ચીન : ગરીબ રાષ્ટ્રોને મદદ કરનારો દેશ કે કરજના કળણમાં ફસાવનાર વ્યાજખોર?
- લેેખક, સિલિયા હેટ્ટન
- પદ, બીબીસી ન્યૂઝ
અમેરિકા અને બીજા મોટા દેશો કરતાં ચીન બેગણાં નાણાં વિકાસના કાર્યો માટે ધિરાણમાં આપે છે, જેમાંથી મોટા ભાગનું ભંડોળ ચીનની સરકારી બૅન્કોમાંથી જોખમી ઊંચા વ્યાજ દરે લેવાયેલું ધિરાણ હોય છે તેવા નવા પુરાવા સામે આવ્યા છે.
ચીન જેટલું ધિરાણ આપી રહ્યું છે એ ચોંકાવનારું છે. હજી થોડા વર્ષો પહેલાં જ ચીન વિદેશી સહાય મેળવતો દેશ હતો, પણ હવે સ્થિતિ પલટાઈ ગઈ છે.

ઇમેજ સ્રોત, COSTFOTO/BARCROFT MEDIA VIA GETTY IMAGES
અમેરિકાના વર્જિનિયા રાજ્યની વિલિયમ ઍન્ડ મૅરી યુનિવર્સિટીની રિસર્ચ લૅબ ઍઇડડૅટાના જણાવ્યા અનુસાર છેલ્લાં 18 વર્ષમાં ચીને 165 દેશોમાં 13,427 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રૉજેક્ટ્સ માટે 843 અબજ ડૉલર ધિરાણ કે ગ્રાન્ટના રૂપમાં આપેલા છે.
આમાંનું મોટા ભાગનું ધિરાણ ચીનના પ્રમુખ શિ જિનપિંગની મહત્ત્વાકાંક્ષી બૅલ્ટ ઍન્ડ રોડ યોજના હેઠળ આપવામાં આવ્યું છે. ચીનની માળકાખીય સુવિધા ઊભા કરવાના અનુભવ અને જંગી પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ હોવાના કારણે 2013થી ચીન દુનિયામાં વેપાર માટેના નવા જ મહામાર્ગ તૈયાર કરી રહ્યું છે.
જોકે ટીકાકારોને આશંકા છે કે ઘણા દેશોએ ચીનના આ પ્રોજેક્ટ્સ સ્વીકાર્યા, તેના માટે ઊંચા વ્યાજ દરે લીધેલી લોનને કારણે દેવાનાં ડુંગર તળે આવી જાય તેમ છે.
આ બાબત ચીનના અમલદારો માટે પણ નવી છે. ઍઇડડૅટાના સંશોધકોએ ચાર વર્ષ સુધી ચીનના આંતરરાષ્ટ્રીય ધિરાણ અને ખર્ચ પર નજર રાખી હતી અને તેના કારણે ચીનના મંત્રાલયના અમલદારો નિયમિત રીતે સંશોધકોનો સંપર્ક કરીને જાણવા કોશિશ કરી રહ્યા છે કે ચીની નાણાંનો કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે.
ઍઇડડૅટાના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર બ્રૅડ પાર્ક્સ કહે છે, "અમને ચીનના અમલદારો હંમેશા કહેતા હોય છે, 'માત્ર તમે એક જ છો જે આ બધું જાણો છો.'
તેઓ કહેતા હોય છે: 'આ બધાં આંકડાં અમે અહીં આંતરિક રીતે મેળવી શકતા નથી'."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

પોતાના દેશમાં પ્રોજેક્ટનો હિસ્સો ખરીદવા લાઓસે ચીન પાસેથી લોન લેવી પડી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ચીન અને પડોશી દેશ લાઓસને જોડતી વાંકીચૂંકી પહાડીઓ પરથી પસાર થતી રેલવે લાઇન પ્રોજેક્ટને ચીન તરફથી બિનસરકારી ધિરાણ આપ્યા હોવાનું ઉદાહરણ ઘણી વખત ટાંકવામાં આવે છે.
દાયકાઓથી ચીનના નેતાઓ ચારે તરફથી જમીનથી ઘેરાયેલા ચીનના દક્ષિણ-પશ્ચિમ ભાગને સીધું દક્ષિણ પૂર્વ એશિયાની જોડવાનો રસ્તો શોધી રહ્યા હતા.
એન્જિનિયર્સ ચેતવણી આપતા હોય છે કે આવા પ્રૉજેક્ટ્સ પાછળ જંગી ખર્ચ થઈ શકે છે: ઊંચા પર્વતો પર પાટા નાખવા માટે ડઝનબંધ બ્રિજ અને ટનલ્સ બનાવવી પડશે.
લાઓસ દુનિયાના સૌથી ગરીબ દેશોમાંનો એક છે અને આવા જંગી પ્રૉજેક્ટ્સના ખર્ચનું પાંચિયું પણ ખર્ચી શકે તેમ નથી.
આવી સ્થિતિમાં ચીનના મહત્ત્વાકાંક્ષી બૅન્કર્સ વહારે આવી છે: સરકારી કંપનીઓના સમર્થન સાથે અને ચીનના ધિરાણકર્તા કન્સોર્શિયમ તરફથી ધિરાણ મળ્યું અને તેના કારણે 5.9 અબજ ડૉલરના ખર્ચે આ રેલલાઇન તૈયાર થઈ ગઈ છે, જેના પર ડિસેમ્બરથી ટ્રેનો દોડવા લાગશે.
આ યોજનામાં નાનકડો હિસ્સો લેવા માટે પણ લાઓસની સરકારે ચીનની એક બૅન્ક પાસેથી 480 મિલિયન ડૉલરની લૉન લેવી પડી હતી. લાઓસ માટે આવકનું એક સાધન પોટાશની ખાણો છે, જેને ગીરવે મૂકીને આ જંગી લૉન લેવામાં આવી છે.
હૉંગ કૉંગ યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટેકનૉલૉજીના રિસર્ચ આસિસ્ટન્ટ પ્રોફેસર વાનજિંગ કેલી ચેન કહે છે, "ચીનની એક્ઝિમબૅન્કે શેરહિસ્સાની કેટલીક મૂડી આપી તેના પરથી ખ્યાલ આવે છે કે ચીન કઈ રીતે આ પ્રૉજેક્ટને ગમે તે ભોગે આગળ વધારવા માગતું હતું."
મોટા ભાગની રેલવેની માલિકી ચીની પ્રભુત્વ ધરાવતા રેલવે ગ્રૂપ પાસે છે, પણ બહુ ભેદી રીતે રેલવે માથે થયેલાં દેવાંની જવાબદારી લાઓસ સરકાર પર જ નખાયેલી છે. આ અસંતુલિત ડીલને કારણે આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તા એજન્સીઓએ લાઓસનું ક્રેટિડ રેટિંગ ઘટાડીને "જંક"(નકામું) કરી દીધું છે.
નાદારીના આરે આવી ગયેલા લાઓસે સપ્ટેમ્બર 2020માં પોતાની મહત્ત્વની એવી સંપત્તિ ચીનને સોંપી દેવી પડી હતી. ઉર્જા માટેની લાઓસની 600 મિલિયન ડૉલરના મૂલ્યની ગ્રીડનો અમુક હિસ્સો ચીની ધિરાણકર્તાઓને આપવો પડ્યો છે, જેથી ચૂકવણીમાં રાહત મળી શકે છે. આ સ્થિતિ હજી ટ્રેનો દોડતી નથી થઈ ત્યાં આવી પડી છે.
ચીનની સરકારી બૅન્કોએ ધિરાણ આપ્યું હોય તેવા જોખમી પ્રૉજેક્ટમાં લાઓસ રેલવે તો બહુ નાનો હિસ્સો છે.
આમ છતાં ઍઇડડૅટા કહે છે કે ચીન ઘણા ગરીબ અને ઓછી આવક ધરાવતા દેશો માટે ધિરાણ મેળવવાનું હજીય પ્રથમ ઠેકાણું છે.
બ્રૅડ પાર્ક્સ કહે છે, "એક સરેરાશ વર્ષમાં ચીનનું આંતરરાષ્ટ્રીય વિકાસ કાર્યો માટેનું ધિરાણ 85 અબજ ડૉલર જેટલું હોય છે. આની સામે અમેરિકાની સરખામણી કરો, જે વર્ષે આંતરરાષ્ટ્રીય વિકાસ કાર્યો માટે 37 અબજ ડૉલર આપતું હોય છે."

અસાધારણ રસ્તો

ઇમેજ સ્રોત, TPG/GETTY
વિકાસ કાર્યો માટે ધિરાણની બાબતમાં ચીન બધા જ દેશોથી આાગળ નીકળી ગયું છે, પરંતુ આ સ્થિતિએ પહોંચવા ચીને જે રસ્તો અપનાવ્યો છે, તે એ અસાધારણ છે એમ ઍઇડડૅટા કહે છે.
ભૂતકાળમાં પશ્ચિમના દેશોએ આફ્રિકાના દેશોને દેવામાં ડૂબાડી દેવાનું કામ કર્યું હતું. ચીન બહુ જુદી રીતે ધિરાણ આપી રહ્યું છે: એક દેશ તરફથી બીજા દેશને અનુદાન કે ધિરાણ આપવામાં આવે, તેના બદલે ચીન લગભગ બધું જ ધિરાણ સરકારી બૅન્કોની લૉન તરીકે આપી રહ્યું છે.
આવી સરકારી બૅન્કોનું ધિરાણ સરકાર પરના દેવાના બોજ તરીકે ચોપડે ચડતું નથી. તેનું કારણ એ કે ચીનની સરકારી બૅન્કોએ ધિરાણ કર્યું હોય, તેમાં ચીનની કેન્દ્ર સરકારની કોઈ સંસ્થાનું નામ હોતું નથી. આ રીતે આ દેવું સરકારી હિસાબકિતાબમાં આવતું નથી.
સાથે જ તેના પર ખાનગીપણાના નિયમો લાગુ પડે એટલે બંધબારણે કેવી શરતો રક ધિરાણ અપાયું છે તેની જાણકારી સરકારોને મળતી નથી.
ઍઇડડૅટાએ હિસાબ લગાવ્યો તેમાં નોંધાયું ના હોય તેવું 385 અબજ ડૉલરનું ધિરાણ જણાયું છે.
ઘણી વાર ચીન તરફથી વિકાસ કાર્યો માટે મળતા ધિરાણ માટે અજુગતું લાગે તેવી જામીનગીરી લેવાતી હોય છે. મજાની વાત છે ચીનની લૉનમાં એવી શરતો હોય છે કે લૉન લેનારે કુદરતી સંસાધનો વેચીને ભરપાઈ કરવી જરૂરી છે.
દાખલા તરીકે વેનેઝુએલા સાથે થયેલી એક ડીલમાં એવી શરત રાખવામાં આવી છે કે વેનેઝુએલાના ધિરાણ લેનારાએ ક્રૂડ ઑઇલનું વેચાણ થાય તેમાંથી થતી વિદેશી હૂંડિયામણની આવક સીધી ચીનની માલિકીના બૅન્ક એકાઉન્ટમાં જમા કરાવવી.
જો ધિરાણ લેનારાઓ લૉનનો હપ્તો ચૂકવવામાં નિષ્ફળ જાય તો આ બૅન્ક એકાઉન્ટમાં પડેલી રકમમાંથી ચીનના અધિકારીઓ તરત રોકડ ઉપાડી શકે.
બ્રૅડ પાર્ક્સ સમજાવતા કહે છે, "અહીં જાણે રોજીરોટીનો સવાલ હોય તે રીતે ધિરાણ લેનારાને સ્પષ્ટ જણાવાતું હોય છે કે 'અહીં અમે જ માલિક છીએ', તમારે બીજી કંઈ ચૂકવણી કરતાં પહેલાં અમને જ ચૂકવી આપવાના."
"આ રીતે આ ગરીબ દેશોની ડૉલર અને યુરોમાંથી થતી આવક વિદેશી સત્તાના કબજામાં હોય તેવા બૅન્ક એકાઉન્ટ્સમાં જ જમા થતી રહે છે."
ઍઇડડૅટાના અભ્યાસ સાથે કામ કરનારા અને ચીનના ડેવલપમેન્ટ લૉન કૉન્ટ્રૅક્ટ્સનો અભ્યાસ કરનારા જ્યોર્જટાઉનના લૉ પ્રોફેસર એન્ના ગેલપર્ન કહે છે, "શું ચીન બહુ ચાલાક છે? અમારું તારણ એવું છે કે તેઓ આવા કૉન્ટ્રૅક્ટ્સમાં દબાણ અને લુચ્ચાઈ બંને દાખવે છે. તેઓ પોતાના હિતોનું બરાબર રક્ષણ કરે છે."
ગેલપર્ન કહે છે કે દેશોને લોન આપો ત્યારે વસૂલ કરવી બહુ અઘરી હોય છે અને પોતાના બંદર જેવી મિલકતોને દેવાંના બદલામાં સોંપી દે તે બહુ વ્યવહારુ હોતું નથી.

ચીન સામે સ્પર્ધા ઊભી થઈ શકે છે

ઇમેજ સ્રોત, EPA
આંતરરાષ્ટ્રીય ધિરાણ આપવાની બાબતમાં થોડા સમયમાં ચીન સામે સ્પર્ધા પણ ઊભી થાય તેમ લાગે છે. જૂન મહિનામાં જી7 દેશોની બેઠકમાં ચીનના પ્રભુત્વનો સામનો કરવા માટે ચર્ચા થઈ હતી. નાણાંકીય અને પર્યાવરણની દૃષ્ટિએ ટકાઉ હોય તેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રૉજેક્ટ્સને ધિરાણ આપવા માટેનું વચન અમેરિકા સહિતના જી7 દેશોએ આપ્યું હતું.
જોકે આ ધિરાણ આપવામાં ઘણું મોડું થઈ ગયું હોય તેમ લાગે છે.
બ્રૂકિંગ્ઝ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર ફૅલો અને ચીનમાં અમેરિકન ટ્રેઝરીના પ્રતિનિધિ તરીકે કામ કરી ચૂકેલા ડેવિડ ડૉલર કહે છે, "મને તો શંકા છે કે પશ્ચિમના દેશોની આ પહેલને કારણે ચીન સરકારની ધિરાણની યોજનામાં ખાસ કોઈ ફરક પડશે નહીં."
"[આ નવા પ્રયાસોમાં] પૂરતાં નાણાં નહીં હોય, કે વિકાસશીલ દેશોની માળકાખીય સુવિધા માટે ધિરાણની માંગ છે તેને પહોંચી વળે. બીજું કે પશ્ચિમના દેશોની અમલદારશાહીમાં કામ કરવું અઘરું હોય છે અને વિલંબ થતો હોય છે."
ઍઇડડૅટાના સંશોધકોને જણાયું છે કે બૅલ્ટ ઍન્ડ રોડ પ્રૉજેક્ટની પોતાની સમસ્યાઓ ઊભી થઈ છે. ચીનના બીજા કોઈ પ્રૉજેક્ટ્સ કરતાં આ યોજના હેઠળના પ્રૉજેક્ટ્સમાં મોટા ભાગે ભ્રષ્ટાચાર, શ્રમિકોની બાબતમાં ગેરરીતિ અથવા પર્યાવરણને નુકસાનના બનાવો વધુ જોવા મળે તેવી શક્યતા હોય છે.
સંશોધકો કહે છે કે બૅલ્ટ ઍન્ડ રોડની યોજનાને દોડતી રાખવા માટે ચીને ધિરાણ લેનારા દેશોની ચિંતાનો ઉકેલ લાવ્યા સિવાય છૂટકો નથી.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












