'અત્યાચારથી બચવા પાછો દેશ જતો રહું તો દેવું કોણ ચૂકવશે', બાંગ્લાદેશી મજૂરોની મલેશિયામાં બે-બે લાખમાં વેચાવાની કહાણી

- લેેખક, તફસીર બાબૂ
- પદ, બીબીસી ન્યૂઝ બાંગ્લા
બાંગ્લાદેશમાં આવેલા કુષ્ટિયાના ભેડામારા ઉપ-જિલ્લાના માસૂમ અલી જાન્યુઆરીમાં મજૂરી માટે મલેશિયા ગયા હતા.
તેમને પહેલાં બે મહિના કોઈ પણ કામ ન મળ્યું. માસૂમને તે સમય દરમિયાન એક દલાલથી બીજા દલાલ પાસે મોકલવામાં આવતા હતા. તેમને એક કેદીની જેમ દિવસો કાઢવા પડતા હતા.
માસૂમને ત્રીજા મહિને એક કંપનીમાં કામ મળ્યું હતું. જોકે, કામ મળતાની સાથે જ તેમની પાસેથી પાસપોર્ટ અને બીજા દસ્તાવેજો છીનવી લેવામાં આવ્યા. માસૂમ આ સમય દરમિયાન થયેલી દરેક ઘટનાની જાણકારી દરરોજ કુષ્ટિયામાં રહેતાં તેમનાં પત્નીને આપતા હતા.
તેમણે પોતાનાં પત્નીને જણાવ્યું કે કામનું દબાણ હવે સહન કરી શકાય તેવું નથી.
માસૂમનાં પત્ની રત્ના બેગમે કહ્યું, "તેમને ત્યાં સવારથી રાત સુધી કામ કરવું પડતું હતું. તેમને અડધી રાતે પણ કામ કરવા માટે બોલાવવામાં આવતા હતા. ખાવા-પીવાનો કોઈ ભરોસો ન હતો. તેઓ સતત કામ કરતા છતાં તેમને ગાળો આપવામાં આવતી અને મારપીટ પણ થતી હતી."
રત્નાએ બીબીસીને જણાવ્યું કે તેમના પતિએ નવી કંપનીમાં એક મહિનો કામ કર્યા પછી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમને પકડી લીધા. ત્યારબાદ તેમના પર શારીરિક અત્યાચારનો સિલસિલો શરૂ થયો હતો. રત્નાને છેલ્લા એક મહિનાથી પોતાના પતિ વિશે કોઈ પણ સૂચના મળી નથી.
માસૂમ અલી દલાલ મારફતે મલેશિયા ગયા હતા
રત્ના બેગમે જણાવ્યું, "મારા પતિએ એપ્રિલમાં ઈદના થોડાક દિવસો પહેલાં મને ફોન કર્યો હતો. તેમણે કહ્યું કે મારી સાથે ખૂબ જ મારપીટ કરવામાં આવી રહી છે અને મારા કાનની પાસેથી લોહી વહી રહ્યું છે. પતિએ વીડિયો કૉલ પર પોતાની ઈજાઓ દેખાડી હતી."
"તેમણે તે દિવસે કહ્યું હતું કે આ લોકો મને મારી નાખશે, મને બચાવી લો. આ વાતને એક મહિનાનો સમય વીતી ગયો છે. જોકે, મને મારા પતિ વિશે કોઈ પણ સૂચના મળી નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માસૂમ અલી જે દલાલ મારફતે મલેશિયા ગયા હતા તેઓ પોતે પણ ત્યાં જ રહે છે. રત્નાએ પોતાના પતિનો જીવ બચાવવા માટે દલાલનો પણ સંપર્ક કર્યો હતો. જોકે, તેઓ (દલાલ) પણ માસૂમ વિશે કોઈ માહિતી આપી શક્યા નથી.
રત્ના બેગમને હવે સમજણ નથી પડતી કે શું કરવું અને પોતાના પતિને બચાવવા માટે કોની મદદ માંગવી?
બાંગ્લાદેશથી દર વર્ષે જે દેશોમાં સૌથી વધારે લોકો મજૂરી કરવા જાય છે તેમાં મલેશિયાનું સ્થાન ઉપર છે. એક અનુમાન પ્રમાણે, મજૂરી કરવા માટે 14 લાખથી પણ વધારે લોકો મલેશિયા ગયા હતા.
મજૂરો ત્યાં (મલેશિયા) પહોંચ્યા પછી કેટલાય સાથે છેતરપિંડી અને માનવાધિકારના ઉલ્લંઘનના આરોપો નવા નથી.
પરંતુ તાજેતરમાં આવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફૉર હ્યુમન રાઇટ્સ સહિત વિવિધ દેશી અને વિદેશી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ મામલે સક્રિય થઈ છે.
જોકે, મલેશિયા જનારા બાંગ્લાદેશી મજૂરો કેવી હાલતમાં રહે છે? મોટો સવાલ એ પણ છે કે બાંગ્લાદેશના મજૂરોને અત્યાચારનો સામનો કેમ કરવો પડે છે?
બે-બે લાખ રૂપિયામાં વેચાવાનો અનુભવ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મન્નાન મિયાં (બદલાવેલું નામ) બાંગ્લાદેશના પાટનગર ઢાકાથી આઠ મહિના પહેલાં મલેશિયા ગયા હતા. તેમની સાથે એક જ કંપનીમાં કામ કરવા માટે બીજા 35 લોકો પણ ગયા હતા.
તેમણે મલેશિયા જતા પહેલાં રોજગાર આપતી એજન્સી સાથે કરાર પર સહી કરી હતી. આ કરારમાં પગાર અને રોજગાર આપતી કંપનીના નામનો ઉલ્લેખ કરાયો હતો.
જોકે, મલેશિયા પહોંચવા પછી આ કરારને લાગુ કરવામાં ન આવ્યો. મન્નાન મિયાં દાવો કરે છે કે દરેકને બે-બે લાખ ટકામાં (બાંગ્લાદેશનું ચલણી નાણું) અલગ-અલગ કંપનીઓને વેચી નાખવામાં આવ્યા હતા. આ કંપનીઓમાં નક્કી કરાયેલા પગાર કરતા ઘણા ઓછા પગારે કામ કરાવવામાં આવતું હતું.
મન્નાન મિયાંએ બીબીસી બાંગ્લાને જણાવ્યું, "અમારો પગાર 25 હજાર બાંગ્લાદેશી ટકા હતો. જોકે, અમને પહેલાં 50 હજાર ટકાથી પણ વધારે પગાર આપવાની વાત કરવામાં આવી હતી. અમે ત્રણ મહિના પછી કંપનીના સુપરવાઇઝરને ઓવરટાઇમ આપવાની માંગણી કરી હતી."
"જોકે, સુપરવાઇઝરે વેતનના સવાલ પૂછતા જ લોઢાના બાર સાથે અમારી સાથે મારપીટ શરૂ કરી દીધી હતી. અમારી સાથે ઘણી મારપીટ કરવામાં આવી હતી. અમને ઘમકી પણ આપવામાં આવી હતી કે બહાર કોઈને પણ મારપીટની વાત કરી તો અમને મારી નાખશે અથવા તો બાંગ્લાદેશ પરત મોકલી દેશે."
મન્નાન મિયાં સહિત સાત લોકોએ તે કંપનીમાંથી પલાયન કરીને બીજી એક કંપનીમાં કામ શરૂ કર્યું છે. જોકે, તેમની પાસે કોઈ માન્ય દસ્તાવેજો નથી. આવા સંજોગોમાં તે લોકો હાલ પોલીસની ધરપકડના આતંકમાં દિવસો પસાર કરી રહ્યા છે.
મજૂરો સાથે છેતરપિંડી કેવી રીતે કરવામાં આવી રહી છે?
મલેશિયા પહોંચ્યા પછી બાંગ્લાદેશી મજૂરો સાથે સૌથી પહેલી છેતરપિંડી એ થાય છે કે તેમને ત્યાં કોઈ કામ મળતું નથી. એટલે કે જે કામ કે નોકરી માટે મજૂરોને ત્યાં (મલેશિયા) લઈ જવામાં આવે છે, તે કામ કે નોકરી ત્યાં છે જ નહીં. ત્યારબાદ અધૂરા પગારનો મુદ્દો પણ છે. કરારમાં જેટલો પગાર આપવાની વાત કરવામાં આવી હતી, હકીકતમાં તેટલો પગાર આપવામાં આવતો નથી.
ત્રીજી સમસ્યા છે કે તેમનો પાસપોર્ટ અને વિઝા છીનવી લેવામાં આવે છે. એજન્સીઓ મજૂરો પાસેથી મલેશિયા પહોંચતાની સાથે જ ઔપચારિકતા પૂરી કરવાના નામે તેમની પાસેથી પાસપોર્ટ છીનવી લે છે. ત્યારબાદ એજન્સીઓ મજૂરોને પાસપોર્ટ પાછો આપતી નથી.
પીડિતોનો આરોપ છે કે મોટા ભાગના મામલાઓમાં પાસપોર્ટ અને વિઝા મેળવવા માટે વધારાના 70 હજારથી એક લાખ ટકા જેટલી રકમ આપવી પડે છે.
એક નાનકડા રૂમમાં ઘણા લોકોને રાખવામાં આવે છે. અને ત્રણ વખતની બદલે માત્ર બે જ વખત ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત તેમના પર અત્યાચાર પણ કરવામાં આવે છે.
કોઆલાલમ્પુરમાં રહેતા પ્રવાસી મજૂર ખાલેક મંડલ (નામ બદલાવેલ છે.) જણાવે છે કે ત્યાં (મલેશિયા) પહોંચ્યા પછી મોટા ભાગે મજૂરોને બંધક જેવી સ્થિતિમાં રહેવા માટે મજબૂર કરવામાં આવે છે.
તેમણે કહ્યું, "હકીકતમાં અહીં કોઈ કામ નથી તેમ છતાં દરેક લોકો મજૂરોને બોલાવે છે. બાંગ્લાદેશ અને મલેશિયાની જે કંપનીઓ પાસે મજૂરો મોકલવાની કે લઈ આવવાની પરવાનગી છે, તે કંપનીઓ માટે આ એક વેપાર છે."
"જે કંપની પાસે 50 મજૂરોને નોકરી આપવાની ક્ષમતા છે તે કંપની 700 મજૂરોને બોલાવી રહી છે. આ કેવી રીતે સંભવ છે? તેમને આ માટે જરૂરી મંજૂરી કેવી રીતે મળી રહી છે. તેમની કેટલી ક્ષમતા છે તે વિશે તપાસ કેમ થતી નથી? હકીકતમાં અમે બધા જ અહીં બંધક છીએ."
ખાલેક મંડલે જણાવ્યું કે,"મને પોતાને પણ કરાર પ્રમાણે નક્કી કરેલી કંપનીમાં નોકરી મળી ન હતી. મને એક બીજી કંપનીમાં કામ પર રાખવામાં આવ્યો હતો. જોકે, મલેશિયાના કાયદા પ્રમાણે આ ગેરકાયદેસર છે. આ કારણે હું ગેરકાયદેસર રીતે રહું છું અને બંધકની સ્થિતિમાં છું."
તેમણે કહ્યું, "અહીં (મલેશિયા) પહોંચવા માટે મારે છ લાખ ટકા ખર્ચ કરવા પડ્યા હતા. હું અત્યારે જ્યાં કામ કરી રહ્યો છું ત્યાં રહેવાની સ્થિતિમાં પૈસા બચાવવા તો દૂર, પરિવારનો ખર્ચ કાઢીને જીવવું પણ સંભવ નથી. અહીંયાથી પલાયન કરવા સિવાય કોઈ ઉપાય નથી. જો તેમ કરવા ન ઇચ્છતા હો તો દેશ પાછા ફરવું તે જ છેલ્લો વિકલ્પ છે. જોકે, તે કરવું પણ શક્ય નથી. બાંગ્લાદેશ પાછા ફર્યા પછી દેવું કોણ ચૂકવશે?"
સંગઠિત ગેંગ

બાંગ્લાદેશથી વિશ્વના અલગ-અલગ દેશોમાં મજૂરોના જવાની શરૂઆત વર્ષ 1976માં થઈ હતી.
બ્યૂરો ઑફ મેનપાવર, ઍમ્પ્લૉયમેન્ટ ઍન્ડ ટ્રેનિંગ (બીએમઈટી)ના આંકડાઓ પ્રમાણે, બાંગ્લાદેશથી વર્ષ 1976થી 2023 વચ્ચે 1.60 કરોડ પ્રવાસી મજૂરો વિશ્વના અલગ-અલગ દેશોમાં ગયા છે. જોકે, બાંગ્લાદેશથી 2023માં 3.51 લાખ પ્રવાસી મજૂરો મલેશિયા ગયા હતા.
તે જ વર્ષે એટલે કે 2023થી જ મજૂરોને કામ ન મળવાની, તેમના પર અત્યાચારની અને તેમના ગાયબ થવાની ફરિયાદો સામે આવી રહી છે.
2023માં મલેશિયામાં રહેતા બાંગ્લાદેશી મજૂરોની દુર્દશાની તસવીરો મલેશિયાના મુખ્યધારાના મીડિયા અને માનવ અધિકાર સંગઠનોના રિપોર્ટમાં પણ ચર્ચામાં હતી.
તેમાં કહેવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશના હજારો મજૂરો ત્યાં (મલેશિયામાં) અમાનવીય જીવન જીવી રહ્યા છે. આ ઉપરાંત ઓછું વેતન મળવું, બેરોજગાર હોવું, અત્યાચાર અને ગેરકાયદેસર પરિસ્થિતિમાં ફસાવવા જેવા મુદ્દાઓ પણ તે જ સમયે સામે આવ્યા હતા.
સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર સંગઠને પણ આ વિશે જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં આ મામલે ચિંતા વ્યકત કરી હતી.
બીબીસી બાંગ્લા દ્વારા જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સમકાલીન ગુલામી પર યુએનના વિશેષ સંવાદદાતા ટોમોયા ઓબોકાટાએ કહ્યું, "મલેશિયામાં રહેતા બાંગ્લાદેશી મજૂરોની વર્તમાન પરિસ્થિતિ વિશે ચિંતિત થવાના મજબૂત કારણો છે. આ કેસમાં બંને દેશોમાં કાર્યરત એક સંગઠિત ગુનાહિત ગેંગ સામેલ છે."
ઓબોકાટાએ કહ્યું, "બાંગ્લાદેશ અને મલેશિયામાં એક ગુનાહિત ગેંગ સક્રિય છે. આ ગેંગના લોકો સારી નોકરી અને ઊંચા પગારની લાલચ આપીને મજૂરોને મલેશિયા મોકલે છે અને પછી તેમની (મજૂરોની) સાથે છેતરપિંડી કરે છે. આ લોકો મજૂરો પાસેથી પાંચથી છ ગણી રકમ લઈ લે છે."
"આ કારણે મજૂરો દેવાની જાળમાં ફસાઈ જાય છે. આ ઉપરાંત નક્કી કરેલી કંપનીમાં કામ ન મળવાને કારણે મજૂરોની સ્થિતિ ગેરકાયદેસર થઈ જાય છે. આ ગેરકાયદેસર રહેતા મજૂરોને નોકરી આપનાર લોકો પણ તેમનું શોષણ કરે છે. આ સમસ્યા ખૂબ જ ગંભીર છે."
તેમણે ઉમેર્યું કે બાંગ્લાદેશ અને મલેશિયાની સરકારે મજૂરોની નિમણૂકની પ્રક્રિયાને બદલવી જોઈએ. આ રીતે મજૂરોને દુર્વ્યવહારનો શિકાર થતા અટકાવે છે.
બાંગ્લાદેશ હાઈ કમિશને શું કહ્યું?
બાંગ્લાદેશની સરકાર વિસ્તૃત તપાસ પછી જ આ લોકોને મંજૂરી આપે છે. આ પ્રકારના મામલાઓમાં મલેશિયાની જે કંપનીઓમાં મજૂરોને નોકરી આપવામાં આવી રહી છે તેની વાસ્તવિક પરિસ્થિતિ વિશે જાણકારી મેળવવાની જવાબદારી બાંગ્લાદેશ હાઈ કમિશનની છે.
જોકે, આ મામલે મલેશિયા સ્થિત બાંગ્લાદેશ હાઈ કમિશનની શું ભૂમિકા છે? હાઈ કમિશન ખોટી કંપનીઓની ઓળખ શું કામ નથી કરી શકતું?
મલેશિયામાં બાંગ્લાદેશના હાઈ કમિશનર શમીમ અહસન સામે પણ આ સવાલો કરવામાં આવ્યા હતા. જોકે, તેમની નિમણૂક છ મહિના પહેલાં જ થઈ હતી.
બીબીસી બાંગ્લા સાથેના એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ તમામ આરોપો સામે આવ્યા છે તે વાતનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે આ આરોપો નવા નથી. આ પ્રકારના મામલાનો નિકાલ પણ કરવામાં આવી રહ્યો છે. જોકે, સત્ય એ પણ છે કે કેટલીક કંપનીઓને કારણે લોકો છેતરપિંડીનો શિકાર થાય છે.
તેમણે કહ્યું, "એવું નથી કે નકલી કંપનીઓને કારણે જ લોકો છેતરપિંડીનો શિકાર થાય છે. કાયદાકીય રૂપે આ પ્રકારની તમામ કંપનીઓ માન્ય છે. જોકે, આ કંપનીઓના અનૈતિક વ્યવહાર અને વાયદાનો પૂરા ન કરવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. બાંગ્લાદેશ હાઈ કમિશન એકલે હાથે જ આ પ્રકારના મામલાનો ઝડપી ઉકેલ ન લાવી શકે."
"આ મુદ્દો મલેશિયાની રોજગાર આપતી એજન્સીઓની ઇમાનદારી સાથે પણ જોડાયેલો છે. તેમને કાયદાના દાયરામાં લાવવાની જવાબદારી મલેશિયા સરકારની છે."
"જોકે, બાંગ્લાદેશ પણ આ મામલે કાર્યવાહી કરી રહ્યું છે. આટલા મજૂરો જ્યાં કામ કરી રહ્યા છે ત્યાં કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. જોકે, અમે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે."
બાંગ્લાદેશના હાઈ કમિશનરે સ્વીકાર્યું કે રોજગાર આપતી એજન્સી જરૂર કરતા વધારે વિઝા હાંસલ કરવાની પ્રવૃત્તિ કરે છે, જે પ્રવાસી મજૂરો સાથે છેતરપિંડીનું સૌથી મુખ્ય કારણ છે.
તેમણે જણાવ્યું કે આ મામલે મલેશિયાના શ્રમ મંત્રાલયનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બંને દેશોની ટૂંક સમયમાં યોજાનારી સચિવ સ્તરની બેઠકમાં પણ આ મુદ્દાને ઉઠાવવામાં આવશે.












