Evergrande Group : ચીન તથા વૈશ્વિક અર્થતંત્ર માટે મહત્ત્વપૂર્ણ કેમ?
ચીનની રિયલ એસ્ટેટ ડેવલપર કંપની એવરગ્રૅન્ડની (Evergrande) આર્થિક મુશ્કેલીઓની અસર હૉંગકૉંગ અને શાંઘાઈના શૅરમાર્કેટ ઉપરાંત વૈશ્વિક બજારોમાં પણ દેખાવા લાગી છે.
એવા અહેવાલ છે કે કંપનીએ લૉન આપનારી બૅન્કોને જણાવ્યું હતું કે સોમવારે હપ્તો ભરવાની તારીખ હતી, પરંતુ તે ચૂકવી નહીં શકે અને ગુરુવારે કંપનીના બૉન્ડની ઉપર આઠ કરોડ 40 લાખ ડૉલરનું વ્યાજ ચૂકવવાનું છે, તે પણ ચૂકવી નહીં શકે.

ઇમેજ સ્રોત, Getty Images
સોમવારે હૉંગકૉંગના શૅરબજારમાં કંપનીના શૅરના ભાવમાં 15 ટકાનો કડાકો બોલી ગયો હતો. કંપનીના શૅર ચાલુ વર્ષ દરમિયાન 85 ટકા તૂટ્યા છે અને તે 11 વર્ષના તળિયે પહોંચી ગયા છે.
કંપનીની વેલ્થ મૅનેજમૅન્ટની સર્વિસના ક્લાયન્ટને પ્રૉપર્ટી આપીને પતાવટ કરવા માંડી છે.
એવરગ્રૅન્ડ આર્થિક દબાણ હેઠળની વિશ્વની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની છે. તેની ઉપર 305 અબજ ડૉલરનું દેવું છે. ભારતનું કુલ વિદેશી હૂંડિયામણ 641 અબજ ડૉલર જેટલું છે, જેના આધારે કંપનીના કદનો અંદાજ લગાવી શકાય છે.

એવરગ્રૅન્ડ, અર્થતંત્ર અને અસર

ઇમેજ સ્રોત, Getty Images
એવરગ્રૅન્ડની સમસ્યા મોટી, ગંભીર અને વ્યાપક છે, તેના માટેનાં અનેક કારણો છે. જો કંપની ડૂબે તો, પહેલું એ કે જે લોકોએ કંપનીની પ્રૉપર્ટી લેવા માટે અગાઉથી નાણાં ચૂકવ્યાં હતાં, તેમના પૈસા ડૂબવાની શક્યતા છે.
બીજી અસર કંપનીની સાથે વેપાર કરતી નિર્માણકાર્ય, ડિઝાઇન, મટિરિયલ સપ્લાય કરતી કંપનીઓને પણ તેની અસર પહોંચશે. ભારતમાં કાર્યરત્ અમુક નાણાકીય સંસ્થાઓ તથા અમુક કંપનીઓનું હિત એવરગ્રૅન્ડ સાથે જોડાયેલું છે. તેમની નાદારીના સંજોગ ઊભા થશે.
ત્રીજી અસર ચીનના અર્થતંત્ર પર પડશે. ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના મેટ્ટી બેકિંકે જણાવ્યું, "171 સ્થાનિક બૅન્ક તથા 121 નાણાકીય સંસ્થાઓએ એવરગ્રૅન્ડને ધિરાણ આપ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફિચ, મૂડીઝ તથા સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર જેવી ગ્લોબલ રેટિંગ દ્વારા એવરગ્રૅન્ડના બૉન્ડનું રેટિંગ ઘટાડી નાખવામાં આવ્યું છે તથા એવી આશંકા વ્યક્ત કરી છે કે તે ડિફૉલ્ટ થઈ શકે છે.
જો એવરગ્રૅન્ડ નાદાર જાહેર થશે તો નાણાકીય બૅન્કો અને ધિરાણ સંસ્થાઓ ઉપર ઓછા પ્રમાણમાં લૉનો આપવા માટે દબાણ આવશે. જેના કારણે કંપનીઓ માટે વ્યાજબી ભાવે પૂરતી રકમ મેળવવી મુશ્કેલ બનશે, જેના કારણે 'ધિરાણ સંકડામણ' (ક્રૅડિટ ક્રંચ)ની સ્થિતિ ઊભી થશે.
એવરગ્રૅન્ડએ વિશ્વના બીજા ક્રમાંકના ચીનના અર્થતંત્ર માટે માઠા સમાચાર સાબિત થઈ શકે છે, કારણ કે તેના કારણે વિકાસ કરવા માગતી કંપનીઓ માટે નાણાં મેળવવાં મુશ્કેલ બનશે, એટલું જ નહીં, કેટલાક કિસ્સામાં તે કાર્યરત્ પણ નહીં રહી શકે. વિદેશી રોકાણકારોને મન પણ ચીન આકર્ષક નહીં રહે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જાણકારોના કહેવા પ્રમાણે, દુનિયાભરના કુલ સ્ટીલ અને તેની અયસ્કનો વપરાશ ચીનમાં થાય છે. એવરગ્રૅન્ડના પતનની નકારાત્મક અસર ચીનમાં ઘર ખરીદવા ઇચ્છુકો પર પડશે. આ અસર આગામી વર્ષો સુધી વર્તાશે. જેથી કરીને સ્ટીલના મોટા વપરાશકર્તાઓની અસર સમગ્ર સૅક્ટર પર પડશે.
સોમવારે સ્ટીલ ઉત્પાદક કંપનીઓ ટાટા સ્ટીલ, સ્ટીલ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા વગેરે પર નકારાત્મક અસર જોવા મળી હતી. આ સિવાય જાહેર સાહસની કંપનીઓ તથા ઘરવપરાશની ચીજવસ્તુઓ બનાવતી કંપનીઓમાં ઘટાડાને કારણે નિફ્ટીમાં 188 પૉઇન્ટનો જ્યારે બીએસઈમાં 524 પૉઇન્ટનો કડાકો બોલી ગયો હતો.

શી સરકાર શું કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
એવરગ્રૅન્ડને બચાવવા માટે ચીનની સરકાર કંઈ કરશે કે કેમ તે અંગે બે મત પ્રવર્તમાન છે. ચીનની શી જિનપિંગ સરકારની દખલ ઉપર કંપનીનું ભવિષ્ય ટકેલું છે.
બેંકિકના મતે, "અમને લાગે છે કે ઘર ખરીદનારાઓને આક્રોશમાં લાવવાના તથા સમગ્ર સપ્લાય ચેઇનને ખોરવવાને બદલે દરમિયાનગીરી કરવાનું પસંદ કરશે અને કોઈક એવો રસ્તો કાઢશે કે જેથી એવરગ્રૅન્ડનો મુખ્ય ધંધો ચાલતો રહે અને તે ટકી જાય."
સામે પક્ષે ચીનના સરકારી અખબાર 'ગ્લોબલ ટાઇમ્સ'ના મુખ્ય સંપાદક હુ શિજિને સોશિયલ નેટવર્કિંગ સાઇટ વીચેટ પર લખ્યું કે બેઠા થવા માટે એવરગ્રૅન્ડે જાતે પ્રયાસ કરવા જોઈએ અને સરકાર ઉપર આધાર ન રાખવો જોઈએ.
આને ચીનની સરકાર દ્વારા કંપનીઓના દેવાંને કાબૂમાં લેવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. જો આટલી મોટી કંપનીને બચાવવામાં આવે તો તેનું ખોટું ઉદાહરણ બેસે તેમ છે.
ચીનના કુલ અર્થતંત્રના લગભગ બે ટકા જેટલી રકમ પર સંકટ તોળાઈ રહ્યું છે. જે બાંગ્લાદેશ કે દક્ષિણ આફ્રિકાના અર્થતંત્ર જેટલું મોટું છે. પ્રૉપર્ટી સૅક્ટર ચીનના અર્થતંત્રના 25 ટકા કરતાં વધુ છે, જેથી સરકાર દ્વારા તેની સદંતર અવગણના શક્ય નહીં હોય.
એવરગ્રૅન્ડને પગલે હેન્ડરસન લૅન્ડ, સુનાક, ગ્રીનટાઉન ચાઇના, ન્યૂ વર્લ્ડ ડેવલપમૅન્ટ કૉર્પોરેશન, સગ હુન કાઈ જેવી અન્ય રિયલ એસ્ટેટ ડેવલપમૅન્ટ કંપનીઓ ; ઉપરાંત પિંગ એન, ચાઇના મિનસેંગ બૅન્ક, ઍગ્રીકલ્ચર બૅન્ક ઑફ ચાઇના તથા ઇન્ડસ્ટ્રિયલ ઍન્ડ કૉમર્શિયલ બૅન્ક ઑફ ચાઇના જેવી અન્ય નાણાકીય સંસ્થાઓના શૅરના ભાવ તૂટ્યા હતા.

એવરગ્રૅન્ડની ગાથા

ઇમેજ સ્રોત, Reuters
વર્ષ 1996માં ચીનના ગ્વાંગઝુ ખાતે હુઈ કા યેન દ્વારા એવરગ્રૅન્ડની સ્થાપના કરવામાં આવી હતી, જે અગઉ હેંગડા ગ્રૂપ તરીકે ઓળખાતી હતી.
ફૉર્બ્સની યાદી પ્રમાણે, હુઈ વ્યક્તિગત રીતે દસ અબજ 60 કરોડ ડૉલર જેટલી સંપત્તિના માલિક છે. તેઓ ચીનની વૅલકનેક્ટેડ ચાઇનીઝ પીપલ્સ પૉલિટિકલ કન્સલટેટિવ કૉન્ફરન્સના સભ્ય પણ છે.
ગત વર્ષે ચીનની સરકાર દ્વારા રિયલ એસ્ટેટની કંપનીઓ માટે નિયમ કડક કરવામાં આવ્યા હતા, ત્યારથી કંપની માટે સંકટ શરૂ થઈ ગયું હતું. ચીનના લગભગ 280 શહેરમાં તેના 1300 કરતાં વધુ પ્રોજેક્ટ કાર્યરત્ છે. કંપની માત્ર રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે નથી સંકળાયેલ.
કંપની ઇલેક્ટ્રિક કાર, ઠંડાપીણાં તથા ખાદ્યપદાર્થ ઉત્પાદન અને વેલ્થ મૅનેજમૅન્ટ ક્ષેત્રે પણ સંકળાયેલી છે. કંપની ગ્વાંગઝુ એફસી નામની ફૂટબૉલ ટીમની પણ માલિક છે, જે દેશની સૌથી મોટી ફૂટબૉલ ટીમોમાંથી એક છે.
લગભગ એક અઠવાડિયા પહેલાં એવરગ્રૅન્ડ સંકટમાં હોવાની વાતો સાર્વજનિક થવા લાગી હતી. આ વાત જાહેર થઈ તે પહેલાં છ ઍક્ઝિક્યુટિવે 12 જેટલી પ્રૉડક્ટમાં પોતાનું રોકાણ વેચી નાખ્યું હતું. જે દર્શાવે છે કે તેમને અગાઉથી જ કંપનીની આર્થિક સ્થિતિ વિશે જાણ હતી. તેમની સામે કડક હાથે કાર્યવાહી કરવાની વાત કહેવામાં આવી છે.
ત્યારે લોકોએ શેનઝેન ખાતે કંપનીના મુખ્યાલયની બહાર દેખાવો યોજ્યા હતા. જે ચીનમાં જ્વલ્લે જ બનતી ઘટના છે. આવા જ દેખાવો અન્ય શહેરોમાં પણ થયા હોવાના અહેવાલ છે. સેંકડો પ્રોજેક્ટ અધૂરા છે તથા લગભગ લાખો ચાઇનીઝ લોકો નવા ઘરમાં પ્રવેશવા માટે યોજના કરી રહ્યા છે, ત્યારે સમગ્ર ઘટનાક્રમની ચીનના અર્થતંત્રની ઉપર નકારાત્મક અસર થશે.
એક તબક્કે એવી આશંકા સેવવામાં આવતી હતી કે આ ફરી એક વખત લેહમૅન સંકટ જેવો સમય છે. જોકે જાણકારોનું કહેવું છે કે એવરગ્રૅન્ડ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી કંપની છે અને તે બૅન્ક કે નાણાકીય સંસ્થા નથી એટલે નાણાકીયવ્યવસ્થા ઉપર તેની વ્યાપક નકારાત્મક અસર ઊભી નહીં થાય.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












