વડોદરાનાં મહારાણી, જેમણે મહારાજા સાથે લગ્ન કરવા ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
"વડોદરાના એક માત્ર ઍરપૉર્ટના રનવે પર ડકોટા વિમાન ઊભું હતું. છેલ્લા બે દિવસથી તે અહીં જ હતું. તેવામાં કેટલીક મોટરકારો આવી જેમાં ઘણો સામાન ભરેલો હતો. આ વિમાનનો પાઇલટ અમેરિકન હતો. તેને ખબર હતી કે આ શું થઈ રહ્યું છે."
"આઝાદીનાં બે વર્ષ પહેલાંનો સમય હતો. મહારાજાઓને લગભગ જાણ હતી કે હવે તેમનું રાજ પણ નહીં રહે અને રજવાડાં પણ. તેથી તે પૈકી કેટલાક પોતાની સંપત્તિઓ સગેવગે કરવામાં પડ્યા હતા."
"આ અમેરિકન પાઇલટ બે વર્ષ પહેલાં જ આ ડકોટા વિમાનને બ્રિટિશ આર્મી પાસે ખરીદીને અહીં લાવ્યો હતો. કેટલાક ફેરફારો બાદ તેને અહીંથી સામાન કે પછી મુસાફરોને લઈ જવાની પરવાનગી મળી હતી."
"તેને કહાણી ગણો તો કહાણી પણ વડોદરા રાજ્યના કિંમતી સામાનને લઈ જવાની તૈયારી થઈ રહી હતી. ઍરક્રાફ્ટથી થોડે દૂર ઊભા રહેલા પાઇલટ આખી ઘટનાને નરી આંખે જોઈ રહ્યા હતા."
"ત્યાં એક રૉલ્સ રૉયસ આવીને ઊભી. તેમાંથી એક સુંદર મહિલા બહાર નીકળ્યાં. તેમની ઉંમર 30ની આસપાસ લાગતી હતી. ઍરક્રાફ્ટમાં સામાન ભરાઈ ગયો ત્યારબાદ તે કૉકપીટની પાછળ બેઠાં. તેમની સાથે અન્ય બે મહિલા મુસાફરો પણ હતી."
પાઇલટ સમજી ગયો કે શું ચાલી રહ્યું છે. તેથી તેમણે મહિલાને પૂછ્યું કે, ‘મને ખબર છે કે સામાનમાં શું છે, તેથી હવે ટ્રાન્સપૉર્ટ કૉસ્ટ વધારે થશે.’
મહિલાને જરા પણ નવાઈ ન લાગી. તેમને કદાચ ખબર હતી કે આવું કંઈ થઈ શકે છે. તેથી તેમણે પર્સમાંથી રિવોલ્વર કાઢીને પાઇલટના મોઢા પર તાકી તેની નજર સાથે નજર મિલાવીને કહ્યું, ‘તને જે સૂચનાઓ મળી છે તેનો અમલ કર.’
પાઇલટ સમજી ગયો અને તેણે આ પ્લૅનને યુરોપ લઈ જવા માટેની તૈયારી કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'આ મહિલા બીજાં કોઈ નહીં પરંતુ મહારાણી સીતાદેવી હતાં. વડોદરાના મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડનાં બીજાં પત્ની.'
“તેમની પાસે 56 જેટલાં બૉક્સ હતાં. જેમાં વડોદરાના શાહી ખજાનાનો કિંમતી હિસ્સો હતો.”
'જ્યારે મહારાણી સીતાદેવીએ પેરિસમાં તેમનું ઘર બનાવ્યું હતું ત્યારે તેમણે આ કહાણી કેટલાક વિશ્વાસુઓને કહી હતી. તમે તેને માનો કે ન માનો. કેટલાકને વિશ્વાસ નહોતો આવતો કે આટલું સાહસ અને આત્મવિશ્વાસ સાથે કોઈ આવું કેવી રીતે કરી શકે? પણ આ સીતાદેવી હતાં, તેઓ કેવી રીતે વાઘનો શિકાર કરવો તે પણ જાણતાં હતાં.'
જ્વેલરી અને ફૅશનજગતના જાણકાર અને લેખક માઇલન વિલ્સન્ટે તેમના પુસ્તક 'વૅન ક્લીફ ઍન્ડ આર્પેલ્સ: ટ્રેઝર્સ ઍન્ડ લિજેન્ડ્સ'માં તેનો ઉલ્લેખ કર્યો છે. માઇલને વિન્ટેજ જ્વેલરી પર ઘણું સંશોઘન કર્યું છે અને તેના ઇતિહાસ વિશે પણ ઘણું લખ્યું છે.
ભારતીય રૉયલ લાઇફમાં સીતાદેવીનું નામ કેમ છે ખાસ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડોદરાનાં આ મહારાણી કે જેમની પ્રેમકહાણી ન માત્ર ચર્ચાસ્પદ રહી પરંતુ એ સમયે તેમનાં લગ્નને લઈને વિવાદ પણ થયો હતો. સીતાદેવી વડોદરાના મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડનાં પ્રેમાં પડ્યાં હતાં.
જ્યારે બંને વચ્ચે પ્રણય સંબંધ બંધાયો ત્યારે સીતાદેવી પરિણીત હતાં અને તેમને એક પુત્ર પણ હતો. વડોદરાના રાજા પ્રતાપસિંહ રાવ આઠ સંતાનોના પિતા હતા. આવા સંજોગોમાં તેમનાં લગ્ન વચ્ચે ઘણા અવરોધો હતા. જોકે, સીતાદેવીએ એ સમયે ભરેલું પગલું ભારતના રાજવી પરિવારોના ઇતિહાસમાં બેજોડ મનાય છે.
જ્યારે પણ ભારતના રૉયલ પ્રેમકહાણીની વાત થાય છે ત્યારે સીતાદેવીની કહાણીની ચર્ચા જરૂરથી થાય છે. ભારતીય રૉયલ લાઇફમાં મહારાણી સીતાદેવીનું નામ ખાસ છે.
એ જમાનામાં તેમના વ્યક્તિત્વની જ નહીં પરંતુ તેમનાં જ્વેલરી અને સાડીના ભવ્ય અને રંગોથી ભરપૂર કલેક્શનની પણ ચારે તરફ ચર્ચા થતી હતી. જાણકારો માને છે કે તેઓ તેમના જમાનાનાં ગ્લૅમરસ મહિલા હતાં અને લૅવિશ લાઇફ જીવતાં હતાં.
એક સમયે જ્યારે રૉયલ પરિવારોમાં પણ મહિલા વાળ ઢાંક્યા વિના બહાર નીકળતી નહોતી તેવા સમયે તેમણે ઘણી રૂઢિવાદી પરંપરા અને માન્યતાઓ સામે બંડ પોકાર્યું હતું.
કોણ હતાં સીતાદેવી અને કેવી રીતે તેઓ વડોદરાના મહારાજાના પ્રેમમાં પડ્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
સીતાદેવીનો જન્મ 12 મે, 1917ના રોજ તે વખતના મદ્રાસ(આજનું ચેન્નાઈ) પ્રાંતમાં થયો. તેઓ પીઠાપુરમ્ રજવાડાના રાજા શ્રી રાજ રાવ વેંકટકુમાર મહપતિ સૂર્યરાવ બહાદુર ગારુ અને ચિન્નમ્મામ્બાનાં પુત્રી હતાં. પીઠાપુરમ્ તે વખતે મદ્રાસ પ્રાંતનું મહત્ત્વનું રજવાડું હતું.
સીતાદેવીનાં પહેલાં લગ્ન વાયૂરના મોટા જમીનદાર એમ. આર. અપ્પારાવ બહાદુર સાથે થયાં હતાં. તેમના ઘરે એક પુત્રનો જન્મ પણ થયો. હૈદરાબાદના સાતમા નિઝામનાં પુત્રવધુ પ્રિન્સેસ નિલોફર તેમનાં સહેલી હતાં.
ગાયકવાડ પરિવારના સભ્ય અને પ્રતાપસિંહ રાવ ગાયકવાડના ભત્રીજા જીતેન્દ્રસિંહ ગાયકવાડ બીબીસી ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં જણાવે છે, "1943માં સીતાદેવીની મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ સાથેની મુલાકાત મદ્રાસ ખાતેના એક રેસકોર્સમાં થઈ હતી. બંનેની આંખ મળી અને પ્રેમમાં પડ્યા."
"સીતાદેવીનું સૌંદર્ય અદ્ભુત હતું, મહારાજા તેમના સૌંદર્યથી અંજાઈ ગયા. સીતાદેવી પણ મહારાજા પ્રતાપસિંહ રાવના વ્યક્તિત્વથી આકર્ષાયાં અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું."
સરદાર પટેલની નીચે મિનિસ્ટ્રી ઑફ સ્ટેટ્સમાં સચિવ પદે કામ કરનારા વી. પી. મેનન તેમના પુસ્તક ‘ઇન્ટીગ્રેશન ઑફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ’માં લખ્યું છે, "1939માં તેમણે વડોદરાની ગાદી સંભાળી ત્યારબાદનાં ત્રણ-ચાર વર્ષોમાં તેમના ખોટા સલાહકારોના પ્રભાવમાં તેમણે બીજાં લગ્નનો કૉન્ટ્રાક્ટ કર્યો જે તેમના પદ અને ગરિમાને અસર કરનારો હતો."(પેજ નંબર 478)
તેમની પ્રેમકહાણીમાં પહેલી મુશ્કેલી લગ્નની આડે આવી. આ લગ્ન એટલા આસાન નહોતાં. સીતાદેવીના પતિ અપ્પા રાવે વિરોધ કર્યો તેઓ સીતાદેવીને છોડવા તૈયાર નહોતા. તેથી પ્રતાપસિંહ રાવે કાયદાકીય સલાહો લીધી. સલાહકારોએ એવી સલાહ આપી જેને કારણે ભારતીય રૉયલ હિસ્ટ્રીના ઇતિહાસમાં અનોખા વિવાદનો અધ્યાય લખાયો.
સીતાદેવીએ તેમના પહેલા પતિને તલાક આપવા માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો

ઇમેજ સ્રોત, historyofvadodara.in
મેનન પોતાના પુસ્તકમાં લખે છે, "પ્રતાપસિંહ રાવે 1929માં મહારાણી શાંતાદેવી સાથે લગ્ન કર્યાં હતાં. શાંતાદેવી કોલ્હાપુરના ઘોરપડે પરિવારમાંથી આવતાં હતાં. બંનેને 8 સંતાનો હતાં. સીતાદેવી પણ મદ્રાસ પ્રાંતના એક જમીનદાર સાથે 1933માં પરણ્યાં હતાં અને તેઓ પણ એક પુત્રનાં માતા હતાં. ઑક્ટોબર 1944માં સીતાદેવીએ કોર્ટમાં એક ઘોષણાપત્ર દાખલ કર્યું કે તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે તેથી તેને કારણે તેમનાં લગ્નને ફોક ગણવામાં આવે."
પુસ્તક મુજબ પહેલાં સીતાદેવીએ ઇસ્લામ અપનાવ્યો હતો અને પછી તેમના પતિને ઇસ્લામ કબૂલ કરવા વિનંતી કરી હતી. તેમના પતિએ આમ કરવાનો ઇન્કાર કર્યો તેથી સીતાદેવીએ મદ્રાસની સીટી કોર્ટમાં અરજી કરીને તેમના પતિ સાથે તલાક માગ્યા. તેમને તલાક મળી પણ ગયા. ત્યારબાદ તેમણે ફરી હિન્દુ ધર્મ અપનાવી મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ સાથે લગ્ન કર્યાં.
મેનને વધુમાં લખ્યું હતું, "26થી 31 ડિસેમ્બર વચ્ચે તેમણે આર્ય સમાજી પદ્ધતિથી હિન્દુ ધર્મ અપાવ્યો અને પ્રતાપસિંહ સાથે લગ્ન કર્યાં."(પેજ નંબર 478-479)
'વૅન ક્લીફ ઍન્ડ આર્પેલ્સ: ટ્રેઝર્સ ઍન્ડ લિજેન્ડ્સ' નામના પુસ્તકમાં તેમનાં લગ્નની તારીખ 31 ડિસેમ્બર હોવાનો ઉલ્લેખ છે.
હવે લગ્ન કરવાથી તેમની અડચણો દૂર થઈ નહોતી. ગાયકવાડ રાજ્યમાં જો પહેલી પત્ની જીવિત હોય તો બીજાં લગ્ન કરવા પર પ્રતિબંધ હતો. ગાયકવાડ સરકારે દ્વિપત્ની નિષેધક કાયદો લાગુ કર્યો હતો. જોકે, પ્રતાપસિંહ રાવે પોતાના જ રાજ્યના આ કાયદાને માનવાનો એમ કહીને ઇન્કાર કર્યો કે, "આ કાયદો રાજાને લાગુ પડતો નથી."
ગુજરાતના ઇતિહાસકાર રિઝવાન કાદરી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "ત્રીજી જાન્યુઆરીએ સમાચારપત્ર સંદેશમાં સમાચાર છપાયા હતા કે મહારાજાનાં લગ્ન મુંબઈમાં થયાં ત્યારે મહારાણી શાંતાદેવીની શું સ્થિતિ થઈ હશે? મરાઠી અખબારમાં છપાયેલા અહેવાલને ટાંકીને સંદેશે લખ્યું હતું કે પ્રતાપસિંહનાં આ લગ્નની ગંધ ચાર મહીના પહેલાં જ આવી ગઈ હતી જ્યારે મહારાણી અને તેમનાં બાળકો મુંબઈ અને મસૂરી ગયા અને મહારાજ નીલગિરિનાં જંગલોમાં હાથીનો શિકાર કરવા ગયા."
રિઝવાન કાદરી વંદેમાતરમ્ અખબારના 15 જાન્યુઆરી, 1944ના રોજ છપાયેલા એક અહેવાલને ટાંકીને કહે છે કે તે વખતે નારી સંગંઠનોએ પણ આ બીજાં લગ્નનો વિરોધ કર્યો હતો અને પ્રજામંડળના કેટલાક નેતાઓએ પણ વિરોધ કર્યો હતો. પ્રજામંડળના આ નેતાઓએ સવાલ પૂછ્યો કે કાયદાનો ઘડનાર જ કાયદાનો ભંગ કઈ રીતે કરી શકે?
'વૅન ક્લીફ ઍન્ડ આર્પેલ્સ: ટ્રેઝર્સ ઍન્ડ લિજેન્ડ્સ' પુસ્તકમાં ઉલ્લેખ છે, "આ મામલે બ્રિટિશ સત્તાધીશોએ પહેલાં તો પ્રતાપરાવના આ બીજાં લગ્નને માન્યતા આપવાનો ઇન્કાર કર્યો પરંતુ બાદમાં લગ્નને એ શરતે માન્યતા આપવામાં આવી કે તેમના રાજ્યનો વારસ શાંતાદેવીથી થયેલો પુત્ર જ રહેશે. આમ છતાં અંગ્રેજોએ સીતાદેવીને મહારાણીના પ્રોટોકૉલ પ્રમાણે 'હર હાઇનેસ' સંબોધવાનું ટાળ્યું હતું." (પેજ નંબર 32)
આ જ પુસ્તકમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે એક દિવસ પ્રતાપસિંહ સીતાદેવીને તેમના નઝરબાગ મહેલમાં લઈ ગયા અને તેમને શાહી ખજાનો દેખાડ્યો. સીતાદેવી ખજાનાના હીરાઝવેરાતને જોઈને અચંબિત થયાં કારણ કે તેમાં દુનિયાની ઘણી દુર્લભ બેશકિમતી રત્નોની અદ્ભુત ચીજવસ્તુઓ અને ડાયમન્ડ્સ, મોતી તથા કિંમતી પથ્થરોથી મઢેલા અનેક ઝવેરાત આ ખજાનાની શોભા હતા. (પેજ નંબર 32)
સીતાદેવી પ્રવાસ અને શૉપિંગનાં શોખીન હતાં

ઇમેજ સ્રોત, historyofvadodara.in
લેખક લકી મૂરે લિખિત પુસ્તક ‘મહારાણીઝ : લાઇવ્ઝ ઍન્ડ ટાઇમ્સ ઑફ થ્રી જનરેશન ઑફ ઇન્ડિયન પ્રિન્સિસ’માં પેજ નંબર 565માં ઉલ્લેખ છે કે તે સમયગાળામાં ગાયકવાડ રાજ્ય ભારતનું ત્રીજુ સૌથી સમૃદ્ધ સામ્રાજ્ય હતું.
'વૅન ક્લીફ ઍન્ડ આર્પેલ્સ: ટ્રેઝર્સ ઍન્ડ લિજેન્ડ્સ' નામના પુસ્તકમાં પ્રતાપરાવને ભારતના બીજા નંબરના શ્રીમંત રાજા ગણાવ્યા છે.
પ્રતાપસિંહ રાવ પાસે પૈસાની કમી નહોતી. સીતાદેવી વિદેશ પ્રવાસ, મોંઘી ચીજવસ્તુઓની શૉપિંંગ અને રૉયલ પાર્ટીઝનાં શોખીન હતાં. તેઓ મોંઘી-મોંઘી બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવાનો આગ્રહ રાખતાં.
જોકે સીતાદેવીના આવવાથી રાજપરિવારમાં ખટપટ વધી ગઈ.
જાણકારો કહે છે કે પ્રતાપસિંહ રાવનાં પ્રથમ પત્ની શાંતાદેવી સાથે સીતાદેવીનું બનતું નહોતું.
ગાયકવાડ પરિવાર પર સંશોધન કરનારા ચંદ્રશેખર પાટીલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, "બંને મહારાણી અલગ-અલગ રહેતાં હતાં, શાંતાદેવી લક્ષ્મીવિલાસ પેલેસમાં અને સીતાદેવી મકરપુરામાં બનેલા મહેલમાં રહેતાં હતાં."
જિતેન્દ્રસિંહ ગાયકવાડ કહે છે, "સીતાદેવીને શિકારનો શોખ હતો, તેઓ બંદૂક પણ ચલાવી જાણતાં, ઘોડેસવારીનો શોખ હતો. તેઓ મહેમાનોની આગતાસ્વાગતામાં માનતાં. તેમને ઘણી યુરોપિયન ભાષા તથા ફેશન જગતનું જ્ઞાન હતું."
1946માં વિશ્વયુદ્ધ સમાપ્ત થતાં જ પ્રતાપરાવ અને સીતાદેવી વિદેશની ટૂર પર નીકળી ગયાં. બંનેએ બે વખત અમેરિકાનો પ્રવાસ કર્યો અને ધૂમ ખર્ચો કર્યો. મોટાભાગે સીતાદેવીએ લક્ઝૂરિયસ ચીજવસ્તુઓ ખરીદવા માટે અઢળક પૈસા ખર્ચ્યા.
તેઓ લકઝરી કારનાં પણ શોખીન હતાં. તેમની પાસે મર્સિડીઝ W126 હતી જે મર્સિડીઝ કંપનીએ ખાસ સીતાદેવી માટે ડિઝાઇન કરી હતી.
જોકે જીતેન્દ્રસિંહ ગાયકવાડ તેમના બચાવમાં કહે છે કે તેઓ વિદેશ પ્રવાસ એટલા માટે કરતાં કારણ કે વિદેશની સારી વસ્તુઓ અહીં આવે સાથે આધુનિક વિચારોનું આદાનપ્રદાન થાય સાથે નવી તકનીક ભારતમાં આવે અને લોકોને તેના દ્વારા સુખાકારીનો લાભ મળે.
‘વડોદરાના ખજાનામાંથી અદ્ભુત અને બેશકિમતી ચીજવસ્તુઓ થઈ ગાયબ’

ઇમેજ સ્રોત, Getty Images
સીતાદેવી સાથે અમેરિકા અને યુરોપની ટ્રિપ માટે પ્રતાપસિંહે રાજ્યના ખજાનામાંથી લાખો રૂપિયા ઉપાડ્યા. રેકર્ડ મુજબ માત્ર રૂપિયા જ નહીં પરંતુ ભારત સરકારને માલૂમ પડ્યું કે તેમણે શાહીખજાનામાંથી બેશકિમતી ચીજવસ્તુઓ અને હિરાઝવેરાત પણ ઇંગ્લૅન્ડ મોકલી દીધા છે.
મેનન લખે છે, "પ્રતાપસિંહ રાવે વર્ષે તેમને મળતા 50 લાખ ઉપરાંત સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ રિઝર્વ એટલે કે પ્રજાના ફંડમાંથી વર્ષ 1943થી માંડીન 1947 સુધીમાં 6 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. તેમણે બેશકિમતી ઝવેરાત જેમકે સેવન-સ્ટ્રેન્ડ પર્લ નેકલેસ, ‘Star of South, Eugene અને Shahi Akbar’ નામના પ્રાઇસલેસ હીરાઓથી બનેલો ડાયમન્ડ નેકલેસ તથા બે પર્લ કાર્પેટ ઉપરાંત અનેક કિંમતી ચીજવસ્તુઓને ઇંગ્લૅન્ડ મોકલી દીધી હતી." (પેજ નંબર 483)
જાણકારો કહે છે કે આ પૈકીની ઘણીબધી બેશકિમતી જ્વેલરી સીતાદેવી પાસે પહોંચી ગઈ.
રિઝવાન કાદરી કહે છે, "કરોડો રૂપિયાનો ખજાનો તેમણે વડોદરાથી વિદેશ મોકલી દીધો. આ માટેનું સુવ્યવસ્થિત આયોજન થયું હતું અને તે બહુ પહેલાથી ચાલતું હતું."
મેનન લખે છે કે વડોદરાના જવાહરખાનાના ઍકાઉન્ટમાં 1.5 કરોડની નવી જ્વેલરી ખરીદી હોવાની એન્ટ્રી પણ જોવા મળી. તેમાંથી ઘણી વસ્તુઓ ગાયબ હતી અથવા તો તેને ભાંગી-તોડીને નવી જ્વેલરી બનાવવામાં આવી હતી. જવાહરખાનામાં ગેરકાયદે પ્રકારની ઘણી કિંમતી ચીજવસ્તુઓ પણ જણાઈ.
મેનન લખે છે કે આખા મામલાની તપાસ માટે ભારત સરકારે ઑડિટ કરવા માટે વિશેષ અધિકારીને મોકલ્યા હતા પરંતુ પ્રતાપસિંહ રાવે તેમની તપાસમાં કોઈ મદદ ન કરી.
ચંદ્રશેખર પાટીલ જણાવે છે, "ભારતના રાજવી પરિવારો જ્યારે વિદેશ જતા હતા ત્યારે તેમના વિશેષ પાસપોર્ટને કારણે ચેકિંગ થતું નહોતું. મનાય છે કે મોંઘાદાટ ચિત્રો જેમાં એદગર દેગાસ અને પિકાસોનાં ચિત્રો સહિતની ઘણી ચીજવસ્તુઓ સ્યૂટકેસમાં પેક કરીને વિદેશ મોકલી આપવામાં આવી હતી."
જ્યચારે ગાયકવાદ પરિવાર સાથે સંબંધિત જીતેન્દ્રસિંહ ગાયકવાડ કહે છે, “તેઓ કંઈ ચોરીછૂપીથી નહોતા લઈ ગયા. તે તેમની સંપત્તિ હતી અને તે તેમનો વ્યક્તિગત મામલો હતો.”
વડોદરા અને અન્ય રાજ્યમાં પ્રથા કે નિયમો હતા કે રાજ્યના ઝવેરાતખાનામાં સામેલ ચીજવસ્તુઓને વ્યક્તિગત ઉપયોગમાં લીધા બાદ તેને ઝવેરાતખાનામાં પરત મુકવી. જ્યારે કે આ બધી ચીજવસ્તુઓના ગાયબ થવાને લઈને પ્રતાપસિંહ રાવ પર ભારત સરકારની શંકા થઈ.
આ સિવાય પણ વડોદરા રાજ્યના ભારતીય સંઘમાં વિલિનીકરણ કરવાને લઈને તેમના વ્યવહાર મામલે ભારત સરકાર તેમનાથી નારાજ હતી.
જોકે પ્રતાપસિંહે તેમની સામે લગાવાયેલા આરોપોનું ખંડન કર્યું સાથે તેમણે જે ખર્ચો કર્યો હતો તેને પરત કરવાની ખાતરી આપી.
મેનન લખે છે કે આમ છતાં ભારત સરકારે વર્ષ 1951માં આર્ટિકલ 366(22) અંતર્ગત તેમને મહારાજાપદેથી હઠાવ્યા અને તેમની જગ્યાએ તેમના વરિષ્ઠ પુત્ર યુવરાજ ફતેસિંહને બરોડાના મહારાજાની પદવી આપવામાં આવી.
એક તરફ પ્રતાપસિંહની ગાદી ગઈ અને બીજી તરફ સીતાદેવીના શોખ વધતા જતા હતા.
ફૅશન, સ્ટાઇલ અને જ્વેલરી પ્રત્યેની ચાહ

ઇમેજ સ્રોત, Getty Images
સીતાદેવીનું સિલ્કની સાડી તથા જ્વેલરીનું કલેક્શન અદ્ભુત માનવામાં આવે છે અને તે વખતના ફૅશનજગતમાં તેની ચર્ચાઓ હતી.
જીતેન્દ્રસિંહ ગાયકવાડ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, "મહારાણી સીતાદેવીને લોકો ભારતીય વેલિસ સિમ્પસન કહેતાં હતાં. વેલિસ સિમ્પસન અમેરિકન સોશિયલાઇટ હતાં જેઓ ઇંગ્લૅન્ડના રાજા ઍડવર્ડ અષ્ટમના પ્રેમમાં પડ્યાં હતાં. સિમ્પસન સાથે લગ્ન કરવા માટે રાજા ઍડવર્ડ અષ્ટમને ગાદી છોડવી પડી હતી કારણ કે વેલિસ સિમ્પસનનાં પહેલાં બે લગ્ન તૂટી ચૂક્યાં હતા અને તેમનાં બંને પતિ સાથે તલાક પણ થઈ ચૂક્યાં હતાં તેથી 'બ્રિટનનો રૂઢિવાદી સમાજ' તેમને સ્વીકારવા તૈયાર નહોતો. વેલિસ સિમ્પસન સાથે લગ્ન કર્યા બાદ ઍડવર્ડ અષ્ટમ ડ્યૂક ઑફ વિન્ડ્સર બન્યા અને વૉલિસ સિમ્પસન ડચેસ ઑફ વિન્ડ્સર."
વેલિસ સિમ્પસન અને સીતાદેવીની કહાણી મળતી આવતી હતી જેને કારણે સીતાદેવીને લોકો ઇન્ડિયન વેલિસ સિમ્પસન પણ કહેતા હતા.
તેમનું રૂબી અને ડાયમંડ તથા મોતીના ઝવેરાતનું કલેક્શન અદ્ભુત હતું. તેમને આ કિંમતી સ્ટોન પ્રત્યે ભારે લગાવ હતો. તેમણે પેરિસની વિશ્વવિખ્યાત જ્વેલરી અને ફૅશન બ્રાન્ડ વીલ રીફ ઍન્ડ આર્પેલ્સ પાસે ઘણા ઝવેરાત અને નેકલેસ બનાવડાવ્યા હતા.
તેમની પાસે સેંકડો મોંઘી સાડીઓ,પર્સ, બેગ્સ, શૂઝ, અને જ્વેલરીનો સંગ્રહ હતો. તેમનો વૉર્ડરોબ હૅરી વિન્સ્ટન, કાર્ટિયર જેવી જાણીતી બ્રાન્ડની વસ્તુઓથી ભરેલો હતો.
સીતાદેવીએ 1949માં તેમણે પહેરેલો 78.5 કૅરેટ ઇંગ્લિશ ડ્રેસ્ડેન ડાયમન્ડ્સથી બનેલો નેકલેસ જ્યારે પહેર્યો હતો ત્યારે તેમની આ નેકલેસ પહેરેલી તસવીરો ઘણી લોકપ્રિય બની હતી.
એક વાર તેમણે તેમના 30 કેરટ(6.0g) નિલમને ગુડલક માટે ટચ કરવા મહેમાનોને ખાસ આમંત્રિત કર્યા હતા.
પશ્ચિમના ફૅશન મેગેઝિનોમાં તેમની ફૅશન અને જ્વેલરી પ્રત્યેની ચાહની અવારનવાર ચર્ચા થતી રહેતી.
બેશકિમતી હતી તેમની જ્વેલરી?

ઇમેજ સ્રોત, Getty Images
‘Van Cleef & Arpels : treasures and legends’ નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે સીતાદેવી પાસે એક મોતીની માળા હતી. જેમાં 34,36 અને 40 મોતીઓ હતા.
આ મોતીઓ બસરા પર્લ્સ હતા. જે રેડ સીમાંથી મેળવાયેલા દુર્લભ મોતી હતા. આ પર્લ નેકલેસનું મૂલ્ય 599,200 ડોલર્સ હતું.
તેમની પાસે બે અન્ય નેકલેસ પણ હતા જેનું મુલ્ય 50,400 ડોલર આંકવામાં આવ્યું હતું.
તેમના કલેક્શનમાં બે અન્ય બ્લેક મોતીના નેકલેસ હતા જેની મુલ્ય 42,00 ડોલર હતું.
એક રિંગ પણ સેટ હતો જેમાં એક જ બહુમુલ્ય મોતી હતું.જેની કિંમત 33,600 ડોલર અંકાઈ હતી.
આ સિવાય તેમની પાસે વિશ્વ પ્રસિદ્ધ પર્લ કાર્પેટ પણ હતી. આ કાર્પેટ વડોદરાના મહારાજા ખંડેરાવ ગાયકવાડે બનાવડાવી હતી.
ચંદ્રશેખર પાટીલ કહે છે, “મહારાજા ખંડેરાવને પુત્ર નહોતો તેથી તેમને કોઈક મૌલવીએ સલાહ આપી કે જો તેઓ મોહમ્મદ પયગંબરની મદીનાની મસ્જીદ પર ચાદર ચડાવશો તો તમને પુત્ર થશે. તેથી ખંડેરાવે અસંખ્ય મોતીની બનેલી પર્લ કાર્પેટ બનાવડાવી. જોકે દરમિયાન તેમનું મૃત્યું થયું તેથી તે ક્યારેય મદીના ન પહોચી.”
મોતીની કાર્પેટની કિંમત બેશકિમતી હતી. તે 8 ફૂટ લાંબી હતી. જેમાં અગણિત મોતીઓ હતા સાથે રૂબી અને પોખરાજ ડાયમંડ અને કિંમતિ પથ્થરો જડેલા હતા.
પર્લ કાર્પેટની કિંમત તે સમયે 5 મિલિયન યુરોમાં આંકવામાં આવી હતી. (48 પેજ નંબર)
આ કાર્પેટ ક્યારે અને કઈ રીતે સીતાદેવી પાસેથી દોહા ખાતે નેશનલ મ્યૂઝિયમ ઑફ કતારમાં પહોંચી તે અંગે ઘણી કહાણીઓ છે. આ બધી કહાણીઓમાં સત્ય બાબત એક જ છે અને સત્ય એ છે કે આ પર્લ કાર્પેટ હાલ નેશનલ મ્યૂઝિયમ ઑફ કતારનો હિસ્સો છે.
સીતાદેવીના મૃત્યુ બાદ આ પર્લ કાર્પેટ જીનેવાના લોકરમાં મળી આવી હતી. જ્યારે 1994માં તેને વેચવામાં આવી ત્યારે તેના 31 મિલિયન ડૉલર ઉપજ્યા હતા.
જ્યારે કે સ્ટાર ઓફ સાઉથ ડાયમન્ડ અને અન્ય હિરા-ઝવેરાત આમ્સ્ટર્ડમના કેટલાંક જ્વેલર્સ પાસે મળી આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારો કહે છે કે સીતાદેવી પાસે સોના-ચાંદીથી મઢેલી ડિશો પણ હતી.
'વૅન ક્લીફ ઍન્ડ આર્પેલ્સ: ટ્રેઝર્સ ઍન્ડ લિજેન્ડ્સ' નામના પુસ્તકમાં લખાયું છે તે પ્રમાણે એક સમયે તેમની પાસે રહેલો લોટસ ફ્લાવર નેકલેસ 2009માં 2 મિલિયન યુરોમાં વેચાયો હતો. (પેજ નંબર 25,26)
પેરિસના ફેશન બ્રાન્ડ 'વૅન ક્લીફ ઍન્ડ આર્પેલ્સ'ની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, "વિશેષરૂપે મોજશોખ અને ભોગવિલાસિતા પ્રત્યે તેમની રૂચિ અને ઝવેરાત પ્રત્યે તેમના આકર્ષણ અને લગાવ તથા ઝનૂનને કારણે તેમને ‘ઇન્ડિયન વેલિસ સિમ્પસન’ તરીકે ઓળખવામાં આવતાં હતાં."
"પરંપરાગત પહેરવેશને મૉર્ડન ઢાંચામાં ઢાળવાની તેમની પ્રવૃત્તિએ પશ્ચિમ જગતનું ધ્યાન ખેંચ્યું હતું."
"ફ્રાંસના પેરિસમાં સ્થાયી થવાં પહેલાં તેઓ સ્વીટ તથા વૅન ક્લીફ ઍન્ડ આર્પેલ્સ બૂટિકમાં અવારનવાર નજરે પડતાં જ્યાં તેમણે પોતાનું વિશેષ આંતરરાષ્ટ્રીય વર્તુળ ઊભું કર્યું હતું."
"તેમણે જાક આર્પેલ્સને ઘણી ફેશનેબલ વસ્તુઓ બનાવવા માટેના ઑર્ડર્સ આપ્યા. તેમના દ્વારા નિર્મિત ‘હિન્દુ હાર’ એક અદ્ભુત રચના હતી."
"જે વડોદરાના શાહી ખજાનામાંથી લાવવામાં આવેલા કિંમતી રત્નોથી બનેલો હતો અને તેમાં 150 કૅરેટથી વધુના 13 કોલંબિયાઈ પન્નાઓ જડ્યા હતા."
"જેનો આકાર કમળ જેવો હતો અને તેની ગતિ દર્શાવવા માટે બનાવવામાં આવેલાં પાન અને ફૂલોની પાંખુડીની આકૃતિ પ્રકૃત્તિની જીવંતતાને દર્શાવતી હતી."
આમ ડાયમન્ડ અને મોંધી જ્વેલરીના ક્રેઝને કારણે તે જમાનામાં તેમને પેરિસનાં ક્વીન પણ માનવામાં આવતાં હતાં.
જીતેન્દ્રસિંહ ગાયકવાડ કહે છે કે સીતાદેવી હીરાનાં પારખું પણ હતાં અને પરીક્ષક પણ. તેમને જ્વેલરીની અને તેના ડિઝાઇનની પણ સમજ હતી.

ઇમેજ સ્રોત, www.vancleefarpels.com
સીતાદેવી અને પ્રતાપસિંહ રાવ છૂટાં પડ્યાં

ઇમેજ સ્રોત, Getty Images
પ્રતાપરાવ અને સીતાદેવીએ યુરોપમાં પોતાનું ઠેકાણું શોધ્યું. પહેલા તેમણે ફ્રાંસ નજીક આવેલા મોનાકોના મૉન્ટે કાર્લોમાં એક મેન્શન ખરીદ્યું.
દંપતિ અવારનવાર અહીં મુલાકાતે આવતું. સીતાદેવીનું તે સમયે એ કાયમી સરનામું હતું. મનાય છે કે પ્રતાપરાવે વડોદરાના ખજાનાની કેટલીક બેશકિમતી વસ્તુઓ અહીં શિફ્ટ કરી.
ત્યાર બાદ સીતાદેવીએ પેરિસમાં પણ એક મકાન લીધું.
Van Cleef & Arpels : treasures and legends નામના પુસ્તકમાં મિલાન વન્સેટે મહારાણી સીતાદેવી પર આખું ચેપ્ટર લખ્યું છે. તેમા તેઓ લખે છે કે અમેરિકાના પ્રવાસ દરમિયાન સીતાદેવી અને પ્રતાપસિંહે 10 મિલિયન ડૉલર્સનો ખર્ચ કર્યો હતો.(પેજ નંબર 15)
બંનેને 8 માર્ચ, 1945ના રોજ એક પુત્ર પણ થયો હતો. તેનું નામ પ્રતાપસિંહ રાવે તેમના દાદાના નામ પરથી સયાજીરાવ રાખ્યું. તેનું લાડકું નામ પ્રિન્સી હતું. ઇતિહાસ તેને સયાજીરાવ ચોથા તરીકે સંબોધે છે.
પણ બંને વચ્ચે ખટરાગ વધવા લાગ્યો પરિણામે બંને છૂટાં પડ્યાં. તેમના પુત્ર પ્રીન્સી સીતાદેવી પાસે જ રહ્યા.
ભલે તેઓ પ્રતાપસિંહ રાવથી અલગ થયા પરંતુ તેમણે મહારાણી હોવાનો માન-મરતબો જારી રાખ્યો અને મહારાણીનું ટાઇટલ પણ. તેમની પાસે જે રૉલ્સ રૉયસ કાર હતી તેના પર પણ વડોદરા રાજવી પરિવારનું પ્રતીક લગાવેલું દેખાતું હતું.
ચંદ્રશેખર પાટીલ કહે છે, "સીતાદેવીનો ખર્ચો ભારે હતો સાથે ભપકો પણ. તેમના ખર્ચા વધવા લાગ્યા હતા. તેઓ મોજશોખમાં અઢળક પૈસા વાપરતાં હતાં જેથી બંને વચ્ચે મતભેદો સર્જાયા અને પરિણામે તેમની વચ્ચે 1956માં છૂટાછેડા થયા."
જીતેન્દ્રસિંહ ગાયકવાડ કહે છે, "મહારાજ પ્રતાપસિંહ રાવે ઇંગ્લૅન્ડમાં અશ્વોનું ફાર્મ બનાવ્યું હતું. તેઓ
અશ્વ પારખું હતા. સીતાદેવી સાથેના છૂટાછેડા બાદ તેઓ ત્યાં જ રહ્યા અને 1968માં તેમનું નિધન થયું."
સીતાદેવીનો વેલિસ સિમ્પસન સાથે વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રતાપસિંહ રાવ સાથેના છૂટાછેડા બાદ સીતાદેવીએ ઘણી કિંમતી ચીજવસ્તુઓ વેચી દીધી. ચંદ્રશેખર પાટીલ કહે છે, "મોજશોખ પૂરા કરવા તેમને પૈસાની જરૂર હતી. તેમની લાઇફસ્ટાઇલ ઘણી ખર્ચાળ હતી. તેથી તેમણે કેટલીક કિંમતી ચીજવસ્તુઓ વેચીને પૈસાની જરૂરત પૂરી કરી."
Van Cleef & Arpels : treasures and legends પુસ્તકમાં એક પ્રસંગનો ઉલ્લેખ છે. જેમાં એક પાર્ટીમાં સીતાદેવી અને ડચેસ ઑફ વિન્ડ્સર વેલિસ સિમ્પસન વચ્ચે એક જ્વેલરીને લઈને વિવાદ થયો હતો.
સીતાદેવીએ વેલિસ સિમ્પસને પહેરેલા એક જ્વેલરી સેટને જોઈને કહ્યું કે આ તેના પગમાં પહેરવા યોગ્ય છે.
હકીકતમાં તેમનું માનવું હતું કે જે જ્વેલરને તેમણે હિરાજડિત નૂપુર વેચ્યાં હતાં તે જ્વેલરે તેની ડિઝાઇનમાં ફેરફાર કરીને નવાં ડાયમન્ડ અને કિંમતી સ્ટોન મૂકીને આ નેકલેસનો સેટ બનાવ્યો હતો. જે તેમણે ડચેસ ઑફ વિન્ડ્સરને વેચ્યો હતો. (પેજ નંબર 42)
સીતાદેવીની ટિપ્પણીને કારણે વેલિસ સિમ્પસનને માઠું લાગ્યું હતું.
જોકે જે જ્વેલર પાસેથી તેમણે આ જ્વેલરી લીધી હતી તે અમેરિકન જ્વેલર હેરી વિનસ્ટને સીતાદેવીના નૂપુરમાંથી આ જ્વેલરી બનાવી હોવાનો ઇન્કાર કર્યો. પરંતુ વેલિસ સિમ્પસને આ પ્રસંગે તેમનું અપમાન થયું હોવાનું પ્રતીત થયું અને તેમણે એ જ્વેલરી હેરી વિન્સ્ટનને પરત કરી દીધી હતી.
આ પ્રસંગ બાદ વેલિસ સિમ્પસન અને સીતાદેવી એક બીજા સામે આવવાનું ટાળતાં હતાં અને ક્યારેય બોલ્યાં નહોતાં. આ પ્રસંગ પહેલાં બંને પશ્ચિમની ફૅશન, રૉયલ અને શ્રીમંત જગત દ્વારા થતા મેળાવડા કે ઇવેન્ટ્સની શાન હતાં અને ઘણીવાર બંને સાથે નજરે પડતાં હતાં.(પેજ નંબર 42)
તેમને સ્મોકિંગનો પણ શોખ હતો.
તેઓ વિશ્વની મોંઘી સિગરેટ અને સિગાર પીતાં હતાં.
હવાના સિગાર તેમની ફેવરિટ હતી અને તેમના સિગરેટ હોલ્ડરમાં પણ રૂબી જડેલો હતો.
તેમના સિગરેટ કેસને Veel Cleef & Arpels દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો અને તે પણ બેશકિમતી હતો. ઉપરાંત તેમણે Veel Cleef & Arpels પાસે સોનાથી મઢેલું ટંગ ક્લિનર બનાવવાનો ઑર્ડર પણ આપ્યો હતો.
Van Cleef & Arpels : treasures and legends પુસ્તકમાં ઉલ્લેખ છે કે, 'મહારાણી સીતાદેવી વિશે કેટલીક અફવાઓ પણ ઊડી. જેમ કે જ્યારે તેઓ વડોદરાથી પેરિસ પહોંચ્યાં ત્યારે તેમની અદમ્ય સાહસ દાખવતી સફળતાની ઉજવણી કરવા તેમના મેન્શનમાં કેટલાક ગુલામો પાસે આખી રાત નૃત્ય કરાવ્યું હતું અને ડાંસ પાર્ટી કરી હતી.'
'કેટલીક અફવાઓ એ પણ ઊડી કે તેમની સુંદરતા અને તાજગીનું રહસ્ય આશા નામની એક ભારતીય મદિરામાં છૂપાયેલું છે. આ મદિરા મોર અને હરણનાં લોહી, સોના અને મોતીનો પાવડર તથા તેમાં કેસર અને મધ મેળવીને નદી કિનારે લાંબા સમય સુધી આથો લાવીને બનાવવામાં આવે છે.'
'આ મદિરાને પીરસવા માટે મહારાણી પાસે કિંમતી રત્નોથી મઢેલો પંખીના આકારનો સોનાનો પ્યાલો પણ હતો.'(પેજ નંબર 25-26)
'બીજા વિશ્વયુદ્ધથી ફ્રાંસ ઉભરવાનો પ્રયત્ન કરી રહ્યું હતું તેવામાં સીતાદેવી પેરિસની હાઇસોસાયટીની પાર્ટીની રોનક બની ગયાં.'
એક વાત એવી પણ ઊડી હતી કે તેઓ એક વખત અમેરિકાના પ્રવાસે હતાં ત્યારે તેમના પતિને ભારતમાં ફોન નહોતો લાગતો તેથી તેઓ અમેરિકાથી ઇંગ્લૅન્ડ આવ્યા અને પતિ સાથે ફોન પર વાતચીત કરીને અમેરિકા પરત ફર્યાં.
આ પ્રકારની આધાર વગરની તેમના વિશેની કહાણીની ચર્ચા ખૂબ થતી હતી.
જોકે આ બધી એવી કહાણીઓ હતી જેના કોઈ પુરાવા નહોતા અને આ પ્રકારની કહાણીએ તેમને નેગેટિવ પબ્લિસિટી પણ અપાવી.
જીતેન્દ્રસિંહ ગાયકવાડ કહે છે, "તેમનાં વિશે બહુ નકારાત્મક અને ઘસાતું લખાયું છે. તેમનાં વિશે જે ચિત્રણ થયું છે તેવાં તેઓ નહોતાં. તેઓ સુશિક્ષિત હતાં. તેઓ ફૅશન આઇકન હતા. તેઓ જાજરમાન મહિલા હતાં. સૌજન્યતા અને વિવેકથી ભરપૂર હતાં. અપ્રતિમ સૌંદર્ય સાથે તેમનામાં તીવ્ર બુદ્ધિશક્તિ અને શાલીનતા હતી."
પુત્રના નિધનનો સીતાદેવીને લાગ્યો આઘાત

ઇમેજ સ્રોત, Getty Images
પુત્ર પ્રિન્સી મોટા થઈ રહ્યા હતા. અનેક હીરા-મોતી સિવાય એક તેમની બીજી પણ ચાહત હતી, અને એ ચાહત હતી તેમનો પુત્ર પ્રિન્સી- સયાજીરાવ ગાયકવાડ(IV).
1960માં સીતાદેવી અને તેમનો પુત્ર Van Cleef & Arpels દ્વારા યોજાયેલી પાર્ટીમાં મુખ્ય મહેમાન બન્યાં હતાં. આ પ્રસંગે પિએરે આર્પેલ્સ દ્વારા સયાજીરાવ(IV)ના માનમાં એક હીરાનું નામ પ્રિન્સી આપવામાં આવ્યું હતું.
તેમની ખર્ચાળ લાઇફસ્ટાઇલને કારણે તેમની પાસે પૈસા ખૂટી પડ્યા. તેને કારણે તેમણે તેમના જ્વેલરીના કલેક્શનના કેટલાક ભાગની 1974માં નીલામી કરી.
ચંદ્રશેખર પાટીલ સીતાદેવીના પુત્ર વિશેની જાણકારી આપતા કહે છે, "પ્રિન્સીને સંગીતમાં ઘણી રુચિ હતી. તેઓ જાઝના ખૂબ જાણકાર હતા પણ તેમને પણ તેમનાં માતાની જેમ પ્રસિદ્ધિનો નશો હતો. તેઓ દારૂ અને નશાને રવાડે ચડી ગયા. 1985માં 40 વર્ષની ઉંમરમાં તેમણે આત્મહત્યા કરી."
પુત્રના આકસ્મિક મોતથી સીતાદેવીને ઊંડો આઘાત લાગ્યો. તેમને હવે એકલતા સતાવવા લાગી. તેઓ બહુ વર્ષ ન જીવી શક્યાં. પુત્રના મોતના ચાર વર્ષ બાદ તેમનું 1989માં વધુ પડતી ઉંમરને કારણે કુદરતી મોત થયું.
તેમના મોત બાદ વડોદરાના શાહી ખજાનાની કેટલીક કિંમતી જ્વેલરી અને ચીજવસ્તુઓ મળી શકી. પર્લ કાર્પેટ જિનેવાના એક લૉકરમાં મળી આવી હતી.
આમ ઝાકમઝોળ ભરેલી તેમની પોતાની દુનિયામાં પૈસા તથા અનેક સુખસુવિધાઓ અને વૈભવ હોવા છતાં અંત સમયે સીતાદેવી સાવ એકલાં હતાં.












