ગુજરાત : એમએસ યુનિવર્સિટીમાં 'મોદીતત્ત્વ' અને 'RSS'નો નવો કોર્સ; શિક્ષણ કે પ્રૉપેગૅન્ડા? શું કહે છે નિષ્ણાતો?

વડોદરા : એમએસ યુનિવર્સિટીમાં હવે ભણાવાશે 'મોદીતત્ત્વ' અને 'RSS'ના પાઠ, આ અભ્યાસક્રમનો કેમ થઈ રહ્યો છે વિરોધ? બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images/Hardik

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 7 મિનિટ

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફૅકલ્ટીના સોશિયોલૉજી વિભાગમાં એક નવો કોર્સ 'સોશિયોલૉજી ઑફ પૅટ્રિઅટિઝમ' શરૂ થયો છે. જે 2026-27ના શૈક્ષણિક વર્ષમાં શરૂ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે 'મોદીતત્ત્વ અને આરએસએસની વિચારધારા' જેવા વિષયો ભણાવવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે.

આ કોર્સમાં 'રાષ્ટ્રવાદ,વ્યક્તિત્વ વિકાસ અને સમાજ વ્યવસ્થા' જેવા વિષયો પણ સામેલ છે. કહેવાય છે કે આ કોર્સ મારફતે વિદ્યાર્થીઓને 'આરએસએસના ઉદ્દેશ અને કાર્યપદ્ધતિ' અંગે તાલીમ અપાશે.

ઉપરાંત 'મોદીતત્ત્વ વિષયમાં મોદી મૉડલ અને નેતૃત્વ' પર ફોકસ રહેશે.

આ નવા કોર્સના સિલેબસને લઈ શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ છે.

નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા એટલે કે એનેસયુઆઈએ આ કોર્સ શરૂ કરવાને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

એનએસયુઆઈનું કહેવું છે કે, "જો ભણાવવું હોય તો સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, ગાંધીના પાઠ ભણાવો. પરંતુ શિક્ષણને સરકારે રાજકીય અખાડો બનાવી દીધો છે. આ રીતે કોર્સ અમલમાં મૂકવો યોગ્ય નથી."

શિક્ષણજગતના નિષ્ણાતોનું પણ માનવું છે કે, કોઈ પણ એક ખાસ પ્રૉપેગૅન્ડા (પ્રચાર) માટે આવું કરવામાં માટે આ પ્રકારે શરૂઆત ન કરવી જોઈએ. શિક્ષા સાથે સંકળાયેલા લોકોનું એમ પણ કહેવું છે કે શિક્ષણ સંપૂર્ણ રીતે આ ઍકડેમિક હોય તે જરૂરી છે.

મોદીતત્ત્વ અને આરએસએસનો અભ્યાસ શા માટે?

એમએસ યુનિવર્સિટી, વડોદરા, મોદી તત્વ, સોશિયોલોજી વિભાગ વડોદરા : એમએસ યુનિવર્સિટીમાં હવે ભણાવાશે 'મોદીતત્ત્વ' અને 'RSS'ના પાઠ, આ અભ્યાસક્રમનો કેમ થઈ રહ્યો છે વિરોધ? બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Hardik

ઇમેજ કૅપ્શન, એમએસ યુનિવર્સિટી

એમ.એસ. યુનિવર્સિટીના 'ફૅકલ્ટી ઑફ આર્ટસના સોશિયોલૉજી ડિપાર્ટમેન્ટ'ના વડા વિરેન્દ્રસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, 2026-27ના શૈક્ષણિક વર્ષમાં આ નવો કોર્સ શરૂ થશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કોર્સ વિશે વધુ વિગતો આપતા વિરેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું કે, "જેમાં સોશિયોલૉજી ઑફ પૅટ્રિઅટિઝમની વાત હશે, સાથે તેમાં મોદીતત્વ અને આરએસએસની વિચારધારા જેવા વિષયનો અભ્યાસ કરાવવામાં આવશે."

વિરેન્દ્રસિંહ ઝાલા જણાવે છે કે આ કોર્સમાં વડોદરાના મહારાજા સયાજીરાવના સામાજિક સુધારાનાં કાર્યો વિશે પણ એક પાઠ ભણાવવામાં આવશે અને સાથે શિવાજી મહારાજના જીવન પર પણ એક પાઠ હશે.

"આ ઉપરાંત આ કોર્સમાં સામાજિક સમરસતા જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આરએસએસની વિચારધારા શું છે અને આ વિચારધારાથી સમાજને કેવી રીતે જોડી શકીએ છીએ, તેના પર આ કોર્સમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે," એમ પણ વિરેન્દ્રસિંહ ઝાલાએ બીબીસીને જણાવ્યું.

બીબીસીએ વિરેન્દ્રસિંહ ઝાલાને પૂછ્યું કે મોદીતત્તત્વ અને આરએસએસની વિચારધારા ધરાવતા આ કોર્સની શા માટે જરૂર પડી?

આ સવાલના જવાબમાં વિરેન્દ્રસિંહ જણાવે છે, "બાબાસાહેબ આંબેડકર અને સરદાર પટેલ વિશે આપણે વર્ષો પછી અભ્યાસ કરી રહ્યા છે. હવે આવનારી પેઢી 50 વર્ષ પછી મોદીતત્વ પર અભ્યાસ કરે તેના કરતા હાલ જ તેમના વિશે અભ્યાસ કરે તે અમારો મૂળ હેતુ છે. આ સંપૂર્ણ ઍકેડેમિક અભ્યાસક્રમ હશે."

"આ કોર્સ મારફત મોદતત્ત્વના સોશિયોલૉજીકલ અને થિયરિટીકલ જે કૉન્સેપ્ટ છે, તે જ ભણાવવામાં આવશે."

તેમણે એમ પણ દાવો કર્યો હતો કે વિદેશમાં પણ તેમના પર અભ્યાસ થઈ રહ્યા છે અને તેની ચર્ચા દુનિયાભરમાં છે.

તેમના જણાવ્યા પ્રમાણે એમ.એસ. યુનિવર્સિટીમાં શરૂ થનારા આ અભ્યાસ માટે કુલ 286 વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે.

તેઓ કહે છે, "બીએના ચોથા વર્ષમાં હિંદુ પૅટ્રિઅટિઝમ, હિંદુ સોશિયોલૉજી અને સોશિયોલૉજી ઑફ ભારત વિષેયનાં પેપરો રહેશે. ચોથું વર્ષ પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ અનુસ્નાતક અભ્યાસ પણ કરી શકશે."

તેમના દાવા પ્રમાણે, "તેના પર (આ વિષયો પર) વિદેશોમાં પણ અભ્યાસ થઈ રહ્યો છે. દરેક જગ્યાએ તમને આની ચર્ચા જોવા મળશે."

આ કોર્સમાં ક્રાઇસિસ મૅનેજમેન્ટનું પેપર પણ હશે. આ કોર્સમાં 60 કલાકોનું શિક્ષણ કાર્ય રહેશે. જેમાં કૉર્પોરેટ રિસ્પૉન્સિબિલિટી, સાયન્સ ટૅક્નૉલૉજી, સિનેમેટિક સોશિયોલૉજી જેવા વિષયો પણ ભણાવાશે.

વિરેન્દ્રસિંહ ઝાલાનો દાવો છે કે આ કોર્સને લઈને વિદ્યાર્થીઓના પ્રતિભાવો હકારાત્મક છે.

જોકે, એ સ્પષ્ટ છે કે કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ તેનો જોરદાર વિરોધ કર્યો છે.

હેતુલક્ષી કે હાસ્યાસ્પદ?

એમએસ યુનિવર્સિટી, વડોદરા, મોદી તત્વ, સોશિયોલોજી વિભાગ વડોદરા : એમએસ યુનિવર્સિટીમાં હવે ભણાવાશે 'મોદીતત્ત્વ' અને 'RSS'ના પાઠ, આ અભ્યાસક્રમનો કેમ થઈ રહ્યો છે વિરોધ? બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, hardik

ઇમેજ કૅપ્શન,

શિક્ષણ સાથે સંકળાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે અભ્યાસક્રમ હેતુલક્ષી હોવો જોઈએ પરંતુ પ્રૉપેગૅન્ડા નહીં.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના પૂર્વ પ્રોફેસર ઘનશ્યામ શાહ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "કોઈ પણ વિચારધારા ભણાવી શકાય છે પરંતુ તે હેતુલક્ષી અને તટસ્થતા આધારિત હોવો જોઈએ."

ઘનશ્યામ શાહ વધુમાં જણાવે છે, "ગાંધી કે નહેરુને ભણાવો, સમાજવાદને ભણાવો કે હિંદુત્વને ભણાવો, તેમાં કોઈ વાંધો નથી, પણ 'તટસ્થપણે, હેતુલક્ષી રીતે' ભણાવવું જોઈએ."

તેમણે આગ્રહ કર્યો કે, "વૈજ્ઞાનિક અભિગમવાળું શિક્ષણ હોવું જોઈએ, તથા પરિણામલક્ષી હોય તેના પર વધારે ધ્યાન આપવું જોઈએ."

ઘનશ્યામ શાહે કહ્યું કે શિક્ષણના અભ્યાસક્રમો કોઈ પ્રૉપેગૅન્ડાનો ભાગ ન બનવા જોઈએ.

તેઓ આ વિશે પોતાનું મંતવ્ય આપતા કહે છે, "કોઈ ખાસ પ્રૉપેગૅન્ડા કે પ્રચાર માટે આ કરવામાં આવતું હોય તો તે ખોટું છે. જે ઍકેડેમિક બાબતો ન હોય તેને પણ શિક્ષણમાં સામેલ કરવું અયોગ્ય છે."

તેઓ શિક્ષણમાં પ્રૉપેગૅન્ડા વિશે પોતાનો વિરોધ વ્યક્ત કરતાં કહે છે, "હિંદુત્વને લઈને ઘણાં પુસ્તકો છે. એક અભ્યાસુ તરીકે તેનો અભ્યાસ થાય તેની સામે કોઈ વાંધો ન હોવો જોઈએ. પરંતુ દંતકથાની કહાણીઓ ભણાવવી તે એક પ્રૉપેગૅન્ડા છે, પ્રચાર છે."

તેઓ આ વિશે પોતાનો મત સ્પષ્ટ કરતા કહે છે, "જો હિંદુત્વને ભણાવવું હોય તો હિંદુત્વ પર લખેલું અન્ય સાહિત્યનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ."

તેમણે એમ પણ કહ્યું કે સ્કૂલ કે કૉલેજનો ઉપયોગ કરીને પ્રૉપેગૅન્ડા ચલાવવું યોગ્ય નથી. તેમણે કહ્યું, "અત્યારે જે લોકો કરી રહ્યા છે તે સમરસતાનો દંભ છે."

જોકે, તેઓ કહે છે કે "જો આ વિષયોને લઈને તેઓ ગંભીર હોય તો તેને માત્ર ઍકેડેમિક હેતુથી ભણાવવા જોઈએ અને તેના પર વિવિધ વિચારો કે મતમતાંતર પર ચર્ચા પણ જરૂરી છે."

એમએસ યુનિવર્સિટી, વડોદરા, મોદી તત્વ, સોશિયોલોજી વિભાગ વડોદરા : એમએસ યુનિવર્સિટીમાં હવે ભણાવાશે 'મોદીતત્ત્વ' અને 'RSS'ના પાઠ, આ અભ્યાસક્રમનો કેમ થઈ રહ્યો છે વિરોધ? બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, hardik

ઇમેજ કૅપ્શન, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો સોશિયોલૉજી વિભાગ

એમ.એસ. યુનિવર્સિટીમાં આર્ટ્સ વિભાગમાં પ્રોફેસર રહી ચૂકેલા ગણેશ દેવી બીબીસી ગુજરાતીને આ વિશે જણાવે છે કે આ નવો અભ્યાસક્રમ 'હાસ્યાસ્પદ' છે.

ગણેશ દેવી કહે છે, "વડા પ્રધાન હાલ સત્તામાં છે એટલે તેમના વિશે ભણાવી દેવું કે કોઈ સાહિત્યિક બાબત નથી પરંતુ હાસ્યાસ્પદ છે. જેના પર ખુદ વડા પ્રધાને વાંધો ઉઠાવવો જોઈએ. જ્યાં સુધી તેઓ સત્તામાં રહે છે ત્યાં સુધી તેમના વિશે ન ભણાવવું જોઈએ તેવું ખુદ વડા પ્રધાને કહેવું જોઈએ."

ગણેશ દેવી ગંભીર આરોપ લગાવતા કહે છે, "તેનાથી તમે માત્ર કોઈ રાજકીય રીતે આગળ વધી શકો. પરંતુ આ કોર્સને લઈને પ્રખ્યાત અને સારી ગણાતી યુનિવર્સિટીની શાખને ખતમ કરાઈ રહી છે."

શું આ કોર્સ કર્યા પછી વિદ્યાર્થીને નોકરી મળશે?

એમએસ યુનિવર્સિટી, વડોદરા, મોદી તત્વ, સોશિયોલોજી વિભાગ વડોદરા : એમએસ યુનિવર્સિટીમાં હવે ભણાવાશે 'મોદીતત્ત્વ' અને 'RSS'ના પાઠ, આ અભ્યાસક્રમનો કેમ થઈ રહ્યો છે વિરોધ? બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, hardik

ઇમેજ કૅપ્શન, ફૅકલ્ટી ઑફ આર્ટસના સોશિયોલૉજી ડિપાર્ટમેન્ટના વડા વિરેન્દ્રસિંહ ઝાલાની તસવીર

હવે સવાલ એ થાય છે કે 'મોદીતત્ત્વ અને આરએસએસની વિચારધારા ધરાવતા આ કોર્સ' કરવાથી વિદ્યાર્થીને કોઈ નોકરી મળી શકશે કે કેમ?

બીબીસી ગુજરાતીના આ સવાલનો જવાબ આપતા વિરેન્દ્રસિંહ ઝાલા જણાવે છે, "મોદીતત્ત્વ ભણ્યા બાદ વિદ્યાર્થીઓને નીતિ આયોગ અથવા તો સરકારના અન્ય વિભાગમાં નોકરી મેળવવા માટેનું જ્ઞાન વધી શકે છે."

તેઓ કહે છે કે "આ કોર્સ કર્યા બાદ યુનિવર્સિટીમાં પૉલિસી રિસર્ચ સેન્ટરમાં પણ કૅરિયર બનાવી શકાય છે."

વિરેન્દ્રસિંહ ઝાલા આ કોર્સના ફાયદા ગણાવતા કહે છે, "પીએમઓના પોર્ટલ પર કંઈક લખીએ તો તરત જ જવાબ મળે છે. તે બતાવે છે કે સરકાર પૉલિસી બનાવવામાં લોકોને સામેલ કરે છે. તેમાં ભાગ લો અને યોગ્ય સૂચનો-સલાહો કરવાની ક્ષમતા પ્રાપ્ત કરો તો પણ ક્યાંક વળતરની જોગવાઈ છે. આમ આ કોર્સના અભ્યાસથી દરેકને એકબીજા સાથે જોડી શકાય છે."

વિદ્યાર્થીઓનું શું કહેવું છે?

એમએસ યુનિવર્સિટી, વડોદરા, મોદી તત્વ, સોશિયોલોજી વિભાગ વડોદરા : એમએસ યુનિવર્સિટીમાં હવે ભણાવાશે 'મોદીતત્ત્વ' અને 'RSS'ના પાઠ, આ અભ્યાસક્રમનો કેમ થઈ રહ્યો છે વિરોધ? બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, hardik

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કેટલાક વિદ્યાર્થીઓ આ કોર્સ સામે વાંધો વ્યક્ત કરી રહ્યા છે તો કેટલાક તેને આવકારી રહ્યા છે.

એમ.એસ. યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી મિનેન્દ્રસિંહ ચૌહાણે અભ્યાસક્રમમાં મોદીતત્ત્વ અને આરએસએસની વિચારધારાને સામેલ કરવાનું સમર્થન કર્યું છે.

તેઓ જણાવે છે, "આરએસએસનાં 100 વર્ષ પૂર્ણ થયાં છે. તેની વિચારધારા વિદ્યાર્થીઓ સુધી પહોંચશે તો તેનો લોકોને ફાયદો થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સંઘર્ષગાથા તથા તેમની સફળતા વિશે યુવા પેઢી જાણે તે જરૂરી છે."

અન્ય એક વિદ્યાર્થી જય મકવાણાએ પણ આ પ્રકારના અભ્યાસક્રમો શરૂ કરવા બદલ યુનિવર્સિટીનો આભાર માન્યો હતો.

તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "અત્યારસુધી શિક્ષણમાં ઘણી ખામીઓ હતી, પરંતુ મોદીતત્ત્વનો અભ્યાસક્રમ તેને દૂર કરશે તેવી મને આશા છે. સંઘ પરિવારનાં કાર્યોથી યુવાનોને પ્રેરણા મળશે."

જોકે, કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ આ કોર્સ શરૂ કરવા સામે જોરદાર વિરોધ કર્યો છે.

એમ.એસ. યુનિવર્સિટીના એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે આ લોકોએ શિક્ષણધામને રાજકારણનો અખાડો બનાવી દીધો છે.

તેઓ તેનો વિરોધ કરતા કહે છે, "તમે ગાંધીજીને ભણાવો, સુભાષચંદ્ર બોઝને ભણાવો, મૌલાના આઝાદ વિશે ભણાવો, ઇતિહાસમાં જેમનું નામ છે કે યોગદાન છે તેમના વિશે ભણાવો તે યોગ્ય છે પરંતુ નરેન્દ્ર મોદી વિશે ભણાવવાનું શું ઔચિત્ય છે?"

અમર વાઘેલાએ કહ્યું હતું કે તેમનું સંગઠન આ કોર્સને શરૂ કરવાનો વિરોધ કરશે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે "કોઈ ચોક્કસ પ્રકારનાં સંગઠનો અને રાજકીય પાર્ટીને પ્રોત્સાહન આપવાનું કૃત્ય થઈ રહ્યું છે, જે અયોગ્ય છે."

જોકે, યુનિવર્સિટીનું કહેવું છે કે "વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શાસન પદ્ધતિ એટલે કે 'મોદીત્ત્વ' અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા વિશે ભણાવવાની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને સામાજિક સમરસતાની ભાવના કેળવવાનો છે."

વિરેન્દ્રસિંહ ઝાલાએ એનએસયુઆઈના વિરોધ વિશે નિવેદન આપતા કહ્યું, "વિરોધ કરવાની અભિવ્યક્તિની આઝાદી સૌની છે. તેઓ આ કોર્સ વિશે અમારી સાથે ચર્ચા કરે અમે તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છીએ. આ કોર્સ શરૂ કરવા અગાઉ અમે વિદ્યાર્થીઓનાં મંતવ્યો લીધાં હતાં અને તે સકારાત્મક લાગતાં જ અમે કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ."

બીબીસી ગુજરાતીએ આ કોર્સ સામે ઊભા થયેલા સવાલોના જવાબો મેળવવા માટે ગુજરાતના આરએસએસના નેતાઓનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો કોઈ પ્રતિભાવ મળ્યો નહોતો. અમે આ વિશે ભાજપના નેતાઓનો પણ સંપર્ક સાધવાની કોશિશ કરી હતી પરંતુ તેમના તરફથી પણ કોઈ પ્રતિક્રિયા મળી શકી નથી. જ્યારે તેમનો કોઈ પ્રતિભાવ આવશે ત્યારે તેનો અહીં સમાવેશ કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન