ઉત્તર પ્રદેશની ચૂંટણી : શું આ વખતની ચૂંટણીમાં ‘હિન્દુત્વ’ને ‘સામાજિક ન્યાય’નો પડકાર છે?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી હિંદી સંવાદદાતા

વાત 1990ની છે.

25 સપ્ટેમ્બરે લાલ કૃષ્ણ અડવાણીએ ગુજરાતના સોમનાથ મંદિરથી રથયાત્રાની શરૂઆત કરી હતી. તેનાંથી ઠીક એક મહિના પહેલાં ઑગસ્ટમાં તત્કાલીન વડા પ્રધાન વી. પી. સિંહે અન્ય પછાત વર્ગોને આરક્ષણ આપવા માટેની જાહેરાત કરી હતી.

વી. પી. સિંહની આ જાહેરાતે ભાજપને વિચારમાં મૂક્યો હતો.

લાલ કૃષ્ણ અડવાણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 25 સપ્ટેમ્બરે લાલ કૃષ્ણ અડવાણીએ ગુજરાતના સોમનાથ મંદિરથી રથયાત્રાની શરૂઆત કરી હતી.

ભાજપના નેતાઓ દેશની રાજનીતિમાં જાતિની ગૂંચવણને સમજે છે અને ત્યારે પણ સમજતા હતા. મંડલ આયોગની ભલામણોની દૂરગામી રાજનૈતિક અસરને કાપવા માટે ભાજપે તે સમયે 'હિન્દુ એકતા'નો નારો આપીને રામ મંદિરનું આંદોલન ઉગ્ર કરી દીધું હતું.

હવે વાત 2022ની.

હાલમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી જે તસવીરો સામે આવી, તેણે ફરી એક વખત 1990ની યાદોને તાજી કરી.

ગત અઠવાડિયે ભાજપથી બગાવત કરીને જનારા મંત્રીઓ અને ધારાસભ્યોની કતાર લાગી હતી. તેમાંથી કેટલાક સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે.

‘મંદિર’ વિરુદ્ધ ‘મંડલ’

વીડિયો કૅપ્શન, કેમ ઇન્ટરવ્યૂ વચ્ચે ઉભા થઈને જતા રહ્યા ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી? INTERVIEW

ચૂંટણી પહેલા એક જ જગ્યાએ આટલા બધા પછાત વર્ગનાં નેતાઓનાં મિલનને કેટલાક જાણકારો 'મેલા હોબે' કહી રહ્યા છે, તો કેટલાક પશ્ચિમ બંગાળની ચૂંટણીની જેમ 'ખેલા હોબે' કહી રહ્યા છે.

જોકે, જાણકારો 1990ના દાયકાની અને હાલની રાજનીતિ જોઈ છે અને તેમને લાગે છે કે ઇતિહાસનું ફરી એક વખત પુનરાવર્તન થઈ રહ્યું છે.

વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી કહે છે કે, "મને આ વખતે ઉત્તર પ્રદેશની લડાઈ 'મંદિર' વિરુદ્ધ 'મંડલ' હોય તેમ લાગી રહ્યું છે. 30 વર્ષ પહેલા જે કંઈ મેં જોયું તે આજે ફરી થઈ રહ્યું છે. આ ત્રીસ વર્ષોમાં મંદિર અને મંડલ ક્યાંય નથી ગયાં."

" તે ત્યાં જ છે. હવે અત્યંત પછાત તેમજ મહાદલિત તમામ વર્ગો પોતાનો ભાગ માગી રહ્યા છે. હવે પછાત જાતિઓમાં જે 'ડૉમિનેટિંગ' જાતિ હતી, માત્ર તે જ પોતાનો ભાગ નથી માગી રહ્યા."

"મુશ્કેલી એ લોકોએ વધારી દીધી છે, જે પછાત જાતિમાં નથી ગણાતા પણ તેમની પણ તેમાં ગણના કરવાની માગ કરી રહ્યા છે, જેમાં જાટ પણ છે. આ માટે હજુ સુધી મંડલ ખતમ નથી થયું."

તેઓ આગળ કહે છે, "જે કાર્ડ અખિલેશ રમી રહ્યા છે, તે મુલાયમ સિંહનું પુરાણું કાર્ડ જ છે. મુલાયમ સિંહ કહ્યા કરતા હતા કે, યાદવ અને મુસ્લિમ એક થઈ જાય તો તેમને કોઈ હરાવી નહીં શકે."

અખિલેશ યાદવ અને સ્વામી પ્રસાદ મૌર્ય

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અખિલેશ યાદવ અને સ્વામી પ્રસાદ મૌર્ય

"આ વાતમાં હવે માત્ર મુસ્લિમ-યાદવ જ નથી રહ્યા, હવે તેમાં અન્ય પછાત જાતિઓનો પણ સમાવેશ કરાયો છે. સમાજવાદી પાર્ટી ભલે બેરોજગારી, કોવિડ મૅનેજમેન્ટ અને મોંઘવારી જેવા મુદ્દાની વાત કરતી હોય, પરંતુ લોકોને તો તે જાતિનાં આધારે જ એકઠા કરી રહી છે."

અખિલેશ યાદવનાં આ પત્તાને કાપવા માટે બે દિવસ માટે ભાજપે મૅરેથૉન બેઠકો યોજી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેમાં ટિકિટ વહેંચણીને લઈને જ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકો અંગે નીરજા ચૌધરી કહે છે કે, "ક્યાંક એવી આશા હતી કે આ બેઠકો બાદ ભાજપ આ પડકારોને પહોંચી વળવા માટે કોઈ રસ્તો શોધશે. ભાજપની રાજનીતિમાં અયોધ્યાનું આગવું મહત્વ છે."

ચર્ચા હતી કે યોગી આદિત્યનાથ અયોધ્યાથી ચૂંટણી લડશે જો કે જાહેરાત કરાઈ કે તેઓ ગોરખપુરથી જ ચૂંટણી લડશે.

નીરજા અયોધ્યાને હિન્દુત્વ સાથે નથી જોડતા. તેઓ તેને મંદિરનો મુદ્દો જ કહે છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા વડા પ્રધાન મોદીએ ખુદ કાશી કૉરિડોરનું ઉદ્ધાટન કર્યું હતું.

ઉત્તર પ્રદેશનાં ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ મથુરામાં મંદિરનો મુદ્દો ઉઠાવ્યો. આ માટે નીરજાને લાગે છે કે આ વખતે ચૂંટણીમાં મંદિર વિરુદ્ધ મંડલ હશે.

જોકે, તેઓ એમ પણ કહે છે કે 1992 પછી મંદિર મુદ્દાનો ભાજપને વધારે ફાયદો થયો નથી.

line

‘સવર્ણ’ વિરુદ્ધ ‘પછાત’

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા

લખનૌનાં વરિષ્ઠ પત્રકાર નાગેન્દ્ર પ્રતાપ નીરજા ચૌધરીની એ વાતથી સહમત છે કે ભાજપનું અયોધ્યા કાર્ડ આ વખતે નહીં ચાલે.

જોકે, નાગેન્દ્ર પ્રતાપના મતે આ વખતે ચૂંટણી 'મંદિર' વિરુદ્ધ 'મંડલ' નહીં પરંતુ 'સવર્ણ' વિરુદ્ધ 'પછાત' હોવાની સંભાવના વધારે છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "ભાજપ હિન્દુત્વ કાર્ડ રમવાનો પ્રયાસ જરૂર કરે છે, તેમની પાસે વિકલ્પો પણ ઓછા છે, પરંતુ જો મામલો 'સવર્ણ' વિરુદ્ધ 'પછાત' હશે તો ભાજપ સામે પડકાર પણ નવો હશે."

તેઓ આગળ કહે છે કે, "પછાત વર્ગના લોકો અત્યાર સુધી એક મંચ પર સાથે ઊભા ન હતા. 2014, 2019ની લોકસભાની ચૂંટણી હોય કે પછી 2017ની વિધાનસભાની ચૂંટણી. દર વર્ષે કહાણી અલગઅલગ હતી."

