'થલપતિ' વિજય : ફિલ્મોની સ્ક્રિનથી લઈને તામિલ રાજકારણમાં પણ લોકોનાં દિલ જીતનારા 'હીરો'ની કહાણી

ઇમેજ સ્રોત, TVK
- લેેખક, સુધા જી. તિલક
- વાંચવાનો સમય: 6 મિનિટ
દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર જૉસેફ વિજયે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં સૌને ચોંકાવી દીધા છે. શરૂઆતી પરિણામોમાં વિજયની પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે.
દક્ષિણ ભારતના રાજ્ય તામિલનાડુમાં એક લાંબી, અનોખી રાજકીય પરંપરા ચાલી આવી છે. અહીં સિનેમા કેવળ મનોરંજન નથી પીરસતું, તે શાસન પણ કરે છે.
એમજીઆર તરીકે પ્રસિદ્ધ એમજી રામચંદ્રન તથા જયલલિતાની સફળ કારકિર્દીથી લઈને રજનીકાંત, કમલ હાસન, ખૂશ્બુ અને વિજયકાંતના મિશ્ર પ્રયોગો સુધી તામિલનાડુ વારંવાર લોકપ્રિય ફિલ્મ સ્ટાર્સને ફુલ-ટાઇમ રાજકારણી બનતાં જોતું આવ્યું છે. તેમાં એમજીઆર અને જયલલિતા તો મુખ્ય મંત્રી પણ બની ચૂક્યાં છે.
હવે "થલપતિ વિજય" (સેનાપતિ વિજય)ના હુલામણા નામે જાણીતા તામિલ સુપરસ્ટાર સી. જૉસેફ વિજયનું નામ પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે.
તેમણે 2024માં તેમના રાજકીય પક્ષ તામિલગા વેટ્રી કઝગમ (ટીવીકે)ની સ્થાપના કરી હતી અને તે પછી ટૂંક સમયમાં જ જાહેરાત કરી હતી કે, તેઓ હવે ફિલ્મોમાંથી નિવૃત્તિ લઈને પૂર્ણકાલીન રાજકારણ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે.
તેમણે કહ્યું હતું કે, ગત જાન્યુઆરીમાં આવેલી તેમની ફિલ્મ "જન નાયગન" તેમની છેલ્લી ફિલ્મ રહેશે.
વિજયનું કારણ સ્પષ્ટ હતું. તેમણે દલીલ કરી હતી કે રાજકારણ એવી બાબત નથી, જેમાં કોઈ માત્ર શોખ ખાતર આવી શકે. તેમના મતે, તામિલનાડુના મતદારોને પૂર્ણ કટિબદ્ધતાથી કશું ઓછું સ્વીકાર્ય નથી. સાથે રાજ્યનો રાજકીય ઈતિહાસ પણ તે સમીકરણોનું સમર્થન કરે છે.
એમજીઆર અને જયલલિતાએ પણ સત્તા મેળવ્યાં પહેલાં સક્રિય સ્ટારડમને અલવિદા કહી દીધી હતી, પરંતુ કમલ હાસને હાઇબ્રિડ અભિગમ અપનાવ્યો અને તેઓ સિનેમા તથા રાજકારણ, બંનેમાં સક્રિય રહ્યા, જેનાં તેમને મર્યાદિત પરિણામો મળ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિજયકાંતનો પક્ષ ઝડપથી ઊભરી આવ્યો છે, પણ સંગઠનાત્મક રીતે શરૂઆતમાં નિષ્ફળ નીવડ્યો હતો. તામિલ રાજકારણ અધૂરા ઉપાયો માટે સફળતાને કોઈ સ્થાન નથી.
આ જ કઠોર પૃષ્ઠભૂમિ વચ્ચે "જન નાયગન"નામની વિજયની ફિલ્મ આવી હતી.
રાજકીય પ્રતીકો અને વક્તૃત્વથી તરબોળ વિજયની છેલ્લી ફિલ્મ જાન્યુઆરી મહિને ભારત તથા વિદેશોનાં આશરે 5,000 સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 51 વર્ષની વયે વિજય એવી કારકિર્દીને અલવિદા કીધી હતી, જે છોડતાં મોટા ભાગના કલાકારો ખચકાય છે.
વિજયની ગણના ભારતીય સિનેમાના અત્યંત સફળ સ્ટાર્સમાં થાય છે, જેમની ફિલ્મો સેટેલાઇટ રાઇટ્સ અને સંગીતથી માંડીને અન્ય ઉત્પાદનો મારફત વૈશ્વિક તામિલ સમુદાયમાં મોટી આવક રળી આપે છે.
ચેન્નાઈના ફિલ્મ સમીક્ષક આદિત્ય શ્રીકૃષ્ણે નોંધ્યું હતું કે, વિજયની લોકપ્રિયતા એકલી અભિનયની ક્ષમતા પર આધારિત નથી.
તેઓ ઉમેરે છે, "તેમની ફિલ્મોગ્રાફીની દૃષ્ટિએ, તેઓ કમલ હાસન કે રજનીકાંત નથી, પણ બૉક્સ ઑફિસ અને પોતાના પ્રશંસકો પરની તેમની પકડ ગજબ અને પ્રભાવશાળી છે તેમાં કોઈ બેમત નથી. નૃત્ય, કૉમેડી તથા લોકપ્રિય સિનેમાની ઊંડી સૂઝ તેમની શક્તિ છે."
જોકે, વિજયનું સ્ટારડમ કદી આકસ્મિક નથી રહ્યું, એમ ફિલ્મ જગતના જાણકાર પ્રીતમ કે. ચક્રવર્તીએ જણાવ્યું હતું.
તેઓ કહે છે, "તેમનું બીજ તેમના પિતા દ્વારા રોપવામાં આવ્યું હતું, જેઓ સામ્યવાદી વિચારધારા ધરાવતા હતા અને રાજકારણમાં જોડાવા માટે ઉત્સુક હતા."

ઇમેજ સ્રોત, x
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિજયે 1980ના દાયકામાં બાળકલાકાર તરીકે શરૂઆત કરી હતી અને 1992માં તેમનાં માતાપિતા તથા ફિલ્મસર્જક એસએ ચંદ્રશેખર અને ગાયિકા-લેખિકા શોભા ચંદ્રશેખરે ફિલ્મ 'નાલૈયા થીરપુ'માં તેમને લીડ હીરો તરીકે લૉન્ચ કર્યા હતા. ફિલ્મ ફ્લૉપ રહી, પણ વિજયની કારકિર્દી ચાલી નીકળી.
તે પછીના આગામી ત્રણ દસકા કરતાં વધુ સમયમાં તેમણે આશરે 70 ફિલ્મો કરી અને સુવ્યવસ્થિત રીતે પોતાની સફળતાનો માર્ગ કંડાર્યો.
1990ના દાયકાના અંતમાં રોમૅન્ટિક હીરોની ભૂમિકા ભજવવાથી માંડીને 2000ના દાયકામાં ઍન્ગ્રી યંગમૅન તરીકેની ભૂમિકાઓ ભજવી અને 2012 પછીની ફિલ્મોમાં તારણહાર અને ન્યાય અપાવનાર તરીકેની છબિ કાળજીપૂર્વક ઉપસાવી.
શ્રીકૃષ્ણ નોંધે છે કે, વિજયના શરૂઆતની ભૂમિકા મોટા ભાગે પુરુષવાદી રૂઢિઓ પર આધારિત હતી, પણ પછીથી તેમણે ધ્યાનપૂર્વક "તેમની ઇમેજ સુધારી". ત્યાર બાદ તેમણે તેમની ફિલ્મોમાં સામાજિક ન્યાય ખાતર લડતા રક્ષકની ઇમેજ રજૂ કરવા માંડી.
"કથ્થી"માં તેમણે ખેડૂતોની હતાશા વિશે વાત કરી, તો "મેર્સલ"માં આરોગ્ય ક્ષેત્રે પ્રવર્તતા ભ્રષ્ટાચારને ઉઘાડો પાડ્યો, "બિગિલ"માં રમત-ગમત ક્ષેત્રે મહિલાઓનાં સ્થાનનું સમર્થન કર્યું, તો "સરકાર"માં ચૂંટણીમાં થતી ગેરરીતિઓ પર પ્રકાશ પાડ્યો.
ચક્રવર્તી કહે છે, "હવે આ એક અલગ જ વિજય છે. ભ્રષ્ટાચારથી મુક્ત, સંયમિત, નૈતિક રીતે સાચા માણસ તરીકેની તેમની પડદા ઉપરની ઇમેજ દ્રવિડિયન રાજકારણની સંકલ્પનાનું પ્રતિબિંબ પાડે છે. આ એક એવી સિનેમેટિક શૈલી છે, જેનાથી તામિલ દર્શકો સહજપણે વાકેફ છે."
વિજયે તેમનો પક્ષ સ્થાપ્યો, તેના ઘણા સમય પહેલાં તેમની ફિલ્મોએ સૈદ્ધાંતિક આધાર તૈયાર કરી દીધો હતો. ઑડિયો લૉન્ચિંગ એક રીતે સૌમ્ય રાજકીય સંબોધનનું કામ કરતું હતું. ફૅન ક્લબ ધીમે-ધીમે ગ્રાસરૂટ નેટવર્ક્સમાં પરિવર્તિત થઈ ગઈ.
વિજયનું ફૅન ફૉલોઇંગ પ્રચંડ અને કોઈ ધાર્મિક વિધિ સમાન છે, જેમાં ફિલ્મની રિલીઝના પ્રથમ દિવસે ઉજવણી સાથેનું સ્ક્રીનિંગ, મધરાતે અને મળસ્કે ચાર વાગ્યે શો, વિશાળ કદનાં કટ-આઉટ્સ પર દૂધનો અભિષેક, માળા પહેરાવવી, ઢોલ-નગારા અને સીટીઓ સાથે ઉન્માદનો માહોલ જોવા મળે છે.
શ્રીકૃષ્ણ કહે છે, "વિજય ફિલ્મની રિલીઝને જનસમૂહના કાર્યક્રમમાં ફેરવી દેવાની ક્ષમતા ધરાવે છે. કદાચ આ સ્તરના તેઓ છેલ્લા મેગા સ્ટાર છે."

ઇમેજ સ્રોત, Reuters
એમાં કોઈ નવાઈ નથી કે, "જન નાયગન" ફિલ્મ કોઈ પણ સંકોચ વિના તે સ્ટારડમ તરફ ઝૂકે છે.
સીજીઆઇથી સજ્જ ઍક્શન, રોમાંચક ફાઇટ સિક્વન્સ અને "હું લૂંટફાટ કરવા નહીં, પણ સેવા કરવા માટે રાજકારણમાં પ્રવેશ્યો છું," જેવા સંવાદો સાથે આ ફિલ્મ કલ્પના અને વાસ્તવિક હેતુ વચ્ચેની ભેદરેખા ભૂંસી નાંખે છે.
તે વિજયની સભાઓનાં ભાષણોનો પડઘો પાડે છે, જ્યાં તેમણે શાસક ડીએમકે પર પ્રહાર કર્યો હતો, મુખ્ય મંત્રી એમકે સ્ટાલિનને "અંકલ" કહીને તેમની મજાક ઉડાવી છે અને સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા તેમના ભારતીય જનતા પક્ષ (ભાજપ) સામે પોતાનું મજબૂત સ્થાન સ્થાપિત કર્યું હતું.
ચક્રવર્તીએ જણાવ્યું હતું, "રાજ્યમાં 50 વર્ષ કરતાં વધુ સમયથી શાસન કરી રહેલા દ્રવિડિયન પક્ષોથી કંટાળેલા ઘણા યુવાનો વિજય તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે, કારણ કે વિજય એક વિકલ્પ તરીકે ઊભરી રહ્યા છે."
હાલ યોજાયેલી ચૂંટણીમાં કુલ મતદાતાઓમાંથી પાંચમા ભાગના યુવા મતદારો છે.
રાજકીય વિશ્લેષક સુમંત સી. રમણે કહ્યું હતું કે, યુવા મતદારોમાં વિજયનો ચાહકવર્ગ ઘણો મોટો છે, અને તેમાંથી મોટા ભાગના લોકો તામિલનાડુમાં લાંબા સમયથી સત્તા ભોગવતા આવેલા પ્રાદેશિક ઓળખ અને સામાજિક ન્યાયના રાજકારણ પર આધારિત દ્રવિડિયન પક્ષોથી નિરાશ છે.
તેઓ કહે છે, "વિજયની જાહેર સભાઓ વિરાટ જનમેદનીને ખેંચી લાવતા."
સપ્ટેમ્બર, 2025માં કરૂર ખાતે યોજાયેલી ટીવીકેની એક જાહેર સભામાં ભારે નાસભાગ થતાં 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેને પગલે વિજયના પક્ષની સંગઠનાત્મક સજ્જતા તથા વિજયના નેતૃત્વે આકરી ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
ભીડ ઊમટી પડતાં વિજયે તેમનું ભાષણ અટકાવવું પડ્યું હતું.
પીડિતોની તાકીદે મુલાકાત ન લેવા બદલ વિજયના માથે માછલાં ધોવાયાં હતાં. જોકે, પછીથી વિજયે આ કરૂણાંતિકાને "આઘાતજનક" ગણાવી હતી અને નાણાંકીય સહાયની જાહેરાત કરી હતી.
ચક્રવર્તીએ ચેતવણી ઉચ્ચારી હતી, "કટોકટીની સ્થિતિમાં ઘટનાસ્થળેથી નાસી જવું એ જોખમનો સંકેત છે."
જોકે, એક મહિના પછી વિજય પીડિતોના પરિવારજનોને મળ્યા હતા અને સહાયની ખાતરી આપી હતી.

ઇમેજ સ્રોત, Ponni Gnanam
અત્યાર સુધી વિજયનું પ્લૅટફૉર્મ વ્યાપક વિષયો ઉપર ટકેલું છે - ભ્રષ્ટાચારનો વિરોધ, સામાજિક ન્યાય, તામિલ ગૌરવ અને તેઓ જેને કેન્દ્ર સરકારનું સરમુખત્યાર શાસન ગણાવે છે, તેનો વિરોધ.
રમણ આ પ્લૅટફૉર્મને વ્યાપક, પણ છીછરું ગણાવે છે. "મોટાં-મોટાં વિધાનો કરવાં અને સ્વયંને રાજ્યના ભાવિ મુખ્ય મંત્રી તરીકે રજૂ કરવાથી આગળ વધીને વિજયે કોઈ ભરોસાપાત્ર કાર્યક્રમ કે સચોટ ચૂંટણીઢંઢેરો રજૂ કર્યો નહોતો."
ડીએમકેએ ચૂંટણી દરમિયાન વિજયનો જોરદાર વિરોધ કર્યો હતો.
ડીએમકેના પ્રવક્તા મનુરાજ શનમુગસુંદરમે કહ્યું હતું કે, "જ્યાં સુધી ફિલ્મ સ્ટાર્સ રાજ્યનું સુકાન સંભાળવાની ખેવના રાખતા હોવાની વાત છે, તો તામિલનાડુ ઘણા વિજય જોઈ ચૂક્યું છે."
તેમણે ઉમેર્યું હતું કે, "રાજ્ય કે રાષ્ટ્રીય સામાજિક-આર્થિક પ્રશ્નો પરની સ્પષ્ટ નીતિનો અભાવ વર્તાય છે."
કેટલાક વિશ્લેષકોએ એમ પણ નોંધ્યું હતું કે, પક્ષમાં વિશ્વસનીય દ્વિતીય પંક્તિના નેતૃત્વનો અભાવ છે અને ગઠબંધનના પ્રશ્નો વણઉકલ્યા છે.
ટીવીકેના જણાવ્યા પ્રમાણે, ભાજપ તેમનો વૈચારિક વિરોધી છે અને ડીએમકેને તેમણે તેમનો રાજકીય શત્રુ ગણાવ્યો હતો. તેમણે કૉંગ્રેસ પક્ષ સાથે તેની નિકટતાનો સંકેત આપ્યો હતો - જોકે, તેનાથી તેની વોટબૅન્ક મજબૂત બની છે, પરંતુ તે હવે સત્તા માટે કોની સાથે જશે તે હજુ સ્પષ્ટ નથી.

ઇમેજ સ્રોત, G Venket Ram
રમણ જણાવે છે, "જો વિજય સત્તારૂઢ ડીએમકેનો સામનો કરવા માટે રાજ્યના મુખ્ય વિરોધ પક્ષ એઆઇએડીએમકે સાથે જોડાવાનું પસંદ કરે, તો તેનાથી કેટલાંક ચૂંટણીલક્ષી ગણિતો બગડી શકે છે."
અભિનેતા પડદા પર અને રાજકારણમાં સ્વયંને નૈતિક સુધારક તરીકે રજૂ કરે છે, જે વાદ-વિવાદને બદલે ભાવનાત્મક અને લગભગ ભક્તિપૂર્ણ નિષ્ઠાને આકર્ષિત કરે છે. "જન નાયગન" જ્યારે થિયેટરોમાં પહોંચી, ત્યારે દર્શકો ઉત્સાહભેર તેને વધાવી લીધી હતી.
પરંતુ, બૉક્સ-ઑફિસ ઉપર વિજયનો દબદબો તામિલનાડુના ચૂંટણી જંગમાં વર્તાય છે ત્યારે તેમના ભવિષ્યની રણનીતિ પર સૌનું ધ્યાન ખેંચાયું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























