અખાતી દેશોમાં કામદારને 'ગુલામ' બનાવી દેતી વિવાદાસ્પદ 'કફાલા' સિસ્ટમ શું છે?

    • લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
    • પદ, .

તેને લાગ્યું કે આખરે જીવનમાં સપનાં સાકાર કરી આપનારી સરસ નોકરી તેને મળી ગઈ છે, પણ ખરેખર તો તે ફસાઈ ગયો હતો અને મફતમાં કામ કરવા માટે મજબૂર બની ગયો હતો.

એથેન્કોસી ડ્યોન્ટા નામનો 30 વર્ષનો યુવાન દક્ષિણ આફ્રિકાના જ્યોર્જ ટાઉનમાં બરિસ્તા કાફેમાં કામ કરતો હતો.

એથેન્કોસી કૉફી ઉપર સરસ મજાની ડિઝાઇન કરવાનું શીખી ગયો હતો. તે મજાની આકૃતિઓ બનાવીને તેની તસવીરો પાડતો અને બરિસ્તાના કર્મચારીઓના ફેસબૂક ગ્રુપમાં શૅર કરતો હતો.

એથેન્કોસીને સારો પગાર ઉપરાંત મફતમાં આવાસ, ભોજન અને આવવા-જવાની સુવિધા આપવામાં આવશે તેવું જણાવાયું હતું.

ઇમેજ સ્રોત, ATHENKOSI DYONTA

ઇમેજ કૅપ્શન, એથેન્કોસીને સારો પગાર ઉપરાંત મફતમાં આવાસ, ભોજન અને આવવા-જવાની સુવિધા આપવામાં આવશે તેવું જણાવાયું હતું પણ સ્થિતિ કંઈક અળગ જ હતી.

આ ગ્રુપમાં જ એક મહિલાએ તેને ઑફર કરી હતી કે ઓમાનમાં સારી નોકરીની તક છે.

એથેન્કોસીને સારો પગાર ઉપરાંત મફતમાં આવાસ, ભોજન અને આવવા-જવાની સુવિધા આપવામાં આવશે તેવું જણાવાયું હતું.

પેલી મહિલાએ ખાતરી આપી કે તે વિઝાની વ્યવસ્થા કરશે. એથેન્કોસીએ માત્ર વિમાનની ટિકિટ લઈ લેવાની હતી અને મેડિકલ ચેકઅપ અને કોવિડ-19 ટેસ્ટ કરાવી લેવાનો હતો.

એથેન્કોસીની 28 વર્ષની પ્રેયસી ફેલિસ્વા ફેની યાદ કરતાં કહે છે, "મને હતું કે તે કામ કરવા વિદેશ જશે તો સારી કમાણી કરીને પાછો આવશે, અમે મકાન ખરીદશું અને સંતાનોને સારી શાળામાં મૂકીશું." આ યુગલને બે સંતાનો છે.

યુગલે ઉછીના પૈસા કરીને વિમાનની ટિકિટ ખરીદી અને એથેન્કોસી ઓમાન પહોંચી ગયો. જોકે, આગળ પોતાની સાથે શું થવાનું છે તેનો સહેજ પણ અંદાજ તેને ન હતો.

line

પગ મૂકતાની સાથે જ આંચકાની શરૂઆત

એથેન્કોસીને રોજના 12થી 14 કલાક કાફેની સફાઈનું કામ કરવા ફરજ પડાઈ હતી. કામના કલાકો પૂરા થઈ જાય એટલે તેને રહેઠાણ તરીકેના રૂમમાં પૂરી દેવામાં આવતો હતો.

ઇમેજ સ્રોત, ATHENKOSI DYONTA

ઇમેજ કૅપ્શન, એથેન્કોસીને રોજના 12થી 14 કલાક કાફેની સફાઈનું કામ કરવા ફરજ પડાઈ હતી. કામના કલાકો પૂરા થઈ જાય એટલે તેને રહેઠાણ તરીકેના રૂમમાં પૂરી દેવામાં આવતો હતો.

