ઈરાની સંસદના ઉપાધ્યક્ષે કહ્યું, 'અમેરિકા અને ઇઝરાયલને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો અધિકાર નહીં'- ન્યૂઝ અપડેટ

ઈરાની સંસદના ઉપાધ્યક્ષે કહ્યું, 'અમેરિકા અને ઇઝરાયલને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો અધિકાર નહીં'- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાની સંસદના ઉપાધ્યક્ષ અલી નિકઝાદે જણાવ્યું છે કે સંસદ દ્વારા પસાર થનારા કાયદા મુજબ, અમેરિકા અને ઇઝરાયેલનાં જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી નહીં આપવામાં આવે.
વાંચવાનો સમય: 7 મિનિટ

ઈરાની સંસદના ઉપાધ્યક્ષ અલી નિકઝાદે જણાવ્યું છે કે સંસદ દ્વારા પસાર થનારા કાયદા મુજબ, અમેરિકા અને ઇઝરાયેલનાં જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી નહીં આપવામાં આવે.

અલી નિકઝાદે હાલમાં જ હોર્મુઝ સ્ટ્રેટનો પ્રવાસ પણ કર્યો છે.

બીબીસી ફારસી સેવા અનુસાર, તેમણે જણાવ્યું કે આ કાયદા મુજબ અન્ય દેશોનાં જહાજોને આવાગમનનો અધિકાર રહેશે, પરંતુ ઈરાન આવાં જહાજો પાસેથી "સેવા, સુરક્ષા, પર્યાવરણ સુરક્ષા અને જહાજ સંચાલન" માટે શુલ્ક વસૂલ કરશે.

નિકઝાદે કહ્યું કે આવા પ્રકારના શુલ્કની વસુલાત દુનિયાભરમાં સામાન્ય વાત છે.

અલી નિકઝાદે આ પણ ચેતવણી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટ યુદ્ધ પહેલાં જેવી સ્થિતિમાં પાછું નહીં ફરે.

હોર્મુઝ સ્ટ્રેટ એક મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગ છે. યુદ્ધ શરૂ થવા પહેલાં આ માર્ગ દ્વારા વિશ્વભરમાં લગભગ 20% ઑઇલ અને ગૅસની સપ્લાય થતી હતી.

ઈરાને યુદ્ધ શરૂ થયા પછી હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી કરી દીધી હતી, જેના કારણે વિશ્વના અનેક દેશોમાં ઊર્જા સંકટ ઊભું થયું છે અને તેની કિંમતોમાં વધારો થયો છે.

અમેરિકાએ પણ ઈરાનનાં આ પગલાં બાદ ઈરાની બંદરોની નાકાબંધી કરી છે. હાલ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ છે, છતાં તણાવ યથાવત્ છે.

પશ્ચિમ બંગાળ : ઑબ્ઝર્વરે કહ્યું, 'નહીં થાય વોટની ચોરી, જે પરિણામ આવવાનાં છે તે જ આવશે'

પશ્ચિમ બંગાળ : ઑબ્ઝર્વરે કહ્યું, 'નહીં થાય વોટની ચોરી, જે પરિણામ આવવાનાં છે તે જ આવશે' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પશ્ચિમ બંગાળ સાથે જ દેશની અન્ય ચાર વિધાનસભાઓ માટે થયેલા મતદાન પછી મતગણતરી સોમવાર, 4 મેના રોજ થવાની છે.

મતદાન પૂર્ણ થયા પછી પણ પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) વચ્ચે તણાવ યથાવત્ છે. ટીએમસી અને ભાજપ એકબીજાં પર ચૂંટણી ગડબડીના આક્ષેપો કરતા રહ્યાં છે.

શનિવારે પણ ભાજપ અને ટીએમસી મતગણતરી માટે માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓને નિયુક્ત કરવાની બાબતે સામસામે રહ્યાં. આ પહેલાં બંને પક્ષો વચ્ચે સ્ટ્રૉંગરૂમને લઈને પણ વિવાદ થયો હતો.

રવિવારે પશ્ચિમ બંગાળના વિશેષ મતદાર યાદી નિરીક્ષક સુબ્રત ગુપ્તાએ કહ્યું, "અમે સંપૂર્ણ તૈયાર છીએ. મત ચોરી થવાની કોઈ શક્યતા નથી. મતગણતરીમાં કોઈ અનિયમિતતા નહીં થાય."

પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું, "સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી માટે બધા લોકોને તાલીમ આપવામાં આવી છે. તેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ હશે અને રાજ્ય સરકારના કેટલાક કર્મચારીઓ પણ હશે. જે પરિણામ આવવાનું છે, તે જ આવશે. મત ચોરીની કોઈ શક્યતા નથી."

પશ્ચિમ બંગાળની 294 બેઠકો માટે 29 એપ્રિલે મતદાન પૂર્ણ થયું હતું, પરંતુ હવે ફાલ્ટા બેઠક પર 21 મેના રોજ ફરી મતદાન થશે. તેનો અર્થ એ છે કે સોમવારે પશ્ચિમ બંગાળની 293 બેઠકો સહિત દેશનાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશનાં પરિણામ જાહેર કરવામાં આવશે.

ઈરાને કહ્યું, 'ટ્રમ્પે અશક્ય મિશન કે ખરાબ સમજૂતી વચ્ચે પસંદગી કરવી પડશે.'

ઈરાન, અમેરિકા, આઇઆરજીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઇઆરજીસી ઇન્ટેલિજેન્સે દાવો કર્યો છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્થાન અમેરિકા અને સમગ્ર વિશ્વમાં નબળું પડી ગયું છે.

ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઇઆરજીસી)ની ગુપ્તચર એજન્સીએ કહ્યું છે કે અમેરિકા એવી સ્થિતિમાં છે જ્યાં તેને ઈરાન સાથે "એક અશક્ય મિશન કે ખરાબ સમજૂતી" વચ્ચે પસંદગી કરવી પડશે.

આઇઆરજીસી ઇન્ટેલિજેન્સે દાવો કર્યો છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્થાન અમેરિકા અને સમગ્ર વિશ્વમાં નબળું પડી ગયું છે.

બીબીસી પર્શિયન સર્વિસ અનુસાર, એક નિવેદનમાં સંગઠને તાજેતરની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે "અમેરિકાને લઈને નિર્ણય લેવાની બાબત હવે મર્યાદિત થઈ ગઈ છે."

આઇઆરજીસી ઇન્ટેલિજેન્સ કહે છે કે, "ઈરાન દ્વારા પેન્ટાગોનને નાકાબંધી હટાવવા માટે આપવામાં આવેલી સમયમર્યાદા, ચીન, રશિયા અને યુરોપનું અમેરિકા પ્રત્યે બદલાતું વલણ, ટ્રમ્પનો અમેરિકાની કૉંગ્રેસને બિનઅસરકારક પત્ર અને ઇરાન દ્વારા વાટાઘાટોની શરતો સ્વીકારવાથી હવે કોઈ ફરક પડતો નથી."

તે આગળ જણાવે છે કે, "ટ્રમ્પે 'ઑપરેશન ઇમ્પૉસિબલ' કે 'ઈરાન સાથે ખરાબ કરાર' વચ્ચે પસંદગી કરવી જોઈએ."

ઈરાન : જેલમાં બંધ નોબલ પુરસ્કાર વિજેતાની તબિયત બગડી, પરિવારે શું કહ્યું?

ઈરાન : જેલમાં બંધ નોબલ પુરસ્કાર વિજેતાની તબિયત બગડી, પરિવારે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ નરગિસ મોહમ્મદીને વર્ષ 2023નો નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને ડિસેમ્બરમાં તેમની ઈરાની અધિકારીઓની ટીકા કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, નરગિસ મોહમ્મદીને વર્ષ 2023નો નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને ડિસેમ્બરમાં તેમની ઈરાની અધિકારીઓની ટીકા કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

જેલમાં બંધ ઈરાની માનવાધિકાર કાર્યકર્તા નરગિસ મોહમ્મદીના સંબંધીઓ અને નોબલ શાંતિ પુરસ્કાર સમિતિએ નગરિસને સારી મેડિકલ સુવિધાઓ ધરાવતી જગ્યાએ શિફ્ટ કરવાની માંગ કરી છે. નરગિસની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. ત્યાર પછી આ માંગ કરવામાં આવી છે.

શુક્રવારે જણાવવામાં આવ્યું કે 54 વર્ષનાં નગરિસને ઉત્તર-પશ્ચિમી ઈરાનની જેલથી એક સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવાયાં છે.

પરિવારે આ પગલાંને 'ઘણું મોડું ઉઠાવાયું' હોવાનો આરોપ લગાવ્યો છે.

નૉર્વેમાં રહેનારા નરગિસના ભાઈએ શનિવારે જણાવ્યું, "તેમનું બ્લડપ્રેશર ઝડપથી નીચે આવી ગયું, તે સ્થિર નથી રહેતું."

નરગિસ મોહમ્મદીને વર્ષ 2023નો નોબલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને ડિસેમ્બરમાં તેમની અધિકારીઓની ટીકા કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

ગત મહિને તેમના ભાઈ હામિદરેજા મોહમ્મદીએ જણાવ્યું હતું કે ઉત્તર-પશ્ચિમી ઈરાનની ઝંજન જેલમાં તેમની સાથે બંધ કેદીઓએ તેમને બેહોશીની હાલતમાં જોયાં હતાં. કદાચ તેમને હાર્ટઍટેક આવ્યો હતો.

તેમણે આરોપ લગાવતા જણાવ્યું કે જેલ અધિકારીઓએ હ્રદય, ફેફસાં અને બ્લડપ્રેશર સાથે જોડાયેલી જૂની બીમારીના ઇતિહાસ છતાં તેમને હૉસ્પિટલમાં શિફ્ટ કરવાની મનાઈ ફરમાવી હતી.

શુક્રવારે નરગિસ મોહમ્મદી ફાઉન્ડેશન (જેને તેમનો પરિવાર ચલાવે છે) દ્વારા જણાવવામાં આવ્યું કે "તેમની તબિયત બગડ્યા બાદ તેમને ઝંજન પ્રાંતની એક હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે."

નિવેદનમાં જણાવાયું કે આ પગલું 140 દિવસ બાદ લેવામાં આવ્યું છે.

નરગિસ ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે, તેમની અલગ-અલગ પ્રસંગે 13 વખત ધરપકડ કરવામાં આવી છે અને તેમને 31 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે સાથે તેમને 154 ચાબૂકના ફટકાની સજા પણ સંભળાવવામાં આવી છે.

પશ્ચિમ બંગાળ: મતગણતરીના એક દિવસ પહેલા ભવાનીપુરના કાઉન્ટિંગ સેન્ટર પર હંગામો

પશ્ચિમ બંગાળ: મતગણતરીના એક દિવસ પહેલા ભવાનીપુરના કાઉન્ટિંગ સેન્ટર પર હંગામો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Debarchan Chatterjee/NurPhoto via Getty Images

પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠકના કાઉન્ટિંગ સેન્ટર પર મતગણતરીના એક દિવસ પહેલાં હંગામો થયો છે.

તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે ભાજપના ઝંડા ધરાવતી બે ગાડીને એ પરિસરમાં જવા દેવામાં આવી જ્યાં ઈવીએમ રાખવામાં આવ્યાં છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, આ પહેલાં ગુરુવારે રાત્રે મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આ કાઉન્ટિંગ સેન્ટરની સામે ચાર કલાક સુધી ધરણા કર્યાં હતાં. તેમણે આરોપ લગાવ્યો હતો કે લોકો વગર પરવાનગીએ સ્ટ્રૉંગરૂમમાં ઘૂસી રહ્યા છે.

મતદાન પૂર્ણ થયા બાદ પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને ભાજપ વચ્ચે તણાવ વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં બે ચરણમાં મતદાન થયું હતું, પહેલા ચરણનું મતદાન 23 એપ્રિલે અને બીજા ચરણનું મતદાન 29 એપ્રિલે થયું હતું. ચોથી મેના રોજ પરિણામ જાહેર થશે.

જબલપુર ક્રૂઝ દુર્ઘટના: પોલીસને મળ્યા કાકા-ભત્રીજાના મૃતદેહો, મૃતકોની સંખ્યા વધી

જબલપુરના બરગીમાં ક્રૂઝ ડૂબ્યા બાદ બચાવકાર્ય (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, SHIV CHAUBEY

ઇમેજ કૅપ્શન, જબલપુરના બરગીમાં ક્રૂઝ ડૂબ્યા બાદ બચાવકાર્ય (ફાઇલ ફોટો)

મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાના બરગી ડૅમમાં ક્રૂઝ ડૂબવાની દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે.

પોલીસે જણાવ્યું કે મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાના બરગી બાંધથી રવિવાર સવારે એક પાંચ વર્ષના બાળક અને તેના કાકાના મૃતદેહો મળ્યા છે.

આ દુર્ઘટના ખમરિયા ટાપુ પાસે 30 એપ્રિલની સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે થઈ, જ્યારે તોફાનને કારણે મધ્ય પ્રદેશ પર્યટન વિભાગનું લગભગ 20 વર્ષ જૂનું ક્રૂઝ ડૅમમાં ડૂબી ગયું હતું.

ક્રૂઝના પાઇલટ મહેશે દાવો કર્યો છે કે તે છેલ્લાં દસ વર્ષથી ક્રૂઝ ચલાવી રહ્યા છે અને સંપૂર્ણ રીતે પ્રશિક્ષણ મેળવેલું છે, તેમણે દાવો કર્યો કે તેમની પાસે લાઇસન્સ પણ છે.

તેમના અનુસાર ક્રૂઝમાં બધી સુરક્ષા વ્યવસ્થાઓ અને પર્યાપ્ત લાઇફ જૅકેટ હાજર હતાં પણ તોફાન એટલું ભયંકર હતું કે યાત્રીઓને લાઇફ જૅકેટ પહેરવાનો મોકો ન મળ્યો.

ઈરાન યુદ્ધ ખતમ કરવાના પ્રસ્તાવ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે હવે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકા, અમદાવાદ, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Jim LoScalzo/EPA/Bloomberg via Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે તેઓ ઈરાનના પ્રસ્તાવથી સંતુષ્ટ નથી (ફાઇલ ફોટો)

અમેરિકા અને ઈરાન વચ્ચે પાછલાં ત્રણ અઠવાડિયાંથી યુદ્ધવિરામ અમલમાં છે. ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે એક નવી યોજના મોકલી આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ તેની સમીક્ષા કરશે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં લખ્યું , "હું ટૂંક સમયમાં જ ઈરાને અમને મોકલેલી યોજનાની સમીક્ષા કરીશ."

તેમણે કહ્યું, "પરંતુ મને નથી લાગતું કે તે સ્વીકાર્ય હશે, કારણ કે તેમણે પાછલાં 47 વર્ષોમાં માનવતા અને વિશ્વ સાથે જે કર્યું છે, તેની મોટી કિંમત હજુ સુધી ચૂકવી નથી."

આ પહેલાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ ઈરાન દ્વારા મોકલવામાં આવેલી યોજનાથી સંતુષ્ટ નથી.

તેમણે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું, "ઈરાન સમધાન કરવા માંગે છે, પરંતુ હું તેમના પ્રસ્તાવોથી સંતુષ્ટ નથી. હવે જોઈએ આગળ શું થાય છે."

ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય બાદ ઈરાને કહ્યું - હવે નિર્ણય અમેરિકાના હાથમાં

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકા, અમદાવાદ, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Askin Kiyagan/Anadolu Agency/Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ઘરીબાબાદીએ પાટનગર તહેરાન ખાતે કેટલાક રાજદૂતો સાથે મુલાકાત કરી

ઈરાને કહ્યું છે કે તેણે અમેરિકા સાથેનું યુદ્ધ હંમેશાં માટે સમાપ્ત કરવાના આશયથી પાકિસ્તાનને એક યોજના મોકલી છે.

જોકે, આ પહેલાં શુક્રવારે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ઈરાનની તરફથી આવેલી યોજનાથી સંતુષ્ટ નથી.

આ પછી, શનિવારે, ઈરાનના નાયબ વિદેશમંત્રીન કાઝેમ ઘરીબાબાદીએ કહ્યું કે ઈરાને પાકિસ્તાનને મધ્યસ્થી બનાવીને યુદ્ધને હંમેશાં માટે સમાપ્ત કરવાની પોતાની યોજના આપી છે.

તેમણે કહ્યું, "હવે નિર્ણય અમેરિકાના હાથમાં છે કે એ વાતચીતનો માર્ગ પસંદ કરે છે કે સંઘર્ષ ચાલુ રાખે છે."

ઘરીબાબાદીએ શનિવારે ઈરાનના પાટનગર તહેરાનમાં કેટલાક રાજદૂતો સાથે મુલાકાત કરી અને તેમને યુદ્ધ સમાપ્ત કરવાના પ્રસ્તાવ વિશે જણાવ્યું.

નોંધનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થયાને લગભગ ત્રણ અઠવાડિયાંનો સમય થઈ ગયો છે. જોકે, બંને વચ્ચે હજુ સુધી યુદ્ધ ખતમ કરવા મામલે સંમતિ નથી સધાઈ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન