ઍર કંડિશનર ફાટ્યું અને આખું ઘર બળી ગયું... AC કેમ ફાટે છે અને ફાટતાં કઈ રીતે અટકાવવું?

AC ફાટવાની દુર્ઘટના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

વાંચવાનો સમય: 5 મિનિટ

ગત વર્ષે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા સૅન્ટ ઝેવિયર્સ સ્કૂલની નજીક સ્થિત આત્રેય ઑર્કિડ રેસિડન્શિયલ બિલ્ડિંગના ડિ-બ્લૉકના ચોથા અને પાંચમા માળે આગ ફાટી નીકળી હતી. આ આગથી બચવા માટે એક મહિલા ચોથા માળેથી કૂદી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.

ફાયર બ્રિગેડનું કહેવું હતું કે આ આગ લાગવાનું પ્રાથમિક કારણ ઇલેક્ટ્રિકલ ફૉલ્ટ હોવાનું મનાયું હતું, જેને કારણે ફ્લેટની બહાર રહેલું આઉટડોર એસી યુનિટમાં વિસ્ફોટ થયો હતો અને તેને કારણે આગ લાગી હતી.

આ વર્ષે પણ દેશના અનેક ભાગોમાં આવી ઘટનાઓ બની રહી છે.

ગુજરાત સહિત ઉત્તર ભારતમાં ભીષણ ગરમીને કારણે ઘરમાં લાગેલાં ઍર કંડિશનર (AC) ફાટવાના કેટલાક કેસો આ પહેલાં પણ સામે આવ્યા હતા.

આ દુર્ઘટનાઓ પછી ACના સુરક્ષિત ઉપયોગ અને દુર્ઘટનાની સ્થિતિમાં બચાવ વિશે ચર્ચા શરૂ થઈ છે.

AC ફાટવાની દુર્ઘટના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, નોઇડામાં જે 2025માં જે ઘરમાં AC ફાટ્યું હતું ત્યાં આગ બાદ આવાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં

ગત વર્ષે પણ આવી અનેક ઘટનાઓ સામેે આવી હતી.

નોઇડામાં 10થી 12 એસી ફાટવાની ઘટનાઓ ગત વર્ષે સામે આવી હતી.

2025માં ગુજરાતના દ્વારકામાં પણ એક ઘરમાં ACમાં બ્લાસ્ટ થવાને કારણે પરિવારના ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ પહેલાં 27મે, 2025ના રોજ મુંબઈના બોરીવલી વેસ્ટના એક ફ્લૅટમાં પણ આ પ્રકારનો મામલો સામે આવ્યો હતો. નોઇડામાં બનેલી આ ઘટનાની જેમ ત્યાં પણ આગને કારણે આખું ઘર બળીને રાખ થઈ ગયું હતું.

પરંતુ AC ફાટવાના કેસ કેમ વધી રહ્યા છે? તમે તમારા ACને બ્લાસ્ટ થવાથી કઈ રીતે બચાવી શકો? આ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીએ.

શું આ દુર્ઘટનાઓનું કારણ વધતું તાપમાન છે?

ઘર અને ઑફિસોમાં લાગેલાં ACમાં બ્લાસ્ટ થવો અને વધતા તાપમાન વચ્ચે સંબંધ છે.

પરંતુ તેનું વિજ્ઞાન કઈ રીતે કામ કરે છે એ સમજવા માટે અમે આઈઆઈટી બીએચયુના મિકેનિકલ વિભાગના પ્રોફેસર ઝહર સરકાર સાથે વાત કરી હતી.

પ્રોફેસર સરકારે બીબીસી સંવાદદાતા અરશદ મિસાલને જણાવ્યું હતું કે કૂલિંગ માટે ઍમ્બિઍન્સ (કમ્પ્રેસરની આસપાસ)નું તાપમાન, કન્ડેન્સરના તાપમાન કરતાં અંદાજે 10 ડિગ્રી જેટલું ઓછું હોવું જોઈએ.

પ્રોફેસર ઝહરે બીબીસીને આગળ જણાવ્યું હતું, "ભારતમાં સરેરાશ ACના કન્ડેન્સરનું તાપમાન 50 ડિગ્રી સુધી હોય છે. જ્યારે ઍમ્બિઍન્સનું તાપમાન કન્ડેન્સરના તાપમાનથી વધી જાય છે ત્યારે AC કામ કરતું બંધ થઈ જાય છે. એ પરિસ્થિતિમાં ACના કન્ડેન્સર પર પ્રેશર વધી જાય છે. તેના કારણે કન્ડેન્સરના ફાટવાની સંભાવના વધી જાય છે."

અન્ય કયા કારણોને લીધે AC ફાટી શકે છે?

AC ફાટવાની દુર્ઘટના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વધુ તાપમાન સિવાય અન્ય કેટલાંક કારણો પણ છે જેના કારણે AC ફાટી શકે છે.

ગેસ લીકેજ: જાણકારો કહે છે કે કન્ડેન્સરમાંથી ગૅસ લીક થવાને કારણે પણ આવી દુર્ઘટના થઈ શકે છે. ઓછો ગૅસ હોય તો કન્ડેન્સર પર દબાણ વધારે પડે છે, જેના કારણે તે વધારે ગરમ થાય છે. તેનાથી આગ લાગવાની સંભાવના વધી જાય છે.

ખરાબ કૉઈલ: ACના કૂલિંગમાં કન્ડેન્સર કૉઈલ મુખ્ય ભૂમિકા ભજવે છે. તે હવામાંથી ગરમીને બહાર કાઢે છે. જ્યારે કૉઈલ ગંદકીને કારણે જામ થઈ જાય છે ત્યારે ગૅસને પસાર થવામાં મુશ્કેલી પડે છે. તેના કારણે કન્ડેન્સર વધારે ગરમ થઈ જાય છે અને આગ લાગવાનો ખતરો વધી જાય છે.

વૉલ્ટેજમાં ઉતાર-ચઢાવ: સતત વૉલ્ટેજના ઉતાર-ચઢાવથી પણ કમ્પ્રેસરના પર્ફૉર્મન્સ પર અસર પડે છે. એ પણ અકસ્માતનું કારણ બની શકે છે.

ACને ફાટવાથી કેવી રીતે બચાવી શકાય?

  • વધુ ગરમી પડી રહી હોવાથી ACના કમ્પ્રેસરને છાંયડામાં રાખવું જોઈએ. કમ્પ્રેસર અને કન્ડેન્સર યુનિટની આસાપાસ સારું વેન્ટિલેશન હોવું જોઈએ. એટલે કે ત્યાં હવાની સારી અવરજવર હોવી જોઈએ જેથી કરીને યુનિટ વધારે ગરમ ન થાય.
  • નિયમિતપણે ACની સર્વિસ કરાવવી જોઈએ જેથી કોઈ પણ સમસ્યાને સમયસર ઠીક કરી શકાય.
  • ઍર ફિલ્ટર અને કૂલિંગ કૉઇલ્સની સફાઈ નિયમિત કરવી જોઈએ. તેનાથી કમ્પ્રેસર પર વધુ દબાણ ન આવે અને તે સારી રીતે કામ કરશે.
  • સમયાંતરે કૂલિંગ ફેનમાં પણ કોઈ સમસ્યા છે કે નહીં તે ચેક કરતા રહેવું જોઈએ.

AC ખરીદતાં પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

AC ફાટવાની દુર્ઘટના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

જાણકારો કહે છે કે એવાં AC કે જેના કન્ડેન્સર તાંબાના હોય છે એ ઍલ્યુમિનિયમ કન્ડેન્સરવાળા AC કરતાં વધુ મોંઘાં હોય છે. પરંતુ તાંબાવાળું કન્ડેન્સર વધુ સારું કહેવાય છે.

તાંબુ પાણી કે હવાના ભેજ સાથે કોઈ પ્રક્રિયા કરતું નથી એટલે કે તે ક્ષારને કારણે ખરાબ થતું નથી. તેથી તે વધુ મજબૂત કહેવાય છે.

તેની 'લૉ સ્પેસિફિક હીટ પ્રોપર્ટી'ને કારણે તાંબુ જલદીથી ગરમ થતું નથી અને કૂલિંગ પણ ઝડપથી થાય છે.

જાણકારો ઘણી વાર ઍલ્યુમિનિયમ ધાતુવાળા AC કરતાં તાંબાવાળા ACને પ્રાધાન્ય આપે છે.