કેરળમાં આ દિવસે પહોંચશે ચોમાસું, ગુજરાતમાં કેટલા દિવસ પછી શરૂ થશે વરસાદ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ભારતમાં હવે ચોમાસું શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે અને આવનારા કેટલાક દિવસોમાં હવે ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે.

ગુજરાતમાં એક તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમીમાં રાહત તો મળી છે પરંતુ હજી ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો વધારે નીચે ગયો નથી.

હાલ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમ બંને તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે અને ચોમાસાની પ્રગતિ જે મુજબની ધારણા હતી તે પ્રમાણે જ થઈ રહી છે.

ભારતમાં ચોમાસાની શરૂઆત ત્યારે થઈ ગણાય જ્યારે કેરળમાં ચોમાસું પહોંચે, હાલ ચોમાસું આગળ વધે તે માટેની અનુકૂળ સ્થિતિઓ સર્જાઈ રહી છે.

ચોમાસાની શરૂઆત ક્યારે થશે?

વીડિયો કૅપ્શન,

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ ચોમાસું તેના સમય મુજબ જ આગળ વધી રહ્યું છે અને આવનારા બે કે ત્રણ દિવસમાં કેરળ પર ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા છે.

આ પહેલાં હવામાન વિભાગે કહ્યું હતું કે કેરળમાં ચોમાસું લગભગ 31 મેની આસપાસ પહોંચશે, એ પ્રમાણે જ હાલ ચોમાસું આગળ વધી રહ્યું છે.

વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં ચોમાસું ઝડપથી આગળ વધ્યું હતું, પરંતુ અરબી સમુદ્ર તરફની તેની શાખા આગળ વધી નહોતી. જોકે, હવે અરબી સમુદ્રમાં પણ ચોમાસાએ વધારે વિસ્તારોને આવરી લીધા છે.

હવામાન વિભાગનું કહેવું છે કે સતત અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે અને ચોમાસું સમયસર જ ભારતમાં શરૂ થઈ જશે. આ ઉપરાંત એકાદ દિવસમાં ચોમાસું અરબી સમુદ્રના બીજા નવા વિસ્તારો સુધી, માલદિવ્સ, કોમોરિન એરિયા અને લક્ષ્યદ્વીપના વિસ્તારો સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે.

ઉપરાંત બંગાળની ખાડી તરફની શાખા બંગાળની ખાડીમાં બાકી રહેલા વિસ્તારો તથા પૂર્વોત્તરનાં રાજ્યોમાં આગળ વધશે તેવી સંભાવના છે.

ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે અને વરસાદ ક્યારે શરૂ થશે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હાલ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે, સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં પવનની ગતિ અન્ય વિસ્તારો કરતાં થોડી વધારે છે. આવનારા બેથી ત્રણ દિવસમાં આ પવનની ગતિમાં ઘટાડો થાય તેવી શક્યતા છે.

બીજી તરફ રાજ્યમાં હજી પણ ઘણા વિસ્તારોમાં ગરમીનો પારો ઊંચો છે અને કેટલાક વિસ્તારોનું તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.

હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસાને આગળ વધવા માટે તમામ અનુકૂળ સ્થિતિઓ છે અને તેના સમય પ્રમાણે તે આગળ વધી રહ્યું છે. સામાન્ય રીતે મુંબઈ અને ગુજરાત સહિતના વિસ્તારોમાં ચોમાસા પહેલાં જ વરસાદની શરૂઆત થઈ જતી હોય છે.

જેમાં ગુજરાતમાં 1 જૂનની આસપાસ કદાચ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં પ્રથમ હવામાન પલટાશે. જે બાદ ચોમાસું જેમ આગળ વધશે તેમ અન્ય વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા છે.

ગુજરાતમાં 15 જૂન એ ચોમાસાની અધિકારીક તારીખ છે, એટલે કે આ તારીખની આસપાસ ચોમાસું પહોંચે તો તે સમયસરનું ચોમાસું ગણાય છે. જો તેનાથી વધારે પહેલાં કે વધારે પછી પહોંચે તો ચોમાસું વહેલું, મોડું ગણાય છે.

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં ચોમાસું તેના સમય પ્રમાણે જ પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે.

આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ થશે?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વરસાદ

હવામાન વિભાગના ચોમાસાના પૂર્વાનુમાન પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે ચોમાસું સારું રહે તેવી સંભાવના વધારે દેખાઈ રહી છે.

મધ્ય ભારતમાં આ વર્ષે 106 ટકા કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓડિશા, મધ્ય પ્રદેશ, આ રાજ્યો મધ્ય ભારતમાં આવે છે.

જેનો અર્થ એ છે કે ગુજરાતમાં આ વર્ષે 106 ટકા કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે જારી કરેલા નક્શા પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ વર્ષે વધારે વરસાદ થવાની શક્યતા છે.

જૂન મહિનાની આગાહી પ્રમાણે ગુજરાતમાં સામાન્ય અને સરેરાશ કરતાં ઓછા વરસાદની શક્યતા છે, પરંતુ રાજ્યમાં ચોમાસાની શરૂઆત જ 15 જૂનની આસપાસ થતી હોય છે. જેથી આ મહિનામાં સામાન્ય રીતે ચોમાસાના બાકીના ત્રણ મહિના કરતાં ઓછો વરસાદ થતો હોય છે.

ભારતીય હવામાન વિભાગના વડા મૃત્યુંજય મોહાપાત્રાના કહેવા પ્રમાણે લા-નીના ચોમાસાના બીજા ભાગમાં બનતું હોવાને કારણે ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં જૂન મહિનામાં પણ ગરમી ચાલુ રહેવાની શક્યતા છે અને સરેરાશ કરતાં વધારે ગરમી ચાલુ રહે તેવી શક્યતા છે.