પશ્ચિમ બંગાળમાં મમતાનું શાસન શું પૂરું થવાની અણિ પર છે, વલણોમાં ભાજપ આગળ

ઇમેજ સ્રોત, Samir Jana/Hindustan Times via Getty Images
ગયા મહિને ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીનાં વલણોમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)થી ખૂબ આગળ નીકળીને 199 બેઠકો પર આગળ છે.
સોમવારે સાંજના છ વાગ્યાની સ્થિતિ પ્રમાણે તૃણમૂલ કૉંગ્રેસ માત્ર 88 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે.
પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં ઠેરઠેર ભાજપના કાર્યકરોએ જીતની ઉજવણી શરૂ કરી દીધી છે. જોકે, બીજી તરફ, તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે.
પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું. મોટા ભાગના લોકોની નજર પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર છે, કારણ કે રાજ્યમાં ઘણા ઍક્ઝિટ પોલમાં શાસક તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે સ્પર્ધાની આગાહી કરવામાં આવી હતી. જોકે, પરિણામોનાં વલણોમાં ભાજપ ટીએમસીથી ઘણો આગળ દેખાઈ રહ્યો છે.
આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું. તામિલનાડુમાં પણ 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું. તામિલનાડુમાં પણ મોટો ઊલટફેર થાય તેવી શક્યતા છે.
હાલનાં વલણો પ્રમાણે 'થલાપતિ' વિજયની પાર્ટી ટીવીકે બહુમતી તરફ અગ્રેસર છે.
જ્યારે આસામ અને પુડુચેરી માટેના મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં ભાજપની વાપસીની આગાહી કરવામાં આવી હતી, આ અનુમાનો હકીકતમાં પરિણમતાં પણ દેખાઈ રહ્યાં છે. આ બંને પ્રદેશોમાં ભાજપ અને સાથી દળો બહુમતી તરફ અગ્રેસર છે.
જોકે, કેરળમાં કૉંગ્રેસની આગેવાનીવાળું યુડીએફ ગઠબંધન હાલ 101 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, એમ વલણો પ્રમાણે રાજ્યમાં સત્તાપરિવર્તનનાં મજબૂત એંધાણ જોવા મળી રહ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તામિલનાડુનાં પરિણામોમાં મોટા ઊલટફેરનાં એંધાણ

ઇમેજ સ્રોત, getty/ani/x
તામિનલાડુનાં પરિણામોમાં અભિનેતા વિજયે સૌને ચોંકાવ્યા છે.
તામિલનાડુના સાંજના છ વાગ્યાની સુધીની સ્થિતિ મુજબ અભિનેતા વિજયનો પક્ષ સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યો છે અને સત્તાપરિવર્તનનાં મજબૂત એંધાણ દેખાઈ રહ્યાં છે.
ડેટાનેટ અનુસાર, સાંજના છ વાગ્યા સુધી તામિલનાડુમાં અભિનેતા વિજયનો પક્ષ 108 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે.
સત્તાધારી પક્ષ ડીએમકે ગઠબંધન 74 બેઠકો પર તથા એઆઇએડીએમકે ગઠબંધન 52 બેઠકો પર આગળ છે.
તામિલનાડુમાં બહુમતી માટે 118 બેઠકોની જરૂર છે.
ભાજપે મમતાનો ગઢ ભાંગ્યો?

ઇમેજ સ્રોત, getty/ani/x
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપરિણામનાં અત્યાર સુધીનાં વલણો દર્શાવે છે કે શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ ભાજપ કરતાં ઘણો પાછળ ચાલી રહ્યો છે, જ્યારે ભાજપની લીડ 200ના આંકડા તરફ આગળ વધતી જણાઈ રહી છે.
ડેટાનેટ અનુસાર, છ સુધીમાં ટીએમસી 88 બેઠકો પર અને ભાજપ 199 બેઠકો પર આગળ છે.
દરમિયાન, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે 'પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવશે.'
આ વખતની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ પણ મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર)ને કારણે ખૂબ ચર્ચામાં રહી હતી.
પશ્ચિમ બંગાળની મતદારયાદીમાંથી લગભગ 91 લાખ મતદારોનાં નામ દૂર કરવામાં આવ્યાં છે.
શું ભાજપ આસામમાં જીતની હૅટ્રિક તરફ?

ઇમેજ સ્રોત, getty/ani/x
126 બેઠકોવાળી આસામ વિધાનસભામાં વિજયનો આંકડો 64 છે. મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમા ભાજપ માટે સતત ત્રીજી જીતનો દાવો કરી રહ્યા હતા.
સાંજના છ વાગ્યા સુધીનાં વલણોમાં આસામમાં ભાજપને ભારે બહુમતી મળશે તેવું દેખાઈ રહ્યું છે.
આસામમાં ભાજપ ગઠબંધન 100 બેઠકો પર આગળ છે જ્યારે કૉંગ્રેસ ગઠબંધન માત્ર 22 બેઠકો પર આગળ છે.
જોકે, આસામમાં મોટાભાગના ઍક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધન આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.
કેરળમાં ફરી વળ્યો કૉંગ્રેસનો પંજો?

ઇમેજ સ્રોત, getty/ani/x
કેરળમાં દેશની એકમાત્ર ડાબેરી સરકાર સત્તા ગુમાવે તેવાં મજબૂત એંધાણ છે.
સાંજના છ વાગ્યા સુધીની સ્થિતિ અનુસાર ડેટાનેટે આપેલા આંકડાઓમાં ડાબેરી ગઠબંધન માત્ર 36 બેઠકો પર આગળ છે.
કૉંગ્રેસનું યુડીએફ ગઠબંધન 101 બેઠકો પર આગળ છે.
140 બેઠકોવાળી કેરળ વિધાનસભામાં સતત દસ વર્ષથી ડાબેરી સરકાર સત્તામાં છે.
અત્યાર સુધી, કેરળ વિધાનસભાની ચૂંટણીઓમાં મોટા ભાગે દ્વિપક્ષીય સ્પર્ધા જોવા મળી છે.
ઍક્ઝિટ પોલમાં પણ શાસક એલડીએફ અને વિપક્ષ યુડીએફ વચ્ચે તીવ્ર સ્પર્ધા હોવાનું અનુમાન કરાયું હતું.
પુડુચેરીમાં કોની સરકાર બની રહી છે?

ઇમેજ સ્રોત, getty/ani/x
પુડુચેરીમાં ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન પહેલેથી જ સત્તામાં છે.
અહીં સાંજના છ વાગ્યા સુધીની સ્થિતિ પ્રમાણે એનડીએ 17 બેઠકો અને કૉંગ્રેસ છ બેઠકો પર આગળ છે.
પુડુચેરી વિધાનસભાની 30 બેઠકો માટે બહુમતીનો આંકડો 16 છે.
નોંધનીય છે કે મોટાભાગના ઍક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધન માટે લીડનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























