ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં આ વખતના મુદ્દાઓ કયા છે?
કેન્દ્રીય ચૂંટણીપંચે ઉત્તર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. પાંચ રાજ્યો પૈકી ઉત્તર પ્રદેશમાં સૌથી લાંબી ચૂંટણીપ્રક્રિયા ચાલશે.
ઉત્તર પ્રદેશમાં આ સાતેય તબક્કા દરમિયાન મતદાન યોજાશે. અહીં પ્રથમ તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરી, બીજા તબક્કાનું મતદાન 14 ફેબ્રુઆરી, ત્રીજા તબક્કાનું મતદાન 20 ફેબ્રુઆરી, ચોથા તબક્કાનું મતદાન 23 ફેબ્રુઆરી, પાંચમાં તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરી, છઠ્ઠા તબક્કાનું મતદાન 3 માર્ચ અને સાતમાં તબક્કાનું મતદાન 7 માર્ચે યોજાશે.

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશમાં 7 માર્ચના રોજ મતદાનનાં તમામ સાત તબક્કા પૂર્ણ થયા બાદ 10 માર્ચના રોજ તમામ પાંચ રાજ્યોની મતગણતરી હાથ ધરવામાં આવશે.
દેશમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે, એવા સમયે ચૂંટણીપંચ સામે ચૂંટણી યોજવી એક મોટો પડકાર પણ છે.
ઉત્તર પ્રદેશ વસતીની દૃષ્ટિએ દેશનું સૌથી મોટું રાજ્ય તો છે જ, સાથોસાથ રાજકીય રીતે પણ તે સૌથી મહત્ત્વનું રાજ્ય છે.
વસતી, રાજનૈતિક જાગૃતિ, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો અને સ્વતંત્રતા માટેનાં આંદોલનો અને રાજકીય પરિવર્તન માટેના આંદોલનોની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ દેશનું એક ખૂબ મહત્ત્વપૂર્ણ રાજ્ય છે. ભારતની લગભગ 16.17 ટકા વસતી આ રાજ્યમાં છે.

ઇમેજ સ્રોત, Getty Images
ક્ષેત્રફળની રીતે જોઈએ તો, આ રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ પછી પાંચમા નંબરે છે, અને ભારતની ભૂમિનો 7.3 ટકા ભૂ-ભાગ આ રાજ્યક્ષેત્રનો છે. ઉત્તર પ્રદેશમાં 75 જિલ્લા છે.
લોકસભામાં ઉત્તર પ્રદેશની 80 બેઠકો અને રાજ્યસભામાં 31 બેઠકો છે. ઉત્તર પ્રદેશની વિધાનસભાની 404 બેઠકો છે. આ સિવાય જેવી રીતે રાજ્યસભા છે એવી રીતે ઉપલું ગૃહ યાને કે વિધાનપરિષદ છે જેની સભ્યસંખ્યા 100 હોય છે. વિધાનપરિષદના 100 સભ્યોમાં 90 ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે અને 10 પ્રતિનિધિઓ નૉમિનેટેડ સભ્ય હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અત્યારે ઉત્તર પ્રદેશમાં બીજેપીની સરકાર છે અને સમાજવાદી પાર્ટી અને બહુજનસમાજ પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી છે.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN
2017માં ચૂંટાયેલા સભ્યો દ્વારા રચાયેલી વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 14 માર્ચ 2022એ પૂરો થશે.
ઉત્તર પ્રદેશ વિધાનસભાની કેટલી બેઠકો માટે ચૂંટણી થશે?
ઉત્તર પ્રદેશ વિધાનસભા એ વિધાનમંડળનું નીચલું સદન છે અને એમાં 403 ચૂંટાયેલા સભ્ય તથા રાજ્યપાલ દ્વારા નામાંકિત એક એંગ્લો ઇન્ડિયન સભ્ય હોય છે.
અર્થાત્, રાજ્યમાં કુલ 403 બેઠકો માટે ચૂંટણી યોજાશે.
વિધાનસભાનો કુલ કાર્યકાળ પાંચ વરસનો હોય છે, જો એની પહેલાં એનું વિઘટન ન થઈ જાય તો. હાલની સત્તરમી વિધાનસભાનું 14 માર્ચ 2017માં ગઠન (રચના) થયું હતું.
ઉત્તર પ્રદેશ વિધાનસભાના વિજેતાનો નિર્ણય કઈ રીતે થશે?
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં જીતનો જાદુઈ આંક 202 છે. ચૂંટણીના મેદાનમાં ઊતરેલી જે પાર્ટી કે ગઠબંધનવાળી (રાજકીય જોડાણવાળી) પાર્ટીઓ આ આંકડા સુધી કે એની પાર પહોંચી જાય, નવી સરકાર એની બનશે.
2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે હાલના સંજોગોમાં ગઠબંધનોની સ્થિતિ સ્પષ્ટ નથી. મોટા ભાગની પાર્ટીઓએ કહ્યું છે કે તેઓ અલગ અલગ ચૂંટણી લડશે.

