ખીલજીએ હિંદુ રાજાને હરાવીને 1200 મણ સોનુંચાંદી અને રત્નો કેવી રીતે લૂંટ્યાં હતાં?

અલ્લાઉદ્દીન ખીલજી, દેવગિરિ કિલ્લો
ઇમેજ કૅપ્શન, અલ્લાઉદ્દીન ખીલજી, દેવગિરિ કિલ્લો
    • લેેખક, સિદ્ધનાથ ગાનુ
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીએ મહારાષ્ટ્ર પર આક્રમણ કર્યું અને દેવગિરિ તથા તેની આસપાસના વિસ્તારો જીતી લીધા હતા. દેવગિરિ જીત્યા પછી તેણે સોનું, હીરા-મોતી તથા અન્ય ઘણી મૂલ્યવાન વસ્તુઓ લૂંટી લીધી હતી એવી વાતો તમે સાંભળી હશે.

ઇતિહાસમાં અલ્લાઉદ્દીન ખીલજીની ક્રૂરતાની ઘણી કથાઓ અને દંતકથાઓ છે, પરંતુ ખીલજીએ દેવગિરિમાં આટલી મોટી લૂંટ કરી હોવાની કથા અફવા છે કે કેમ એવો સવાલ થાય છે.

મધ્ય યુગથી મહારાષ્ટ્રના બદલાતા ચહેરાનો સાક્ષી રહેલો એક ઓછો જાણીતો કિલ્લો એટલે દેવગિરિ અથવા દૌલતાબાદ. એ કિલ્લા પરથી ઘણા રાજવંશોએ શાસન કર્યું હતું. એટલું જ નહીં. મુહમ્મદ બિન તુગલકે દેવગિરિને પોતાની રાજધાની બનાવ્યું હતું. એ કિલ્લાની કથા શું છે?

યાદવ વંશના ભીલ્લમ પાંચમાએ તેની રાજધાની દેવગિરિમાં સ્થળાંતરિત કરી હતી. જોકે, આ કિલ્લો એ અગાઉ પણ અસ્તિત્વમાં હતો, પરંતુ યાદવ કાળ પછી આ કિલ્લો ઐતિહાસિક દૃષ્ટિએ નોંધનીય છે.

યાદવ, ખીલજી, તુગલક, નિઝામશાહી, મોગલ, મરાઠા અને અસફજાહી જેવા ઘણા રાજવંશોના ધ્વજ સાથે આ કિલ્લાએ ઇતિહાસમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

દેવગિરિ કિલ્લાની આસપાસ ત્રણ ‘કોટ’ છે. બધાની બહાર અંબર કોટ છે. નિઝામશાહીના વઝીર મલિક અંબરે તેનું નિર્માણ કરાવ્યું હતું તેથી તેને 'અંબર કોટ' કહેવામાં આવે છે. દૌલતાબાદ શહેર એ કિલ્લાની અંદર વસેલું છે. 'અંબર કોટ' અને 'મહા કોટ' વચ્ચે લગભગ 14 ચોરસ કિલોમીટર વિસ્તાર છે.

'કાલા કોટ' આ કિલ્લાની મુખ્ય કિલ્લેબંધી છે. 'કાલા કોટ'માંથી પ્રવેશ્યા પછી દેવગિરિનો મુખ્ય કિલ્લો આવે છે. 200 મીટર ઊંચો કિલ્લો તેની આસપાસની ખીણ અને કિલ્લાઓને કારણે લગભગ અભેદ્ય લાગે છે. તેમ છતાં આ કિલ્લાએ હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમાં સૌથી વધુ ચર્ચિત આક્રમણ અલ્લાઉદ્દીન ખીલજીએ કર્યું હતું.

અલ્લાઉદ્દીન ખીલજીનો દેવગિરિ પર હુમલો અને લૂંટ

દેવગિરિ/દોલતાબાદ કિલ્લો
ઇમેજ કૅપ્શન, દેવગિરિ/દોલતાબાદ કિલ્લો

ઇતિહાસકાર મોહમ્મદ કાસિમના પુસ્તક ‘તારીખ-એ-ફરિશ્તા’માં અલ્લાઉદ્દીન ખીલજી અને રામચંદ્ર રાય વચ્ચેના યુદ્ધ તથા ત્યારબાદની દેવગિરિની લૂંટની વિગત છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

યાદવ વંશના રાજા રામચંદ્ર રાયે 1217માં રાજગાદી સંભાળી હતી. રામચંદ્ર રાયના સમયમાં યાદવ સામ્રાજ્ય અને દેવગિરિ શક્તિશાળી બન્યા હતા.

રામચંદ્ર રાયની નજર દક્ષિણમાંના તેમના પ્રતિસ્પર્ધી રાજાઓ પર હતી. 1296માં તેમણે અલ્લાઉદ્દીન ખીલજીનો મુકાબલો કર્યો હતો. ખીલજીએ આક્રમણ કર્યું ત્યારે રામચંદ્ર રાય ઔરંગાબાદ એટલે કે હાલના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં લાસુર નજીક હતા.

હુમલા પછીની ધમાચકડીમાં રામચંદ્ર રાયે દેવગિરિમાં આશરો લીધો હતો, પરંતુ ખીલજીના સૈન્યએ અફવા ફેલાવી હતી કે ઉત્તર તરફથી તેમના વધુ 20,000 સૈનિકો આવી રહ્યા છે.

રામચંદ્ર રાય પાસે કોઈ વિકલ્પ ન હતો. તેથી તેમણે ખીલજી સાથે સંધિ કરી હતી અને તેને છ મણ સોનું, સાત મણ મોતી-હીરા-માણેક-નીલમણિ તથા કિંમતી રત્નો, 1,000 મણ ચાંદી અને 4,000 મણ રેશમી કાપડ આપ્યું હતું.

આ વિગત વાંચતા એ સમય આંખો સમક્ષ તાદૃશ્ય થાય, પરંતુ આ બધું વર્ણન માત્ર ફરીશ્તાના પુસ્તકમાં જ છે એ તમે જાણો છો? કવિ અને ઇતિહાસકાર અમીર ખુસરોએ ખીલજીના સમયમાં વિસ્તૃત લેખન કર્યું હતું. એમના પછી અબ્દુલ મલિક ઇસામીએ દેવગિરિના હુમલા બાબતે વિગતવાર લખ્યું હતું. આ બન્નેના લખાણમાં ઉપરોક્ત લૂંટનો ઉલ્લેખ ક્યાંય નથી. તેથી ઘણા ઇતિહાસકારો આ રેકર્ડની વિશ્વસનીયતા બાબતે સવાલ ઉઠાવે છે.

ફરિશ્તાનું આગમન 17મી સદીમાં થયું હતું. તેથી તેરમી સદીમાં બનેલી ઘટનાઓ વિશેની તેમની નોંધમાં કેટલો ઐતિહાસિક આધાર છે અને કેટલો કાલ્પનિક છે તે વિચારવા જેવી વાત છે.

વરિષ્ઠ ઇતિહાસકાર ડૉ. બ્રહ્માનંદ દેશપાંડેએ તેમના પુસ્તક ‘દેવગિરિચે યાદવ’માં આ લૂંટ બાબતે શંકા વ્યક્ત કરી છે. ખીલજી આ પ્રદેશમાં ભલે આવ્યો હોય, પરંતુ દેવગિરિ સુધી પહોંચી શક્યો ન હતો, એવું તેઓ માને છે.

દેવગિરિની પ્રખ્યાત અંધારી અને તેની દંતકથાઓ

બીબીસી ગુજરાતી

દેવગિરિની લડાઈઓ અને સ્થાપના વિશે વાંચતી વખતે અહીંની અંધારી બાબતે ખાસ ઉલ્લેખ જોવા મળે છે.

મુખ્ય કિલ્લાના પ્રવેશદ્વાર તરફ જતો માર્ગમાં અસમાન ઊંચાઈવાળાં પગથિયાં અને ઘોર અંધકાર હતો. મિથક એટલું જ આકર્ષક છે જેટલું આ અંધારાએ આગળ વધતા શત્રુઓને કિલ્લાની ચારે તરફની ખાઈમાં ફેંકીને પરાસ્ત કર્યા હતા.

આ અંધેરીનો માર્ગ ધુમાવદાર છે. અંદર ઘણાં પગથિયાં છે, પરંતુ તેમની ઊંચાઈ અને આકાર એકસરખા નથી. મતલબ કે કોઈ વ્યક્તિ અહીં બળજબરીથી પ્રવેશ કરે તો નિશ્ચિતપણે ગબડી પડે. આ અંધેરીમાં રક્ષકો માટે સંખ્યાબંધ ચોકી હતી.