2014માં ગુજરાત મૉડલ પર ચૂંટણી લડવામાં આવી. 2017 અને 2019માં પછાત વર્ગનાં લોકો પણ હિન્દુ થઈ ગયા હતા, જાટ પણ હિન્દુ થઈ ગયા હતા અને યાદવ પણ હિન્દુ થઈ ગયા હતા. જોકે, આ વખતે એક વસ્તુ બદલાઈ છે.

પછાત હોય, દલિત હોય કે પછી અતિ પછાત હોય, હવે તમામને લાગે છે કે અંતે ભાજપ હમેશા હિન્દુત્વનાં મુદ્દા પર આવશે.

આ કારણથી આ વખતે હિન્દુત્વ કાર્ડ એ રીતે નહીં ચાલે, જે રીતે 2019માં ચાલ્યું હતું અને જે રીતે ભાજપ હાલમાં ઇચ્છી રહી છે. એક મોટો વર્ગ જે પહેલા ભાજપ તરફ ગયો હતો, તે પણ હવે મોહભંગની સ્થિતિમાં છે. તમામ જૂના સંઘ/ભાજપ સમર્થકો પણ મોદી-યોગીનાં ઉગ્ર હિન્દુત્વથી કંટાળી ગયા છે.

શુક્રવારે સમાજવાદી પાર્ટીમાં જોડાતી વખતે સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું, "સરકાર દલિત અને પછાત લોકો બનાવે અને મલાઈ એ પાંચ ટકા લોકો ખાય."

તેમણે વધુમાં કહ્યું હતું કે, "તમે કહો છો.. નારો આપો છો 80 અને 20નો. હું કહું છું 80-20 નહીં, હવે થશે 15 અને 85. 85 તો અમારો ભાગ છે જ, 15માં પણ અમારો ભાગ છે."

સ્વામી પ્રસાદ મૌર્યની વાતોથી નાગેન્દ્રની વાતને બળ મળે છે.

નાગેન્દ્ર આગળ કહે છે, "જ્યારે હું એમ કહું છું કે ઉત્તર પ્રદેશમાં લડાઈ સવર્ણ વિરુદ્દ પછાતની થતી હોવાનું લાગે છે, તો એ સ્પષ્ટ કરી દઉં કે કોઈ પાર્ટી જાણી જોઈને એમ નહીં કરે, એ જાતે જ થશે."

"રાજકીય દળ આવું કંઈ કરવાનું જોખમ નહીં ઊઠાવે. જો કોઈ પાર્ટી આ લાઇન પર ચાલશે તો પ્રશાસન નહીં ચલાવી શકે. ભાજપ પણ ધર્મનાં ધ્રુવીકરણનું જોખમ ઊઠાવી શકે છે, જાતિના નામ પર નહીં."

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરથી ચૂંટણી લડશે

" ભાજપ સવર્ણોની પાર્ટી શરૂઆતથી માનવામાં આવે છે, પરંતુ તેમને યાદવ સિવાયનાં ઓબીસી વોટ પણ જોઈએ છે. જે ગત ચૂંટણીમાં તેમને મળ્યાં હતાં."

આ અંગે નીરજા કહે છે કે સમાજવાદી પાર્ટીમાં કેટલાક યાદવ સિવાયનાં ઓબીસી ચહેરાઓ ગયા છે. તેનો અર્થ એ નથી કે તમામ વોટ પણ ભાજપ પાસેથી જતા રહેશે.

2017માં ભાજપને 61 ટકા યાદવ સિવાયનાં ઓબીસી વોટ મળ્યા હતા, જે કોઈ પણ વિધાનસભાની ચૂંટણીમાં બહુ મોટી ટકાવારી છે.

નીરજા કહે છે કે, "જે રીતે રણનીતિ સાથે યાદવ સિવાયનાં ઓબીસી ભાજપનો સાથ છોડી રહ્યા છે અને સમાજવાદી પાર્ટીમાં જઈ રહ્યા છે, તેઓ એક માહોલ બનાવી રહ્યા છે. તમામ મંત્રી અને ધારાસભ્યો એક સાથે પણ ભાજપ છોડી શકતા હતા, પરંતુ એક પછી એક પાર્ટી છોડવી એમ દર્શાવે છે કે, આ રણનીતિનો હિસ્સો છે તેમજ માહોલ બનાવવાની કવાયત છે."

"આ કારણથી પાછલા કેટલાક દિવસોથી ભાજપ 'ડિફૅન્સિવ' મોડમાં જોવા મળી રહી છે. જે મતદાતાઓ જાતે નક્કી નથી કરી શકતા તેમના માટે આ માહોલ ઘણો મહત્વપૂર્ણ સાબિત થાય છે."

line

બ્રાહ્મણોની નારાજગી

વીડિયો કૅપ્શન, ઉત્તર પ્રદેશ ચૂંટણી, મહિલાઓ અને અપેક્ષાઓ- COVER STORY

"તમામ પછાત વર્ગના લોકો સમાજવાદી પાર્ટીમાં નહીં જાય", નીરજા ચૌધરીની આ વતથી વરિષ્ઠ પત્રકાર અનિલ યાદવ પણ સહમત છે.

અનિલ યાદવ લગભગ ત્રણ દાયકાથી ઉત્તર પ્રદેશની રાજનીતિને લઈને રિપોર્ટિંગ કરે છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું,"મંડલ, મંદિર અને હિન્દુત્વ વચ્ચે બ્રાહ્મણોની નારાજગીએ ભાજપની ચિંતાઓને વધારી દીધી છે.

જોકે, એ પણ સત્ય છે કે ભાજપમાં મચેલી ભાગદોડમાં ઘણાબધા બ્રાહ્મણ નેતાઓએ તેનો સાથ નથી છોડ્યો."

પરંતુ અનિલ યાદવ કહે છે કે, બ્રાહ્મણ પણ ભાજપથી ઘણા નારાજ છે. તેમની નારાજગીને સમાજવાદી પાર્ટી વધારવામાં લાગી છે.

અનિલ યાદવ પ્રમાણે, "નિષાદ પાર્ટીને ભાજપે પોતાની સાથે કરી લીધી છે. એવામાં સમાજવાદી પાર્ટીને લાગે છે કે નિષાદ વોટબૅન્ક તેમના ખાતામાં નહીં આવે, તો પૂર્વાંચલમાં બ્રાહ્મણોને પોતાની તરફ કરવામાં આવે."

તેમનું પોતાનું આકલન છે કે આવનારા દિવસોમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ વહેંચણીમાં તેની અસર જોવા મળશે.

અનિલ યાદવ કહે છે કે, "ભાજપ વિરુદ્ધ પાંચ વર્ષની સત્તા વિરોધી લહેર તો છે, પરંતુ જે નેતા ભાજપ સાથે છેડો ફાડીને જઈ રહ્યા છે, તેઓ આ સત્તા વિરોધી લહેરને વધારે હવા આપવાનું કામ કરી રહ્યા છે."

"અવધ અને પૂર્વાંચલમાં ટીચર ભરતીમાં પછાત જાતિઓની આરક્ષણ ન મળવાથી તેમનામાં ઘણા સમયથી ગુસ્સો હતો, જે આંદોલન બનવા તરફ ઢળી રહ્યો હતો."

"એવામાં સ્વામી પ્રસાદ મૌર્ય જેવા નેતાઓ પાસે ભાજપ છોડવા સિવાય અન્ય કોઈ રસ્તો પણ ન હતો. યોગી સરકારે એ નારાજગી દૂર કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું, પરંતુ અત્યાર સુધીમાં 'પછાત વર્ગનાં લોકોની વાત ન સાંભળનારી સરકાર'નો ટૅગ તેમને મળી ગયો હતો."

હાલમાં તમામ જાણકારો એમ પણ માને છે કે આ બધી બાબતો વચ્ચે આપણે એ ના ભૂલવું જોઈએ કે ભાજપની ચૂંટણીલક્ષી કામગીરી ખૂબ મજબૂત છે.

ચૂંટણીના દિવસે લોકોને બૂથ સુધી લઈ જવામાં, ઘરોમાંથી બહાર કાઢવામાં તેમજ પૈસા ખર્ચ કરવાથી પણ ચૂંટણીઓ પ્રભાવિત થતી હોય છે.

માહોલ અને વિચારધારા સિવાય ચૂંટણીલક્ષી રાજનીતિમાં તેના ખુદના અર્થ છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો