મોંઘાં પર્ફ્યૂમ્સની ખુશબોમાં બાળકો પાસે કરાવાતી મજૂરીનો પરસેવો છુપાયેલો છે – બીબીસી ઇન્વેસ્ટિગેશન

10 વર્ષના બાસમલ્લા અને તેમના પિતરાઈ મોગરાને ચૂંટવામા તેમની માતાની મદદ કરે છે
ઇમેજ કૅપ્શન, 10 વર્ષના બાસમલ્લા અને તેમના પિતરાઈ મોગરાને ચૂંટવામાં તેમની માતાની મદદ કરે છે
    • લેેખક, અહમદ એલશામી અને નતાશા કૉક્સ
    • પદ, બીબીસી આઈ ઇન્વેસ્ટિગેશન્સ

વિશ્વની બે મોટી બ્યુટી કંપનીના સપ્લાયરો દ્વારા ઉપયોગમાં લેવાતી સામગ્રી બાળકો પાસેથી એકઠી કરાવવામાં આવતી હોવાનું બીબીસીની તપાસમાં ખુલાસો થયો છે.

બીબીસીએ ગત ઉનાળામાં પર્ફ્યૂમ સપ્લાય ચેઇન્સની કરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, લૅન્કોમ અને ઍરિન બ્યુટી કંપનીઓ દ્વારા વાપરવામાં આવતો મોગરો તથા ઍરિન બ્યુટીના સપ્લાયરો માટે બાળકો સામગ્રી એકઠી કરતાં હતાં.

પર્ફ્યૂમની દરેક લક્ઝરી બ્રાન્ડ્સે બાળમજૂરી સામે ઝીરો ટૉલરન્સની નીતિ હોવાનો દાવો કર્યો છે.

લૅન્કોમની માલિક કંપની લૉ’રિયાલે જણાવ્યું છે કે તેમની કંપની માનવઅધિકારો માટે પ્રતિબદ્ધ છે.

ઍરિન બ્યુટીના માલિક ઍસ્ટી લાઉડરે જણાવ્યું છે કે તેમણે તેમના સપ્લાયરોનો આ મામલે સંપર્ક કર્યો છે.

લૅન્કોમ આઇડૉલ ઍલ’ઇન્ટેન્સમાં વપરાતો મોગરો, ઍરિન બ્યુટીમાં વપરાતો મોગરો ઇકત જાસ્મિન અને લિમોને ડી સિસિલા- આ સામગ્રી ઇજિપ્તથી આવે છે. ઇજિપ્ત વિશ્વના કુલ જથ્થામાંથી લગભગ અડધોઅડધ મોગરાનું ઉત્પાદન કરે છે. મોગરો એ પર્ફ્યૂમની મુખ્ય સામગ્રી ગણાય છે.

બાળમજૂરી કેવી રીતે કરાવવામાં આવે છે?

હેબાનો પરિવાર તેઓ શું ચુંટે છે તે જોવાનો પ્રયાસ કરવા માટે એક હેડ ટોર્ચ શેર કરે છે
ઇમેજ કૅપ્શન, હેબાનો પરિવાર તેઓ શું ચુંટે છે તે જોવાનો પ્રયાસ કરવા માટે એક હેડ ટોર્ચ શેર કરે છે

પર્ફ્યૂમ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા લોકોએ બીબીસીને જણાવ્યું છે કે જે થોડી કંપનીઓ વૈભવી પર્ફ્યૂમ્સની બ્રાન્ડ્સની માલિક છે, તેમનું બજેટ ટૂંકું પડી રહ્યું છે. ઇજિપ્તના મોગરાના બાગમાંથી ફૂલ ચૂંટનારા લોકોએ કહ્યું છે કે ઓછા બજેટને કારણે તેમને બાળકોને આ કામમાં સામેલ કરવા પડી રહ્યાં છે.

જે કંપનીઓ પર્ફ્યૂમ ઇન્ડસ્ટ્રીની સપ્લાય ચેઇનનું ઑડિટિંગ કરી રહી છે, તેમાં ગંભીર ખામીઓ છે.

‘યુએન સ્પેશિયલ રિપોર્ટર ઑન કન્ટેમ્પરરી ફૉર્મ્સ ઑફ સ્લેવરી’ના તોમોયા ઓબોકાટાએ કહ્યું છે કે તેઓ બીબીસીએ આપેલા પુરાવાઓથી ચકિત છે અને દુ:ખ અનુભવે છે. બીબીસીના આ પુરાવાઓમાં ગત વર્ષે મોગરો ચૂંટવાની સિઝન વખતે કરવામાં આવેલું અન્ડરકવર ફિલ્મિંગ પણ છે.

“કાગળ પર આ કંપનીઓ ઘણી ચોકસાઈથી પોતાનાં કામ કરતી હોવાનો દાવો કરે છે. જેમકે સપ્લાય ચેઇન ટ્રાન્સપરન્સી, બાળમજૂરી સામે લડાઈ વગેરે. પરંતુ આ ફૂટેજને જોતાં એવું લાગે છે કે હકીકતમાં તેઓ આ બધી બાબતોનું પાલન કરી રહી નથી.”

હેબા ઘાર્બિયા જિલ્લાના એક ગામમાં રહે છે. ઘાર્બિયા એ ઇજિપ્તના મોગરા માટે પ્રખ્યાત પ્રદેશનું કેન્દ્ર મનાય છે. તેઓ તેમના પરિવારને સવારે ત્રણ વાગ્યે જ મોગરો ચૂંટવા માટે ઉઠાડે છે જેથી તેઓ તીવ્ર તડકાથી બચી શકે.

પાંચથી પંદર વર્ષ સુધીનાં બાળકો આ કામમાં જોતરાય છે

બીબીસીએ બાળકોને પરફ્યુમ બનાવવા માટે વપરાતા મોગરાની ચુંટતા જોયા
ઇમેજ કૅપ્શન, બીબીસીએ બાળકોને પરફ્યુમ બનાવવા માટે વપરાતા મોગરાની ચુંટતા જોયા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હેબા કહે છે તેમના કામ માટે પાંચથી પંદર વર્ષ સુધીનાં તેમનાં ચાર બાળકો સાથ આપે છે. ઇજિપ્તમાં કામ કરનારા મોટાભાગના લોકોની જેમ તેઓ પણ સ્વતંત્ર રીતે મોગરો ચૂંટે છે અને તેઓ એક નાનકડા ખેતરમાં કામ કરે છે. તે અને તેમનાં બાળકો મોગરાનાં ફૂલ જેટલાં વધારે ચૂંટી શકશે એટલા જ પૈસા તેઓ વધુ પૈસા કમાઈ શકશે.

જે રાત્રે અમે તેમની કામગીરીનું ફિલ્માંકન કર્યું, તે રાત્રે તેમની આ ટીમે લગભગ દોઢ કિલો મોગરો ચૂંટ્યો હતો. તેમની કમાણીમાંથી ત્રીજો ભાગ જમીનમાલિકને આપ્યા પછી તેમની પાસે એ એક રાત્રિના કામ માટે માત્ર દોઢ અમેરિકન ડૉલર બચ્યા હતા. ઇજિપ્તમાં હાલમાં જે મોંઘવારી છે એ પ્રમાણે આ મોગરો ચૂંટનારા લોકો ગરીબીરેખાની નીચે જીવે છે.

હેબાની 10 વર્ષની દીકરી બાસમલ્લાને આંખની એક ગંભીર ઍલર્જી થઈ છે. ડૉક્ટરે તેમને ચેતવણી આપી છે કે જો તેમણે હજુ પણ મોગરો ચૂંટવાનું બંધ ન કર્યું તો તેમને દૃષ્ટિ ગુમાવવાનો પણ વારો આવી શકે છે.

એકવાર મોગરાનાં ફૂલોને ચૂંટી લેવામાં આવે અને તેનું વજન કરવામાં આવે, તે પછી તેને કલેક્શન પૉઇન્ટથી અનેક સ્થાનિક ફેકટરીઓમાં પહોંચાડવામાં આવે છે. જે ફેકટરીઓ આ ફૂલોમાંથી તેલ કાઢે છે તેમાં મુખ્ય ત્રણ કંપનીઓ, ફખરી ઍન્ડ કંપની, હાશેમ બ્રધર્સ અને મચાલિકો છે. દર વર્ષે આવી કંપનીઓ જ નક્કી કરે છે કે હેબા જેવા લોકોને કેટલા પૈસા મળશે.

ચોક્કસ આંકડો તો કહેવો મુશ્કેલ છે, પરંતુ ઇજિપ્તમાં અંદાજે 30 હજારથી વધુ બાળકો મોગરો ચૂંટવાનું કામ કરે છે. પરંતુ 2023ના ઉનાળામાં બીબીસીએ આખા પ્રદેશમાં કરેલી સઘન તપાસમાં એ સામે આવ્યું હતું કે મોગરાની ઓછી કિંમતોને કારણે તેમણે પોતાનાં બાળકોને પણ આ કામમાં જોતરવાં પડે છે.

15થી ઓછી ઉંમરના લોકોના રાત્રે કામ કરવા પર પ્રતિબંધ છે

 મચાલિયો પરફ્યુમ ફેક્ટરીના ખેતરમાં અન્ડરકવર ફિલ્માંકન દરમિયાન અમે એક બાળકને મળ્યા હતા
ઇમેજ કૅપ્શન, મચાલિયો પરફ્યુમ ફેક્ટરીના ખેતરમાં અન્ડરકવર ફિલ્માંકન દરમિયાન અમે એક બાળકને મળ્યા હતા

બીબીસીએ ચાર અલગ-અલગ જગ્યાએ કરેલી તપાસમાં એ જોયું હતું કે આ પ્રકારનાં નાનાં ખેતરો કે જ્યાંથી મોગરાનો સીધો સપ્લાય મુખ્ય ફેક્ટરીઓને થાય છે, ત્યાં મોટાભાગનાં બાળકો હતાં જેમની ઉંમર 15 વર્ષ કરતાં ઓછી હતી.

અનેક સ્રોતો પાસેથી એવી માહિતી મળી છે કે અહીં કામ કરનારાં મોટાભાગનાં બાળકો મચાલિકો ફેકટરી દ્વારા સીધાં જ કામ પર રાખવામાં આવેલાં છે. આથી બીબીસીએ અંડરકવર તપાસ કરી જેમાં એ સામે આવ્યું હતું કે આ બાળકોની ઉંમર 12થી 14 વર્ષ છે.

ઇજિપ્તમાં સાંજે સાતથી સવારે સાત સુધીમાં 15થી ઓછી ઉંમરનાં બાળકોનાં કામ કરવા પર પ્રતિબંધ છે.

આ ફેકટરીઓ મોગરાના તેલને ઇન્ટરનેશનલ ફ્રૅગ્રન્સ હાઉસને નિકાસ કરે છે, જ્યાં પરફ્યૂમ્સ બને છે. સ્વિટ્ઝરલૅન્ડસ્થિત આવી જ એક ફેકટરી ગિવાઉદાનને ફખરી ઍન્ડ કંપની સાથે ઘણા સમયથી સંબંધ રહ્યો છે.

પરંતુ તેમની ઉપર પણ પર્ફ્યૂમ કંપનીઓ છે - જેમાં લૉ’રિયાલ અને ઍસ્ટી લોડરનો સમાવેશ થાય છે. આ જ કંપનીઓ સૌથી વધુ સત્તા ધરાવે છે.

"ધ માસ્ટર્સ" તરીકે ઓળખાતી આ કંપનીઓએ ફ્રૅગ્રન્સ હાઉસ માટે ખૂબ જ ચુસ્ત બજેટ નક્કી કર્યું હતું.

એક ફ્રૅગ્રન્સ હાઉસમાં વર્ષો સુધી કામ કરી ચૂકેલા મિ. લૉડમેઇલ કહે છે, “સુગંધની આ શીશીઓ બનાવવા આ કંપનીઓનો એવો હેતુ છે કે તેમને સસ્તામાં સસ્તું તેલ મળે. ત્યારબાદ તેમનું લક્ષ્ય પર્ફ્યૂમ્સને બને તેટલા ઉચ્ચતમ ભાવે વેચવાનું છે.”

તેઓ સમજાવતાં કહે છે કે, “હકીકતમાં મોગરો ચૂંટનારા લોકોનાં પગાર કે ભથ્થાં પર તેમનું નિયંત્રણ નથી. હકીકતમાં મોગરાની અસલ કિંમત પર પણ તેમનું નિયંત્રણ નથી. તેઓ એ બધાંથી પર છે.”

પર્ફ્યૂમની કંપનીઓ પોતાની જાહેરાતોમાં સોર્સિંગ પ્રૅક્ટિસ વિશે નૈતિકતાની વાતો કરે છે. સપ્લાય ચેનમાં સામેલ દરેક ઍમ્પ્લૉયરે પણ સંયુક્ત રાષ્ટ્રને આપેલા પ્રતિબદ્ધતા પત્ર પર પણ સહી કરી છે. તેઓ આ પત્ર થકી સંયુક્ત રાષ્ટ્રની માર્ગદર્શિકા પ્રમાણે સલામત રીતે કામ કરવાની પદ્ધતિઓ અને બાળ મજૂરીને સમાપ્ત કરશે.

ફ્રૅગ્રન્સ હાઉસ ગિવાઉદાનના વરિષ્ઠ ઍક્ઝિક્યુટિવે જણાવ્યા અનુસાર, આ મુદ્દો પર્ફ્યૂમ કંપનીઓની તેમની સપ્લાય ચેઇન પર દેખરેખના અભાવનો છે.

ઍક્ઝિક્યુટિવે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આ કંપનીઓ થર્ડ પાર્ટી ઑડિટિંગ કંપનીઓ થકી યોગ્ય તપાસ કરાવવા માટે ફ્રૅગ્રન્સ હાઉસ પર આધાર રાખે છે.

"અમારો રિપોર્ટ ભ્રામક માહિતીઓ પર આધારિત હતો"

ક્રિસ્ટોફ લાઉડામિલ કહે છે કે બજૅટ ઘટાડવામા આવે છે
ઇમેજ કૅપ્શન, ક્રિસ્ટોફ લાઉડામિલ કહે છે કે બજૅટ ઘટાડવામાં આવે છે

બિઝનેસ સમૂહો અને ફ્રૅગ્રન્સ હાઉસે પોતાની વેબસાઇટો પર અને સંયુક્ત રાષ્ટ્રને લખેલા પત્રોમાં જે ઑડિટિંગ કંપનીનો ઉલ્લેખ કર્યો છે તેમાં સેડેક્સ અને યુઈબીટી સામેલ છે. તેમના ઑડિટ રિપોર્ટ જાહેરમાં ઉપલબ્ધ નથી. જોકે, અમે નૈતિકરૂપે મેળવવામાં આવતી મોગરાના ખરીદદાર તરીકે ઓળખ આપતા અ ફખરી ઍન્ડ કંપનીએ બંને રિપોર્ટ મોકલ્યા હતા.

યુઈબીટીએ ગયા વર્ષે લીધેલી ફેકટરીની મુલાકાત પર તૈયાર કરેલા રિપોર્ટમાં માનવ અધિકારોને લગતા મુદ્દાઓ વિશે સંકેતો આપ્યા હતા. પરંતુ રિપોર્ટમાં કોઈ વધારે જાણકારી નહોતી. તેમ છતાં કંપનીને વેરિફિકેશન આપવામાં આવ્યું હતું. આ વેરિફિકેશનનો અર્થ છે કે કંપની જવાબદારીપૂર્વક જાસ્મિનનું તેલ મેળવે છે.

આ વિશે કરવામાં આવેલા સવાલના જવાબમાં યુઈબીટીએ કહ્યું, “એક કંપનીને ઍક્શન પ્લાનને આધારે જવાબદાર સોર્સિંગ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું છે. આ પ્રમાણપત્ર 2024ના મધ્ય સુધી માન્ય છે. જો તેનો અમલ કરવામાં નહીં આવે તો તેને પાછું ખેંચી લેવામાં આવશે.”

સેડેક્સ રિપોર્ટે ફેકટરીને શાનદાર મૂલ્યાંકન આપ્યું હતું. જોકે, રિપોર્ટનાં લેખન પરથી સ્પષ્ટ જોવા મળે છે કે ઑડિટ માટેની મુલાકાત પહેલાંથી જ નિશ્ચિત હતી. આ રિપોર્ટ માટે માત્ર ફેકટરીની જ તપાસ કરવામાં આવી હતી. પરંતુ જે નાનાં ખેતરોમાંથી મોગરોને ચૂંટવામાં આવે છે તે ખેતરોની મુલાકાત લીધી નહોતી.

સેડેક્સે અમને કહ્યું, “અમે કોઈપણ પ્રકારના શ્રમ અધિકારોના ઉલ્લંઘનનો વિરોધ કરીએ છીએ. જોકે, તમામ પર્યાવરણીય અને માનવ અધિકારોનાં જોખમો અથવા અસરોને ઉજાગર કરવા અને તેના નિવારણ માટે કોઈ એક જ સાધન પર આધાર રાખવો જોઈએ નહીં.”

રિપોન્સિબલ કૉન્ટ્રેક્ટિંગ પ્રોજેકટનાં ફાઉન્ડર અને વકીલ સારાહ દાદુશ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં માનવ અધિકારોની સ્થિતિને સુધારવા માટે કામ કરે છે.

સારાહ દાદુશે બીબીસીને જણાવ્યું કે આ સિસ્ટમો કામ નથી કરી રહી.

તેમણે કહ્યું કે ઑડિટર માત્ર એ જ વસ્તુની તપાસ કરે છે જે માટે તેમને કિંમત ચૂકવવામાં આવી છે. સૌથી મોટી સમસ્યા છે કે આ તપાસમાં શ્રમિકોને આપવામાં આવતી કિંમતોને સામેલ કરવામાં નથી આવતી જે બાળમજૂરીનાં મુખ્ય કારણો પૈકી એક છે.

ફખરી ઍન્ડ કંપનીએ અમને કહ્યું, “અમારાં ખેતરો અને ફેકટરીઓ પર બાળમજૂરી પર પ્રતિબંધ છે. જોકે, મોટાભાગનો મોગરો સ્વતંત્રરીતે ચૂંટનારા લોકો પાસેથી મેળવવામાં આવે છે.”

કંપનીએ કહ્યુ, “વર્ષ 2018માં યુબીઈટીની દેખરેખ હેઠળ અમે “જાસ્મિન પ્લાન્ટ પ્રૉટેક્શન પ્રોડક્ટ મિટિગેશન પ્રોજેક્ટ” શરૂ કર્યો હતો. આ પ્રોજેકટ હેઠળ અમે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને ખેતરો પર કામ કરવાની મનાઈ છે.”

“ઇજિપ્તમાં અન્ય માનકોની તુલનામાં મોગરાનાં ફૂલો ચૂંટવાનાં કામો માટે સારૂ મહેનતાણું મળે છે.”

મચાલિકો કંપનીએ કહ્યું, “અમે 18 વર્ષથી ઓછી ઉમરનાં લોકોને મોગરો ચૂંટવા બોલાવતાં નથી.” કંપનીએ કહ્યું, “છેલ્લાં બે વર્ષમાં મોગરો ચૂંટતા લોકોનું મહેનતાણું વધાર્યુ છે, અને આ વર્ષે પણ વધારીશું.”

હાશેમ બ્રધર્સે જણાવ્યું કે અમારો રિપોર્ટ ભ્રામક માહિતીઓ પર આધારિત હતો.

"જવાબદારી ફક્ત ગ્રાહકો પર ન હોઈ શકે"

બાસમલ્લા પોતાની આંખની સારવાર માટે ડૉક્ટરની સલાહ લે છે
ઇમેજ કૅપ્શન, બાસમલ્લા પોતાની આંખની સારવાર માટે ડૉક્ટરની સલાહ લે છે

લૅન્કોમ આઇડૉલ ઍલ’ઇન્ટેન્સ બનાવનાર કંપની ગિવાઉદને અમારા ઇન્વેસ્ટિગેશનને ખૂબ જ ચિંતાજનક ગણાવ્યું હતું. કંપનીએ ઉમેર્યું, “આપણા બધાની જવાબદારી છે કે બાળમજૂરીને સંપૂર્ણપણે ખતમ કરવા માટે કાર્યવાહી ચાલુ રાખવી જોઈએ.”

ફિર્મેનીચ ફ્રેગ્રન્સ હાઉસ ઍરિન બ્યુટી માટે ઇકત જાસ્મિન અને લિમોને ડી સિસિલા પર્ફ્યૂમ બનાવે છે. વર્ષ 2023ના ઉનાળામાં કંપનીએ મચાલિકો પાસેથી મોગરાને સોર્સ કર્યો હતો. કંપનીએ કહ્યું કે અમે હવે ઇજિપ્તમાં નવા સપ્લાયર સાથે કામ કરીએ છીએ.

કંપનીએ ઉમેર્યું કે તે ઉદ્યોગ ભાગીદારો અને મોગરાનાં સ્થાનિક ખેડૂતો સાથે આ મુદ્દાને સામૂહિક રીતે ઉકેલવા માંગતી પ્રવૃત્તિને સમર્થન આપશે.

અમે આ ઇન્વેસ્ટિગેશનનાં પરિણામો પર્ફ્યૂમ માસ્ટર્સ સામે પણ રાખ્યાં હતાં.

લૉ’રિયાલે કહ્યું કે, “આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવેલા માનવ અધિકારોનાં માનકોનું સંમાન કરવા માટે સક્રિય રીતે પ્રતિબદ્ધ છીએ.”

લો’રિઅલે ઉમેર્યું, “અમે ફ્રેગ્રન્સ હાઉસને ક્યારેય પણ ખેડૂતો પાસેથી બજાર કિંમતથી ઓછા ભાવે માલ ખરીદવાની ભલામણ કરતા નથી. અમે જાણીએ છીએ કે દુનિયાના કેટલાક ભાગોમાં જ્યાં કંપનીની સપ્લાય ચેન છે ત્યાં અમારી પ્રતિબદ્ધતાઓને જાળવી રાખવાનું જોખમ છે. ”

કંપનીએ કહ્યુ, “જ્યારે કોઈપણ તકલીફ થાય છે ત્યારે અમે તેનું કારણ શોધીને તે તકલીફનો ઉકેલ લાવવા માટે સક્રિય રીતે કામ કરીએ છીએ. જાન્યુઆરી 2024માં અમારા ભાગીદારોએ માનવ અધિકારોના ઉલ્લંઘનની તપાસ કરવા માટે અને તેને રોકવા માટે એક ઑન-સાઇટ માનવ અધિકારોની સુરક્ષાનું મૂલ્યાંકન કર્યું હતું. આ મૂલ્યાંકનનું કેન્દ્ર બાળમજૂરી સાથે સંકળાયેલું જોખમ હતું.”

ઍસ્ટે લોડરે કહ્યું, “અમારું માનવું છે કે બધાં જ બાળકોના અધિકારોની રક્ષા થવી જોઈએ. અમે અમારા સપ્લાયરોને આ ગંભીર મામલા વિશે તપાસ કરવા માટે કહ્યુ છે. મોગરાની સ્થાનિક સપ્લાય ચેઇન સાથે જોડાયેલી જટિલ સામાજિક અને આર્થિક સ્થિતિ વિશે વાકેફ છીએ. અમે વધારે પારદર્શિતા અને સોર્સિંગ કૉમ્યુનિટીનું આર્થિક સ્તર સુધારવા માટે પગલાં લઈએ છીએ.”

મોગરો ચૂંટતી હેબાને જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તે પર્ફ્યૂમની કિંમત જણાવી ત્યારે તેઓ એકદમ અચરજ પામ્યાં.

તેમણે કહ્યું, “અહીં લોકોની પણ કંઈ કિંમત નથી.”

હેબાએ ઉમેર્યું, “લોકો પર્ફ્યૂમનો ઉપયોગ કરે તેની સામે કોઈ વિરોધ નથી. જોકે, હું ઇચ્છું છું જે લોકો આ પર્ફ્યૂમનો ઉપયોગ કરે છે, તેઓ અહીંનાં બાળકોનાં દર્દને જુએ અને તેના વિશે બોલે.”

જોકે, વકીલ સારાહ દાદુશે જણાવ્યું, “ગ્રાહકો પર તેની જવાબદારી નથી.”

“આ એવી સમસ્યા નથી કે જેનો ઉકેલ અમારે આપવાનો છે. અમારે કાયદાની જરૂર છે. કૉર્પોરેટ જવાબદારીની જરૂર છે. જવાબદારી ફક્ત ગ્રાહકો પર ન હોઈ શકે.”