એ સેક્સ સ્કૅન્ડલ જેણે આખા બ્રિટનને હચમચાવી મૂક્યું હતું
- લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
- પદ, .
સૌંદર્યવાન અને સુપ્રસિદ્ધ માર્ગારેટ કૅમ્પબેલ ડચિસ ઑફ આર્ગાઇલ બન્યાં તે પહેલાંથી જ જાણીતાં બન્યાં હતાં. આખરે 1963માં ડ્યુક ઑફ આર્ગાઇલ સાથે તેમના છૂટાછેટા થયા તેના કારણે તેમને 'સદીના છૂટાછેડા' તરીકે જ યાદ કરાતા રહ્યા છે.
તેમના પતિએ પરાણે તેમની તસવીરો લઈ લીધી હતી અને તેને પુરાવા તરીકે રજૂ કરી હતી.
આ તસવીરોમાં કૅમ્પબેલ નગ્નાવસ્થામાં હતાં અને આગવા મોતીના હાર પહેર્યા હતા. જજે આ બાબતને કોઈ અજાણ્યા શખ્સ સાથે "ખરાબ રીતના જાતીય સંસર્ગ" તરીકે ઓળખાવી હતી.

ઇમેજ સ્રોત, GETTY IMAGES / BBC / BLUEPRINT PICTURES
1960ના દાયકામાં તેમના છૂટાછેડાના બનાવે બ્રિટનમાં ચકચાર મચાવી હતી અને આ બનાવ બદલાઈ રહેલા સમયનો અણસાર આપતો હતો.
આ બધા વિવાદો વચ્ચે આ વાત જાણે ભુલાવી દેવાઈ હતી કે આખરે ડચિસ અને ડ્યુક પણ, જીવતાજાગતા મનુષ્યો જ હતાં.
ક્લેરી ફોય અને પૉલ બેટ્ટની અભિનીત એક નવી મિનીસિરીઝ 'અ વેરી બ્રિટિશ સ્કૅન્ડલ' આ વિષય પર જ બની છે, અને તેમાં એ યાદ કરાવવાની જ કોશિશ થઈ છે કે બંને આખરે મનુષ્યો હતાં.
કલ્પના કરતાં વાસ્તવિકતા વધારે ચોંકાવનારી હોય છે એ કહેવતને યાદ કરાવે તેવો આ કિસ્સો હતો અને આવા જ બીજા કિસ્સાઓ પણ બનતા રહ્યા છે.

વિવાદો અને વખાણ

ઇમેજ સ્રોત, Getty Images
સ્કૉટલૅન્ડના લાખપતિનાં દીકરી માર્ગારેટ વિગહેમ વધારે પડતાં લાડકોડ સાથે મોટા ભાગે ન્યૂયૉર્કમાં જ મોટાં થયાં હતાં. ભાવનાત્મક રીતે તેઓ અસલામતી અનુભવતાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માર્ગારેટ 19 વર્ષનાં થયાં ત્યાં સુધીમાં તેમનું નામ અનેક જાણીતી વ્યક્તિઓ સાથે જોડાઈ ગયું હતું: પ્રિન્સ અલીખાન, વૉરવીકના અર્લ, અખબારમાલિકના પુત્ર લૉર્ડ બીવરબ્રૂક વગેરે. પણ લગ્ન થયાં હતાં ખેલાડી ગ્લેન કિડસ્ટોન સાથે.
પોતાની જીવનકથાના લેખકને તેમણે કહેલું કે અભિનેતા ડૅવિડ નિવેનથી તેઓ ગર્ભવતી બન્યાં હતાં અને ગેરકાયદેસર ગર્ભપાત કરાવ્યો હતો.
1933માં માત્ર 20 વર્ષની ઉંમરે ધનિક વેપારી અને જાણીતી વ્યક્તિ ચાર્લ્સ સ્વીની સાથે તેમણે લગ્ન કર્યાં. લગ્ન વખતે તેમનો વેડિંગ ડ્રેસ જોવા માટે એટલી ભીડ થઈ હતી કે લંડનના ભદ્ર વિસ્તાર નાઇટ્સ બ્રિજમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો.
તેમનું નામ એટલું જાણીતું થઈ ગયું હતું કે કૉલે પૉર્ટરના એક લોકપ્રિય ગીતના કવરમાં તેમનો ઉલ્લેખ 'મિસીસ સ્વીની' તરીકે કરાયો હતો.
13 વર્ષ બંને સાથે રહ્યાં. આઠ વખત કસૂવાવડ થઈ, બે બાળકો અને એક નવજાત પછી આખરે 1947માં બંને છૂટાં થઈ ગયાં. બહુ શાંતિથી તેમનાં લગ્ન તૂટી ગયાં.

