યતિ નરસિંહાનંદ : મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાના કેસમાં યતિ નરસિંહાનંદની ધરપકડ

    • લેેખક, વિનીત ખરે
    • પદ, બીબીસી સંવાદદાતા, ડાસના, ગાઝિયાબાદ

હરિદ્વાર પોલીસે હિન્દુવાદી નેતા યતિ નરસિંહાનંદની મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાના કેસમાં ધરપકડ કરી છે.

હરિદ્વાર પોલીસ અધીક્ષક યોગેન્દ્રસિંહ રાવતે બીબીસી સાથે વાત કરતા યતિ નરસિંહાનંદની ધરપકડની પુષ્ટિ કરી છે.

હરિદ્વાર પોલીસના પ્રવક્તા ઇન્સ્પેક્ટર વિપિન પાઠકે બીબીસીને જણાવ્યું, "સ્વામી યતિ નરસિંહાનંદ વિરુદ્ધ હરિદ્વાર પોલીસમાં ઘણા કેસ નોંધવામાં આવ્યા છે. કેસ નંબર 18/22માં તેમની ધરપકડ કરવામાં આવી છે. તે રુચિકા નામની છોકરીની ફરિયાદ પર નોંધવામાં આવી હતી."

યતિ નરસિંહાનંદ

ઇમેજ સ્રોત, SAMEERATMAJ MISHRA/BBC

ઇમેજ કૅપ્શન, યતિ નરસિંહાનંદ

વિપિન પાઠકના જણાવ્યા અનુસાર, "સ્વામિ યતિ નરસિંહાનંદની ધરપકડ ઉપરાંત તેમના પર 'ધર્મસંસદ' દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ પણ કેસ નોંધવામાં આવ્યો છે."

સમાચાર એજન્સી એએનઆઈએ પણ હરિદ્વારના સર્કલ ઑફિસરને ટાંકીને કહ્યું છે કે યતિ નરસિંહાનંદ સામે 2-3 કેસ નોંધાયેલા છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

આ સંદર્ભે હરિદ્વાર પોલીસે બે દિવસ પહેલાં જિતેન્દ્ર નારાયણ ત્યાગી ઉર્ફે વસીમ રિઝવીની ધરપકડ કરી હતી.

વસીમ રિઝવી ઉત્તર પ્રદેશ શિયા વક્ફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ છે. તેમના પર ધર્મસંસદ દરમિયાન ઉશ્કેરણીજનક નિવેદનો આપવાનો પણ આરોપ હતો.

  • "ધરતી પરથી ઇસ્લામનું અસ્તિત્વ ભૂંસી નાખવું જોઈએ. બધા મુસલમાનોને ખતમ કરી નાખવા જોઈએ."
  • "આજે આપણે જેમને મુસલમાન કહીએ છીએ, તેઓ પૂર્વે રાક્ષસ કહેવાતા હતા."
  • "ઇસ્લામ એ ગુનેગારોની સંગઠિત ગૅંગ છે. અને તેના મૂળમાં સ્ત્રીઓનો વેપાર છે, સ્ત્રીઓની બરબાદી છે. કાફિર (વિધર્મી)ની સ્ત્રીઓને છીનવી લેવી એ તેનો સૌથી મોટો આધાર છે."

આ ઉગ્ર નિવેદન યતિ નરસિંહાનંદ સરસ્વતીનાં છે. ગાઝિયાબાદ જિલ્લાના ડાસના કસ્બામાં દેવીમંદિરના 'પીઠાધીશ' યતિ નરસિંહાનંદ સરસ્વતી હવે જૂના અખાડાના મહામંડલેશ્વર પણ છે.

આ એ જ દેવીમંદિર છે જેના ગેટની બહાર મોટા મોટા અક્ષરે લખ્યું છેઃ અહીંયાં મુસલમાનોનો પ્રવેશ વર્જિત છે.

મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના ઉત્તરપ્રદેશમાં, જ્યાં ટ્વીટ કરવા બદલ, રિપોર્ટિંગ કરવા બદલ કે પછી સીએએ-વિરોધી પોસ્ટર ચોંટાડવા બદલ પણ ધરપકડ થઈ છે, ત્યાં સવાલ એ ઊભો થયો છે કે મુસલમાનો વિરુદ્ધ સતત નફરત ફેલાવનારાં ભાષણ આપનારા યતિ નરસિંહાનંદ સરસ્વતી હજુ સુધી જેલના સળિયા પાછળ કેમ નથી?

હિન્દુત્વવાદી નેતાઓની લાંબી થતી જતી યાદીમાં યતિ નરસિંહાનંદ સરસ્વતી સૌથી વધુ ચર્ચિત પોસ્ટરબૉય છે.

છેલ્લાં કેટલાંક વરસોથી મુસલમાનો વિરુદ્ધ એમનાં ઉશ્કેરણીજનક બયાનો લોકોમાં પ્રસરી રહ્યાં છે.

ડાસનાનું દેવીમંદિર
ઇમેજ કૅપ્શન, ડાસનાનું દેવીમંદિર

જૂના અખાડાના મહામંડલેશ્વર બનેલા નરસિંહાનંદ પર એવો પણ આરોપ છે કે તેઓ ડાસના દેવીમંદિર અને એની જમીનનો પોતાની અંગત સંપત્તિની જેમ ઉપયોગ કરે છે.

મુસ્લિમ-બહુલ ડાસનામાંના કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે યતિ નરસિંહાનંદનાં ભાષણો પર ત્યાં કોઈ ધ્યાન નથી આપતા, પરંતુ ગાઝિયાબાદના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર, આવાં ભાષણોથી હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ધ્રુવીકરણ (અંતર/વૈમનસ્ય) વધ્યું છે.

ઉત્તરપ્રદેશમાં મહત્ત્વપૂર્ણ ચૂંટણી નજીક છે અને ઘણા વિસ્તારોમાં સાંપ્રદાયિક ખેંચતાણ-મતભેદો સ્પષ્ટરૂપે દેખાય છે, એવા સમયે ગાઝિયાબાદના આ કસ્બામાં જે થઈ રહ્યું છે એની અસર જિલ્લાની સીમાઓ વટીને આખા ઉત્તરપ્રદેશમાં પણ જોઈ શકાય છે.

ઉત્તરપ્રદેશના મારા પ્રવાસ દરમિયાન ઘણા મુસલમાનોએ મને નરસિંહાનંદ સરસ્વતીની 'ઝેરીલી ભાષા' માટે ચિંતા દર્શાવી. પરંતુ યોગીરાજમાં તેઓ રોક્યા રોકાતા નથી, એવું કેમ?

તાજેતરમાં જ હરિદ્વારમાં આયોજિત ધર્મસંસદમાં યતિ નરસિંહાનંદે કહેલું, "… મુસલમાનોને મારવા માટે તલવારની જરૂર નહીં પડે, કેમ કે તમારાથી, તલવારથી તો એ મરશે પણ નહીં. તમારે ટૅક્‌નિકમાં એમના કરતાં આગળ વધવું પડશે."

આ ધર્મસંસદમાં ખુલ્લેઆમ મુસલમાનોના નરસંહારની વાત કરવાનો આરોપ છે. સોશિયલ મીડિયા પર ચગેલી ચર્ચાઓ પછી ઉત્તરાખંડની પોલીસે ધર્મસંસદમાં કરાયેલી હેટ સ્પીચ બાબતના કેસની એફઆઇઆર નોંધી હતી અને તપાસ આરંભાઈ છે.

એફઆઇઆરમાં યતિ નરસિંહાનંદનું નામ પાછળથી ઉમેરવામાં આવ્યું છે. જોકે, પોલીસે એવી સ્પષ્ટતા નથી કરી કે પહેલાંથી એમનું નામ એફઆઇઆરમાં કેમ નહોતું.

line

યતિ નરસિંહાનંદ વિરુદ્ધ કયા કયા કેસ છે?

ધર્મસંસદ
ઇમેજ કૅપ્શન, ધર્મસંસદ

યતિ નરસિંહાનંદ પર થયેલાં એફઆઈઆર, મુકદમા પહેલાંથી જ કંઈ ઓછાં નહોતાં.

એમનાં વકીલ અને ડાસના દેવીમંદિરનાં મહંત મા ચેતનાનંદ સરસ્વતીએ જણાવ્યા અનુસાર, યતિ પર થયેલા લગભગ બે ડઝન કેસ હાલ જુદાં જુદાં ચરણોમાં છે, કેટલાકમાં ચાર્જશીટ થઈ છે, કેટલાક કેસોમાં હાઈકોર્ટે સ્ટે મૂક્યો છે અને કેટલાકની તપાસ ચાલી રહી છે.

આઇપીસીની 153એ અને 295એ કલમો અંતર્ગત યતિ નરસિંહાનંદ પર ઉત્તરાખંડમાં કેસ ચાલશે. 153એ એટલે કે, સમુદાયો વચ્ચે ધર્મ, ભાષા, ઇત્યાદિના આધારે વેરભાવના ફેલાવવી, અને કલમ 295એ એટલે, ધાર્મિક ભાવનાઓ દુભાવવી કે એવી કોશિશ કરવી.

ગાઝિયાબાદ પોલીસે જે 10 કેસોની માહિતી આપી છે, એના અનુસાર, યતિ નરસિંહાનંદ વિરુદ્ધ આઇટી ઍક્ટ ઉપરાંત આઇપીસીની 306, 307, 395 જેવી કલમો હેઠળ પણ કેસ નોંધાયેલા છે.

306ની કલમ એટલે કે, કોઈને આત્મહત્યા કરવા પ્રેરણા આપવી. કલમ 307 એટલે હત્યા કરવાનો પ્રયાસ, 395ની કલમ એટલે, લૂંટ.

રાજેશ ત્યાગી, જેમણે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને એનું ધ્યાન હરિદ્વારમાં હેટ સ્પીચના બનાવ તરફ દોર્યું એ 76 વકીલોમાંના એક.
ઇમેજ કૅપ્શન, રાજેશ ત્યાગી, જેમણે સુપ્રીમ કોર્ટને પત્ર લખીને એનું ધ્યાન હરિદ્વારમાં હેટ સ્પીચના બનાવ તરફ દોર્યું એ 76 વકીલોમાંના એક.

ગાઝિયાબાદ પોલીસ પાસેથી મળેલી આ માહિતી અમે વરિષ્ઠ વકીલ રાજેશ ત્યાગીને જણાવીને પૂછ્યું કે યતિ નરસિંહાનંદ સરસ્વતીનાં ભાષણો અને બીજા કેસોમાં પોલીસે લગાડેલી કલમો અંગે તમારું શું કહેવું છે?

જે 76 વકીલોએ સુપ્રીમ કોર્ટને પત્ર લખીને હરિદ્વારની હેટ સ્પીચ અંગે કોર્ટનું ધ્યાન દોર્યું હતું, રાજેશ ત્યાગી એમાંના એક વકીલ છે.

મેરઠમાં રહેતા રાજેશ ત્યાગીએ જણાવ્યું કે તેઓ સતત એમના વીડિયો જોતા હતા અને નરસિંહાનંદ જે પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે, "પોલીસ તો એક રીતે જાણે એમને છૂટ આપે છે."

તેમણે જણાવ્યું કે, "એમના પર લૂંટ, હત્યા કરવાની કોશિશ જેવી કલમો લગાડાઈ છે. મને સમજાતું નથી કે આ બધા કેસમાં, જેમાં એમણે ગુનાખોરી બેવડાવી છે, એમને જામીન કઈ રીતે મળે છે! એમના જામીન તો રદ થઈ જવા જોઈતા હતા."

રાજેશ ત્યાગીએ જણાવ્યું કે જે રીતે ઝેર ઓકાઈ રહ્યું છે, એનાથી ખૂબ મોટી કત્લેઆમ થવાનો ભય છે.

ગાઝિયાબાદના એસએસપી પવનકુમારે યતિ નરસિંહાનંદ સરસ્વતી વિરુદ્ધની કાર્યવાહીમાં રાજકીય દબાણનો ઇનકાર કર્યો
ઇમેજ કૅપ્શન, ગાઝિયાબાદના એસએસપી પવનકુમારે યતિ નરસિંહાનંદ સરસ્વતી વિરુદ્ધની કાર્યવાહીમાં રાજકીય દબાણનો ઇનકાર કર્યો

તેમણે કહ્યું કે, "આ સીધેસીધો યુએપીએ (UAPA)નો કેસ બને છે, પરંતુ પોલીસ યુએપીએ નથી લગાડતી. હરિદ્વાર કેસમાં યુએપીએ નથી લગાડ્યો, જે ખરેખર સીધો યુએપીએ કેસ છે. તમારી પાસે દસ્તાવેજ છે, ડિજિટલ વીડિયોનો પુરાવો છે."

ગાઝિયાબાદના એસએસપી પવનકુમારે બીબીસી સાથેની વાતચીતમાં યતિ નરસિંહાનંદ વિરુદ્ધની કાર્યવાહીમાં રાજકીય દબાણનો ઇનકાર કર્યો હતો.

ઉત્તરાખંડના ગઢવાલના ડીઆઇજી કરણસિંહ નાગન્યાલે પણ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે પોલીસ પર રાજકીય દબાણ નથી અને તે યતિ નરસિંહાનંદ બાબતે 'સૉફ્ટ' નથી.

કરણસિંહ નાગન્યાલે એ ન કહ્યું કે કેસ સાથે જોડેલો એસઆઇટીનો રિપોર્ટ ક્યારે આવશે, પરંતુ જણાવ્યું કે, "જેટલી ઝડપ થઈ શકે એટલી ઝડપે પુરાવા મેળવીને ચાર્જશીટ રજૂ કરીશું."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

દેવીમંદિરના પ્રાંગણમાં સ્થિત એક હૉલમાં બીબીસી સાથે વાત કરતાં યતિ નરસિંહાનંદના નજીકના અને 'છોટે નરસિંહાનંદ' તરીકે ઓળખાતા અનિલ યાદવે હસતાં હસતાં કહ્યું કે, "મુકદમાની લાઇન લાગી છે. કોઈ પરેશાની નથી. એ તો અમારાં ઘરેણાં છે."

એમનું એમ પણ કહેવું હતું કે કાર્યવાહી નહીં થવા પાછળ માત્ર એક જ કારણ છે કે ગુરુજીએ કોઈ ગુનો નથી કર્યો અને એમની વિરુદ્ધ કોઈ પુરાવો પણ નથી.

ગાઝિયાબાદની પોલીસ અનુસાર, યતિ નરસિંહાનંદ સરસ્વતી પર થયેલા 13 કેસમાંના અડધાથી વધારેમાં ચાર્જશીટ થઈ ગઈ છે.

પોલીસ અનુસાર, યતિ પર ગુંડા એક્ટ લગાડવાનો કેસ જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીમાં વિલંબમાં પડ્યો છે. ગાઝિયાબાદના ડીએમ રાકેશકુમાર સિંહનો ફોન પર સંપર્ક ન થઈ શક્યો અને એમને મોકલવામાં આવેલા સંદેશાનો પણ કોઈ જવાબ નથી મળ્યો.

અર્થાત્, એમના પર ઘણા કેસ ચાલે છે. સાથે જ દિલ્લી પ્રેસ ક્લબ અને દિલ્લીના રમખાણ વખતે નફરત ભરેલાં ઉશ્કેરણીજનક ભાષણો અને સાંપ્રદાયિક વાતાવરણ ડહોળાઈ જવાની બીક હોવા છતાં, એમનાં મુસલમાનવિરોધી બયાનો સતત લોકોમાં પ્રસરી રહ્યાં છે.

line

રાજકીય સંરક્ષણ?

દેવીનાં દર્શન માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મંદિરે આવે છે
ઇમેજ કૅપ્શન, દેવીનાં દર્શન માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મંદિરે આવે છે

ગાઝિયાબાદના એક પોલીસ અધિકારીએ બીબીસી સાથેની વાતચીત દરમિયાન યતિ નરસિંહાનંદ વિરુદ્ધ કશી સખત કાર્યવાહી ન થવા પાછળ યોગી સરકારના કથિત સંરક્ષણને જવાબદાર ગણાવ્યું.

પોતાનું નામ નહીં છાપવાની શરતે તેમણે કહ્યું, "ઉપરથી સ્પષ્ટ ઇશારા છે કે એમની વિરુદ્ધ કશું નથી કરવાનું." એમણે જણાવ્યું કે યતિ વિરુદ્ધ નોંધાયેલા કેસોમાં આગળ વધવાની કોઈ સંભાવના નથી અને એમને પોતાને "એ બાબતનું દુઃખ છે".

એ અધિકારીએ જણાવ્યા અનુસાર, જે કેસો અદાલતમાં છે, તેમાં, યતિ નરસિંહાનંદના વકીલોના પ્રયાસો એવા હોય છે કે એક વરસમાં એક કે બેથી વધારે તારીખ ન પડે; અને તેઓ દૂરની તારીખ લઈ લે છે, જેનાથી કાયદાકીય પ્રક્રિયા આગળ નથી વધી શકતી.

યતિ નરસિંહાનંદ વિરુદ્ધ ગુંડા એક્ટ દાખલ કરવા અંગે કથિત નરમ વલણ બાબતે ગાઝિયાબાદના અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું કે એ સિસ્ટમનો નાનકડો ભાગ છે અને જો સિસ્ટમે કોઈને બચાવવા હોય તો રસ્તા પણ મળી આવે છે.

યતિ નરસિંહાનંદ સરસ્વતીનાં વકીલ અને ડાસના દેવીમંદિરનાં મહંત મા ચેતનાનંદ સરસ્વતીએ રાજકીય સંરક્ષણ કે અદાલતમાંના કેસોને લાંબો સમય ચલાવ્યે રાખવાના આરોપો બાબતે પૂછ્યું કે, "તમે જ કહો, રાજકીય સંરક્ષણ કોર્ટમાં કઈ રીતે ચાલે?"

એમણે હેટ સ્પીચના કેસોને રાજકીય ગણાવ્યા અને કહ્યું, "કેટલી વાર આપણે એપ્લિકેશન રજૂ કરી શકીએ કે સ્વાસ્થ્ય સારું નથી? (વારંવાર આવું કરવાથી) કોર્ટ બિનજામીનપાત્ર વોરંટ કાઢશે."

અનિલ યાદવ જેઓ પોતાને યતિ નરસિંહાનંદની વિચારધારાના વારસદાર ગણાવે છે, તેઓ એમ કહેતાં બિલકુલ ખચકાતા નથી કે, "ગુરુજી અને યોગીજીના સંબંધો સારા છે."

અનિલ યાદવ, જેઓ પોતાને યતિ નરસિંહાનંદની વિચારધારાના વારસદાર ગણાવે છે
ઇમેજ કૅપ્શન, અનિલ યાદવ, જેઓ પોતાને યતિ નરસિંહાનંદની વિચારધારાના વારસદાર ગણાવે છે

એમનું પણ એમ કહેવું છે કે બીજેપીમાં એવા ઘણા નેતા છે જેઓ 'ગુરુજી'ને પૂજનીય માને છે પણ ઘણી વાર રાજકીય ગણતરીઓના ચક્કરમાં સામે નથી આવતા.

અનિલ યાદવે બીજેપી નેતા કપિલ મિશ્રાનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેઓ અહીં આવતાજતા હતા, પછી એક ટ્વીટ પછી અંતર વધારી દીધું હતું, અને "બની શકે કે એમની પાર્ટીની મજબૂરી હોય."

ભાજપ નેતા કપિલ મિશ્રાને યતિ નરસિંહાનંદનાં નિવેદનોથી ક્યારેય કોઈ પરેશાની નથી થઈ અને એમણે એપ્રિલ 2021માં એમના માટે દાન પણ એકઠું કર્યું હતું.

આ અંગે જવાબ આપતાં બીબીસી સાથેની વાતચીતમાં કપિલ મિશ્રાએ કહ્યું કે, "જ્યારે યતિજી પર હુમલાની વાત થઈ, એમના વિરુદ્ધ ફતવા બહાર પડ્યા, ત્યારે મને લાગ્યું કે આ રીતે જાહેરમાં ધમકી આપીને કોઈ માણસને મારવાની વાત કરાય અને કમલેશ તિવારી જેવા એમના હાલ થાય તો, એટલે એમને સુરક્ષા મળવી જોઈએ."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

"એ માટે અમે ફંડ એકઠું કર્યું અને એમની સુરક્ષા માટે 50 લાખ ભેગા કરી આપ્યા. ત્યાર પછી એમનાં કેટલાંક વક્તવ્યો થયાં જે મને બરાબર ન લાગ્યાં, ખાસ કરીને મહિલાઓ વિશેનાં. ત્યારે હું બોલેલો કે મંદિરમાં બેઠેલા કોઈ વ્યક્તિ દ્વારા આ પ્રકારનાં વક્તવ્ય થાય એ યોગ્ય નથી લાગતું. અને મેં એમને ત્યાં જવાનું, મળવાનું બંધ કર્યું."

કપિલ મિશ્રાએ કહ્યું કે, જ્યાં સુધી પાર્ટીની વાત છે, "પાર્ટીમાં આવી બધી બાબતે કશી ચર્ચા જ નથી થતી. પાર્ટી પાસે વાત કરવાના બીજા ઘણાય મુદ્દા છે. મને નથી લાગતું કે ભાજપમાં કોઈ સ્તરે આવા કોઈ મુદ્દા પર કશી ચર્ચા કે સંવાદ થતો હોય."

ઉત્તરપ્રદેશ ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ યતિ નરસિંહાનંદના કોઈ પણ કેસમાં સરકારી હસ્તક્ષેપ હોવા વિશે ઇનકાર કર્યો અને કહ્યું કે, "ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથજીની સરકાર બન્યા પછી પોલીસને સંપૂર્ણ છૂટ અપાઈ છે કે જે કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરે - એણે લીલાં કપડાં પહેર્યાં હોય કે ભગવાં વસ્ત્ર, એમની જાતિ કોઈ પણ હોય, એમનો ધરમ ગમે તે હોય - એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે."

રાકેશ ત્રિપાઠીએ જણાવ્યું કે સરકાર એવી દરેક વિભાજનકારી વાતની નિંદા કરે છે જેનાથી સાંપ્રદાયિક વાતાવરણ ડહાળાતું હોય.

ડાસના દેવીમંદિરમાં પોસ્ટર
ઇમેજ કૅપ્શન, ડાસના દેવીમંદિરમાં પોસ્ટર

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મુસલમાનોને ટાર્ગેટ કરીને વિભાજનકારી ભાષા જેવી કે 'અબ્બાજાન', 'અલી' અને 'બજરંગબલી'નો પ્રયોગ કરતા રહ્યા છે.

તેઓ પૂર્વે હિન્દુ અને મુસ્લિમને અલગ સંસ્કૃતિ ગણાવી ચૂક્યા છે, જે સાથે ન રહી શકે.

તો, પોતાને બંધારણમાં માનતા હોવાનું ગણાવનાર 'છોટે યતિ' અનિલ યાદવ કહે છે કે યતિ સમર્થક યોગી આદિત્યનાથના પક્ષમાં પ્રચાર કરશે.

તેમણે કહ્યું, "બીજેપીમાં એક નેતા છે, એમનું નામ છે યોગી આદિત્યનાથ."

એમણે નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરતાં કહ્યું કે, "માનનીય મોદીજીએ મુસલમાનો માટે ઘણાં બધાં નિયમનો હળવાં કરી દીધાં છે. પોતાના 10 વર્ષના સમય દરમિયાન એમને ઘણા શક્તિશાળી પણ કર્યા છે."

યતિ નરસિંહાનંદ અને એમની સાથે કામ કરતી ટીમે ઉગ્ર હિન્દુવાદી એજન્ડા અપનાવ્યો છે અને તેઓ 'હિન્દુ કી નસલ ઔર ફસલ' બચાવવાનું આહ્વાન કરે છે.

ડાસના મંદિરના પ્રાંગણમાં ચારેબાજુ પોસ્ટર્સ લાગ્યાં છે, જેમાં ઓછામાં ઓછાં પાંચ બાળકો પેદા કરવાની હિન્દુઓને એપીલ કરાઈ છે, જેથી હિન્દુ ધર્મ સલામત રહે.

line

ફેલાતી સાંપ્રદાયિકતા અને સરકારી ખર્ચે મંદિરની સુરક્ષા

કૉંગ્રેસના સતીશ શર્મા કહે છે કે, "હું પાર્ટીમાં પછી છું, પહેલાં કટ્ટર હિન્દુ છું; પણ હિન્દુત્વવાદી નથી."
ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના સતીશ શર્મા કહે છે કે, "હું પાર્ટીમાં પછી છું, પહેલાં કટ્ટર હિન્દુ છું; પણ હિન્દુત્વવાદી નથી."

ડાસનામાં 80 ટકાથી વધારે મુસલમાનો રહે છે. અહીંના મોટા ભાગના લોકો નાનાં-મોટાં કામ, ખેતી કે મજૂરી કરે છે.

સ્થાનિક લોકોની વાત કરીએ તો, હિન્દુ-મુસલમાન વચ્ચે વધતા જતા અવિશ્વાસ, શંકા અને દૂરતાનો અહેસાસ થાય છે. જોકે, આવી ભાવનાઓ એમના મનમાં ક્યારથી છે કે એ કેટલા મોટા સ્વરૂપની છે, એ જાણવું-સમજવું આસાન નથી.

મંદિરની બરાબર સામે કૉંગ્રેસના સતીશ શર્માનું ઘર છે. એમનો જન્મ ડાસનામાં જ થયો છે અને બીજા લોકોની જેમ તેઓ પણ બાળપણથી મંદિરમાં રમવા, સાફ-સફાઈ કરવા કે કસરત કરવા જતા હતા.

સવારની ઠંડીમાં પોતાના ઘરની બહાર ખુરશી પર બેસી તડકો ખાતા સતીશ શર્માએ કહ્યું કે, "હું પાર્ટીમાં પછી છું, પહેલાં કટ્ટર હિન્દુ છું; પણ હિન્દુત્વવાદી નથી."

સતીશ શર્માને વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની ટિકિટ મળવાની આશા છે.

મંદિરમાં પ્રવેશ માટે ઓળખપત્ર બતાવવું પડે છે
ઇમેજ કૅપ્શન, મંદિરમાં પ્રવેશ માટે ઓળખપત્ર બતાવવું પડે છે

તેઓ ડાસનાને ગંગા-જમુના સંસ્કૃતિનો કસ્બો ગણાવે છે, જ્યાં હિન્દુ અને મુસ્લિમ બંને, એકબીજાનાં સુખ-દુઃખમાં ભાગ લેતા હતા, સાથે મંદિરે જતા હતા અને ભલે એ 1947 હોય કે 1992, ક્યારેય અહીં ધર્મ-આધારિત રમખાણ નથી થયાં.

તેમણે જણાવ્યું કે, પહેલાં, રાજસ્થાન અથવા બીજી જગ્યાઓએથી મુસલમાનો ડાસના મંદિરમાં પ્રસાદ ધરાવવા આવતા હતા.

સતીશ શર્માના નજીકના મિત્ર, ડાસનાનિવાસી અને સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા સાજિદ હુસૈન યાદ કરે છે કે કઈ રીતે મંદિરમાં થનારી દશેરાની પૂજા માટે પૈસા આપતા હતા અને છઠપૂજામાં ભાગ લેતા હતા.

પરંતુ આજે, મુસલમાનોનો મંદિરપ્રવેશ વર્જિત (પ્રતિબંધ) છે. મંદિરમાં જવા માટે ઓળખપત્ર બતાવવું પડે છે અને એમાંની માહિતી કાયદેસર રીતે ગેટ પર ફરજ બજાવતા પોલીસકર્મી રજિસ્ટરમાં નોંધે છે.

પોલીસ અનુસાર, યતિ નરસિંહાનંદનું જીવન જોખમમાં છે, જેને ધ્યાનમાં રાખીને મંદિરમાં દરેક સમયે 22-28 પોલીસકર્મીઓ ફરજ પર રહે છે, એ માટે દર મહિને 25-30 લાખ રૂપિયાનો સરકારી ખર્ચ થાય છે.

સતીશ શર્માએ જણાવ્યું કે, "હવે જે નફરતનો મોહાલ સર્જાઈ રહ્યો છે એનાથી આપસી પ્રેમ, સૌહાર્દને હાનિ થાય છે. અહીં આવતાં હવે મુસલમાન બીએ છે, ટાળે છે."

અહીંથી થોડે દૂર જતાં ઇકલા અને રઘુનાથપુર નામનાં ગામ છે, જ્યાં હિન્દુઓએ વાતચીત દરમિયાન દાવો કર્યો કે યતિ નરસિંહાનંદ મંદિરમાં આવ્યા એ પહેલાં મંદિરની અંદર અને બહાર મુસ્લિમ યુવકો હિન્દુ યુવતીઓની છેડતી કરતા હતા અને મંદિરમાં ચોરી કરતા હતા, પણ હવે બધું બરાબર છે.

નરેન્દ્ર શર્માને લાગે છે કે યતિ નરસિંહાનંદ મંદિરમાં આવ્યા તેથી "હિન્દુ જાગરૂક થયા છે, એક થયા છે."
ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર શર્માને લાગે છે કે યતિ નરસિંહાનંદ મંદિરમાં આવ્યા તેથી "હિન્દુ જાગરૂક થયા છે, એક થયા છે."

આવી માહિતી એમને કયા સ્રોતમાંથી મળી એ સ્પષ્ટ નથી, પરંતુ રઘુનાથપુર ગામનાં એક મહિલા મતનવતીએ કહ્યું, "હિન્દુ છોકરા થોડા જ જશે, એવું કરશે? મુસલમાન જ કરશે. ઇલાકો મુસલમાનોનો છે."

શું તેઓ સાંભળેલી વાતો કરે છે કે પછી કોઈ મહિલાની મુલાકાત કરાવી શકે જેમની સાથે એવું થયું હોય? એ પ્રશ્નનો કાં તો કોઈ જવાબ ના મળ્યો અથવા તો જવાબ એ છે કે કયો પરિવાર પોતાની વહુ-દીકરી વિશે આવી વાત સૌની સમક્ષ જાહેર કરવા ઇચ્છે.

એક હિન્દુ વ્યક્તિએ દાવો કર્યો કે પહેલાં જ્યારે મંદિરમાં મુસલમાન યુવકોએ કરેલી છેડતીને કારણે ઝઘડો અથવા મારામારી થતી, ત્યારે તેઓ પોતે એમાં ભાગ લેતા હતા.

ઇકલા ગામના વિકાસ ગૂજરે જણાવ્યું કે, "અમે એમની મસ્જિદોમાં નથી જતા. એ લોકો ઘૂસવા પણ નહીં દે. એ કહો કે, ત્યાં બેસીને તમે હનુમાનચાલીસા બોલી શકશો? જેવી રીતે (ગુરુગ્રામમાં) ગુરુદ્વારામાં બોલાવીને કે મંદિરમાં બોલાવીને નમાજ અદા કરાવી રહ્યા છે, કે પછી દુર્ગા પંડાલમાં નમાજ પઢાવે છે; એ હનુમાનચાલીસાનો પાઠ કરવા દેશે ત્યાં?"

રસ્તાની બાજુમાં દુકાન ધરાવતા નરેન્દ્ર શર્માને લાગે છે કે યતિ નરસિંહાનંદ મંદિરમાં આવ્યા એ કારણે "હિન્દુ જાગરૂક થયા છે, એક થયા છે."

મોહમ્મદ ફારૂખ યતિ નરસિંહાનંદનાં નિવેદનોથી દુખી છે.
ઇમેજ કૅપ્શન, મોહમ્મદ ફારૂખ યતિ નરસિંહાનંદનાં નિવેદનોથી દુખી છે.

થોડું આગળ ગયા તો ત્યાં કેટલીક મહિલાઓનો ઊલટો દાવો હતો કે, મંદિરની અંદર હવે છેડતીના બનાવો બને છે, ના કે પહેલાં.

નજીકના બાજીગ્રાન મહોલ્લામાં એક મુસ્લિમ વ્યક્તિને જ્યારે યતિ નરસિંહાનંદના વીડિયો વિશે પૂછ્યું તો એમણે યતિને "પાગલ" ઠરાવ્યા.

તેમણે કહ્યું, "જો એલફેલ વાતો કરશે, તો પાગલ જ ઠરાવીશું એમને. તેઓ અહીંનું વાતાવરણ બગાડવાની કોશિશ કરે છે પણ અહીંયાં બધા જ સારી રીતે રહે છે."

આ એ જ મહોલ્લો છે જ્યાં ભાડાના મકાનમાં રહેતા એક મુસ્લિમ છોકરાને, ગયા વર્ષના માર્ચમાં, દેવીમંદિરમાં પાણી પીવા જવા બદલ ખરાબ રીતે માર્યો હતો.

મંદિર પાસેનું તળાવઃ એવી માન્યતા છે કે આમાં સ્નાન કરવાથી ચર્મરોગ મટી જાય છે
ઇમેજ કૅપ્શન, મંદિર પાસેનું તળાવઃ એવી માન્યતા છે કે આમાં સ્નાન કરવાથી ચર્મરોગ મટી જાય છે

છોકરાનો પરિવાર ભાડાનું મકાન છોડીને ક્યાંક બીજે જતો રહ્યો છે.

પ્રાચીન દેવીમંદિરની આસપાસ પણ મોટી સંખ્યામાં મુસ્લિમ વસ્તી છે અને આસપાસના હિન્દુઓએ પણ પોતાની વાતચીતમાં પોતાની ઓછી વસ્તીનો ઉલ્લેખ કર્યો.

એમની વાતો અને હાવભાવથી એવું લાગતું હતું કે ઓછી વસ્તીના કારણે તેઓ અસુરક્ષિતતા અનુભવતા હતા.

વર્ષ 2011ની વસ્તીગણતરીના આંકડા અનુસાર, ગાઝિયાબાદ જિલ્લામાં 82.5 ટકા હિન્દુ અને 14.18 ટકા મુસલમાન હતા.

line

મંદિરનો ઇતિહાસ, યતિ નરસિંહાનંદનું આગમન

સ્થાનિક લોકો અનુસાર, મંદિર 500થી 1000 વર્ષ જૂનું છે
ઇમેજ કૅપ્શન, સ્થાનિક લોકો અનુસાર, મંદિર 500થી 1000 વર્ષ જૂનું છે

સરકારી કાગળોમાં એ જમીન મંદિરના નામે છે. મંદિર સાથે ઘણાં મિથ અને ઘણી કિંવદંતી જોડાયેલાં છે.

કૉંગ્રેસના સતીશ શર્માએ જણાવ્યા અનુસાર, હજારથી વધારે વરસ જૂના આ મંદિરમાં પહેલાંના વખતમાં લોકો ગંગામાં સ્નાન કરવા જતી વેળા રાત્રિરોકાણ કરતા હતા.

મંદિરની પાસેના એક તળાવ વિશે એવી માન્યતા છે કે એમાં નહાવાથી ચર્મરોગ મટી જાય છે.

મંદિરના અનિલ યાદવે જણાવ્યા અનુસાર, તળાવ પાસેના શિવાલયમાં પરશુરામે જાતે શિવલિંગની સ્થાપના કરી હતી.

મંદિર વિશે લખાયું છે કે, લંકાપતિ રાવણના પિતાએ અહીં ઘણાં વર્ષો સુધી તપસ્યા કરી હતી અને સ્વયં રાવણે પણ અહીં પૂજા કરી હતી.

એક પોલીસ અધિકારીએ કહ્યા અનુસાર યતિ નરસિંહાનંદનાં ભાષણોને કારણે એ વિસ્તારના સમાજોમાં વૈમનસ્ય વધ્યું છે
ઇમેજ કૅપ્શન, એક પોલીસ અધિકારીએ કહ્યા અનુસાર યતિ નરસિંહાનંદનાં ભાષણોને કારણે એ વિસ્તારના સમાજોમાં વૈમનસ્ય વધ્યું છે

સાથે જ એ પણ કે, મહાભારતના યુદ્ધ પહેલાં કુંતી અને પાંચ પાંડવે લાક્ષાગૃહમાંથી સલામત બચી નીકળ્યાં પછી અહીં પણ છૂપા વેશે કેટલોક સમય ગાળ્યો હતો.

આ મંદિર પ્રાચીન છે અને એના માટે ડાસનામાં ઘણી માન્યતાઓ છે.

યતિ નરસિંહાનંદ સરસ્વતી મંદિરમાં આવ્યા એ પહેલાં ઘણાં વરસો સુધી મૌનીબાબા નામના એક પૂજારીએ મંદિરનો કાર્યભાર સંભાળ્યો હતો.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, વર્ષ 2005માં ચોરોએ મૌનીબાબાને માર માર્યો અને થોડા સમય માટે તેઓ મંદિર છોડીને ચાલ્યા ગયા.

એમના ગયા પછી, પોતાને મૌનીબાબાનો ચેલો ગણાવનાર ગણેશ શર્મા ઉર્ફે ગણેશગિરિએ મંદિરનું કામકાજ સંભાળ્યું, પરંતુ તેઓ પણ દેવીમંદિર છોડીને ક્યાંક જતા રહ્યા.

સાજિદ હુસૈન યાદ કરે છે કે કઈ રીતે મંદિરમાં થનારી દશેરાની પૂજા માટે તેઓ પૈસા આપતા હતા અને છઠપૂજામાં ભાગ લેતા હતા
ઇમેજ કૅપ્શન, સાજિદ હુસૈન યાદ કરે છે કે કઈ રીતે મંદિરમાં થનારી દશેરાની પૂજા માટે તેઓ પૈસા આપતા હતા અને છઠપૂજામાં ભાગ લેતા હતા

અનિલ યાદવે જણાવ્યા અનુસાર, યતિ નરસિંહાનંદ સરસ્વતી વર્ષ 2007માં મહંત તરીકે દેવીમંદિરમાં એવા સમયે આવ્યા જ્યારે દેવીમંદિરના પ્રમુખનું પદ ખાલી હતું.

સંન્યાસ લેતાં પહેલાં યતિ નરસિંહાનંદનું નામ દીપક ત્યાગી હતું.

અનિલ યાદવે જણાવ્યા અનુસાર, દીપક ત્યાગી મૉસ્કોમાં ભણ્યા હતા અને એમણે લંડનમાં છેલ્લી નોકરી કરી હતી.

પછીથી તેઓ રાજકારણમાં જોડાયા અને 1998માં સમાજવાદી પાર્ટીના મહાનગર અધ્યક્ષ બન્યા. પરંતુ જ્યારે તેઓ 'લવ-જિહાદ'ની કથિત શિકાર એક યુવતીની મદદ ન કરી શક્યા ત્યારે એમણે ગ્લાનિ અનુભવી.

અનિલ યાદવે જણાવ્યા અનુસાર, ધર્મપરિવર્તનનું કારણ આગળ ધરીને દીપક ત્યાગી મસ્જિદો અને મદરેસાઓમાં ગયા, જેનાથી એમનું "દિમાગ પૂર્ણરૂપે બદલાઈ ગયું."

1999-2000ના વર્ષે દીપક ત્યાગીએ સંન્યાસ લીધો.

તેઓ ભાજપના સાંસદ બી.એલ. શર્મા પ્રેમના સંપર્કમાં આવ્યા અને 'પૂર્ણરૂપે હિન્દુવાદી બની ગયા'. મંદિરમાં બી.એલ. શર્માની મૂર્તિ છે જેમને યતિ નરસિંહાનંદ પોતાના ગુરુ ગણે છે.

line

મંદિરની જમીન અને ટ્રસ્ટ

યતિ નરસિંહાનંદ પર આરોપ છે કે તેઓ ડાસના દેવીમંદિર અને એની જમીનનો અંગત સંપત્તિ તરીકે ઉપયોગ કરે છે
ઇમેજ કૅપ્શન, યતિ નરસિંહાનંદ પર આરોપ છે કે તેઓ ડાસના દેવીમંદિર અને એની જમીનનો અંગત સંપત્તિ તરીકે ઉપયોગ કરે છે

વાર્તા અહીં જ પૂરી નથી થતી.

ગાઝિયાબાદમાં રહેતા જિંદલ પરિવારના ગૌરવ જિંદલે જણાવ્યા અનુસાર, જે જમીન પર દેવીમંદિર બનેલું છે એ ખરેખર તો એમના પોતાના પરિવારની જમીન હતી અને લગભગ 500-1000 વર્ષ પહેલાં એમના પૂર્વજોએ આ મંદિર બંધાવ્યું હતું, એની દેખરેખ મહારાણી દેવીમંદિર ટ્રસ્ટ દ્વારા રખાતી હતી.

વ્યવસાયે વકીલ એવા ગૌરવ જિંદલે જણાવ્યા અનુસાર, તળાવમાંથી કસોટીના પથ્થરની માતાજીની પ્રતિમા નીકળી હતી, એની પ્રતિષ્ઠા માટે મંદિરનું નિર્માણ કરાયું હતું.

એમના અનુસાર, મંદિરના ઇતિહાસને પાંડવો, પરશુરામ અને રાવણ સાથે જોડવો એ માત્ર અફવાઓ છે.

ગૌરવે જણાવ્યા અનુસાર, યતિ નરસિંહાનંદ સરસ્વતીનો સંબંધ પહેલાં હિન્દુ મહાસભા સાથે હતો અને ડાસનાના એક વ્યક્તિ એમને દેવીમંદિર લઈ આવ્યા હતા.

મંદિરની અંદર એક હૉલમાં મુકાયેલી બી.એલ. શર્માની મૂર્તિ
ઇમેજ કૅપ્શન, મંદિરની અંદર એક હૉલમાં મુકાયેલી બી.એલ. શર્માની મૂર્તિ

ગૌરવે જણાવ્યું કે સંન્યાસ લીધા પછી યતિ મંદિરમાં આવી ગયા. ગૌરવ જિંદલે જણાવ્યા અનુસાર, યતિ કટ્ટર હિન્દુ હોવાના કારણે તેઓ અને તેમના સ્વર્ગીય પિતા કૃષ્ણમુરારિ યતિ પ્રત્યે આકર્ષાયા અને એ દરમિયાન યતિ મંદિરમાં રહેવા લાગ્યા અને ત્યાર પછી છોડીને ક્યાંય ન ગયા.

ગૌરવે જણાવ્યું કે, પહેલાં તેમના પિતાએ મંદિરમાં રાજકીય કાર્યક્રમનું આયોજન કરવાનો વિરોધ કર્યો હતો, જેના કારણે બોલાચાલી થઈ હતી.

ગૌરવના જણાવ્યા અનુસાર, ત્યાર પછી મંદિર "પરિવારના હાથમાંથી જતું રહ્યું", જોકે, એમનો પરિવાર "ભયના માહોલમાં" આજે પણ મંદિરમાં દર્શન કરવા જાય છે.

મંદિર પ્રબંધનનો અધિકાર એમના પરિવારને મળે તેવું તેઓ ઇચ્છે છે.

મંદિર માટે ત્રીજા દાવેદાર છે આનંદ ગુપ્તા. એમનો દાવો છે કે જમીનનો એક ભાગ એમના પૂર્વજોએ દાનમાં આપ્યો હતો અને એ જમીન પર યતિ ગેરકાયદે રહે છે.

આનંદ ગુપ્તાનું ઘર મંદિરની બરાબર સામે છે. ઘરના પહેલા મજલે એમણે મંદિર સંલગ્ન જૂના ઘણા બધા કાગળો બતાવ્યા.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

આનંદ ગુપ્તાએ જણાવ્યું કે એમણે 2010માં કોર્ટમાં કેસ કર્યો છે અને આ કેસ નીચલી અદાલતમાં ચાલી રહ્યો છે.

મંદિરના અનિલ યાદવના જણાવ્યા અનુસાર, અદાલતમાં આવો કોઈ કેસ નથી અને જમીનની માલિકી-હક્કનો કોઈ વિવાદ નથી, કેમ કે "હવે તો એ મંદિરની જમીન છે".

તેમણે કહ્યું કે, "હું આજે એવો દાવો કરવા લાગું કે મારા પિતા અને મારા પરદાદા કોઈ ટ્રસ્ટ, મંદિર, ધર્મશાળા માટે જમીન આપીને ગુજરી ગયા અને આજે મને પાછી જોઈએ છે, તો એ તો બિલકુલ નિરર્થક વાત છે."

ટ્રસ્ટની વાત કરીએ તો, દેવીમંદિરની કામગીરી જુદાં જુદાં ટ્રસ્ટ હેઠળ વહેંચી દેવાઈ છે અને બધાં ટ્રસ્ટના પ્રમુખ યતિ નરસિંહાનંદ સરસ્વતી છે.

મહિલા

અનિલ યાદવના જણાવ્યા અનુસાર, વર્ષ 2021માં બનેલાં ત્રણ ટ્રસ્ટ છેઃ યતિ નરસિંહાનંદ સરસ્વતી ફાઉન્ડેશન, શ્રીકૃષ્ણ યોગધામ અને હર હર મહાદેવ ભક્તમંડળ, જ્યારે ચોથું ટ્રસ્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

યતિ નરસિંહાનંદ સરસ્વતી ફાઉન્ડેશન ટ્રસ્ટનું કામ નવું કામ શરૂ કરાવવું છે, બીજા ટ્રસ્ટનું કામ છે બાળકોને રમતગમતોનો પરિચય કરાવવો, એમને સેના માટે તૈયાર કરવાં.

ત્રીજા ટ્રસ્ટની જવાબદારી મંદિરમાં (દેવી)માની સેવા કરવાની છે. જ્યારે ચોથા ટ્રસ્ટની જવાબદારી વિદ્યાલય અને ગૌશાળા હશે.

યાદવે જણાવ્યા અનુસાર, મંદિરમાં 25-30 લોકોનો સ્ટાફ છે અને દર મહિને અઢીથી ત્રણ લાખ જેટલો મંદિરનિભાવખર્ચ થાય છે.

અનિલ યાદવે જણાવ્યું કે મંદિરની આવક ઓછી છે, તેથી સ્ટાફના પગારની જવાબદારી બહારના લોકોએ ઉઠાવી છે.

line

યતિની સોશિયલ મીડિયા પરની પહોંચ

યતિ નરસિંહાનંદ પર આરોપ છે કે તેઓ ડાસના દેવીમંદિર અને એની જમીનનો અંગત સંપત્તિ તરીકે ઉપયોગ કરે છે
ઇમેજ કૅપ્શન, યતિ નરસિંહાનંદ પર આરોપ છે કે તેઓ ડાસના દેવીમંદિર અને એની જમીનનો અંગત સંપત્તિ તરીકે ઉપયોગ કરે છે

શું યોગીરાજમાં યતિ નરસિંહાનંદને અભયવચન મળ્યું છે?

આ સવાલ પૂછતાં જ અનિલ યાદવે કહ્યું કે, "હરિદ્વારમાં યોગીજી નથી, દિલ્હીમાં યોગીજી નથી, અને પાંચ વર્ષ પહેલાં, 2017ની પહેલાં, યોગીજી નહોતા. અને કદાચ હાલના કરતાં વસ્તુઓ મોટી હતી. પહોંચ ઓછી હતી. બની શકે કે 2017 પહેલાં હાલનાં કરતાં મોટાં મોટાં વક્તવ્યો અપાયાં હોય, પણ એ વખતે અમારી પહોંચ ઓછી હતી."

યતિની નજીકના ગણાતા અનિલ યાદવે કોઈ અનુભવી સોશિયલ મીડિયા પ્રોફેશનલની સમજથી વાત કરી.

અનિલ યાદવ અનુસાર, જ્યારે કોઈ સોશિયલ મીડિયા પર મંદિર કે યતિ નરસિંહાનંદના નામનું હૅન્ડલ શરૂ થાય છે, તો એ પ્લૅટફૉર્મના સામુદાયિક નિયમોના ઉલ્લંઘનના રિપૉર્ટિંગના કારણે એને બંધ કરવું પડે છે.

એનાથી બચવા માટે તેઓ વધારે સબસ્ક્રાઇબર્સવાળા યૂટ્યૂબર્સની મદદ લે છે. મૅસેજ જ્યારે જુદાં જુદાં હૅન્ડલથી ડિસ્ટ્રિબ્યૂટ થઈને પહોંચે છે, તો એના પરનું કોઈ પણ પ્રકારનું રિપોર્ટિંગનું જોખમ ઘટી જાય છે.

તેમણે કહ્યું કે, "કોઈ નૅરેટિવને એક જ પ્લૅટફૉર્મ પર વારંવાર મૂક્યું છે, તો એનાથી રિપોર્ટિંગ થઈ જાય છે. જો એને બદલી બદલીને મૂકશો તો એનું રિપોર્ટિંગ નથી થતું."

બદલો YouTube કન્ટેન્ટ, 4
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4

કોઈ ક્લિપને વાઇરલ કરવા માટે એક વૉટ્સઍપ ગ્રૂપમાં મૂકી દેવામાં આવે છે, જેને યતિના સમર્થક પોતાના સોશિયલ મીડિયા હૅન્ડલથી વધારે વાઇરલ કરે છે.

અનિલ યાદવે કહ્યું કે, "વૉટ્સઍપને કોઈ બ્લૉક નથી કરી શકતું."

આ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉપરાંત અનિલ યાદવ સૂર્યા બુલેટિન નામની હિન્દી પત્રિકા અને ન્યૂઝ પોર્ટલના સંપાદક પણ છે.

તેમણે કહ્યું કે, એમાં કામ કરતો સ્ટાફ પગાર મેળવે છે. આ પ્લૅટફૉર્મ પર 'ગ્રીન કન્ટેન્ટ' એટલે કે વિવાદોથી પર કન્ટેન્ટ જ આવે છે, પરંતુ તેમણે કહ્યું કે એ કન્ટેન્ટમાં પણ તેઓ પોતાના વૈચારિક સંદેશ મોકલી જ દે છે, જે છે 'હિન્દુઓ કી નસલ ઔર ફસલ'ને મુસલમાનોથી ખતરો છે.

ઑક્ટોબર 2021ના 50 રૂપિયાના અંકનાં પાનાં ફેરવ્યાં તો, 'કાશ્મીર', 'આર્યન ખાન', 'જિહાદીઓ' જેવા શબ્દોથી ભરેલી હેડલાઇન્સની નીચે લેખ દેખાયા.

વીડિયો કૅપ્શન, લિંગભેદ સામે તેલંગાણાની કિશોરીઓએ ઉઠાવ્યો અવાજ INSPIRE

એમના માટે પોતાની વાત સંખ્યાબંધ લોકો સુધી પહોંચાડવાનું સોશિયલ મીડિયા શક્તિશાળી માધ્યમ છે. જે એમના અનુસાર, હિન્દુઓની એકતા માટેનું કામ પણ કરે છે.

ધર્મસંસદ પણ આ રણનીતિનો જ એક ભાગ છે. પહેલાં વર્ષમાં એક ધર્મસંસદ થતી હતી, પરંતુ ઉત્તરપ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઘણી બધી ધર્મસંસદ યોજવાની યોજના છે.

હરિદ્વારમાં ધર્મસંસદ પછી નવા વર્ષની પહેલી ધર્મસંસદનો કાર્યક્રમ ડાસનામાં પહેલી અને બીજી જાન્યુઆરીએ થવાનો હતો, પરંતુ હરિદ્વાર અને રાયપુરમાં યોજાયેલી ધર્મસંસદો વિવાદોમાં ઘેરાયા પછી ડાસના ધર્મસંસદનો કાર્યક્રમ પાછો ઠેલવો પડ્યો છે.

યતિ નરસિંહાનંદ સરસ્વતીએ હરિદ્વારમાં કહ્યું છે કે ઉત્તરાખંડ સરકાર મુસલમાનોના દાબમાં છે અને ધર્મસંસદ કોઈ પણ કિંમતે થશે.

ગાઝિયાબાદ એસએસપી પવનકુમારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, ધર્મસંસદમાં કયા વિષયો પર વાતો-ચર્ચા થશે એના પર પોલીસની ચાંપતી નજર રહેશે.

તેમણે કહ્યું, "જો કોઈ વિવાદિત ટૉપિક છે, જેનાથી કશી દુર્ભાવના ફેલાય એમ હશે, કે ગંભીર અપરાધ કરવાને પ્રોત્સાહન મળતું હશે, તો એમાં ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે."

line

પરંતુ, એ કઈ રીતે નક્કી થશે કે ધર્મસંસદમાં શું બોલાશે?

દેવીમંદિરને અલગ અલગ ટ્રસ્ટ હેઠળ વહેંચી દેવાયું છે અને બધાં ટ્રસ્ટના પ્રમુખ યતિ નરસિંહાનંદ સરસ્વતી છે
ઇમેજ કૅપ્શન, દેવીમંદિરને અલગ અલગ ટ્રસ્ટ હેઠળ વહેંચી દેવાયું છે અને બધાં ટ્રસ્ટના પ્રમુખ યતિ નરસિંહાનંદ સરસ્વતી છે

હરિદ્વાર અને રાયપુરનાં ઉદાહરણ બધાંની સામે છે કે એ કાર્યક્રમોમાં ખુલ્લેઆમ મુસલમાનોના નરસંહારની વાતો થાય છે.

પવનકુમારે જણાવ્યું કે, "પહેલાંનાં ઉદાહરણના આધારે એવું ન માની શકાય કે ભવિષ્યમાં પણ ખરાબ જ બોલાશે."

ઉત્તરપ્રદેશમાં ફેલાતા નફરતના આ ઝેરને કોણ અટકાવશે? એ સવાલ ઊભો છે કે, શું યુપીમાં યોગી આદિત્યનાથની સરકાર મુસલમાનો વિરુદ્ધ નફરત ફેલાવતા આ લોકો પર યોગ્ય કાર્યવાહી કરશે?

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 5
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો