ઉત્તર પ્રદેશ ચૂંટણી : મુઝફ્ફરનગરમાં જ્યાં રમખાણો થયાં હતાં ત્યાંના લોકો આ વખતે ભાજપને સાથ આપશે કે અખિલેશ સાથે ઊભા રહેશે?
- લેેખક, વાત્સલ્ય રાય
- પદ, બીબીસી સંવાદદાતા, મુઝફ્ફરનગર
"વોટ આપવામાં ભૂલ ના કરશો, બાકી તો મુઝફ્ફરનગર ફરીથી સળગી ઊઠશે."
ગૃહમંત્રી અમિત શાહે શનિવારે મુઝફ્ફરનગરની મુલાકાત દરમિયાન આ સંદેશ આપ્યો હતો. સંદેશ માત્ર મતદાતાઓ માટે ન હતો, પરંતુ કાર્યકર્તાઓ માટે પણ હતો.

ઇમેજ સ્રોત, M BALYAN
વર્ષ 2013 પછીથી મુઝફ્ફરનગરના ઉલ્લેખ સાથે રાજકારણમાં ભલે રમખાણો પર ચર્ચા શરૂ થઈ જતી હોય, પરંતુ આ જિલ્લાની ઓળખ શેરડી અને ગોળની મીઠાશ માટે પણ રહી છે.
'ડોર ટૂ ડોર' જનસંપર્કમાં અમિત શાહ જ્યાં ફર્યા ત્યાંથી થોડાક જ કિલોમીટર દૂર જ ગોળનું એક માર્કેટ છે, જે એશિયાનાં તમામ ગોળમાર્કેટમાં સૌથી અવલ માનવામાં આવે છે.
શાહની મુલાકાતના થોડા જ કલાકો બાદ ગોળમાર્કેટના કારોબારી સુરેશચંદ જૈને બીબીસીને કહ્યું, "ખતરો એ વાતનો છે કે આ વખતે છમાંથી બે બેઠક હાથમાંથી જઈ શકે છે."
ખુદને ભારતીય જનતા પાર્ટીના સમર્થક કહેનારા જૈન મુઝફ્ફરનગર જિલ્લાની છ વિધાનસભા બેઠકોની વાત કરી રહ્યા હતા.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ છ બેઠકો સદર, બુઢાના, પુરકાજી, ખતૌલી, ચરથાવલ અને મીરાપુર પર જીત મેળવી હતી.

ક્યા મુદ્દા પર કેટલું જોર?

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપના વિજય પાછળ જાટ મતદાતાઓનું સમર્થન મુખ્ય કારણ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે સુરેશચંદ જૈનનું માનવું છે કે "જ્યારથી ભાજપ સરકાર આવી છે, ત્યારથી કાયદો અને વ્યવસ્થા સુધર્યાં છે પરંતુ જે ખેડૂત આંદોલન ચાલ્યું, તેનાંથી ગઠબંધનનું સમર્થન પણ મજબૂત થયું છે."
તેઓ કહે છે કે, "જે જાટ લોકોના દિમાગમાં ઘૂસી ગયું છે કે મારે તો વોટ આપવાનો જ નથી, તે વોટ ભાજપને નહી મળે. એ ખેડૂત આંદોલનની અસર છે. અમે ગમે તેટલો પ્રયાસ કરી લઈએ પરંતુ 25-30 ટકા અસર તો પડશે જ."
ઘણા લોકો મોંઘવારી, બેરોજગારી, આવકમાં વધારો ન થવાની ફરિયાદો કરીને તેને પણ મુદ્દા બનાવે છે, પરંતુ મોટા ભાગના લોકોના મતે ખેડૂત આંદોલન અને ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દા ખૂબ મહત્વપૂર્ણ છે.
જેથી પશુઓ, શેરડીનો ભાવ અને ખેડૂત નેતાઓને લઈને સરકારના વલણ સાથે જોડાયેલા મામલા અને તેની અસર ચૂંટણીપરિણામો પર થઈ શકે એમ છે.

'અમારો સ્કોર રહેશે 6/6'

ભાજપ નેતાઓ દાવો કરે છે તેમનો 'ગઢ સુરક્ષિત' છે.
જિલ્લાની સદર બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય અને યોગી આદિત્યનાથ સરકારમાં સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી કપિલદેવ અગ્રવાલે બીબીસી સાથેની વાતચીતમાં દાવો કર્યો કે, "જિલ્લાની તમામ છ બેઠકો પર અમે જીતી રહ્યા છીએ. હું જવાબદારી સાથે આ વાત કહી રહ્યો છું."
આવો જ દાવો સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ ગઠબંધનના નેતા પણ કરી રહ્યા છે.
રાષ્ટ્રીય લોકદળના રાષ્ટ્રીય સહ-સંયોજક સુધીર ભારતીયને શિરે મુઝફ્ફરનગરમાં ગઠબંધનના ઉમેદવારોના પ્રચારની જવાબદારી છે.
સુધીર ભારતીયએ બીબીસીને કહ્યું, "અમારો સ્કોર રહેશે 6/6"
મુઝફ્ફરનગરના રાજકારણ પર દશકોથી નજર રાખનારા વરિષ્ઠ પત્રકાર રણવીર સિંહ કહે છે, "અહીં લડાઈ સીધી છે. તમામ છ બેઠકો પર લડાઈ ભાજપ અને ગઠબંધન વચ્ચે જ છે."
રણવીર સિંહ અને અન્ય વિશ્લેષકો કહે છે કે બન્ને દળો સામે લગભગ એક જેવી મુશ્કેલીઓ છે.
ઘણી બેઠકો પર ગઠબંધન અને ભાજપના ઉમેદવારોનો તેમના દળના સમર્થકો જ વિરોધ કરી રહ્યા છે.
ભાજપને ક્યાંક બહારના ઉમેદવારની સામે સ્થાનિક ઉમેદવારના વિરોધનો સામનો કરવો પડી શકે તેમ છે, તો ક્યાંક ઓછા લોકપ્રિય નેતાઓને ટિકિટ આપવામાં આવી હોવાની ફરિયાદો સાંભળવી પડી રહી છે. તેને પણ ભાજપની કમજોર કડી ગણાવવામાં આવી રહી છે.
જોકે, કપિલદેવ અગ્રવાલનો દાવો છે કે, "હવે કોઈ નારાજગી નથી."

'ભાજપ ઈચ્છતું હતું કે અમે મુસ્લિમને ટિકિટ આપીએ'

આ તરફ રાષ્ટ્રીય લોકદળાના કાર્યકરો પોતાના ચિહ્ન પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારને ઉતારવાની વાતને લઈને ફરિયાદો કરી રહ્યા છે.
એક મોટી ફરિયાદ એ પણ છે કે જિલ્લામાં 30 ટકા મુસ્લિમ મતદારો હોવા છતાં રાષ્ટ્રીય લોકદળ અને સમાજવાદી પાર્ટી ગઠબંધને કોઈ મુસ્લિમને ટિકિટ આપી નથી.
આ અંગે સુધીર ભારતીય કહે છે કે, "અમે ભારતીય જનતા પાર્ટીની પિચ પર જરા પણ રમવા નથી માગતા."
તેઓ દાવો કરે છે કે, "ભારતીય જનતા પાર્ટી ઈચ્છતી હતી કે અમે એક મુસ્લિમને મુઝફ્ફરનગરમાં ટિકિટ આપીએ અને અમે જ્યાં મુસ્લિમ ઉમેદવારને ઊભો રાખ્યો હોત, અમિત શાહએ ત્યાંથી જ ચૂંટણીપ્રચાર શરૂ કર્યો હોત."
સુધીર ભારતીય કહે છે કે ધ્રુવીકરણની રાજનીતિનું સૌથી મોટું નુકસાન લોકદળને પહોંચ્યું છે.
તેઓ કહે છે, "જ્યારે ખેડૂત, ખેડૂત ન રહીને હિંદુ-મુસ્લિમ બની ગયા ત્યારે આપણે જ નુકસાન વેઠાનું હતું. ભાગલા પાડવા સરળ છે, પણ લોકોને જોડવા એ ખૂબ મુશ્કેલ કામ છે."
"2013માં રમખાણોની એક ઘટના સામે આવી. લોકો સુધી 2013 રમખાણોની વાત પહોંચે છે, પરંતુ ત્યાર બાદની વાત નથી પહોંચતી. 2014, 2017 અને 2019માં આપણે ભોગવ્યું છે."
સુધીર ભારતીય કહે છે કે તેમના ગઠબંધને મુસ્લિમ ઉમેદવારોને પણ મેદાનમાં ઉતાર્યા છે. તેમના પ્રમાણે, "સિવાલખાસ (મેરઠ)ની જાટ બહુમતી બેઠક પર જાટ સમુદાયના લોકોની ટિકિટ કાપીને મુસ્લિમ ઉમેદવારને ઊભા રાખવામાં આવ્યા છે."
તેઓ આરોપ લગાવે છે કે, "ભારતીય જનતા પાર્ટીએ મુઝફ્ફરનગરને રમખાણોની પ્રયોગશાળા બનાવીને રાખ્યું છે. બન્ને સમુદાય વચ્ચે વધેલા અંતરને દૂર રાખવા ચૌધરી અજિતસિંહે અહીંથી ચૂંટણી (લોકસભા, 2019) લડવાની હિંમત દેખાડી હતી. હાર્યા બાદ પણ તેમણે લોકોને કહ્યું હતું કે જે કારણથી હું અહીં આવ્યો હતો, તે પૂરું થઈ ગયું છે. હિંદુઓ અને મુસ્લિમોએ એક જગ્યાએ વોટ આપ્યા છે."

'મુસ્લિમોના મત સૌથી વધારે'

ઇમેજ સ્રોત, DEEPAK KUMAR
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સંજીવ બાલિયાને ચૌધરી અજિતસિંહને અંદાજે છ હજાર મતના અંતરથી હરાવ્યા હતા. બાલિયાન હાલમાં કેન્દ્રની મોદી સરકારમાં રાજ્યમંત્રી છે.
અજિતસિંહનું ગત વર્ષે નિધન થઈ ગયું. હવે તેમના પુત્ર અને રાષ્ટ્રીય લોકદળ પ્રમુખ ચૌધરી જયંતસિંહ મુઝફ્ફરનગર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના મતદારોને અજિતસિંહની યાદ અપાવી રહ્યા છે.
જોકે, મુઝફ્ફરનગરમાં કોઈ મુસ્લિમ ઉમેદવારને ગઠબંધને ટિકિટ ન આપવાનો મુદ્દો વિરોધીઓ પણ ઊઠાવી રહ્યા છે.
બહુજન સમાજવાદી પાર્ટીના સૅક્ટર પ્રભારી ઝિયાઉર રહેમાન દાવો કરે છે કે મુસ્લિમ સમાજને 'સન્માન ન મળવાથી' ઘણા લોકો સમાજવાદી પાર્ટીથી નારાજ છે.
ઘણા વિશ્લેષકો ભલે બીએસપીને મુખ્ય લડાઈમાં નથી ગણી રહ્યા પરંતુ ઝિયાઉર રહેમાનનો દાવો કંઇક જુદો છે.
તેઓ કહે છે કે, "આ જે ગઠબંધન (સમાજવાદી પાર્ટી - રાષ્ટ્રીય લોકદળ) છે, મુસ્લિમ વોટને લઈને જ થયું છે. અહીં મુસ્લિમ સમાજના સૌથી વધારે મત છે."
રહેમાન આગળ કહે છે,"ગઠબંધને અહીં એક પણ મુસ્લિમને ટિકિટ નથી આપી. અમારી પાર્ટીએ મુસ્લિમ સમાજના, મારા સમાજના ત્રણ લોકોને ટિકિટ આપી છે. અમે તમામ છ બેઠકો પર મજબૂતીથી ચૂંટણી લડી રહ્યા છીએ. બુઢાના, મીરાપુર અને ચરથાવલમાં અમારો આધાર મજબૂત છે."
કૉંગ્રેસના ઉપાધ્યક્ષ દીપકકુમાર પુરકાજી અનામત બેઠક પર પોતાનું પલડું ભારે હોવાનો દાવો કરે છે. તેઓ ખુદ અહીંના ઉમેદવારે છે. ગઈ ચૂંટણીમાં તેમને અંદાજે નવ હજાર મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.
તેઓ દાવો કરે છે કે, "ગઈ વખતે બીજા નંબરે હતો. આ વખતે હું જ જીતીશ. બીએસપીની હાલત તો ખૂબ જ ખરાબ થશે. બાકી મુસ્લિમોના મત ભલે ગઠબંધનને મળે પરંતુ મારા માટે તેમાં પણ ભાગ પડશે."

રમખાણો અંગે શું કહ્યું ભાજપ નેતાએ?

ઇમેજ સ્રોત, M BALYAN
ભાજપનું સમગ્ર ધ્યાન અખિલેશ યાદવ અને ચૌધરી જયંતસિંહના ગઠબંધનથી ઊભા થયેલા પડકારો તરફ છે. ભાજપ નેતા અને કાર્યકરો આ ગઠબંધન અને તેના સમર્થકોની કમજોરી શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
પ્રદેશ સરકારના મંત્રી કપિલદેવ અગ્રવાલ ભાજપના અન્ય નેતાઓની જેમ ચૌધરી જયંતસિંહ પ્રત્યે નરમ વલણ દાખવે છે.
તેઓ કહે છે, "બધા સાથે આવ્યા એમાં ખોટું શું છે? જો કોઈને અમારાથી નારાજગી હોય તો તેમને મનાવવા એ અમારી જવાબદારી છે."
જોકે, સમાજવાદી પાર્ટીને લઈને તેઓ થોડું આકરું વલણ ધરાવે છે.
કપિલદેવ અગ્રવાલ આરોપ લગાવે છે, "આ લોકોએ હંમેશાં ગુંડાઓ, માફિયાઓ, આતંકીઓને સંરક્ષણ આપવાનું કામ કર્યું છે."
શું વર્ષ 2013માં થયેલાં રમખાણો આજે પણ મુદ્દો છે? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે, "ચોક્કસથી, આ મુદ્દો રહેશે. તે ખતમ કઈ રીતે થઈ શકે છે."
એટલે કે તમામ પાર્ટીએ લાઇન નક્કી કરી લીધી છે અને હવે પોતે કઈ લાઇન પર આગળ વધે એનો આધાર મતદારોઓ પર છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












