સેક્સ માટે સૌંદર્ય: 'તું મારી કૉસ્મેટિક્સ સર્જરીનો ખર્ચ ભોગવીશ તો છ મહિના માટે મારું શરીર તારું'
- લેેખક, લિન્ડા પ્રેસ્લી
- પદ, બીબીસી ન્યૂઝ, કુલિયાકન
મેક્સિકોના પશ્ચિમી રાજ્ય સિનાલોઆને દેશની સૌથી વધુ શક્તિશાળી અને ખૂનખાર ડ્રગ કાર્ટેલનો ગઢ માનવામાં આવે છે.
ડ્રગ્ઝ એટલે કે માદક પદાર્થોના ગેરકાયદે વેચાણ દ્વારા અહીં ટોળકીઓ જે કમાણી કરે છે તેનો નાર્કોઝ એટલે માદક પદાર્થોના ધંધાર્થીઓ તથા યુવતીઓ વચ્ચેના સંબંધ પર ગાઢ પ્રભાવ છે અને તેણે છોકરીઓમાં પ્લાસ્ટિક સર્જરી પ્રત્યેનું વળગણ વર્ધાયું છે.

ઇમેજ સ્રોત, Getty Images
કુલિયાકન શહેરમાંના ડૉ. રફાએલા માર્ટિનેઝનાં ક્લિનિકમાં ટેબલ પર કોસ્મેટિક્સ સર્જરી કરાવવા ઇચ્છતી મહિલાઓની અરજીનો ઢગલો છે. એ પૈકીની મોટા ભાગની સ્ત્રીઓએ 'નાર્કો-ઍસ્થેટિક્સ' તરીકે જાણીતી થયેલી સર્જરી માટે વિનંતી કરી છે.
આ પ્રકારની અત્યંત નારી-પ્રચૂર શરીર ધરાવનારી, આકર્ષક ડિઝાઇનર સામગ્રી પસંદ કરનારી અને કોઈ નાર્કો જેનો પ્રેમી હોય એવી સ્ત્રીઓને મેક્સિકોમાં 'લા બુચુના' તરીકે ઓળખવામાં આવે છે.

શું છે લા બુચુના?

ઇમેજ સ્રોત, Getty Images
આ શબ્દના મૂળ બાબતે ભિન્નમત પ્રવર્તે છે, પરંતુ તેનો ઉપયોગ શસ્ત્રક્રિયા વડે મેળવેલી કાચની પૂતળી જેવું શરીર ધરાવતી, મોંઘાદાટ વસ્ત્રો તથા ઍક્સેસરીઝ પહેરતી સ્ત્રીઓના સંદર્ભમાં કરવામાં આવે છે.
નાર્કોઝ લા બુચુના ગર્લફ્રેન્ડ પસંદ કરતા હોય છે, પરંતુ ઘણી મહિલાઓ આ સ્ટાઇલ, તે ફૅશનેબલ હોવાને કારણે અપનાવતી હોય છે. તેમને માદક પદાર્થોના વેપાર સાથે કોઈ સંબંધ હોતો નથી.
ડૉ.માર્ટિનેઝ કહે છે, "મારી પાસે આવતી સ્ત્રીઓની ઉંમર 30થી 40 વર્ષ વચ્ચેની હોય છે. ઘણીવાર 18 વર્ષથી ઓછી વયની છોકરીઓ પણ મારે ત્યાં આવે છે."
"તેઓ એકબીજા સાથે સ્પર્ધા કરતી હોય છે કે કોનું શરીર શ્રેષ્ઠ છે અથવા કોની કમર પાતળી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહિલાઓ અને તરુણીઓ તેમનાં ફ્રેન્ડ્ઝ કે માતા સાથે ડૉક્ટરની સલાહ લેવા આવે છે, જ્યારે ઘણી સ્ત્રીઓ પુરુષ સાથે કે એકલી આવે છે.
ડૉ. માર્ટિનેઝ કહે છે "ઘણી વાર છોકરીઓ તેમનાં પુરુષમિત્ર સાથે આવે છે જે સર્જરીનો ખર્ચ ચૂકવવાનો હોય છે. મારી પર એવા ઘણા પુરુષોનો ફોન આવે છે જે કહે છે કે હેલ્લો ડૉક્ટર હું તમને ઓપરેશન માટે એક છોકરી મોકલું છું."
ડૉ. માર્ટિનેઝ કહે છે, "એક વાર એરક પુરુષે મને ફોન કરીને કહ્યું હતું કે મારી એક ગર્લફ્રેન્ડ તમને મળવા આવશે. ડૉક્ટર, તમે જાણો છો કે મને શું પસંદ છે. મારી ગર્લફ્રેન્ડ કહે તેની પર ધ્યાન ન આપશો. તમને પૈસા હું ચૂકવવાનો છું."
"મેં એ પુરુષને કહેલું કે તું તારી ફ્રેન્ડ સાથે મળીને બધું નક્કી કરી લેજે, કારણ કે કોઈ દર્દી મારા ઓપરેશનથિયેટરમાં પ્રવેશે પછી હું તેના નિર્ણયને જ સ્વીકારું છું."
એ પુરુષે ડૉ. માર્ટિનેઝ પાસે ત્રીસેક સ્ત્રીઓને સર્જરી માટે મોકલી હશે. આ લાઇપો-સ્કલ્પચર સર્જરીની ફી 6,500 ડૉલર એટલે કે લગભગ 6.80 લાખ રૂપિયા થાય છે. આ સર્જરી સસ્તી નથી, પણ તેની ફીની ચૂકવણી મોટેભાગે રોકડેથી જ કરવામાં આવે છે.