તે ઓમાન પહોંચ્યો પછી તેને રાજધાની મસ્કતથી થોડે દૂર આવેલા ઇબ્રા નામના શહેરમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

બીબીસીના પોડકાસ્ટ ધ કૉમ્બ સાથેની વાતચીતમાં એથેન્કોસીએ જણાવ્યું કે "એ બહુ ગંદી જગ્યા હતી. એક નાનકડો રૂમ હતો અને તેમાં એક સાદડી અને થોડાંક ખોખાં પડ્યા હતા."

આ તો માત્ર આંચકાની શરૂઆત જ હતી અને આગળ જતાં આ યુવાને અનેક યાતનાઓ સહન કરવાની હતી. તેને બહુ જલદી ખ્યાલ આવી ગયો કે આ "સપનું સાકર કરનારી નોકરી" નથી.

એથેન્કોસીને રોજના 12થી 14 કલાક કાફેની સફાઈનું કામ કરવા ફરજ પડાઈ હતી. કામના કલાકો પૂરા થઈ જાય એટલે તેને રહેઠાણ તરીકેના રૂમમાં પૂરી દેવામાં આવતો હતો. તેને ખાવાનું અપાતું હતું તે બહુ ખરાબ હતું અને પગારના નામે કશું જ આપવામાં આવતું નહોતું.

"માત્ર બ્રેડ અને દૂધ જ આપવામાં આવતું હતું. ક્યારેક ઈંડા સાથેનું મફીન મળે. પગાર આપવામાં આવતો નહોતો અને કામ કરવાની ફરજ પાડવામાં આવતી હતી."

તેને ભાન જ નહોતું કે તેણે 'કફાલા' નામે ઓળખાતા સ્પોન્સરશિપ કરાર પર તેણે ભૂલથી સહી કરી દીધી હતી. મધ્યપૂર્વમાં પ્રચલિત આ "કફાલા" પદ્ધતિમાં કોઈ વિદેશી કામદાર કરાર કરે તે પછી તેની પર લગભગ પૂરો કબજો માલિકનો થઈ જાય છે.

line

નોકરીદાતા માલિક પર જ નિર્ભર

કફાલા પ્રથા વિરુદ્ધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કફાલા પ્રથા વિરુદ્ધ પ્રદર્શન

ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલના અખાતના પ્રદેશમાં માઇગ્રન્ટ્સના અધિકારો પર કામ કરનારા સંશોધક મે રોમાનોસએ બીબીસીને જણાવ્યું, "કફાલા એટલે કે સ્પોન્સરશિપ સિસ્ટમમાં માઇગ્રન્ટ વર્કર નોકરીદાતા પર નિર્ભર થઈ જાય છે."

લેબોનોનમાં ચાલતી કફાલા સિસ્ટમ પર ઍમ્નેસ્ટીએ 2019માં અહેવાલ તૈયાર કર્યો તેના લેખકોમાં રોમાનોસનો પણ સમાવેશ થાય છે.

કફાલા અરબી શબ્દ છે, જેનો અર્થ થાય છે ખાતરી.

આ પદ્ધતિ હેઠળ "કામદાર કફાલા કરારમાં બંધાયેલો ન હોય ત્યાં સુધી દેશમાં પ્રવેશ કરી શકતો નથી કે વિઝા મેળવી શકતો નથી."

રોમાનોસ વધુમાં જણાવે છે, " કફાલામાં નોકરીદાતા કોઈ પણ સમયે દેશમાં વસવાટની મંજૂરી રદ કરી શકે છે અને તેના કારણે કામદારનું જે તે દેશમાં રહેવું ગેરકાયદે થઈ જાય અને તેની હકાલપટ્ટી થઈ શકે છે."

"કામદાર નોકરીદાતાની મંજૂરી વિના નોકરી બદલી પણ ન શકે કે ન તો તેની મંજૂરી વિના દેશ છોડીને શકે. તેને કારણે આ કરાર કરનાર કામદાર ફસાઈ જતો હોય છે."

આર્થિક તેજી વખતે મોટા પ્રમાણમાં સસ્તા કામદારોની જરૂર હતી તે માટે આવી પદ્ધતિનો આશરો લેવામાં આવ્યો હતો.

આવા કરારની તરફદારી કરનારા કહે છે કે તેના કારણે સ્થાનિક ઉદ્યોગોને સસ્તામાં મજૂરો મળી રહે છે અને તેના કારણે ઝડપી આર્થિક વિકાસ થાય છે. જોકે તેમાં કામદારોનું ભારે શોષણ થતું હોવાથી તેની સામે વિરોધ વધી રહ્યો છે.

ન્યૂ યોર્કની થિન્ક ટૅન્ક કાઉન્સિલ ઑન ફોરેન રિલેશન્સ (CFR)ના જણાવ્યા અનુસાર આવા કરારથી શોષણ થવાની શક્યતા હોવા છતાં ઘણા લોકો કફાલા પદ્ધતિ સ્વીકારી લે છે, કેમ કે પોતાના દેશમાં મળે તેના કરતાં વધારે પગાર મળવાની શક્યતા હોય છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

વિશ્વ બૅન્ક કહે છે કે ઘણા કામદારો કમાણી કરીને વતનમાં રેમિટન્સ મોકલે છે અને તેના કારણે ગરીબ દેશોમાં પરિવારને ગરીબીમાંથી રાહત મળે છે. 2019માં સૌથી વધુ રેમિટન્સ જ્યાંથી મોકલાયા તે 10 ટોચના દેશોમાં કુવૈત, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમિરાતનો પણ સમાવેશ થતો હતો.

આ પદ્ધતિના તરફદારો કહે છે કે આ રીતે કામદારો સાથે કરાર કરીને તેમને લાવવામાં આવે તેના કારણે મનુષ્ય તસ્કરીનો ભોગ બનવાની શક્યતા ઓછી થઈ જાય છે.

જોકે આ પદ્ધતિના વિરોધીઓ કહે છે કે વિદેશી કામદારોને લાવવામાં આવે તેને વધારે સારી કાનૂની સુરક્ષા આપવી જરૂરી છે.

જોર્ડન અને લેબેનોન ઉપરાંત અખાતના ઘણા બધા દેશોમાં કફાલા પદ્ધતિએ કામદારોને રાખવામાં આવે છે.

રોમાનોસ કહે છે, "દાખલા તરીકે લેબેનોનમાં માલિકની મંજૂરી વિના કામદાર પોતાની નોકરી બદલી શકે નહીં, પરંતુ તેને દેશ છોડીને જવાની મંજૂરી છે."

"જોકે વાસ્તવિકમાં દેશ છોડવો મુશ્કેલ હોય છે, કેમ કે માલિક વિમાનનું ભાડું ન આપે તો મામૂલી પગારમાં નોકરી કરનારા કામદાર માટે ટિકિટ ખરીદવી મુશ્કેલ છે. બીજું કે માલિક કામદારોના પાસપોર્ટને કબજે કરી શકે છે."

line

"હૃદયદ્રાવક કથાઓ"

કતારમાં વીસ લાખ શ્રમિકો અન્ય દેશોનાં છે જે દેશની કુલ શ્રમશક્તિનો 95 ટકા હિસ્સો છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કતારમાં વીસ લાખ શ્રમિકો અન્ય દેશોનાં છે જે દેશની કુલ શ્રમશક્તિનો 95 ટકા હિસ્સો છે.

ઍમ્નેસ્ટી ઇન્ટરનેશનલના 2019ના અહેવાલમાં આ રીતે ઘરકામ કરવા માટે આવેલાં કામવાળાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.

આ અહેવાલમાં એક કિસ્સો મેરીનો પણ છે. તે ઇથિયોપિયાથી લેબેનોનમાં કામ કરવા માટે આવી હતી અને તેણે શારીરિક અને મૌખિક ત્રાસની ફરિયાદ કરી હતી.

મેરી કહે છે, "એક વર્ષ સુધી હું મારા માલિકના ઘરમાં જ ગોંધાઈને રહી હતી અને બહાર જવાનું મળ્યું નહોતું. હું 18 કલાક કામ કરતી હતી. રોજ હું રડતી હતી અને ત્રણ વાર મેં આપઘાત કરવાની કોશિશ કરી હતી. મારા માટે એ ઘર જેલ જેવું થઈ ગયું હતું."

રોમાનોસ કહે છે, "આ પ્રદેશમાં ઘરકામ કરનારા મોટા ભાગના કામદારોની હાલત આવી જ કરૂણ છે."

"આ લોકોએ માલિકના ઘરમાં રહીને જ કામ કરવાનું હોય છે એટલે એકાકી થઈ જાય છે. તેમને ઘરની બહાર નીકળવા દેવાતા નથી. અમને જાણવા મળેલી સૌથી હૃદયદ્રાવક કથાઓ ઘરકામ કરનારા લોકોની મળી હતી."

કફાલા પદ્ધતિ હેઠળ ઘરકામ કરવા આવનારી મોટી ભાગની મહિલા ફિલિપિન્સ, શ્રીલંકા, ભારત, બાંગ્લાદેશ અને કેટલાક કિસ્સામાં આફ્રિકાથી આવેલી હોય છે.

"આમાની કેટલીક માતાઓ હોય છે, જે સંતાનોને વતનમાં છોડીને આવી હોય છે. સંતાનોનાં ભરણપોષણ માટે અને તેમના અભ્યાસ માટે માતા આ રીતે કમાણી કરવા વિદેશ આવતી હોય છે."

રોમાનોસ જણાવે છે કે મેરીની જેમ મોટા ભાગની ઘરકામ કરનારી સ્ત્રીઓએ દિવસના 18 કલાક કામ કરવું પડતું હોય છે અને તેમને અઠવાડિયે એક દિવસની પણ રજા મળતી નથી.

"કામનું ભારણ કમરતોડ હોય છે અને ઘરમાલિકો તરફથી ત્રાસ અપાતો હોય છે અને એટલું જ નહીં ઘરના બાળકો તરફથી પણ ત્રાસ અપાતો હોય છે."

"લેબેનોન અને કતારમાં આશ્રયસ્થાનમાં રખાયેલી આવી કેટલીક સ્ત્રીઓ સાથે અમે વાતચીત કરી હતી. આ મહિલાઓ અહીં ફસાઈ ગઈ છે, કેમ કે તેમના પાસપોર્ટ હજીય તેમના માલિકો પાસે છે અને તેમની પાસે પોતાના વતન જવા માટે પૈસા નથી."

"આમાંની ઘણીય સ્ત્રીઓને પગાર પણ મળ્યો નથી એટલે મફતમાં જ કામ કરવું પડ્યું હતું."

હ્મુમન રાઇટ્સ વૉચે 2008માં એક અભ્યાસ કર્યો તેમાં જણાવ્યું હતું કે લેબેનોનમાં ઘરકામ કરનારી સ્ત્રીઓમાંથી દર અઠવાડિયે એક કરતાંય વધુના મૃત્યુ થઈ રહ્યા છે. આમાં આપઘાતને કારણે અથવા ઘરમાંથી છટકવાના પ્રયાસોને કારણે મૃત્યુ થયા હોવાની વાત પણ સામે આવી છે.

line

બેહરીન, કતાર અને સાઉદી અરેબિયામાં કામદારોની હાલત

સ્થળાંતરુત મજૂરોની માગણી - અમને અમારો પાસપોર્ટ આપો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્થળાંતરુત મજૂરોની માગણી - અમને અમારો પાસપોર્ટ આપો

બેહરીને 2009માં કફાલા પદ્ધતિને નાબુદ કરવાની જાહેરાત કરી હતી. તેની જગ્યાએ લેબર માર્કેટ રેગ્યુલેટરી ઑથોરિટીની રચના કરવાની જાહેરાત કરાઈ હતી, જેથી માઇગ્રન્ટ કામદારોના સ્ટેટસ પર નિયંત્રણ રાખી શકાય.

જોકે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO)ના જણાવ્યા અનુસાર આ ઑથોરિટી હકીકતમાં ભરતી થઈ જાય તે પછી સક્રિય થાય છે અને "તેણે સ્પોન્સરશિપની ભૂમિકા પોતાના પર લીધી નથી. એટલે કેટલાક નિયંત્રણો સાથે કફાલા સિસ્ટમ અમલમાં જ છે."

બેહરીનમાં કામ રહી રહેલા માઇગ્રન્ટ કામદારો હવે "અમુક હદે મોકળાશ અનુભવી શકે છે અને માલિકની લેખિત મંજૂરી વિના નોકરી બદલી શકે છે."

જોકે ILO સાવચેત કરતાં જણાવે છે કે 2011માં બીજો એક કાયદો કરીને આવી મોકળાશને મર્યાદિત કરાઈ છે, જેની હેઠળ "એક વર્ષની અંદર કામદાર પોતાની નોકરી બદલી શકતો નથી."

રોમાનોસ કહે છે કે કતારમાં પણ હાલના સમયમાં કફાલા સિસ્ટમમાં કેટલાક સુધારા દાખલ કરાયા છે,

"કેમ કે 2022માં વર્લ્ડ કપ યોજાય તે પહેલાં આ મુદ્દે આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું હતું."

ઍમ્નેસ્ટીના જણાવ્યા અનુસાર કતારમાં 20 લાખ જેટલા કામદારો છે, તેમાંથી 95% ટકા જેટલા આવા માઇગ્રન્ટ કામદારો છે.

"કતારમાં હવે કામદારોને નોકરી બદલવાની તથા માલિકની મંજૂરી વિના પણ દેશ છોડવાની મંજૂરી આપવામાં આવે છે. જોકે વાસ્તવિકતામાં આવું કરવું બહુ મુશ્કેલ હોય છે."

"બીજું કે હજી પણ માલિક પાસે એ અધિકાર છે કે તે વસવાટનો પરવાનો કોઈ પણ સમયે રદ કરી શકે છે. કામદાર ત્રાસને કારણે નોકરી છોડીને જતો રહે તો તેની સામે નાસી જવાનો આરોપ મૂકાય છે. તેથી તેની ધરપકડ થવાની અને હકાલપટ્ટી કરી દેવામાં આવે તેવી શક્યતા હોય છે."

કતારમાં કફાલા કરારમાં થયેલા આ સુધારાને જોકે ILO તરફથી "ઐતિહાસિક પરિવર્તન" ગણાવવામાં આવ્યું છે.

ILOના જણાવ્યા અનુસાર, "કતારે પોતાની શ્રમ સિસ્ટમમાં મહત્ત્વના સુધારા કર્યા છે અને કામદારે નોકરી બદલવા માટે માલિકની મંજૂરીની જરૂર પડે તે નિયમને રદ કર્યો છે. આ ઉપરાંત લઘુતમ વેતન માટે પણ નિયમ અમલ મૂકનારો કતાર પ્રથમ દેશ બન્યો છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

"આ વર્ષે 30 ઑગસ્ટે કાનૂન 19, 2020નો અમલ શરૂ થયા પછી માઇગ્રન્ટ વર્કર હવે પોતાના નોકરીદાતા પાસેથી નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ મેળવ્યા વિના પણ કરાર પૂરો થાય તે પહેલાં નોકરી બદલી શકે છે.''

"આ નવો કાયદો તથા દેશ છોડીને જવા માટે માલિકની આગોતરી મંજૂરીને પણ રદ કરવામાં આવી છે, તેના કારણે કફાલા કરારની પદ્ધતિ લગભગ નાબુદ થઈ છે અને કતારના શ્રમ ક્ષેત્રમાં નવો યુગ આવ્યો છે."

"નવા કાયદા અનુસાર ઓછામાં ઓછો 1,000 કતારી રિયાલ (અંદાજે US $275) પગાર આપવો જરૂરી છે, જે ઘરકામ સહિતના બધા પ્રકારના કામકાજ માટે લાગુ પડાયો છે."

રોમાનોસ કહે છે કે સાઉદી અરેબિયામાં પણ "એક કરોડ કરતાં વધુ માઇગ્રન્ટ કામદારો છે."

સાઉદી અરેબિયાએ પણ આ બાબતમાં કેટલાક સુધારા લાગુ કર્યા છે. જોકે ઍમ્નેસ્ટીના એક સંશોધકના જણાવ્યા અનુસાર "આ સુધારા માત્ર કાગળ પર જ છે, વાસ્તવમાં તેનો અમલ થતો નથી."

"બીજી બાજુ આ દેશમાં માનવાધિકાર સંસ્થાઓને પ્રવેશ મળતો નથી. તેથી ત્યાં કામદારો પર કેવા પ્રકારનો ત્રાસ થાય છે તેની જાણકારી મેળવી તેમને મદદરૂપ થવાનું શક્ય બનતું નથી."

line

"આધુનિક યુગની ગુલામી"

લેબનોનમાં સ્થળાંતરિત મજૂરોનું વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લેબનોનમાં સ્થળાંતરિત મજૂરોનું કફાલા સામે વિરોધપ્રદર્શન

લેબેનોનની મેરીની જેમ એથેન્કોસીએ પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આખરે ભારે મથામણ પછી એથેન્કોસી વતન દક્ષિણ આફ્રિકા પરત ફરી શક્યો હતો. તેની પ્રેયસીએ તેના માટે ફંડરેઇઝિંગની કેમ્પેઇન ચલાવ્યું તે પછી આ શક્ય બન્યું હતું. તેના માલિકે "કરારનો ભંગ અને આવાસ તથા ભોજનના ખર્ચ પેટે" $1,500 ડૉલર વસૂલ્યા પછી જ તેને મુક્ત કર્યો હતો.

જોકે કફાલા કરારમાં ફસાઈ ગયેલા અન્ય કામદારો એથેન્કોસી જેવા નસીબદાર નથી અને આજેય તે પોતાના માલિકીની દયા પર નભી રહ્યા છે.

રોમાનોસ માને છે કે કફાલા કરાર બહુ સંકુલ પ્રકારની વ્યવસ્થા છે અને થોડા કાયદા કરીને તેને નાબુદ કરી શકાય તેમ નથી.

"આ દેશોની પદ્ધતિમાં ફેરફાર કરવો જરૂરી છે અને કોઈ જવાબદારી નક્કી નથી થતી તે કલ્ચરનો પણ અંત લાવવો પડશે."

"નોકરીદાતા કામદાર પર ત્રાસ કરે તો તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી. કતારમાં કે આ વિસ્તારના કોઈ દેશમાં કોઈ કાર્યવાહી થતી નથી."

રોમાનોસ કહે છે કે સરકારે માત્ર કાયદામાં સુધારા કરીને સંતોષ માનવો ના જોઈએ, પરંતુ આ પરિવર્તનોનો અમલ થાય અને અત્યાચાર કરનારાને સજા પણ થાય તેમ કરવું જોઈએ.

"આ કફાલા પદ્ધતિ દેખીતી રીતે જ આધુનિક યુગની ગુલામી છે અને અમે માનીએ છીએ કે તેને નાબુદ કરવી જોઈએ."

"અમે કફાલા પદ્ધતિનો અભ્યાસ કરીને અહેવાલ તૈયાર કર્યો ત્યારે દસ વર્ષ પહેલાં આ માગણી કરી હતી."

"આ પદ્ધતિને નાબુદ કરીને માનવાધિકારની સુરક્ષા થાય અને માઇગ્રન્ટ કામદારોની સુરક્ષા થાય તેવી પદ્ધતિને અમલમાં લાવવી જરૂરી છે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો