'મૂડીવાદના માર્ગે' માલામાલ થયેલા ચીનને જિનપિંગ ફરી સમાજવાદ ભણી લઈ જઈ રહ્યા છે?
- લેેખક, સ્ટીફન મૅક્ડોનેલ
- પદ, બીબીસી ન્યૂઝ, બીજિંગ
ચીનમાં જીવન દાયકાઓથી મૂડીવાદની તેની પોતાની દેશી આવૃત્તિની આસપાસ પાંગરતું રહ્યું છે.
ટેકનીકલી એક "સામ્યવાદી" દેશ હોવા છતાં, કેટલાક લોકોને ભરપૂર તવંગર થવાની છૂટ આપવાથી સમગ્ર સમાજને તેનો ફાયદો થશે અને અધ્યક્ષ માઓની સાંસ્કૃતિક ક્રાંતિના કળણમાંથી સમાજને ઝડપભેર બહાર કાઢી શકાશે એવું ધારીને તેની સરકારે ટ્રિકલ ડાઉન ઈકૉનોમિક્સમાં ભરોસો રાખ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
આ નીતિ એક હદ સુધી કારગત સાબિત થઈ છે. એક મોટો મધ્યમ વર્ગ ઊભર્યો છે અને સમાજના દરેક વર્ગના લોકોનું જીવનધોરણ બહેતર બન્યું છે.
1970ના દાયકાની સ્થગિતતાને પાછળ છોડીને ચીન ઢગલાની ટોચે પહોંચી ગયું છે અને વૈશ્વિક અર્થતંત્ર પર પ્રભુત્વ મેળવવા માટે અમેરિકાને પડકારી રહ્યું છે, પણ એ પ્રક્રિયામાં આવકની અસમાનતાનો ઘાટ ઘડાયો છે.
જે લોકો યોગ્ય સમયે, યોગ્ય સ્થાને હતા એ લોકોનાં સંતાનોમાં તેની અસર જોવા મળી રહી છે.
જે માતાપિતા 1980ના દાયકામાં ફેકટરીઓ સંભાળવામાં સક્ષમ હતા અને તોતિંગ નફો કમાયા હતા, એ જ માતાપિતા ચમકતાં શહેરોમાં, શ્રમિકોની નજર સામે દમકતી સ્પોર્ટ્સ કાર ફેરવતા સંતાનો માટે ચૂકવણી કરી રહ્યા છે, જ્યારે શ્રમિકો, પોતાની માલિકીનું ઘર ક્યારેય ખરીદી શકશે કે કેમ એ વિચારી રહ્યા છે.
બંધનો તોડીને મુક્ત થવાની વાત "ચીની લાક્ષણિકતા" સાથેનો શબ્દસમૂહ હતી.
"ચીની લાક્ષણિકતા" સાથેના સમાજવાદના ખ્યાલે સરકારને સમાજના વહીવટની વ્યાપક મોકળાશ આપી હતી, જેમાં હકીકતમાં સમાજવાદનો એકેય અંશ ન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બધું લાંબો સમય સ્વીકાર્ય નથી, એવું મહામંત્રી શી જિનપિંગે હવે નક્કી કરી લીધું હોય એમ લાગે છે.
તેમના નેતૃત્વ હેઠળની ચીન સરકારે સામ્યવાદીઓને ફરીથી સામ્યવાદી પક્ષમાં લાવવાનું કમસેકમ થોડાઘણા અંશે શરૂ કર્યું છે.
નવું સુત્ર છે "સહિયારી સમૃદ્ધિ." જોકે, આ વાત શેરીઓમાં પ્રચારનાં પોસ્ટરોમાં હજુ સુધી જોવા મળી નથી, પરંતુ એ હવે બહુ દૂર પણ નથી. એ હવે ચીનના નેતાઓ જે કરી રહ્યા છે તેની આધારશીલા છે.

આર્થિક અસમાનતા અને દૈનિક જીવન પર પ્રહાર

ઇમેજ સ્રોત, Getty Images
આ લક્ષ્ય હેઠળ સમૃદ્ધ લોકો દ્વારા કરવામાં આવતી કરચોરીને નિશાન બનાવવાનું વધારે તર્કસભર છે.
એવી જ રીતે ખાનગી શિક્ષણ કંપનીઓ પર પ્રતિબંધ મૂકીને શિક્ષણ સૌ માટે ન્યાયસંગત બનાવવાનું પણ તર્કસભર છે.
દેશની મોટી ટેક કંપનીઓ સામે લેવામાં આવી રહેલાં પગલાંને પણ આ યોજનાનો એક ભાગ ગણી શકાય.
શી જિનપિંગને કમ્યુનિસ્ટ પ્રોજેક્ટના પ્રસ્તુત આઈડિયામાં ખરેખર ભરોસો છે? ખાતરીપૂર્વક તો ન કહી શકાય, પરંતુ કેટલાક નિરિક્ષકોના મતાનુસાર, તેમને ભરોસો હોય એવું લાગે તો છે.
હાલની તુલનાએ ભૂતકાળમાં પક્ષના ઘણા અધિકારીઓને એવું લાગતું ન હતું.
વાત એમ છે કે સામ્યવાદી માર્ગે સંપત્તિની પુનઃવહેંચણીની સાથે શી જિનપિંગ પક્ષને દૈનિક જીવન સાથે સર્વગ્રાહી રીતે ફરી સાંકળવા ઇચ્છતા હોય એવું પણ લાગે છે, કારણ કે લક્ષ્યપ્રાપ્તિનો તે એકમાત્ર વાસ્તવિક માર્ગ છે.
બાળકો આળસુ થઈ ગયાં છે અને તેમનો સમય વીડિયો ગેમ રમવામાં બરબાદ કરી રહ્યાં છે? પક્ષે તેનો ઉપાય કર્યો છે અને ગેમિંગ માટે મહત્તમ ત્રણ કલાકની મર્યાદા નક્કી કરી છે.
મૂર્ખતાભરી વ્યક્તિપૂજાના પાઠ પ્રસારિત કરતા ટેલિવિઝને તરુણ વયનાં બાળકોના દિમાગને દૂષિત કરી નાખ્યાં છે? પક્ષે તે સમસ્યાના નિરાકરણ માટે "સ્ત્રૈણ દેખાતા" છોકરાઓને ટીવી કાર્યક્રમોમાં દેખાડવા પર પ્રતિબંધ મૂક્યો છે.
વસતિવધારાના ટાઇમ બૉમ્બને ફાટતો અટકાવવા માટે પક્ષે તમામ નાગરિકો માટે મહત્તમ ત્રણ બાળકોની નીતિના અમલનું સુચન કર્યું છે.
ફૂટબોલ, સિનેમા, મ્યુઝિક, ફિલોસોફી, બાળકો, ભાષા કે પછી વિજ્ઞાન, પક્ષે તમામ ક્ષેત્રની સમસ્યા માટે નિરાકરણ શોધ્યાં છે.

પિતાથી વિરુદ્ધ વિચારધારા

ઇમેજ સ્રોત, Getty Images
શી જિનપિંગ આજે જે કક્ષાએ પહોંચ્યા છે એ કક્ષાના નેતા તેઓ કઈ રીતે બન્યા તે સમજવા માટે તેમના ભૂતકાળ પર નજર કરવી પડે.
તેમના પિતા શી ઝોંગક્સુન સામ્યવાદી પક્ષના યુદ્ધ નાયક હતા. તેઓ ઉદારમતવાદી હતા અને માઓના શાસનકાળમાં તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા.
એ સમયે શીનાં માતાએ મજબૂરીથી શીના પિતાની ટીકા કરવી પડી હતી.
1978માં તેમના પિતાના સત્તાવાર પુનર્વસન બાદ તેમણે ગ્વાંગડોંગ પ્રાંતમાં આર્થિક ઉદારીકરણ પર ભાર મૂક્યો હતો અને ચીનના અગ્રણી પ્રગતિશીલ નેતાઓ પૈકીના એક હુ યાઓબંગનો બચાવ કર્યો હતો.
સામ્યવાદી પક્ષના કેટલાક અતિઉત્સાહી લોકો દ્વારા શીના પિતાની સતામણીને ધ્યાનમાં લેતાં, તેમના પિતાના સુધારા તરફી ઝુકાવને ધ્યાનમાં લેતાં ઘણા લોકો સવાલ કરી રહ્યા છે કે શી હવે પક્ષને એ દિશામાં શા માટે લઈ જઈ રહ્યા છે, જે દિશા તેમના પિતાની વિચારધારાથી વિપરીત લાગે છે?
આ સવાલના ઘણા સંભવિત જવાબો છે.
ચોક્કસ રાજકીય બાબતોમાં તેઓ તેમના પિતાના વિચારો સાથે સહમત નથી.
કદાચ એવું પણ હોય કે ચીનના આ નેતા એક એવી યોજનાને આગળ ધપાવવા ઇચ્છતા હોય કે જે તેમના પિતાના અગ્રતાક્રમથી અલગ હોય, પરંતુ તેનો અંત માઓના શાસનકાળની નીતિઓની નજીક થવાનો ન હોય. કમસેકમ હેતુપૂર્વક તો નહીં જ.
જોકે, અત્યારે તો એ બહુ નોંધપાત્ર જણાય છે.
પિતાને જેલમાં મોકલવામાં આવ્યા ત્યારે શી જિનપિંગ 15 વર્ષના હતા. તેમણે વર્ષો સુધી ખેતરોમાં કામ કરવું પડ્યું હતું અને ગુફા જેવા ઘરમાં રહેવું પડ્યું હતું.
ઉથલપાથલભર્યા એ સમયે તેમને કઠોર બનાવ્યા છે. એ સમયની અનુભૂતિ, ખાસ કરીને ઘૃણાના રાજકારણમાં પણ પરિવર્તિત થઈ શકી હોત.

નવા નિયમો અને દિશાનિર્દેશ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ચીન પર નજર રાખતા કેટલાક નિરિક્ષકોની ધારણા મુજબ, ચીન 1960 અને 1970ના દાયકાની અંધાધૂંધી ભણી પાછું નહીં ફરે તેની ગૅરંટી એક મજબૂત નેતા જ આપી શકે એવું શી જિનપિંગ માનતા હશે.
એ પણ યાદ રાખજો કે હવે નિયમો બદલાઈ ગયા છે. તેથી તેઓ ઇચ્છે ત્યાં સુધી સત્તા પર રહી શકે છે.
આ અનુમાનોનું એક કારણ એ પણ છે કે પોતાના નિર્ણયોના સંદર્ભમાં શું ચાલી રહ્યું છે તેની સ્પષ્ટતા શી જિનપિંગ ક્યારેય કરવાના નથી. ચીનના નેતાઓ તો પક્ષ અંકુશિત મીડિયાને પણ ઇન્ટર્વ્યૂ આપતા નથી.
શી જિનપિંગ ટેલિવિઝન પર ચમકવાના હેતુસર ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લે છે. પૂર્વનિર્ધારિત યોજના મુજબ સ્થાનિક લોકો તેમનું ઉમળકાભેર સ્વાગત કરે છે અને મકાઈની ખેતી કે તેમના કામની અન્ય બાબતો વિશેની વાતો સાંભળે છે. પછી શી પાછા ફરે છે.
આ સંજોગોમાં ચીનમાં આર્થિક પ્રવૃત્તિ વિશેના નવા નિયમો, નિયંત્રણો કે ગાઈડલાઇન શું હશે તેની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે.
તાજેતરમાં ભાગ્યે જ કોઈ એવું સપ્તાહ ગયું છે, જેમાં ચીનની એક કે બીજી વ્યવસ્થા સંબંધી નિયમોમાં મોટો ફેરફાર કરવામાં ન આવ્યો હોય.
તેની સાથે તાલમેલ જાળવી રાખવાનું ખરેખર મુશ્કેલ છે. એ પૈકીના કેટલાક ફેરફારો તો તદ્દન અણધાર્યા હતા.
અહીં ઉત્પાદનને વિવિધ સ્તરે નિયંત્રિત કરતા દેશમાં જન્મજાત સમસ્યા છે એવું પણ નથી. સૌથી વધુ કાર્યક્ષમ શું છે તેની ચર્ચા કરવાનું કામ અર્થશાસ્ત્રીઓનું છે. ખરી સમસ્યા અનિશ્ચિતતાની છે.
એક મહિના પછી નિયમો કેવા હશે તેની ખબર જ ન હોય તો કોઈ કંપની કે વ્યક્તિ રોકાણ વિશેનો નિર્ણય કેવી લઈ શકે?
અહીં એવા લોકો પણ છે કે જેઓ આ સમગ્ર પ્રક્રિયાને દેશના વિકાસનો સ્વાભાવિક હિસ્સો ગણે છે. અત્યાર સુધી અનિયંત્રિત રહેલા ક્ષેત્રોને નિયંત્રિત કરવાની જરૂર છે.
ખરેખર આવું જ હોય તો આંચકાઓ સાથેના પરિવર્તનનો સમયગાળો મર્યાદિત હોવો જોઈએ, જેમાં નવા નિયમો સ્પષ્ટ થવાની સાથે આખરે પાણી સ્થિર થશે.
હકીકત એ છે કે આ પગલાંની લંબાઈ અને પહોળાઈ કેટલી હશે તે હજુ સુધી સ્પષ્ટ નથી.
એક વાત નક્કી છે કે દરેક પરિવર્તનને "સહિયારી સમૃદ્ધિ"ના શી જિનપિંગના ચશ્માંથી જ જોવું પડશે.
તે પણ એવા સમયે કે જ્યારે આ ઝૂંબેશના અમલમાં પક્ષ જરાય ઢીલું છોડવાનો નથી. ચીનમાં એવું હોય છે કે કાં તો તમે ટ્રકમાં સવારી કરો અથવા ટ્રક તમારા પર સવારી કરે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