ડ્રગ ટ્રાફિકિંગ અને સૌંદર્યનું કુચક્ર

ઇમેજ સ્રોત, Ulises Escamilla
ડૉ. માર્ટિનેઝ કહે છે, "આ પૈસા દેખીતી રીતે જ ડ્રગ-ટ્રાફિકિંગમાંથી આવે છે. અગાઉ હું એવું કહેતી કે આ ખરેખર સારું નથી, પણ હવે મેં અભિગમ બદલી નાખ્યો છે અને ઓપરેશન પહેલાં હું એ બાબતે બહુ વિચારતી નથી. તેનું કારણે એ છે કે અહીં સિનાલોઆમાં રેસ્ટોરાં, બાર્સ, હૉસ્પિટલ સહિતનું આખું અર્થતંત્ર ડ્રગ-ટ્રાફિકિંગ પર આધારિત છે."
સ્ત્રીના ઓપરેશનનો ખર્ચ ભલે તેનો પ્રેમી કરવાનો હોય, પરંતુ ડૉ. માર્ટિનેઝ એવી મહિલાઓને સલાહ આપવાનો પ્રયાસ જરૂર કરે છે.
ડૉ. માર્ટિનેઝ કહે છે, "હું એ સ્ત્રીને પૂછું છું કે તારો પ્રેમી તારા પર જે સર્જરી કરાવવા ઇચ્છે છે એ તને યોગ્ય લાગે છે કે કેમ. ક્યારેક એ સ્ત્રીઓ કહે છે કે મારો પ્રેમી જે ઇચ્છતો હોય એ મને મંજૂર છે. પછી હું એ સ્ત્રીઓને જણાવું છું કે તેનો બૉયફ્રેન્ડ કાયમ માટે તેની સાથે નહીં હોય, પરંતુ તેનો દેહ આજીવન તેની સાથે હશે. તેથી સ્ત્રીએ તેના બૉયફ્રેન્ડની નહીં, પણ પોતાની મરજીનો વિચાર કરવો જોઈએ."
ડૉ. માર્ટિનેઝ તેમના કન્સલ્ટિંગ રૂમમાં પુરુષ તથા સ્ત્રી વચ્ચેના અસ્થાયી સંબંધના પુરાવાને પણ ધ્યાનમાં લે છે. વાસ્તવમાં આ સિનાઓલામાં ડ્રગ-ટ્રાફિકિંગને કારણે આકાર પામેલા વ્યક્તિગત સંબંધ હોય છે.
પેદ્રો (નામ બદલ્યું છે) કહે છે, "પોતાની પડખે સુંદર સ્ત્રી હોય એનું દરેક નાર્કો માટે બહુ મહત્ત્વ હોય છે, એ જાણે કે દરેક નાર્કો માટે અનિવાર્ય છે."
પેદ્રો મજબૂત બાંધાનો પુરુષ છે. તે પોતાની ઓળખ છૂપી રાખવા ઇચ્છે છે. પોતાને પર્સનલ ટ્રેનર ગણાવતો પેદ્રો સિનાઓલામાં ડ્રગ-ટ્રાફિકિંગ સાથે સંકળાયેલો છે.
પેદ્રો કહે છે, "પુરુષો સ્ત્રીઓની બાબતમાં એકમેકની સાથે સ્પર્ધા કરે છે. તેમની ખરી પત્ની ઘરમાં તેમનાં બાળકોને ઉછેરતી હોય છે, જ્યારે બીજી સ્ત્રીઓનો ઉપયોગ તેઓ ટ્રોફી તરીકે કરતા હોય છે."

નાર્કોની દુનિયામાં પત્ની ઉપરાંત સ્ત્રીની વાસના
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
સિનાલોઆ કાર્ટેલના કુખ્યાત ભૂતપૂર્વ વડા જોકિન અલ ચાપો ગુઝમૅનની પત્ની એમ્મા કોરોનેલ એસ્પુરોને માદક પદાર્થોના વિતરણ તથા બીજા શ્રેણીબદ્ધ આરોપસર વોશિંગ્ટન ડીસીમાં જૂનમાં દોષી ઠરાવવામાં આવ્યાં હતાં. મેક્સિકોમાં 2007માં યોજાયેલી એક સૌંદર્ય સ્પર્ધામાં ટીનેજર એમ્માની મુલાકાત ગુઝમૅન સાથે થઈ હતી અને એ દિવસે તેમણે ગુઝમૅન સાથે લગ્ન કર્યાં હતાં.
આવી કથામાં બીજી ઘણી બાબતો પણ સંકળાયેલી હોય છે.
પેદ્રો કહે છે, "પુરુષોને મોટાં નિતંબ અને સ્તનની વાસના હોય છે. આવા કિસ્સામાં બીજી કોઈ બાબતને બદલે મોટાભાગે વાસના જ એકમાત્ર કારણ હોય છે."
પેદ્રોએ પોતે બે સ્ત્રીઓની પ્લાસ્ટિક સર્જરી માટે નાણાં ચૂકવ્યાં છે.
પેદ્રો જણાવે છે, "તમારું પરિચિત તમને કહે કે મારી સખીને તેનાં સ્તનની કે નિતંબની કે નાકની સર્જરી કરાવવી છે અને એ સ્પોન્સર શોધી રહી છે. તમને એ સ્ત્રી આકર્ષક લાગે તો તમે તેના સ્પોન્સર કે ગોડફાધર બની શકો." આ રીતે સોદો થાય છે.

ઇમેજ સ્રોત, Alamy
પેદ્રો ઉમેરે છે, "એ સ્થિતિમાં સ્ત્રી કહે છે કે જો તું મારી સર્જરીનો ખર્ચ ચૂકવીશ તો છ મહિના માટે મારું શરીર તારું."
જોકે, મેક્સિકોમાં આવા ઔપચારિક કરાર માત્ર સર્જરી માટે જ નથી થતા.
પેદ્રોના જણાવ્યા મુજબ, "સ્ત્રી કોઈ સમૃદ્ધ બાપની દીકરી ન હોય તો તે બૉયફ્રેન્ડ શોધતી હોય છે. તેથી કાર, મકાન, રોકડ અને લક્ઝરી આઇટમ્સ માટે પણ કરાર થતો હોય છે."
અનેક સશસ્ત્ર જૂથોની હાજરીના પરિણામે સિનાલોઆમાં ગરીબી વ્યાપક છે અને જીવન સસ્તું છે ત્યારે એક ગોડફાધર જ મહિલાને રક્ષણ આપી શકે છે અને તેનું જીવન આરામદાયક બનાવી શકે છે.
એક નાર્કો સાથે કરાર કર્યો ત્યારે કાર્મેન (નામ બદલ્યું છે) પણ આવી જ શોધમાં હતી. કાર્મેન સિનાલિઓના સૌથી મોટા શહેર કુલિયાકનમાં રહે છે. તે ગ્રામ્ય વિસ્તારના ગરીબ પરિવારમાં જન્મી હતી અને એક બાળક તરીકે તેણે ઘણીવાર ભૂખ્યાં રહેવું પડ્યું હતું.
કાર્મેન કહે છે, "ગરીબીને કારણે મારો પરિવાર મને સારું જીવન આપી શક્યો ન હતો. તેથી હું 16 વર્ષની થઈ ત્યારે મેં મારી માતાને કહેલું કે હવે હું મારી રીતે જીવન જીવીશ. મને યાદ છે, મારી દાદીએ સવાલ કરેલો કે તું બાળક છે અને તું શું કરી શકીશ? મેં તેમને જવાબ આપ્યો હતો કે મારી પાસે હાથ-પગ છે, હું બુદ્ધિશાળી છું. હું કામ કરી શકું છું."

ઇમેજ સ્રોત, US ATTORNEY'S OFFICE
કાર્મેન ગામડેથી કુલિયાકન આવી હતી અને સુઆયોજિત ગુનાખોરી સાથે સંકળાયેલા પરિવારો પૈકીના એક કુટુંબ સાથે રહેવા લાગી હતી, પણ એ ઘરમાં તેની પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. કાર્મેને એ વિશેની વાત એક પુરુષને કરી હતી.
કાર્મેન કહે છે, "એ પુરુષે જોયું કે હું ભયભીત હતી. તેણે મને કહેલું કે મારો ફોન નંબર લખી રાખ. એ પછી મેં હિંમત કરીને ઘર છોડ્યું અને તેની સાથે સંપર્કમાં રહેવા લાગી."
તેમની વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો.
"તે પુરુષે મને કહેલું કે તું એક છોકરી છો, એકલી છો અને આ ખતરનાક કુલિયાકન શહેરમાં તારો કોઈ રક્ષક નથી."
કાર્મેન ઉમેરે છે, "તેણે મને કહેલું કે એ મારો ગોડફાધર બનશે. તેથી એ ઇચ્છે ત્યારે હું તેને મળવા જાઉં છું. હું કોણ છું એ તેના બધા માણસો જાણે છે. હું કુલિયાકનમાં ઇચ્છું ત્યાં જઈ શકું છું અને અત્યંત સલામતીનો અનુભવ કરું છું."
એ પુરુષને બીજી કેટલી મહિલાઓ સાથે આવો જ સંબંધ હતો એ કાર્મેનને ખબર નથી.
કાર્મેન હિંમતવાન અને દૃઢનિશ્ચય સ્ત્રી છે. તેનું સપનું યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું હતું. તે સમજી ગઈ હતી કે સિનાલોઆમાં તેના લક્ષ્યને હાંસલ કરવાનો એકમાત્ર માર્ગ, તે જેને અત્યંત ખતરનાક માણસ ગણતી હતી તેની ઇચ્છાને તાબે થવાનો છે.
કાર્મેન કહે છે, "મેં તેનાથી ડરવાનું બંધ કર્યું નથી. હું તેને મળું છું ત્યારે માફિયાઓ વિશે, બિઝનેસ વિશે વાતો થાય છે. તેનો મને ડર લાગે છે."
"મેં જે જોયું અને સાંભળ્યું હતું તેને ભૂલવાનો પ્રયાસ કરું છું, કારણ કે એ બધું યાદ રાખવાથી મુશ્કેલીમાં ફસાવાની શક્યતા હોય છે. મારો આશ્રયદાતા કદાચ ખરાબ નથી, પણ તે કામ ખરાબ કરે છે. તે મને હાનિ પહોંચડાવા ઇચ્છતો નથી, પણ તે ઇચ્છે તો મને ગુમ કરાવી શકે છે."
હવે કાર્મેન તેના સુંદર દેહને પ્લાસ્ટિક સર્જરી વડે અત્યંત આકર્ષક બનાવે એ માટે તેનો નાર્કો ગોડફાધર દબાણ કરી રહ્યો છે. ડૉક્ટરના કન્સલ્ટિંગ રૂમ સુધી જવાનું ટાળવામાં અત્યાર સુધી તો કાર્મેન સફળ થઈ છે.
કાર્મેન કહે છે, "મને લાગે છે કે અસલામતી અનુભવતી હોય એ સ્ત્રી સર્જરી કરાવતી હોય છે. તેમને તેઓ જે છે તેના કરતાં લા બુચુના થવામાં વધારે રસ હોય એ પણ શક્ય છે."
પ્લાસ્ટિક સર્જરી પ્રત્યેનું નાર્કો કલ્ચરનું વળગણ સિનાલોઆના વ્યાપક સમાજમાં પણ પ્રસર્યું છે. આવી સર્જરીની જાહેરાત કરતાં બિલબોર્ડ્ઝ સિનાલોઆમાં ચારેકોર જોવા મળે છે. તેમાં રોકડા રૂપિયા ન ધરાવતા ભાવિ ગ્રાહકોને સર્જરીના ખર્ચની ચૂકવણી હપ્તેથી કરવાની સુવિધા પણ ઓફર કરવામાં આવે છે.

આત્મસન્માનનો મામલો?

ઇમેજ સ્રોત, Janette Quintero
કોઈ ટીનેજ છોકરીને ઉન્નત સ્તન કે સુડોળ નાકની સર્જરી બર્થડે કે ક્રિસમસની ભેટ તરીકે મળે એ અહીં બહુ સામાન્ય વાત છે. પુરુષો પણ આવી સર્જરી કરાવે છે.
વિશાળ હેર ઍન્ડ બ્યૂટી સલૂન ચલાવતાં જેનેટ ક્વિન્ટેરો 20થી વધુ સર્જરી કરાવી ચૂક્યાં છે.
જેનેટ કહે છે, "મને એ બહુ જ ગમે છે. કોઈ મહિલા માટે આવી સર્જરી કરાવવી, શરીરને આકર્ષક બનાવવા ફેરફાર કરાવવા તે વિશ્વની સૌથી સુંદર બાબત છે."
"હું 20થી થોડા વધારે વર્ષની હતી ત્યારે સિનાલોઆમાં સૌથી વધુ આકર્ષક નિતંબ ધરાવતી મહિલા હતી. મારે પણ અન્ય જેવું બનવું હતું."
જેનેટ હવે જણાવે છે કે ફેશન બદલાઈ રહી છે. કેટલીક મહિલાઓ તેમની સ્તન તથા નિતંબની સાઇઝ ઘટાડી રહી છે, પરંતુ તેમાં પોતાનો બિઝનેસ ચલાવતી 38 વર્ષની વયની માતા ગેબ્રિયેલા(નામ બદલ્યું છે)નો સમાવેશ થતો નથી. ગેબ્રિયેલા તેની ઘાટીલા શરીરથી બહુ ખુશ છે. પ્રેમી સાથે બ્રેક-અપ થયા પછી તેણે જાતે ખર્ચ કરીને દેહનો આવો ઘાટ ઘડાવ્યો હતો.
ગેબ્રિયેલાનાં જણાવ્યા મુજબ, એ સર્જરીને કારણે તે નવો જીવનસાથી ભલે ન શોધી શકી હોય, પણ તેનું આત્મસન્માન જરૂર વધ્યું છે.
સિનાલોઆમાંની ઘણી સ્ત્રીઓ નાર્કોની ગર્લફ્રેન્ડ બનવા ઇચ્છતી હોય છે, એમ જણાવતાં ગેબ્રિયેલા ઉમેરે છે કે તેની ઝંખના અલગ પ્રકારના, "બુદ્ધિશાળી, કાર્યરત અને વફાદાર" પુરુષની છે.
જોકે, સિનાલોઆમાં આ પ્રકારના પુરુષો દુર્લભ છે.

હત્યા થઈ જવી સામાન્ય વાત છે

ઇમેજ સ્રોત, Getty Images
ગેબ્રિયેલા ફિલસૂફની અદામાં કહે છે, "ત્રણ કે ચાર સ્ત્રીઓ સાથે સંબંધ તેમજ એટલી જ ગર્લફ્રેન્ડ હોવી એ અહીં પુરુષો માટે સામાન્ય વાત છે. એ અહીંની સંસ્કૃતિનો એક હિસ્સો છે."
"મેં જોયું છે કે પુરુષો વધારે બેશરમ બની રહ્યા છે. મહિલાઓ નાણાકીય સલામતીના કારણે તેમાં સમાધાન કરતી રહે છે. તેમની આંખો કશું જોતી નથી અને તેમનાં હૈયામાં કોઈ પીડા થતી નથી."
સિનાલોઆમાં દાયકાઓથી મહિલાઓ માટે વકીલાત કરતા મારિયા ટેરેસા ગ્વેરા જણાવે છે કે મહિલાઓ પુરુષો ખરીદી શકે એવી સંપત્તિ છે એવા વિચારને નાર્કો કલ્ચરે બળવતર બનાવ્યો છે.
તેને કારણે મહિલાઓ સામેની હિંસામાં વધારો થયો છે, એવું મારિયા થેરેસા ગ્વેરા માને છે.
ગ્વેરા કહે છે, "મહિલાઓની હત્યા, તે ડ્રગ ટ્રાફિકરની પાર્ટનર હોવાને કારણે અથવા તો તે દગાબાજ હોવાનું પુરુષને લાગે ત્યારે કરવામાં આવતી હોય છે. એ મહિલા પોતાની હોવાના મેસેજ નાર્કોઝ મોકલે છે."
મેક્સિકોના અન્ય કોઈ પણ રાજ્યની સરખામણીએ સિનાલોઆમાં બંદુક વડે સ્ત્રીની હત્યા કરવાનું પ્રમાણ બમણું છે.
ગ્વેરાના જણાવ્યા મુજબ, કુલિયાકનમાં મહિલાઓ વિરુદ્ધની હિંસા તથા ક્રૂરતાનું પ્રમાણ વધારે છે. અહીં મહિલાઓના પ્રતાડિત તથા બાળી નાખવામાં આવેલા મૃતદેહો મળી આવે છે.

ઇમેજ સ્રોત, Ulises Escamilla
ગ્વેરા ઉમેરે છે, "મને એક યુવતીનો કિસ્સો યાદ છે. તેનો બૉયફ્રેન્ડ નાર્કો હતો. તેણે યુવતીની કૉસ્મેટિક્સ સર્જરીના નાણાં ચૂકવ્યાં હતાં. હત્યારાઓએ એ યુવતીનાં સ્તન તથા નિતંબમાં ગોળી મારી હતી. એ હિસ્સામાં ગોળી મારવામાં આવી હતી, જેને આકર્ષક બનાવવા નાર્કોએ નાણાં ખર્ચ્યાં હતાં."
કોઈ નાર્કોને ના કહેવાનું મહિલા માટે આસાન હોય છે?
ગ્વેરા કહે છે, "ડ્રગ ટ્રાફિકર્સથી અલગ થવા ઇચ્છતી કેટલીક મહિલાઓને હું જાણું છું, પણ એ બધું ગૂંચવાડાભર્યું છે."
"સત્તાવાળાઓ નાર્કો કલ્ચરના આ મુદ્દે કશું કરવા ઇચ્છતા નથી. સુનિયોજિત ગુનાખોરી સામે ગંભીર પગલાં લેવામાં આવતાં નથી. તેમાં અધિકારીઓ સામેલ હોય છે. રક્ષણ મહિલાઓનું નહીં, પણ નાર્કોઝનું કરવામાં આવે છે."
કાર્મેન ડ્રગ કાર્ટેલના સરદાર સાથે જોખમી સંબંધ ધરાવે છે. તેને કદાચ આ વાત નહીં સમજાય કે તે કદાચ આમાં પડવાનો ઇનકાર પણ કરી શકે.
પોતાનાં સ્તનનું કદ વધારવાની કે નિતંબ મોટાં બનાવવાની સર્જરી કરાવવાનું નાર્કોઝનું દબાણ તે ક્યાં સુધી ખાળી શકશે એ કાર્મેનને ખબર નથી.
કાર્મેન કહે છે, "અત્યારે તો એ મારી સાથે દેવી જેવો વ્યવહાર કરે છે."
શક્ય છે, પણ સિનાઓલામાં બંદુકધારી પુરુષની વાતનો વિરોધ કરવાનું પરિણામ જોખમી હોય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