કિલ્લાનો સુંદર દરવાજો
ઇમેજ કૅપ્શન, કિલ્લાનો સુંદર દરવાજો

અંધારીના છેડે લોખંડનો સરકતો દરવાજો હતો, પરંતુ તેમાં સૌથી બુદ્ધિશાળી યોજના આગ તથા ધુમાડાની હતી.

અંધારાની વચ્ચોવચ પથ્થરની દીવાલમાં એક ગાબડું હતું, જેમાંથી પવન આવતો હતો. યોજના એવી હતી કે સળગતા કોલસા લોખંડના પાંજરામાં રાખવા અને તેનો ધુમાડો અંધકારમાં ફેલાવા દેવો. એ ધુમાડામાંથી પસાર થવું લગભગ અશક્ય હતું. ગ્રીક ઇતિહાસકાર પોલીબીયસે લખ્યું છે કે ઈસવી પૂર્વે 189માં રોમન સૈન્યએ એમ્બ્રેસિયાને ધેરી લીધું ત્યારે આવી જ યોજના ઘડવામાં આવી હતી.

કેટલીક જગ્યાએ એવી નોંધ સાંપડે છે કે અગ્નિ અંધારીના ઉપરના છેડે પ્રગટાવવામાં આવતો હતો, પરંતુ ઉપરના દરવાજામાંથી પવન આવવાનો કોઈ અવકાશ ન હતો અને સમય જતાં તે દરવાજો તેના મૂળ સ્થાન કરતાં થોડા ફૂટ વધુ ઊંચો કરવામાં આવ્યો હતો. તેથી ત્યાં આગ અને ધુમાડાની વ્યૂહરચના શક્ય ન હતી, એમ સિડની ટોયે ભારતીય કિલ્લાઓ વિશેના તેમના પુસ્તક ‘સ્ટ્રોંગહોલ્ડ્ઝ ઑફ ઇન્ડિયા’માં જણાવ્યું છે.

આ ટનલમાંથી પસાર થવાના ત્રણ રસ્તા હતા. એક રસ્તા પરથી કોઈ વ્યક્તિ બહાર જાય તો પ્રકાશના સંપર્કમાં અચાનક આવવાથી તે અંજાઈ જાય અને ઊંડા ખાડામાં પડી જાય. બીજો માર્ગ આગળના મોટા ખાડા તરફનો હતો, જ્યારે ત્રીજો કિલ્લામાં જતો હતો.

દેવગિરિની ઊંડી ખીણો અને મલિક અંબર

બીબીસી ગુજરાતી

દેવગિરિ વાસ્તવમાં પહાડી કિલ્લો છે. તેની પાસે રક્ષણાત્મક કિલ્લો છે, પરંતુ કિલ્લાના રક્ષણમાં મહત્ત્વનો ભાગ તેની આસપાસની ઊંડી ખીણો છે. યાદવકાળમાં તેનું અસ્તિત્વ ન હતું.

તમે શરૂઆતમાં જે ફરિશ્તા વિશે વાંચ્યું હતું, તેના વર્ણનમાં પણ આ ખીણનો સમાવેશ નથી. આ ખીણનું મૂળ શોધવા જઈએ તો નિઝામશાહીના વઝીર મલિક અંબર પાસે પહોંચી જવાય.

મલિક અંબર એક આફ્રિકન ગુલામ હતો, પરંતુ ભારત આવ્યા પછી પોતાની બુદ્ધિમત્તા અને કૌશલ્યને કારણે સીધો નિઝામશાહીમાં વઝીરપદ સુધી પહોંચ્યો હતો.

નિઝામશાહીના સ્થાપક મલિક અહમદે 1490ની આસપાસ દેવગિરિ પર નિયંત્રણ મેળવ્યું હતું. બાદમાં મુર્તઝા નિઝામશાહ 1610ની આસપાસ દેવગિરિ પહોંચ્યા હતા. અંબર મલિક મુર્તઝા નિઝામશાહનો વઝીર હતો. 1636માં ઔરંગઝેબે નિઝામશાહીને હરાવીને ડેક્કનમાં પોતાની હાજરી મજબૂત કરી હતી.

એ દરમિયાન મલિક અંબર પાસે દેવગિરિ ખાતે ખાડાનું નિર્માણ કરવા માટે પૂરતો સમય હતો, એવું તારણ તે સમયગાળાનો તુલનાત્મક અભ્યાસ કરીને કાઢી શકાય. એ વિશાળ ખાડા દર 200 મીટરે ખોદવામાં આવ્યા હતા. ધીમે ધીમે તેની ઊંચાઈ વધારવામાં આવી હતી. દુશ્મન કિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કરે તો તેને આવા વિશાળ ખાડાઓમાં ફસાવી દેવાની યોજના હતી.

તેની વિગત પી. કે. ઘાણેકરે તેમના પુસ્તક ‘યાદવાંચા દેવગિરિ’માં આપી છે. એક સમયે આ ખાડાઓ પર ડ્રો-બ્રિજ હશે એવું અનુમાન છે, પરંતુ તેના કોઈ પુરાવા મળ્યા નથી. આ ખાઈ કે ખાડાના ઉપયોગ વિશે તેમણે લખ્યું છે, “આ ખાડો બે હેતુવાળી રચના છે. દુશ્મનના આક્રમણનું જોખમ હોય ત્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવતું હતું અને બીજામાં તે પાણીના પ્રવાહને અવરોધવામાં આવતો હતો. તેથી પાણીનું સ્તર વધે, પાણીમાં લો-લેવલ બ્રિજ ડૂબી જાય અને દુશ્મન માટે તે ખાઈ કે ખાડાને પાર કરવાનું મુશ્કેલ બની જાય.”

“એ જગ્યા પર 1952માં લોખંડનો પુલ બનાવવામાં આવ્યો હતો. તેથી મલિક અંબરે આવી ખાઈ કે ખાડા બનાવી, તેમાં પાણીની સ્તરને નિયંત્રિત કરીને કિલ્લાના સંરક્ષણનો અનોખો ચમત્કાર કર્યો હોવાનો દાવો વિદ્વાનો કરે છે.”

રાજધાની દેવગિરિ આવી

'સ્ટ્રોન્ગહોલ્ડ્સ ઑફ ઇન્ડિયા' પુસ્તકમાં સંદર્ભ

ઇમેજ સ્રોત, ARCHIVE.ORG

ઇમેજ કૅપ્શન, 'સ્ટ્રોન્ગહોલ્ડ્સ ઑફ ઇન્ડિયા' પુસ્તકમાં સંદર્ભ

સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીના મૃત્યુ બાદ થોડા સમય સુધી દિલ્હીમાં અરાજકતાનો માહોલ હતો. અલ્લાઉદ્દીનનો પુત્ર કુતુબુદ્દીન મુબારકશાહ સુલતાન બન્યો હતો. બાદમાં સલ્તનત ખીલજીથી તુગલક પાસે આવી હતી.

પહેલાં દેવગિરિનું નામ કુતુબાબાદ અને પછી કૂવ્વત-ઉલ-ઇસ્લામ રાખવામાં આવ્યું હતું. એ પછી પણ દેવગિરિનું નામાંતર થયું હતું.

ઇતિહાસમાં મોહમ્મદ બિન તુગલકની નોંધ એક તરંગી રાજા તરીકેની છે. તેમણે તેમની રાજધાની દિલ્હીથી દેવગિરિ ખસેડવાનો નિર્ણય કર્યો હતો અને દેવગિરિનું નામ બદલીને દૌલતાબાદ રાખ્યું હતું.

તુગલકે રાજધાની દિલ્હીથી દૌલતાબાદમાં ખસેડવાનો આદેશ 1327માં આપ્યો હતો. તેના માટે જોરદાર તૈયારી કરવામાં આવી હતી અને રાજધાની છેક ઉત્તરમાંથી સીધી દક્ષિણમાં આવી હતી.

દૌલતાબાદ થોડા સમય માટે જ તુગલકની રાજધાની રહ્યું હતું. તુગલકે 1334માં રાજધાની ફરી દિલ્હી ખસેડવાનો નિર્ણય કર્યો હતો અને સત્તાનું કેન્દ્ર ફરી ઉત્તર તરફ સ્થળાંતરિત થયું હતું, પરંતુ એ ટુંકા ગાળામાં દૌલતાબાદનું ભૂ-રાજકીય મહત્વ વધી ગયું હતું. દેવગિરિ અને દૌલતાબાદના કિલ્લા ડેક્કનમાં સત્તાના બે મહત્વના કેન્દ્ર તરીકે ઓળખાવા લાગ્યા હતા.

રાજધાની ખસેડતી વખતે તુગલકે દૌલતાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં બાંધકામ કર્યું હતું. બજારો, મસ્જિદો, કૂવાઓ અને ધર્મશાળાઓ જેવા તુગલક યુગના બાંધકામના નિશાન આજે પણ જોઈ શકાય છે.

ગુફા, મિનારો અને ભારતમાતાનું મંદિર

કિલ્લામાં ભારતમાતાનું મંદિર
ઇમેજ કૅપ્શન, કિલ્લામાં ભારતમાતાનું મંદિર

દેવગિરિની ડુંગરમાં કેટલીક ગુફાઓ જોવા મળે છે. કાળા કોટની અંદર ત્રણથી ચાર ગુફાઓ આવેલી છે. વચ્ચેની ગુફા સૌથી મોટી હતી. તેમાં ત્રણ ખંડ હતા. એ ગુફાની બરાબર સામે બીજી વિશાળ ગુફા છે, જેમાં દિવાલમાં 24 ખાડા ખોદવામાં આવ્યા છે. અહીં ભૂતકાળમાં 24 જૈન તિર્થંકરોની મૂર્તિઓ હશે એવું માનવામાં આવે છે. અલબત, હવે ત્યાં એકેય મૂર્તિ નથી અને એ ગુફાઓ સુધી પહોંચવાનું સરળ પણ નથી.

આ કિલ્લા પરની એક મસ્જિદનો ઇતિહાસ બહુ રસપ્રદ છે. ખિલજીએ દેવગિરિ કબજે કર્યા પછી, અલ્લાઉદ્દીનના પુત્ર કુતુબુદ્દીને કિલ્લા પર એક મસ્જિદ બનાવડાવી હતી અને તેનું નામ જામી મસ્જિદ રાખ્યું હતું. પશ્ચિમ બાજુએ પ્રાર્થના માટે એક મંડપ બનાવવામાં આવ્યો હતો, જે 126 સ્તંભ પર ઊભો છે.

ભારત આઝાદ થયું પછી પણ હૈદરાબાદના નિઝામે આ પ્રદેશ પરનો પોતાનો કબજો છોડ્યો ન હતો. હૈદરાબાદના આઝાદ કરાવવા ભારતીય સેનાએ ઓપરેશન પોલો શરૂ કર્યું અને નિઝામના શાસન પર પૂર્ણવિરામ મૂક્યું. ત્યારે આ કિલ્લા પરની મસ્જિદમાં ભારતમાતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. તેને ભારતમાતા મંદિરમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.

સંત જ્ઞાનેશ્વરે તેમની ભાવાર્થદીપિકામાં ‘યોગદુર્ગ’ નામનો વિચાર રજૂ કર્યો છે. જ્ઞાનદેવે દેવગિરિ કિલ્લાને ધ્યાનમાં રાખીને એ લખ્યું હોવાનો દાવો ઘણા લોકો કરે છે.

મરાઠી સાહિત્યના વિખ્યાત વિદ્વાન પ્રોફેસર એમ. વી. ધોંડ અને જી. કે. અગાશેએ પણ આ બાબતે વિગતવાર લખ્યું છે. જોકે, ઇતિહાસ અને પુરાતત્વના પ્રખ્યાત વિદ્વાન એમ. એસ. મેટેએ એ દલીલને ફગાવી દીધી છે.

તેમણે 1995માં લખેલા લેખ ‘યોગદુર્ગ અને દેવગિરિ’માં ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્ણન તથા વાસ્તવિક ખોદકામ તેમજ ઐતિહાસિક પુરાવાઓના તુલનાત્મક અભ્યાસને ધ્યાનમાં લેતાં લાગે છે કે જ્ઞાનેશ્વરીમાં યોગદુર્ગ, દૌલતાબાદ કે દેવગિરિ વગેરેનો કોઈ સંદર્ભ નથી.

આ કિલ્લો મધ્ય યુગથી માંડીને ભારતની આઝાદી તથા તે પછીના સમયનો સાક્ષી છે. સ્થાપત્ય, વિસ્તાર અને મહત્ત્વની રાજકીય ઘટનાઓનો સાક્ષી આ કિલ્લો આજે પણ દુર્ગપ્રેમીઓને આકર્ષિત કરે છે, એમાં આશ્ચર્યજનક કશું નથી.

કદાચ તેથી જ આ કિલ્લાની રસપ્રદ, ચમત્કારિક વાર્તાઓ સમયાંતરે સાંભળવા મળતી રહે છે. એ પૈકીની કેટલીક વાર્તાઓને તથ્યો તથા ઐતિહાસિક સંદર્ભો સાથે ચકાસીને તમારા સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ છે.

રેડ લાઇન
રેડ લાઇન