ઉત્તર પ્રદેશના મુખ્ય મતવિસ્તારો કયા છે અને ચૂંટણી માટેના મુખ્ય મુદ્દા શા છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશમાં અલગ અલગ ક્ષેત્રની ચૂંટણીના હિસાબે દરેકનું જુદું મહત્ત્વ છે અને દરેક ક્ષેત્રનાં પોતપોતાનાં આગવાં-અલગ મુદ્દા અને સમસ્યા છે.
પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખેડૂતોનો મુદ્દો મુખ્ય છે. જેમાં શેરડીનાં લેણાંની ચુકવણી, એમએસપી જેવા મુદ્દા મહત્ત્વના છે. દેશમાં કેન્દ્રની ભાજપ સરકારે પસાર કરેલા ત્રણ કૃષિકાયદાઓ સામે ખેડૂતો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે અને તે પણ ચૂંટણીમાં મોટો મુદ્દો બની શકે છે.
બુંદેલખંડમાં પાણીની કાયમી સમસ્યા છે અને તે કાયમી દુકાળગ્રસ્ત ગણાય છે. એને ઉત્તર પ્રદેશનો ઉપેક્ષિત વિસ્તાર માનવામાં આવે છે. કહેવાય છે કે આ વિસ્તાર વિકાસના એજન્ડામાં નથી હોતો.
તો અવધના સેન્ટ્રલ લખનૌના વિસ્તારમાં કોરોના મહામારી દરમિયાન ગેરવહીવટનો મુદ્દો ચૂંટણીમાં ભારે પડી શકે. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બેરોજગારી પણ એક મોટો મુદ્દો બની શકે છે.
મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ જ્યાંના છે એ પૂર્વાંચલમાં, ગોરખપુરમાં દર વર્ષે મગજના તાવની બીમારીનો પ્રકોપ જોવા મળે છે. આ વરસે પણ એની અસર દેખાઈ છે.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર અનેક વાર ઉત્તર પ્રદેશના બદહાલ રસ્તા ચર્ચાનો વિષય બને છે. તો, વડા પ્રધાનના સંસદીય ક્ષેત્ર વારાણસી અને તેની આસપાસના વિસ્તારોમાંથી પણ વિકાસનો મુદ્દો ઊભો થઈ શકે એમ છે. તાજેતરમાં વરસાદમાં વારાણસીમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી.
એ સવાલ વારંવાર પુછાઈ રહ્યો છે કે વડા પ્રધાને વારાણસીને જાપાનના ક્યોટો જેવું બનાવી દેવાનું વચન આપેલું, પણ એવું તો કશું થયું નહીં. કાશી વિશ્વનાથ મંદિરનું નિર્માણકાર્ય હજી સુધી પૂર્ણ નથી થયું. પરંતુ, રામમંદિરનિર્માણનું કામ શરૂ થયું એને શાસકપક્ષ બીજેપી પોતાની સિદ્ધિ ગણાવી શકે છે.
વારાણસીમાં કૉવિડ મહામારી દરમિયાન કાપડ-વણાટનો વ્યવસાય કરનારા લોકોનું કામ ઠપ થઈ ગયું હતું. લૉકડાઉનને લીધે આખા પ્રદેશમાં જુદી જુદી સમસ્યાઓ ઊભી થઈ હતી. કોરોનાકાળ દરમિયાન સ્વાસ્થ્ય સુવિધા સામે પણ કેટલાય સવાલ ઊભા થયા છે.
જોકે, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, નેતાઓનાં ભાષણોમાં હિન્દુ-મુસ્લિમના ઉલ્લેખ પણ વધી રહ્યા છે. એ બધાંને કારણે એવું મનાય છે આ ચૂંટણીમાં ધ્રુવીકરણનો દાવ પણ સારું એવું કામ કરશે.
ઉત્તર પ્રદેશની 2017ની ચૂંટણીમાં શું થયેલું?
ગઈ એટલે કે 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ 312 બેઠકો સાથે મોટી જીત મેળવી હતી.
403 બેઠકોવાળી વિધાનસભા માટે થયેલી ચૂંટણીમાં બીજેપીએ મેળવેલ મતની ટકાવારી 39.67 હતી.
એસપી એટલે કે સમાજવાદી પાર્ટીની 47 બેઠક પર જીત થઈ હતી, બીએસપી એટલે બહુજનસમાજ પાર્ટીને 19 બેઠક પર જીત મળી હતી, જ્યારે કૉંગ્રેસ માત્ર સાત બેઠક જીતી શકી હતી.

આ ચૂંટણીમાં ગઈ ચૂંટણી કરતાં જુદું શું હશે?

ઇમેજ સ્રોત, Getty Images
આ ચૂંટણીમાં ગઈ ચૂંટણીની તુલનાએ સૌથી ખાસ વાત યોગી આદિત્યનાથ છે. 2017માં બીજેપી પાસે પહેલેથી રાજ્ય માટેના મુખ્ય મંત્રીનો ચહેરો નહોતો, પરંતુ આ વખતે યોગી આદિત્યનાથનો ચહેરો છે, જેમને પાંચ વરસ સરકાર ચલાવવાનો અનુભવ છે.
આ ઉપરાંત, એ પણ નિશ્ચિત છે કે સમાજવાદી પાર્ટી અને બહુજનસમાજ પાર્ટી જુદા જુદા ચૂંટણીમેદાનમાં હશે, બંને પાર્ટી ગઈ વિધાનસભાની ચૂંટણી પણ અલગ રહીને જ લડી હતી, પરંતુ 2019ની સામાન્ય ચૂંટણી બંને પાર્ટી એકબીજાના સહયોગમાં લડી હતી.
વિધાનસભાની ગઈ ચૂંટણીમાં કૉંગ્રેસનું સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન હતું પણ આ વખતે એ મુશ્કેલ જણાય છે. આ વખતે, યુપીમાં કૉંગ્રેસનો ચહેરો પ્રિયંકા ગાંધી બની રહ્યાં છે અને અસદુદ્દીન ઓવૈસી પણ ચૂંટણીમેદાનમાં હશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી શકે છે.
કોણ છે મુખ્ય ઉમેદવાર?
જોકે એ નક્કી છે કે, બીજેપી નેતા અને હાલના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, બીએસપી સુપ્રીમો માયાવતી, જેમને પાર્ટીએ મુખ્તાર અંસારીની ટિકિટ કાપીને ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો એવા બીએસપી પ્રદેશ અધ્યક્ષ ભીમ રાજભર, બીજેપી નેતા અને હાલના ઉપ મુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્ય, બીજા ઉપ મુખ્ય મંત્રી ડૉ. દિનેશ શર્મા, રાયબરેલીના હાલના એમએલએ અદિતિસિંહ, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના નેતા ઓમપ્રકાશ રાજભર, શિવપાલસિંહ યાદવ ચૂંટણીમાં ઝંપલાવશે.

EVM અને VVPT શું છે?

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA
ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (જેને ઈવીએમ કહે છે.) ઇલેક્ટ્રોનિક સાધનોનો પ્રયોગ કરીને મતદાન કરાવવાના કે મતગણતરી કરવાના કામ કરવામાં મદદ કરે છે.
ચૂંટણીપંચ દ્વારા અપાયેલી માહિતી અનુસાર, ઈવીએમના બે યુનિટ તૈયાર કરવામાં આવ્યા છેઃ કન્ટ્રોલ યુનિટ અને બૅલેટ યુનિટ. આ બંને યુનિટને કૅબલ વડે એકબીજા સાથે જોડવામાં આવે છે. ઈવીએમનો કન્ટ્રોલ મતદાન અધિકારી પાસે હોય છે.
બૅલેટિંગ યુનિટને મતદાતાઓને મત આપવા માટે મત-કુટિરમાં રાખવામાં આવે છે. એવું એ નક્કી કરવા માટે કરવામાં આવે છે કે મતદાન અધિકારી તમારી ઓળખની પુષ્ટિ કરી શકે. ઈવીએમની સાથે, મતપત્ર દાખલ કરવાને બદલે, મતદાન અધિકારી બૅલેટ બટન દબાવે છે જેનાથી મતદાર પોતાનો મત આપી શકે છે.
તો, VVPT એટલે કે વોટર વેરિફિકેશન પેપર ઑડિટ વિશે જાણીએ. તે ઇવીએમની સાથે જોડાયેલું એક મશીન છે જે ખરેખર તો એક પ્રિન્ટર જેવું હોય છે.
ઈવીએમ દ્વારા મત આપ્યા પછી VVPTમાંથી નીકળતી ચબરખી એ વાતની ખરાઈ કરી આપે છે કે તમારો મત એ જ ઉમેદવારને મળ્યો છે જેને તમે આપ્યો હતો.
VVPTમાંથી નીકળેલી ચબરખી પર ઉમેદવારનું નામ અને તેનું ચૂંટણીચિહ્ન છપાયેલું હોય છે. એક મતદાતા તરીકે તમે સાત સેકંડ સુધી એ ચબરખીને જોઈ શકો છો, ત્યાર પછી એને સીલબંધ બૉક્સમાં પાડી દેવામાં આવે છે. VVPTની આ ચબરખી મતદાતાને આપવામાં નથી આવતી.
મતગણતરી વખતે જો કોઈ વિવાદ થાય તો આ ચબરખીઓની ગણતરી પણ કરી શકાય છે.
ચૂંટણીપંચે કહ્યું છે કે ઈવીએમમાં કોઈ પ્રકારની ગરબડ કરવી અસંભવ છે. જોકે, સમયસમયાંતરે આ મશીનોની પ્રામાણિકતા અંગે સંદેહજનક પ્રશ્નો થતા રહ્યા છે. ઘણી વાર ચૂંટણી હારી જનાર પાર્ટીઓ સવાલ ઉઠાવે છે કે આ મશીનોને હૅક કરી શકાય છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












