11 વર્ષની વયે હૅકર બનેલો છોકરો જે હજાર લોકોને બ્લૅકમેઇલ કરીને મોસ્ટ વૉન્ટેડ ગુનેગાર બની ગયો

યુરોપના મોસ્ટ વોન્ટેડ ગુનેગારોમાંના એક હેકર જુલિયસ કિવિમાકીને આખરે જેલમાં મોકલવામાં આવ્યો હતો

ઇમેજ સ્રોત, EUROPOL

ઇમેજ કૅપ્શન, યુરોપના મોસ્ટ વૉન્ટેડ ગુનેગારોમાંના એક હૅકર જુલિયસ કિવિમાકીને આખરે જેલમાં મોકલવામાં આવ્યો હતો
    • લેેખક, જો ટિડી
    • પદ, સાઈબર સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ

યુરોપના મોસ્ટ વૉન્ટેડ ગુનેગારો પૈકીના એક હેકર જુલિયસ કિવિમાકીને આખરે જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જુલિયસે થેરપી કરાવનાર 33,000 દર્દીઓની સેશન નોટ્સ ચોરી લીધી હતી અને તેમને બ્લેકમેઈલ કરતો હતો, એવો આરોપ છે.

11 વર્ષથી ચાલતો રહેલો સાઇબર ક્રાઇમનો સિલસિલો જુલિયસને જેલમાં મોકલવા સાથે ખતમ થયો છે. આ સિલસિલો જુલિયસ માત્ર 13 વર્ષનો હતો અને એક ટીનેજ હેકિંગ ગ્રૂપમાં ઝડપથી આગળ વધ્યો ત્યારથી શરૂ થયો હતો.

શનિવારનો દિવસ હતો અને ટીના આરામ કરતાં હતાં ત્યારે તેનો ફોન રણક્યો હતો. તે એક ગુમનામ વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલો ઈ-મેલ હતો.

તે ઇમેલમાં ટીનાનું નામ, સોશિયલ સિક્યૉરિટી નંબર અને બીજી અંગત માહિતી હતી.

ટીના કહે છે, "પહેલાં તો હું ઇમેલની વિનમ્ર અને સહજ શૈલી જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી."

ઇમેલની શરૂઆતમાં લખ્યું હતું, "પ્રિય મિસિસ પારિક્કા." એ પછી જણાવવામાં આવ્યું હતું કે જે સાયકોથેરપી સેન્ટરમાં તેઓ સારવાર કરાવે છે ત્યાંથી તેમની અંગત માહિતી મેળવવામાં આવી છે.

લગભગ માફીની શૈલીમાં ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે કંપની દર્દીઓની માહિતી ચોરી થઈ જવાની વાતને અવગણી રહી હોવાથી તમારો વ્યક્તિગત રીતે સંપર્ક કરવામાં આવ્યો છે.

ખંડણી નહીં આપવામાં આવે તો દસ્તાવેજ ઑનલાઇન કરવાની ધમકી

ટિના પારિક્કા

ઇમેજ સ્રોત, JESSE POSTI, DIGILIEKKI

ઇમેજ કૅપ્શન, ટીના પારિક્કા

ટીનાના થેરપિસ્ટે બે વર્ષથી રેકૉર્ડ રાખ્યા હતા. તેમાં સંખ્યાબંધ સેશન્સની અત્યંત ગુપ્ત માહિતી હતી. એ બધી માહિતી અજ્ઞાત બ્લૅકમેઇલરના હાથમાં આવી ગઈ હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બ્લૅકમેઇલર તરફથી જણાવવામાં આવ્યું હતું કે 24 કલાકમાં ખંડણી નહીં ચૂકવવામાં આવે તો તમામ માહિતી ઑનલાઇન પ્રકાશિત કરી દેવામાં આવશે.

ટીના કહે છે, "એ શ્વાસ રૂંધાઈ જવા જેવો અનુભવ હતો. કોઈએ મારી અંગત જિંદગી પર હુમલો કર્યો હોય અને તે મારી મુશ્કેલી મારફત પૈસા કમાવાનો પ્રયાસ કરતો હોય તેવી લાગણી થતી હતી."

પછી ટીનાને સમજાયું હતું કે તેઓ એકલાં નથી.

થેરપી કરાવનાર કુલ 33,000 દર્દીઓના રેકૉર્ડની ચોરી કરવામાં આવી હતી. હજારો લોકોને બ્લૅકમેઇલ કરવામાં આવતા હતા.

આ ફિનલૅન્ડમાં ગુનાહિત મામલાઓમાં પીડિતોની સૌથી મોટી સંખ્યા છે.

વસ્તામો સાઇકોથૅરેપીના ડેટાબેઝમાંથી ચોરવામાં આવેલા આ રેકૉર્ડ્ઝમાં બાળકો સહિત સમાજના અનેક વર્ગોના ઊંડાં રહસ્યો હતાં. લગ્નેતર સંબંધથી માંડીને ગુનાના સ્વીકાર સુધીની વાતચીત એ રેકૉર્ડ્ઝમાં હતી, જે હવે સોદાબાજીનું સાધન બની ગઈ હતી.

ફિનલૅન્ડ સ્થિત સાઇબર સિક્યૉરિટી ફર્મ વિથસિક્યૉરના મિક્કો હાઇપોનેને આ સાઇબર હુમલા વિશે સંશોધન કર્યું હતું. તેમનું કહેવું છે કે આ ઘટનાથી આખો દેશ હચમચી ઊઠ્યો હતો. અનેક દિવસો સુધી આ મામલો ન્યૂઝ બુલેટિનમાં ચમકતો રહ્યો હતો.

તેઓ કહે છે, "આટલું વ્યાપક હેકિંગ ફિનલૅન્ડ માટે એક મોટું સંકટ હતું. દરેક વ્યક્તિ કોઈને કોઈ પીડિતને જાણતી હતી."

‘રેન્સમ મેન’ના નામે આવતા હતા ઇમેલ

આ બધું કોવિડ મહામારીના લૉકડાઉન વચ્ચે 2020માં થયું હતું. આ મામલાએ સાયબર સિક્યૉરિટીના સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું હતું. એ ઈમેલનો પ્રભાવ વિનાશકારી હતો.

2,600 પીડિતોના કેસ લડનાર વકીલ જેની રાયસ્કિયોએ જણાવ્યું હતું કે પોતાની અંગત માહિતી ઑનલાઇન થવાને પગલે જેમણે આત્મહત્યા કરી હતી એવા લોકોના સંબંધીઓએ પણ તેમની ફર્મનો સંપર્ક કર્યો હતો.

ઑનલાઇન સાઇન ઑફને કારણે બ્લૅકમેઇલરને ‘રેન્સમ મૅન’ નામે ઓળખવામાં આવ્યો હતો. એ પીડિતો પાસેથી 24 કલાકમાં 200 યુરોની માગ કરતો હતો. નિશ્ચિત સમયે પૈસા ન મળે ત્યારે એ ખંડણીની રકમ વધારીને 500 યુરો કરી નાખતો હતો.

લગભગ 20 લોકોએ ખંડણી ચૂકવી દીધી હતી, પરંતુ બાદમાં તેમને સમજાયું હતું કે હવે બહુ મોડું થઈ ગયું છે, કારણ કે તેમની માહિતી પહેલાંથી જ ઑનલાઇન પ્રકાશિત થઈ ચૂકી હતી.

‘રૅન્સમ મૅને’ આખો ડેટાબેઝ ડાર્ક વેબની એક ફોરમ પર ભૂલથી લીક કરી દીધો હતો. એ માહિતી આજે પણ ત્યાં છે.

મિક્કો અને તેમની ટીમે હૅકિંગને ટ્રૅક કરવાના તથા પોલીસને મદદ કરવાના પ્રયાસ કર્યા હતા. બધા હૅકર ફિનલૅન્ડના હોવાની થિયરી પણ બહાર આવવા લાગી હતી.

દેશના ઇતિહાસની સૌથી મોટી પોલીસ તપાસનો અંત ફિનલૅન્ડના એક યુવાન પર આવ્યો હતો. એ યુવાન સાયબર-ક્રાઇમની દુનિયામાં પહેલેથી જ કુખ્યાત હતો.

‘ઝીકિલ’ ગુનાખોરીની દુનિયામાં કેવી રીતે પ્રવેશ્યો

હેકિંગ ગ્રુપ લિઝાર્ડ સ્ક્વોડ પણ સોશિયલ મીડિયા પર તેનો લોગો પોસ્ટ કરીને બડાઈ મારતા હતા
ઇમેજ કૅપ્શન, હેકિંગ ગ્રુપ લિઝાર્ડ સ્ક્વૉડ પણ સોશિયલ મીડિયા પર તેનો લોગો પોસ્ટ કરીને બડાઈ મારતા હતા

કિવિમાકી ખુદને ઝીકિલ પણ કહેતો હતો. તેણે બહુ નાની વયથી હૅકિંગ શરૂ કરી દીધું હતું.

એ કિશોરવયનો હતો ત્યારથી જ તેણે હૅકિંગ, ખંડણી વસૂલવા અને એ વિશે ફાંકાબાજી કરવાનું શરૂ કરી દીધું હતું. તે ‘લિઝર્ડ સ્ક્વૉડ’ અને ‘હૅક ધ પ્લેનેટ’ જેવાં ગ્રૂપ્સનો મહત્ત્વનો સભ્ય હતો. આ ગ્રૂપ્સે 2010ના દાયકામાં જબરો ત્રાસ ફેલાવ્યો હતો.

કિવિમાકી હૅકિંગની દુનિયાનો મહત્ત્વનો સભ્ય હતો. 17 વર્ષનો થયો ત્યાં સુધીમાં તેણે સંખ્યાબંધ હાઈ-પ્રોફાઇલ સાયબર ઍટેક્સ કર્યા હતા. 2014માં તેની ધરપકડ કરવામાં આવી હતી અને 50,700 હૅકિંગ ગુનાઓ માટે તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો.

જોકે, તેને જેલમાં મોકલવામાં આવ્યો ન હતો. સાયબર સિક્યૉરિટી વિશ્વના અનેક લોકોએ તેને જેલની સજા નહીં કરવાની ટીકા કરી હતી. કિવિમાકી અને તેના સાથીઓ હૅકિંગ ચાલુ રાખશે તેવો ડર હતો.

પોતાના બીજા સાથીઓની માફક કિવિમાકીને પણ આ પોલીસ કાર્યવાહીની કોઈ અસર થઈ ન હતી. ધરપકડ પછી અને સજા થઈ એ પહેલાં કિવિમાકીએ તેના ગ્રૂપ સાથે એક અત્યંત ખતરનાક હુમલો કર્યો હતો.

કિવિમાકી અને લિઝર્ડ સ્ક્વૉડે ક્રિસમસની પૂર્વસંધ્યાએ તથા ક્રિસમસના બે દિવસ પહેલાં સૌથી મોટા ગેમિંગ પ્લૅટફૉર્મ્સને ઑફલાઇન કરી દીધાં હતાં.

હૅકિંગ પછી પ્લેસ્ટેશન નેટવર્ક અને ઍક્સબૉક્સ લાઇવ પ્લૅટફૉર્મ ડાઉન થઈ ગયાં હતાં. લાખો ગેમર્સ ગેમ ડાઉનલોડ કરી શકતા ન હતા કે નવા કૉન્સોલ પણ રજિસ્ટર કરાવી શકતા ન હતા કે એકમેકની સાથે ગેમ રમી શકતા ન હતા.

દુનિયાભરના મીડિયાનું ધ્યાન ખેંચાયું

જુલિયસ કિવિમાકીએ સ્કાય ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં પોતાને રાયન તરીકે ઓળખાવ્યો હતો

ઇમેજ સ્રોત, SKY NEWS

ઇમેજ કૅપ્શન, જુલિયસ કિવિમાકીએ સ્કાય ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં પોતાને રાયન તરીકે ઓળખાવ્યો હતો

એ વખતે આખી દુનિયાના મીડિયાનું ધ્યાન કિવિમાકી તરફ ખેંચાયું હતું. તેણે સ્કાયન્યૂઝને એક મુલાકાત સુદ્ધાં આપી હતી, જેમાં તેણે કહ્યું હતું કે હુમલા બાબતે તેને કોઈ પસ્તાવો નથી.

લિઝર્ડ સ્ક્વૉડમાં ઝીકિલ સાથે કામ કરતા હૅકરે બીબીસીને જણાવ્યું હતું કે કિવિમાકી બદલો લેવાની વૃત્તિ ધરાવતો છોકરો હતો. તેને બદલો લેવામાં અને પોતાની ક્ષમતાનું ઑનલાઇન પ્રદર્શન કરવામાં મજા આવતી હતી.

હૅકરે કહ્યું હતું, "કિવિમાકી જે કરતો હતો તેમાં કુશળ હતો. એ પરિણામ બાબતે વિચારતો ન હતો. હુમલાઓમાં એ બીજાઓથી કાયમ આગળ રહેતો હતો."

રયાન પોતાની સરનેમ જણાવવા ઇચ્છતો નથી, કારણ કે અધિકારીઓ તેને હજુ પણ ઓળખતા નથી. રયાન કહે છે, "તેના પર લોકોની નજર હોવા છતાં તે બૉમ્બની ધમકીઓ આપતો હતો અને અવાજ બદલ્યા વિના પ્રેન્ક કૉલ્સ પણ કરતો હતો."

કિવિમાકીને સજા કરવામાં આવી ત્યારે તેનું નામ કેટલાક નાના-મોટા સાયબર ઍટેકમાં જ બહાર આવ્યું હતું. આવું થોડાં વર્ષો સુધી ચાલ્યું હતું. પછી તેનું નામ વસ્તામો સાયકોથેરપી ઍટેક સાથે જોડાયું હતું.

રેડ નોટિસ બહાર પાડવામાં આવી

ઇન્ટરપોલ મારફત રેડ નોટિસ બહાર પડાવીને કિવિમાકી સામે પુરાવા શોધવામાં ફિનલૅન્ડ પોલીસને બે વર્ષ લાગ્યાં હતાં. નોટિસ બહાર પડવાની સાથે જ તે યુરોપનો મોસ્ટ વૉન્ટેડ ગુનેગાર બની ગયો હતો, પરંતુ 25 વર્ષનો એ શખ્સ અત્યારે ક્યાં છે, તેની કોઈને ખબર ન હતી.

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભૂલથી તેનું સરનામું જાણવા મળ્યું હતું. વાસ્તવમાં પેરિસમાં પોલીસને એક ઍપાર્ટમેન્ટમાંથી ‘ડોમેસ્ટિક ડિસ્ટર્બન્સ કૉલ’ આવ્યો હતો. પોલીસ ત્યાં પહોંચી તો જાણવા મળ્યું હતું કે કિવિમાકી નકલી દસ્તાવેજો અને નામ સાથે ત્યાં રહેતો હતો.

તેને પ્રત્યાર્પણ મારફત ફિનલૅન્ડ લાવવામાં આવ્યો હતો. એ પછી ફિનલૅન્ડની પોલીસ દેશના ઇતિહાસની સૌથી હાઈ-પ્રોફાઇલ સુનાવણીની તૈયારીમાં જોડાઈ ગઈ હતી.

ડિટેક્ટિવ ચીફ સુપ્રિટેન્ડન્ટ માર્કો લેપોનેને આ તપાસનું ત્રણ વર્ષ સુધી નેતૃત્વ કર્યું હતું. તેમના કહેવા મુજબ, આ તેમની કારકિર્દીનો સૌથી મોટો કેસ છે. લેપોનેન કહે છે, "એક સમયે 200 અધિકારીઓ આ કેસની તપાસ કરતા હતા. અમારે સંખ્યાબંધ પીડિતોના નિવેદન અને તેમની કહાણીઓ પર કામ કરવાનું હતું."

કિવિમાકીનો કેસ ફિનલૅન્ડ માટે બહુ મોટો મામલો હતો. દુનિયાભરના પત્રકારોની નજર તેના પર હતી.

લેપોનેન કહે છે, "તેની જુબાનીના પહેલા દિવસે હું કોર્ટમાં હતો. તે પોતાને નિર્દોષ ગણાવતો હતો અને સંપૂર્ણપણે શાંત કોર્ટ રૂમમાં ક્યારેક રમૂજ પણ કરતો હતો."

જોકે, તેની સામે સંખ્યાબંધ પુરાવા હતા.

આખરે દોષી સાબિત થયો કિવિમાકી

સુનવણી દરમિયાન જૂલિયસની તસવીર

ઇમેજ સ્રોત, JOE TIDY

ઇમેજ કૅપ્શન, સુનાવણી દરમિયાન જૂલિયસની તસવીર

લેપોનેનના કહેવા મુજબ, ચોરવામાં આવેલા ડેટા ડાઉનલોડ કરવા માટે જે સર્વરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે કિવિમાકીના બૅન્ક અકાઉન્ટ સાથે લિંક્ડ હતું અને તે મહત્ત્વનો પુરાવો હતો.

અધિકારીઓએ ઑનલાઇન પોસ્ટ કરવામાં આવેલા એક ફોટોગ્રાફમાંથી કિવિમાકીની ફિંગરપ્રિન્ટ કાઢવા માટે નવી ટેકનિકનો ઉપયોગ કર્યો હતો. તે ફોટોગ્રાફ છદ્મ નામે પોસ્ટ કરવામાં આવ્યો હતો.

લેપોનેન કહે છે, "કિવિમાકીએ જ છદ્મ નામે તે ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હોવાનું અમે સાબિત કરી શક્યા હતા. એ અવિશ્વસનીય હતું, પરંતુ એ દર્શાવે છે કે તમારે તમામ પ્રકારના ઉપાય કરવા પડે છે."

આખરે ન્યાયમૂર્તિએ ચુકાદો આપ્યો હતો અને કિવિમાકીને દોષી ઠેરવ્યો હતો.

કોર્ટના જણાવ્યા મુજબ, કિવિમાકી દરેક પીડિત માટે અપરાધી હતો. એટલે કે તે 30,000 અપરાધોનો દોષી હતો. તેના પર ડેટા ઉલ્લંઘન, બ્લૅકમેઇલના પ્રયાસ, 9,231 લોકોની જિંદગી સાથે જોડાયેલી માહિતી શેર ફેલાવવા, બ્લૅકમેઇલના 20,745 ગંભીર પ્રયાસ અને બ્લૅકમેઇલિંગના 20 આરોપ મૂકાયા હતા.

આ મામલાઓમાં વધુમાં વધુ છ વર્ષ અને ત્રણ મહિનાના કારાવાસની સજા ફરમાવવામાં આવી હતી, પરંતુ કિવિમાકી સજા તો પહેલાં જ ભોગવી ચૂક્યો હતો અને ફિનલૅન્ડના કાયદા મુજબ, તેણે અડધો સમય જ જેલમાં રહેવાનું હતું.

સજા બાબતે પીડિતો શું કહે છે?

અધિકારીઓએ ઑનલાઈન પોસ્ટ કરાયેલા ફોટામાંથી કિવિમાકીના ફિંગરપ્રિન્ટ્સ કાઢવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો

ઇમેજ સ્રોત, POLICE OF FINLAND

ઇમેજ કૅપ્શન, અધિકારીઓએ ઑનલાઈન પોસ્ટ કરાયેલા ફોટામાંથી કિવિમાકીના ફિંગરપ્રિન્ટ્સ કાઢવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો

ટીના જેવા પીડિતો માટે આ કોઈ લાંબા સમયની સજા નથી. તેઓ કહે છે, "તેની અનેક લોકોને અસર થઈ છે. 33,000 લોકો પીડિત છે. તેનાથી અમારા સ્વાસ્થ્યને નુકસાન થયું છે. અનેક લોકોએ નાણાકીય ગોટાળાનો સામનો પણ કરવો પડ્યો છે."

આ મામલામાં પોતાને કોઈ વળતર મળશે કે નહીં તેની રાહ ટીના અને બીજા અનેક પીડિતો જોઈ રહ્યાં છે.

પીડિતોના એક સમૂહ સાથે અદાલત બહાર સમાધાન કરવા કિવિમાકી તૈયાર થયો છે, પરંતુ બીજો સમૂહ કિવિમાકી કે વસ્તામો સામે સિવિલ કેસ દાખલ કરવાની યોજના બનાવી રહ્યા છે.

સાયકોથેરપી કંપની હવે બંધ થઈ ગઈ છે. તેના સ્થાપકને પણ લોકોની અંગત માહિતી સલામત રાખવામાં નિષ્ફળ જવા બદલ સજા કરવામાં આવી છે.

બિટકૉઇનના સ્વરૂપમાં પોતાની પાસે કેટલા પૈસા છે તે કિવિમાકીએ પોલીસને જણાવ્યું નથી. તેણે દાવો કર્યો હતો કે તે તેના ડિજિટલ વૉલેટની માહિતી ભૂલી ગયો છે.

રાયસ્કિયોને આશા છે કે સરકાર જરૂરી પગલાં લેશે જ. તેમનું કહેવું છે કે દરેક પીડિતને કેટલું નુકસાન થયું છે તેની માહિતી મેળવવામાં લાંબો સમય લાગી શકે છે.

હૅકિંગના આવા મામલાઓ સામે ભવિષ્યમાં કામ પાર પાડવા માટે કાયદામાં સુધારાની માંગ પણ કરવામાં આવી રહી છે.

તેઓ કહે છે, "ફિનલૅન્ડ માટે આ ઐતિહાસિક છે, કારણ કે અમારું તંત્ર પીડિતો માટે આટલી વ્યાપક રીતે તૈયાર નથી. વસ્તામોના હૅકિંગે દર્શાવ્યું છે કે આવા મોટા કેસ માટે અમે તૈયાર નથી. મને આશા છે કે પરિવર્તન થશે. આ બધું અહીં જ ખતમ થવાનું નથી."