પાકિસ્તાનનો હિંદુ બહુમતીવાળો એ જિલ્લો, જેની સત્તા મુસ્લિમોના હાથમાં છે

    • લેેખક, રિયાઝ સુહેલ
    • પદ, બીબીસી ઉર્દૂ, ઉમરકોટ, પાકિસ્તાનથી

"તેઓ ચૂંટણી સમયે આવે છે અને કહે છે, 'ચાલો બાબા, ચાલો મતદાન કરવા જઈએ'. એ પછી, તેઓ મતપત્રક પર અંગૂઠો મરાવીને અંગૂઠો બતાવી દે છે. જે કારમાં તેઓ લઈ જાય છે પણ ઘણી વખત પાછા આવવા માટે તે કાર પણ નથી મળતી.''

પાકિસ્તાન

70 વર્ષીય વિની ઓડ ઉમરકોટના ગોઠ રામજી ઓડમાં રહે છે, જ્યાં પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ નથી.

આ ગોઠની આસપાસ કોઈ શાળા કે આરોગ્યકેન્દ્ર પણ નથી. વિની ઓડ કહે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટણીમાં મત લીધા પછી અહીં એક આંટો મારવાનું પણ પસંદ કરતા નથી.

પાકિસ્તાનમાં થયેલી તાજેતરની વસ્તીગણતરી મુજબ, ઉમરકોટ જિલ્લામાં હિંદુ વસ્તી બહુમતીમાં છે.

10 લાખ 73 હજારની વસ્તી ધરાવતા ઉમરકોટ જિલ્લામાં હિંદુઓની વસ્તી લગભગ 52 ટકા છે, છતાં સંસદગૃહોમાં આ જિલ્લામાંથી એકપણ હિંદુ ધારાસભ્ય તરીકે ચૂંટાયો નથી.

line

ઉમરકોટ ક્યાં આવેલું છે?

પાકિસ્તાન

ઉમરકોટ કરાચીથી લગભગ 325 કિમીના અંતરે આવેલું છે. મોઘલ સામ્રાજ્યના સ્થાપક સમ્રાટ અકબર અને સિંધની લોકકથાઓના પાત્ર ઉમર મારવીનો જન્મ પણ અહીં થયો હતો.

આ શહેરનું નામ અહીંના કિલ્લા સાથે જોડાયેલું છે, જ્યાં રાજપૂત ઠાકુર પરિવારો અને સુમરો શાસકો રહેતા હતા.

ઉમરકોટનો કિલ્લો આ વિસ્તારની રાજનીતિનું કેન્દ્ર ગણાતો હતો. તે રાજસ્થાનની મારવાડ અને મેહરાન ખીણોના મુખ્ય સંગમ પર બનાવાયેલો છે. કિલ્લાની એક બાજુ રણ છે અને બીજી તરફ નહેરનાં પાણીથી હરિયાળો બનેલો વિસ્તાર છે.

કરાચીથી મિઠ્ઠી સુધીનો રસ્તો બન્યો તે પહેલાં, આ શહેર વ્યાપારીપ્રવૃત્તિનું મહત્ત્વનું કેન્દ્ર હતું અને તેને 'થારનો ગૅટવે' કહેવામાં આવતુ હતું.

આજે પણ થારમાં ખાદ્યપદાર્થો સહિતની જીવનજરૂરી વસ્તુઓ ઉમરકોટથી જ જાય છે.

પાકિસ્તાનમાં ઉમરકોટ પછી થાર હિંદુ બહુમત ધરાવતો બીજો સૌથી મોટો જિલ્લો છે. થારમાં હિંદુઓ કુલ વસ્તીના લગભગ 40 ટકા જેટલા છે.

line

ઉમરકોટની અર્થવ્યવસ્થા

નીલમ વાલજી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નીલમ વાલજી

પ્રેમસાગર સ્થાનિક શાકમાર્કેટના પૂર્વ પ્રમુખ છે અને તેઓ વચેટિયા તરીકે કામ કરે છે.

તેમના પૂર્વજો પણ આ વ્યવસાય સાથે જોડાયેલા હતા. પાકિસ્તાનની રચના પહેલાં માત્ર માલ્હી સમુદાય જ આ વ્યવસાય સાથે જોડાયેલો હતો, પરંતુ પાછળથી અન્ય સમુદાયો પણ આ વ્યવસાયમાં જોડાઈ ગયા.

પ્રેમસાગરનું કહેવું છે કે "આજે પણ આ વિસ્તારમાં 80 ટકા દુકાનો હિંદુ સમુદાયની છે, જ્યારે 20 ટકા મુસ્લિમોની છે. મોટા ભાગની શાકભાજી અહીં ઊગાડવામાં આવે છે અને ફળો દેશના અન્ય ભાગોમાંથી આવે છે.''

ઉમરકોટનું અર્થતંત્ર સંપૂર્ણપણે ખેતી પર નિર્ભર છે. મોટા ભાગના જમીનદારો મુસ્લિમ છે, જ્યારે 80 ટકા ખેડૂતો દલિત સમુદાયના છે. શહેરોમાં મોટા ભાગના દુકાનદારો ઉચ્ચ જાતિના હિંદુઓ છે. શરાફ, ખાતર અને બિયારણની દુકાનો તેમના નિયંત્રણમાં છે.

line

ઉમરકોટનું રાજકારણ

પાકિસ્તાન

અગાઉ આ વિસ્તાર થરપારકરનો ભાગ હતો. ઉમરકોટને જિલ્લાનો દરજ્જો મળ્યા બાદ, 1993ની ચૂંટણીથી લઈને આજ પર્યત, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અહીંથી ચૂંટણી જીતતી આવી છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ (ફંક્શનલ) બીજા સ્થાને આવે છે.

આ સિવાય પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પણ સ્થાનિક રાજકારણીઓની સહાનુભૂતિ બદલતા પોતાના ઉમેદવારો ઊભા રાખી રહી છે.

ભૂતકાળમાં હિંદુ સમુદાયના લોકો ઉમરકોટ નગરપાલિકાના પ્રમુખથી લઈને વિધાનસભાના સભ્યો સુધી ચૂંટાતા હતા પરંતુ જનરલ ઝિયા-ઉલ-હકે લઘુમતીઓ માટે અલગ ચૂંટણીવ્યવસ્થા કરી હતી.

ઉમરકોટ જિલ્લામાં હાલમાં એક રાષ્ટ્રીય સંસદ અને ચાર પ્રાંતિય વિધાનસભાની બેઠકો છે, પરંતુ મોટા ભાગના મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષો સામાન્ય બેઠકો પરથી અલ્પસંખ્યક ઉમેદવારોને ટિકિટ આપતા નથી.

line

ટિકિટને બદલે અનામત બેઠકો

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, LALMALHI

ઇમેજ કૅપ્શન, પીટીઆઈ નેશનલ ઍસેમ્બલીના સભ્ય લાલચંદ માલ્હી

ઉમરકોટમાં નોંધાયેલા મતદારોની સંખ્યા 5 લાખ 34 હજારથી વધુ છે, જેમાં 54 ટકા પુરુષ મતદારો છે. વર્ષ 2018ની લોકસભાની ચૂંટણીમાં 49 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી લઘુમતી સમુદાયના માત્ર નવ જ હતા, જેમને માત્ર 1741 મત મળ્યા હતા.

આ ઉમેદવારોમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)નાં નીલમ વાલજી પણ હતાં.

નીલમ વાલજી કહે છે કે "રાજકીય પક્ષોએ એક પરંપરા સ્થાપિત કરી છે. તેઓ ભીલ, કોળી, મેઘવાર, માલ્હી બરદારી જેવા સમુદાયોના ઉમેદવારો વચ્ચે અનામત બેઠકો વહેંચી દે છે અને આમ કરીને તેઓ સમગ્ર સમુદાયના મત લઈ જાય છે.''

નીલમ વાલજીના કહેવા પ્રમાણે, "લઘુમતી ઉમેદવારોને ટિકિટ ન આપવાનું બીજું કારણ આર્થિક સ્થિતિ છે. ચૂંટણીમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને આટલા પૈસા કોઈ ખર્ચતું નથી. કોઈની આટલી ક્ષમતા હોય તો પણ તેને અનામત બેઠક આપી દેવામાં આવે છે.''

"અહીંનું પ્રતિનિધિત્વ વાસ્તવિક નથી. અહી 98 ટકા હિંદુ સમુદાય મત આપે છે જ્યારે મુસ્લિમ મતદારોનું પ્રમાણ ઓછું છે. ખાસ કરીને મહિલાઓ તેમનાં ઘરમાંની બહાર નીકળતી નથી અથવા ઉચ્ચ વર્ગની મહિલા હોય તો તે મતદાન કરવા જતી નથી. મોટા ભાગે લઘુમતી મહિલાઓ જ મત આપે છે.''

લાલચંદ માલ્હી ઉમરકોટના રહેવાસી છે અને અનામત બેઠક પર પીટીઆઈ તરફથી રાષ્ટ્રીય સંસદના સભ્ય છે. તેમના મતે, હિંદુઓ બહુમતી વસ્તીમાં હોવા છતાં રાજકીય પક્ષો મોટા ભાગની લઘુમતીઓને સામાન્ય બેઠકો માટે ટિકિટ આપતા નથી.

"અહીં રહેતો પાકિસ્તાનનો લઘુમતી સમુદાય મોટા ભાગે પીપલ્સ પાર્ટીને મત આપતો આવ્યો છે. એટલે રાજકીય પક્ષોએ સામાન્ય બેઠકો પર લઘુમતીઓને ટિકિટ આપવી જોઈએ."

"છેલ્લી નગરપાલિકની ચૂંટણીમાં, પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ લઘુમતી સમુદાયના 40થી વધુ યુનિયન કાઉન્સિલરોમાંથી સમ ખાવા પૂરતા એક અધ્યક્ષને પણ ટિકિટ આપી નહોતી.

line

પ્રભાવ અને વફાદારીના આધારે ટિકિટ

પાકિસ્તાન

સિંધમાં છેલ્લી ત્રણ ટર્મથી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી શાસનમાં છે.

ઉમરકોટમાં, રાષ્ટ્રીય વિધાનસભાની બે અને ચાર પ્રાંતીય વિધાનસભાની બેઠકોમાંથી બે સ્થાનિક સૈયદ જાતિ પાસે અને બે તાલપુર પરિવાર પાસે છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રાંતીય પ્રમુખ નિસાર અહમદ ખોડોનું કહેવું છે કે તેઓ પાર્ટી પ્રત્યેની વફાદારી અને સમુદાય પર પ્રભાવના આધારે ટિકિટ માટેના ઉમેદવાર નક્કી કરે છે.

"મીરપુર ખાસ, ઉમરકોટ અને થારમાં બિન-મુસ્લિમોની વસ્તી વધુ છે. અમે ત્યાં એક દાખલો બેસાડ્યો છે. એક સેનેટર કૃષ્ણા કુમારી છે, જ્યારે થારમાંથી સામાન્ય બેઠકનું પ્રતિનિધિત્વ મહેશકુમાર માલાણી કરે છે."

"યુસુફ તાલપુર ઉમરકોટમાં લઘુમતીઓના બળે જીત્યા છે તો તે તેમનો પ્રભાવ છે, તેમના અવાજમાં તાકાત છે, આવા અવાજને નકારી શકાય નહીં. ખટ્ટુ મલને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે અને સલાહકાર બનાવવામાં આવ્યા છે.

line

સરકારી નોકરીઓથી વંચિત

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સરકારી નોકરીઓ મોટા ભાગે શિક્ષણ, આરોગ્ય, પોલીસ અને મ્યુનિસિપલ વિભાગોમાં છે. એકલી નગરપાલિકાસમિતિમાં કુલ 209 કર્મચારીઓ છે, જેમાંથી 60% મુસ્લિમ છે.

નીલમ કહે છે કે "જ્યારે નોકરીઓ બહાર પડે ત્યારે તે શહેરમાં ભણેલાગણેલા હોય એવા લોકોને જ મળે છે."

"ખેડૂત પિતા પોતાનાં બાળકોને ખેતી કઈ રીતે કરવી એ શીખવે છે. જો કોઈ મિકૅનિક હોય તો પુત્રોને એ પોતાનું કામ શીખવે છે. કોઈ નોકરનું કામ કરતો હોય તો તે કહેશે કે દીકરા મારા પછી તું માલિકનો નોકર બનીશ.''

રાષ્ટ્રીય સંસદના સભ્ય લાલ માલ્હી કહે છે કે "આપણા સમાજમાં સરકારી નોકરીઓની રાજકારણ સાથે સીધી સાઠગાંઠ છે. જો તમારૂં પ્રતિનિધિત્વ ન હોય તો ક્વૉટા અને પક્ષની તો વાત જવા દો, તમને મેરિટ પર પણ નોકરી મળતી નથી. આ કારણે લઘુમતી સમુદાય મોટા ભાગે સારી નોકરી મેળવવાથી વંચિત રહી જાય છે.''

મેવારામ પરમાર સામાજિક કાર્યકર છે અને હિંદુ સમુદાયમાં શિક્ષણના પ્રચાર માટે કામ કરે છે.

તેઓ કહે છે કે "રોજગારનો શિક્ષણ સાથે સંબંધ છે. જો શિક્ષણ નહીં હોય તો સરકારી કે ખાનગી ક્ષેત્રમાં નોકરી નહીં મળે. મોટા ભાગના લઘુમતીઓ અનુસૂચિત જાતિના છે. તેઓ ગરીબીમાં જીવે છે, તેઓ શિક્ષણ કે ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન પણ જોઈ શકતા નથી. તેથી આર્થિક સ્થિતિ આમાં અવરોધરૂપ બની રહી છે.''

"અહીં હિંદુ વસ્તી બહુમતીમાં છે પરંતુ તેમના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ નથી જ્યારે અલ્પસંખ્યક મુસ્લિમ વસ્તીના પ્રતિનિધિઓ છે. નોકરીઓમાં રાજકીય દખલગીરી થતી હોવાથી લઘુમતીઓ નોકરીઓથી વંચિત રહી જાય છે."

line

ધર્મપરિવર્તન બાદ ઘર મળી ગયું

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

મીરપુર ખાસ એ ઉમરકોટ રોડ, મરિયમનગર પાસેનું એક ગામ છે. અહીં રહેતા લોકોનો પહેરવેશ અને શૈલી હિંદુ કોળી સમુદાય સાથે મળતી આવે છે, પરંતુ તેમે હવે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લીધો છે. તેમનાં ઘરો પર હવે ક્રોસ લાગેલા જોવા મળે છે અને ગામમાં મંદિરને બદલે એક ચર્ચ છે.

નેલી ગોંદનું કહેવું છે કે "મારા પતિના દાદા ખ્રિસ્તી હતા. તેમના પરિવારના દાદા-દાદીએ ધર્મપરિવર્તન કર્યું હતું. અમારી જ્ઞાતિના લોકોએ અમને પૂછ્યું કે, 'તમે આ ધર્મ કેમ પસંદ કર્યો?' અમે તેમને કહ્યું કે અમને પ્રાર્થના શીખવા મળે છે, સારાં ગીતો સાંભળવા મળે છે. અમને સુવિધાઓ મળી છે અને સારું શિક્ષણ પણ મળે છે."

ઉમરકોટમાં કેટલાક મોટા જમીનદારો ઉપર ગરીબો પાસે 'વેઠિયા'ની જેમ મજૂરી કરાવવાનો આરોપ લાગતો રહે છે.

આવા જમીનદારોની ખાનગી કેદમાંથી મુક્ત થયેલા મોટા ભાગના ખેડૂતો કોળી સમુદાયના છે.

મરિયમનગરના રહેવાસીઓનું કહેવું છે કે પહેલાં તેઓ બેઘર હતા અને જમીનદાર સાથે રહેતા હતા. પછી એક ફાધરે તેમને આ જમીન આપી અને ઘર પણ બાંધી આપ્યું. આ ઉપરાંત શાળા, ચર્ચ અને પાકી શેરીઓ બનાવી આપી.

આ શેરીઓ દોઢસોથી વધુ પરિવારો રહે છે. ઉમરકોટમાં આવી ત્રણ જેટલી વસાહતો છે, જે હવે ખ્રિસ્તી બની ગઈ છે.

ઉમરકોટમાં પણ ધર્મપરિવર્તનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. બળજબરીથી ધર્માંતરણના આક્ષેપો અહી સામાન્ય ગણાય છે.

ઉમરકોટના રાજકીય અને આર્થિક ઉતાર-ચઢાવ પોતપોતાના સ્થાને છે, પરંતુ આ જિલ્લામાં હજુ પણ ધાર્મિક સંવાદિતા છે. મોહરમ હોય કે હોળી-દિવાળી, આ ધાર્મિક સંવાદિતા દરેક જગ્યાએ જોવા મળે છે.

પીરપથોરો એ ઉમરકોટનો મોટો દરબાર છે, જ્યાં મુસ્લિમ અને હિંદુ બંને આવે છે.

તેને 'અડધું મુલતાન' પણ કહેવામાં આવે છે. આ દરબાર સાથે સંકળાયેલા ઘંવરસિંહ કહે છે કે "અમે મુલતાનવાળાને પીર માનીએ છીએ. તેમના ગાદીપતિઓ અહીં આવે છે કારણ કે અમને પીરીની દસ્તર ત્યાંથી મળી છે."

(આ અહેવાલ સૌપ્રથમ 28 ડિસેમ્બર, 2021માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન