ચીન તાઇવાનને કેમ 'ગળી જવા' માગે છે અને યુદ્ધની શક્યતા કેટલી?
તાઇવાનનાં રાષ્ટ્રપતિ સાઈ ઇંગ-વેને ચીનની વધતી આક્રમકતા પર પોતાના લોકતંત્રનો બચાવ કરતાં કહ્યું કે જો ચીન તાઇવાનને પોતાના નિયંત્રણમાં લેશે તો તેના વિનાશકારી પરિણામ આવશે.
સાઈ ઇંગ-વેને 'ફૉરેન અફૅર્સ'માં એક લેખ લખ્યો છે તેમાં આ વાત કહી છે. હાલમાં જ ચીનનાં 38 યુદ્ધવિમાનો તાઇવાનની હવાઈ સરહદમાં ઘૂસ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
મંગળવારે તાઇવાનના વડા પ્રધાન સુ સેંગ-ચાંગે કહ્યું હતું કે ચીનની આ આક્રમકતા ક્ષેત્રીય શાંતિ માટે જોખમી છે અને તાઇવાને સતત સતર્ક રહેવાની જરૂર છે.
ચીનની સેના પિપલ્સ લિબરેશન આર્મી એટલે કે પીએલએએ ઑક્ટોબર મહિનાના પહેલા ચાર દિવસોમાં 150થી વધુ વિમાનો તાઇવાનના હવાઈ ક્ષેત્રમાં મોકલ્યાં હતાં.
ચીનના મીડિયામાં આને શક્તિપ્રદર્શન તરીકે જોવાયું હતું પરંતુ વિશ્વભરની સરકારો આને ભય દર્શાવવા માટેની ચીનની આક્રમકતા તરીકે જુએ છે.
ફૉરેન અફૅર્સમાં સાઈ ઇંગ-વેને લખ્યું છે, "અમને શાંતિ જોઈએ છે પરંતુ અમારાં લોકતંત્ર અને જીવનશૈલીને જોખમ પહોંચશે તો તાઇવાન આત્મરક્ષા માટે જે જરૂર હશે તે કરશે."
તાઇવાને વિશ્વભરના દેશોને આગ્રહ કર્યો છે કે ચીનના વ્યાપક ખતરાને સમજવો પડશે.
તાઇવાનના રાષ્ટ્રપતિ સાઈ ઇંગ-વેને કહ્યું, "વિશ્વે સમજવાની જરૂર છે કે તાઇવાન જો ચીનના હાથમાં જતું રહેશે તો ક્ષેત્રીય શાંતિ માટે આ વિનાશકારી હશે. આ લોકતાંત્રિક ભાગીદારી માટે પણ વિધ્વંસકારી પુરવાર થશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વળી તાઇવાનના સંરક્ષણમંત્રી ચિઉ કુઓ-ચેંગે કહ્યું છે કે પાછલાં 40 વર્ષોમાં ચીન અને તાઇવાનના સૈન્ય સંબંધો એક ઘર્ષણયુક્ત સમયમાંથી પસાર થયા છે.
તાઇવાનના સંરક્ષણમંત્રીએ કહ્યું છે કે ચીન 2050 સુધી તાઇવાન પર હુમલો કરી શકે છે.
ચિઉ કુએ-ચેંગે કહ્યું, "ચીન પાસે ક્ષમતા છે પરંતુ યુદ્ધ એટલું આસાન નહીં હોય. કેટલીક અન્ય બાબતો પર પણ વિચાર કરવો પડશે."

ચીનનો દાવો અને તાઇવાનનો પક્ષ

ઇમેજ સ્રોત, Getty Images
ચીન દાવો કરે છે તાવાન તેનો એક પ્રાંત છે અને તેને અંકુશમાં લેવા માટે કટિબદ્ધ છે.
ચીનનું કહેવું છે કે જો તેને ભેળવી લેવા માટે તાકતનો ઉપયોગ કરવો પડે તો તે પણ કરવામાં આવશે. ચીન તાઇવાનમાં રાષ્ટ્રપતિ સાઈ ઇંગ-વેનની સરકારને અલગાવવાદી ગણે છે.
પરંતુ સાઈ ઇંગ-વેન કહે છે કે તાઇવાન એક સંપ્રભુ દેશ છે અને તેને અલગથી સ્વતંત્ર જાહેર કરવાની જરૂર નથી. તેમનું એ પણ કહેવું છે કે તેઓ ટકરાવ નથી ઇચ્છતા.
સાઈ ઇંગ-વેન પોતાના લેખમાં લખે છે, "પીએલએની દૈનિક ઘુસણખોરી છતાં ચીન સાથે અમારો સંબંધ નથી બદલાયો. તાઇવાન દબાણમાં ઝૂકશે નહીં. કોઈ પણ જોખમ કે દુ:સાહસ સામે ડરશે નહીં. તેને આંતરરાષ્ટ્રીય સમર્થન મળશે તો પણ તે નહીં ડગમગે."
કેટલાક દેશોએ તાઇવાનને સંપ્રભુ રાષ્ટ્ર તરીકે માન્યતા આપી છે. કેટલાક દેશો સાથે તાઇવાનની બિનસત્તાવાર ભાગીદારી તથા સમજૂતીઓ અને આંતરરાષ્ટ્રીય મંચો પર તે નોન સ્ટેટ પક્ષની જેમ રહે છે.
સાઈ લખે છે દુનિયાભરમાં તાઇવાનની ભાગીદારી વધી છે. તેમણે કહ્યું કે તાઇવાન મહત્ત્વનું લોકતંત્ર, કારોબારી ભાગીદાર અને વૈશ્વિક સપ્લાયર છે. તેમણે કહ્યું કે તાઇવાન ઉત્તરી જાપાથી બૉર્નિયો દ્વીપ સુધી ફેલાયેલો એક મહત્ત્વનો દ્વીપ સમૂહ છે.

'આંતરરાષ્ટ્રીય અસ્થિરતાનું જોખમ'

ઇમેજ સ્રોત, Getty Images
સાઈએ કહ્યું, "જો આ લાઇનને બળજબરીપૂર્વક તોડવામાં આવી તો તેનું પરિણામ એ હશે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તબાહ થઈ જશે અને સમગ્ર પશ્ચિમી પ્રશાંત અસ્થિર થઈ જશે. તાઇવાન જો પોતાની રક્ષા કરવામાં નિષ્ફળ રહે છે તો એ માત્ર તાઇવાનના લોકો માટે વિનાશકારી નહીં હોય પરંતુ તેનાથી સુરક્ષાની એ દીવાલ પડી ભાંગશે જે સાત દાયકાથી શાંતિ અને અસાધારણ વિકાર માટે ઊભી રહી છે."
વિશ્લેષકોમાં ચર્ચા છે કે આ ખતરો કેટલો વાજબી છે પણ આ સપ્તાહે ટકરાવ વધી ચૂક્યો છે અને તેનાથી ઘણા દેશોએ તેની ગંભીરતાથી નોંધ લીધી છે.
મંગળવારે જાપાનના વિદેશમંત્રી તોશિમિત્શુ મોટેગીએ કહ્યું હતું, "અમે આશા રાખીએ છીએ કે ચીન અને તાઇવાન વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવે. અમારી નજર સ્થિતિ પર છે અને અમે અમારી સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ."

ઇમેજ સ્રોત, Getty Images
ત્યારબાદ અમેરિકા અને ઑસ્ટ્રેલિયાની તરફથી પણ આ મામલે ટિપ્પણી આવી છે. બંને દેશોએ કહ્યું કે ચીન તણાવ ઓછો કરે અને બળનો પ્રયોગ ન કરે.
વ્હાઇટ હાઉસે કહ્યું કે ચીનની આક્રમકતા વિશે ડિપ્લૉમેટિક સ્તરે વાટાઘાટ થઈ છે. તાઇવાનના વિદેશમંત્રીએ મંગળવારે જાહેરાત કરી છે કે ફ્રાન્સના સેનેટરોનો એક સમૂહ આ જ સપ્તાહે તાઇવાન પહોંચી રહ્યો છે.
તાઇવાનને લાગે છે કે મજબૂત આંતરરાષ્ટ્રીય સહયોગથી તેને ચીનને રોકવામાં મદદ મળશે.
તાઇવાન અમેરિકા મારફતે પોતાની સુરક્ષાક્ષમતા વધારવાની કોશિશ કરે છે.
સાઈએ કહ્યું છે, "આ તમામ પગલાથી તાઇવાન ખુદને વધુ આત્મનિર્ભર બનાવવાની કોશિશ કરી રહ્યું છે. અમારી તૈયારી એ વાતને લઈને પણ છે કે અમે અમારો બોજ ખુદ ઉઠાવીએ અને અમારે કોઈની મદદની જરૂર જ ન પડે."

તાઇવાન વિરુદ્ધ ચીન

ઇમેજ સ્રોત, AFP
વિશ્વની એક મહાશક્તિ ચીન સામે તાઇવાન એક નાનકડો દ્વીપ છે જે ક્યૂબા જેટલો મોટો પણ નથી.
તાઇવાન, પીપલ્સ રિપલ્બિક ઑફ ચાઇનાથી માત્ર 180 કિલોમિટર દૂર છે. તાઇવાનની ભાષા અને પૂર્વજ ચીની છે પણ અહીં એક અલગ રાજ્યવ્યવસ્થા છે અને તે ચીન તથા તાઇવાન વચ્ચે દુશ્મનીનું કારણ છે.
તાઇવાનની ખાડીના એક તરફ 130 કરોડની વસ્તીવાળો ચીન છે, જ્યાં એકદળ રાજવ્યવસ્થા છે જ્યારે બીજી તરફ તાઇવાન છે, જ્યાં 2 કરોડ 30 લાખ લોકો લોકતાંત્રિક વ્યવસ્થામાં રહે છે.
ચીન અને તાઇવાન વચ્ચે 1949થી વિવાદ ચાલે છે, જેના કારણે તાઇવાનની પહોંચ આંતરરાષ્ટ્રીય સંગઠનો સુધી નથી અને તેને મર્યાદિત આંતરરાષ્ટ્રીય માન્યતા મળેલી છે. વિશ્વના માત્ર 15 દેશ તાઇવાનને સ્વતંત્ર રાષ્ટ્ર માને છે.
જ્યારે ચીન તેને પોતાનો અલગ થયેલો હિસ્સો અને એક વિદ્રોહી પ્રાંત માને છે.
વર્ષ 2005માં ચીને અલગાવવાદી વિરોધી કાનૂન પાસ કર્યો હતો જે ચીનને તાઇવાનને બળપૂર્વક પોતાનામાં સામેલ કરી લેવાનો અધિકાર આપે છે. ત્યાર બાદ જો તાઇવાન પોતાને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરે છે તો ચીનની સેના તેના પર હુમલો કરી શકે છે.
વર્ષ 1642થી 1661 સુધી તાઇવાન નૅધરલૅન્ડ્ઝની કૉલોની હતું. ત્યાર બાદ ચીનનો ચિંગ રાજવંશ વર્ષ 1683થી 1895 સુધી તાઇવાન પર શાસન કરતો રહ્યો. પરંતુ વર્ષ 1895માં જાપાનના હાથે ચીનની હાર બાદ તાઇવાન, જાપાનના ભાગમાં આવી ગયું.
બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનની હાર બાદ અમેરિકા અને બ્રિટને નક્કી કર્યું કે તાઇવાનને તેના સહયોગી અને ચીનના મોટા રાજનેતા તથા મિલિટરી કમાન્ડર ચ્યાંગ કાઈ શેકને સોંપી દેવું જોઈએ.
ચ્યાંગની પાર્ટીનો એ સમયે ચીનના મોટા ભાગના હિસ્સા પર અંકુશ હતો. પરંતુ કેટલાંક વર્ષો બાદ ચ્યાંગ કાઈ શેકની સેનાઓને કમ્યૂનિસ્ટ સેના સામે હારનો સામનો કરવો પડ્યો ત્યારે ચ્યાંગ અને તેમના સહયોગીઓ ચીનથી ભાગીને તાઇવાન આવી ગયા અને કેટલાંક વર્ષો સુધી 15 લાખની વસ્તીવાળા તાઇવાન પર તેમનું પ્રભુત્વ રહ્યું.
કેટલાંક વર્ષો સુધી ચીન અને તાઇવાન વચ્ચે ઘણા કડવા સંબંધો હોવા છતાં વર્ષ 1980ના દાયકામાં બંનેના સંબંધો શરૂ થયા. ત્યારે ચીને 'વન કન્ટ્રી ટુ સિસ્ટમ' હેઠળ તાઇવાન સામે પ્રસ્તાવ મૂક્યો કે જો તે પોતાને ચીનનો ભાગ માને છે તો તેને સ્વાયત્તા પ્રદાન કરવામાં આવશે. તાઇવાને આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો.

વન ચાઇના પૉલિસી અને તાઇવાન
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
- વન ચાઇના પૉલિસીનો અર્થ એ નીતિથી છે, જેના અનુસાર 'ચીન' નામનું એક જ રાષ્ટ્ર છે અને તાઇવાન અલગ દેશ નથી પણ તે તેનો પ્રાંત છે.
- પિપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના જેને સામાન્ય રીતે ચીન કહેવામાં આવે છે, તે 1949માં બન્યું હતું. તેમાં મેનલૅન્ડ ચાઈના અને હૉંગકૉંગ-મકાઉ જેવા બે વિશેષ રુપથી પ્રશાસિત ક્ષેત્રો પણ આવે છે.
- બીજી તરફ રિપલ્બિક ઑફ ચાઇના છે, જેનો વર્ષ 1911થી 1949 વચ્ચે ચીન પર કબજો હતો, પરંતુ હવે તેની પાસે તાઇવાન અને કેટલાક દ્વીપ સમૂહ છે. જેને સમાન્ય રીતે તાઇવાન કહેવામાં આવે છે.
- વન ચાઇના પૉલિસીનો અર્થ એ છે કે વિશ્વના જે દેશો પિપલ્સ રિપલ્બિક ઑફ ચાઇના સાથે કૂટનીતિ સંબંધિત સંબંધો ઇચ્છે છે, તેમણે રિપલ્બિક ઑફ ચાઇના (તાઇવાન) સાથે તમામ સત્તાવાર સંબંધો તોડી નાખવા પડશે.
- કૂટનીતિ જગતમાં એવું જ માનવામાં આવે છે કે ચીન એક છે અને તાઇવાન તેનો ભાગ છે. આ નીતિ હેઠળ અમેરિકા, તાઇવાન સિવાય ચીનથી સત્તાવાર સંબંધો રાખે છે. પણ તાઇવાન સાથે તેના બિનસત્તાવાર પણ મજબૂત સંબંધો છે.
- તાઇવાન ઑલિમ્પિક ગૅમ્સ જેવી આંતરરાષ્ટ્રીય ગૅમ્સમાં ચીનના નામનો ઉપયોગ નથી કરતું. તેનું કારણ એ છે કે તે લાંબા સમયથી આવા મંચો પર ચાઇનીઝ તાઇપેઈના નામથી ભાગ લે છે.
- આ મુદ્દા પર ચીનનું વલણ સ્વીકારવું ચીન-અમેરિકા સંબંધોનો આધાર નથી પરંતુ ચીનના તરફથી નીતિ-નિર્માણ તથા કૂટનિતી માટે તે મહત્ત્વનું છે.
- આફ્રિકા અને કૅરેબિયન ક્ષેત્રના કેટલાક નાના દેશો ભૂતકાળમાં આર્થિક સહયોગ મામલે ચીન તથા તાઇવાન બંને સાથે વારાફરથી સંબંધો બનાવી અને તોડી ચૂક્યા છે.
- આ નીતિને પગલે ચીનનો ફાયદો થયો છે અને તાઇવાન કૂટનીતિ સ્તરે અલગથલગ થઈ ગયું છે. વિશ્વના મોટાભાગના દેશો તથા સંયુક્ત રાષ્ટ્ર તેને સ્વતંત્ર દેશ નથી માનતા. પરંતુ તેમ છતાં તે સંપૂર્ણ રીતે અલગ પણ નથી.
- સ્વાભાવિક છે કે યથાસ્થિતિમાં ચીન વધુ તાકતવર છે અને આ જ કારણે કૂટનીતિના સંબંધોને આધારે તાઇવાન પાછળ છે. એ જોવું રહેશે કે ટ્રમ્પનું તાજેતરનું નિવેદન કોઈ બદલાવના સંકેતો આપે છે કે કેમ.
(અહેવાલ - રજનીશકુમાર)


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












