષના નેતા હતા.

line

19 વર્ષ પહેલાં...

હિતેશ

ઇમેજ સ્રોત, Gupta Family

વડોદરામાં સલૂન ચલાવનારા શખ્સે કૉંગ્રેસના સ્થાનિક નેતા તથા ફરસાણના વેપારી લલિત ગુપ્તા તથા તેમના પત્રકાર મિત્ર રત્નાકર રાવકર સામે ફરિયાદ દાખલ કરાવી હતી કે બંનેએ પોલીસ તથા તત્કાલીન ગૃહમંત્રી ગોરધન ઝડફિયા સાથેની નિકટતાને આગળ કરીને પૈસાની માગ કરી તથા જો એમ ન કરે તો પોલીસની મદદથી તેને ખોટા કેસમાં ફિટ કરી દેવામાં આવશે.

કોઈ પણ વકીલ કે વકીલાતનું ભણનાર માટે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દાદર ચઢવાનો પ્રથમ અનુભવ યાદગાર હોય છે. હિતેશભાઈ માટે પણ તે યાદગાર બની રહ્યો, પરંતુ અલગ રીતે.

એ સમયે તેઓ એલએલબીના બીજા વર્ષમાં હતા અને તેમની પરીક્ષાઓ ચાલુ હતી, વચ્ચે બે દિવસની રજા હતી.

એક દિવસ તેઓ ગુજરાત હાઈકોર્ટનાં પગથિયાં ચડ્યાં, જ્યાં તેમના પિતાની આગોતરા જામીનની અરજી ઉપર સુનાવણી થવાની હતી.

2005માં આ કેસ ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલુ થયો, ત્યાર સુધીમાં હિતેશભાઈનો વકીલાતનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો, પરંતુ હજી તેઓ જુનિયર વકીલ હતા અને સ્વતંત્ર રીતે કેસ લડતા ન હતા, ત્યારે તેમના સિનિયરે જ કેસ લડ્યો.

ત્રણ વર્ષની સુનાવણીના અંતે મૅજિસ્ટ્રેટે બંનેને ત્રણ વર્ષની સાદી કેદની સજા ફટકારી. જોકે, ગંભીર કલમોને કાઢી નાખી હતી.

અદાલતે બંનેને જામીન આપી દીધા. ચુકાદા સામે લલિત ગુપ્તા, તેમના મિત્રએ દોષમુક્ત જાહેર કરવા, જ્યારે ફરિયાદી તથા રાજ્ય સરકારે સજાને વધારવા માટે સેશન્સ કોર્ટમાં અપીલ કરી.

સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ તથા દોષિત જાહેર થયેલા બંનેની સાદી સજાને સખત સજામાં ફેરવી નાખી. જેની સામે તમામ પક્ષકારોએ ગુજરાત હાઈકોર્ટમાં ધા નાખી હતી. જ્યાં વર્ષ 2010થી કેસ ચાલી રહ્યો હતો.

line

કંદોઈ પરિવારમાં 'કોટ'વાળા

પતિ ઉપર લાગેલા 'કલંક'ને સાફ કરવા માટે તેમનાં માતા આશાબહેને 19 વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને તેમાં ત્રણ પુત્રો તેમની પડખે રહ્યા

ઇમેજ સ્રોત, Gupta Family

ઇમેજ કૅપ્શન, પતિ ઉપર લાગેલા 'કલંક'ને સાફ કરવા માટે તેમનાં માતા આશાબહેને 19 વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને તેમાં ત્રણ પુત્રો તેમની પડખે રહ્યા

હિતેશભાઈનો પરિવાર મૂળે ફરસાણના વેપારમાં હતો અને તેમના મૃત પિતા પણ દાદાની સાથે એ જ વ્યવસાયમાં હતા.

કેસ દાખલ થયો, ત્યારે હિતેશભાઈ વકીલાતનો અભ્યાસ કરતા હતા, પરંતુ તેમના બીજા કે ત્રીજા ક્રમાંકના ભાઈઓને વકીલ બનવામાં કોઈ રસ ન હતો.

2006માં કેસ ચાલુ હતો તે અરસામાં જ દાદાનું અવસાન થયું અને 2008માં લલિતભાઈને સજા થઈ, ત્યારે બીજા ક્રમાંકના પુત્રે નોકરી છોડીને વકીલાતની પ્રૅક્ટિસ શરૂ કરી દીધી અને 2013માં તેઓ જ્યુડિશિયલ ઑફિસર બન્યા. તેમનાં પત્ની પણ વકીલ છે.

તો સૌથી નાના ભાઈએ ધો. 12 પાસ કરીને સીધા જ એલએલબીના બહુવર્ષીય કોર્સમાં પ્રવેશ મેળવ્યો.

વીડિયો કૅપ્શન, ચાની લારી ચલાવતા પરિવાર ત્રણ દીકરીઓએ કુસ્તીમાં ગુજરાતનું નામ રોશન કર્યું

લલિતભાઈએ તેમના પુત્રવધૂ તથા હિતેશભાઈનાં પત્નીને પણ વકીલાત માટે પ્રેરણા આપી. સસરાના આગ્રહ તથા લાગણીને માન આપીને સંતાનજન્મ બાદ તેમણે ફરી અભ્યાસ શરૂ કર્યો.

2016માં હાઈકોર્ટમાં સજાની સામે અપીલ ચાલી રહી હતી, ત્યારે જ લલિતભાઈનું અવસાન થયું.

સારવાર દરમિયાન લલિતભાઈ તેમના વકીલપુત્ર હિતેશને કહેતા, "તું હાઈકોર્ટમાં બીજાના કેસોનો નીવેડો તો લાવે છે, પરંતુ મારા કેસનો નીવેડો ક્યારે લાવશે?"

નિર્દોષ છૂટવાની આશાએ લલિતભાઈ દુનિયા છોડી ગયા, ત્યારે તેમનાં પત્ની આશાબહેને કાયદેસરના વારસ તરીકે કેસને આગળ ધપાવવાનો નિર્ધાર કર્યો.

જ્યારે કોઈ સજાની સામે અપીલ દરમિયાન ગુનેગાર જાહેર થયેલી વ્યક્તિ મૃત્યુ પામે, ત્યારે અદાલતની પરવાનગીથી તેમના કાયદેસરના વારસદાર દ્વારા કેસને આગળ ધપાવવામાં આવે છે.

સામાન્યતઃ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા નિવૃત્ત સરકારી કર્મચારીના મૃત્યુ બાદ તેમના પરિવારજનો કેસને આગળ ધપાવે છે, કારણ કે તેમાં આર્થિકહિત જોડાયેલા હોય છે. પરંતુ ગુપ્તા પરિવાર માટે આ મુદ્દો મોભી પર લાગેલા 'કલંક'નો હતો.

line

હાઈકોર્ટમાં 'મેરી જંગ'

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ગુપ્તા પરિવારના વકીલો દ્વારા દલીલ દેવામાં આવી કે ધમકી મળી હોવાની ફરિયાદીને જાણ કરનાર તથા કથિત ધમકીનો ફોન રિસીવ કરનારી વ્યક્તિ ટ્રાયલ કોર્ટમાં હાજર હતી, છતાં તેની પૂછપરછ કરવામાં આવી ન હતી. તેમની પૂછપરછ નહીં કરવા માટે સરકારીપક્ષ કોઈ નક્કર કારણ આપી શક્યો ન હતો.

સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન એ જ વ્યક્તિએ ફરિયાદી વિરુદ્ધ અરજી દાખલ કરી હતી અને ખુદને સાંભળવા માટેની દાદ પણ માગી હતી, પરંતુ તેને કાઢી નાખવામાં આવી હતી.

હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આ તથા અન્ય મહત્ત્વપૂર્ણ લિગલ-ટેકનિકલ બાબતો બહાર આવી હતી.

ગુજરાત હાઈકોર્ટે સેશન કોર્ટ દ્વારા ગુનેગાર જાહેર કરાયેલા બંનેને નિર્દોષ જાહેર કર્યા, ત્યારે આશાબહેન, પુત્ર તથા અન્ય પરિવારજનો યુટ્યુબ પર આ સુનાવણી લાઇવ જોઈ રહ્યા હતા. તેમની આંખમાં આંસુ હતાં, ગળામાં ડૂમો હતો, પરંતુ શું બોલવું તે કોઈને સૂઝતું ન હતું.

19 વર્ષથી ચાલી રહેલા એક કારમા પ્રકરણ પર પૂર્ણવિરામ લાગ્યું હતું.

આશાબહેનને ટાંકતા હિતેશભાઈ કહે છે, "જ્યારે ચુકાદો આવ્યો ત્યારે શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યો હતો. આશા છે કે તેઓ જ્યાં હશે ત્યાં આ ચુકાદો જોઈને ખુશ થશે અને તેમને સંતોષ હશે."

અદાલતે નોંધ્યું હતું, "પ્રૉસિક્યુશન દ્વારા આવું કેમ કરવામાં આવ્યું, તેની પાછળ કોઈ રહસ્ય નથી. કથિત ઘટના ઘટી તે 2002નાં હુલ્લડો પછી તરતનો સમય હતો. રેકર્ડ પ્રમાણે, આરોપી સત્તા પર ન હોય તેવા પક્ષના સ્થાનિક નેતા હતા તથા બીજા મીડિયાની વ્યક્તિ હતા. કદાચ અજાણતા જ નીચલી અદાલતોએ પણ પ્રૉસિક્યુશનના પ્લાનને અનુકૂળતા કરી આપી."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો