'મહિલાને ગર્ભવતી કરીને 10 લાખ મેળવો', 'ઑલ ઇન્ડિયા પ્રેગનન્ટ જોબ સર્વિસ' કૌભાંડ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી સંવાદદાતા
સાઇબર કૌભાંડ બહુ ચાલી રહ્યાં છે, પણ આ કંઈક આશ્ચર્યચકિત કરી દે એવું કૌભાંડ છે.
ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં મંગેશકુમાર (નામ બદલ્યું છે) ફેસબુક યુઝ કરી રહ્યા હતા ત્યારે તેમને એક વીડિયો જોવા મળ્યો, જેનું નામ હતું "ઑલ ઇન્ડિયા પ્રેગનન્ટ જોબ સર્વિસ."
તેમાં કામ આપવાની વાત હતી અને લાલચ પેદા કરે એ રીતે ખૂબ સારા પૈસા મળી રહ્યા હતા. કામ હતું કે કોઈ સ્ત્રીને ગર્ભધારણ કરવામાં મદદરૂપ થવાનું.
આખી વાત ગળે ઊતરે તેમ નહોતી. 33 વર્ષના મંગેશકુમાર લગ્નસમારંભમાં ડેકૉરેશનનું કામ કરનારી કંપનીમાં કામ કરીને માંડ 15,000 રૂપિયા કમાતા હતા. આ ઠગોના સકંજામાં આવીને 16,000 ગુમાવી ચૂકેલા મંગેશકુમારને વધારે પૈસા મોકલવા માટે કહેવામાં આવી રહ્યું હતું.
બિહારના મંગેશકુમાર જેવા ઘણાય લોકો આ રીતે કૌભાંડમાં ફસાઈને પૈસા ગુમાવી ચૂક્યા છે.
બિહારના નાાવડા જિલ્લામાં સાઇબર સેલ વિભાગના વડા ડીવાયએસપી કલ્યાણ આનંદે બીબીસી સાથે વાતચીત કરતાં કહ્યું કે આવી રીતે સેંકડો લોકો છેતરાયા છે. આવું કામ કરવા તૈયાર થયેલા લોકોને એવી લાલચ અપાઈ હતી કે હોટલના રૂમમાં તમને રૂપાળી, બાળક વિનાની મહિલા સાથે રાત ગાળવા મળશે અને તે રીતે તેમની પાસેથી પૈસા પડાવી લેવાયા હતા.
ડીવાયએસપી આનંદની પોલીસ ટીમે અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરીને તેમની પાસેથી નવ મોબાઇલ ફોન, પ્રિન્ટર કબજે કર્યા છે. બીજા 18 લોકોની ધરપકડ માટે શોધ ચાલી રહી છે.
ઠગ પકડાઈ ગયા પણ છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને શોધવાનું વધારે અઘરું બન્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસ અધિકારી કહે છે, "છેલ્લા એકાદ વર્ષથી આ ગૅંગ કામ કરી રહી હતી અને અમને લાગે છે કે સેંકડો લોકોને તેમણે છેતર્યા હશે. જોકે, કોઈ ફરિયાદ કરવા આગળ આવ્યું નથી, કેમ કે આખી વાતમાં શરમ અને સંકોચની વાત જોડાયેલી છે."
બીબીસીએ જોકે બે છેતરાયેલા લોકો સાથે વાત કરી. તેમાંથી એકે કહ્યું કે તેણે 799 રૂપિયા ગુમાવ્યા છે, પણ બીજી કોઈ વિગતો આપી નહી. મંગેશે વધુ ખૂલીને વાત કરી. તેમની સાથે એકથી વધારે વાર ફોન પર વાત કરાઈ અને તેમણે જણાવ્યું કે કઈ રીતે તેઓ આ ટોળકીની જાળમાં ફસાઈ ગયા હતા.
મંગેશ કહે છે, "મેં વીડિયોને ક્લિક કર્યો તેની દસ મિનિટ પછી મારો ફોન વાગ્યો હતો. ફોન કરનારાએ મને કહ્યું કે તમારે આ કામ માટે રજિસ્ટ્રેશન કરાવવું હોય તો 799 રૂપિયા ભરો."
'મહિલા ગર્ભવતી થાય તો આઠ લાખ બોનસ'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફોન કરનારાનું નામ સંદીપ સર હતું એમ કહીને મંગેશ કહે છે કે સંદીપ સરે જણાવ્યું કે તમારે મુંબઈની એક કંપની માટે કામ કરવાનું રહેશે. તમે એક વાર નામ નોંધાવો તે પછી તમારે જે સ્ત્રીને સગર્ભા કરવાની હશે, તેની વિગતો મોકલવામાં આવશે.
ઠગોએ જંગી ઑફર કરી કે દસ લાખ રૂપિયા મળશે. મંગેશ માટે તો ત્રણ વર્ષની કમાણી કરતાંય આ વધારે પૈસા થયા. સામે કામમાં મજા કરવાની અને સ્ત્રી સાથે સહવાસ માણવાનો. આખરે મહિના પ્રેગનન્ટ થઈ જાય તો બોનસમાં આઠ લાખ રૂપિયા અપાશે એવીય લાલચ આપવામાં આવેલી.
બે સંતાનોના પિતા મંગેશ કહે છે, "હું તો ગરીબ માણસ છું અને પૈસાની જરૂર હતી એટલે તેમની વાતમાં મને ભરોસો બેઠો."
તે પછીના અઠવાડિયા દરમિયાન મંગેશ સાથે ઠગો વાત કરતા રહ્યા અને ધીમે ધીમે 16,000 રૂપિયા પડાવી લીધા. 2,500 રૂપિયા કોઈ કોર્ટ ડૉક્યુમેન્ટ માટે માંગ્યા, સેફ્ટી ડિપૉઝિટ તરીકે 4,500 રૂપિયા ભરાવડાવ્યા અને કમાણી થશે તેનો જીએસટી ભરવો પડશે એમ કહીને વધુ 7,998 રૂપિયા પડાવી લીધા હતા.
ઠગોએ આ બધા માટે રસીદો પણ આપી હતી અને તેમણે મોકલેલા બધા નકલી દસ્તાવેજો પણ મંગેશે અમને જોવા મોકલ્યા. ઑફિસના કાગળનો ભ્રમ પેદા કરતા દસ્તાવેજો પર મંગેશકુમારનું નામ હતું. એકમાં પોલીસ યુનિફોર્મવાળી વ્યક્તિ સાથે મંગેશનો ફોટો પણ હતો. નકલી દસ્તાવેજ પર ઉપર મોટા અક્ષરે લખેલું કે 'બેબી બર્થ ઍગ્રીમૅન્ટ' - બાળક જન્મ માટેનો કરાર. તેની નીચે નાના અક્ષરમાં પ્રેગનન્સી વેરિફેશન ફૉર્મ - સગર્ભાપણાની ખાતરીનું ફૉર્મ એવું પણ લખેલું હતું.
તેની નીચે એક સહી કરેલી હતી.
મંગેશ કહે છે કે ઠગો તેમને એક પછી એક સાતથી આઠ મહિલાના ફોટા મોકલ્યા હતા અને કહેતા રહ્યા હતા કે તમે આમાંથી કોઈ એકને પસંદ કરી લો, જેને તમારે ગર્ભવતી બનાવવાની હોય.
મંગેશ કહે છે, "તમે જે શહેરમાં રહો છો ત્યાં જ હોટલમાં તમારા માટે એક રૂમ બુક કરાવી દેવાશે અને તમારે મહિલાને ત્યાં જ મળવાનું છે, એવું પણ તે લોકો મને કહેતા રહ્યા હતા."
મંગેશે જ્યારે કામ માટે આપવાના થતા પૈસા આપવાની વાત કરી તો તેમને એવું કહી દેવાયું કે “તમારા ખાતામાં પૈસા જમા કરાવી દેવાયા છે. આ પૈસા હોલ્ડ પર રખાયા હોવાનું તેમને કહેતા રહ્યા અને કહ્યું કે તમારે આના પર લાગતા ઇન્કમટૅક્સ પેટે 12,600 રૂપિયા ભરવાના છે. જે અમને મોકલી આપો એટલે પૈસા છૂટા થશે.”
કેવી રીતે ચલાવાતું હતું મહિલાઓને ગર્ભવતી બનાવવાના નામે કૌભાંડ?

મંગેશ કહે છે કે ત્યાં સુધીમાં પોતે આખા મહિનાની કમાણી આ લોકોને આપી ચૂક્યા હતા અને હવે તેમની પાસે વધારે પૈસા નહોતા એટલે તેમણે કહ્યું કે, “મારે કામ નથી કરવું, મારા પૈસા રિફંડ કરી દો.”
"સંદીપ સરે કહ્યું કે, ‘એવી રીતે રિફંડ ન મળે’, ત્યારે હું ગુસ્સે થઈ ગયો તો એમણે મને ધમકાવીને કહ્યું, ‘તમારા ખાતામાં પાંચ લાખ રૂપિયા જમા થયેલા બતાવે છે એટલે હવે આવકવેરાવાળા તમારા ઘરે આવીને દરોડો પાડીને તમારી ધરપકડ કરશે.’"
"હું તો ગરીબ મજૂર છું. આખા મહિનાની કમાણી તો ગુમાવી હતી, હવે કોઈ કેસમાં ફસાઈ જવા માગતો નહોતો. હું ગભરાઈ ગયો હતો અને દસ દિવસ સુધી ફોન બંધ કરી દીધો હતો. થોડા દિવસ પહેલાં જ ફોન ચાલુ કર્યો હતો."
મંગેશે મને એવું પણ જણાવ્યું કે છેતરપિંડી કરનારાએ તેમને એવું પણ કહેલું કે, “તું અમારી ગૅંગમાં જોડાઈ જા.” ડીવાયએસપી આનંદના જણાવ્યા અનુસાર શિક્ષિત લોકો આવી રીતે છેતરપિંડી કરે છે અને તેમાં કેટલાક ગ્રૅજ્યુએટ પણ છે. તેમને મોબાઇલ, લેપટોપ, પ્રિન્ટર પર કામ કરતા આવડે છે. તેની સામે એવા લોકોને ભોગ બનાવતા હતા, જે મોટા ભાગે અભણ જેવા હોય.
મંગેશ કહે છે કે 'સંદીપ સરે' તેમને પોતાનું આઇકાર્ડ પણ મોકલ્યું હતું એટલે તેમને લાગ્યું નહીં કે આ છેતરપિંડી હશે. તેમાં એક આઇકાર્ડમાં સંદીપ સર આર્મીના જવાનના ગણવેશમાં દેખાઈ રહ્યા હતા. વૉટ્સઍપ કૉલમાં દેખાતા પ્રોફાઇલ ફોટોમાં એક સુંદર છોકરી ગોદમાં બાળકને ઝુલાવતી હોય તેવી તસવીર હતી, એટલે તેમને લાગ્યું કે બધું કામ પ્રામાણિકપણે ચાલતું હશે.
મંગેશ પૂછે છે કે, "એવો ફોટો જોઈને તમને કેમ ખાતરી ના થાય, મને કહો?"
કેમ લોકો વારંવાર આવાં કૌભાંડોનો ભોગ બને છે?
સાઇબર કાયદાના જાણકાર પવન દુગ્ગલ કહે છે તે પ્રમાણે ભારતમાં મુશ્કેલી એ છે કે લોકો "તરત ભરોસો મૂકી દે છે અને પોતાની રીતે ભાગ્યે જ તપાસ, ખરાઈ કરે છે." પોતાને કંઈ થવાનું નથી એવો અતિ આત્મવિશ્વાસ તેમનામાં હોય છે.
જોકે, તેઓ કહે છે કે નાવડા જિલ્લામાં જે રીતે છેતરપિંડી થઈ તે તદ્દન નવીન પ્રકારની છે
"ઠગોએ લોકોને પૈસા આપવાની સાથે મફત સેક્સ માણવાની લાલચ આપી તે બહુ વિચિત્ર છે. આવું થાય ત્યારે લોકો કંઈ વિચારવા બેસે નહીં."
દુગ્ગલ કહે છે કે કોવિડ-19 પછી મોબાઇલ પર નેટ બૅન્કિંગ સહેલું બન્યું છે તેના કારણે "સાઇબર ક્રાઇમ કરનારી ગૅંગ માટે સુવર્ણ કાળ આવ્યો છે." તેઓ ચેતવણી આપતાં કહે છે કે લોકો જાગે તે પહેલાં દાયકાઓ સુધી આ રીતે છેતરપિંડી ચાલતી રહેવાની છે.
સાઇબર ક્રિમિનલ આવી જાતભાતની સ્કીમ લઈને આવતા રહેશે, એટલે ભારતમાં મંગેશ જેવા લોકોને ફસાતા અટકાવવાનું કામ અઘરું થતું જવાનું છે.
"સરકારે રેડિયો અને ટીવી પર વધારે પ્રચાર કરીને લોકોને જાગૃત કરવાની જરૂર છે, કેમ કે લોકોને સરકારમાં વધારે ભરોસો હોય છે."
જોકે, માત્ર સરકાર 140 કરોડની વિશાળ વસતિમાં બધા સુધી પહોંચી શકે નહીં.
તેઓ કહે છે, "બહુ મોટી સંખ્યા છે. માત્ર સરકાર પર આધાર રાખીએ તો બહુ લાંબું થશે અને અર્થતંત્રને નુકસાન થતું રહેશે. તેથી ખાનગી સૅક્ટર પણ આમાં સક્રિય થાય તે માટે સરકારે સહાય કરવી જોઈએ."
આટલું થયા પછી હજીય ઠગોએ મંગેશનો પીછો છોડ્યો નથી.
ગયા અઠવાડિયે મંગેશ સાથે મારી વાત ચાલતી હતી ત્યારે તેમણે મને કહેલું કે તેઓ ફોન મૂકે છે, ‘કેમ કે, મેડમનો ફોન આવી રહ્યો છે.’ બાદમાં ફરી મારી સાથે વાત કરી ત્યારે તેમણે મને કહ્યું કે જે સ્ત્રીને મળવાની વાત થઈ હતી તેમનો ફોન હતો.
પોતે એ મહિલા સાથે રોજ વાત કરે છે એવું પણ બાદમાં મંગેશે મને કહ્યું.
પેલી સ્ત્રી હવે તેમને એવું કહીને લલચાવી રહી હતી કે, “આ "સંદીપ સર" મહાઠગ છે અને તમને એટલે કે મંગેશને આપવાના હતા તે પાંચ રૂપિયા એ પડાવી ગયો છે. જોકે, તમે ત્રણ હજાર રૂપિયા જીએસટીના આપી દો તો તમને એમાંથી 90 હજાર રૂપિયા મળી જશે.”
મંગેશે મને કહ્યું, "મેં તો તેને જણાવ્યું કે હું સાવ ખાલી થઈ ગયો છે. મેં વિનંતી કરી કે મારા પૈસા મને પાછા આપી દો. તે કહે છે કે એવું શક્ય નથી. મને થાય છે કે ઓછામાં ઓછા દસ હજાર રૂપિયા પાછા આપી દે તોય સારું."
મેં તેમને પૂછ્યું કે તેઓ કેમ હજીય ઠગો પર વિશ્વાસ કરે છે.
મંગેશ કહે છે, "મને ખબર નથી પડતી શું કરવું. મારી આખા મહિનાની કમાણી જતી રહી. બિહારમાં ઘરે પૈસા મોકલી શક્યો નથી. મારી પત્ની બહુ ગુસ્સે થઈ છે અને મારી સાથે હવે વાતેય કરતી નથી."
તેને એ વાતનો પણ ગુસ્સો છે કે "સંદીપ સર" તેમનો ફોનેય હવે ઉપાડતા નથી.
"મને છેતરનારાને કડકમાં કડક સજા થવી જોઈએ. હું તનતોડ મહેનત કરીને માંડ રોડ 500 રૂપિયા કમાઉ છું. મેં બહુ મોટી ભૂલ કરી છે તે વાત સાચી, પણ તે લોકોએ મારી સાથે બહુ ખોટું કર્યું છે."














