ટી20 વર્લ્ડકપ : સંજુ સેમસનના શાનદાર 89 રન, ઇંગ્લૅન્ડને જીત માટે 254 રનનો ટાર્ગેટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ, ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત તરફથી સંજુ સેમસને 42 બૉલમાં 89 રન કર્યા છે
વાંચવાનો સમય: 4 મિનિટ

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી આઇસીસી ટી20 વર્લ્ડકપની સેમિફાઇનલ મૅચમાં ભારતીય ટીમે જબરદસ્ત બૅટિંગ કરીને કરતાં 20 ઓવરમાં સાત વિકેટના નુકસાને 253 રનનો મોટો સ્કોર ખડકી દીધો છે.

ભારતીય ઓપનર સંજુ સેમસન સહિત ઈશાન કિશન, શિવમ દુબે અને હાર્દિક પંડ્યાની ધમાકેદાર ઇનિંગને બળે ભારતીય ટીમ સરળતાથી મોટો સ્કોર નોંધાવવામાં સફળ રહી.

ઇંગ્લૅન્ડની ટીમે જીત માટે 254 રનનો લગભગ અશક્ય લાગતો ટાર્ગેટ ચેઝ કરી બતાવવો પડશે.

નોંધનીય છે કે બીજી સેમિફાઇનલ મૅચમાં ઇંગ્લૅન્ડની ટીમે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ મૅચમાં ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નહોતો કરાયો. જોકે, ઇંગ્લૅન્ડની ટીમે આ મૅચમાં એક બદલાવ કર્યો હતો.

ન્યૂઝીલૅન્ડની ટીમ દક્ષિણ આફ્રિકાની ટીમને બુધવારે રમાયેલી મૅચમાં સરળતાથી હરાવી પહેલાંથી ફાઇનલમાં પહોંચી ચૂકી છે.

ભારત અને ઇંગ્લૅન્ડ પૈકી જે ટીમ આજની મૅચમાં જીતશે, એ 8 માર્ચના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલૅન્ડ સામે ફાઇનલ મૅચમાં ટકરાશે.

ભારતની ઇનિંગ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ, ક્રિકેટ

ઇમેજ સ્રોત, Punit PARANJPE / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, તિલક વર્માએ જોફ્રા આર્ચરની એક જ ઓવરમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા

સંજુ સેમસનની ફટકાબાજીએ ભારતને ઇંગ્લૅન્ડની ટીમ સામે સારી શરૂઆત અપાવી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, અન્ય ઓપનર અભિષેક શર્માનું ખરાબ ફૉર્મ આ મૅચમાં પણ ચાલુ રહ્યું હતું. તેઓ સાત બૉલમાં નવ રનના વ્યક્તિગત સ્કોરે વિલ જેક્સના બૉલ પર ફિલ સૉલ્ટને કૅચ દઈ બેઠા હતા.

પ્રારંભિક ફટકા છતાં સંજુ સેમસનની આક્રમક ઇનિંગે ઇંગ્લૅન્ડના બૉલરો પરનું દબાણ હઠવા ન દીધું.

સામે છેડે ઈશાન કિશન પણ જબરદસ્ત બૅટિંગ વડે તેમનો સાથ આપી રહ્યા હતા.

બંને ખેલાડીઓ ચોગ્ગા-છગ્ગાનો જાણે વરસાદ કરી દીધો હતો.

જોકે, દસમી ઓવરમાં આ જોડી તૂટી હતી અને ઈશાન કિશન મોટો શૉટ મારવાની કોશિશમાં આઉટ થઈ ગયા હતા.

બીજી તરફ સંજુ સેમસને ફટકાબાજી ચાલુ રાખી અને માત્ર 42 બૉલમાં 89 રનનો સ્કોર કરીને ટીમના સ્કોરને માત્ર 13 ઓવરમાં જ 160 પર પહોંચાડી દીધો હતો.

શરૂઆતથી જ આક્રમક જણાઈ રહેલા સંજુ સેમસન આ મૅચમાં નસીબના બળિયા સાબિત થયા હતા.

પ્રથમ ઓવરમાં ચોગ્ગા-છગ્ગાથી શરૂઆત કર્યા બાદ જોફ્રા આર્ચરની બીજી ઓવરમાં તેઓ મોટો શૉટ ફટકારવા ગયા અને બૉલ સીધો ઇંગ્લૅન્ડના કપ્તાન બ્રૂક પાસે ગયો, પરંતુ તેઓ સરળ જણાતો આ કૅચ ન ઝડપી શક્યા અને સેમસનને જીવનદાન મળ્યું, જેનો તેમણે આ મૅચમાં ભરપૂર ફાયદો ઉઠાવ્યો હોય એવું લાગ્યું.

જોકે, તેઓ 14મી ઓવરના પ્રથમ બૉલ પર મોટો શૉટ ફટકારવા જતા કૅચઆઉટ થઈ ગયા.

સંજુ સેમસનના આઉટ થયા બાદ ક્રીઝ પર આવેલા કપ્તાન સૂર્યકુમાર યાદવ પણ ઝાઝી કમાલ નહોતા કરી શક્યા. તેઓ આદિલ રશીદના બૉલ પર આઉટ થઈ ગયા હતા. વિકેટકીપર જોસ બટલરે તેમને સ્ટમ્પ આઉટ કર્યા હતા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ, ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, છેલ્લી ઓવરોમાં હાર્દિક પંડ્યાએ આક્રમક બૅટિંગનું પ્રદર્શન કર્યું અને માત્ર 12 બૉલમાં 27 બનાવી દીધા

ક્રીઝ પર નવા આવેલા હાર્દિક પંડ્યાએ આક્રમક શૉટ્સ ફટકાર્યા, જોકે, ઝડપથી રન બનાવવાના પ્રયાસમાં એક છેડે ટકેલા રહેલા શિવમ દુબે રનઆઉટ થઈ ગયા. તેમણે 25 બૉલમાં 43 રન બનાવ્યા.

સામે છેડેથી તિલક વર્માએ તો 19મી ઓવર ઇંગ્લૅન્ડ લીડ બૉલર જોફ્રા આર્ચરની ઓવરમાં એવી તો ફટકાબાજી કરી કે એક જ ઓવરમાં ત્રણ છગ્ગા ફટકારી દીધા. જોકે, બાદમાં તેઓ જોફ્રા આર્ચરના બૉલ પર જ સાત બૉલમાં 21 રન બનાવીને આઉટ થઈ ગયા.

છેલ્લી ઓવરોમાં હાર્દિક પંડ્યાએ આક્રમક બૅટિંગનું પ્રદર્શન કર્યું અને ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી માત્ર 12 બૉલમાં 27 બનાવી દીધા. જોકે, બે રન લેવા જતા અંતિમ ઓવરમાં તેઓ રનઆઉટ થઈ ગયા.

આમ, બૅટ્સમૅનોના પ્રદર્શનના બળે ભારતીય ટીમ 20 ઓવરમાં 253 રનનો પહાડસમો સ્કોર બનાવવામાં સફળ રહી.

ઇંગ્લૅન્ડના બૉલિંગ પ્રદર્શનની વાત કરીએ તો તેના લગભગ તમામ બૉલર ખર્ચાળ સાબિત થયા હતા.

જોફ્રા આર્ચરને એક અને વિલ જેક્સ તેમજ આદિલ રશીદને બબ્બે સફળતા મળી હતી.

ભારત અને ઇંગ્લૅન્ડની પ્લેઇંગ 11

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, ટી20 વર્લ્ડકપ, ક્રિકેટ

ઇમેજ સ્રોત, Getty Images

ભારત : સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર, યાદવ (કપ્તાન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપસિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી

ઇંગ્લૅન્ડ : ફિલ સૉલ્ટ, જૉસ બટલર, હેરી બ્રૂક (કપ્તાન), જૅકબ બેથેલ, ટૉમ બેટન, સૅમ કરન, વિલ જેક્સ, જેમી ઓવર્ટન, લિયમ ડૉસન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ

આઇસીસી ટી20 વર્લ્ડકપની ફાઇનલ મૅચ 8 માર્ચના રોજ અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

ભારત-ઇંગ્લૅન્ડનું પ્રદર્શન

અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં ભારતની સફરની વાત કરીએ તો ટીમ ગ્રૂપ સ્ટેજની ચારેય મૅચમાં જીત મેળવીને અજય રહી હતી. જોકે, સુપર- 8ની પ્રથમ મૅચમાં તેની દક્ષિણ આફ્રિકાની ટીમ સામે કારમી હાર થઈ હતી.

ભારત આ મૅચ 76 રનથી હાર્યું હતું. એ બાદ સેમિફાઇનલમાં પહોંચવા માટે ટીમ સામે કપરાં ચઢાણ હતાં. જોકે, પહેલાં ઝિમ્બાબ્વે અને બાદમાં વેસ્ટ ઇન્ડીઝ સામે જબરદસ્ત જીત મેળવીને ટીમે આખરે સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.

ઇંગ્લૅન્ડની આ ટુર્નામેન્ટમાં સફર વિશે વાત કરીએ તો ગ્રૂપ સ્ટેજમાં ઇંગ્લૅન્ડની ટીમ ચારમાંથી ત્રણ મૅચ જીતવામાં સફળ રહી હતી, જોકે, વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ સિવાય સુપર-8ની ત્રણેય મૅચમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ તેની તમામ મૅચો જીતવામાં સફળ રહેતા સેમિફાઇનલમાં પહોંચી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન