નર્મદા : 'ગુજરાતની જીવાદોરી'ની કહાણી, જ્યાં વિકાસ અને વિરોધ એકસાથે જોડાયેલા છે
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
મધ્ય પ્રદેશમાં આવેલા અમરકંટક પર્વતમાંથી નીકળતી નર્મદા 1,312 કિલોમીટરનું અંતર કાપીને ભરૂચ પાસેથી ખંભાતના અખાતમાં અરબી સમુદ્રને મળે છે.
1312 કિલોમીટરના અંતરમાં નર્મદા નદી મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ત્રણ રાજ્યોમાંથી પસાર થાય છે. ગુજરાતમાં નર્મદા છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાંથી પ્રવેશે છે.

ઇમેજ સ્રોત, Twitter/ Nitin Patel
ગુજરાતી ભાષાના વિશ્વકોશ 'ગુજરાતી વિશ્વકોશ' અનુસાર પૌરાણિક મહત્ત્વ ધરાવતી નર્મદા નદી ભારતની સૌથી પવિત્ર નદીઓમાંની એક માનવામાં આવે છે. જેનું પ્રાચીન નામ રેવા હોવાનું માનવામાં આવે છે. હિંદુ ધાર્મિક માન્યતા પ્રમાણે નર્મદા નદી સાત કલ્પોમાંથી બનેલી છે.
કુદરતી રીતે નર્મદાના પ્રવાહથી ઘસાઈને બનેલા કાંઠાના પથ્થરોને બનાસ કહેવામાં આવે છે. જેની હિંદુ ધર્મમાં શિવલિંગ તરીકે પૂજા કરવામાં આવે છે.
લોકમાન્યતા મુજબ, નર્મદા નદીના કાંઠે જ આદિ શંકરાચાર્ય તેમના ગુરુ ગોવિંદ ભગવતપાદને મળ્યા હતા અને દિક્ષા ગ્રહણ કરી હતી.
સમગ્ર વિશ્વમાં નર્મદા જ એક માત્ર એવી નદી છે, જેની પરિક્રમા થાય છે. આ પરિક્રમા મુખ્યત્વે બે રીતે કરવામાં આવતી હોય છે. પરિક્રમા પૂર્ણ કરતા આશરે દોઢ વર્ષ જેટલો સમય લાગે છે.

ઇમેજ સ્રોત, Reuters
સદીઓ પહેલાં માત્ર ભારતમાં વસતા ડાયનૉસોરની પ્રજાતિ 'રાજાસોર'ના અવશેષો પણ નર્મદા નદીનાં કાંઠેથી જ મળ્યા હતા.
આ પ્રજાતિનું ઝૂઓલૉજીકલ નામ પણ નર્મદા નદીના નામ પરથી 'નર્મદેન્સિસ' પાડવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરદાર સરોવર ડેમ : જેના કારણે નર્મદા બચાવવા માટે લોકો મેદાનમાં ઊતર્યા
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર સરોવર ડૅમનું ખાતમૂહર્ત પાંચમી એપ્રિલ, 1961ના રોજ કરવામાં આવ્યું હતું. અનેક કાયદાકીય, પર્યાવરણીય, રાજકીય ગૂંચવણો અને વિવાદો બાદ ડૅમે આજનું સ્વરૂપ ધારણ કર્યું છે.
ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રને આ યોજનાની ઉત્પન્ન થતી વીજળી કે પાણીનો લાભ મળે છે. 'સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન' (સૌની) અને કૅનાલની નેટવર્ક યોજના દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી સિંચાઈ અને પીવા માટે પાણી પહોંચાડવામાં આવે છે.
જોકે, આ ડૅમની ભવ્યતા અને ઉપયોગિતા વચ્ચે એવા અનેક દાવાઓ થતા આવ્યા છે. ડૅમના કારણે નદીની ઇકૉસિસ્ટમ ખોરવાઈ હોવાની અને કાંઠાના લોકોના જીવન પર તેની વિપરિત અસર પડી હોવાનું કહેવાય છે.
ડૅમ બન્યો તે સમયથી નર્મદાકાંઠાના લોકોને સાથે રાખીને 'નર્મદા બચાવો' આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનનાં પ્રણેતા મેધા પાટકર છેલ્લાં 35 જેટલાં વર્ષોથી નર્મદા નદીના સંરક્ષણ માટે કામ કરી રહ્યાં છે.
ઑગસ્ટ 2019માં જ્યારે સરદાર સરોવર ડૅમનું જળસ્તર 134 મીટર સુધી પહોંચી ગયું હતું. ત્યારે મધ્ય પ્રદેશનાં ઘણા ગામોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને ત્યાંના લોકોના જનજીવનને ગંભીર અસર પડી હતી.
તે સમયે મેધા પાટકર મધ્ય પ્રદેશના બડવાણી જિલ્લાના બડ્ડા ગામમાં અનિશ્ચિત કાળ માટે ઉપવાસ પર બેઠાં હતાં. ઉપવાસના નવ દિવસે બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈધે તેમની મુલાકાત લઈને વાતચીત કરી હતી.
જેમાં મેધા પાટકરે જણાવ્યું હતું કે, "પાણી ન ભરાવું જોઈએ. ગામો ડૂબી રહ્યાં છે, તૂટી રહ્યાં છે અને જમીનો ટાપુ બની રહી છે. જો પાંચ મીટર પણ વધુ પાણી ભરાયું તો હાહાકાર મચી જશે. પછી પુનર્વસન કરવું પણ મુશ્કેલ થશે."
આ ઉપરાંત બીબીસી સાથેના એક ફેસબુક લાઇવ દરમિયાન તેમણે કહ્યું હતું કે સરદાર સરોવર ડૅમના નીચાણવાસમાં નર્મદા ખતમ થઈ ગઈ છે.
તેમણે ઉમેર્યું હતું "એના કારણે કબીરતીર્થ તથા આજુબાજુના વિસ્તારમાં રોજગારી ખતમ થઈ ગઈ છે. હજારો માછીમારો બેરોજગાર થઈ ગયા છે."
પાટકરે કહ્યું હતું કે કચ્છ અને સૌરાષ્ટ્રના અછતવાળા વિસ્તારોમાં પાણી પહોંચાડવાના બદલે ઉદ્યોગગૃહોને પાણી આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તેમણે 'સ્ટેચ્યુ ઑફ યુનિટી'ને 'સ્ટેચ્યુ ઑફ ડિસ્પેરિટી' ગણાવ્યું હતું.
'નર્મદા બચાવો' આંદોલન સાથે સંકળાયેલાં નંદિની ઓઝા એક દાયકાથી પણ વધારે સમય માટે સરદાર સરોવર પ્રોજેક્ટના અસરગ્રસ્ત લોકોની આસપાસ રહ્યાં હતાં.
તેમણે અસરગ્રસ્તો સાથેની વાતચીત અને તેમના અનુભવોનું સંકલન કરીને તમામને એક વૅબસાઇટ પર મૂક્યાં છે.
'ઑરલ હિસ્ટ્રી નર્મદા' વેબસાઇટ પ્રમાણે, નર્મદા નદીમાં 48 પ્રકારની માછલીઓ જોવા મળતી હતી.
જોકે, ડૅમ બન્યા બાદ ધીમેધીમે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ રીતે નર્મદાકાંઠાના વિસ્તારોમાં વિવિધ 54 પ્રજાતિનાં વૃક્ષો જોવા મળતાં હતાં. જેમાંથી ઘણી પ્રજાતિનાં વૃક્ષો ડૅમ બન્યા બાદ પાણીમાં ગરકાવ થઈ ગયાં.
નર્મદા બચાવવા માટે છેલ્લા 35 જેટલા વર્ષોથી ચાલી રહેલું ‘નર્મદા બચાવો’ આંદોલન આજે પણ ચાલુ છે અને તેનાં પ્રણેતા મેધા પાટકરે તાજેતરમાં જ વિવિધ મુદ્દાઓને લઈને બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી. જે તમે અહીં જોઈ શકો છો.
સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને મુદ્દાઓ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સરદાર સરોવર ડેમમાં આવેલા સાધુ બેટ ખાતે સ્ટૅચ્યૂ ઑફ યુનિટી બનાવવામાં આવ્યું છે. અહીં સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
આસપાસમાં, સફારી, હોટલ, ટેન્ટ સિટી, ગાર્ડન, બટરફ્લાય પાર્ક, કૅકટસ પાર્ક જેવાં અનેક આકર્ષણો ધરાવતાં આ સમગ્ર પ્રોજેક્ટના પાયામાં હજારો આદિવાસીઓની જમીન હોમાઈ હોવાનો દાવો કરાય છે.
આદિવાસી માટે કામ કરતા કાર્યકરો અને સ્થાનિકોનું કહેવું છે કે નર્મદા જિલ્લાનાં જુદાં-જુદાં ગામોમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને અન્ય વિકાસકાર્યોને કારણ ગણાવીને સરકાર દ્વારા ઘણા આદિવાસીઓની જમીનો સંપાદિત કરી લેવાઈ હતી.
આદિવાસી કાર્યકર પ્રફુલ્લ વસાવાએ ઑક્ટોબર 2019માં બીબીસી ગુજરાતીનાં અર્જુન પરમાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "આદિવાસીઓની સંસ્કૃતિ અને અસ્તિત્વને ટકાવી રાખવાના આશયથી ભૂમિ અધિગ્રહણના કાયદામાં જે હેતુ માટે જમીન સંપાદિત કરાઈ હોઈ, જો પાંચ વર્ષ સુધી એ હેતુ માટે તેનો ઉપયોગ ન કરવામાં આવે તો જમીન તેના મૂળ માલિકને સોંપી દેવાની જોગવાઈ કરાઈ છે, પરંતુ સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને તેની આસપાસનાં આકર્ષણોના વિકાસ માટે આ જોગવાઈઓનું પૂરેપૂરું પાલન કરાયું નથી."
જોકે, આદિવાસીઓના આ આક્ષેપ વિશે સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીના મુખ્ય કારોબારી અધિકારી અને પુનર્વસવાટ કમિશનર અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીના મુખ્ય વહીવટકર્તા આઈ. કે. પટેલે એ વખતે જણાવ્યું હતું, "આ આક્ષેપો સત્યથી તદ્દન વેગળા છે."
"જે આદિવાસીઓની જમીન સંપાદિત કરાઈ છે તે પૈકી 500 કરતાં વધુ લોકોને આઉટસોર્સિંગ એજન્સીઓ મારફતે કાયમી નોકરીઓ અપાઈ છે. જ્યારે 1000 કરતાં વધારે લોકોને અન્ય પ્રોજેક્ટમાં નોકરીઓ મળી છે."
ઘણા આદિવાસીઓમાં કથિતપણે તેમની જમીનના બદલે યોગ્ય વળતર નહીં મળવાની ફરિયાદો ઊઠી હતી.
ન્યૂઝ ક્લિકના અહેવાલ પ્રમાણે સ્ટેચ્યૂ ઑફ યુનિટી, શ્રેષ્ઠ ભારતભવન, વૅલિ ઑફ ફ્લાવર અને સાધુ બેટ સુધી જવા માટેના ફોર-લૅન રસ્તા માટે સરકાર દ્વારા જમીન સંપાદિત કરાયાની અસર ત્યાંના 75 હજાર આદિવાસીઓનાં જીવન પર પડી હતી.
ઉપરાંત નર્મદા જિલ્લાનાં 19 ગામોના રહેવાસીઓને સરકારે 'પ્રોજેક્ટના કારણે અસરગ્રસ્ત' જાહેર કર્યા હતા.
અહેવાલમાં જણાવ્યા મુજબ સરકારે આ તમામ લોકોના પુનર્વસન માટે વળતરરૂપે 5 લાખ રૂપિયા કે જમીનનો નવો પ્લૉટ આપવાની જાહેરાત કરી હતી.
જોકે, નવાગામ, કેવડિયા, ગોરા, લીમડી અને વઘારિયા જેવાં ગામોને હજુ સુધી આ યાદીમાં સમાવાયાં ન હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલમાં એવો પણ દાવો કરાયો હતો કે કેવડિયાની 90% જમીન પહોળા રસ્તા બનાવવા માટે સંપાદિત કરી લેવાઈ હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













