Statue Of Equality : રામાનુજાચાર્ય કોણ હતા અને તેમની પ્રતિમાની સ્થાપના મુદ્દે ટીકા કેમ થઈ રહી છે?
- લેેખક, બાલા સતીશ
- પદ, બીબીસી તેલુગુ
હૈદરાબાદની સીમાએ આવેલા મુચિન્થલા ગામમાં શમશાબાદ ઍરપૉર્ટ પાસે રામાનુજાચાર્યની પ્રતિમા સ્થાપિત કરવામાં છે. તે ભારતની બીજી સૌથી ઊંચી પ્રતિમા હશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શમશાબાદમાં 11મી સદીના ભક્તિ સંત રામાનુજાચાર્યની સ્મૃતિમાં 216 ફૂટ ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ ઇક્વાલિટી'નું અનાવરણ કર્યું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ અવસરે તેમણે કહ્યું, "આજ મા સરસ્વતીની આરાધનાનો પાવન તહેવાર, વસંત પંચમીનો શુભ અવસર છે. મા શારદાની વિશેષ કૃપા અવતાર શ્રી રામાનુજાચાર્યજીની આ પ્રતિમા આ અવસરે સ્થાપિત થઈ રહી છે. હું આપ સૌને વસંત પંચમીની શુભેચ્છાઓ પાઠવું છું."

ઇમેજ સ્રોત, JIVA
"જગદગુરુ શ્રીરામાનુજાચાર્યજીની આ ભવ્ય વિશાળ મૂર્તિ દ્વારા ભારત માનવીય ઊર્જા અને પ્રેરણાઓને મૂર્ત સ્વરૂપ આપી રહી છે. રામાનુજાચાર્યજીની આ પ્રતિમા તેમનાં જ્ઞાન, વૈરાગ્ય અને આદર્શોનું પ્રતીક છે."
"ભારત એક એવો દેશ છે, જેના મનીષીઓએ જ્ઞાનને ખંડન-મંડન, સ્વીકૃતિ-અસ્વીકૃતિથી ઉપર ઊઠીને જોયું છે. આપણે ત્યાં અદ્વેત પણ છે, દ્વૈત પણ છે. અને આ દ્વૈત-અદ્વૈતને સમાવી લેતું શ્રી રામાનુજાચાર્યજીનું વિશિષ્ટા-દ્વૈત પણ છે."
પ્રતિમાની સ્થાપના કરનારાઓના મતે, પ્રતિમા વિશ્વની 26મી સૌથી ઊંચી પ્રતિમા બની જશે. તેલુગુ રાજ્યોમાં જાણીતા શ્રી વૈષ્ણવ તપસ્વી ત્રિદંડી ચિન્ના જીયર સ્વામી તેમના આશ્રમમાં તેનું નિર્માણ કરી રહ્યા છે.
આ પ્રતિમાનું નિર્માણ કરવાની યોજના સન 2014થી ચાલી રહી છે અને 2021માં આ પ્રતિમાનું નિર્માણકાર્ય આખરે પૂર્ણ થયું છે.
વિશિષ્ટઅદ્વૈત સિદ્ધાંતના પ્રણેતા રામાનુજાચાર્યની 1000મી જન્મજયંતીના અવસરે રામાનુજ સહસ્ત્રાબ્દિ ઉજવણી દરમિયાન પ્રતિમાનું અનાવરણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પ્રતિમાની વિશેષતાઓ

ઇમેજ સ્રોત, FACEBOOK/JEEYARSWAMY
મુખ્ય પ્રતિમાની ઊંચાઈ 108 ફૂટ છે. રામાનુજાચાર્યના હાથમાં રહેલા ત્રિદંડમ (સામાન્ય રીતે વૈષ્ણવ પીઠાધિપતિ તેને ધારણ કરે છે) સાથે પ્રતિમાની 135 ફૂટ મીટર છે.
મંચની કુલ ઊંચાઈ 54 ફૂટ અને પદ્મપીઠની ઊંચાઈ 27 ફૂટ છે. મંચ ભદ્રપીઠ તરીકે ઓળખાય છે.
નીચેના મંચ સહિત પ્રતિમાની ઉંચાઈ 216 ફૂટ છે. જે પીઠ પ્રતિમા બાંધવામાં આવી છે તેમાં 54 કમળની પાંખડીઓ છે અને તેની નીચે 36 હાથીનાં શિલ્પો છે. કમળની 18 પાંખડીઓ પર 18 શંખ, 18 ચક્ર છે. પ્રતિમા સુધી પહોંચવા માટે 108 પગથિયાં છે.
આ પ્રતિમામાં વિવિધ દ્રવિડ સામ્રાજ્યોની શિલ્પશૈલીઓનું મિશ્રણ જોવા મળે છે. પ્રતિમાના આંગળીના નખથી લઈને 135 ફૂટ ઊંચો દંડ બધું જ કાળજીપૂર્વક બનાવવામાં આવ્યું છે. મૂર્તિમાં રામાનુજાચાર્ય ધ્યાનની મુદ્રામાં બેઠા છે.
ભદ્રપીઠમાં 120 કિલોની સોનાની મૂર્તિ મૂકવામાં આવી છે. રામાનુજાચાર્ય 120 વર્ષ જીવ્યા હતા, તેથી તેમની 120 કિલોની સુવર્ણ પ્રતિમા બનાવવામાં આવી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મૂર્તિ સિવાય પરિસરમાં 108 નાનાં મંદિરો બનાવવામાં આવી રહ્યાં છે. શ્રી વૈષ્ણવ પરંપરામાં લોકો વિષ્ણુના 108 અવતારોના કુલ 108 મંદિરોને 108 દૈવીરાષ્ટ્રો માને છે. દૈવીરાષ્ટ્રોના નમૂનારૂપ મંદિરો અહીં બનાવવામાં આવી રહ્યાં છે. વિશેષ રીતે કાળા પથ્થરમાંથી બનાવેલાં આ મંદિરોની રચના પણ સુંદર છે. તેમને હોયસાલા સ્થાપત્યશૈલીમાં બાંધવામાં આવ્યા છે. અહીં કુલ 468 સ્તંભ છે અને તે માટે વિવિધ પ્રદેશોના શિલ્પકારો અને નિષ્ણાતોએ કામ કર્યું છે.
આ પ્રતિમા અને મંદિરો ઉપરાંત રામાનુજાચાર્યના જીવનચરિત્ર પર એક ગેલરી, એક વૈદિક પુસ્તકાલય, વિદ્વાનોની બેઠકો અને પરિસંવાદો માટે એક ઑડિટોરિયમ અને ઓમ્ની મેક્સ થિયેટર છે.
અહીં એક સંગીતફુવારો પણ ઊભો કરવામાં આવી રહ્યો છે. રામાનુજાચાર્યની મૂર્તિ માટે નિત્ય અભિષેકની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પ્રતિમાનું નામ સમતા મૂર્તિ રાખવામાં આવ્યું છે, જેને અંગ્રેજીમાં સ્ટેચ્યૂ ઑફ ઇક્વાલિટી કહેવામાં આવે છે.
ચિન્ના જિયરે કહ્યું, "અમે સ્ટેચ્યૂ ઑફ ઇક્વાલિટીને ગૌરવપૂર્વક સંસ્કૃતિના પ્રતીક તરીકે મૂકવા માગીએ છીએ. જેથી તે લોકોને વિશ્વ સમાનતા માટેનું સ્થળ બની રહે તે માટે પ્રેરણા આપતું રહેશે. વસુધૈવ કુટુંબકમની કલ્પનાને ઉજાગર કરવા અમે રામાનુજ સહસ્ત્રાબ્દિની ઉજવણી કરી રહ્યા છીએ. રામાનુજાચાર્યે લાખો લોકોને સામાજિક ભેદભાવમાંથી મુક્તિ અપાવી હતી."

એક અબજનો પ્રોજેક્ટ

ઇમેજ સ્રોત, STATUEOFEQUALITY.ORG
આયોજકોનું કહેવું છે કે સમગ્ર પ્રોજેક્ટમાં 1,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેલંગણાના મુખ્ય મંત્રી ચંદ્રશેખર રાવે મીડિયાને જણાવ્યું હતું કે સમગ્ર જમીન 45 એકરમાં ફેલાયેલી છે અને તે અગ્રણી ઉદ્યોગપતિ જુપલ્લી રામેશ્વરા રાવે દાનમાં આપી હતી. જુપલ્લી રામેશ્વર રાવ માય હોમ્સ ગ્રૂપના માલિક છે અને તેઓ તેલંગણા સરકારની ઘણા નજીક છે. જીયર ઇન્ટિગ્રેટેડ વૈદિક એકૅડેમી (જીવા)એ જાહેરાત કરી છે કે તેણે દાન દ્વારા 1,000 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. કંપનીએ દાવો કર્યો હતો કે 1000 કરોડ રૂપિયામાંથી મુખ્ય પ્રતિમા પાછળ ખર્ચ કિંમત 130 કરોડ રૂપિયા (ટેક્સ સિવાય) થયો હતો.

મેડ ઇન ચાઇના
ચીનના નાનજિંગના ચેંગયાંગ ગ્રૂપનું એરોજન કૉર્પોરેશન પ્રતિમાના નિર્માણમાં સામેલ હતું. કંપનીએ વિશ્વભરમાં અનેક વિશાળ પ્રતિમાઓ બનાવી છે. આયોજકોના જણાવ્યા અનુસાર આમાં 7,000 ટન પંચધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પ્રતિમામાં સોનું, ચાંદી, તાંબુ, કાંસ્ય અને જસત પંચધાતુઓનો ઉપયોગ થતો હતો. એરોજન કૉર્પોરેશન અને જીવા વચ્ચે 14 ઑગસ્ટ, 2015ના રોજ પ્રતિમાના નિર્માણ માટેના કરાર કરવામાં આવ્યા હતા.
કરાર પ્રમાણે, પ્રતિમાના મુખ્ય સ્થપતિ ડીએનવી પ્રસાદ હતા. પ્રતિમાના નિર્માણ માટેના કરાર પર જીવા વતી રામેશ્વર રાવ અને એરોજન કૉર્પોરેશન વતી જનરલ મૅનેજર મિ જ્યાંઓ હુઆ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
ભારતની એક કંપની ઉપરાંત વિવિધ દેશોની અનેક કંપનીઓ સ્પર્ધામાં હતી અને આખરે આ કામ ચીનની કંપનીને સોંપવામાં આવ્યું.

કોણ છે રામાનુજાચાર્ય?

ઇમેજ સ્રોત, FACEBOOK/JEEYARSWAMY
રામાનુજાચાર્ય દ્વારા જુદા જુદા પ્રસંગોએ ઉચ્ચારેલા શબ્દો આ પ્રમાણે છે, "હું દરેકનાં દુ:ખ દૂર કરવાં માટે મારે એકલાએ નરકમાં જવું પડે તો તે નરકને પણ હું રાજીખુશીથી સ્વીકારીશ. માધવ સામે તમામ મનુષ્ય સમાન છે. તમામ જાતિઓને તેમના નામ સ્મરણનો અધિકાર છે. નાત-જાતના ભેદભાવ વગર બધા જ તેમના મંદિરમાં પ્રવેશ કરી શકે છે."
રામાનુજાચાર્ય હિંદુ ધર્મના ભક્તિ પરંપરાના હતા અને સિદ્ધાંતના પ્રણેતા હતા. તેમનો જન્મ તામિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં બ્રાહ્મણ જાતિમાં સન 1017માં થયો હતો અને 1137માં દેહ છોડ્યો હતો. તેમણે કાંચીપુરમમાં વિદ્યાભ્યાસ કર્યો હતો. અહીં તેઓ ભગવાન વરદરાજના ભક્ત હતા. શ્રીરંગમ તેમનું મુખ્ય કાર્યસ્થળ છે. તેમની સમાધિ (વૃંદાવન અથવા થિરુમેની) હજુ પણ શ્રીરંગમ રંગનાથસ્વામી મંદિરમાં મોજૂદ છે.
તેમણે વિશિષ્ટ અદ્વૈત સિદ્ધાંત રજૂ કર્યો હતો. જેઓ આ સિદ્ધાંતનું પાલન કરે છે તેઓ શ્રી વૈષ્ણવ તરીકે ઓળખાય છે.
આ સંપ્રદાયની વિશેષતા એ છે કે તેમના કપાળે ત્રિપુંડ અને ખભા પર શંખ ચક્રની છાપ હોય છે. જેઓ આ સંપ્રદાયમાં જેમણે દીક્ષા લીધી હોય તેમને જીયર કહેવામાં આવે છે.
તેમના ઇલાયા પેરુમલ, એમ્બેરુમનાર, યતિરાજા, ભાસ્યકાર જેવાં વિવિધ નામો છે. રામાનુજાચાર્યે વેદાર્થ સંગ્રહમ, શ્રી ભાસ્યમ અને ગીતા ભાશ્યમ જેવા ગ્રંથો લખ્યા છે. શંકરાચાર્યના અદ્વૈત સિદ્ધાંત સાથે સખત અસંમત હતા.
શ્રી વૈષ્ણવોના શબ્દોમાં કહીએ તો.. "નિયમ પ્રમાણે, ગુરુ દ્વારા આપવામાં આવેલો ગુપ્ત અષ્ટાક્ષરી મંત્રનું ઉચ્ચારણ કોઈનીય સમક્ષ થવું ન જોઈએ, પરંતુ રામાનુજાચાર્ય મંદિરના ગુંબજ પર ચઢ્યા અને બધાને મંત્ર મોટેથી સંભળાવ્યો. જેઓ જાણીજોઈને આ નિયમનું ઉલ્લંઘન એટલા માટે કરે છે કે જે મંત્રને સાંભળનાર પાપી હોય તો તે પણ સાંભળીને પુણ્યશાળી બને. તેમનો સિદ્ધાંત હતો કે કોઈનેય પુણ્યલાભ થતો હોય તો તે પાપ કરવામાં તેમને વાંધો નથી. તેમણે કેટલાંક મંદિરોમાં દલિતોને પ્રવેશ અપાવ્યો. તેમણે નીચલી જાતિના લોકોને વૈષ્ણવધર્મી બનાવ્યા. તેમણે કેટલાકને મંદિરમાં પૂજારી બનવાની તક પણ આપી હતી."

મહા યજ્ઞ

ઇમેજ સ્રોત, FACEBOOK/JEEYARSWAMY
પ્રતિમાના અનાવરણ દરમિયાન આધુનિક વિશ્વ ઇતિહાસનો સૌથી મોટો યજ્ઞ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ શ્રી લક્ષ્મી નારાયણ મહાયજ્ઞ 144 હોમશાળાઓ, 1035 યજ્ઞકુંડ અને 5,000 વૈદિક વિદ્વાનો દ્વારા કરવામાં આવે છે. યજ્ઞ 14 દિવસ સુધી ચાલશે અને તેમાં ચાર વેદોની 9 શાખાઓના મંત્રોનો પાઠ થશે.
નારાયણ અષ્ટાક્ષરી મંત્રના એક કરોડ જાપ થશે. આ માટે દેશી ગાયના દૂધમાંથી 1.5 લાખ કિલો શુદ્ધ ઘી કાઢવામાં આવ્યું છે. આ ઘી રાજસ્થાનના પથમેડા વિસ્તારમાંથી મેળવવામાં આવ્યું છે અને તે એકત્ર કરતા છ મહિના લાગ્યા છે. માત્ર ધાર્મિક વિધિઓ માટે ઉપયોગમાં લેવાતાં ચાર પ્રકારનાં વૃક્ષોની સમિધા એકત્રિત કરવામાં આવી છે.

હૈદરાબાદનું નવું આકર્ષણ અને સોશિયલ મીડિયા પર ચર્ચા

ઇમેજ સ્રોત, Getty Images
હૈદરાબાદનાં ઘણાં પ્રવાસનસ્થળોની સાથે આ પ્રતિમા પણ એક નવું આકર્ષણ બનવા જઈ રહી છે. યદાદ્રી મંદિરની સાથે, રામાનુજાચાર્યની પ્રતિમાનાં દર્શને વિષ્ણુભક્તો અને અન્ય શ્રદ્ધાળુઓની હૈદરાબાદની મુલાકાતોમાં વધારો થશે.
જોકે, આટલી વિશાળ પ્રતિમાના નિર્માણ અને પ્રતિમાને સમતા મૂર્તિ નામ રાખવાને લઈને ભારે ચર્ચાઓ ચાલી છે.
કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં લખ્યુ છે કે રામાનુજાચાર્યે કેટલાંક પ્રગતિશીલ મૂલ્યો શીખવ્યાં હશે પરંતુ જાતિવ્યવસ્થા પર તેમની કોઈ અસર થઈ નથી. તેમજ પ્રતિમાનું નિર્માણ કરી રહેલા ચિન્ના જિયર સ્વામીના ભૂતકાળમાં શબ્દો યાદ દેવડાવ્યા હતા કે, "જાતિ ન જવી જોઈએ, જાતિ હોવી જોઈએ. દરેક જાતિએ પોતાનું કામ કરવું જોઈએ."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
આટલા ખર્ચે વિશાળ પ્રતિમા મૂકવા અંગે પણ મતમતાંતર પ્રવર્તી રહ્યા છે.
ઓસ્માનિયા યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર કે શ્રીનિવાસુલુએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું, "પ્રતિમા સામે વાંધો નથી. જે સુધારકોએ સમાજ પર તેમની અસર છોડી છે તેમની પ્રતિમાઓ ઊભી કરી શકાય. પરંતુ તેમને સંલગ્ન સંસ્થા એક હજાર કરોડની વિશાળ પ્રતિમા મૂકવાને બદલે કોઈ યુનિવર્સિટીમાં તેમના નામ પર યુનિવર્સિટી અથવા રામાનુજમ ફંડ અથવા રામાનુજમ સંશોધન કેન્દ્ર સ્થાપે તે વધુ સારો વિચાર ગણાય."
"અમેરિકા અને યુરોપના ધનિકો આવું કરે છે. સંશોધનો તેમના નામે થાય છે. આ 1000 કરોડ રૂપિયા સમાજ માટે સીધા ઉપયોગી થાય તે રીતે ખર્ચાય તે વધુ યોગ્ય છે. ઉદાહરણ તરીકે, રામાનુજાચાર્યના સિદ્ધાંતોના અમલ પાછળ આ નાણાં ખર્ચાય તો તે ફાયદાકારક ગણાત. તેમના સિદ્ધાંતોનો સહસ્ત્રાબ્દિમાં થયેલા વિકાસ, તેમના દાર્શનિક વિચાર સાથે આવેલા સામાજિક પરિવર્તન વગેરે પાછળ નાણાં ફાળવવાં જોઈએ."
"આંબેડકરના વિચારો પર સંશોધન કરવાથી ફાયદો થશે, આંબેડકરની સો ફૂટની પ્રતિમાથી નહીં થાય. આનો અર્થ એ નથી કે પ્રતિમા ન હોવી જોઈએ. રામાનુજાચાર્ય પર એ જ લાગુ પડે છે. જો આટલો પૈસો જ્ઞાન સંપાદન પાછળ ખર્ચવામાં આવે તો દરિદ્રતામાંથી બહાર આવી શકાશે. બીજી ઊડીને આંખે વળગે એવી બાબત એ છે કે રામાનુજાચાર્ય સાવ સામાન્ય જીવન જીવતા હતા."
"આવી વ્યક્તિની યાદમાં આટલો ખર્ચ કરવો એ વિરોધાભાસ છે. રામાનુજાચાર્યના સિદ્ધાંત સાથે અસંમત લોકો પણ એ વાતે સહમત છે કે તેઓ એક મહત્ત્વના ભારતીય ફિલસૂફ હતા. તેમના સિદ્ધાંતોની અસર અને તેની સાથે આવેલા સામાજિક ઉત્ક્રાંતિના અભ્યાસ માટે પૈસા ખર્ચવામાં આવે તો તે યોગ્ય ગણાય. આ કંઈ રામાનુજાચાર્યની પ્રતિમા નથી, તે કંઈક બીજું જ છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