'ઉષ્માહીન અને અણગમતા'

ઇમેજ સ્રોત, Getty Images
ચાર વર્ષ પછી માર્ગારેટનાં લગ્ન 11મા ડ્યુક ઑફ આર્ગાઇલ સાથે થયાં. એ પણ છેલ્લાં લગ્નની જેમ લાંબા ના ચાલ્યાં અને પ્રારંભથી જ બંને વચ્ચે ખટરાગ થવા લાગ્યો.
સ્કૉટલૅન્ડના રજવાડી ખાનદાર કૅમ્પબેલના વડા તરીકે ઇયાન કૅમ્પબેલ બીજા પણ ઘણા ખિતાબો ધરાવતા હતા.
જોકે તેમને શરાબની અને જુગારની આદત હતી અને પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્ઝની લત લાગી હતી. જર્મનીમાં યુદ્ધકેદી તરીકે તેમણે રહેવું પડેલું, તેના કારણે હતાશાની દશામાં નશો કરતા શીખ્યા હતા.
અગાઉનાં બે પત્નીએ ફરિયાદ કરી હતી કે તેમના પર શારીરિક અને માનસિક અત્યાચાર થતો હતો.
પોતાના પરિવારના નિવાસસ્થાન ઇન્વેરેરી કૅસલને જાળવવા માટે તેઓ અઢળક નાણાંનો વ્યય કરતા હતા એ પણ ફરિયાદ હતી.
ડ્યુક ઑફ આર્ગાઇલના અગાઉનાં એક પત્નીનાં પુત્રી સાથે પરણેલા લેખક નોર્મન મેઇલરે તેમને 'મને મળેલા લોકોમાં સૌથી વધુ ઉષ્માહીન અને અણગમતા માણસ' તરીકે ઓળખાવ્યા હતા.

ડ્યુક ઑફ આર્ગાઇલે શા માટે છૂટાછેડા લીધા?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
1963માં આખરે છૂટાછેટા થયા પરંતુ તે પહેલાં બહુ લાંબી કડવાશભરી લડાઈ બંને વચ્ચે ચાલી હતી. પતિ-પત્ની જુદાં રહેવા લાગ્યાં હતાં અને સામસામા દાવા અને પ્રતિદાવા કર્યા હતા.
લાંબી કાનૂની પ્રક્રિયા દરમિયાન માર્ગારેટે એવા ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કર્યા હતા કે ડ્યુકનાં અગાઉનાં લગ્નોથી થયેલાં સંતાનો ગેરકાયદે અને ડ્યુકના પોતાનાં સાવકી માતા સાથે અનૈતિક સંબંધો છે.
સામી બાજુએ ડ્યુકે અદાલતમાંથી હુકમ મેળવ્યો હતો કે માર્ગારેટ ઇન્વેરેરીમાં આવીને જૂના ઘરમાં ફંફોસીને કોઈ ખાનગી દસ્તાવેજો મેળવી ના શકે. અહીં જ આગળ ઉલ્લેખ કર્યો છે તે તસવીરો હતી.
આ તસવીરમાં નગ્નાવસ્થામાં રહેલાં મહિલા કોઈ પુરુષ સાથે જાતીય ક્રીડા કરતાં હતાં અને તે મહિલા મોતીના હારથી જ માર્ગારેટ હોવાનું ઓળખાવાયું હતું.
આ તસવીરો છૂટાછેડા લેવા માટેના કેસમાં પુરાવા તરીકે રજૂ થઈ ત્યારે જાહેર જનતામાં ઉત્સુકતા જાગી હતી કે તસવીરમાં રહેલો પુરુષ કોણ છે. તસવીરમાં તેમનું માથું દેખાતું નહોતું અને માર્ગારેટે તેમનું નામ આપ્યું નહોતું.

કોણ હતો 'માથા વિનાનો' એ પુરુષ?

ઇમેજ સ્રોત, Getty Images
માર્ગારેટના પ્રેમીઓમાં વિન્સ્ટન ચર્ચિલના જમાઈ અને બ્રિટનના સંરક્ષણમંત્રી ડન્કન સૅન્ડીઝ, જર્મનીના રાજદૂત સિરમંડ વોન બ્રોન, બે ધનાઢ્ય અમેરિકન ઉદ્યોગપતિ અને હોલીવૂડના ફિલ્મસ્ટાર ડગ્લાસ ફેરબૅન્ક જુનિયર વગેરે હતા.
સુનાવણી દરમિયાન 88માંથી કોઈ એક પુરુષ હશે એવું કહેવાયું હતું, જેના કારણે જજે નોંધ્યું હતું કે માર્ગારેટ "બહુ વિલાસી નારી લાગે છે, જેને સામાન્ય સંબંધોમાંથી સંતોષ નહીં મળતો હોય."
અદાલતમાં એવું પણ જણાવાયું કે બે દાયકા પહેલાં લિફ્ટની શાફ્ટમાં તેઓ અકસ્માતે પડી ગયાં હતાં અને તેના કારણે થયેલી ઈજાથી તેમનામાં 'નિમ્ફોમેનિયા' પેદા થયો હતો.
એવું પણ કહેવાયું હતું કે માર્ગારેટ સાથેના સંબંધમાં આવેલા પુરુષોમાંથી ઘણા બધા હોમોસેક્સ્યુઅલ હતા.
યુકેમાં સજાતીય સંબંધો ત્યારે ગેરકાયદે ગણાતા હતા અને તેથી માર્ગારેટે આ પુરુષોને મુશ્કેલી ન થાય તે માટે ક્યારેય તેમની આ વાત જાહેર પણ કરી નહોતી.

વિવાદોનું વર્ષ

ઇમેજ સ્રોત, Getty Images
1962થી 1963 વર્ષ દરમિયાન માત્ર આ એક કેસ નહીં, પણ ત્રણ જોરદાર સ્કૅન્ડલ બહાર પડ્યાં હતાં, જે સતત અખબારો અને લોકોનાં દિમાગમાં છવાયેલાં રહ્યાં હતાં.
મૉસ્કો ખાતે બ્રિટિશ ઍમ્બૅસીમાં રહેલા અધિકારી જ્હૉન વૅસલ 'હની ટ્રેપ'માં ફસાઈ ગયા હતા.
પથારીમાં ત્રણ નગ્ન પુરુષો સાથેની તેમની એક તસવીર લેવાઈ ગઈ હતી અને તેના આધારે કેજીબી તેમને બ્લૅકમેલ કરતી રહી હતી.
ઇંગ્લૅન્ડ પરત આવ્યા પછી ગુપ્તચર વિભાગની જુદીજુદી કચેરીઓમાં કામ કર્યું, ત્યાંથી તેઓ સોવિયેટ સંઘને ખાનગી દસ્તાવેજો મોકલાતા હતા. આખરે તેઓ પકડાઈ ગયા અને તેમની સામે અદાલતી કાર્યવાહી પછી ઑક્ટોબર 1962માં તેમને સજા થઈ હતી.
જોકે આ કેસના પડઘા પડતા રહ્યા હતા અને વિવાદોને કારણે એક લૉર્ડે રાજીનામું પણ આપવું પડ્યું હતું. સરકારી અધિકારીઓમાં એકબીજાને ફસાવી દેવાનાં કાવતરાં ચાલ્યાં હતાં અને વૅસલે આક્ષેપ કર્યો હતો કે સામ્યવાદીઓ કરતાં હોમોસેક્સ્યુઅલ લોકોને સજા કરવાનો ઇરાદો વધારે દેખાતો હતો.
1963ની વસંતમાં આર્ગાઇલનો કેસ તેની ટોચ પર હતો, ત્યારે તેનાથીય વધુ સનસનાટી મચાવનારું બીજું એક લફરું જાહેર થયું હતું જે 'પ્રોફ્યુમો અફેર' તરીકે ચગ્યું હતું.
1961ના ઉનાળામાં બ્રિટનના યુદ્ધ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી જ્હૉન પ્રોફ્યુમોની મુલાકાત "હેપ્પી ગર્લ" ક્રિસ્ટીન કીલર સાથે થઈ હતી.

ઇમેજ સ્રોત, Getty Images
ક્લિવડેન હોટલના સ્વિમિંગ-પૂલમાં તેમની મુલાકાત થઈ ત્યારે કીલરનો બીજો એક પ્રેમી પણ ત્યાં હાજર હતો. આ પ્રેમી યુજીન ઇવાનોવ રશિયાના નૌકાદળના અધિકારી હતો અને અસલમાં એક જાસૂસ હતો.
પ્રોફ્યુમો અને કીલર વચ્ચે થોડો સમય સંબંધો ચાલ્યા પણ તે દરમિયાન બહુ નાટકીય બનાવો બન્યા હતા. એવું પણ બન્યું હોય કે આગલા દરવાજેથી બ્રિટિશ મંત્રી પ્રેમિકાને મળવા ઘરમાં જતા હોય ત્યારે તે જ ઘરના પાછલા દરવાજેથી રશિયન જાસૂસ બહાર છટકી રહ્યો હોય.
એક વર્ષ પછી 1962માં કીલરના બે પ્રેમીઓ વચ્ચે ઝઘડો થયો અને એકબીજાને છરીના ઘા માર્યા. તેના કારણે મામલો પોલીસ સુધી અને ત્યાંથી જાહેરમાં ચકચાર મચાવવા સુધી પહોંચ્યો હતો.
જાન્યુઆરી 1963માં મંત્રીએ પત્રકારોને કહેલું કે "તમારે સ્ટોરી જોઈતી હોય તો મારી પાસે છે."
થોડા દિવસ પછી બે પત્રકારોને પણ જેલમાં જવું પડ્યું હતું, કેમ કે તેમણે વૅસલ કેસની માહિતી ક્યાંથી મળી તેનો સ્રોત જણાવવાનો ઇનકાર કર્યો હતો. પત્રકારો તેના કારણે પણ નારાજ થયેલા હતા અને સરકારની બદનામી થાય તેવી નાનામાં નાની માહિતી શોધીને તેને જનતા સામે મૂકવા માગતા હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આ રીતે 1963માં આ બે સ્કૅન્ડલ પણ અખબારોમાં છવાયેલાં રહ્યાં હતાં અને વર્ષ જાણે વિવાદોનું વર્ષ બની ગયું હતું. જોકે આર્ગાઇલ વિવાદમાં બીજા પણ કેટલાક મુદ્દાઓ અગત્યના બન્યા હતા.
આ કિસ્સાને કારણે બ્રિટનના અખબારી જગત અને સત્તાધીશો વચ્ચેના સંબંધોનો મામલો પણ અગત્યનો બન્યો હતો. સાથે જ રાજકારણ અને સેક્સના સંબંધોનો મુદ્દો પણ હતો.
વળી, ત્રીજો મુદ્દો એ હતો કે 1960ના દાયકામાં હવે સામાજિક હલચલ શરૂ થઈ હતી જે આગામી વર્ષોમાં જાતીયતાની બાબતમાં ક્રાંતિ લાવવાની હતી.
આર્ગાઇલ દંપતીને છૂટાછેડા મળી ગયા તેના થોડાં અઠવાડિયાં પછી ઇંગ્લૅન્ડ અને વેલ્સના બીજા નંબરના સૌથી મોટા ન્યાયાધીશ લૉર્ડ ડેનિંગની માર્ગારેટ સાથે ગુપ્ત મુલાકાત થઈ હતી. તે મુલાકાતમાં પેલા ના ઓળખાયેલા પ્રેમી પણ હતા.
બ્રિટનના સંરક્ષણમંત્રી ડંકન સેન્ડીઝ સાથે સંબંધોની વાતના કારણે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમનો મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો હતો.

પછી શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારે ચકચાર મચી અને માર્ગારેટ માટે બદનામીમાંથી બહાર આવવું મુશ્કેલ હતું. આમ છતાં તેઓ જીવન પસાર કરતાં રહ્યાં પણ પાછલું જીવન બહુ આનંદદાયક નહોતું.
આર્ગાઇલ ડ્યુક કરતાં બે દાયકા વધારે જીવ્યાં અને 1993માં તેમનું મૃત્યુ થયું હતું. તે વખતના સામાજિક પ્રવાહો વચ્ચે ડ્યુકને બહુ બદનામી સહન કરવી પડી નહોતી.
જજ લૉર્ડ વ્હિટલીએ 50,000 શબ્દોમાં આકરી ભાષામાં ચુકાદો લખ્યો હતો અને તેમાં માર્ગારેટને 'વ્યભિચારી મહિલા' ગણાવ્યાં હતાં.
જોકે આ સમગ્ર મામલાની કાર્યવાહીને નજીકથી જોનારાં એક મહિલાએ માર્ગારેટના સમર્થનમાં પણ લખ્યું હતું.
આ ઘટના પરથી નવી સિરીઝ લખનારાં લેખિકા સારાહ ફેલ્પ કહે છે કે માર્ગારેટ "મહિલા હતી એટલે જાહેરમાં દેખાતી હતી, હારી જવા તૈયાર નહોતી, એટલે ચૂપ રહેવા તૈયાર નહોતી, એટલે સજા મળી."
આજની દૃષ્ટિએ જોઈએ તો પરંપરાથી વિરુદ્ધ ચાલનારી કે પોતાની જાતીય ઇચ્છાઓ માટે થઈને બદનામીનો ભોગ બનનારી નારી જેવાં માર્ગારેટ લાગે.
બીજું કે ઘરમાં તેમણે ત્રાસદાયક વર્તનનો ભોગ બનવું પડ્યું હતું અને તેમના ખાનગી પત્રો પણ જાહેર કરી દેવાયા હતા.
છેલ્લાં 50 વર્ષમાં આ રીતે માર્ગારેટને જોવામાં નહોતાં આવ્યાં, પરંતુ આજની સ્થિતિમાં કદાચ તેમને વિલન નહીં, પણ નાયિકા તરીકે પણ જોવામાં આવી શકે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













